ગુજરાત હાયર એજ્યુકેશન કાઉન્સિલ બિલ સામે લડત ચાલુ છે
૩૧ માર્ચે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં જે રીતે વિપક્ષની ગેરહાજરીમાં અને કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર ગુજરાત હાયર એજ્યુકેશન કાઉન્સિલ બિલ-૨૦૧૬ પસાર કરવામાં આવ્યું તેને સમગ્ર ગુજરાતના શિક્ષણવિદો, અધ્યાપકો, વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા. ઉગ્ર રોષ પણ ફાટી નીકળ્યો. સરકારે જેમ ૨૦૦૬માં કોમન યુનિવર્સિટી એક્ટ વખતે ધારી લીધું હતું કે અમારી પાસે બહુમતી છે તેના જોરે અમે કોઈપણ કાયદો પસાર કરી શકીએ, તે વાતને ગુજરાતના શિક્ષણપ્રેમી-સ્વાયત્તતાપ્રેમી નાગરિકોએ ખોટું ઠેરવ્યું હતું. તેવી જ રીતે આ વખતે પણ સરકારની ગણતરીઓ ઊંધી પડી રહી છે.
જેવા આ બિલ પસાર થયાના સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા, તરત જ શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ લોકોએ રાજ્યના અલગ અલગ ખૂણેથી પોતપોતાની રીતે વિરોધ નોધાવવાનો શરૂ કરી દીધો. તેના વિશે આ આંદોલન સાથે સક્રિય રીતે સંકળાયેલા અને ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી ભરતભાઈ મહેતાએ વિગતો આપી છે. આ આંદોલનની શૃંખલાને આગળ વધારતા વડોદરા એમ.એસ. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નિસબત ધરાવતા અગ્રણી નાગરિકોએ ધીરૂ મિસ્ત્રી અને તપન દાસગુપ્તાના નેતૃત્વમાં વડોદરાના મહોલ્લા-મહોલ્લા, સોસાયટી-સોસાયટીઓમાં શિક્ષણ બચાવો યાત્રા લઈ જઈને સામાન્ય લોકોને પણ આ આંદોલન સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. તેમણે રાજ્યપાલશ્રીને સંબોધીને લખાયેલા પોસ્ટકાર્ડમાં સહી કરાવી, તેઓની પાસેથી જ આ આંદોલન માટે ફાળો એકત્ર કરીને તેમ જ તેમના મહોલ્લા કે સોસાયટી તરફથી ઠરાવ પસાર કરીને અલાયદી રીત આ બિલના વિરોધમાં રાજ્યપાલશ્રીને રજૂઆત પહોંચાડે, મીણબત્તી દેખાવો કે કાળી પટ્ટી પહેરી દેખાવો વગેરે જેવા કાર્યક્રમ કરે એવી અપીલ કરી. વડોદરાના લોકોએ તેમને અદ્ભુત પ્રતિસાદ આપ્યો.
અનેક લોકોએ મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લઈને પોતાના અન્ય મિત્રો, સગાં-સંબંધીઓની પણ સહી કરાવીને પોસ્ટકાર્ડ રવાના કરવાની જવાબદારી લીધી તો અમદાવાદમાં પણ પરીક્ષાના માહોલ વચ્ચે પણ ઑલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.) દ્વારા કૉલેજે કૉલેજે તેમ જ લાલ દરવાજા, ઇન્કમટેક્સ, ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટોપ વગેરે જેવા જાહેર સ્થળોએ પોસ્ટકાર્ડ ઝૂંબેશ ચલાવવામાં આવી. આ ઝૂંબેશ થકી આશરે ૨૦૦૦થી પણ વધારે લોકોની સહીઓ સાથેના પોસ્ટકાર્ડ રાજ્યપાલશ્રીને મોકલવામાં આવ્યા છે.
આ દરમ્યાનમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળને રાજ્યપાલશ્રીએ ત્રણ મેના રોજ મુલાકાત આપી. મહામંડળના પ્રમુખ ડૉ. મહાદેવભાઈ દેસાઈ, ઉપપ્રમુખ પ્રૉ. દિગ્વિજયસિંહ ગોહિલ, સેક્રેટરી ડૉ. રમેશભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય કૉલેજ આચાર્ય મહામંડળના પ્રમુખ ડૉ. જે. એ. સરવૈયા, એસ.સી.-એસ.ટી. અધ્યાપક મંડળના પ્રમુખ પ્રૉ. પંકજ શ્રીમાળી, ઉત્તર ગુજરાત અધ્યાપકોમાંથી ડૉ. કનુ ખડદિયા, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ડૉ. એમ. એ. મન્સૂરી તથા એચ. કે. આટ્ર્સ કોલેજના અધ્યાપક સંજય શ્રીપાદ ભાવેએ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને વિગતવાર મુદ્દાસર રજૂઆત કરી. મહાદેવભાઈએ રાજ્યપાલશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શિક્ષણની સ્વાયત્તતા છીનવાઈ જાય તે અમે કોઈ પણ સંજોગોમાં સહન કરી શકીએ નહીં. ૯ મેના રોજ રાજ્યપાલશ્રીએ રોજ ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીને પણ મુલાકાત આપી. કમિટીના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ અને જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. રોહિતભાઈ શુક્લનાં નેતૃત્વમાં કમિટીના જોઈન્ટ સેક્રેટરી ડૉ. કનુ ખડદિયા, કીમ એજ્યુકેશન સોસાયટીના ઉત્તમભાઈ પરમાર, આચાર્ય જગદીશભાઈ ચૌધરી, એચ.કે. આટ્ર્સ કૉલેજના અધ્યાપક પ્રો. હેમન્તકુમાર શાહ, એમ.એસ. યુનિવર્સિટીમાંથી ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી ડૉ. ભરતભાઈ મહેતા તથા સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ડૉ. એમ. એ. મન્સૂરીના પ્રતિનિધિમંડળે રાજ્યપાલશ્રીને સ્પષ્ટ રજૂઆત કરી કે આ બિલની તમામ જોગવાઈઓ અને તેના પાછળનો ઇરાદો શિક્ષણની સ્વાયત્તતાને ખતમ કરવાનો છે. તેથી બિલમાં આ કે તે સુધારા નહીં પરંતુ બિલ જ સમગ્રપણે પાછું ખેંચાવું જોઈએ. રાજ્યપાલશ્રીએ બંને પ્રતિનિધિમંડળોને શાંતિથી સાંભળ્યા હતા. અને ખાતરી આપી છે કે બિલ પર સહી કરવામાં ઉતાવળ નહીં કરાય. બિલની જોગવાઈઓ, અન્ય રાજ્યોના કાયદાઓ તેમ જ તમામ રજૂૂઆતોનો પૂરતો અભ્યાસ કરીને જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
દરમ્યાન, ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી દ્વારા અમદાવાદમાં તા. ૧૦ મે અને મંગળવારે ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ પાસે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રોહિત શુક્લના નેતૃત્વમાં યોજાયેલા આ ધરણાંમાં પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તેમ જ જાણીતા પત્રકાર પ્રકાશ ન. શાહ, અધ્યાપક મંડળના સ્થાપકમાંના એક એવા શિક્ષણવિદ કનુભાઈ શાહ, નવનિર્માણ આંદોલનના નેતા મનીષીભાઈ જાની, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ રજિસ્ટ્રાર અને આ બિલ વિરુદ્ધ આ લડતની શરૂઆત કરનાર દિલીપભાઈ પટેલ, એસ.સી. – એસ.ટી. અધ્યાપક મંડળના સેક્રેટરી રાજેન્દ્રભાઈ જાધવ, પાર્ટ ટાઈમ લેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રો. દિનેશભાઈ શાહ, આર. જે. ટીબ્રેવાલ કૉલેજનાં વાઈસ પ્રિન્સીપાલ ડૉ. મહેરૂન્નિસાબહેન દેસાઈ, ‘અવાજ’નાં સારાબહેન બાલ્દીવાલા, ગુજરાત લોક સમિતિનાં નીતાબહેન વિદ્રોહી, માનસી મહિલા સેવા સખી મંડળનાં કોકીલાબહેન સોલંકી, નૂતન અધ્યાપક મંડળના રણજીતભાઈ પાડા સહિત અનેક અગ્રણી નાગરિકો જોડાયાં હતાં. ધરણાંનો મુખ્ય સૂર એ જ હતો કે આ ગુજરાત હાયર એજ્યુકેશન કાઉન્સિલ બિલનો સ્પષ્ટ ઈરાદો શિક્ષણની સ્વાયત્તતા ખતમ કરવાનો છે, તેથી તેમાં આ કે તે સુધારાથી નહીં ચાલે પરંતુ બિલ સંપૂર્ણપણે રદ્દ થવું જોઈએ. જ્યાં સુધી આ બિલ પાછું ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની કટિબદ્ધતા સહુએ વ્યક્ત કરી.
ડૉ. દિલીપભાઈ પટેલની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે ૧૦ મે ના રોજ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પણ મુલાકાત લીધી અને આ બિલ સંપૂર્ણપણે પાછુ ખેંચવા રજૂઆત કરી. ઉત્તર ગુજરાતમાં પાટણમાં તા. ૧૩ મે ના રોજ એક સંમેલન પણ યોજવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં પણ સંમેલન યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.
આમ, સરકાર એવી ગણતરીમાં હતી કે આ બિલને સરળતાથી અને લોકોને અંધારામાં રાખી પસાર કરી દેવામાં તેઓ સફળ થશે, પણ એમ થઈ શક્યું નથી. આખા ગુજરાતની વિવિધ કૉલેજોમાંથી અધ્યાપકો-વિદ્યાર્થીઓનો રોષ અને રજૂઆત સ્વાયત્તતા વિનવતા આ બિલને આગળ વધતાં અટકાવી રહ્યું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 20 તથા 19