અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને મુંબઈ હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ ધનંજય યશવંત ચંદ્રચુડ, ભારતના નવા ચીફ જસ્ટિસ(સી.જે.આઈ.)નો કાર્યભાર સંભાળશે. હાલના 49મા સી.જે.આઈ. ઉદય ઉમેશ લલિત, 47 દિવસના કાર્યભાળ પછી, 8મી નવેમ્બરે નિવૃત્ત થાય છે. જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ સારો એવો લાંબો બે વર્ષનો રહેશે. (ટેકનિકલી, જસ્ટિસ લલિતે તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ચંદ્રચુડના નામની ભલામણ સરકારને મોકલી છે. તેમના નામ પર મત્તું મારવાનું બાકી છે.)
સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે કે પિતા-પુત્ર બંને સી.જે.આઈ. બન્યા હોય. જસ્ટિસ ચંદ્રચુડના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ, સૌથી વધુ લાંબો સમય, એટલે કે સાત વર્ષ સુધી (1978-1985) સી.જે.આઈ. તરીકે રહ્યા હતા. પૂણેમાં જન્મેલા જસ્ટિસ વાય.વી. ચંદ્રચુડ ચમરબંધીને પણ નહીં છોડવા માટે જાણીતા હતા અને એટલે તેમનું નામ ‘લોખંડી હાથ’ પડ્યું હતું.
મોરારજીભાઈની સરકારમાં, તેમણે ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીને, ‘કિસ્સા કુર્સી કા’ નામની ફિલ્મની પ્રિન્ટને બાળી નાખવાના કેસમાં જેલમાં પૂરી દીધો હતો. ઇન્દિરા ગાંધીએ સત્તામાં વાપસી કરી, તે પછી તેઓ સરકારના સખ્ત ટીકાકાર બની ગયા હતા અને ન્યાયતંત્રની સ્વયાયતત્તા બચાવી રાખવા બહુ પ્રયાસો કર્યા હતા.
નવેમ્બરની 11મી તારીખે 63 વર્ષ પૂરાં કરનારા તેમના પુત્ર જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ તેમના પિતાના બે જજમેન્ટની ઉલટાવી નાખવા માટે જાણીતા છે. 2017માં, સુપ્રીમ કોર્ટની નવ બેંચના એક સભ્ય તરીકે તેમણે નિજતાના અધિકાર(રાઈટ ટૂ પ્રાઈવસી)ને મૂળભૂત અધિકાર તરીકે બહાલ કરીને ઇન્દિરા ગાંધીની 1975ની કટોકટીનું સમર્થન કરતા એક આદેશને ખારીજ કરી નાખ્યો હતો. તેમના પિતા ઇન્દિરા ગાંધીની સરકારમાં કટોકટી લાદવાના રાષ્ટ્રપતિના અધ્યાદેશને તેમના પિતાએ વ્યાજબી ઠેરવ્યો હતો.
તે વખતે સિનિયર ચંદ્રચુડને સમાવતી પાંચ જજોની બેન્ચે મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કરવાનો આદેશ કરીને કહ્યું હતું કે લોકો તેમના અધિકારોની રક્ષા માટે અદાલતો પાસે પણ જઈ નહીં શકે. તે વખતે જસ્ટિસ એચ.આર. ખન્નાનો એક માત્ર અવાજ અલગ પડ્યો હતો. તેમણે કહ્યું હતું, “અત્યારે કાનૂનનું રાજ દાવ પર લાગ્યું છે … સવાલ એ છે કે કોર્ટની સત્તા મારફતે બોલતા કાનૂનને તદ્દન મૂંગો કરી દેવાય?”
41 વર્ષ પછી, તેમના પુત્રએ આ આદેશને ‘ગંભીર રીતે ત્રુટીપૂર્ણ’ ગણાવ્યો હતો અને જસ્ટિસ ખન્નાની સરાહના કરી હતી. જુનિયર ચંદ્રચુડે કહ્યું હતું, “જસ્ટિસ ખન્નાના મતનો તેની વૈચારિક તાકાત અને દૃઢતા માટે આદર કરવો જોઈએ.”
જસ્ટિસ ચંદ્રચુડ બીજીવાર તેમના પિતાથી અલગ પડ્યા હતા, વ્યભિચારના કેસમાં. 2018માં, તેમની એક બેન્ચે બહુમતીથી વ્યભિચારને એક પુરુષ દ્વારા બીજા પુરુષ પર થતા અપરાધના દાયરામાંથી મુક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વ્યભિચાર છૂટાછેડા માટેનું નક્કર કારણ બની શકે, પણ તે દંડને પાત્ર અપરાધ નથી. 1985માં, સિનિયર ચંદ્રચુડે વ્યભિચારના કાનૂનને બંધારણીય ગણાવ્યો હતો. તે મુજબ એક પુરુષ બીજા પુરુષની પત્ની સાથે સંભોગ કરે તો તે વ્યભિચારનો અપરાધ કહેવાય.
2017માં, એક પિટીશન પર તેમના પુત્રએ એ દલીલને માન્ય રાખી હતી કે મહિલાનો પતિ પર પુરુષ સામે વ્યભિચારનો અપરાધ દર્જ કરાવી શકે છે, પરંતુ એ ‘અપરાધ’માં તેની પત્ની સામે ફરિયાદની જોગવાઈ નથી. અરજીકર્તાએ કહ્યું હતું કાનૂનમાં સ્ત્રીને કેમ અલગથી જોવામાં આવે છે? તેમની બેન્ચે અપરાધની જોગવાઈને ગેરબંધારણીય ઠરાવી હતી.
સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ સૌથી વધુ વખત બંધારણીય બેંચોમાં રહી ચુક્યા છે, જેમાં મોટા ભાગે રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કેસો આવે છે. આવા સામૂહિક જજમેન્ટમાં જસ્ટિસ ચંદ્રચુડ ભિન્ન મત માટે જાણીતા છે. ઇન ફેક્ટ, તેઓ ભિન્ન મત(ડિસેન્ટ)ને ‘લોકશાહીનો સેફટી વાલ્વ’ ગણે છે.
આધાર કાર્ડની નીતિ પર તેમણે આપેલા ઐતિહાસિક ભિન્ન મતમાં કહ્યું હતું કે આ યોજના મનુષ્યને 12 ડિજીટના એક આંકડામાં ફેરવી દેશે. ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ કાર્યકરોના અધિકારોનું રક્ષણ કરતા અભિપ્રાયમાં તેમણે ન્યાયિક વ્યવસ્થાને યાદ અપાવ્યું હતું કે અટકળોની વેદી પર ભિન્ન મતનું બલિદાન આપી ન દેવાય. તેમના લઘુમતી ફેંસલામાં તેમણે લખ્યું હતું, “ભિન્ન મત જીવંત લોકશાહીનું પ્રતિક છે. બીજાને પસંદ ન હોય એવા અંદોલન માટે સજા કરીને વિરોધી મતને કચડી ન નખાય.”
તાજેતરમાં તેમના ચર્ચાસ્પદ ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે પરણેલી હોય કે કુંવારી, સ્ત્રીને ગર્ભપાતનો એક સમાન અધિકાર છે. એ જ ફેંસલામાં તેમણે એક આડવાત તરીકે ટિપ્પણી કરી હતી કે પતિની તેની પત્ની પર સેકસુઅલ જબરદસ્તી બળાત્કારનું રૂપ ધારણ કરી શકે છે. આ ટિપ્પણી, લગ્નમાં પણ બળાત્કાર થાય છે તેના માટે અપરાધિક જોગવાઈની માંગણી કરતાં કર્મશીલો માટે ભવિષ્યમાં કાનૂની લડાઈનો આધાર બની શકે છે.
તેમણે સમલૈંગિકતાને પણ અપરાધના દાયરામાંથી બહાર કાઢતો ફેંસલો આપ્યો હતો. તે ફેંસલામાં તેમણે કહ્યું હતું કે, “એક કાયદાના કારણે એલ.જી.બી.ટી. સમુદાય દોઢસો વર્ષ સુધી ભોગવતો રહે તે સારું ન કહેવાય. ઇતિહાસમાં થયેલા અન્યાયને તો ઠીક નથી કરી શકાતો પણ આપણે ભવિષ્યનો રસ્તો તો કંડારી શકીએ છીએ.”
સૈન્યમાં સ્ત્રીઓને કાયમી નોકરી (પર્મેનન્ટ કમિશન) આપવાના એક અન્ય ઐતિહાસિક ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે સ્ત્રીઓને કમાન્ડની કામગીરીમાંથી તદ્દન બાકાત રાખવી તે અનુચિત છે અને બંધારણની વિરુદ્ધ છે. સ્ત્રીઓની ક્ષમતા પર જ્યારે શંકા કરવામાં આવે ત્યારે તે સ્ત્રીઓ ઉપરાંત સૈન્ય માટે પણ અપમાનજનક છે.
તેઓ નવા સી.જે.આઈ. બનવાના છે તેવી ‘ગંધ’ આવતાં, સુપ્રીમકોર્ટ એન્ડ હાઇકોર્ટ લિટિગન્ટ એસોસિયેશન નામના કોઈ સંગઠનના કથિત પ્રેસિડેન્ટ રશીદ ખાન પઠાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખીને (જે મીડિયામાં લીક કરવામાં આવ્યો હતો), જસ્ટિસ ચંદ્રચુડ સામે અનેક આરોપો કર્યા હતા. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને અને મુંબઈ બાર એસોસિયેશને જો કે આ પત્રની નિંદા કરી હતી અને તેને જસ્ટિસ ચંદ્રચુડની પ્રતિષ્ઠાને હાની પહોચાડવાનું કાવતરું ગણાવ્યું હતું. બાર એસોસિયેશને તેમને જસ્ટિસ ચંદ્રચુડમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પણ કહ્યું હતું.
જસ્ટિસ ચંદ્રચુડની છબી એક ઉદાર અને પ્રગતિશીલ જજ તરીકેની છે. સુપ્રીમ કોર્ટના ન્યાયિક વર્તુળમાં તેઓ ક્રાંતિકારી જજ તરીકે જાણીતા છે. તેમના જજમેન્ટથી તો તેઓ ચર્ચામાં રહેતા જ આવ્યા છે. તેઓ પારદર્શકતામાં વિશ્વાસ રાખે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચોની સુનાવણીઓનું યુટ્યુબ મારફતે લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો તાજેતરમાં જ તેમણે આદેશ આપ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, “કોર્ટની કાર્યવાહીમાં શું થઇ રહ્યું છે તે જાણવાનો નાગરીકોને અધિકાર છે. તેનાથી ન્યાયતંત્રનું જ કલ્યાણ થશે.”
બે વર્ષની કોરોનાની મહામારી વખતે તેમણે સુપ્રીમ કોર્ટમાં ટેકનોલોજીનો ઉપયોગ દાખલ કર્યો હતો અને ઓનલાઈન સુનાવણીનો પ્રારંભ કર્યો હતો. તાજેતરમાં તેમણે તેમના વડપણ હેઠળની બંધારણીય બેંચને ‘પેપરલેસ’ જાહેર કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં કામ કરતાં વકીલો અનુસાર તેઓ બહુ મહેનતુ છે, દરેક કેસનો ઝીણવટથી અભ્યાસ કરે છે, સમયસર કોર્ટમાં આવી જાય છે, તેમનાં જજમેન્ટ અત્યંત રોચક અને સીધાંસટ હોય છે – જેથી મીડિયાને હેડલાઇન્સ મળી રહે છે અને વકીલોને વાંચવાની મજા આવે છે. તેઓ વાતચીતમાં ઉદાર છે અને યુવાન વકીલોને કોર્ટમાં પ્રેરણા આપતા રહે છે.
જસ્ટિસ ચંદ્રચુડ તેમના પિતાની જેમ ‘લોખંડી હાથે’ કામ કરશે કે તેમ એ તો ખબર નથી, પણ તેમના કેરિયર-ગ્રાફ પરથી એક વાત સમજાય છે કે તેઓ ન તો વ્યવસ્થાની સાવ ડાબી બાજુ કે સાવ જમણી બાજુ એકદમ ઢળી જતા નથી અને મધ્યમ અવસ્થા બનાવી રાખે છે. તેઓ દરેક પ્રકારના વિચારો અને સંજોગોની સાથે રહીને ચાલનારા છે. તાજેતરમાં જ, ઓડીસાની નેશનલ લો યુનિવર્સિટીના કોન્વોકેશન પ્રસંગે તેમણે કહ્યું હતું;
“સમાવેશી અને બહુતાવાદી કાનૂન આપણા સમાજના અસ્તિવ માટે અનિવાર્ય છે. આપણે જ્યારે લોકોમાં વિભિન્ન મત હોય છે તેવું સ્વીકારીએ છીએ ત્યારે આપણે તેનું સન્માન પણ કરવું જોઈએ. એક વિદ્યા તરીકે કાનૂન તેમાં વિવેકબુદ્ધિ લાવે છે. આપણે એકબીજા સાથે વિવેકબુદ્ધિથી પેશ આવીએ છીએ અને સંઘર્ષપૂર્ણ મુદ્દાઓમાં મારામારી નથી કરતા કે એક બીજા પર હથિયારો નથી ચલાવતા. આનો અર્થ સહિષ્ણુતા નથી. કોઈના પ્રત્યે સહિષ્ણુ હોવું એટલે તે આપણને પસંદ નથી અને આપણે તેને સહન કરી લઈએ છીએ. ઊલટાનું, સહિષ્ણુતા એટલે તમારા મત સાથે મળતા ન આવતા હોય તેવા મતનું સન્માન કરવું તે.”
લાસ્ટ લાઈન :
“રાજ્ય જેટલું વધુ ભ્રષ્ટ હોય, તેમાં તેટલા વધુ કાનૂન હોય.”
— ટેસિટસ, પ્રાચીન રોમનો ઈતિહાસકાર
પ્રગટ : ‘ક્રોસલાઈન’, “ગુજરાતી મિડ-ડે”, 16 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર