સરકારના નિશાન પરના લડાયક યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મહિલા પોલીસ પર હુમલો કરવાના આરોપમાંથી ગઈ કાલ 22 એપ્રિલે જામીન મળ્યા. આ સમાચાર બહુ ઓછા ગુજરાતી છાપામાં વિગતે આવ્યા છે.
જિજ્ઞેશને જામીન આપતા હુકમમાં આસામના બારપેટા ખાતેની અદાલતે બે મહત્ત્વની બાબતો કહી. તેમાંથી પહેલી જિજ્ઞેશ સામેના આરોપ અંગેની છે; અને બીજી પોલીસ દ્વારા ન્યાયતંત્રના દુરુપયોગને લગતી છે.
• જિજ્ઞેશ પર આસામના એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આરોપ મૂક્યો હતો કે તેને 21 એપ્રિલે ગુવાહાટી વિમાનઘરથી વાહનમાં બેસાડીને કોખરાઝાર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે (જિજ્ઞેશે) તેમને (પોલીસ અધિકારીને) અપશબ્દો કહ્યા હતા અને તેમને શારિરીક રીતે ધક્કો માર્યો હતો. આવું મેવાણીએ કર્યું ત્યારે બે પોલીસવાળા પણ વાહનમાં હતાં, એમ પણ મહિલા અધિકારીએ એફ.આઇ.આર.માં નોંધાવ્યું છે.
અદાલતે કહ્યું કે ફરિયાદીનું અદાલત સામેનું બયાન અને એફ.આર.આઇ. વચ્ચે મેળ બેસતો નથી. આ અદાલતે આ બાબત જામીન હુકમમાં વિગતવાર જણાવી છે. (https://www.thehindu.com/…/jignesh…/article65366669.ece)
તદુપરાંત અદાલતે એમ પણ કહ્યું છે કે અફર પૂરાવો તો છોડો, પૂરાવો પણ નથી, કારણ કે ફરિયાદી સાથેના બે પોલીસ અધિકારીઓના નિવેદનોને ઍડમિસિબલ એવિડન્સ ગણી શકાય તેમ નથી. આ બાબતને ધ્યાનમાં લેતાં કલમ 354 હેઠળનો ગુનો સાબિત થતો નથી. આરોપીએ ફરિયાદીને સીટ પર ધક્કો માર્યો અને શારિરીક ઇજા પહોંચાડી એમ ધારી લઈએ તો પણ તેનો ગુનો કલમ 323 હેઠળનો અને એ જામીન પાત્ર છે. આ એવો કેસ નથી કે જેમાં આરોપીની પૂછપરછ કરવા માટે તેને હિરાસતમાં લેવો જરૂરી હોય. બારપેટાના વિદ્વાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને કે પણ દિવસ માટે પોલીસ કસ્ટડી આપવી જોઈતી ન હતી. https://economictimes.indiatimes.com/…/art…/91189798.cms
અદાલતે એમ પણ કહ્યું કે આ આરોપ આરોપીને વધુ લાંબો સમય અટકાયતમાં રાખવા માટે પેદા કરવામાં આવ્યો છે અને તેને કારણે અદાલત તેમ જ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થયો છે. અદાલતે કહ્યું કે ‘જેનું મગજ ઠેકાણે હોય તેવી કોઈ પણ વ્યક્તિ બે પુરુષ પોલીસ અધિકારીઓની હાજરીમાં એક મહિલા પોલીસ અધિકારીનું અપમાન કરવાની કોશિશ ન કરે, અને આરોપીનું મગજ ઠેકાણે નથી એવી કોઈ બાબત રેકર્ડ પર આવી નથી.’
• અદાલતે આસામ પોલીસની ‘ખોટી એફ.આઇ.આર.’ દાખલ કરવા માટે અને અદાલત અને કાનૂનની પ્રક્રિયાનો દુરુપયોગ કરવા માટે ઝાટકણી કાઢી છે. બારપેટાના જિલ્લા અને સેશન્સ જજ અપરેશ ચક્રવર્તીએ આસામમાં ‘અત્યારે ચાલી રહેલા પોલીસી અત્યાચારો’ના દાખલા આપીને ગુવાહાતી વડી અદાલતને વિનંતી કરી છે કે તે પોલીસ દળને ‘ખુદને સુધારવા’ માટેના નિર્દેશો આપે. અદાલતે એમ પણ કહ્યું કે, ‘ખૂબ મહેનતથી ઊભી થયેલી લોકશાહી પોલીસ-શાસિત રાજ્યમાં ફેરવાઈ જાય એ તો વિચારી સુદ્ધા ન શકાય, અને જો આસામ પોલીસ એમ કરવાનું વિચારતી હોય તો તે વિકૃત માનસ છે.’
જામીન હુકમમાં વડી અદાલતને પોલીસને કૅમેરાના ઉપયોગ અંગે નિર્દેશ આપવાની પણ વિનંતી કરવામાં આવી છે. તે મુજબ દરેકે દરેક પોલીસ કર્મચારીને બૉડી કૅમેરા પહેરવા, આરોપીની ધરપકડ કરતી વખતે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે ઉપયોગમાં લેવામાં વાહનોમાં અને પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી. કૅમેરા લગાવવા જોઈએ એમ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જણાવે છે.
ન્યાયાધીશના જણાવ્યા મુજબ આવાં પગલાં ખોટી એફ.આઈ.આર. થતી અટકાવી શકશે. તેમણે એમ પણ કહ્યું કે એવા કિસ્સા પણ રાજ્યમાં રાબેતા મુજબ બનતે ઘટના બની ગયા છે. જેમ કે, એવો કિસ્સો જેમાં આરોપીની ધરપકડ થઈ હોય, એ મધરાત્રે જેલમાંથી ભાગી જવાની કોશિશ કરે; આરોપી પોલીસને કંઈક શોધવામાં મદદ કરતો હોય અને આવા આરોપી પર પોલીસ ગોળીબાર કરે. કૅમેરાને કારણે પોલીસની વાત વિશ્વાસપાત્ર બની શકશે. આસામની વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ આસામમાં મે 2021માં હિમાન્તા સરમાના મુખ્ય મંત્રી પદ હેઠળની સરકાર આવી ત્યારથી પોલીસ ગોળીબારમાં 29 વ્યક્તિઓ માર્યા ગયા છે અને 96 ઘાયલ થયા છે.
• પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જિજ્ઞેશે આરોપ મૂક્યો છે કે એની ધરપકડ વડા પ્રધાનની કચેરી દ્વારા દ્વારા રચાયેલું કાવતરું છે. તેણે કહ્યું કે, ‘એક જ્યુનિયર ઑફીસર સાથે હાથાપાઇ કરીને મને શું મળવાનું હતું ? પોલીસ મને કસ્ટડીમાં લઈ ગઈ, મારી તપાસ કરવી એ એમનું કામ હતું અને મેં તેમને સહકાર આપ્યો.’ તેમણે ઉમેર્યું કે ‘મને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા છે, હતી અને રહેશે. મને ખાતરી હતી કે આજે નહીં તો કાલે મને જામીન મળશે … ભારતીય જનતા પક્ષની સરકાર તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાની ધરપકડ કરી શક્યા નથી, પણ તેઓ એક ટ્વિટ માટે જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરે છે અને તેને ગુજરાતથી હજારો માઇલ દૂર આસામની જેલમાં નાખે છે. વડા પ્રધાન શું સંદેશો આપવા માગે છે?
તેમણે મને નિશાન બનાવ્યો છે. તેમણે આ જ રીતે ચન્દ્રશેખર આઝાદ, અખિલ ગોગોઈ, હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર અને બીજા યુવા નેતાઓને પણ નિશાન બનવ્યા છે. પણ અમારામાંથી કોઈએ ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધમાં બોલવાનું બંધ કર્યું નથી.’
https://indianexpress.com/…/jignesh-mevani-bail…/
30 એપ્રિલ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર