ચુનીભાઈ વૈદ્ય(૨-૯-૧૯૧૮ : ૧૯-૧૨-૨૦૧૪)નું ગૂજરાત વિદ્યાપીઠના ઓગણસાઠમા પદવીદાન સમારંભ (૧૮-૧૦-૨૦૧૨) પ્રસંગે અપાયેલું આ દીક્ષાન્ત અભિભાષણ, અહીં એમના હંસગાન રૂપે પ્રણત ભાવે ઉતાર્યું છે. ઑક્ટોબર ૨૦૧૨ પછી પણ એમને લખવા બોલવાનું આવ્યું જ હોય, પરંતુ પદવીદાન નિમિત્તે એમણે વ્યક્ત કરેલા આ વિચારો સંઘર્ષ અને રચનાની ગાંધીપરંપરામાં બીજા સ્વરાજની ચાલુ લડાઈ સબબ એમના ઉત્તરજીવનની મથામણને સુરેખ મૂકી આપતા હોઈ અહીં ‘અણદીઠાને દેખવા’ એમના અંતિમ પ્રયાણ નિમિત્તે હંસગાન રૂપે મૂકવાનું ઉચિત લેખ્યું છે …
અહીં ગાંધીવિચારના જાણકાર અને આજના આ પ્રવચનના સંદર્ભમાં કહું તો એવા સાથીઓ બેઠા છે, જેમનાં આ વિષય પર દેશમાં અને વિદેશમાં પ્રવચનો થાય છે. એ સાથીઓ આ બાબતમાં સારા જાણકાર છે, એટલે અહીં બોલતાં મને જરા સંકોચ હતો. પણ સુદર્શનભાઈએ કહ્યું કે એમાં સંકોચ શેનો ! એક ક્રિયાશીલ સાથીને શું કહેવું છે, તે તમારે સાંભળવું છે. એટલે, તબિયત ઘણી જ નબળી હોવા છતાં અત્યારે અહીં હાજર થયો છું.
સાથીઓનો શું અનુભવ છે તે નથી જાણતો, પરંતુ મારો એક અનુભવ લગાતાર એ રહ્યો છે કે દરેક જિજ્ઞાસુ એક સવાલ અચૂક પૂછે છે – “આજના આ સમાજમાં, આ સમયમાં ગાંધીવિચાર પ્રસ્તુત છે ખરો ? એ ઉપયોગી ખરો ?” આ બધા આ એક જ સવાલ કેમ પૂછતા હશે ? એનો વિચાર કરતાં મને સૂઝે છે કે આજે ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં અનેક મૂંઝવતા સવાલો છે, એમના ઉકેલમાં ગાંધીવિચાર ક્યાં ય સક્રિય નથી દેખાતો, એ તો આપણે એક શીતાગાર – કોલ્ડ સ્ટોરેજમાં જાણે મૂકી રાખ્યો છે અને સવાલના જવાબમાં છાતી ઠોકીને કહીએ છીએ : ‘હા !’
છેક ૧૯૨૦માં ગાંધીજીએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે એમની સામે પણ આવા જ સવાલો હશે અને એ બધાના જવાબમાં એમણે આ વિદ્યાપીઠની સ્થાપના કરી અને અત્યંત નમ્રતાપૂર્વક પણ દાવો કર્યો કે આ એક ઋષિકાર્ય – ક્રાંતિદર્શન છે. અહીં અપાનારા શિક્ષણ દ્વારા સમાજપરિવર્તન, નવા સમાજનું નિર્માણ થઈ શકશે એવું એમણે ધાર્યું હશે.
જ્હૉન રસ્કિનના પુસ્તક Unto This Last વાંચીને એમણે જે તારણો કાઢ્યાં અને એના પર પોતાના જીવનને ઘડ્યું તે પૈકી બે હતાં – શ્રમની પ્રતિષ્ઠા અને શારીરિક તથા બૌદ્ધિક કામનું સમાન મૂલ્ય-અગત્ય. મૂલ્ય એટલે આર્થિક મૂલ્ય જ એમ હું નથી સમજ્યો, મૂલ્ય એટલે પ્રતિષ્ઠા, આદરભાવ પણ સમાન. આજે આપણે BSW, MSW, MA, M.Phil, MA, PhDવગેરેની અનેક પદવી અને વેતનમાન ઊભાં કર્યાં છે.
ઉપર કહ્યું તેમ આજે દેશ અને દુનિયા સામે અનેક પ્રશ્નો છે. એમાં એક વિકાસનું ઘેલું એને લાગ્યું છે તે છે. આ ઘેલછા ગાંધીએ છેક ૧૯૦૯માં જોઈ લીધી હતી. એમના મતે અમર્યાદ ભોગવાદી પશ્ચિમના વિકાસની આ અવધારણા વિનાશને રસ્તે આપણને દોરી જશે. પરંતુ તે વખતે એમના મિત્રો પૈકી ઘણાને અને વિરોધીઓને આ એક ગાંડા માણસનો અભિપ્રાય લાગ્યો હતો. આજે હવે એ ભોગવાદનાં પરિણામો પ્રત્યક્ષ આવવા લાગ્યાં છે, ત્યારે મોટા ભાગની જનતા એની સામે સંઘર્ષે ચડી છે. આ સંઘર્ષ હજી પૂરો સભાન અને સંગઠિત નથી, પરંતુ એ તો કેવળ સમયનો પ્રશ્ન છે. યુરોપ અને અમેરિકાએ એનો કડવો અનુભવ કરી લીધો છે, પરંતુ દારૂડિયાની જેમ એમને લાગે છે કે હજી વધારે ઢીંચવાથી એ સફળતાથી પાર ઊતરી જશે. ગુજરાતમાં અને આખા દેશમાં એ સંઘર્ષ વિશેષ રૂપે ભૂમિને મોરચે ફૂટી નીકળ્યો છે. મૂડીવાદીઓને તથા ઉદ્યોગપતિઓને પોતપોતાના કારણસર ભૂમિ જોઈએ છે. સરકારમાં બેઠેલાઓને ભૂમિ ધનવાનોના હાથમાં જાય તેમાં રસ છે. ખેડૂત હજી સુધી ભૂમિ વેચવી કે નહીં એ મુદ્દે પૂરો સભાન નથી થયો. એમના પૈકીના કેટલાકને અહોહો થઈ જાય એટલા પૈસા દેખાડવામાં આવે, તો હજી એ ભૂમિ આપી દે એવી મનોદશામાં છે. પરંતુ ભૂમિ સનાતન છે અને લક્ષ્મી ચંચળ છે, એ વાત એને સમજાતાં હવે બહુ વાર નથી. પણ આ ગાળા દરમિયાન ગામડાં ભાંગતાં જઈ રહ્યાં છે. શહેર ભણીના હિજરતી ગ્રામજનોનાં કુટુંબો ભુંસાતાં જઈ રહ્યાં છે, અને જે હયાત છે તે શહેરની ઝૂંપડપટ્ટીઓમાં નારકીય જીવન જીવે છે. આ આપણા પ્રશ્નનો સિંહભાગ છે.
હમણાં એક મોટા આગેવાન રાજકારણીને મળવાનું થયું. ચર્ચામાં મારે કહેવું પડ્યું કે મહુવામાં સિમેન્ટનું કારખાનું નાખવા માટે સરકારે નિર્ણય લઈ લીધો અને નિરમા કંપનીને એ માટે ત્યાંની ફળદ્રુપ ૨૭,૦૦૦ વીઘા ભૂમિ ખનનના હેતુ માટે આપી દીધી. ઉચિત તો એ હતું કે લોકશાહીમાં સરકાર ત્યાંના લોકોને પૂછતી. પરંતુ તેમ ન કરતાં બારોબાર સોદો કર્યો. મારે એમને પૂછવું પડ્યું કે લોકશાહીમાં લોકો તમારા શાહ છે કે તમારા ગુલામ છે, જેને તમે વેચી દઈ શકો ? એ જવાબ ન દઈ શક્યા, નીચું જોઈ ગયા.
હમણાં છાપામાં મધ્યપ્રદેશના સમાચાર હતા. માહેશ્વર બાંધ અને બીજા એક બાંધમાં ૧૮૯ મીટર સુધી પાણી ભરવાનું નક્કી થયેલું. પાછળથી કંપની અને સરકારને લાગ્યું કે પાણી ચાર મીટર વધારી ૧૯૩ કરવામાં આવે, તો સિંચાઈનું ક્ષેત્ર ખૂબ વધી જાય. પણ તેમ કરવા જતાં ૩૪ ગામો ડૂબમાં જતાં હતાં, તેથી એ ગામોની જનતાનો વિરોધ હતો. પણ આ તો સરકાર માબાપ ! શેની સાંભળે ? પણ ગામલોકો પણ મક્કમ હતા. જળ-સત્યાગ્રહનો નવો પ્રકાર અજમાવ્યો. આખો વખત પાણીમાં ઊભી મરણને શરણ થવું પડે તો થવું, એમ નક્કી કરી પાણીમાં ઊતર્યા. ૧૭ દિવસ સત્યાગ્રહ ચાલ્યો. પાણીને કારણે શરીરો ફુગાઈ ગયાં. સરકાર ઝૂકી, લોકોની જમીન સાટે જમીન આપવાની માગણી સ્વીકારી અને પાણી ચાર મીટર ઉતારી નાખ્યું. સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણીને સરકાર વર્તી હતી, છેવટે જનતાના સત્યાગ્રહને માની. ન્યાયાલયના આદેશનો અમલ મેળવવા આ રીતે શરીરો ફુગાઈ જાય અને મરણ થાય તો તે પણ વેઠવું એ તે કેવી લોકશાહી ? અને આ સરકાર જનતાની સેવક છે કે માલિક ? જનતાને દાદ દેવી ઘટે કે આટલો લાંબો સત્યાગ્રહ જનતા અહિંસક રાખી શકી.
હવે તામિલનાડુમાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત અણુભઠ્ઠીના વિરોધમાં ત્યાંની જનતા પણ જળ-સત્યાગ્રહ પર ઊતરી છે. કેન્દ્ર સરકાર માનશે ? એ સત્યાગ્રહીઓની ધરપકડ કરી, મારી, ડરાવી, ધમકાવી સત્યાગ્રહને તોડી નહીં નાખે ?
આ તો બીજાં રાજ્યોની વાત થઈ, પણ ગુજરાતમાં સ્થિતિ જરા ય સારી નથી. મહુવાનો દાખલો આપણે જોયો. ત્યાંની યુવાજનતાને રોજગારીની લાલચ દેખાડી ભરમાવી. પરંતુ ખાણ માટે અપાયેલી ૨૭,૦૦૦ વીઘા ભૂમિ પર આજે જીવતી ૫૦,૦૦૦ – પચાસ હજારની વસ્તીને ઉજાડી કેટલાંકને રોજગારી આપવાના હતા ? કુલ ૪૧૮ને. અને, તેમાં પણ યંત્રના જાણકાર અને મૅનેજરીનું કામ કરનારા તો બહારથી લાવવા પડશે, મહુવાવાળા તો પાંચ-સાત જણાંને કામ મળશે. એ લડત ત્રણ-ચાર વર્ષ લાંબી ચાલી. સામે પક્ષે સરકાર અને નિરમા કંપની, પૈસો, ગુંડાગીરી, અને સત્તા. સ્ત્રી-સત્યાગ્રહીઓ પર પણ બેરહમીથી લાઠીમાર પુરુષ પોલીસે કર્યો. દાક્તર કનુભાઈ કલસરિયા અને ચુનીભાઈ વૈદ્યને પોલીસે અટકાયતમાં લીધા અને કારણ એ આપ્યું કે બહાર ગુંડાઓ છે, તેમનાથી અમને બચાવવા માટે અમને અટકાયતમાં લીધા. ભગવાનનો પાડ માનીએ કે અહીં પણ લોકશક્તિ ઠેઠ સુધી અહિંસક રહી. આમાં આયોજકોની અહિંસાની તાલીમ અને આગ્રહે ભાગ ભજવ્યો. લોકની, લોકો માટે અને લોકો દ્વારા એવી સાચી લોકશાહીવાળી સમાજરચનાની જરૂરત હવે લોકોને સમજાવા માંડી છે. એમને એમના “દ્વારા”વાળી સમાજરચના કરવી છે, પણ એ માટે દોરવણી ક્યાં ય દેખાતી નથી. જનતા તૈયાર છે, સવાલ છે ગાંધીવિચારની દુહાઈ દેનારાઓનો! ક્યાં છે એ લોકો ?
એવું જ થયું વડોદરા ઝાલામાં ! પોલીસ અને કંપનીના માણસોથી બીને ગામ મૂકી વગડામાં ભાગી જતા ગામલોકો વચ્ચે જઈને ઊભા રહ્યા અને અટકાયત પણ વહોરી. કાર્યકર્તાઓની હાજરી માત્રથી લોકોમાં આત્મવિશ્વાસ આવી ગયો. કાર્યકર્તાઓ અને જનતામાંથી કેટલાક મળી ૧૬૭ લોકોએ અટકાયત વહોરી. અટકાયત દરમિયાન કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મિત્રાચારીનો ભાવ પેદા થયો. રાતે પોલીસે પોતાનાં વાહન આપી અમને અને ગામલોકોને બાર કિલોમીટર છેડે વડોદરા ઝાલા ગામે પહોંચતા કર્યાં. આ ઘટનાને પરિણામે ગામલોકોમાં શક્તિનો ભાવ પ્રગટ થયો. ગામમાં આવનાર દરેકને ગોંદરે રોકી ગામમાં આવવાનું એમનું કારણ, કોને ત્યાં જવાના છે, એમનું નામ વગેરે પૂછવું, ચોપડામાં લખાવવું, રજિસ્ટરમાં સહી કરાવવી જેવાં કામ યુવાનોએ કરાવ્યાં. દર અઠવાડિયે એક બેઠક બહેનોની અને એક બેઠક ભાઈઓની કરવી વગેરે લોકતાંત્રિક ગુણો ગ્રામજનોમાં પ્રગટ થયા.
આવી લડતો દહેગામના વટવા અને વાસણા રાઠોડમાં, સમીના અનવરપુરામાં, બનાસકાંઠાના સીપુ-દાંતીવાડામાં, કચ્છના ઝરપરા વગેરેમાં લડાઈ અને એક યા બીજી રીતે જિતાઈ. એમાં ઝરપરામાં એક બીજી બાબત સામે આવી – પક્ષીય રાજકારણ એ કેટલું દુષ્કારણ છે તે તમારે જાણવું જરૂરી છે, તેથી બે-ત્રણ વાક્યમાં કહી દઉં. ઉદ્યોગતરફી મોદી સરકારે અત્યંત ફળદ્રુપ અને સોનું ઉગાડતી ઝરપરા ગામના ગોચરની ૧,૦૦૦ એકર જમીન અદાણીને આપી દેવા નક્કી કર્યું. એની સામે ત્યાંની જનતા અને આપણે લડ્યાં અને ગામના સ્તર પર જીત્યાં. ત્યાર બાદ ત્યાંના આગેવાન ભા.જ.પ.ના હોવાથી આપણી સાથે ગણતરીપૂર્વક સંબંધ ન રાખ્યો. કારણ, આપણું વલણ આ ઉદ્યોગતરફી સરકારની વિરુદ્ધનું હતું. એમને ગામના હિત કરતાં પક્ષનું હિત હૈયે વધારે વસ્યું. તેવી જ રીતે દાંતીવાડા સીપુ બંધના પ્રશ્ને આપણે લાંબી પાંચ-છ વર્ષની લડાઈ જીત્યા એ ખરું પણ જનતા પોતે પોતાના પ્રશ્નો નથી પતાવતી અને સંસ્થા, પક્ષ તથા સરકાર પર સોંપી દે છે ત્યારે કેટલો અન્યાય વેઠવો પડે છે એનો એ નમૂનો છે. સમી તાલુકાના અનવરપુરામાં તો આપણે સામા પક્ષની ભલાઈથી જીત્યા, છતાં એ ગામોના સરપંચની ચૂંટણીએ ગામોને કેટલા ટૂંકા સ્વાર્થના અખાડા બનાવી દીધાં છે તેનો ત્યાં નમૂનો છે.
આ બધામાંથી ગામોને બચાવવાં છે. સરકારને તેનું વિકાસનું બુલડોઝર દોડાવી જતાં રોકવી છે. ગાંધીજનો પ્રચારાત્મક અને રચનાત્મક કામોમાં ગૂંથાયેલા છે. ત્યારે સરકારને રોકવાનું કામ કરશે કોણ ? ગાયને પૂંછડે વૈતરણી પાર ઉતારવા જેવા પ્રયત્નોથી કામ નહીં બને. સીધા સંઘર્ષમાં ઊતરવું પડશે. જનતા તો સાથ માટે તૈયાર જ છે.
હજી જરા પાછા વળીએ. આ સરકાર પોતાને નંબર વન કહેવડાવવા કેટલી આંધળી થઈ શકે છે, તેના નમૂના તો એમની ‘સર’ અને ‘સેઝ’, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરની યોજનાઓ વગેરે છે. આ દેશના કાયદા જેમને લાગુ ન પડતા હોય તેવા વિસ્તારો તે સેઝ અને સર – Deemed foreign territory – વિદેશી જેવા વિસ્તારો બનાવ્યા. અને Industrial corridor – ગુજરાતની મોટા ભાગની ભૂમિ ગળી જનારા વિરાટ વિશાળ ઔદ્યોગિક પટ્ટા બનાવ્યા. આમાંનો એક પટ્ટો તે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર. એ દિલ્હીથી નીકળી પાલનપુરથી ગુજરાતમાં પ્રવેશી છેક દક્ષિણ ગુજરાતમાં વલસાડ થઈ મુંબઈ જશે. એ કેટલો લાંબો-પહોળો હશે – જાણો છો ? વચ્ચે છ ગાડીઓ એકસાથે જઈ શકે તેવા એ ગલિયારાની બંને બાજુ ૧૫૦-૧૫૦ કિલોમીટરનો વિસ્તાર સરકારે વેપાર અને ઉદ્યોગ માટે રિઝર્વ કરી લીધો છે. આ અજગર જેવો ગલિયારો ગુજરાતની ફળદ્રુપ ભૂમિના મોટા ભાગને ગળી જશે. ૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટર જમીનમાંથી ૧,૬૮,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન ઔદ્યોગિક વિસ્તારમાં ફેરવાઈ જશે.
આજે ગામડું બે પગ – ખેતી અને પશુપાલન પર નભે છે. સરકાર એના પર પણ ઘા કરી રહી છે. ગોચરભૂમિ ઉદ્યોગોને આપી એના એક મજબૂત અને બચેલા એકમાત્ર ભરોસાપાત્ર પગને તોડી નાખવા બેઠી છે.
મેં વધારે વાત ખેડૂત અને ખેતીની કરી, પરંતુ સવાલ કેવળ ખેતી અને ખેડૂતનો જ નથી, માછીમારોનો સવાલ એટલો જ મોટો છે. ઉપરાંત આદિવાસી, જંગલ, જમીન, અગરિયા, વિચરતી જાતિઓ, પશુપાલન વગેરે પ્રશ્નો એટલા જ ગંભીર અને મોટા છે. સરકાર આ બધાંને શું સમજતી હશે !
આ તો ગુજરાતની વાત થઈ. પણ દેશ આખાને પણ ધનનો હડકવા હાલે તો ખરો વિકાસ એવું રાષ્ટ્રીય સ્તરે વિચારનારા મનમોહનસિંહજી પણ બેઠા છે.
તમને તો ખબર હોવી જોઈએ કે દેશના વિકાસની તરાહ કેવી હોવી જોઈએ, તે બાબત ગાંધીજી અને પંડિત નેહરુ વચ્ચે મતભેદ હતા. ગાંધીજીએ નેહરુને બે વાર લખ્યાનું સ્મરણ છે. બાપુએ નેહરુને લખ્યું હતું કે તને મારો ઉત્તરાધિકારી માનું છું, માટે આ બાબત આપણે ચર્ચી લેવી જોઈએ. દુર્ભાગ્યે એમના જીવને એ બની ન શક્યું. બાપુના મૃત્યુ પછી નેહરુએ દેશની ગાડીને પશ્ચિમની તરાહના પાટે દોડાવી. બાકી રહેતું હતું એ મનમોહનસિંહ પૂરું કરવા બેઠા છે. પરિણામે દેશ નૈતિક પતનથી માંડી બધી રીતના પતનમાં જઈ રહ્યો છે.
મનમોહનસિંહ બેફામ મૂડી રોકી પોતાની પીઠ ઠોકે છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) આટલો થયો, તેટલો થયો. પણ એ તો આર્થિક નિશાળનો નાનો નિશાળિયો પણ કહી શકે કે મૂડીરોકાણ કરો તો થોડાં કામકાજ વધે. પરંતુ સવાલ તો એ છે કે કેટલી મૂડી રોકી અને કેટલું કામકાજ વધ્યું તથા એ મૂડી ક્યાંથી આવી, જ્યાંથી આવી ત્યાં કટેલું નુકશાન કર્યું, કેવા સ્વરૂપે આવી અને એ રોકાણમાંથી થયેલો ફાયદો કોને પહોંચ્યો ? પેદા થયેલી સંપત્તિની વહેંચણી કેવી રીતે થઈ ? ગુજરાતના સંદર્ભમાં કહીએ તો આજે એ ફાયદો પાંચ-દસ મોટા ઉદ્યોગપતિઓ એ ધનપતિઓને જ થાય છે. એનાથી ભારે મોટી અસમાનતા ઊભી થાય છે. તમે વિદ્યાર્થીઓ છો, તેથી તમને રમૂજ લાગે તેવી અસમાનતાની વાત કરું. અનિલ અંબાણીએ એમની પત્નીને જન્મદિન નિમિત્તે એક યાટ એટલે જહાજ ભેટ આપ્યું. એની કિંમત હતી ૨૦૦ કરોડ રૂપિયા. મને એક વિચિત્ર સવાલ થયો. અર્જુન સેનગુપ્તા કમિટીના હેવાલ પ્રમાણે દેશનો છેલ્લો માણસ એનો ગુજારો રોજના ૨૦/- રૂપિયામાં કરે છે. એવા એક જણને થાય કે લાવ હું પણ મારી ઘરવાળીને એવું જ જહાજ ભેટ આપું. એ પોતાને મળતા રોજના ૨૦/- રૂપિયા ઊંચા મૂકતો જાય, ખાવાપીવા માટે બીજી વ્યવસ્થા કરે, તો એ કેટલા વખતમાં ૨૦૦ કરોડ રૂપિયા ભેગા કરી શકે ? ૫ લાખ ૫૫ હજાર ૫૫૫ વરસે ! વળી, એના જ મોટા ભાઈ મૂકેશ અંબાણીએ મુંબઈમાં બંગલો બાંધ્યો, જેની કિંમત ૪,૪૦૦ કરોડ છે. એટલે કે અનિલના વહાણ કરતાં પણ ૨૨ ગણો મોંઘો. એટલા પૈસા ૨૦/- રૂપિયાવાળો છેલ્લો જણ કેટલા વરસે ભેગા કરી શકે ? ૫ લાખ ૫૫ હજાર ૫૫૫ ને ૨૨ – બાવીસ વડે ગુણો. આટલી અસમાનતાની કલ્પના તો પંડિત નેહરુએ પણ નહોતી કરી. એમણે બે આવક વચ્ચે ૧ અને ૧૫નો તફાવત ધાર્યો હતો. પટાવાળાને ૧,૦૦૦ પગાર હોય, તો ડાયરેક્ટર જનરલને ૧૫,૦૦૦નો પગાર હોય, એથી વધારે નહીં. પરંતુ મનમોહનસિંહને આવકના પ્રમાણનો વિચાર જ નહીં આવતો હોય. એ વર્લ્ડબૅંકમાંથી આવ્યા છે એટલે એમની માનસિકતા એ પ્રમાણે મૂડીવાદી બની હોય તે સ્વાભાવિક છે. ગાંધીજીએ ક્યાંક કહ્યું છે કે વધારે પડતી આર્થિક અસમાનતા હશે તો લોહિયાળ પરિણામ આવ્યા વિના નહીં રહે.
સાથીઓ, દેશ આજે આ રસ્તે નીકળી પડ્યો છે, જ્યાં લોહિયાળ પરિણામ અનિવાર્ય છે. ભારત જગદ્ગુરુ હોવાનો દાવો કરતો રહ્યો છે, ગાંધીજીના આગમન બાદ આપણને એ શક્ય લાગતું હતું, પણ આજે હવે લોહિયાળ ક્રાંતિ અનિવાર્ય લાગે છે. એને એ રસ્તે જતું રોકવાની જવાબદારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણે માથે – ગૂજરાત વિદ્યાપીઠને માથે નાખતા ગયા છે. આજે તમે દીક્ષાને અંતે પદવી સ્વીકારી છે, એટલે તમારે અને અમારે એનો જવાબ દેવાનો છે.
તમે સૌ જાણો છો તેમ ગાંધી સાવ સામાન્ય માણસ હતો. સામાન્ય માણસની જેમ એણે અનેક ભૂલો કરી અને છતાં એ આટલું મોટું કામ કરી ગયો, કેમ ? આપણે એમ કહીને છટકી ન જઈ શકીએ કે એ તો કોઈ દિવ્ય શક્તિનું કામ, આપણાથી એ નહીં થાય. એ સામાન્ય માણસનો મસીહા હતો. એ આપણને એટલું કહેવા જ આવ્યો હતો કે બધા જ માણસો મહાન કામો ન કરી શકે તો ન સહી, પરંતુ હૃદયથી મહાન તો થઈ જ શકે. એ થઈએ, બાકીના ઘાટાની પૂર્તિ ભગવાન કરી લેશે.
મિત્રો, શિરસ્તો છે કે પદવીદાન સમારંભ કરવો પડે અને દીક્ષાન્ત પ્રવચન આપવું પડે, તેમ મેં પ્રવચન આપ્યું. પરંતુ આ સામાન્ય સમય નથી. દેશ આજે એવા ત્રિભેટે ઊભો છે કે જ્યાંથી એ ગાંધીને રસ્તે જઈ શકે અથવા પશ્ચિમી અવધારણાવાળા વિનાશના રસ્તે જઈ શકે. આ એક તક છે, એ તક ક્રાંતિદેવી છે, એ તમારે આંગણે તિલક કરવા આવીને ઊભી છે. તમે તિલક કરાવશો ? એ તમારી જુવાનીને લલકારે છે.
અણદીઠાને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમા લોપવા, જોબન માંડે જાગ.
મિત્રો, સરકાર માની બેઠી છે કે દેશનાં કુદરતી સંસાધનો સરકારની માલિકીનાં છે, અને જ્યારે જરૂર પડે, ત્યારે એ જનતા પાસેથી બળજબરી કરીને કે મારીઝૂડીને લઈ શકે. આપણે એના એ દાવાને પડકાર્યો છે. સરકારને આપણે કહ્યું છે – સરકાર જનતાના પગારે જીવનારી નોકર અને દર પાંચ વરસે અચૂક મરનારી વસ્તુ છે. એ માલિક ન હોઈ શકે. માલિક તો સમાજ છે. ભારતના સંદર્ભમાં ગ્રામસભા છે. આપણે સરકારનો માલિકહકનો ભ્રમ ભાંગવો છે અને સમાજનો થાપવો છે. એ માટે અમે ઘરડાઓએ જંગ માંડ્યો છે, એને તમે ઉપાડી લો.
એ તમારા યુવા લોહીને આવાહ્ન કરે છે ! તમારો શું જવાબ છે ? કંઈ કરવું હોય તો આજે જ અવસર છે ! શું જવાબ આપો છો ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2015, પૃ. 03 – 05