આવતી કાલે માતૃભાષા દિવસ છે. જ્યારથી વિશ્વ, દિવસો ઉજવતું થયું છે, કેલેન્ડર નાનું પડવા માંડ્યું છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ જ ‘વર્ષ નાનું ને દિવસ ઝાઝા’ થઈ ગયા છે. રોજના તહેવારોથી વર્ષ ફાટ ફાટ થવા લાગ્યું છે. એમાં થોડા દિવસો ભૂલી જવાય તો વર્ષ થોડું સાંકડું થાય, પણ તે કોઈ ભૂલવા દે એમ નથી. ફેબ્રુઆરી બેસે ત્યારથી જ વેલેન્ટાઇન્સ ઊઠવા માંડે છે. ગણપતિ ચોથ તો હવે ગોકુળ અષ્ટમીથી જ ગાજવા માંડે છે. નવરાત્રિની પ્રેક્ટિસ પણ હવે મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. વૉટ્સએપ પર રેડ એલર્ટ્સની જેમ જ ચેતવણીઓ આવતી રહે છે – આજે રોઝ ડે છે, ફ્રેંડશિપ ડે છે, હિન્દી દિવસ છે, માતૃભાષા દિવસ છે … વગેરે.
એમ તો માતૃભાષા દિવસની ઉજવણીનાં અનેક આયોજનો થાય છે ને કોઈએ સ્વિચ ઓફ કરી હોય તેમ બીજે જ દિવસે તેનું નાહી પણ નંખાય છે. એવું બધા જ ‘ડે’ માટે થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે થાય છે તે એટલું યાંત્રિક અને નિર્જીવ છે કે ઘણી વાર તો આ દિવસો રોબોટ્સ ઉજવતા હોય એવું લાગે. ક્યાંક ખરેખર જીવંતતાનો અનુભવ થતો ય હશે, પણ મોટે ભાગે તો આપણે કેટલાક દિવસો ટેવ વશ, ‘ઊજવી’ કાઢીએ છીએ. આપણાં મોટે ભાગનાં ઉજવણાં જીવ વગરનાં છે. કેટલાકમાં તો નર્યો દેખાડો જ છે. ઘણી વાર તો વહેમ પડે છે કે દિવસો સેલ્ફી માટે છે કે સેલ્ફી દિવસો માટે છે? મોબાઈલે એક આખી ફોરવર્ડિયા સંસ્કૃતિ ઊભી કરી છે જે કૈં પણ જાણ્યા મૂક્યા વગર બધું ફોરવર્ડ કરીને ખુશ થયા કરે છે.
આવું બધું માતૃભાષા દિવસે પણ થાય છે. 17 નવેમ્બર, 1999ને રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવાની યુનેસ્કોએ જાહેરાત કરી અને 2000ની સાલથી દર 21મી ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવાય છે. વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાતી હશે ને ભારતની વાત કરીએ તો ભારતમાં જ 427 ભાષા-બોલી બોલાય છે. વિશ્વની સૌથી વધારે માતૃભાષા ધરાવતી 30 ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન 23મું છે. આ વખતે પણ માતૃભાષાનું મહત્ત્વ સમજાવતા અનેક કાર્યક્રમો થશે, વક્તવ્યો, વંદનાઓ થશે, સ્પર્ધાઓ, સન્માનો થશે ને રાત સુધીમાં તો માતૃભાષાનો વીટો વળી જશે. એમાં ગુજરાત મોખરે હશે. માતૃભાષાનું સૌથી વધારે નાટક વિશ્વમાં ગુજરાતમાં થતું હોય તો નવાઈ નહીં ! આમ કહેવાનું ગમતું નથી, પણ હકીકત એ છે કે ગુજરાતમાં માતૃભાષાનું થાય છે એવું અપમાન બીજે નહીં થતું હોય. માતૃભાષાનું એટલું જ લાગતું હોય તો પુછાય ખરું કે સરકારે ગુજરાતી માધ્યમની શાળાઓ કઇ ખુશીમાં બંધ કરી છે? વિદ્યાર્થીઓ નથી મળતા એટલે ગુજરાતી સ્કૂલો બંધ કરવી પડે છે – એવું બહાનું આગળ કરાય છે, તો પ્રશ્ન એ થાય કે ગુજરાતમાં હવે અંગ્રેજો જ પેદા થાય છે? આ સુધારો અંગ્રેજો ગયા પછી આવવાનું શું કારણ છે? એ સમયમાં માત્ર અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલી શક્યા હોત, અંગ્રેજો, કારણ એમનું શાસન હતું, પણ એવું ન થયું ને અંગ્રેજોએ ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરી. કમાલ એ છે કે અંગ્રેજ સરકારે ગુજરાતી સ્કૂલો ચાલુ કરી ને ગુજરાત સરકારે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરીને અંગ્રેજી માધ્યમની સ્કૂલોને ઉત્તેજન આપ્યું. કેમ, ગુજરાતની માતૃભાષા અંગ્રેજી છે?
એ સાચું કે ટેકનિકલ એજ્યુકેશન કે એન્જિનિયરિંગ કે મેડિકલ શિક્ષણમાં લોકોનો રસ વધ્યો ને કેટલુંક અંગ્રેજીમાં જ શક્ય હતું એટલે અંગ્રેજી તરફનો ઝોક વધે તે સમજી શકાય, તેટલા પૂરતું અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારવાનો પણ વાંધો ન હોય. જો કે, બધાં જ કૈં ડોક્ટર્સ કે એન્જિનિયર્સ થવાના ન હતા. ગુજરાતને બધા વિષયોનું સ્કૂલનું શિક્ષણ તો ગુજરાતીમાં જ અપાતું હતું ને કોલેજોમાં તો આમ પણ અંગ્રેજીમાં જ મોટે ભાગના વિષયો ભણાવાતા હતા, ત્યારે પણ વૈજ્ઞાનિકો, ડોકટરો, એન્જિનિયરો પેદા થયા જ, તો છેલ્લાં થોડાં વર્ષોમાં એવું શું થયું કે કે.જી., નર્સરીથી જ અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધવા માંડી? પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ અપાય એવું જગત આખું પોકારી પોકારીને કહે છે તે આપણી પ્રજાને કે સરકારને કેમ સમજાતું નહીં હોય? ક્યાં ય માતૃભાષાને ભોગે અંગ્રેજીનો મહિમા નથી થતો, એ ગુજરાતમાં જ થાય છે ને કદાચ સૌથી વધુ થાય છે.
આમ થાય છે એમાં ભાષા કરતાં પણ ખાનગી સ્કૂલ, કોલેજો વધુ કારણભૂત છે. સરકારની એ જવાબદારી હતી ને છે કે પ્રાથમિક શિક્ષણ તે વિના મૂલ્યે આપે. એનો ખર્ચ સરકારને માથે હતો ને કોઈ પણ સરકાર ઈચ્છે કે તેનો બોજ ઘટે. એ તો જ ઘટે, જો ગ્રાન્ટેડ સ્કૂલો ઘટે. હવે એવું તો હતું નહીં કે વિદ્યાર્થીઓ ઘટી ગયા તેથી સ્કૂલો બંધ કરવી પડે, કારણ વસ્તી તો વધતી જ હતી, તેથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો તો હતો જ. આવામાં કોઈ ફળદ્રૂપ ભેજાને થયું હશે કે ગ્રાન્ટ વગર સ્કૂલો ચાલુ થાય તો ધારેલી ફી વાલીઓ પાસેથી વસૂલી શકાય. વેલ, ખાનગીમાં પણ એકડિયું, બગડિયું જ કરાવવાનું હોય તો વાલીઓ કૈં બહુ ફી આપીને ઊંધા ના વળે. એનો તોડ એવો કઢાયો કે અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો શરૂ થાય તો મોંઘી ફી આપીને પણ વાલીઓ તેમનાં સંતાનોને અંગ્રેજીમાં ગોટપીટ કરતાં જોઈ શકે. કેટલાક વાલીઓ તો ગુજરાતીમાં ય ખાસ ભણ્યા ન હતા, પણ તેમની ઈચ્છાની પૂર્તિ સંતાનોમાં થતી હોય તો થોડું વધારે ખર્ચાવા તે તૈયાર હતા. અંગ્રેજો હતા ત્યારે ન હતું, એટલું અંગ્રેજીનું આકર્ષણ વાલીઓને પછી વધ્યું. તેમને સંતાન અંગ્રેજીમાં બોલતું થાય તેનું ભારે આકર્ષણ હતું. ઘરમાં કોઈ આવતું તો છોકરાં પાસે ‘એ-ફોર એપલ’ કે ‘જેક એન્ડ જિલ …’ સફળતાપૂર્વક બોલાવવામાં વાલીઓને જન્મારો સાર્થક થયાનું લાગતું. એમને તો ગુજરાતી પણ કોઈ અંગ્રેજીમાં ભણાવે તો બેડો પાર થઈ જાય એવું હતું, તે ત્યાં સુધી કે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં નર્સરીની ટીચર બાળકને ગુજરાતીમાં સમજાવતી તો અશિક્ષિત વાલીને વાંધો પડતો કે ટીચર અંગ્રેજીમાં સૂચના આપવાને બદલે ગુજરાતીમાં આપે છે. અંગ્રેજી મીડિયમમાં બાળક ભણતું હોય તો ગુજરાતીમાં કોઈ વાત કરી જ કેમ શકે? પણ હકીકત એ હતી કે બાળક ‘એ- ફોર એપલ’ હજી તો શરૂ જ કરતું હોય ત્યાં ટીચર અંગ્રેજીમાં સૂચના આપે તો તે સમજી કઇ રીતે શકે, જો માબાપ ઘરમાં ગુજરાતી પણ પૂરું બોલી ના શકતા હોય? ખરેખર તો વાલીએ ગુજરાતી સિવાય બીજી ભાષા જ બહુ જાણી નથી, અંગ્રેજીનો તો સંપર્ક જ નથી, તો બાળક સ્કૂલમાં ગુજરાતીમાં જ સહેલાઈથી સમજશે કે ટીચર એને અંગ્રેજીમાં સમજાવે તો જ સમજવાનું સરળ થશે? પણ, વાલીને ઉતાવળ છે, રાતોરાત ખાનદાન અંગ્રેજી માધ્યમનું થઈ જાય એની !
ટૂંકમાં, સરકારે ધંધો કરવો હતો એટલે તેણે અંગ્રેજીનો મહિમા કર્યો ને વાલીઓએ તો ખાનદાન જ અંગ્રેજી કરવું હતું, વધારામાં કેટલાક નેતાઓ પણ અંદર ખાને અંગ્રેજી માધ્યમને ઉત્તેજન આપતા હતા, કારણ એ સ્કૂલો એમની કે એમના સંબંધીઓની હતી ને એમ કરવાથી પ્રાથમિકના બોજમાંથી છૂટાય એમ હતું ને ખાનગીમાં કમાણી થાય એમ હતું, એટલે માતૃભાષા ગુજરાતી, હાંસિયામાં ધકેલાતી ગઈ. આજે તો ગુજરાત તેની માતૃભાષા અંગ્રેજી બનાવવા માટે સખત પ્રયત્નો કરી રહ્યું છે. લાગે છે, કોઈ રાજ્યમાં અંગ્રેજીની આટલી ઘેલછા નહીં હોય ! હજી મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં, બંગાળી, પંજાબમાં પંજાબીનો મહિમા છે, પણ ગુજરાતમાં ગુજરાતીનું મમત્વ જણાતું નથી. વિદેશ અભ્યાસ માટે જનાર અંગ્રેજી શીખે ને સજ્જ થાય એની જરા પણ ના નથી, પણ અંગ્રેજી, અમેરિકા કે ઈંગ્લેન્ડમાં જેટલું ખપમાં આવશે, એટલું રશિયા, જાપાન, ફ્રાંસમાં આવવાનું નથી. જે તે દેશમાં તો જે તે દેશની ભાષા જ શીખવી પડશે, એટલે અહીંનું અંગ્રેજી બધા જ દેશોમાં ચાલી જશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. અગાઉ પણ જે વિદેશ જવા માંગતા હતા, તે જરૂરી અંગ્રેજી અહીંથી શીખીને જતા હતા ને અંગ્રેજી માધ્યમ વગર પણ વિદેશમાં તેમનો કારભાર ચાલ્યો હતો.
આજે ભલે વિદેશ જવા માટે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ લેવાય, પણ આખું ગુજરાત તો ઈંગ્લેન્ડમાં વસવાનું નથી, થોડા તો અહીં જ રહેવાના છે, એમને અંગેજ બનાવવાનું કે ગુજરાતને ઈંગ્લેન્ડ બનાવવાનું યોગ્ય છે? સવાલોનો સવાલ તો એ છે કે અહીંના લોકોને અંગ્રેજ બનાવીને સરકારે કરવું છે શું? ગુજરાતમાં ગુજરાતી રહે તો તેની એટલી સૂગ ન હોવી જોઈએ કે ગુજરાતીઓએ ગુજરાતી શીખવા ઈંગ્લેન્ડ કે અમેરિકા જવું પડે ! માતૃભાષાની ઉપેક્ષા, માણસને તેનાં મૂળ સંસ્કાર, ખાનપાન અને રહેણીકરણીથી પણ ઉપેક્ષિત કરે એમ બને. અન્ય રાજ્યનાં લોકો કરતાં ગુજરાતીઓ મૂળને છોડીને ઉધારની સંસ્કૃતિ પર વધારે નિર્ભર રહેતાં જણાય છે. એ જ કારણ છે કે ગુજરાતીઓ વધુ ફેશનેબલ છે. બીજાની નકલ કરવાનું તે ગૌરવ લઈ શકે છે. બીજાનો ખોરાક, બીજાનું સંગીત, બીજાની કળા, બીજાનાં રીતરિવાજો ગુજરાતીઓને વધુ માફક આવે છે. તેનું એક કારણ એ કે અન્ય કોઈ રાજ્ય કરતાં અહીંની પ્રજા દેશવિદેશમાં પહેલેથી જ વેપાર ખેડતી આવી છે. સુરત તો ચોર્યાસી બંદરો સાથે સીધું વાણિજ્ય ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. એમાં વળી ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં શરૂ થઈ. એનો પ્રભાવ દેશ આખા પર પડ્યો. વિદેશ ખેડવાને લીધે ગુજરાત અંગ્રેજીના પ્રભાવમાં પણ આવ્યું ને અંગ્રેજી વગર નહીં ચાલે એ ગ્રંથિએ અંગ્રેજી માધ્યમનો મહિમા વધાર્યો. આદાનપ્રદાન એક વાત છે ને આંધળું અનુકરણ બીજી વાત છે. અનુકરણમાં બાવાના બે ય બગડે. ન સરખી નકલ થાય, ન મૂળ સચવાય ! આજે એ સ્થિતિ છે કે નથી અંગ્રેજી પૂરું આવડતું કે નથી ગુજરાતી ! સો વાતની એક વાત, માધ્યમ કોઈ પણ હોય, ગુજરાતમાંથી ગુજરાતીને દેશવટો અપાતો હોય તો ગુજરાતીઓને તાબોટા ફોડીને નાચવા ન દેવાય. એવું સરકાર કરતી હોય કે પ્રજા, બધી રીતે નિંદનીય ને ધિક્કારને પાત્ર છે. આ બધું ચાલી રહ્યું હોય ને દેખાવ ખાતર માતૃભાષા માટે બહુ વહી જતું હોય તેવું નાટક, ગુજરાતીને મરતી નહીં બચાવી શકે. માતૃભાષાની હત્યા કરીને અંગ્રેજીનો મહિમા કરનારાઓ દેશદ્રોહી નથી એવું કઇ રીતે માનવું? આપણે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ ત્યારે હસવું એ વાતે આવે છે કે ગુજરાતમાં જ માતૃભાષાનો મહિમા ન હોય ને આપણે વિશ્વની માંડીએ છીએ ! વિશ્વ, દરેક માતૃભાષાને ઉજવવા આખા વિશ્વમાં એક દિવસ મનાવે તેનો આનંદ જ હોય, પણ અહીં ગુજરાતી ભાષા ઉજવવા જેવી સ્થિતિમાં નથી ત્યારે આનંદ નથી, ઉદાસી છે. પ્રશ્ન એ છે કે આખા વિશ્વની કોઈ એક માતૃભાષા હોય ખરી? હોય. મૌનની ભાષા ! જેને કોઈ મૂળાક્ષર, કોઈ શબ્દો કે વિરામ ચિહ્ન વગર ચાલે ને જે આખા વિશ્વમાં પણ ચાલે, ખરું કે નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ફેબ્રુઆરી 2023