ચીન અને પાકિસ્તાન જેવા નબળા પડોશીઓની વચ્ચે જ ભારતે હંમેશાં ટકવાનું આવ્યું છે. ચીન સરહદી રમતો કરવામાંથી ઊંચું નથી આવતું તો પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ દ્વારા ઉપદ્રવ કરતું જ રહે છે. તેનાં પોતાનાં ટાંટિયાં ભાર નથી ઝીલતાં, પણ તે ભારતનાં અર્થતંત્રને અટકચાળું કરવાથી માંડીને ડ્રગ્સ કે આતંકીઓ ઘુસાડવાનું કાવતરું પણ કરતું રહે છે. પંજાબની અટારી સરહદેથી 700 કરોડનું ડ્રગ્સ 25 એપ્રિલે ઝડપાયું. એમ લાગે છે કે કાશ્મીર અને પંજાબની બોર્ડરો સીલ થવાથી, ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવા ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ થવા લાગ્યો છે. જખૌની જળસીમામાંથી ગુજરાત એ.ટી.એસ. અને કોસ્ટ ગાર્ડની ટીમે બાતમીને આધારે પાકિસ્તાની ડ્રગ માફિયા મુસ્તુફાની બોટને આંતરીને 280 કરોડનું હેરોઇન પકડી પાડ્યું હતું. આંતરરાષ્ટ્રીય જળસીમાથી 14 નોટિકલ માઈલ અંદર ફિશિંગ બોટને પડકારવામાં આવી હતી ને નવ પાકિસ્તાની ખલાસીઓ સહિત 56 કિલો હેરોઇન હાથ લાગ્યું હતું. ફિશિંગ ટ્રોલરે પાકિસ્તાન તરફ ભાગવાની કોશિશ તો કરી, પણ ફાયરિંગ થતાં છેવટે શરણાગતિ સ્વીકારવી પડી હતી. હેરોઇનનો આ જથ્થો ઉત્તર ભારતમાં, ખાસ તો પંજાબમાં પહોંચાડવાની ગણતરી ડ્રગ માફિયાની હતી, પણ બાજી ઊંધી વળી ગઈ હતી. હવે કઇ રમત ડ્રગ માફિયાઓ કરે છે તે જોવાનું રહે છે.
એ સારી વાત છે કે છેલ્લા આઠેક મહિનામાં ગુજરાતના દરિયેથી 25,000 કરોડનું ડ્રગ્સ એ.ટી.એસ. અને કોસ્ટ ગાર્ડની સતર્કતાથી પકડાયું છે ને ગુનેગારોને સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પોલીસ તંત્રને અને સરકારને, ખાસ તો ગુજરાતના ગૃહ મંત્રીને એને માટે અભિનંદનો આપવાં ઘટે તે એટલે કે આટલું ડ્રગ્સ ગુજરાતનાં દરિયે અગાઉ ચડ્યું હોવાનું લાગતું નથી ને જેટલું ડ્રગ્સ ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓમાં ઝડપાયું છે તે એક રેકોર્ડ છે. પાકિસ્તાની ડ્રગ માફિયાઓ પર ગુજરાત એ.ટી.એસ., કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીનો સકંજો બરાબરનો કસાયેલો હોવાને કારણે જ આટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે તે સ્પષ્ટ છે. તંત્રોની આ સક્રિયતાને આવકારવાની જ રહે, પણ છેલ્લા થોડા મહિનામાં જે રીતે ગુજરાતનો જ દરિયા કિનારો ડ્રગ્સ ઉતારવા માટે ખપમાં લેવાઈ રહ્યો છે એ બાબત ચિંતા ઉપજાવનારી છે. એ ખરું કે પાકિસ્તાની માછીમારો લાલપરી માછલી પકડવા ગુજરાતના કાંઠા સુધી ખેંચાઇ આવે છે ને એ બહાને ડ્રગ માફિયાઓ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. એ એકાદ બે કિસ્સાઓ પૂરતું સાચું લાગે, પણ છેલ્લા થોડા મહિનાઓમાં જેટલા પ્રયત્નો થયા છે તે આ પ્રયત્નોને આકસ્મિક રહેવા દેતા નથી. એવી પૂરી શક્યતાઓ છે કે ગુજરાતનો દરિયો ડ્રગ્સથી છલકાવવા વ્યવસ્થિત આયોજન થયું હોય.
ગયા સપ્ટેમ્બરમાં કંડલા પોર્ટ પર આવેલાં 17 કન્ટેનરમાંના એકમાંથી 205.6 કિલો હેરોઇન મળી આવ્યું હતું. એ હકીકત છે કે અફઘાનિસ્તાનમાં ચરસ, ગાંજા જેવા નશીલા પદાર્થોની ખેતી થાય છે. એમાં તાલિબાનનું જોર વધતાં અફઘાનિસ્તાનને હેરોઇનને સગેવગે કરવાની ફરજ પડી છે. એના એક ભાગ રૂપે હેરોઇન ગુજરાત મારફતે બહાર મોકલવાનું ગોઠવાયું હોવાનું લાગે છે. ગયા સપ્ટેમ્બરની 21મી તારીખે મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એ પછી 23સપ્ટેમ્બરે પોરબંદરના દરિયા કિનારેથી 150 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. એ પછી પણ 24 સપ્ટેમ્બરે સુરતમાંથી 10 લાખનું, 27 સપ્ટેમ્બરે બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું. વાત આટલેથી જ અટકતી નથી. ઓક્ટોબરની 10મીએ સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું ને 12મીએ બનાસકાંઠાથી 117 ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. આ ઉપરાંત વડોદરા, અમદાવાદ, મોરબી, દ્વારકા, જેવામાંથી કરોડોનું સેંકડો કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જૂનાગઢમાંથી તો પચીસેક લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મોકલનાર પણ ઝડપાયો છે. વલસાડ મરીન પોલીસ પણ અ બાબતે એલર્ટ થઈ છે અને તેણે દરિયામાં પેટ્રોલિંગ વધાર્યું છે. આ જોતાં લાગે છે કે તંત્ર સતર્ક થયું છે ને તે સારી બાબત છે.
કાલે વધુ વિગતો બહાર આવી છે. જખૌની જળસીમામાં 280 કરોડનું ડ્રગ્સ પકડાયું તેનું નેટવર્ક હાથ લાગ્યું છે. એના છેડા દિલ્હી, યુ.પી. અને પંજાબને અડેલા છે. ગુજરાત એ.ટી.એસ. અને દિલ્હી એન.સી.બી.ની સંયુક્ત તપાસમાં કેટલીક વિગતો બહાર આવી છે. દિલ્હી, યુ.પી.માં દરોડા પાડીને ચારેક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એકાદ ગોડાઉનમાંથી ડ્રગ્સનો 35 કિલોનો જથ્થો પણ હાથ લાગ્યો છે ને પ્રોસેસિંગ માટેનું કેમિકલ પણ કબજે લેવાયું છે. પાકિસ્તાનથી મુસ્તુફા અને અન્ય માફિયાઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મોકલતા હતા ને આ જથ્થો કચ્છ, રાજસ્થાન, જયપુર, દિલ્હીથી મુઝફ્ફરનગર પહોંચતું હતું ને અહીંની ફેક્ટરીમાં પ્રોસેસ થતું હતું. તે પછી તે મૉર્ફિન ને હેરોઇન તરીકે બજારમાં પહોંચતું હતું. અબ્દુલ રાબ નામનો માણસ ચારેક વર્ષથી દિલ્હીમાં જ રહેતો હતો ને તે પ્રોસેસિંગ માટે જ આવ્યો હતો. રાજી હૈદર નામનો માણસ દિલ્હી અને યુ.પી.નું નેટવર્ક સંભાળતો હતો, જ્યારે અવતારસિંહ પંજાબમાં ડ્રગ્સ મોકલવાની કામગીરી સંભાળતો હતો. એ વાત પહેલી વખત બહાર આવી છે કે પાકિસ્તાનથી કચ્છ ઉતારાતું ડ્રગ્સ ત્રણેક રાજ્યોમાં થઈને પંજાબ પહોંચતુ હતું. પેલા નવ પાકિસ્તાનીઓ ને બીજા ચાર દિલ્હીથી પકડાયેલા માણસોની પૂછપરછ થશે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે એમ બને. આમાં પાકિસ્તાન તો દુ:શ્મન દેશ તરીકે ભારતને પાયમાલ કરવાના નાપાક ઈરાદાઓ રાખે તે સમજી શકાય એવું છે, પણ બીજા જે પકડાયા છે તે તો આ દેશના છે ને એમની વફાદારી ભારત કરતાં પાક તરફી વિશેષ છે. આપણે ત્યાં રાજકીય હેતુસર કોઈને પણ દેશદ્રોહી કહી દેવાની ફેશન છે, પણ કોઈ એક પક્ષ કે મંત્રીનો વિરોધ તે પક્ષ કે મંત્રીનો વિરોધ હોઈ શકે, તે દેશનો દ્રોહ નથી, સાચા દેશદ્રોહીઓ તો આ લોકો છે જે પાકિસ્તાનનું ડ્રગ્સ ભારતમાં લાવીને અહીંની પ્રજાનો સર્વનાશ કરવામાં શત્રુ દેશની મદદ કરે છે. આવા લોકોને થઈ શકે તેટલી મહત્તમ સજા થવી જોઈએ.
આ તો પકડાયું તેની વાત છે, પણ એવું તો ઘણું ડ્રગ્સ હશે જે પકડાયું નહીં હોય ને તેનો ગુજરાતનાં જ શહેરો ને ગામડાઓમાં ઉપયોગ થતો હશે. ડ્રગ્સે જે ખાનાખરાબી પંજાબમાં કરી છે તેની શરૂઆત ગુજરાતમાં થઈ જ નથી એમ કહી શકાશે નહીં. એટલે સરકાર હર્ષઘેલી થાય તે પૂરતું નથી. એ વિચારવાનું રહે જ છે કે ગુજરાતનો દરિયો વાપરનારા માત્ર અહીંથી ડ્રગ્સ બીજે મોકલવાનો જ ઇરાદો રાખે છે કે તે ગુજરાતને પણ પંજાબની જેમ ‘ઊડતા ગુજરાત’ કરવા માંગે છે? જો એવું હોય તો ગુજરાતે ડ્રગ્સ પકડીને જ હરખાઈ રહેવા જેવું નથી. કોઈ પણ રીતે ગુજરાતનો દરિયો ડ્રગ્સ માટે માધ્યમ ન બને તે તંત્રોએ અને સરકારે જોવાનું રહે જ છે. મુંબઇમાં આતંકી હુમલા થયા ત્યારે પણ ગુજરાતનો દરિયો આતંકીઓએ ખપમાં લીધો છે ને હવે ફરી એક વાર ગુજરાતનો દરિયો ડ્રગ્સને મામલે ચર્ચામાં છે. ગુજરાત ડ્રગ્સના દરિયામાં ડૂબે નહીં તેવી પ્રાર્થના કરવાની રહે.
એ પણ સમજી લેવાનું રહે કે ગુજરાતનો માત્ર દરિયો જ ડ્રગ્સ માટે ખપમાં લેવાયો નથી. ડ્રગ્સ સુરત, અમદાવાદ, વડોદરા, મોરબી, દ્વારકા જેવાં નગરોમાંથી પણ ઝડપાયું છે. ડ્રગ્સના વાહકો મહિલાઓ અને હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ બને છે તે વધારે ચિંતાજનક છે. ઉપયોગ થાય કે ન થાય, પણ ડ્રગ્સ મહિલાઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે એનો અર્થ જ એ કે તે ગુજરાતનાં લોહીમાં પહોંચ્યું છે ને એ જે પેઢીઓનો શિકાર કરશે એની અસર અત્યંત ગંભીર અને જોખમી હશે. કમ સે કમ ગુજરાત ડ્રગ્સની ચુંગાલમાં ન ફસાય એ દિશામાં સરકારે અત્યંત કડક રીતે વર્તવાનું રહે જ છે. આમ ગુજરાતમાં દારૂબંધી છે, પણ તે કેવી છે તે સૌથી સારી રીતે સરકાર જાણે છે. કમ સે કમ એવી ડ્રગ્સબંધી ગુજરાત નથી ઇચ્છતું. એ દુ:ખદ છે કે ડ્રગ્સને માટે પાકિસ્તાન ગુજરાતને વાપરી રહ્યું છે ને સરકાર ડ્રગ્સને મામલે સતર્ક છે, પણ તે જરા પણ ગાફેલ રહે તો ગુજરાતને તે કોઈ રીતે પરવડવું ન જોઈએ. એ વિચિત્ર છે કે ડ્રગ્સ મોકલનાર પાકિસ્તાની માફિયાઓની આપણને ખબર છે, પણ ગુજરાતમાં કોના કહેવાથી હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાતનાં દરિયા કાંઠે ને ત્યાંથી તેનાં નગરોમાં ઊતરે છે એની ખબર ખાસ પડતી નથી અથવા તો મોડી પડે છે. સરકાર વધારે પડતી હર્ષઘેલી ન થાય ને વધુ ગંભીરતાથી ડ્રગ્સ ગુજરાતને દરિયે ઊતરે જ નહીં એ દિશામાં સક્રિય થાય તે અપેક્ષિત છે. ડ્રગ પેડલર્સ ઝડપાય એટલું પૂરતું નથી, ખરેખર તો મૂળ ને મોટાં માથાં સપડાય એ જરૂરી છે. કોઈ પણ રીતે ગુજરાત ટ્રાન્ઝિટ પોઈન્ટ બનતું અટકવું જોઈએ એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઍપ્રિલ 2022