
રવીન્દ્ર પારેખ
2023થી નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં ગુજરાતનો શિક્ષણ વિભાગ એવો રઘવાયો થયો છે કે તમામ સ્તરે શાલેય શિક્ષણની પથારી ફરવામાં કૈં બાકી રહ્યું નથી. એટલા બધા તરંગો સાહેબોને ફૂટે છે કે તઘલખ તો પાછળ રહી ગયેલો લાગે ! બહુ દૂર ન જતાં માત્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જે તુક્કાઓથી કામ લેવાઈ રહ્યું છે તે જોતાં તો નવો ભંગાર જ હાથ લાગે છે. આમ તો આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થાય છે, પણ એમાં કૃપાગુણ મળે એવી સ્થિતિ પણ નથી. ગુજરાતના શિક્ષણ વિભાગને મનોચિકિત્સાની જરૂર છે, કારણ તે વારંવાર અસ્થિર મનોદશાનો જ પરચો આપતો રહ્યો છે. એનાં નિર્ણયોમાં સ્થૈર્ય અને ધૈર્ય સતત ખૂટતાં રહ્યાં છે.
રાજ્ય પરીક્ષા બોર્ડે 20મી માર્ચે એક પરિપત્ર બહાર પાડ્યો, જેમાં ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કૂલ્સ (RSS) શરૂ થવાની વાત હતી ને તેને માટે રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તારવીને, તેમને ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની ગણતરી હતી. મૂળ ઉદ્દેશ તો 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવાનો હતો. હેતુ સારો, પણ આયોજનમાં ભારે ઉતાવળ હતી, તે એ રીતે કે 23મીએ પરિપત્ર થયો ને 23મીથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરાયું ને 5 એપ્રિલ સુધીમાં તો તે પૂરું પણ કરી દેવાયું. 27 એપ્રિલે આ પ્રવેશ પરીક્ષા લેવાવાની હતી જેમાં સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 1થી 5 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જ પાત્ર હતા.
આ બધું આકર્ષક લાગે એવું હતું, પણ એને માટે ફાળવાયેલો સમય ઓછો હતો. 23 માર્ચથી 5 એપ્રિલના 12 દિવસમાં ફોર્મ ભરવાનું દરેક માટે અનુકૂળ બને જ એવું ન હતું. ઘણાંને એની માહિતી ય પહોંચી ન હોય એમ બને. વધારામાં 27મી એપ્રિલે પરીક્ષા હતી. એ જ ગાળામાં વાર્ષિક પરીક્ષાઓ પણ હતી. એટલે ક્યાં ય પૂરું ધ્યાન કોઈનું જ ન રહે એ સ્થિતિ હતી. ગમ્મત એ હતી કે RTEની કલમ 15 મુજબ કોઈ પણ શાળામાં પ્રવેશ માટે પરીક્ષા ન લઈ શકાય એવું કાયદાએ ઠરાવેલું હતું ને સરકાર જ એ કાયદાને ભૂલીને ધોરણ 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હતી. આવું કરીને સરકાર ભેદભાવ ઊભો કરી રહી હતી. એક તરફ સમાન શિક્ષણની વાતો ચાલતી હોય ત્યાં એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર વધુ લાયક અને સ્કૂલની પરીક્ષા પાસ કરનાર ઓછો લાયક એવો ભેદ ઊભો થતો હતો. તે એ રીતે કે એન્ટ્રન્સ પાસ કરનારને ખાનગી સ્કૂલોમાં જ્ઞાનશક્તિ કે જ્ઞાનસેતુ હેઠળ શિક્ષણની તકો મળવાની હતી ને વધુ ટકા આવ્યા હોય તો પણ પ્રાથમિકના વિદ્યાર્થીની પાત્રતા ઓછી એટલે હતી, કારણ તે એન્ટ્રન્સમાં બેસવાનો ન હતો. એક સગવડ એવી પણ હતી કે પ્રાથમિકમાં 6 પાસ થનાર પણ એન્ટ્રન્સ ટેસ્ટ આપીને જ્ઞાનસ્કૂલોમાં જઇ શકે, પણ તેણે અભ્યાસ તો ધોરણ 6નો જ કરવાનો રહે. એટલે કે પાસ થયો હોય તો પણ ધોરણ 6માં નાપાસ થયો હોય તેમ તેણે ધોરણ 6 રિપીટ કરવું પડે. લાગે છે, આમાં ‘જ્ઞાન’નો ક્યાં ય પણ ઉપયોગ થયો છે? એક તરફ વગર પરીક્ષાએ બબ્બે વર્ષ માસ પ્રમોશન અપાયું હોય ને બીજી બાજુએ 6ની પરીક્ષા પાસ થયો હોય તેને નાપાસ ગણાય એ કોઈ રીતે યોગ્ય ન હતું. એના કરતાં તો ‘જ્ઞાન’નો લોભ છોડીને ગૌરવભેર ધોરણ સાતમાં પ્રવેશવું વધારે ડહાપણ ભરેલું હતું. જે સ્કૂલ શરૂ જ ન થઈ હોય એ પાસ થયેલાને પણ નાપાસ ગણે એ તો ગુજરાતમાં જ બને.
એ દુ:ખદ હતું કે આ ભેદ ગુજરાતની જ સ્કૂલોમાં પાડવામાં આવી રહ્યો હતો. વધારે આઘાતજનક તો એ હતું કે જ્ઞાન સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષા માટે તૈયાર તો પ્રાથમિકનો શિક્ષક જ કરાવી રહ્યો હતો, જ્યાં પછી એ વિદ્યાર્થી પ્રવેશ લેવાનો ન હતો. એવા તો 53,000થી વધુ વિદ્યાર્થીઓ તૈયાર કરવાના હતા ને એ ખાનગી સ્કૂલોમાં જવાના હતા ને એને લીધે જે તે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઘટ પડવાની હતી. ટૂંકમાં, કોમન ટેસ્ટ માટે તૈયારી કરાવીને શિક્ષકો પોતાની સ્કૂલમાં જ વિદ્યાર્થીઓની ઘટ ઊભી કરવાના હતા. જે પ્રાથમિકનો શિક્ષક બીજી સ્કૂલો માટે હોંશિયાર વિદ્યાર્થી તૈયાર કરાવી શકે એ સ્કૂલો પર સરકારને જ ભરોસો ન હતો ને એવી સ્કૂલના વિદ્યાર્થીઓને તે ખાનગી સ્કૂલોને સોંપવાની હતી. સાચું તો એ છે કે સરકારની જ દાનત નથી કે પ્રાથમિક સ્કૂલો ગુણવત્તાવાળી થાય, બાકી, બીજી સ્કૂલો માટે હોંશિયાર વિદ્યાર્થી તૈયાર કરી આપે તે શિક્ષક પોતાની સ્કૂલ માટે તૈયાર ન કરે એવું બને ખરું?
એવી જ્ઞાનસ્કૂલો શરૂ કરનારી સરકારે, એની વ્યવસ્થાઓ અને ગુણવત્તા અંગે આજ સુધી ફોડ પાડ્યો નથી કે એ કઇ રીતે પ્રાથમિકથી જુદી હશે? લાગે છે એવું કે નવું સત્ર જૂન, 2023માં શરૂ થયું ત્યાં સુધી સરકાર પાસે કોઈ વ્યવસ્થા કે સ્પષ્ટતા ન હતી. જ્ઞાનસ્કૂલોની જે વાતો હતી તે 6થી 12 ધોરણ સુધીની હતી ને એ વાત વિચારણામાં આવી ત્યારથી જૂન સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય હતું. એ વાત નક્કી હતી કે આ ઘોડું દશેરાએ જ દોડવાનું નથી. એમ જ થયું. આ અંગેનો લેખ 13 એપ્રિલે ‘છનો છક્કો’ શીર્ષકથી આ જ કોલમમાં કરેલો. તેમાં લખેલું, ’… સરકારને વળી નવો તુક્કો સૂઝે ને એ બધું જ બંધ કરી દે તો વાત જુદી છે.’
– ને ગઈ સાત જૂને સરકારે જ્ઞાનસેતુ સ્કૂલ પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરી. પાંચ લાખથી વધુ બાળકોએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી એનું રિઝલ્ટ આવવાનું બાકી છે, પણ તે પહેલાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ નવો તુક્કો આવે ત્યાં સુધી અભરાઈએ ચડાવી દેવાયો છે. આટલું કરીને સરકાર અટકતી નથી, તે તરત જ બીજી યોજના લઈને આવી પહોંચે છે. જ્ઞાનસ્કૂલો રાતોરાત જ્ઞાન સ્કૉલરશિપમાં પલટાઈ જાય છે. શિક્ષણ વિભાગની ખાસિયત એ છે કે તે પોતાની યોજના લાવે છે તો તેના ફાયદા ગણાવે છે ને રદ્દ કરે છે તો તેનાય ફાયદા ગણાવે છે. એની ખૂબી એ છે કે એ નુકસાનમાં જતી નથી. બીજા જતા હોય તો તે તેમનું નસીબ !
સ્કૂલો હવે સ્કૉલરશિપમાં ફેરવાઇ ગઈ છે. ’જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ’માં મુખ્ય મંત્રી ઉમેરાયા છે ને આખી યોજના ‘મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ તરીકે ઓળખાશે. હવે તેજસ્વી વિદ્યાર્થીઓ સ્કૂલો બદલ્યા વગર પણ સ્કોલરશિપ મેળવી શકશે. 6થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 20 હજાર સરકાર ખાનગી સ્કૂલોને ચૂકવવાની હતી, તે હવે સ્કૉલરશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ખાતાં મારફત સીધાં ચૂકવશે. આ રીતે દર વર્ષે 2030 સુધી 30 હજાર વિદ્યાર્થીઓને ચૂકવાશે. કમાલ એ છે કે જ્ઞાનસેતુ સ્કૂલોમાં 53,000થી વધુ વિદ્યાર્થીઓની સઘળી વ્યવસ્થા કરવા સરકાર તૈયાર હતી, પણ સ્કોલરશિપ તે 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને ચૂકવી શકે એમ નથી. સીધો 23 હજાર વિદ્યાર્થીઓને ફટકો !
30 જાન્યુઆરી, 2023ને રોજ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ હેઠળ 400 પ્રાઇવેટ, ગ્રાન્ટેડ સ્કૂલો શોધીને તેને નાણાં ચૂકવવાની યોજના હતી, જેનું બાળમરણ થતાં એટલું થશે કે ખાનગીને ઉત્તેજન ઘટશે અને સ્કૉલરશિપ વિદ્યાર્થી પામશે. કોમન ટેસ્ટમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થી ઈચ્છે તે સ્કૂલમાં એડમિશન લઈ શકશે. જો કે એ એવી સ્કૂલો હશે જેનું છેલ્લાં પાંચમાંથી ત્રણ વર્ષમાં 80 ટકાથી વધુ રિઝલ્ટ આવ્યું હોય. વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાં એડમિશન લે તો તેને વર્ષે 20થી 25 હજાર ખાતામાં ચૂકવાશે. ગ્રાન્ટેડ સ્કૂલના કિસ્સામાં તે રકમ 5થી 7 હજાર હશે. વિદ્યાર્થી ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલમાં એડમિશન લે છે તો તે સ્કૂલને પણ પ્રોત્સાહનરૂપે વર્ષે ચાર હજાર સુધીની વિદ્યાર્થી દીઠ સહાય અપાશે. વધારામાં આવા વિદ્યાર્થીઓને મફત બસ પાસની સગવડ પણ અપાશે. ધોરણ 9થી 12 માટે જ્ઞાનસાધના સ્કોલરશિપનો વ્યાપ પણ વધારાયો છે. મેરિટને આધારે 4 વર્ષ માટે 25 હજાર સુધી સ્કોલરશિપ અપાશે જે 9થી 10માં 22 હજાર અને 11થી 12માં 25 હજાર હશે.
લાગે છે ને કે સરકાર લહાણી કરવા બેઠી છે ને દરેકને ગજા પ્રમાણે ‘ઉછામણી’ કરી રહી છે. જો કે, આ સ્કૉલરશિપનો વિચાર પણ આજની તારીખ પૂરતો જ સાચો માનવાનો રહે. કાલે કોઈ નવો તુક્કો સૂઝે તો આનું પણ પડીકું વળી જાય એમ બને. સરકાર સિવાય અત્યારે તો કશું પણ અહીં સ્થાયી નથી. વારુ, સ્કોલરશિપમાં પણ ઘણી ઉદારતા દાખવાઈ છે, તે એ રીતે કે ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ મળે છે ને સરકારી સ્કૂલોનો તો બધો ખર્ચ સરકાર ઉપાડે છે, તો તેને 2થી 4હજારની લહાણી કોના જીવ પર થવાની તેનો જવાબ મળતો નથી. બીજો મુદ્દો એ પણ ખરો કે સ્કૉલરશિપની રકમ ખાતામાં જમા થવાની છે. એ રકમ વિદ્યાર્થીના ભણતર પાછળ જ ખર્ચાશે એની કશી ખાતરી નથી. વિદ્યાર્થીના વાલીઓ એ રકમ અંગત ઉપયોગ માટે વાપરે તો તેને રોકવાનું મુશ્કેલ છે. તો, પ્રશ્ન એ થાય કે સ્કોલરશિપ વિદ્યાર્થી માટે છે કે વાલી માટે? કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું નથી. આવવાનું છે કે નહીં એની પણ કશી સ્પષ્ટતા નથી. જ્ઞાનસેતુ સ્કૂલ પ્રોજેક્ટ રદ્દ થયો એમ જ પરિણામ પણ રદ્દ થાય તો નવાઈ નહીં ને વિદ્યાર્થીઓએ વળી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની થાય તો આઘાત ન લાગે, કારણ, શિક્ષણ વિભાગ પરિપત્રો અને પરીક્ષાઓ પર જ તો જીવે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જૂન 2023