શાનું ગૌરવ અનુભવવું અને શાની શરમ − એના માપદંડો પરથી સમાજની પ્રગતિ નક્કી થાય છે.
ગુલબર્ગ હત્યાકાંડના ચુકાદાથી ફરી એક વાર, હવે તો છેલ્લી છેલ્લી વાર, ૨૦૦૨ની કોમી હિંસા અને ન્યાય માટેના સંઘર્ષની યાદ તાજી થઈ. એક સિવાયના બધા કેસના ચુકાદા આવી જતાં, હવે આખો ઘટનાક્રમ મહદ્દ અંશે ઇતિહાસ બની ગયો છે. એક એવી પેઢી આવી ચૂકી છે, જે ૨૦૦૨માં બાળપણ-કિશોરાવસ્થામાં હતી અને હવે સોશ્યલ મીડિયા પર અત્યંત સક્રિય છે. તેમનાં મન પ્રચારમારાથી એવાં ભરાયેલાં છે કે ૨૦૦૨નું નામ પડતાં જ તેમાંથી ઘણાંનાં મોં મચકોડાય છે. ‘જૂનાં હાડપિંજર કાઢવાની શી જરૂર છે?’ એવું તે સહજતાથી કહી દે છે. તેમને લાગે છે કે ૨૦૦૨ની હિંસા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બૌદ્ધિક-હિંદુવિરોધી- ડાબેરી-સેક્યુલરિસ્ટોનું કાવતરું હતું. ઘણાને આ બધાં વિશેષણના અર્થ એકસરખા જ લાગે છે — અને કમ્પ્યુટર-સ્માર્ટફોન વાપરતાં આવડે છે, એટલે પોતાની આવડત વિશે તેમને કદી અવઢવ હોતી નથી.
‘૨૦૦૨માં ગુજરાતવિરોધીઓ નરેન્દ્ર મોદી પર તૂટી પડ્યા હતા અને તેમને બહુ વીતાડ્યું, પણ મુખ્ય મંત્રી તરીકે મોદીએ જરા ય મચક ન આપી’ — આવી કે આ પ્રકારની માન્યતાઓ સોશ્યલ મીડિયા પર કિશોર-જુવાન થયેલી નવી પેઢી ધરાવતી હોય, તો એમાં તેમનો બહુ વાંક નથી. તેમની આજુબાજુનો માહોલ સતત એવો રહ્યો કે રાજકારણ બાજુએ રાખીને, નાગરિકી દૃષ્ટિકોણથી બોધપાઠ અંકે કરવા જેટલું સ્વસ્થ વાતાવરણ જ પેદા ન થાય. સોશ્યલ મીડિયા પણ તેમાં ઠીક ઠીક અંશે નિમિત્ત બન્યું.
સમજ આવી ત્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન જોનાર પેઢીમાંથી ઘણાને ઇતિહાસબોધ તો ઠીક, સાદા ઇતિહાસની પણ માહિતી નથી હોતી. કારણ કે, સાદો ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળ તેમના ભણવામાં આવતાં નથી. કુટુંબપરિવાર-દોસ્તો પાસેથી એ આધારભૂત રીતે જાણવા મળે એવી સંભાવના ઓછી હોય છે અને જાતે તસ્દી લઈને જાણવા જેટલું તેનું મહત્ત્વ લાગતું નથી. હવામાં તરતી મુકાયેલી સામાન્ય છાપ એવી છે કે ‘કોમી હિંસાની કશી નવાઈ નથી. ‘ગાંધીના ગુજરાત’માં એ અનેક વાર થઈ ચૂકી છે. પણ ૨૦૦૨ની હિંસાનો વિરોધ અને તેમાં રાજ્યની ભૂમિકા અંગેની જ ચર્ચા શા માટે? કારણ કે એ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું હતું.’
યાદ રાખવાનો એક મુદ્દો એ છે કે ૨૦૦૨ની કોમી હિંસા ન્યૂઝ ચેનલોનો યુગ શરૂ થયા પછીની પહેલી મોટી ઘટના હતી. બદલાયેલા સમયમાં માનવ અધિકાર સંગઠનો પણ ઠીક ઠીક સક્રિય થયાં હતાં. અને તેમાંના ઘણા લોકો ૧૯૮૪ના કૉંગ્રેસપ્રેરિત શીખ હત્યાકાંડ વખતે પણ સક્રિય જ હતા. પરંતુ ‘ત્યારે તમે ક્યાં હતા?’ના સવાલ વીંઝનારને જવાબ સાંભળવામાં ક્યાં રસ હોય છે?
નવી પેઢી સામે નવા પડકાર અને નવી તકો હોય છે. ૧૪ વર્ષ પહેલાંના ઘટનાક્રમને વળગીને બેસી ન રહેવાય. તેને વિસારે પાડીને આગળ વધવું જ પડે. પરંતુ એ બનાવોનું અનુસંધાન ચાલુ વર્તમાનકાળમાં નીકળતું હોય, ત્યારે તેના સૂચિતાર્થો અને બોધપાઠ પૂરેપૂરા સમજવા રહ્યા. એ વિના આગળ નીકળવાની ઉતાવળ કરવામાં આવે તો, ભવિષ્યમાં બીજી રીતે, બીજા સ્વરૂપે એ બોધપાઠો સામે આવીને ઊભા રહે. નરેન્દ્ર મોદીના વ્યક્તિગત વિરોધ કે તરફેણથી દૂર રહીને, નવી પેઢી સાથે ખુલ્લાશથી ચર્ચી શકાય એવા કેટલાક મુદ્દા અને બોધપાઠ.
ગુજરાતમાં કોમી હિંસાનો ઇતિહાસ જૂનો છે. ગાંધીજન્મશતાબ્દિ વર્ષ ૧૯૬૯માં ભયંકર કોમી હિંસા થઈ હતી. પરંતુ કોમી હિંસાની ગંભીરતા ફક્ત મૃત્યુઆંકથી જાણી કે માપી શકાતી નથી. તેનો વ્યાપ, સમયગાળો અને રાજ્યની ભૂમિકા — આ મુદ્દા પણ એટલા જ કે વધારે અગત્યના છે. આ ત્રણે મામલે ૨૦૦૨ની હિંસા ગુજરાત માટે અભૂતપૂર્વ હતી.
હિંસક વાતાવરણ અને કરફ્યુ મહિનાઓ સુધી ચાલ્યાં. કોમી તનાવનો પરંપરાગત ઇતિહાસ ધરાવતાં શહેરોને બદલે ગુજરાતનાં અસંખ્ય શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં હિંસા પ્રસરી. સ્વાભાવિક છે કે મુખ્ય મંત્રી મોદીએ ઠેકઠેકાણે જઈને લોકોને મુસ્લિમવિરોધી હિંસા આચરવાનું ન જ કહ્યું હોય. નરોડા પાટિયા જેવા (કે ફરિયાદીઓની આશંકા પ્રમાણે, ગુલબર્ગ સોસાયટી જેવા) કેટલાક હત્યાકાંડો પૂર્વઆયોજિત હોઈ શકે. તેમાં સ્થાનિક કારણો પણ ભળેલાં હોઈ શકે. છતાં, બે વાત ઊભી રહે છે : ૧) સરકાર મહિનાઓ સુધી સામાન્ય સ્થિતિ સ્થાપી શકી નહીં. ૨) પીડિતો માટે આશ્રયનો અને તોફાનીઓ માટે ‘હિંસા કોઈ પણ સંજોગોમાં નહીં સાંખી લેવાય’, એવો કડકાઈનો સંદેશો સરકાર આપી શકી નહીં. ઉલટું, વ્યાપક છાપ એવી ઊભી થઈ કે સરકાર મુસ્લિમવિરોધી હિંસાખોરી પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. હિંસા પછીનાં થોડાં વર્ષ સુધી મુખ્ય મંત્રીના ઉદ્દગારોમાં રૂઝ આપનાર મલમને બદલે દઝાડનારા રસાયણની અનુભૂતિ ભળેલી હતી.
– અગાઉનાં રમખાણ પછી મુખ્ય મંત્રીએ છડેચોક તેનો રાજકીય લાભ ખાટવાની કોશિશ કરી ન હતી. ૨૦૦૨ની આપત્તિને મુખ્ય મંત્રીએ અવસરમાં ફેરવી નાખી. ઘણાના મનમાં કારણ-અકારણ રહેલો મુસ્લિમદ્વેષ જાહેર અને સ્વીકૃત બન્યો. તોફાનના ઘા રૂઝાય એ પહેલાં મુખ્ય મંત્રીએ ગૌરવયાત્રા કાઢી. તેનો સત્તાવાર આશય ગમે તે હોય, પણ ‘ગૌરવ’ શાનું એ બહુ સ્પષ્ટ હતું. એ વખતે મહેન્દ્ર મેઘાણીએ જલિયાંવાલા બાગના હત્યારા જનરલ ડાયરને બ્રિટનમાં જે માનપાન મળેલાં એની વિગતો તાજી કરીને, જનરલ ડાયરની ગૌરવયાત્રા વિશે લખવું પડ્યું.
– વિક્રમસર્જક લાંબા ગાળા સુધી ટકેલી તનાવપૂર્ણ સ્થિતિ પછી પણ, પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં રાજ્ય સરકારની દાનત ખોરી પુરવાર થઈ. પીડિતો માટે ન્યાયનો રસ્તો કપરો બની ગયો. તેમના સામા પક્ષે ફક્ત આરોપીઓ જ નહીં, શક્તિશાળી સરકાર પણ હતી. અસરકારક ન્યાય માટે કેસો ગુજરાતની બહાર લઈ જવાના આદેશ થયા. પરંતુ નરેન્દ્ર મોદી પોતાની ટીકાને ગુજરાતની ટીકા તરીકે ખપાવી શક્યા અને ગુજરાતના ઘણા લોકોએ આ પડીકું હોંશેહોંશે લઈ લીધું. ૧૯૬૯ની હિંસા વખતે ગુજરાતની મુલાકાતે આવેલા બાદશાહખાને ભારે વ્યથા વ્યક્ત કરી હતી.
૨૦૦૨માં આવું બન્યું હોત તો બાદશાહખાનને પણ ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવી દેવાયા હોત — અને લોકોએ તે સ્વીકારી લીધું હોત. પ્રાથમિક કહેવાય એવી આ વિગતોનો સાર એટલો કે ભૂતકાળનાં હિંસા-અન્યાય પર ઢાંકપિછોડો કરીને નહીં, પણ તેની સાથે સંકળાયેલી શરમનો અહેસાસ કરવાથી સમાજ આગળ વધે છે. શાનું ગૌરવ અનુભવવું અને શાની શરમ — એના માપદંડો પરથી સમાજની પ્રગતિ નક્કી થાય છે. કોઈ નેતા માફી માગે કે ન માગે, સમાજના લોકો તરીકે આપણા મનમાં ખોટું થયાનો ભાવ ઊગે, એ વખતે સમજવું કે આપણે એ ઘટનાને અભરાઈ પર ચડાવીને આગળ વધવા માટે લાયક થઈ ગયા છીએ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘આગેકૂચની આધારશીલા’, “દિવ્ય ભાસ્કર”, 07 જૂન 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-2002-before-going-further-article-by-urvish-kothari-5342794-NOR.html