સાતમી સપ્ટેમ્બર સરદાર સરોવર બંધનું સમારંભપૂર્વક કરવામાં આવેલું લોકાર્પણ સફળ ગણાય કે નિષ્ફળ? આ સવાલનો જવાબ અલગ-અલગ હોઈ શકે. સમારંભમાં ગુજરાત સિવાય બીજાં કોઈ રાજ્યનાં મુખ્યમંત્રી હાજર ન હતા, એ હકીકત પણ આ સવાલના જવાબ પર અસર પાડનારી બને. બીજા કેટલાક લોકો આ સમારંભને નબળો ગણે, કારણ કે તેમાં વારાણસીના બે હજાર સાધુઓ આવવાના હતા, જે ન આવ્યા. વળી, કેટલાક આ સમારંભને સફળ એટલા માટે ગણે કારણ કે એના સમાચાર મોટા છાપાના પહેલા પાને ઝળક્યા હતા. એ જે હોય તે, પણ વડાપ્રધાને ડભોઈમાં જે સભા કરી તેમાં હાજરી પાંખી હતી. હકીકતે, એવા કેટલા ય નિર્દેશકો છે, જે આપણને એ સવાલનો જવાબ મેળવવામાં મદદ કરે કે રાષ્ટ્રને શું અર્પણ કરવામાં આવ્યું – યોજના કે પછી બંધની દીવાલ?
પહેલી વાત તો એ કે જે યોજના દેશને અર્પણ કરવાની છે, તે પૂરી તો થયેલી હોવી જોઈએ કે નહીં અને જ્યારે આ યોજના એક બંધની હોય, ત્યારે તેમાં ફક્ત નિયોજિત ઊંચાઈ જેટલી દીવાલ જ બાંધવામાં આવે એવું ચાલે કે પછી નહેરો પણ બાંધવાની હોય? ગુજરાતની ફક્ત ૩૩ ટકા નહેરો જ બાંધવામાં આવી છે. બંધની ૧૩૮.૬૮ મીટર ઊંચી દીવાલની અસર ઉપરવાસ અને હેઠવાસના દસ લાખ લોકો તેમ જ આખી ય ઇકોસિસ્ટમ પર થવાની છે. આ પ્રચંડ અસરને, બંધ અર્પણ કરનારે અને બંધ જેને અર્પણ થઈ રહ્યો છે, તે રાષ્ટ્રે ધ્યાનમાં જ નહીં લેવાની? રાષ્ટ્રને ખુદને એનો ખ્યાલ નહીં હોય કે તેને શું સમર્પિત થઈ રહ્યું છે! પણ ટૂંક સમયમાં એને ખ્યાલ આવશે કે જે અર્પણ થયું, તે એ પોતાની સાથેનો વિશ્વાસઘાત હતો.
સરદાર સરોવર યોજનાનું આયોજન ૫૬ વર્ષ પહેલાં થયું હતું, એવો નરેન્દ્ર મોદી સરકારનો દાવો છે. પણ વાસ્તવમાં એનું આયોજન ૧૯૭૯માં નર્મદા ટ્રિબ્યૂનલે તેનો ચુકાદો જાહેર કર્યા પછી થયું હતું. જે બંધનો પાયાનો પથ્થર જવાહરલાલ નેહરુએ ૧૯૬૧માં મૂક્યો હતો તે અલગ યોજના હતી. એ યોજનામાં બંધની ઊંચાઈ ૧૬૨ ફૂટ એટલે કે ૪૯.૩૭ મીટર હતી, તેમાં કોઈ વિવાદ ન હતો. સમાજ કે પર્યાવરણ પર કોઈ અસર પડવાનો સવાલ ન હતો કે કોઈ ટ્રિબ્યૂનલની પણ જરૂર ન હતી. વિવાદોના ઉકેલ માટેની ટ્રિબ્યૂનલની પ્રક્રિયા ૧૯૬૧ પછી ઘણા સમયના અંતરે થઈ. એ સમય સુધીમાં ઓછામાં ઓછાં છ ગામના લોકોએ તેમની જમીન યોજના માટે કૉન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલાં સહુથી પહેલાં સંપાદનમાં ગુમાવી. આ બનાવ ખુદ ૧૯૬૧માં બન્યો. જ્યારે આ લોકો તેઓ વિરોધ કરીને યોજના સામેના સંઘર્ષમાં જોડાયા, ત્યારે તેમને વળતર તરીકે મામૂલી રોકડ ચૂકવવામાં આવી.
અત્યારના સરદાર સરોવર પ્રોજેક્ટમાં બંધ ૪૫૫ ફૂટનો છે. તેનાથી ૪૦,૦૦૦ હૅક્ટરનો પ્રચંડ જળાશય બનશે, જેમાં ૨૪૪ ગામ અને એક વસાહત નાબૂદ થશે. આ વર્ષે આઠમી ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો કે જે કોઈ વ્યક્તિ જમીન મેળવવા માટે હક્કદાર છે, તેમને રૂપિયા ૬૦ લાખનું પૅકેજ આપવું. અદાલતે એમ પણ કહ્યું કે જેમને નજીવી રકમનું પૅકજ મળ્યું છે, તેમને રૂપિયા ૧૫ લાખ ચૂકવવા. ઉપરાંત, અદાલતે એમ નિર્દેશ આપ્યો કે પુનર્વસન માટેનાં દરેક સ્થળે, કાયદા મુજબ જે ફરજિયાત હોય તે તમામ સગવડો જૂન, ૨૦૧૭ પહેલાં પૂરી પાડવી. પણ આ કામગીરીનું કદ અને તેની અસાધ્યતાનો અદાલતને કદાચ ખ્યાલ ન હતો. અસરગ્રસ્તોની ફરિયાદો લઈને અને તે અંગે રાજ્યે શું કરવાનું છે, તેના આદેશો બહાર પાડવાની જવાબદારી ગ્રિવન્સેસ રિડ્રેન્સેસ ઑથોરિટી (જી.આર.એ.) એટલે કે ફરિયાદ-નિવારણ સત્તામંડળને સોંપવામાં આવી હતી.
રાજ્ય સરકાર તેમ જ જી.આર.એ.-એ તેમની ફરજ બજાવી નથી. એટલું જ નહીં પણ આ બંનેનો એવો પણ આગ્રહ હતો કે વિસ્થાપિતોએ તેમની જમીન ૩૧ જુલાઈ પહેલાં ખાલી કરવી. પણ એ લોકો શી રીતે જઈ શકે? વળતર માટેની પાત્રતા ધરાવતા સહુને હજુ પુનર્વસન-પૅકેજ મળ્યું નથી. અને પુનર્વસનસ્થળોને રહેવાલાયક બનાવવામાં આવ્યાં નથી. ત્યાં પીવાના પાણીનો પૂરવઠો નથી. ગટર અને ગોચર પણ નથી. તેમનો પુનર્વસનનો અધિકાર તેમની મિલકત ડૂબે તેના ઓછામાં ઓછા છ મહિના પહેલાં તેમને મળવો જોઈતો હતો. આ અધિકારમાં જમીન, ઘરો, વૃક્ષો અને થ્રેસિંગ-ગ્રાઉન્ડ એટલે કે અનાજ છડવા માટેની જગ્યાનો સમાવેશ થાય છે. આ પુનર્વસનના અધિકારને સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશોની ન્યાયપીઠે જીવન જીવવાના અધિકારના હિસ્સા તરીકે સમર્થન આપ્યું છે. વિસ્થાપિતો એમની મિલકતો પર મક્કમ રહ્યા. સરકારે પોલીસની મોટી ટુકડીઓ મોકલી. સરકારની ધમકીઓ છતાં ય તે લોકો ડગ્યા નહીં.
સરકારે વિસ્થાપિતો માટે ૯૦૦ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરખબરો આપી. તેનાથી પૈસા અને ધંધામાં પડેલાં ઘણાં બધાં બૌદ્ધિક જનો સાથે મોટા ભાગનાં શહેરીજનો અંજાઈ ગયાં. આ પૅકેજનો મોટો હિસ્સો હંગામી પુનર્વસન માટે હતો. દોઢસો-બસો ચોરસ ફૂટનું એક એવાં પતરાંનાં છાપરાં, પશુધન માટે ખાણ અને હજ્જારો માણસો માટે જમણ-છાવણીઓ – આ બધું ય ચાર મહિના માટે – આ એવા ખેડૂત પરિવારો છે કે જે મોકાની ખેતજમીન અને કંઈક હજાર ઢોર ગુમાવવાના છે. વિસ્થાપિતોમાં સ્વરોજગાર મેળવનાર માછીમારો, કુંભારો, હોડીવાળા, વેપારીઓ અને ખેતમજૂરોનો પણ સમાવેશ થાય છે. વિસ્થાપિતગ્રસ્ત લોકોએ સત્યાગ્રહ કર્યો, એટલે મધ્યપ્રદેશ સરકારે રોકડ રકમ તેમ જ માછીમારો, કુંભારો અને હોડીવાળાઓ માટે અધિકારોનાં વચનો આપતાં પૅકેજિસ જાહેર કર્યાં, પણ સરકારનો ઇરાદો બર આવ્યો નથી. વિકાસના હિંસક માર્ગ સામે તેમનો અહિંસક સંઘર્ષ ચાલુ જ છે.
કોઈ પણ યોજનામાં – એ સ્માર્ટસિટીની હોય કે પછી માળખાકીય સુવિધાઓને લગતી હોય – નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને તમને યોગ્ય વળતર મળે, તેનો સત્તાવાળાઓ નહીંવત્ ખ્યાલ રાખતા હોય છે. આ બાબત નર્મદાવૅલિના લોકોએ ગયા ત્રણ દાયકા દરમિયાન અનુભવી છે. વ્યાપક પ્રશ્ન પણ રહે જ છે : આ વિકાસ કોના માટે અને કયા ભોગે? બંધો અર્પણ કરી શકાય અને અણુવિદ્યુતમથકો પણ. હકીકતમાં તો આ બંને કેવળ સંસાધનોનું હસ્તાંતરણ છે. કુદરતના આધારે જીવતા લોકોનાં સંસાધનો ભારતનાં શહેરોમાં વસતા લોકોને આપવામાં આવે છે. તેની અસાધારણ ભારે કિંમત માત્ર નુકસાન વેઠનાર લોકોએ જ નહીં, પણ આખા દેશે ચૂકવવી પડતી હોય છે. આ સમસ્યા અંગે ફરીથી ચર્ચા કરવાનો સમય પાકી ચૂક્યો છે, નહીં તો એક સિવિલાઇઝેશન તરીકે આપણે ખતમ થઈ જઈશું. કુદરત આપણને વાવાઝોડાં ફૂંકીને, હિમનદ ઓગાળીને, પૂર અને દુકાળ લાવીને સજા આપી જ રહી છે.
(“ઇન્ડિયન ઍક્સપ્રેસ”, ૭ ઑક્ટોબર, ૨૦૧૭)
[અનુ. સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 06