
રમેશ સવાણી
‘મરતા સુધી સત્ય ન છોડવું’ તેમ ગાંધીજીએ કહ્યું હતું. લોકપ્રિય લેખકો / મોટિવેશનલ લેખકો – વક્તાઓ ગાંધીજીથી ઊલટી દિશાનું વિચારે છે કે ‘મરતા સુધી સત્ય ન બોલવું !’
29 જાન્યુઆરી 2023ના રોજ, 9.53 લાખ યુવાનો જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષામાં આપવાના હતા. પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટી ગયું. લાખો માતા-પિતાઓનાં પોતાનાં દીકરા-દીકરીનાં ઊજળા ભવિષ્યની આશા પર પાણી ફરી ગયું ! ગુજરાતમાં પેપર ફૂટવાનો ‘સમૃદ્ધ ઇતિહાસ’ છે. સ્વાભાવિક છે કે ફૂટલા તંત્રની આલોચના થાય. લોકપ્રિય વક્તા સંજય રાવલે સરકારના / તંત્રના બચાવ માટે કહ્યું : “બેરોજગારી છે જ નહીં. 5,000ને લાવો હું નોકરી અપાવી દઉં. પણ યુવાનો ડોબાઓ છે. એને કંઈ આવડતું જ નથી. ભજિયાંની લારી કરે તો પણ રોજના 500 રૂપિયા કમાઈ લે !” લોકપ્રિય લેખક / વક્તા જય વસાવડાએ સરકારના / તંત્રના બચાવ માટે કહ્યું : “પેપર નથી ફૂટતાં, માણસો ફૂટતાં હોય છે. પરીક્ષા વખતે મા-બાપો કાપલી લઈને બહાર ઊભા હોય. ડિમાન્ડ છે તો સપ્લાઈ છે. તંત્રએ / નવી પેઢીએ / મા-બાપોએ શીખવાની જરૂર છે કે આપણે એવા છોકરા પેદા ન કરીએ જે ફૂટેલા પેપરથી અધિકારી થાય !”
થોડાં પ્રશ્નો :
[1] શું યુવાનો ડોબાઓ છે? આવડત વિનાના છે? કાપલિયાં છે? શું યુવાનો પરીક્ષાની તૈયારી કરતા નથી? શું ગુજરાતના યુવાનો ડોબાઓ / કાપલિયાં અને સરકાર / નેતાઓ દેવદૂત છે?
[2] 27 વરસથી એક જ પક્ષનું સળંગ શાસન છે; છતાં વારંવાર પેપર ફૂટે તેમાં યુવાનોનો વાંક કાઢી શકાય? ડિમાન્ડ છે તો સપ્લાઈ છે, તેમ કહીને સરકારનો બચાવ કરી શકાય? પેપર ન ફૂટે તેવી વ્યવસ્થા સરકારે કરવાની હોય કે યુવાનોએ? શું યુવાનો ઈચ્છે છે કે પેપર ફૂટે?
[3] ‘5,000ને લાવો હું નોકરી અપાવી દઉં’ એમ કહેવું એ સરકારની ચાપલૂસી નથી? શું સરકારનો કોઈ દોષ જ નથી? બધો વાંક યુવાનોનો છે? શું વાસ્તવમાં બેરોજગારી નથી?
[4] સ્નાતક / અનુસ્નાતક થઈને ભજિયાંની લારી કાઢનાર યુવાન સાથે કોઈ પોતાની દીકરીની સગાઈ કરવા તૈયાર થશે?
[5]‘આપણે એવા છોકરા પેદા ન કરીએ જે ફૂટેલા પેપરથી અધિકારી થાય !’ એમ કહેવું એ શબ્દોની ચાલાકી નથી? સરકારને આલોચનામાંથી ઉગારવાનો સભાન પ્રયત્ન નથી? છોકરાઓ કેવાં પેદા કરવા જોઈએ, એની ખબર છે; એને સરકારે અને વહીવટી તંત્રએ શું કરવું જોઈએ એની ખબર નથી !
[6] કોર્પોરેટ કથાકારો / ગુરુઓ / સ્વામીઓ / લોકપ્રિય લેખકો / મોટિવેશનલ વક્તાઓ ‘સત્તા’ની આલોચના કરવાને બદલે લોકોનો જ વાંક કેમ કાઢતા હશે? ‘સત્તા’ સાથે અદૃશ્ય ગઠબંધન હશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર