નવી શિક્ષણ નીતિનાં સરકાર અને તેનાં સમર્થકો વખાણ કરે તેનો તો શો વાંધો હોય, પણ જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે, ત્યાં સુધી શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે ને દુ:ખદ એ છે કે સરકારનો અંધાપો કોઈ રીતે દૂર નથી થતો. નબળાઈઓ ન જોવી ને સરકારની આરતી ઉતાર્યા કરવી એ અહીંનાં શિક્ષણ જગતમાં કોઈ જીવલેણ રોગની જેમ લાગુ પડી ગયું છે. વધુને વધુ ફી વસૂલવાનું જેટલું ભાન શૈક્ષણિક સંસ્થાઓને છે એટલું શિક્ષણ અને પરીક્ષા લેવાની બાબતમાં નથી જ ! છબરડો ન વાળે એવી યુનિવર્સિટી હજી સ્થપાઈ નથી. યુનિવર્સિટી હોય તો, છબરડો તો વાળે જ ! સીધું સાદું ભણવાનું ને ભણાવવાનું હવે લોહીમાં જ રહ્યું નથી. બધે જ કોઈકને કોઈક પ્રકારની રમત રમાયાં કરતી હોય એવું લાગે છે. એટલું સારું છે કે વિદ્યાર્થીઓ ઘણું ખરું વર્ગખંડોની બહાર જ ભણતા હોય છે એટલે અધ્યાપકોને વગોવવાનો અર્થ નથી. એમ તો અધ્યાપકો વાંચે પણ છે, પણ વિદ્યાર્થીઓ ઓછું જ આવતા હોવાથી એમનાં વાંચનનો લાભ વર્ગખંડોને બહુ મળતો નથી. ટૂંકમાં, ભણતર સ્વૈચ્છિક થઈ ગયું છે ને પરીક્ષા અને ફી ફરજિયાત થઈ ગઈ છે. યુનિવર્સિટી કોઈ પણ હોય, તેનું પરીક્ષાતંત્ર સદંતર ખાડે ગયું હોય તેવી સ્થિતિ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ ન હોય કે પરીક્ષામાં કોપી કરતાં પકડાય તો તેની સામે શિક્ષાત્મક પગલાં લવાય છે, પણ યુનિવર્સિટી જ પરીક્ષા લેવામાં દાટ વાળે તો તેનું ક્યાં જઈને રડવું તે પ્રશ્ન જ છે. યુનિવર્સિટીનાં કામનો મહત્ત્વનો ભાગ છે – પરીક્ષા. તે લેવાનું જ તેને ભાન ન હોય એ કેવું?
એક સમય હતો જ્યારે શિક્ષણ સમિતિનું પણ પેપર લીક થતું નહીં ને હવે પેપર લીક ન થતું હોય એવી યુનિવર્સિટી જડવી મુશ્કેલ છે. પરીક્ષા નક્કી હોય, તે લેવાનો સમય, સ્થળ નક્કી હોય, કયા વિષયની પરીક્ષા છે તે મહિનાઓ અગાઉ નક્કી થયું હોય ને પરીક્ષાના એના મોકે જ એકને બદલે બીજા વિષયનું પેપર અપાઈ જાય ને એની કોઈને જ શરમ ન હોય એ અસહ્ય છે. બોર્ડની એકઝામમાં એવું બન્યું છે કે નજીકનાં જ કોઈ વર્ષનું પેપર બેઠું જ પુછાયું હોય, ત્યારે થાય કે પરીક્ષાની મહેનત વિદ્યાર્થીને ન ફાવે તો તેનો શું વાંક, જયાં પેપરસેટર જ હરામનું કોઈ પેપર ઉઠાવીને મૂકી દેતો હોય ને જરા જેટલી મહેનત કરવા રાજી ન હોય? કેમ થાય છે, આવું? જે ક્ષેત્ર સૌથી વધુ શુદ્ધ હોવું જોઈએ, તે શિક્ષણનું ક્ષેત્ર જ આટલું ભ્રષ્ટ કેમ? એનો એક જ જવાબ છે, રાજકારણ. રાજકારણમાં તો હરામીઓ પેદા થયા જ, પણ તેણે બીજાં ક્ષેત્રોમાં પણ હરામીઓ પેદા કર્યા ને કારભાર એવા લોકોના હાથમાં આવતા ન્યાય, રક્ષણ, શિક્ષણ જેવાં ક્ષેત્રો પણ ભ્રષ્ટ થયાં. દરેક ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર આજે રાજકારણી જ બિરાજે છે. તે શ્રેષ્ઠ હોય તો આનંદ જ થાય, પણ એવું બહુ ઓછું છે. કોઈ કુલપતિ કે કોઈ અધિકારી ઉત્તમ હશે જ, કોઈ યુનિવર્સિટી કે કોઈ તંત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં આવતાં, ત્યાં સારું થતું જ હશે, પણ એ બધું એટલું જ વ્યાપક હોત, તો, તો જોઈતું જ શું હતું? કમભાગ્યે માથે હાથ દેવા જેવું જ વધુ છે.
ક્યાંક શિક્ષણની રીતિ-નીતિઓ જ એવી રહી છે કે ભ્રષ્ટતા સામેથી દોડતી આવે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.) જ્યારથી યુનિવર્સિટી અધ્યાપકો માટે પીએચ.ડી. ફરજિયાત કર્યું ને તે ઉપરાંત પણ અન્ય સંબંધિત પરીક્ષાઓ પાસ કરવાનું ફરજિયાત કર્યું, ત્યારથી સંશોધન રસનો વિષય ન રહેતાં ફરજનો ભાગ બની ગયું. નોકરી મેળવી આપે એવાં સંશોધનનાં કારખાનાં શરૂ થયાં. થોડીક સામગ્રી નાખો ને પીએચ.ડી.નાં જુદા જુદા સર્ટિફિકેટો હાજર થઈ જાય. ફી ભરો ને પૈસા ખર્ચો તો ગાઈડ જ થીસિસ લખી આપે ને ઘરે સર્ટિફિકેટ આપી જાય એની નવાઈ ન રહી. આમ પરીક્ષાનાં ઠેકાણાં નહીં, પણ બધાંમાં જ એન્ટ્રન્સ ટેસ્ટ દાણચોરીના માલની જેમ ઘૂસી ગઈ. પરીક્ષાનું કોઈ મહત્ત્વ જ વધુ પડતી પરીક્ષાઓએ ન રહેવા દીધું. બાકી હતું તે સેમેસ્ટરને લીધે પરીક્ષાઓની સંખ્યા વધી ગઈ. પરીક્ષાનાં પેપરો ફૂટતાં રહેતાં હોય, એકને બદલે બીજી પરીક્ષાનું જ પેપર અપાઈ જતું હોય, બુદ્ધિની કસોટી કરનારા, બુદ્ધિ ધરાવતાં ન હોય, ત્યાં પરીક્ષા, પરીક્ષા લીધે રાખવાથી ફીની આવક સિવાય જ્ઞાન તો શું વધે? એવા સફળ થયેલાઓ શિક્ષણમાં જોડાય ને એમના હાથમાં કારભાર આવે તો ઓછામાં ઓછો શિક્ષણનો દાટ તો વળે જ ! વળ્યો.
આમ લખીને હું, શિક્ષણને જ્યાં ગંભીરતાથી લેવાયું છે ને જ્યાં ખરેખર જ્ઞાનની શોધનો હેતુ છે એ ક્ષત્રને ને એની વ્યક્તિઓને અન્યાય કરું છું. એ સૌનો સતત આભાર અને ઋણ સ્વીકાર જ હોય, પણ એવું બહુ ઓછું છે ને જે દૂષણો વ્યાપક અને ઊંડા છે તેને વિષે વાત ન કરું તો પણ એવા લોકોને ન્યાય ન થાય. એટલે એને વિષે પણ કહેવા જેવું કહેવું જ પડે.
આજકાલ સુરતની એમ.ટી.બી. કોલેજ ચર્ચામાં છે. બન્યું એવું કે શુક્રવારે બી.એ. સેમેસ્ટર-3ની પરીક્ષાનાં પેપરનું પેકેટ એક દિવસ વહેલું ખૂલી ગયું ને વાત વીર નર્મદ યુનિવર્સિટી સુધી પહોંચી. વિદ્યાર્થી સંગઠનોએ જવાબદારો સામે પગલાં ભરવાની તાકીદ કરી. યુનિવર્સિટીએ પેપર બદલીને પરીક્ષા લીધી, તપાસ સમિતિ પણ રચી. આચાર્ય, સુપ્રિન્ટેન્ડેન્ટનાં નિવેદનો લેવાયાં. ત્રણેક જવાબદારોને યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કર્યાં. એનું તો રાબેતા મુજબ જે થતું હશે તે થશે અથવા કૈં નહીં થાય એમ પણ બને, પણ એક તરફ નર્મદ યુનિવર્સિટીનાં ચાર ચાર વિદ્યાર્થીઓને તાઈવાનમાં સંશોધન માટે સ્કૉલરશિપની પ્રશંસનીય ઘટના બનતી હોય ને બીજી તરફ પેપર ખૂલવાની ઘટના બને ત્યારે ક્ષોભજનક પરિસ્થિતિ જ સર્જાય. એમ લાગે છે કે કોલેજે પોતાની અનુકૂળતા માટે એક દિવસ પેપર વહેલાં ખોલી નાખવાનું સ્વીકાર્યું છે. આ સાચું હોય તો તે શરમજનક છે. બીજે દિવસે નહીં પહોંચી વળાય એવું લાગતાં કોલેજ એક દિવસ વહેલું પેપર ખોલી નાખે એ બરાબર નથી. પરીક્ષાના પ્રશ્નપત્રોની ગોપનિયતા ગંભીર બાબત છે. એમાં ઢીલાશ દાખવવામાં આવે તો પરીક્ષાનો કોઈ અર્થ રહેતો નથી, એ શતાબ્દી વટાવી ચૂકેલી એમ.ટી.બી. જેવી કોલેજને કહેવાનું ન હોય. જો વર્તમાનપત્રો એક દિવસ વહેલાં પ્રગટ નથી થતાં તો પ્રશ્નપત્રો વહેલાં જાહેર ન જ કરાય, એટલી સાદી સમજ તો દરેક શૈક્ષણિક સંસ્થાએ દાખવવાની રહે જ છે.
પેપરલીકના મામલામાં તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પાછળ નથી. પેપર લીક થતાં, ત્યાં બી.કોમ-5ની પરીક્ષા રદ્દ કરવામાં આવી ને એ 18 ઓક્ટોબરે લેવાની વાત હતી. આવી પરિસ્થિતિમાં યુનિવર્સિટીના હોદ્દેદારો ચામડી બચાવવા રજા પર ઊતરી જવામાં પણ સંકોચ અનુભવતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ એમ જ રજા પર ઊતરી ગયા. જાત પર ન આવે એટલે જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પણ, પરીક્ષાની વાત મહિનાઓ સુધી દબાવી રાખી. વાત એવી હતી કે 15 ફેબ્રુઆરી, 2022ને રોજ બી.એડ્ની હિન્દી વિષયની પહેલાં સેમેસ્ટરની પરીક્ષામાં સેકન્ડ સેમેસ્ટરના કોર્સનું પેપર અપાયું. પેપર હાથમાં આવ્યું એટલે વિદ્યાર્થીઓ ગૂંચવાયા ને વાત કુલપતિ સુધી પહોંચી. વાત વણસે નહીં એટલે વિદ્યાર્થીઓને જે લખવું હોય તે લખવાનું કહેવાયું અને તેમને ખાતરી આપવામાં આવી કે જે લખાશે તેને સાચું માનવામાં આવશે. વિદ્યાર્થીઓને કશું આવડતું ન હતું, તો ય જે લખ્યું તે પરથી બધાંને પાસ કરી દેવાયા. એટલું જ નહીં, 108 વિદ્યાર્થીઓમાંથી 80 ટકાને 35માંથી 35 માર્કસ આપવામાં આવ્યા. આ એટલે કરવામાં આવ્યું કે કુલપતિની ટર્મ પૂરી થતી હતી ને તેમને આંચ ન આવે એટલે વિદ્યાર્થીઓને એ સેમેસ્ટરનું લખવાનું કહેવામાં આવ્યું જે ભણાવાયું ન હતું. વિદ્યાર્થીઓ પણ માર્કસ મળવાની લાલચે ચૂપ રહ્યા ને પાપમાં ભાગીદાર થયા. જે કાળી ટીલી ચોંટવાનો ભય હતો, તે ટીલી તો પછી પણ કુલપતિને ચોંટી જ ! એ ખરું કે એ વાત જોડે એમને પછી કોઈ લેવાદેવા ન હતી, પણ નામ તો ચર્ચામાં આવ્યું જ !
કુલપતિ કક્ષાની વ્યક્તિ, જવાબદારો સામે પગલાં ભરવાને બદલે, વિદ્યાર્થીઓને ખોટુંખરું લખવાનું સામેથી કહે ને ખાતરી આપે કે જે લખાશે તેને સાચું માનવામાં આવશે ને એવું લખનારાઓમાંથી 80 ટકાને 35માંથી 35 એટલે કે 100 ટકા માર્કસ અપાય ને તે પણ નરસિંહ મહેતાનાં નામ પર, તે તો કોઈ રીતે દયાને પાત્ર પણ નથી. આ કેવળ ને કેવળ ગુનો છે ને એને એ રીતે જ ટ્રીટ કરવો જોઈએ. આવું કરવાનું જેમને કહેવામાં આવ્યું ને જેમણે તે કર્યું એ વિદ્યાર્થીઓ બી.એડ્.ના છે જે આગળ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવાના છે. જે વિદ્યાર્થીઓ માર્ક્સની લાલચે ચૂપ રહે ને કોઈ આદર્શ, સિદ્ધાંત વગર કુલપતિના ગુનાહિત પગલાંમાં ભાગીદાર બને, તે ધૂળ ભણાવવાના હતા ! આ બધાં પરથી પણ શિક્ષણનો સ્તર કેટલો નીચે ગયો છે એ જોઈ શકાય એમ છે. કયા મોઢે એ, એવા વિદ્યાર્થીઓને ખોટું કરતાં રોકી શકશે? ગમે તે લખો ને માર્ક મેળવો-ની સ્કિમ કોઈ યુનિવર્સિટીએ શરૂ કરવી જોઈએ, કારણ, શિક્ષણ એટલે આંકડા, માર્કસ, એથી વિશેષ કૈં નથી. આંકડા વધુને વધુ મેળવવા હવે ભણવાની જરૂર પણ નથી. યુનિવર્સિટી કક્ષાએ ભણવું એટલે માર્કસ એટલું જ બચ્યું છે કે બીજું કૈં? તો, પછી સ્કૂલ, કોલેજમાં ન ભણનારને જ પંડિત ગણવામાં શું ખોટું છે? નથી લાગતું કે આખા ગુજરાતનું શિક્ષણ શતમુખી વિનિપાતની ધારે આવીને ઊભું છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઑક્ટોબર 2022