કોઈ જૂનાં ઘરનો મોભી વિકાસની પાછળ પડી જાય ને દુનિયાને બધું મોટું મોટું બતાવે, દૂરથી સ્ટેચ્યૂ બતાવે ને સ્ટેડિયમ બતાવે કે ઘર બતાવવા વિદેશથી મોટા માણસોને તેડે ને તેને બધું મોટું મોટું દેખાડે, પણ ઘરની અંદર ન લઈ જાય તો બહારનાને ખબર ન પડે કે અંદર શું ચાલી રહ્યું છે? એ તો બહારનું બધું જોઈને રાજી થઈને મોભીની પીઠ થાબડીને પાછો જાય. મોભી ફૂલીને ફાળકો થઈ જાય કે આજે તો વિદેશમાં પણ આપણો ડંકો વાગ્યો ! મોભી મહેમાનને ઘરમાં ઘૂસાડે તો ખબર પડે કે સિલિન્ડર મોંઘું થવાને કારણે ચૂલો ઠંડો છે. કોલસો નથી કે ચૂલામાં અજવાળું થાય. પાવર કટને કારણે ઘરમાં લાઇટ નથી એટલે અંધારું છે ને પંખો પાવર ન હોવાને કારણે ફરતો નથી. ઘરનાં માણસો નોટબુકનાં પૂંઠા હલાવી હલાવીને જાતને હવા નાખી રહ્યાં છે ને ઘરમાં ગમે ત્યાં ફરો કે બેસો, ચામડી પરસેવો બનીને રેલાઈ રહી છે ને નાનાં બાળકો 44થી 47 ડિગ્રી તાપમાં બિસ્કિટની જેમ શેકાઈ રહ્યાં છે. આખું ઘર બેકરીની ભઠ્ઠી જેવું ધગધગી રહ્યું છે ને ઘરની બહાર મસ્જિદ કે મંદિર પરથી ઘોંઘાટિયાં ભૂંગળાં ઉતારવાની ગડમથલ ચાલે છે. પેટ્રોલ છાંટીને સળગી મરવું હોય તો ય માંડી વળવું પડે એમ છે, કારણ સ્કૂટર માટે ખરીદાતું ન હોય તો જાત માટે તો કેમ ખરીદવું એની મૂંઝવણ છે. પેટ્રોલવાળા સ્કૂટરને બદલે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું સ્કૂટર ખરીદવાનું સપનું પડે છે, પણ ચિંતા એ છે કે પાવરનાં ઠેકાણાં નથી, ત્યાં સ્કૂટરનાં શું ને કેટલાં ઠેકાણાં રહેશે? ને એ આજે સસ્તું હોય તો પણ મોંઘું નહીં થાય એની કોઈ ખાતરી નથી. ઉપાડ વધે તો એ પણ મોંઘું થાય એમ બને. વારુ, પાવર મોંઘો થાય એવાં પૂરતાં એંધાણ છે. લાગે છે તો એવું કે પાવર મોંઘો કરવા જ કદાચ કોલસાની તંગી ઊભી કરવામાં આવી છે. એવું બની શકે કે થોડા જ દિવસમાં વીજળી, ‘વીજળી’ થઈને ઘર પર પડે. ઘરમાં ચટણી થાય એવું નથી ને બહાર ચૂંટણી વટાયા કરે છે. આ જો ઘરની સ્થિતિ હોય તો દેશની સ્થિતિ એનાથી જુદી લાગે છે?
આખા દેશને મોંઘો કરવા બહુ મહેનત થઈ રહી છે. કદાચ એ રેકોર્ડ કરવો હશે કે જગતમાં ભારતથી મોંઘેરો દેશ બીજો કોઈ નથી. દેશ મોંઘો છે જ ! તે વગર વિદેશનાં મોંઘેરા મહેમાનો ભારત તરફ વિમાન ઉડાડે? એ બધા ભલું કરવા આવે છે ને એમાં આપણું ભલું થઈ રહ્યું છે એવો વહેમ પાળવાનું આપણને ગમે છે. આપણી શરતે ક્રૂડ સસ્તું મળી રહ્યું છે, પણ શરત એ પણ છે કે દેશમાં તો પેટ્રોલ-ડીઝલ સસ્તાં ન જ વેચવાનાં. બાકી હતું તે કોલસો કાળોતરો થયો છે. અત્યાર સુધી ચીન, ઓસ્ટ્રેલિયા ખૂટતો કોલસો પૂરો પાડતાં હતાં, પણ તેણે તે મોંઘો કર્યો એટલે ભારતે આયાત બંધ કરી. ચીન જોડે આટલી મગજમારી થાય છે, પણ એના વગર આપણને ઓડકાર આવતો નથી. એની જોડે લડીને સૈનિકોનાં કોલસા પડે છે તો ય એના કોલસા આપણે આયાત કરતા રહ્યા છીએ. એ હવે ઊંચું ગયું છે તો ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવો પડે છે. આટલો મોટો ભારત દેશ, પણ કોલસો ઈન્ડોનેશિયા જેવા દેશ પાસેથી આયાત કરે છે, છે ને કમાલ ! એને જ કહેવાય મેરા ભારત મહાન !
હવે અંદરની ગમ્મત જોઈએ. આમ તો કોલસા ભરેલી ગુડ્સ દોડતી રહે છે ને તેની બહુ ખબરે ય પડતી નથી. પણ કોલસાની તંગી ઊભી થઈ છે ત્યારે વધારે ટ્રેનો દોડવા લાગી છે ને તે ય સેંકડો પેસેન્જર ટ્રેન બંધ કરીને ! પેસેન્જર ટ્રેનો એટલે બંધ કરી છે જેથી કોલસાની ટ્રેનો ઝડપથી દોડી શકે ને જે તે સ્થળે વિના વિઘ્ને પહોંચી શકે. આ થઈ બીજી કમાલ ! કોલસો પૂરતો હતો ત્યારે પેસેન્જર ટ્રેનો રોક્યા વગર કોલસાની ટ્રેનો પહોંચતી હતી, હવે તંગી છે તો પેસેન્જર ટ્રેનો બંધ કરીને કોલસા ગાડી દોડાવાય છે. રામ જાણે એમાં કોલસો છે પણ કે પછી એમ જ દોડે છે ! જો કે, રામ પણ નહીં જાણતા હોય, એમને ય ક્યાં ખબર હતી સવારે શું થવાનું છે …
દિલ્હીની હાલત કફોડી છે. એની પાસે એક દિવસ ચાલે એટલો જ કોલસો છે એવું દિલ્હીના ઊર્જા મંત્રીએ કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું. એમણે એમ પણ કહ્યું કે કોલસાની વ્યવસ્થા ન થાય તો મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો બંધ કરવાનો વારો આવશે ને લોકો હેરાન પરેશાન થઈ જશે. એની સામે કેન્દ્રીય ઊર્જા મંત્રીએ એમ કહ્યું કે દરેક પાવર સ્ટેશન પાસે પૂરતો કોલસો છે જ. કોલસાની તંગી નથી, પણ રાજ્ય સરકારો કેન્દ્રની કંપની કોલ ઈન્ડિયાને સમયસર નાણાં ચૂકવતી નથી એટલે કોલસો પહોંચતો નથી. આ વાતે દિલ્હીના ઊર્જા મંત્રીએ રોકડું કરી દીધું કે કોલ ઇન્ડિયાને એક પણ રૂપિયો ચૂકવવાનો બાકી નથી. કેન્દ્રીય ઊર્જા મંત્રીએ એમ પણ કહ્યું કે કોલસો તો પૂરતો છે, પણ ઘણાં રાજ્યો તેમને ફાળવાયેલો કોલસાનો જથ્થો લઈ જતાં નથી. એ કયાં રાજ્યો છે તેનો ફોડ મંત્રીએ પાડ્યો નથી, પણ કોલસાની કાળી તંગી હોય ને રાજ્યો કોલસા ન લે, એ વાત ભેજામાં ઘૂસતી નથી. એમ લાગે છે કે કેન્દ્રીય મંત્રી હોલસેલમાં ફેંકે છે. એક તરફ કોલસાની અછત નથી એવું કેન્દ્રીય ઊર્જા મંત્રી પોતે કહે છે ને એમનું જ ઊર્જા મંત્રાલય બોલે છે કે 147 પ્લાન્ટ્સમાં 25 ટકા કોલસો જ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીનું એમ કહેવું છે કે એમનું મંત્રાલય બકવાસ કરે છે? એવું કેમ થતું હશે કે મંત્રી થયા પછી માણસ કબૂલ કરવાને બદલે બચાવમાં પડી જાય? એ પણ જવા દઇએ, પણ આમાં લોકોની હાલાકી વીજળીને અભાવે વધી છે એનો વિચાર કરવાનો કે કેમ? એ હકીકત છે કે કોલસાની તંગીને કારણે પાવર સ્ટેશનોમાં પૂરતી વીજળી પેદા થતી નથી, એને પરિણામે 16 રાજ્યોમાં વીજળી કાપ આવ્યો છે ને ક્યાંક ક્યાંક તો 10-10 કલાક પાવર બંધ રહે છે. આ અસર અંતરિયાળ ગામો સુધી પડી છે. આમ ભરઉનાળામાં લોકોને બાફવા મૂકવાનું યોગ્ય છે?
પાવર હવે કદાચ મંત્રીઓ પૂરતો જ સીમિત થઈ ગયો છે, બાકી ઉદ્યોગો છે ને પાવર નથી, પરીક્ષાઓ છે ને પાવર નથી, એક તરફ 47.4 ડિગ્રી તાપ સાથે 122 વર્ષમાં ન પડી હોય એટલી ગરમી માણસોને લોહીમાં ઉકાળતી હોય ને મંત્રી કહે કે કોલસો પૂરતો છે તો એ કોલસો શું ‘રાંધવા’ વપરાય છે તેનો ફોડ તો પડે ને ! ચાલો, કોલસો પૂરતો છે તે માની લઇએ, પણ વીજળી નથી ને વીજકાપ ચાલે છે તે તો સાહેબને દેખાય છે કે એમણે ગોગલ્સ પહેરેલાં છે? કે એમ માનવાનું છે કે ‘ભારત બેકરી’માં લોકોને જ શોખ થયો છે તે એમણે લાઇટ, એસી બંધ કરી દીધાં છે? સાદી સમજ તો એમ કહે છે કે કાળઝાળ ગરમીમાં વીજળીનો ઉપાડ વધે જ ! ગયા શુક્રવારે બપોર સુધીમાં જ 2,07,211 મેગાવોટ વીજળીની જરૂર પડી એ ઓલ ટાઈમ હાઇ છે ને હજી વધુ ગરમી પડવાની આગાહીઓ તો ચાલે જ છે. એવામાં દસ કલાકનો વીજ કાપ ફટકારાય તો એ કોઈ પણ રીતે માનવીય નથી. પરીક્ષાઓ ચાલતી હોય ને વિદ્યાર્થીઓએ મીણબત્તી કે બેટરીને અજવાળે વાંચવું પડે કે વીજકાપને કારણે ધંધા ઉદ્યોગો ટાઢા પડે તે શું વિકાસનું લક્ષણ છે? કોલસાની તંગી કુદરતી હોય તે સમજી શકાય, પણ આમાં તો રાજરમતની ગંધ આવે છે …
એ ખરું કે ગુજરાતને 500 મેગાવોટની અછત છે ને એણે પણ અઠવાડિયે એક દિવસ ઉદ્યોગો બંધ રાખવાનું સૂચવ્યું છે, જો કે, સૂચના છતાં, ગુજરાતમાં વીજકાપ નથી ને કમ સે કમ ચૂંટણી પતે ત્યાં સુધી તો આવે એવું લાગતું નથી, છતાં રમત તો ગુજરાતમાં ય થઈ છે. ગયા ફેબ્રુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે કોલ ઇન્ડિયાથી નીકળેલો કોલસો ગુજરાતનાં ઉદ્યોગો સુધી પહોંચવાને બદલે ગુજરાત સરકારની એજન્સીઓ દ્વારા બારોબાર જ વેચી દેવાયો હતો. આ રીતે 6 હજાર કરોડનું કૌભાંડ આચરાયું હોવાની વાત બહાર આવી હતી. એનું શું થયું તે ખબર નથી.
ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ જેવાં રાજ્યોમાં વીજ તંગી વધુ છે. ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો ત્યાં ત્રણ હજાર મેગાવોટની અછત છે. પંજાબમાં 46 ડિગ્રી તાપમાન છે ને વીજકાપ શહેરોમાં 4થી 5 કલાક અને ગામડાઓમાં 10 થી 12 કલાક ચાલે છે. છેલ્લાં વર્ષમાં વીજળીની માંગ 40 ટકા વધી છે. હકીકત એ છે કે કોલસાની માંગ વધી છે ને સપ્લાયમાં ઘટાડો થયો છે. કોલ ઈન્ડિયાએ પણ એ સ્વીકાર્યું છે કે કોલસાની સપ્લાય 16.4 લાખ ટન છે ને માંગ 22 લાખ ટન સુધી પહોંચી છે. કોલસો નથી ને વિદેશી કોલસો મોંઘો પડવાથી કોલસાની આયાત બંધ થઈ છે. આ સ્થિતિમાં વીજ ઉત્પાદન ઘટે જ ! હજી મેની ગરમીનો સામનો તો બાકી જ છે. જો કેન્દ્ર સરકાર ધ્યાન નહીં આપે તો મુશ્કેલી વધશે એ નિર્વિવાદ છે.
સામાન્ય રીતે કૉલસામાં હાથ કાળા કરવા કોઈ તૈયાર થતું નથી, પણ જો હાથ રાજકારણીઓના હોય તો મોઢું કાળું કરવાનું ય પરવડે એમ બને –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 મે 2022