પૂરાં ત્રણ વીસું, ને લટકામાં બે : શું કહીશું ગુજરાત વિશે ને મિશે, ત્રેસઠમે પ્રવેશતાં. ચિહ્નો તો ઘણાંબધાં, કમનસીબે, સાઠે નાઠે સ્કૂલનાં છે.
નમૂના દાખલ પટેલ ટેબ્લો જુઓ તમે. ખોડલધામખ્યાત નરેશ પટેલ રાજકારણપ્રવેશ વિશે સર્વેક્ષણ કરાવે કે હાર્દિક પટેલ કાઁગ્રેસમાં અસ્વસ્થતા અનુભવે અને હવે પ્રભારી સ્તરેથી એમને આશ્વસ્ત કરવામાં આવે કે ઉમેદવારપસંદગીમાં તમારી ભૂમિકા રહેશે.
જરી ઉતાવળે, કંઈક બાંધે ભારે અને કંઈક જાડી રીતે પણ, ત્રણ પટેલ મુખ્યમંત્રીઓને આ સંદર્ભમાં સંભારું ? બાબુભાઈ જશભાઈ, ચિમનભાઈ અને કેશુભાઈ. ચિમનભાઈ-કેશુભાઈએ પોતપોતાની રીતે પટેલ હોવા પર ભાર મૂક્યો હશે, બાબુભાઈએ સ્વરાજ કાઁગ્રેસના ઉછેરવશ સહજ નાતજાતને વટતી રાજનીતિ કરી. કેશુભાઈની સુવાંગ ભા.જ.પ. રાજવટમાં જોડતત્ત્વ તરીકે હિંદુત્વ ઓછું ને પાછું પડ્યું, ઊણું ઊતર્યું અને પટેલ ને બીજા એ રાજનીતિએ એક પા કેશુભાઈ તો બીજી પા કાશીરામ રાણા અને સવિશેષ તો શંકરસિંહ વાઘેલા એવી વિરોધછાવણીઓ વકરાવી. કહે છે કે કેશુભાઈ વિ. શંકરસિંહ એવો ખજુરાહો તબક્કો આવ્યો એમાં પૂર્વસ્તરે નરેન્દ્ર મોદીએ બંને વચ્ચે જન્માવેલ અંતરનો નોંધપાત્ર ફાળો હતો. ગમે તેમ પણ, મોદીપ્રવેશમાં એમનો જે વેશ ભાગ ભજવી ગયો તેનું આંતરરહસ્ય મંદિરમંડલ સંયોજનમાં હતું એ નિઃશંક.
મોદી વિશે, અલબત્ત ગુજરાતની રાજકીય સમજ ને રૂખ સંદર્ભે થોડીક વિશેષ ચર્ચા અસ્થાને નહીં ગણાય; કેમ કે ઑક્ટોબર ૨૦૦૧માં દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે અહીં એ ‘વન ડે’ રમવા આવ્યા ત્યારથી આજ સુધી તો લગભગ મોદી સંવતનો જ માહોલ છે. એમના સુપ્રતિષ્ઠ ‘હ્યુબ્રિસ’થી નિરપેક્ષપણે પણ એક ઇતિહાસવસ્તુ તરીકે આ નોંધવું રહે છે.
અહીં હું એમની ગુજરાત પ્રતિષ્ઠા પ્રસંગે ‘ધણીની જાતિદેખરેખ’ હેઠળ પ્રસારિત જીવનઝલકનો ઉલ્લેખ જરૂરી સમજું છું. એમણે પોતાના પરિચયમાં લખાવ્યું ને ઘુંટાવ્યું હતું કે પોતે પછાત તબકામાંથી આવે છે. વળી અંબોળાવ્યું હતું કે જયપ્રકાશના આંદોલનમાં એમણે ગુજરાતમાં અગ્રભૂમિકા ભજવી હતી – અને તે પૂર્વે નવનિર્માણમાં પણ. (જો કે આ દાવા પાછળથી એમની સત્તાવાર વેબસાઈટ પર મુકાયા ત્યારે દસ્તાવેજી વિગતો સાથે પડકારાયા હતા.)
ગમે તેમ પણ, હિંદુ ચહેરાને પછાત ઝુર્રીઓ સાથે જે.પી. રંગલપેડામાં ૧૯૭૪-૭૫ની ગુજરાતબિહાર પરંપરામાં તેમ ૧૯૮૮-૮૯ના વી.પી.ઉત્તર રાજકારણમાં કયો ને કેવો માલ સ્વીકૃતિ રળી શકે એની પાક્કી સમજ ખસૂસ હતી. મોદીનાં આરંભિક ગુજરાતવર્ષોમાં પ્રાદેશિક અપીલ પર પણ ભાર મુકાયેલો એ અહીં નોંધવું જોઈએ – કેમ કે કેન્દ્રમાં ૧૯૯૮થી ૨૦૦૪નાં વાજપેયી વર્ષો છતાં રાષ્ટ્રીય સ્તરે હજુ કાઁગ્રેસ પ્રથા પ્રવર્તતી હતી (વળી ૨૦૦૪થી ૨૦૧૪નો એક દાયકો હજુ સોનિયા-મનમોહનનો હોવાનો હતો.) આ ગાળામાં એકવાર દૂરદર્શનની ચેનલ પર ચૂંટણીની આચરસંહિતા સંદર્ભે જે તે પક્ષનાં સત્તાવાર વક્તવ્યો જોવાતપાસવાનું બન્યું ત્યારે ભા.જ.પ.ના સઘળા ખરીતાઓમાં બે વાનાં અચૂક નોંધવાના બન્યાં હતાં : ‘મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં’ અને ‘જય જય ગરવી ગુજરાત’.
આ એકંદર કોકટેલે જન્માવેલ ઘેનગાફેલ ઉન્માદી અવસ્થા (એટલે કે અનવસ્થા) વિશે હજુ લંબાણ નહીં કરતાં માત્ર એટલું જ કહીશું કે પ્રસ્તુત સંમિશ્રપેયમાં એક એકરાર સમાયેલો હતો અને છે કે હિંદુત્વ પોતે થઈને સર્વાંગ અપીલ તરીકે કારગત નથી. ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી ૧૯૭૫ અને ૧૯૯૫ એ બે વર્ષો આપણા એકંદર રાજકીય વિમર્શની રીતે સીમાચિહ્નરૂપ છે તે લક્ષમાં રહેવું જોઈશે. ૧૯૭૪-૭૫માં નવનિર્માણબિહાર ઉન્મેષ ગુજરાતના રાજકારણમાં જનતા મોરચા રૂપે ઉદય પામ્યો. જે.પી. જનતા ગાળાને જનસંઘની પ્રવેશસુવિધા રૂપે ખતવી નાખવાનો ચાલ છે, પણ આ ગાળો ઉત્તરોત્તર આભા મંડળવિરહિત થતી આવતી ઇંદિરા કાઁગ્રેસ સામે સ્વરાજ કાઁગ્રેસની ક્ષીણદુર્બળ પણ પ્રતિષ્ઠાનોયે હતો તે આજકાલ આપણા ખ્યાલમાં ઝટ આવતું નથી. તે સાથે, જનસંઘની કથિત પ્રવેશસુવિધા એણે ત્યારે આ સ્વરાજવેશનો આછોપાતળોયે અંગીકાર કર્યો એને અને ઇંદિરા કાઁગ્રેસમાં અધિકારવાદ સહિતના મુદ્દે કરોડરજ્જુ વગરના પુરવાર થયેલ કાઁગ્રેસજનોને આભારી હતી તે પણ પાધરું પકડાતું નથી.
વાત જો કે આપણે જે.પી. જનતા ઉન્મેષની કરતા હતા. ગુજરાતમાં જે પણ ક્ષીણદુર્બળ જનાદેશ ત્યારે મળ્યો જનસંઘ સહિતના જનતા મોરચાને તે કોઈ હિંદુમુસ્લિમ કે પટેલપછાત એવી ધૃવીકૃત સમજ કરતાં વધુ તો વ્યાપક નાગરિક અપીલ ભણી ઢળતો હતો. ૧૯૭૫ પછી તરતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરે ૧૯૭૭નો જે ચુકાદો આવ્યો તે સાંકડી ને સુતીવ્ર ઓળખોને ઓળાંડી જઈ નાગરિક ઓળખ ભણી ઢળી શકતો ચુકાદો હતો. જનસંઘ ૧૯૭૪-૭૭નો, ગુજરાતબિહારનો લાભાર્થી છે : પણ હમણાં અહીં જે જે.પી. જનતા જનાદેશની જિકર કરી તેની કસોટીએ એની કારકિર્દી કેવળ ભટકાવની અને જાહેરજીવનના પોતની રીતે વિખરાવની છે. આ સંદર્ભમાં સાઠે નાઠે એ કુળકહેતીને સાચી કહેવામાં હરકત નથી.
૧૯૭૯માં દિલ્હીમાં જનતા સરકાર તૂટી અને ૧૯૮૦માં જનતા પાર્ટીએ ચૂંટણી ખોઈ ત્યારે ભીમાભાઈ રાઠોડે મને એક માર્મિક (એટલી જ ખેદજનક) વાત કહી હતી કે જનતા કાર્યકરોના પરિવારોએ પણ જનતા પક્ષને મત નહોતા આપ્યા; કેમ કે એનું નેતૃત્વ બાબુ જગજીવનરામ કરી રહ્યા હતા. આ અંતર અને અંટસ બાબુજીના લાંબા કટોકટીસંધાનને કારણે નહીં પણ એમના દલિત હોવાને કારણે હતું. તે પછી તરતનાં વરસોમાં ભીમાભાઈની આ છાપ બહુ વરવી રીતે સાચી પડી હતી. આપણે અનામતવિરોધી ઉત્પાત જોયા, અને ૧૯૭૪-૭૫ની ધારામાં સંભવિત નાગરિક પ્રકર્ષની ઘોર અવગતિ પણ જોઈ. હમણાં જનસંઘના ભટકાવની વાત કરી એ સળંગ જારી છે, પણ બીજાં જનતા બળો ય હક્કાબક્કા બાવરાં તો માલૂમ પડતાં જ રહ્યાં છે.
હું જાણું છું કે આપણે ૨૦૨૨માં ગુજરાતના ત્રેસઠમા વર્ષપ્રવેશ નિમિત્તે લખી રહ્યા છીએ અને આ પિછવાઈ દેખીતી હદસે જ્યાદા લંબાઈ ગયેલી પણ લાગી શકે છે. તેમ છતાં, કેમ કે આપણે નવી રાજનીતિ ભણી દોરી શકતા સ્વરાજસંસ્કારને સંકોરવો રહે છે, થોડીક પૂર્વસમજ હોવી જરૂરી છે. જે સમજ ભા.જ.પ.ના ધીટ નેતૃત્વને પણ નથી તે લબરમૂછ પાયદળને અને ફાસ્ટફૉરવર્ડિયા જમાતને તો ક્યાંથી હોય. આ પક્ષને બળ ક્યાંથી મળ્યું એ સવાલનો જવાબ અનામતવિરોધી ઉત્પાતને કોમી વળાંક આપવામાં મુસ્તાક પરિબળોથી માંડી ૨૦૦૨માં મળી શકે છે. પણ પાયાનો મુદ્દો અલબત્ત એ અને એ જ રહે છે કે ન તો આપણા પક્ષો, ન તો આપણા મતદારો ૧૯૭૫-૭૭ના જે.પી. જનતા જનાદેશને આત્મસાત્ કરી શક્યા છે.
આ બુનિયાદી વિગત પર વ્યાપક અને સઘન કામગીરીને અવકાશ છે એટલું જ નહીં તે આવશ્યક બલકે અનિવાર્ય પણ છે એટલું કહીને ચર્ચા લગીર ઉતાવળે સમેટવા ધારું છું. આ ગાળામાં કાઁગ્રેસને હજુયે કળ ન વળી હોય એવું સતત લાગતું રહ્યું છે. ભા.જ.પ. પણ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી આવતે આવતે હાંફી ગયેલ માલૂમ પડેલ છે. કાઁગ્રેસે જિજ્ઞેશ મેવાણી ને હાર્દિક પટેલ જેવા યુવા નેતૃત્વને સાથે લેવાની કોશિશ કીધી છે પણ કલપ અને કાયાકલ્પ વચ્ચેનું અંતર કપાય ત્યારે સાચું. સંભવિત વિકલ્પ તરીકે આપના પ્રવેશની ભૂમિકા સુરત કોર્પોરેશનના પરિણામ પછી જરૂર બની છે, પણ અંતર તો એણે પણ ખાસું કાપવું રહે છે.
૧૯૭૪-૭૫ પછી ગુજરાતની રાજકીય વિમર્શચર્ચામાં ગાંધી-જયપ્રકાશ પછી ઉમેરાયેલાં નામોમાં ગાંધીનહેરુથી જુદા પાડેલા સરદાર ઉપરાંત વિંગમાંથી બહાર કઢાયેલ સાવરકર છે – અને તે સાથે આંબેડકર ને ભગતસિંહ છે. નરેન્દ્ર મોદી કરે છે એવી કોઈ વળતી કોકટેલની રીતે આ બધાં નામો ઉછાળી તો શકાય, પણ લાંબા ગાળાની રાજનીતિની રીતે એ તલાવગાહી તપાસ માગી લે છે.
જિજ્ઞેશે એના આપ અવતારથી માંડી ઉના ઉઠાવ સહિતનું જે અંતર કાપ્યું છે એમાં રચના ને સંઘર્ષના સ્વરાજસંસ્કારનો ચમકાર જોઈ શકાય છે. ઈલાબહેન અને સેવાની લાંબી કામગીરીના પાંચ દાયકા આપણી નાગરિક ચેતનાનું એક નવું જ પ્રજાસૂય પ્રતિમાન છે. દસપંદર વરસ પર હવે સાવરકરખ્યાત માહિતી કમિશનર ઉદય માહુરકરના નિમંત્રણથી ‘ઇન્ડિયા ટુડે’ માટે ઈલાબહેન અને સેવા વિશે લખવાનું બન્યું ત્યારે મેં કૌતુક કીધું હતું કે પ્રચલિત અર્થમાં રાજકીય સંઘર્ષથી કિનારો કરવા છતાં ‘સેવા’ને પણ સત્તારૂઢ પરિબળો તરફથી વેઠવાનું બનતું રહ્યું છે. મુદ્દે, નાગરિક સત્તા વિકસે તે સ્થાપિત સત્તાને સોરવાતું નથી. જેને આપણે રચના ને સંઘર્ષની નરવીનક્કુર રાજનીતિ કહી શકીએ એવા રાજપથ જનપથની જરૂર સમજાય ને ડગ બે ડગ મંડાય તો સાઠેનાઠે એ કહેવત ભોંઠી પડવાની શરૂઆત કેમ ન થાય, વિનોબા કહેતા કે વય વધ્યાથી વૃદ્ધ થવાય એવું કોણે કહ્યું, મામલો છેવટે તો લાંબા દાયકાઓને કારણે સમજની વૃદ્ધિનો છે!
એપ્રિલ ૨૯, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 01-02