Opinion Magazine
Number of visits: 9868870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા

રમેશ ઓઝા|Opinion - Opinion|24 May 2026

રમેશ ઓઝા

“It is perhaps no exaggeration to assert that the Sangh hopes to be in future India what the ‘Fascist’ are to Italy and the “nazis’ to Germany.” (NAI, Home Poll Department, 88/33, 1933) 

(૧૯૩૩માં, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આઠ વરસ માંડ થયા હતા ત્યારે બ્રિટિશ  ગુપ્તચર વિભાગે ભય બતાવ્યો હતો કે ભવિષ્યના ભારતમાં સંઘ ઇટલીના ફાસિસ્ટ કે જર્મનીના નાઝી નીવડી શકે છે અને એમાં ઘણું કરીને કોઈ અતિશયોક્તિ નજરે નથી પડતી. આ અહેવાલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ઉપલબ્ધ છે. Home Poll એટલે ministry of home, political department.)

પ્રારંભથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા સત્તા કબજે કરવાનો નહોતો, ભારતીય રાજ્ય કબજે કરવાનો હતો જે રીતે એક સમયે ભારતનાં સામ્યવાદીઓનો પણ એજન્ડા રાજ્ય કબજે કરવાનો હતો. સામ્યવાદીઓ સશસ્ત્ર લોહિયાળ ક્રાંતિ કરીને રાજ્ય કબજે કરવા માગતા હતા અને તેવો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. ફરક એ છે કે સામ્યવાદીઓ એ વાત છૂપાવતા નહોતા. તેમણે જ્યારે જ્યારે જે નીતિ અપનાવી છે તેની વિગતે વાત કરી છે, તેના વિષે આપસમાં અને અન્યો સાથે મલ્લીનાથી કરી છે અને એ પછી તેમાં સફળતા નહીં મળતા જ્યારે જ્યારે નીતિ કે રણનીતિ બદલી છે તો તેની પણ વાત કરી છે. જેમ કે ૧૯૫૦ સુધીમાં તેમને સમજાઈ ગયું હતું કે ભારતમાં રશિયા કે ચીન જેવી ક્રાંતિ શક્ય નથી, માટે સંસદીય લોકશાહી માર્ગે રાજ્ય પર કબજો કરવો રહ્યો. તેમની ખુલ્લી અને બદલાયેલી રણનીતિ જોઇને કાઁગ્રેસમાંના તેમ જ નાગરિક સમાજમાંના જમણેરીઓ ડરી ગયા હતા અને તેમને એમ લાગવા માંડ્યું હતું કે સામ્યવાદીઓને ખાળવામાં સંઘ ઉપયોગી થઈ શકે એમ છે. friend in need. ૧૯૫૭માં કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તામાં આવ્યો એ પછી તો તેઓ વધારે ડરી ગયા હતા અને સંઘ વધારે નજીકનો લાગવા માંડ્યો હતો.   

અહીં આગળ વધતા પહેલાં સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જે ફરક છે એ સમજી લેવો જોઈએ. જે લોકો વર્તમાન શાસકોને સત્તા પરથી ઉતારીને પોતે શાસન કરવા માગે છે તેમને રાષ્ટ્ર/રાજ્ય(નેશન સ્ટેટ)નાં ઢાંચા સામે વાંધો નથી હોતો. તેઓ સત્તાકીય વિકલ્પ લઈને આવે છે, નેશન સ્ટેટનો વિકલ્પ લઈને નથી આવતા. ભારતમાં સેંકડો રાજકીય પક્ષો છે જેમાંથી કોઈને બંધારણમાં નિરૂપાયેલ ભારતીય રાષ્ટ્ર અને બંધારણ દ્વારા આકાર પામેલા ભારતીય રાજ્ય સામે કોઈ વાંધો નથી. ઊલટું સત્તાપરિવર્તન તંદુરસ્ત લોકશાહી માટે અને રાષ્ટ્રહિત માટે જરૂરી છે. પરંતુ કેટલાક લોકો રાજ્ય કબજે કરવા માગે છે. કારણ એ છે કે તેમને  રાષ્ટ્ર વિશેની સર્વસ્વીકૃત વિભાવના (નેરેટિવ) અને એ વિભાવનાને સાકાર કરતું બંધારણ અને તેનાં પર આધારિત બંધારણીય રાજ્યવ્યવસ્થા સ્વીકાર્ય નથી હોતાં. તેને તે બદલવા માગે છે. તેમની પોતાની રાષ્ટ્ર અને રાજ્ય વિશેની એક કલ્પના હોય છે. 

હવે સૌથી અગત્યની વાત. ભારતીય રાષ્ટ્ર વિશેની વિભાવના કે કલ્પના અલગ અલગ લોકોની અલગ અલગ ન હોઈ શકે? એમાં ખોટું શું છે?

આમાં કશું જ ખોટું નથી. હકીકતમાં ભારતને આઝાદી મળી તેના સો-સવાસો સાલ પહેલેથી ભારતીય રાષ્ટ્રની વિભાવના વિષે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એમાં દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, કદાચ ભારતના પહેલા હિંદુ રાષ્ટ્રવાદી કહી શકાય એ ભૂદેવ મુખોપાધ્યાય, અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક, લાલા લાજપત રાય, મદનમોહન માલવિય, એમ.આર. જયકર, કનૈયાલાલ મુનશી વગેરે અનેક લોકો હતા જેમની વિચારધારા અને રાજકારણના કેન્દ્રમાં હિંદુ અને હિંદુ સંસ્કૃતિ હતાં. તેમણે તેમની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે અને પોતાનાં સમકાલીનો સાથે બાખડ્યા છે. એ દરેક હિંદુ હિતને વરેલા હતા અને તેના પક્ષધર હતા. બીજી બાજુ મુસ્લિમ હિતનું જતન કરવા માગનારાઓએ, દલિત અને અન્ય શોષિત પ્રજાના હિતનું જતન કરવા માગનારાઓએ, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનાં હિતનું જતન કરવા માગનારાઓએ, ભૌગોલિક રીતે સીમાડાની પ્રજાઓના હિતનું જતન કરવા માગનારાઓએ, આદિવાસી પ્રજાના હિતોનું જતન કરવા માગનારાઓએ, દક્ષિણની ગૈરઆર્ય ગૈરહિંદુ ભાષિક પ્રજાનાં હિતનું જતન કરવા માગનારાઓએ અને અન્ય લઘુમતી પ્રજાઓના હિતોનું જતન કરવા માગનારાઓએ પણ પોતપોતાની રાષ્ટ્ર વિશેની કલ્પના માંડી હતી. બીજી ગોળમેજ પરિષદમાં ૭૪ ભારતીયોએ ભાગ લીધો હતો જેમાં ૫૮ રાજકીય નેતાઓ હતા અને બાકીના જે તે હિતોના પક્ષધર હતા. તેમણે દરેકે પોતાની કલ્પનાના હિન્દુસ્તાનની વાત કરી હતી. જો કે એકબીજાની કલ્પનાના ભારતનો વત્તાઓછા પ્રમાણમાં છેદ ઉડાડ્યો હતો. 

હિંદુહિતના પક્ષધરો સામે બે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પહેલો સવાલ ગૈર હિંદુઓએ ઉઠાવ્યો હતો અને બીજો સવાલ ગૈર આર્ય ગૈર બ્રાહ્મણ હિંદુઓએ ઉઠાવ્યો હતો. ગૈર હિંદુઓને હિંદુઓની બહુમતીનો ડર હતો. એવું ન બને કે સ્વતંત્ર ભારતમાં હિંદુઓનું વર્ચસ્વ રહે, ગૈર હિંદુઓએ ઓશિયાળા બનીને રહેવું પડે, તેમની સાથે અન્યાય કરવામાં આવે. હિંદુઓમાં દલિતો, પછાતો, શોષિતો, આદિવાસીઓ, સીમાડાની પ્રજા, સ્ત્રીઓ અને દક્ષિણના દ્રવિડોને ભય હતો કે હિંદુ સમાજ અને સંસ્કૃતિ ગમે એટલી મહાન હોય, વ્યવહારમાં સામાજિક સરસાઈ ધરાવનાર વ્યક્તિ નીચેવાળાને અન્યાય કરે છે અને તેને દૂર રાખે છે. બીજું હિંદુ સંસ્કૃતિ મુખ્યત્વે બ્રાહ્મણી સન્સ્કૃતિ છે અને ભેદભાવ શાસ્ત્રમાન્ય છે. તેમણે માંગણી કરી હતી ભારતીય રાષ્ટ્ર એવું હોય જેમાં દરેક સરખા ભાગીદાર હોય, દરેકને સમાન અવસર મળે, દરેકને ન્યાય મળે, દરેકનું માનવીય ગૌરવ જળવાય, કોઈનું કોઈના પર વર્ચસ ન હોય અને તેની બંધારણ દ્વારા બાંયધરી આપવામાં આવે. હિંદુહિતના પપક્ષધરોને સમજાઈ ગયું હતું કે દરેકને સાથે લેવામાં ભારતનું હિત છે. જ્યાં સંતુષ્ટ હિંદુ કરતાં અસંતુષ્ટ હિંદુ મોટી સંખ્યામાં હોય અને તેના અસંતોષનું કારણ કહેવાતો સંતુષ્ટ હિંદુ હોય ત્યાં આગ્રહી બનવાનો કોઈ અર્થ નથી. એમાં કોઈ હિંદુને લાભ થવાનો નથી. 

એક સદી બાખડ્યા પછી દરેકે પોતપોતાની ભૂમિકા હળવી કરી હતી એક સર્વસંમતિ વિકસાવી હતી જેનું નામ છે ભારતીય રાષ્ટ્ર અને તેનું પરિણામ છે બંધારણ આધારિત ભારતીય રાજ્ય. બંધારણસભામાંની ચર્ચા જોશો તો ખ્યાલ આવશે કે દરેકે બાંધછોડ કરી હતી. બંધારણ સભામાં ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા, તેઓ લઘુમતી કોમના અધિકારો નિશ્ચિત કરવા માટે ઘડાયેલી સમિતિના સભ્ય પણ હતા અને તેમણે સુદ્ધા લઘુમતી કોમના અધિકારોનો વિરોધ નહોતો કર્યો. એ સમયે તેમનો સંબન્ધ સંઘ સાથે નહોતો અને ભારતીય જનસંઘની હજુ રચના નહોતી થઈ. તેઓ કાઁગ્રેસની સીટ પરથી બંધારણસભામાં ગયા હતા. મતભેદ છતાં ય કૉન્ગ્રસે હિંદુ હિતના પક્ષધરને ખાસ એકોમોડેટ કર્યા હતા. 

હવે સવાલ ઉપસ્થિત થાય છે કે હિંદુહિતના પક્ષધરોએ પોતાની ભૂમિકા હળવી હતી તો એ તેમની દૂરંદેશી હતી કે શરણાગતી હતી? 

એ દૂરન્દેશી હતી. એક તો એ કે હિંદુહિતની વાત કરતા અને તેને માટે કામ કરતાં તમને કોઈ રોકતું નથી. અરે તમે તમારા જ્ઞાતિહિતની વાત કરી શકો છે હિત માટે પ્રયત્ન કરી શકો છો. એ બંધારણીય અધિકાર છે અને એ પણ બાંયધરીવાળો અધિકાર છે. બીજું હિંદુ સંસ્કૃતિ સમૃદ્ધ કરવા માટે કે તેના પ્રચાર-પ્રસાર માટે શાસન અને સત્તાની કોઈ જરૂર નથી. એ પ્રજાકીય પુરુષાર્થ છે અને એમાં શાસન તમને રોકતું નથી. જગતમાં કોઈ જગ્યાએ કોઈ સંસ્કૃતિ સત્તાધીશે નથી વિકસાવી, પ્રજાએ વિકસાવી છે. શાસક તો વધુમાં વધુ તેમાં મદદ કરી શકે. એક સમયે દેશમાં આધુનિક મિજાજનો જુવાળ પેદા થયો હતો તો એ એકલા નેહરુના કારણે નહોતો થયો. મેધાવીઓએ એ જુવાળ પેદા કર્યો હતો જેમાં નેહરુએ તો માત્ર મદદ કરી હતી. ઊલટું સત્તાકીય સરસાઈ માથાભારેપણું પેદા કરે જેની કિંમત બહુમતી પ્રજાએ જ ચૂકવવી પડે કારણ કે તે બહુમતીમાં છે. જો રાજ્ય તમને હિંદુ બનતા, હિંદુ હિતની વાત કરતા, હિંદુ હિત માટે કામ કરતા, હિંદુ તરીકે સંગઠિત થતાં, હિંદુ પક્ષની રચના કરતા, હિંદુ રાજકારણ કરતા, હિંદુ શિક્ષણસંસ્થા સ્થાપતા, હિંદુ સંસ્કૃતિને સમૃદ્ધ કરતા ન રોકતું હોય તો પછી હિંદુ તરીકે આનાથી વધારે જોઈએ છે શું? રાજકીય સરસાઈ અને સરસાઈજન્ય માથાભારેપણું? માથાભારેપણાથી મહાન હિંદુ નથી થવાતું, સાચા હિંદુ તરીકે જીવવાથી મહાન હિંદુ બની શકાય છે. બંધારણસભામાં જે મતભેદ પેદા થયા હતા એ સેક્યુલરિઝમની વાતે નહોતા પેદા થયા એ હિન્દી ભાષાને લઈને પેદા થયા હતા, રાજ્યોને કેટલી સત્તા આપવી કે કેન્દ્રને વધારે મજબૂત કરવું જોઈએ એ બાબતે થયા હતા,  

રાજ્ય પર કબજો કરવાના બે માર્ગ છે. એક છે લોકવિદ્રોહ અને બીજો છે લોકશાહી માર્ગે સત્તા પર કબજો કરીને ધીરે ધીરે રાજ્ય પર કબજો કરવો. ભારતમાં સામ્યવાદી પક્ષે ૧૯૪૭-૧૯૫૦નાં વર્ષોમાં પહેલો માર્ગ અપનાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તેને સફળતા નહોતી મળી. સાધારણપણે લોકવિદ્રોહ ત્યાં થાય છે જ્યાં રાજ્ય ક્ષતિગ્રસ્ત હોય અને નિષ્ફળ નીવડી રહ્યું હોય. શ્રીલંકા, બંગલાદેશ અને નેપાળમાં લોકોએ વિદ્રોહ કરીને રાજ્ય પર કબજો કર્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અનુક્રમે જર્મની અને ઇટલીના હિટલર અને મુસોલિનીનો માર્ગ અપનાવ્યો હતો. પહેલાં લોકશાહી માર્ગે સત્તા પર કબજો કરવો અને પછી ધીરે ધીરે રાજ્ય કબજે કરવું. આનો જવાબ પણ અઘરો નથી અને હવે તો સુજ્ઞ વાચકને તેનો અનુભવ થવા લાગ્યો હશે. રાજ્ય કબજે કરવું એટલે એ રાજ્યને પોષનારી સંસ્થાઓને કબજે કરવી. 

સૌથી પહેલા ક્રમે આવે રાષ્ટ્ર વિશેની સર્વસ્વીકૃત પ્રસ્થાપિત થયેલી વિભાવના(નેરેટિવ)ને તોડવી. તે તેના પર પ્રહારો કરીને તોડી શકાય, તેને અમુક રીતે ઓળખાવીને તોડી શકાય, એ વિભાવનાને વાચા આપનારા વિદ્વાનો અને લોકનેતાઓને બદનામ કરીને તોડી શકાય, તેનો બચાવ કરનારાઓને બોલવા નહીં દઈને તોડી શકાય અને નિરર્થક ઘોંઘાટ કરીને તેમ જ જૂઠાણાં ફેલાવીને તોડી શકાય, વગેરે વગેરે. આને માટે મીડિયા પર કબજો કરવો પડે, યુનિવર્સિટી અને અન્ય શિક્ષણ સંસ્થાઓ પર કબજો કરવો પડે, પાઠ્યપુસ્તકોને અને ખાસ કરીને ઇતિહાસને બદલવો પડે. દરેક જગ્યાએ એવા લોકોને ભરવા જે કાં તેમને માફક આવે એવી વાતો કરે અથવા તેમને જે માફક ન આવે એવું બોલનારાઓને બોલવા જ ન દે, પ્લેટફોર્મ જ ન આપે અથવા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો ઘોંઘાટ કરે. શિક્ષણ સંસ્થાઓ, મુક્ત શિક્ષણ અને વિચારનારું ચિત્ત તેમને પસંદ ન આવે. 

બીજું કામ તેઓ લોકશાહીમાં પક્ષીય રાજકીય વિરોધીઓને તેમ જ વૈચારિક વિરોધીઓને ખતમ કરવાનું કરે. સૌથી પહેલાં તો નાગરિક સમાજના વાચાળ લોકોમાંથી જેને ખરીદી શકાય હોય તેને ખરીદે. જ્યાં ખરીદી શક્ય ન હોય ત્યાં નાગરિક સમાજના વાચાળ લોકોને ડરાવે, ધમકાવે અથવા જેલમાં નાખે. રાજકીય પક્ષોમાં લોકપ્રતિનિધિઓને ખરીદે, ડરાવીને પક્ષાંતર કરાવે વિભાજન કરાવે, રાજકીય પક્ષોને નાણાકીય મદદ ન મળે એવી વ્યવસ્થા કરે. ધીરે ધીરે લોકશાહીમાં પ્રતિપક્ષી જ ન બચે. જે હોય એ નામ પૂરતા હોય કે જેથી એમ બતાવી શકાય કે દેશમાં  

ગયા સપ્તાહના મારા લેખનો અંત એક પ્રશ્ન સાથે કર્યો હતો : હિંદુ પીંડ કેમ બદલાયો? હિંદુ માનસ કેમ બદલાયું? વેદ ઉપનિષદ મહાવીર અને બુદ્ધે તેમ જ મધ્યકાલીન સંતો અને +સૂફીઓએ ઉછેરેલો હિંદુ ક્યાં ગયો?

જે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લઈને તેનો રાજકીય ખપ જોતા હતા એ લોકોને ખાતરી હતી કે હિંદુ પીંડ તેમ જ હિંદુ માનસ ન બદલાઈ શકે અને જે લોકો અહર્નિશ આધ્યાત્મિક હિંદુ હતા (ગાંધી અને વિનોબા) તેમ જ જે ભારતનો સાંગોપાંગ ઇતિહાસ જાણતા હતા અને જેણે ઇતિહાસ લખ્યો પણ હતો (જવાહરલાલ નેહરુ) એ લોકોને એમ લાગતું હતું કે હિંદુ પીંડ પણ બદલાઈ શકે છે. હિંદુ માનસ બદલાઈ શકે છે. જે હિંદુ હોવાપણું અનુભવતા હતા, જીવતા હતા, જેઓ હિંદુ પિંડના ગર્ભગૃહની અંદર હતા તેવા અંદરના લોકોને (insider) ડર હતો કે હિંદુ પીંડ ભવિષ્યમાં ક્યારેક બદલાઈ શકે છે માટે સાવધાન રહેવું જોઈએ.

આવું કેમ બન્યું? હિંદુ હોવાના ગર્વથી પ્રેરાઈને સોમાનાથનું મંદિર બાંધનારા હિંદુઓને એમ લાગતું હતું કે હિંદુ પીંડ બદલાઈ ન શકે માટે આર.એસ.એસ.થી ડરવાની જરૂર નથી અને જેણે વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો, જેણે શ્રમણ-બ્રાહ્મણ પરંપરાનો અભ્યાસ કર્યો, જેણે સંતો અને સૂફીઓના દર્શનનો અભ્યાસ કર્યો, જેણે ખુલ્લા મને ભારતના અને જગતના ઇતિહાસનો અભ્યાસ કર્યો અને જેણે હિંદુ હોવાપણાને શ્વસ્યું એ લોકો સાશંક હતા. 

આગળ વધતા પહેલાં એક ખુલાસો જરૂરી છે. જે લોકોએ આર.એસ.એસ.ને મદદ કરી અથવા આર.એસ.એસ.ની મદદ લીધી એ કાઁગ્રેસીઓ છૂપા હિન્દુત્વવાદી હતા અથવા હિંદુ કોમવાદી હતા એમ હું માનતો નથી. એકાદ-બે લોકોનો એવો અપવાદ હોઈ શકે છે, પણ એકંદરે તેઓ જમણેરી હતા અને સમાજવાદ તેમ જ સમાજવાદીઓ માટે અણગમો ધરાવતા હતા અને સામ્યવાદથી ડરતા હતા. તેમને મુસ્લિમ કોમવાદનો પણ ડર હતો અને એને માટે કારણો પણ હતાં. તેઓ સંસ્કૃતિપ્રેમી અને સંસ્કૃતિરક્ષક હતા અને તેમને એમ લાગતું હતું પોતાને ડાબરી તેમ જ ઉદારમતવાદી તરીકે ઓળખાવનારાઓ પાશ્ચાત્ય પ્રભાવ હેઠળ જીવે છે. તેઓ જવાહરલાલ નેહરુને તેમાં અગ્રેસર સમજતા હતા જ્યારે કે નેહરુએ જગતનો ઇતિહાસ લખીને પશ્ચિમના અમાનવીય શોષક તેમ જ હિંસક ચહેરાને ઉજાગર કર્યો હતો અને પૂર્વની માનવીય પરંપરાનો મહિમા કર્યો હતો. એ સમયે ભારતનાં આકાશમાં જે વિચાર, વ્યક્તિ અને વલણ હતાં તે વિષે તેમનો આવો અભિપ્રાય હતો. પણ એનો અર્થ એવો નથી કે તેઓ હિંદુ મૂળભૂતવાદી કે કોમવાદી હતા. સમાનતા અને ન્યાય આધારિત આધુનિક રાજ્યમાં, કાયદાના રાજમાં અને લોકતંત્રમાં તેમની નિષ્ઠા હતી. તેમને જાણ હતી કે કાયદાના રાજનો સૌથી વધુ લાભ બહુમતી કોમને મળવાનો છે અને અરાજકતાની સૌથી મોટી કિંમત પણ બહુમતી કોમે જ ચૂકવવી પડતી હોય છે. તેઓ દ્વેષ કરનારા અને વેર લેનારા હિંદુ નહોતા. 

તો સવાલ પાંચ છે. એક. જે લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવામાં થાપ ખાધી તેમણે ભારતીય રાજકારણને ક્યાં પહોંચાડ્યું? બે. જે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ઓળખી શક્યા તો તે શેને કારણે? ત્રણ. હિંદુ પીંડ અથવા હિંદુ માનસ બદલાયું શેના કારણે? ચાર. ખરેખર હિંદુ પીંડ કે હિંદુ માનસ પાછા ન ફરી શકાય એ હદે સંપૂર્ણપણે બદલાયું છે ખરું? અને પાંચ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સત્તા કબજે કરી છે કે પછી રાજ્ય કબજે કર્યું છે કે હિંદુ માનસ? 

આ પાંચ સવાલોને હાથ ધરતા પહેલાં મારે અહીં એક કબૂલાત કરવી જોઈએ. આ લખનારને પણ વાનપ્રસ્થાનની ઉંમરે પહોંચવા સુધી એમ લાગતું હતું કે હિંદુ પીંડ ક્યારે ય ન બદલાઈ શકે માટે સંઘથી ડરવાની જરૂર નથી. આ પૂરાણમતવાદી ગાંડીઘેલી વાતો કરનારી જમાત છે. તેની કોમવાદી હિંદુઓની એક વોટ બેંક છે, લોકતાંત્રિક દેશમાં તેનો તે અધિકાર છે અને એક અર્થમાં તેનો ખપ પણ છે. જેમ સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા વિવિધ સ્વભાવ ધર્મ ધરાવનારા જીવોનું એક સાથે હોવું જરૂરી છે તેમ સમાજમાં સંતુલન જાળવી રાખવા માટે વિવિધ અભિપ્રાય અને વલણનું એક સાથે હોવું જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ રીતે એક મર્યાદિત ખપ છે. બાકી ભારતની હિંદુ બહુમતી પ્રજા એક પ્રકારની ઉદારતા અને મર્યાદામાં માને છે. ઉપરથી ભારતની વિવિધતા કોઈ એક પ્રજાને આક્રમક થવા દેતી નથી. આત્યંતિકતા અને આક્રમકતાનો અંદરથી છેદ ઉડાડે છે. મધ્યમ માર્ગ અને સહઅસ્તિત્વ ભારતની નિયતિ છે. આ સિવાય ભારતનું સંસદીય રાજકારણ પણ આત્યંતિકતાને પોષનારું નથી. સામ્યવાદીઓ, અકાલીઓ, દ્રવિડવાદીઓ, ઇશાન ભારતના અલગતાવાદીઓને એક દિવસ સમજાઈ ગયું કે આક્રમકતા અને આત્યંતિકતા આ દેશની પ્રજાને ભાવતી નથી અને જો સંસદીય લોકશાહી માર્ગે સત્તા સુધી પહોંચવું હોય તો દરેકનો સાથ લેવો જરૂરી છે. 

ટૂંકમાં આ પ્રકારનો રાજકીય વિમર્શ એ સમયે દેશમાં ચાલતો હતો જેમાં દરેકને એમ લાગતું હતું કે સામ્યવાદી ભારત અને હિંદુ ફાસીવાદી ભારત આ દેશમાં ક્યારે ય આકાર ન પામી શકે. સામ્યવાદીઓએ લોહિયાળ ક્રાંતિ કરીને સત્તા કબજે કરવાનો માર્ગ છોડીને સંસદીય માર્ગ અપનાવ્યો હતો. આ લખનારની પણ એવી જ સમજ હતી. એટલે તો કાઁગ્રેસના ભ્રષ્ટાચાર સામે લડવા જેમ રાજકીય પક્ષોએ અને રાજકીય નેતાઓએ સંઘનો સાથ લીધો હતો એમ નાગરિક સમાજે પણ લીધો હતો જેનો હું એક સભ્ય છું. એક સધિયારો હતો જે ખોટો સાબિત થયો. 

(ક્રમશ:)
24 મે 2026
e.mail : ozaramesh@gmail.com

Loading

24 May 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—342
પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ →

Search by

Opinion

  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • ચલ મન મુંબઈ નગરી—342
  • ગઝલ
  • નીતિ આયોગનો તાજો હેવાલ : ગુજરાત શિક્ષણના હાલહવાલ
  • ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે.

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved