દિવંગત અને હયાત અરુણ શૌરીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ઓળખવામાં થાપ ખાધી છે તો એનું કારણ બૌદ્ધિક આળસ નથી, પણ વિધર્મીઓ સામે સંઘનો ખાસ પ્રકારનો ખપ હતો. વાંકી આંગળીએ ઘી કાઢવામાં કામ લાગશે એમ તેઓ માનતા હતા. ઉદાહરણ આપવું હોય તો સિત્તેરના દાયકામાં કાઁગ્રેસ અને ઉદ્યોગપતિઓએ મળીને સામ્યવાદીઓ સામે બાળ ઠાકરેને પેદા કર્યા હતા એનું આપી શકાય. આ સિવાય તેઓ હિંદુ હોવાનું અસ્મિતાભાન જગાડે છે, હિંદુસંસ્કૃતિસંરક્ષણ કરે છે, હિંદુઓની એકતા માટે કામ કરે છે અને ક્વચિત વિધર્મીઓ સામે હિંદુ લોંઠકાપણાનું પ્રદર્શન કરે છે જેનો પરાજીત અને કાયર હિંદુઓને ખપ છે. ટૂંકમાં ખ્રિસ્તી મિશનરીઓ અને મુસલમાનોને અંકુશમાં રાખવાનો ખપ હતો. અહીં એક હકીકત નોંધી લેવી જોઈએ કે સંઘની તાકાત વધારવામાં સંઘના સંચાલકો અને સ્વયંસેવકોનું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન દિવંગત અને હયાત અરુણ શૌરીઓનું પણ છે. બંધારણીય મર્યાદાઓને ઓળંગીને માથાભારેપણું બતાવનારા હિંદુઓને તેમણે પાછળ રહીને મદદ કરી હતી અને સૌથી વધુ તો પ્રતિષ્ઠા અપાવી હતી.
પણ અહીં સવાલ પેદા થાય કે તો પછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેમ નહીં જોડાયા? ઊલટું સંઘને વધુ તાકાત મળત. એવું શું હતું કે તેઓ સંઘથી દૂર રહ્યા? શા માટે તેમણે સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીજીની આંગળી પકડી? શા માટે સંઘને જે પક્ષની વિચારધારા સ્વીકાર્ય નથી એ પક્ષમાં જોડાયા? શા માટે તેમણે સંઘને જે બંધારણ કબૂલ નથી એ બંધારણ ઘડ્યું? બંધારણ ઘડવામાં આ લોકોનો એટલે કે હળવા હિંદુવાદીઓનો ફાળો ઘણો મોટો હતો. વળી આવું બંધારણ એ સમયે તેમણે ઘડ્યું હતું જ્યારે ભારતનું વિભાજન થયું હતું, મુસલમાનો માટે અલગ ભૂમિરૂપે પાકિસ્તાન સ્થપાયું હતું, પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું અને હિંદુઓએ ઘરબાર છોડીને અત્યારના પાકિસ્તાન બંગલાદેશમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. તેમણે બંધારણ દ્વારા હિંદુ ભારતની રચના કરવાની જગ્યાએ સહિયારા ભારતની રચના કરી હતી. શા માટે? હવે શા માટે અરુણ શૌરીઓ એ સહિયારા બંધારણીય ભારતને બચાવવાની ચિંતા કરી રહ્યા છે? કાંઈક તો કારણ હશે જ. આ લોકો તો મેધાવી અને કર્તુત્વવાન લોકો હતા અને છે. તો પછી શા માટે તેઓ સંઘને પાછળથી છૂપો ટેકો આપતા હોવા છતાં તેમણે સંઘને જે ભારત ખપતું નથી એવા ભારતની બંધારણીય રચના કરી હતી અને અત્યારે તે તૂટે નહીં એ માટે ઊહાપોહ કરી રહ્યા છે? શા માટે?
કારણ એ છે કે તેમને ખબર છે કે બહુમતી હિંદુઓનું હિત બંધારણીય ભારતમાં છે અને જવાબદાર કાયદાના રાજમાં છે. તેઓ હિંદુહિતને વરેલા હતા અને હિંદુ તરીકે તેમણે જોયું હતું કે હિંદુહિત આમાં છે. અરાજકતાની સૌથી મોટી કિંમત બહુમતી કોમને જ ચૂકવવી પડતી હોય છે તેની તેમને જાણ હતી અને છે. લોંઠકાપણાની-માથાભારેપણાની શરૂઆત ભલે વિધર્મી સાથે થતી હોય, એ છેવટે પોતાનાઓ સુધી પહોંચતી હોય છે. આ એક પ્રકારની વૃત્તિ છે અને એ વૃત્તિ જેમજેમ પ્રબળ બનતી જાય, નિરંકુશ થતી જાય, માન્યતા મેળવતી જાય, સ્વીકાર થતો જાય, રાજ્યનું રક્ષણ મેળવતી જાય એમએમ તે આત્મઘાતક બનતી જાય. આત્મરક્ષણના નામે જેટલા લોકો રિવોલ્વરનું લાયસન્સ લઈને ઘરમાં રિવોલ્વર રાખે છે એમાં તમે જોયું હશે કે ૯૦ ટકા કિસ્સાઓમાં એ રિવોલ્વર પોતાની જ સામે કે પછી પોતાનાઓની જ સામે વપરાઈ છે. સાચું રક્ષણ કાયદાના રાજમાં મળે છે જ્યાં સામાન્ય માણસના અવાજને સાંભળવામાં આવતો હોય અને ન્યાય મળતો હોય, માથાભારેપણામાં નથી અને હિંદુ બહુમતી દેશમાં સૌથી વધુ સામાન્ય માણસ તો હિંદુ જ હોવાનો.
બીજું જવાબદાર રાજ્યતંત્ર અથવા કાયદાનું રાજ ન હોય તો કોઈ દેશ વિકાસ સાધી ન શકે. અરાજકતા અને વિકાસનું સહઅસ્તિત્વ શક્ય જ નથી. વિકાસને અને સ્થિરતાને અનિવાર્ય સંબંધ છે. વિકાસ સાધવો હોય તો સ્થિરતા જોઈએ, જો સ્થિરતા જોઈતી હોય તો શાંતિ જોઈએ અને જો શાંતિ જોઈતી હોય તો સાથે જીવતાં શીખવું પડે. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ આ માર્ગે જ મળે છે અને પ્રતિષ્ઠા સાથે સહયોગ પણ મળે.
ઇતિહાસ આ બન્ને હકીકત સિદ્ધ કરે છે. કાયદાના રાજમાં જ બહુમતી પ્રજાનું હિત છે એ પહેલી વાસ્તવિકતા અને માત્ર કાયદાનું રાજ જ સ્થિરતાની ગેરંટી આપી શકે અને સ્થિરતા વિના વિકાસ શક્ય નથી એ બીજી વાસ્તવિકતા. માટે હિંદુ હોવા માટે ગર્વ અનુભવનારાઓએ અને પાશ્ચાત્ય ધર્મો માટે એક પ્રકારનો અણગમો કે ભય અનુભવનારાઓએ આખરે એવા ભારતના પડખે ઊભા રહ્યા હતા જે સંઘને સ્વીકાર્ય નથી. એ લોકો હિંદુવાદી કે થોડાક હિંદુ પક્ષપાતી હોવા છતાં દૂરનું વિચારી શકતા હતા. વિદ્વાન હતા, ગોઠણબુદ્ધિ નહોતા.
પણ આખરે બાવળિયા વાવો તો આંબા ન પાકે, કાંટા જ ઊગે. ગાંધીજીએ સાધનશુદ્ધિની વાત કરી છે. આ ડોસો ન હોય ત્યાંથી પ્રાસંગિક બનીને આવી જાય છે. સાધ્ય ગમે તેટલું મહાન હોય જો સાધન અશુદ્ધ હોય અને તેમાં બાંધછોડ કરી હોય તો તેની કિંમત ચૂકવવી પડે છે અને કેટલીકવાર તો ઈચ્છિત સાધ્ય કરતાં પણ ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. હિટલર અને મુસોલિનીના રાજકારણને શરૂઆતમાં તેમને ત્યાંના અરુણ શૌરીઓનો ટેકો હતો. તેમણે પણ એમ માન્યું હતું કે વાંકી આંગળીએ ઘી કાઢવામાં આ લોકોનો ખપ છે. પણ છેવટે શું થયું? તમે જાણો છો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 મે 2022