[ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલનાયકની વરણી આસપાસ છાપાંમાં ખાસાં છપછપિયાં ચાલ્યાં. (જેમ છબછબિયાં તેમ છપછપિયાં.) આ સંદર્ભમાં વર્તમાન કુલનાયકે કુલપતિ નારાયણ દેસાઈ અને કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી સાથે સહમતિપૂર્વક એક અરૂઢ પ્રયોગ કર્યો. એમણે આખી પ્રક્રિયાનું ચિત્ર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય મારફત મૂક્યું ! વસ્તુતઃ ગયે મહિને પદવીદાન સમારોહમાં કુલપતિ અને કુલનાયકે ખાસા ખૂલીને વાત કરી હતી પણ છપછપિયાં માસ્તરોએ એમાંથી કોઈ અંકોડો ભાગ્યે જ પકડ્યો હશે. અહીં નવા કુલનાયકની પસંદગી થયા પછીની સવારે ઉપાસના ખંડમાં સુદર્શન આયંગારે માંડેલી હૃદયવાર્તા સાભાર ઉતારી છે. … … : પ્ર.ન.શા.]
સૌપ્રથમ સહુને નવા વર્ષનાં અભિનંદન. આજે મારે બે વાત કહેવાની છે : એક, તમને બધાને ખબર છે કે વિદ્યાપીઠ માટે કુલનાયકની મુદત પૂરી થાય ત્યારે નવા કુલનાયક લાવીએ છીએ. ગઈ કાલે એની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. નવા કુલનાયક કોણ છે, તે તમે છાપું વાંચી લીધું હોય તો જાણી લીધું જ હશે. પણ તમારે એ પણ જાણવું જોઈએ કે બીજી યુનિવર્સિટીઓ કરતાં આ પ્રક્રિયા કેવી રીતે જુદી પડે છે અને તેની વાત મારે અહીં કરવી છે. આ વાત કરવાનું કારણ પણ છે. કેટકેટલી વાતો, અટકળો બહુ ચાલી. આપણા કુલપતિશ્રી નારાયણભાઈએ પદવીદાન દીક્ષાંત-સમારંભના દિવસે જે કહ્યું, તેની વાત કેટલે પહોંચી અને કોઈએ કેટલી નોંધ લીધી, તેની મને ખબર નથી. નારાયણભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાપીઠના કુલનાયકની મુદત પૂરી થાય છે અને નવા કુલનાયક માટેની શોધસમિતિની રચના થયેલ છે. હા, પણ શોધસમિતિના ત્રણ સભ્યો ઉપરાંત અન્ય ત્રીસ પણ શોધ કરી રહ્યા છે!
કુલનાયક-પસંદગીની વિદ્યાપીઠની આપણી પ્રક્રિયા વિશેષ પ્રકારની છે. વિદ્યાપીઠ તરફ સમાજની સતત નજર છે કે અહીંયાં શું થાય છે. જો નિયમ માત્ર ચૂક્યા તો સમાજમાં ટીકાપાત્ર થઈએ. સમાજ આપણી પાસે ચોક્કસ વર્તનની અપેક્ષા રાખે છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે સમાજમાં ટકવા જેવાં જે મૂલ્યો છે, તેમને સમાજ ટકાવી શક્યો નથી; પરંતુ વિદ્યાપીઠ પાસેથી તેને બહુ ઊંચી આશા છે. આ મૂલ્યો વિદ્યાપીઠમાં ટકવાં જ જોઈએ અને જો થોડા પણ મૂલ્યચ્યૂત થયા, તો સમાજમાં ટીકાપાત્ર બન્યા જ સમજો. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સમજાયું છે, અને સમાજ આપણા ઉપર આટલી શ્રદ્ધા રાખે તે યોગ્ય પણ છે.
વિદ્યાપીઠને સો વર્ષ થવા જાય છે. મારી સ્મૃિતમાં કદાચ ન હોય, બીજા કોઈની સ્મૃિતમાં પણ નહિ હોય, પણ આપણા સહુમાંના વરિષ્ઠ શિક્ષક આદરણીય કનુભાઈની જાણમાં પણ નથી કે કુલનાયકની પસંદગી માટે કોઈ સમયે શોધસમિતિએ વિદ્યાપીઠના શિક્ષકો, સેવકો અને વિદ્યાર્થીઓની સાથે વિચારણા કરી હોય. ઉપરાંત સમાજના જુદા -જુદા તબકાના લોકો અને સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ગાંધીવિચારમાં શ્રદ્ધા ધરાવતા લોકો જેટલા વ્યાપક સ્તરે કોઈ શોધસમિતિએ પરામર્શ કર્યો હોય તેવું બન્યું નથી. શોધસમિતિના આ પાસાની નોંધ કોઈએ, કોઈ અખબારે લીધી નથી. આ સમગ્ર પ્રક્રિયામાં રહેલા લોકશાહી, પારદર્શી અને સર્વાન્વેષી અભિગમ અંગે ઉલ્લેખ માત્ર થયો નહિ. પત્રકારત્વના વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયા સમજવી જોઈએ. શિક્ષકોએ પણ પ્રક્રિયા બાબતના આ જ કિસ્સાની મદદથી વિદ્યાર્થીઓને શિખવાડવું જોઈએ કે સમાચાર કેવી રીતે અપાય છે અને કેવી રીતે આપવા જોઈએ.
વિદ્યાપીઠના અતિ ટૂંકા અને સરળ બંધારણમાં જણાવ્યા અનુસાર વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળના સભ્યો તેમનામાંથી કોઈ એક સભ્યની કુલનાયક તરીકે વરણી કરશે. વિદ્યાપીઠ બંધારણની આટલી સ્પષ્ટતાની પરિપાટી ઉપર સત્તાધીશો ચાલે છે, જે મુજબ ત્રણ વર્ષ માટે કુલનાયક નિયુક્ત થાય છે. કુલનાયકની જવાબદારી મંડળના પ્રમુખ તરીકેની પણ હોય છે, કારણકે વિદ્યાપીઠના કુલપતિ વિદ્યાપીઠમંડળના સભ્ય હોય જ તેવું જરૂરી નથી. ગાંધીજી આપણા પહેલા કુલપતિ હતા, તે ક્યારે ય વિદ્યાપીઠના મંડળના સભ્ય નહોતા. સરદાર પટેલ આવ્યા, જે પૂર્વે કુલનાયક અને મંડળના સભ્ય હતા. ત્યાર બાદ રાજેન્દ્રપ્રસાદ વિદ્યાપીઠના મંડળના સભ્ય નહોતા. એમના પછીના કુલપતિ મોરારજીભાઈ દેસાઈ વિદ્યાપીઠ મંડળના સભ્ય અને કુલનાયક રહી ચૂક્યા હતા. રામલાલભાઈ પરીખ લાંબા ગાળા સુધી સભ્ય રહ્યા. હાલના આપણા કુલપતિ મંડળના સભ્ય નથી. એટલે મંડળના પ્રમુખ તરીકે કુલનાયક કામ કરે છે.
કુલનાયકની વરણી વખતે કુલપતિ હાજર હોય છે અને તેઓ કુલનાયકની વરણી કરે છે. ગઈ કાલે પૂર્ણ થયેલી કાર્યવાહીમાં પણ આમ જ થયું છે. જો પસંદગી પામેલી વ્યક્તિ વિદ્યાપીઠના મંડળની સભ્ય ન હોય, તો તેને પ્રથમ મંડળના સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવે છે, ત્યાર બાદ કુલનાયક તરીકે વરણી કરવામાં આવે છે. આપણે જેમને આમંત્રણ મોકલ્યું છે, એ ડૉ. અનામિક શાહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપક છે તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ સારું સંશોધનકાર્ય કરી રહ્યા છે. રાજ્ય, રાષ્ટ્ર સ્તરે તેમના વિષયના મંડળના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સારા અને નીવડેલા અભ્યાસી, સંશોધક અને શિક્ષક વિદ્વાનની પસંદગી થઈ છે.
વિદ્યાપીઠની અલગ નિસબત છે, જે આપણી શોધને મુશ્કેલ બનાવે છે. આપણે માત્ર સારા વિદ્વાન પ્રોફેસર કુલનાયક તરીકે પસંદ કરી શકતા નથી, કારણકે ગૂજરાત વિદ્યાપીઠ એક માત્ર ઉચ્ચ શિક્ષણની ગ્રાન્ટ લેતી યુનિવર્સિટી જ નથી. બલકે, ગૂજરાત વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠના મંડળ માટે તેનાં વિવિધ કામોમાંનું એક કામ યુનિવર્સિટી ચલાવવાનું છે. દેશ અને રાજ્યના નિયમાનુસાર વિદ્યાપીઠ યુનિવર્સિટી ચલાવે છે જે માટે ભારત સરકારની યુ.જી.સી.માંથી સંપૂર્ણ ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે.
છેલ્લા કેટલાક વખતથી આપણા દેશમાં ખાનગી ક્ષેત્રની યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. સામાન્ય રીતે ધારાસભા કે લોકસભા, બંધારણની જોગવાઈઓ અનુસાર યુનિવર્સિટીઓની સ્થાપના થતી હતી. કેટલીક સંસ્થાઓ, જે સારું કામ કરતી હોય તેને પણ ડિમ્ડ યુનિવર્સિટી તરીકે ઓળખ અપાતી હોય છે .. વિદ્યાપીઠને ૧૯૬૩ની સાલમાં ડિમ્ડ યુનિવર્સિટીની ઓળખ મળી. આપણે સ્વાયત્તતા ગુમાવ્યા વગર શક્ય તેટલાં મહત્તમ ધારાધોરણો જાળવવાનો પ્રયાસ કર્યો છે, જે આજની પ્રક્રિયાથી તમામે સમજવું જોઈએ.
સરકારના નિયમમાં આ મુદ્દા મુખ્ય છે ઃ યુનિવર્સિટી ચલાવવા માટે એક સ્વતંત્ર સંચાલકમંડળ; કુલપતિ, કુલનાયક(ચાન્સેલર, વાઇસ-ચાન્સેલર)ની નિમણૂક માટે નિશ્ચિત પ્રક્રિયા; યુનિવર્સિટી ચલાવવા માટેના માળખામાં વિશેષ કરીને ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલ, ઍકૅડૅમિક કાઉન્સિલ, ફૅકલ્ટીઝ, બોર્ડ ઑફ સ્ટડીઝ જેવાં મંડળોનું નિયમાનુસાર ગઠન; શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કામ કરનારાઓની નિયમાવલી મુજબની ભરતી અને બઢતી અને નિવૃત્તિની કાર્યવાહી. ગૂજરાત વિદ્યાપીઠે અત્યાર સુધી ત્રણેક સિવાય બે નિયમો લાગુ કરેલા છે.
યુનિવર્સિટી એટલે યુ.જી.સી. હેઠળ કામ કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકો માટેના નિયમો છે, જે અનુસાર વિદ્યાપીઠ કામ કરે છે. ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલ, ઍકૅડૅમિક કાઉન્સિલ, ફૅકલ્ટીઝ, બોર્ડ ઑફ સ્ટડીઝ નિયમ અનુસાર રચાય છે અને કામ થાય છે.
આપણી સ્વાયત્તતા એટલી છે કે આપણી માળખાગત બાબત અંગે આપણે અન્ય યુનિવર્સિટીઓ કરતાં અલગ છીએ. કુલપતિ અને કુલનાયકની નિમણૂક માટે યુ.જી.સી. સૂચિત સંપૂર્ણ પદ્ધતિનો અમલ કરતા નથી. આ સ્પષ્ટતા કરી દઉં કે અન્ય યુનિવર્સિટીમાં આજની સ્થિતિમાં કુલપતિ(ચાન્સેલર)ની નિમણૂક સરકાર કરે છે. કુલનાયક(વાઇસ-ચાન્સેલર)ની નિમણૂક સર્ચકમિટી દ્વારા જ થાય, જેમાં ત્રણ સભ્યો હોય ઃ તેમાં એમ.એચ.આર.ડી.નો એક પ્રતિનિધિ, એક પ્રતિનિધિ સંચાલકમંડળ નક્કી કરે અને ત્રીજી વ્યક્તિ શિક્ષણજગતની તજ્જ્ઞ હોય છે. આ શોધસમિતિ જરૂરી પ્રક્રિયા કરી નિર્ણય પર આવે ત્યારે વધુમાં વધુ ત્રણ નામો (મારા સાદરા, રાંધેજાના સેવકો અને વિદ્યાર્થીઓ પણ આ સમજી લે) સંચાલકમંડળને સોંપી શકે. શોધસમિતિના અધ્યક્ષ કુલપતિ દ્વારા નિયુક્ત થયેલા પ્રતિનિધિ હોય છે. આ નામો સરકારમાં મોકલી આપે અને સરકાર નક્કી કરે કે કયા વાઇસ-ચાન્સેલર નક્કી કરવા.
ચાન્સેલર અને વાઇસ-ચાન્સેલરની પસંદગી માટે ગૂજરાત વિદ્યાપીઠના મંડળે પુખ્ત વિચારણા કર્યા પછી વર્ષ ૨૦૦૦ પછી ચોક્કસ પ્રક્રિયા પ્રસ્થાપિત કરી છે. એ પ્રક્રિયામાં સરકારની શોધસમિતિની પ્રક્રિયા સ્વીકારેલી છે. વિદ્યાપીઠની શોધસમિતિ નિયમોથી પસંદ થયેલી છે. આ શોધસમિતિમાં આપણા કુલપતિ (ચાન્સેલર) દ્વારા નિયુક્ત સભ્ય, મંડળના સભ્યોમાંથી નિયુક્તિ પામેલ સભ્ય તેમ જ મંડળના સભ્યો નક્કી કરે તેવા શિક્ષણજગતના તજ્જ્ઞનો સમાવેશ થાય છે. આ રીતે આ સમયે પણ શોધસમિતિની રચના થઈ. મંડળમાંથી ગોવિંદભાઈ રાવલ અને આપણી વાસ્તવિકતાને સમજી શકે એવા આઈ.આઈ.એમ.ના પ્રાધ્યાપક અનિલ ગુપ્તાની મંડળે વરણી કરી. ત્રીજા સભ્ય તરીકે આપણા કુલપતિ નારાયણભાઈ દેસાઈએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તજ્જ્ઞ ડૉ. અભય બંગ, જેઓ મહારાષ્ટ્રમાં ઉત્તમ કામ કરી રહ્યા છે તેમ જ સર્વોદય પરિવારના સભ્ય છે – તેમની પસંદગી કરી. આપણી શોધપ્રક્રિયા કુલપતિના નિયમન હેઠળ હોય છે. ખરેખર, આપણે આટલી સ્વાયત્તતા જાળવી રાખી છે. શોધસમિતિ દ્વારા જે નામો અપાય છે, તેમાંથી કુલનાયકની પસંદગી મંડળ નક્કી કરે છે. આપણે અહીં પણ સ્વાયત્તતા જાળવી રાખી છે. સરકારનો આગ્રહ છે કે એમાં એમનો સભ્ય મૂકવો અને સમિતિએ પસંદ કરેલાં નામો તેને મોકલી આપવાં. આ મુદ્દા પર આપણે આપણી સ્વાયત્તતા જાળવી રાખવા માટે મથી રહ્યા છીએ, મથવું પણ જોઈએ.
જો સરકારનો દિશાનિર્દેશ સ્વીકારાય, તો ગૂજરાત વિદ્યાપીઠ માટે સ્વાયત્તતાની જાળવણીના સંદર્ભે મહત્ત્વનો માળખાગત ફેરફાર કરવાનો થાય. આ પસંદગી પ્રમાણે વિદ્યાપીઠનાં મૂલ્યોમાં કાયમ માટે અનુકૂળ વ્યક્તિની પસંદગી ન થાય, તો મુશ્કેલી થાય. વિદ્યાપીઠમાં નિમાયેલ વાઇસ-ચાન્સેલર ઉચ્ચશિક્ષણને જાળવવા માટે જ નથી, પણ મંડળની અનેકવિધ પ્રવૃત્તિઓ અને ગામડાની હાજતો વિશે પણ તેને કામ કરવાનું છે. વિશેષ સમજ અને આવડત ધરાવતી વ્યક્તિએ વિદ્યાપીઠનાં મૂળ હેતુ અને ધ્યેયો બર આવે તેવું કામ કરવાનું છે. સાથે-સાથે સરકારની ગ્રાન્ટ લઈએ છીએ, એટલે તેના નિયમોને અનુસરીને પણ કામ કરવાનું થાય.
તાજેતરના સમાચારપત્રોમાં આવેલી ખબરો તથ્યવિહોણી છે. (જણાવી દઉં કે જે દિવસે એક સમાચારપત્રે ગ્રાન્ટ બંધ થવાના સમાચાર છાપ્યા હતા, તેના પછીના દિવસે ગ્રાન્ટના બીજા હપતાનો ચૅક મળ્યો!) યુ.જી.સી. સાથે આ અંગે આપણી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. એક સમાચાર કુલનાયકની મુદતની અવધિ અંગેના પણ હતા. મંડળે નક્કી કરેલી મર્યાદા ૩ વર્ષની છે, પરંતુ યુ.જી.સી.ના ધોરણ અનુસાર તો બે સમયગાળા(૧૦ વર્ષ) ઉપરાંત સંસ્થાની જરૂરિયાત અનુસાર ૩ વખત ૬ મહિનાનો સમય આપી શકાય તેમ હતો.
હવે શોધપ્રક્રિયા અંગે વાત. શોધસમિતિએ પહેલી બેઠકમાં ઘણી વિચારણા કરી. મારી સાથે ત્રણેય સભ્યોએ ઘણા પ્રશ્નો કર્યા : વિદ્યાપીઠ શું છે, શું ચલાવે છે. તમારા મનમાં શું છે, નવી વ્યક્તિ કેવી હોવી જોઈએ વગેરે. લગભગ દોઢ કલાક ચર્ચા કરી. મંડળના સભ્યોને મળી વિદ્યાપીઠની ભાવિ દૃષ્ટિ વિશે નોંધ્યું. વિદ્યાપીઠે ભવિષ્યમાં ક્યાં જવું છે એનો નકશો માંગ્યો. સમિતિને લાગ્યું કે કુલનાયક વિદ્યાર્થીઓ અને શિક્ષણના પણ છે. પરિણામે શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળ્યા. બિન-શૈક્ષણિક સેવકોનો મત પણ જાણ્યો. ઉપરાંત ગ્રામકેન્દ્રોના સંયોજકો સાથે મુલાકાત યોજી. સાથે-સાથે સામાજિક સંસ્થાઓ, ગાંધીવિચારના લોકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી. વિદ્યાપીઠના ઇતિહાસમાં નામાંકન માટે સૌ પ્રથમ સમય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૦૦ જેટલા પત્રો ગયા. રેવરંડ બિશપ ડેસ્મન્ડ ટુટુનું નામ પણ મળ્યું. આપણે વ્યાપક પ્રમાણમાં ખોજ કરી. શોધસમિતિની દુવિધા હતી ઃ યુ.જી.સી.ના નિયમોનું અક્ષરશઃ પાલન કે વિદ્યાપીઠની વિશિષ્ટ ભૂમિકાનો સ્વીકાર? સરકારી વ્યવસ્થા સાથે જોડાયેલા હોવાથી આપણી ફરજ છે કે બને તેટલા નિયમોમાં રહીએ. કુલનાયક માટે ૧૦ વર્ષના પ્રાધ્યાપક તરીકેની લાયકાત યુ.જી.સી.ના નિયમ અનુસાર અનિવાર્ય છે. પરિણામે નક્કી થયું કે શોધની પ્રક્રિયામાં અલબત્ત બધાં નામો આવે, પરંતુ એ બાબતે ધ્યાન રાખવું કે જે વ્યક્તિ નક્કી થાય એ વ્યક્તિ યુ.જી.સી.એ સૂચવેલી લાયકાત ધરાવતી હોય. એ સ્વાભાવિક છે કે જેણે આ વિશે લખવું છે, તેણે કુલસચિવ કે કુલનાયક અને વરિષ્ઠ શિક્ષકો સાથે વાત કરીને મૂકવું જોઈએ. પરંતુ પત્રકારજગત જે રીતે રાચી રહ્યું છે, તેમાં તો સનસનાટીભર્યા સમાચાર હોવા જોઈએ. વળી પાછા ઘરના જ ‘મિત્રો’ કહે : આ કશું પાલન કરતા નથી, ખૂબ ખોટું ચાલી રહ્યું છે, નિયમોની વિરુદ્ધ ચાલી રહ્યું છે. કાલથી યુ.જી.સી.ની ગ્રાન્ટ બંધ થઈ જવાની છે. યુ.જી.સી. સામે ઘૂંટણ ટેકવી દીધા, વગેરે. સાચી માહિતીની ગેરહાજરીમાં આવી મનઘડંત વાતો બહુ ચાલી.
આ વાતાવરણમાં સમિતિએ ખૂબ વિચારપૂર્વક જેટલું સાચવી શકાય તેટલું સાચવીને, સ્વાયત્તતા જાળવીને નામો મંગાવ્યાં. ટૂંકી યાદી બનાવી કેટલાકને રૂબરૂ મુલાકાત માટે પણ બોલાવ્યા. ત્યાર બાદ તેણે જે અહેવાલ કુલપતિને આપ્યો, તે કુલપતિએ તા.૦૫-૧૧-૨૦૧૪ના રોજ મંડળના સભ્યો સમક્ષ વાંચ્યો.
આ અહેવાલને આધારે સર્વાનુમતે પ્રોફેસર અનામિક શાહ યોગ્ય ઠરે છે અને એમને આમંત્રણ મોકલી આપ્યું છે. ઉપરાંત મંડળે નક્કી કર્યું કે વિદ્યાપીઠના પ્રવક્તા તરીકે કુલસચિવ જ સમાચારમાધ્યમો સમક્ષ આ અંગે જાહેરાત કરશે. કુલનાયક સાથે મળીને તૈયાર કરેલો, માત્ર ચાર જ લીટીનો, મુસદ્દો કુલસચિવે સમાચારમાધ્યમો સમક્ષ રજૂ કર્યો.
મને લાગે છે કે આપણું પત્રકારજગત ખૂબ નબળું પડી રહ્યું છે. આ પત્રકારત્વ અપરિપક્વ છે. વિદ્યાર્થીઓ ચેતજો, પત્રકારત્વના વિદ્યાર્થીઓ, ખાસ ચેતજો. સનસનાટીભર્યા સમાચારમાંથી સત્ય બહાર આવતું નથી.
એક વાત ભારપૂર્વક અને પૂર્ણ ગંભીરતાથી કહું. વિદ્યાપીઠ પક્ષીય રાજનીતિમાં વિશ્વાસ રાખતી નથી. વિદ્યાપીઠની એક જ રાજનીતિ છે ઃ ગાંધીવિચાર પ્રસ્થાપિત થાય. એ સ્પષ્ટ કહી દઉં કે વિદ્યાપીઠના કુલનાયક ગાંધીવિચારને પૂર્ણ નિષ્ઠાથી ગામઆધારિત સંવાદી, અહિંસક અને સંપોષિત સમાજની સ્થાપના માટે શ્રદ્ધાથી કામ કરનારા હોવાના, જેને પક્ષીય રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોય.
આજનો વિદ્યાર્થી આવતી કાલનો નાગરિક છે. તમારી આંતરિક યાત્રામાં શોધ અને જાણવાની વૃત્તિ હશે, તો તમે જરૂર સફળ વ્યક્તિ બનશો.
(૦૬/૧૧/૨૦૧૪)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2014; પૃ. 11-12