મહિના પહેલાં કન્હૈયા કુમાર નામનો કોઈ વિદ્યાર્થી છે એની કોઈને જાણ સુધ્ધાં નહોતી. આજે કન્હૈયા કુમાર યુવાનોનો રાષ્ટ્રીય આઇકન બની ગયો છે. ગુરુવારે ચૅનલો બન્ને ભાષણ (નરેન્દ્ર મોદીનું અને કન્હૈયાનું) લગભગ એકસરખા વજન સાથે બતાવતી હતી. આ એક વિડંબના છે અને એ સાથે જ લોકશાહીની મધુર પળ છે કે વડા પ્રધાનની સાથે પ્રાઇમ ટાઇમ એક સાવ ગરીબ અને પછાત પરિવારમાંથી આવતો વિદ્યાર્થી શૅર કરતો હોય અને પ્રગલ્ભતામાં વડા પ્રધાનને માત કરી જતો હોય
ગુરુવારે દિલ્હીમાં બે ભાષણ થયાં હતાં. એક ભાષણ વડા પ્રધાને લોકસભામાં કર્યું હતું અને બીજું ભાષણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીનેતા કન્હૈયા કુમારે યુનિવર્સિટીના કૅમ્પસમાં કર્યું હતું. વડા પ્રધાનનું ભાષણ કૉન્ગ્રેસ દ્વારા સંસદમાં કરવામાં આવતી સતામણીના જવાબમાં હતું, જ્યારે કન્હૈયાનું ભાષણ એક સ્વતંત્ર નાગરિક સાથે રાજ્ય દ્વારા કરવામાં આવતી સતામણીના ઉત્તરમાં હતું. મારી વાચકોને વિનંતી છે કે બન્ને ભાષણો વાંચીને સરખાવી જુઓ અને બને તો યુટ્યુબ કે અન્યત્ર ભાષણ સાંભળવા મળે તો સાંભળી જુઓ. પ્રગલ્ભતા શું કહેવાય એનો ફરક આપોઆપ સમજાશે.
ઠેકડી ઉડાડવાની, ટોણા મારવાના, ખોટાં વચનો આપવાનાં, પાછા પોતાને લાચાર વિક્ટિમ તરીકે પેશ કરવાના, એ પછી વળી છપ્પન ઇંચની છાતી બતાવવાની અને તરજ જ ઉદાર બનીને બાથમાં લેવા જેટલી હૂંફ બતાવવાની, વળી પાછી ઠેકડી ઉડાડવાની આ બધું એક જ ખેલમાં એકસાથે હોય ત્યારે નાટ્યકૃતિ ફારસ બની જતી હોય છે. ભરત મુનિએ રસશાસ્ત્રમાં આઠ રસ બતાવ્યા છે (પછીથી કોઈકે શાંત રસને રસ તરીકે ઉમેરીને નવ રસ કરી નાખ્યા છે) અને સલાહ આપી છે કે ઉત્તમ કલાકારે યોગ્ય રસોનું સપ્રમાણ મિશ્રણ કરીને નાટ્યકૃતિની રચના કરવી. યોગ્ય રસોનું સપ્રમાણ મિશ્રણ કરવાનું કહ્યું છે, બધા જ રસોનું પ્રમાણરહિત મિશ્રણ કરવાનું નથી કહ્યું. બધા જ રસોનું અપ્રમાણ મિશ્રણ કરવામાં આવે તો એવું ભાષણ બને જે ગુરુવારે લોકસભામાં આપવામાં આવ્યું હતું કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે આપવામાં આવતાં હતાં.
નવે રસોના અપ્રમાણ મિશ્રણનું પરિણામ આપણી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સામે છે. વરસ પહેલાં જે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવામાં નહોતા આવતા અને જેમને વિરોધીઓ પપ્પુ તરીકે ઓળખાવતા હતા તેમને આજે ગંભીરતાથી લેવામાં આવે છે. રાહુલ ગાંધીનું કદ વિકસ્યું છે અને એ વિકસાવી આપવાનું કામ દસ્તૂરખુદ નરેન્દ્ર મોદીએ કર્યું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી રાહુલનું નામ લેવાનું ટાળતા હતા અને આજે? ગુરુવારે નરેન્દ્ર મોદીએ આખું ભાષણ (અને એ પણ લોકસભામાં) રાહુલ ગાંધીને ઉત્તર આપવા માટે આપવું પડ્યું હતું. લોકસભામાં માત્ર ૪૪ બેઠકો ધરાવતી કૉન્ગ્રેસને પગલુછણિયા તરીકે અપમાનિત કરવામાં આવતી હતી અને આજે એ જ કૉન્ગ્રેસને ગૃહ ચલાવવા દેવા વિનંતી કરવી પડે છે.
નરેન્દ્ર મોદીએ આઠમી લોકસભાનો ઇતિહાસ ભણી લેવો જોઈએ જેથી તેમને સંસદીય લોકશાહી શું કહેવાય અને એમાં સરકાર સંસદ પર કેટલી નિર્ભર છે એનો ખ્યાલ આવશે. આઠમી લોકસભામાં કૉન્ગ્રેસના ૫૧૫માંથી ૪૦૪ સભ્યો હતા. વીસેક સભ્યો મિત્રપક્ષોના હતા અને કૉન્ગ્રેસનો સો ટકા વિરોધ કરનારાઓ તો આખી લોકસભામાં ૯૦ સભ્યો પણ નહોતા. આમ છતાં વિરોધ પક્ષોએ રાજીવ ગાંધીની સરકારના નાકે દમ લાવી દીધો હતો. સંસદીય લોકશાહીમાં સરકાર સંસદથી ઉફરી ચાલીને કામ કરી શકતી નથી. બધા મહત્ત્વના સરકારી નિર્ણયો સંસદના ફ્લોર પરથી પસાર થાય છે અને સંસદમાં એ મંજૂર થાય એ માટે પ્રયાસ કરવાની જવાબદારી સરકારની છે. અત્યારના સંદર્ભમાં બહુ સરળ સવાલ છે, સરકાર ચલાવવાની જવાબદારી રાહુલ ગાંધીની છે કે નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓની? વિરોધ પક્ષો તો ખાઈ પહોળી થાય એ માટે દરેક પ્રયાસ કરશે જેથી કાં સરકારને સહયોગ આપવાથી બચી શકાય અને કાં સરકારને કૂણી પાડી શકાય. અંતે તો દરેક પોતાની જગ્યા બનાવવા પ્રયાસરત હોય છે અને એ સંસદીય લોકશાહીમાં સ્વાભાવિક છે.
વિરોધ પક્ષો જો પોતાની જગ્યા બનાવવા, બતાવવા અને પકડી રાખવા પ્રયાસ કરતા હોય તો શાસક પક્ષે ગૃહમાં પક્ષીય જગ્યા ભૂંસવા પ્રયાસ કરવો જોઈએ. ડાહ્યા શાસકો આમ કરે છે. પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી આનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. આઠમી લોકસભામાં ૫૧૪માંથી ૪૦૪ બેઠકો હોવા છતાં રાજીવ ગાંધી આમ નહોતા કરી શક્યા, જ્યારે ૧૦મી લોકસભામાં કૉન્ગ્રેસને માત્ર ૨૩૨ બેઠકો મળી હોવા છતાં નરસિંહ રાવ ભારતના અર્થતંત્રને નવા યુગમાં લઈ ગયા હતા. કૉન્ગ્રેસની વિચારધારાથી ૧૮૦ ડિગ્રી અલગ વિચાર ધરાવનાર અને લોકસભામાં ૧૨૦ બેઠક ધરાવનાર ભારતીય જનતા પાર્ટીની જગ્યા પણ નરસિંહ રાવે સમજાવી-બુજાવીને ભૂંસી નાખી હતી અને સરકારી નિર્ણયો લોકસભામાં પસાર કરાવતા ગયા હતા. નરસિંહ રાવની આ કુનેહનાં વખાણ અટલ બિહારી વાજપેયીએ કર્યા હતાં. અટલ બિહારી વાજપેયીની કુનેહ વિશે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રે કહ્યું છે કે તેમની અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી વચ્ચેની બૅક ચૅનલ હંમેશાં લાઇવ રહી છે. એ સમયે લોકસભામાં જે આશ્ચર્યો સર્જાતાં હતાં એ આપણા માટે હતાં, બાકી વાજપેયી અને સોનિયા ગાંધીને તો લોકસભામાં પગ મૂકે એ પહેલાં ખબર હોય કે આજે કેટલું ઝઘડવાનું છે અને ક્યારે ગળે મળવાનું છે.
પરંતુ આજે? આજે દેશમાં એવી સરકાર અને એવા વડા પ્રધાન છે જે દેશ માટે નહીં, પોતાનાં માટે જ આશ્ચર્યો સર્જે છે. મને કોઈ સંભળાવીને ન જવું જોઈએ, ભલે લોકસભામાં કામકાજ ન ચાલે. નરેન્દ્રભાઈ, આવી રીતે સરકાર નહીં ચાલી શકે. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સાંભળી લેતા હતા અને મોકો મળે ત્યારે હળવેકથી વાગે નહીં એમ સંભળાવી પણ દેતા હતા. મને કોઈ સંભળાવીને ન જવું જોઈએ એને કારણે બિહારમાં આશ્ચર્ય સર્જાયું. એ આશ્ચર્યના જનક પણ નરેન્દ્ર મોદી હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે નીતીશકુમાર પ્રાદેશિક નેતા હતા અને ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીમાં તેઓ રાષ્ટ્રીય નેતા બની ગયા. કોઈ માઈનો લાલ સંભળાવીને ન જવો જોઈએ. જો સામું સંભળાવું નહીં તો માનું દૂધ લાજે એવું વલણ રાજકારણમાં ન ચાલે.
મહિના પહેલાં કન્હૈયા કુમાર નામનો કોઈ વિદ્યાર્થી છે એની કોઈને જાણ સુધ્ધાં નહોતી. આજે કન્હૈયા કુમાર યુવાનોનો રાષ્ટ્રીય આઇકન બની ગયો છે અને આ લખનાર જેવાઓનો એક વર્ગ તેના પડખે ઊભો છે. ગુરુવારે ચૅનલો બન્ને ભાષણ (નરેન્દ્રનું મોદી અને કન્હૈયાનું) લગભગ એકસરખા વજન સાથે બતાવતી હતી. મસ્તિષ્કની તટસ્થતા સાથે બન્ને ભાષણો સાંભળો અને નક્કી કરો કે કોનું ભાષણ વધારે પ્રગલ્ભ હતું. આ પણ વિડંબના છે અને એ સાથે જ લોકશાહીની મધુર પળ છે કે વડા પ્રધાનની સાથે પ્રાઇમ ટાઇમ એક સાવ ગરીબ અને પછાત પરિવારમાંથી આવતો વિદ્યાર્થી શૅર કરતો હોય અને પ્રગલ્ભતામાં વડા પ્રધાનને માત કરી જતો હોય.
રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, નીતીશકુમાર, કન્હૈયા વગેરેનું કદવિસ્તરણ નરેન્દ્ર મોદીએ નવે રસોનું અપ્રમાણ મિશ્રણ કરીને પોતે જ પોતાની સામે જ આશ્ચર્યો સજીર્ને કર્યું છે. માઈનો લાલ કોઈ સંભળાવીને ન જવો જોઈએ.
સોજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2016
http://www.gujaratimidday.com/features/columns/narendra-modi-and-his-government-has-responsibity-to-run-system-not-rahul-gandhi-2