‘બપોરે અમે કરાડી-મટવાડની શહીદભૂમિ તરફ જવા નીકળ્યા. વચ્ચે પાંચાકાકાનું ઘર અાવતું હતું, એમના દર્શને ગયા. સરકાર સામે અણનમ રહી ઝૂઝનાર વૃદ્ધ પાંચાકાકાનું દર્શન પાવનકારી હતું. સરળ ઉમળકાથી એમણે અમને અાવકાર્યા. મજામાં તો છો ને ? એ બાજુ વરસાદ બધે કેવોક છે ? − એમ કુશળ સમાચાર પૂછ્યા. વરસાદ બધે જ નથી એ ઉપરથી દેશની સ્થિતિ પર વાત ચાલી : જુઅોને, લોક પૈસો પૈસો કરે છે, કાળાંબજાર કરે છે. બાપુજીની વાત અાપણે માની નહિ. ગાંધીજી માટેની એમની ભક્તિ શ્વાસે શ્વાસે વરતાતી હતી, અોશરીને છેડે ગાંધીજીની છબી હતી. ત્યાં ગાંધીજીની ૭૮મી વરસગાંઠ પછી રોજ સવારસાંજ દીવો થાય છે. ધર્મની વાત પાંચાકાકા નરી સ્વાભાવિકતાથી કરતા હતા, વચ્ચે એકબે કડી સંતવાણી ગાઈ સંભળાવે. ‘દીનદયા અૌર અાતમપૂજા, એ સિવાય ધરમ નહીં દૂજા’ − એટલું અાપણે તો જાણીએ છીએ એમ કહી એમને દેખાતું નથી તે વાતે વળ્યા. એમને બંને અાંખે મોતિયા વળ્યા છે. એટલામાં બીજી મંડળી પાંચાકાકાને મળવા અાવી પહોંચી. એ વખતે પાંચાકાકાનો સાચો પરિચય તો થયો. એ અકળાઈ ઊઠ્યા. કપાળે બેત્રણ વાર હાથ અડાડી કહે : મને અાંધળાપણું શીદ અાવ્યું ? હું શાળા ઉપર નહિ જાત ! અા સૌને અહીં શું કરવા અાવવાની તસ્દી લેવી પડે ? અંદરના મોટા પડાળિયામાંથી કેડથી વાંકાં વળી ગયેલાં ડોશી બહાર અાવ્યાં અને સૌને બેસાડવાની વ્યવસ્થા કરવા લાગ્યાં. નવા અાવેલાઅોની સાથે પાંચાકાકા વાતે લાગ્યા. અમે વિદાય લીધી. એક વીર પુરુષની સ્વાભાવિક કોમળતાનું દર્શન કરી અમે અાગળ ચાલ્યા.’
− ઉમાશંકર જોશી
(‘વડ તેવા ટેટા’ પ્રકરણ, ‘કેળવણીનો કીમિયો’, પાનું ૮૫-૮૬)
•
અા પાંચાભાઈ દાજીભાઈ પટેલ ઊર્ફે પાંચાકાકાનું નામ, ભલા, અાજે કેટલાંને સાંભરે ?
અને અા કોઈ લોકવારતાનું પાત્ર લગીર નથી. મારા સાહેબ, પાંચમાં પૂછાય તેવું એમનું કામ અને સ્થાન છે. સને ૧૮૭૬માં જન્મેલા, પાંચાકાકાએ ૧૯૩૭, ૧૯૪૬, ૧૯૪૭માં એમણે જ ખુદ મહાત્મા ગાંધીને પૂછેલું : તમે ઈચ્છ્યું છે તેવી પૂર્ણ સ્વરાજવાળી અાઝાદી મળી છે કે ? માનશો ? તે દહાડે ય ગાંધીજી એમની સાથે જ સહમત હતા.
અમદાવાદથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માંની પોતાની તત્કાલીન કોલમમાં, અાપણા એક વરિષ્ટ વિચારશીલ અને કર્મશીલ પત્રકાર દિવંગત નીરુભાઈ દેસાઈએ ‘દેશના અદ્વિતીય સત્યાગ્રહી’ નામે એક લેખ કર્યો હતો. તેમાંનો અા ફકરો અાની સાહેદી પૂરશે :
‘પણ પાંચા પટેલના જીવનની સુવાસ એ તેમની ટેકને લીધે છે. ઇ.સ. ૧૯૨૧માં સ્વરાજ માટેની લડત ગાંધીજી બારડોલીથી શરૂ કરવાના હતા. તેમાં જમીન મહેસૂલ ન ભરવાનો પણ એક કાર્યક્રમ હતો. પાંચા પટેલે સ્વરાજ ન મળે ત્યાં સુધી જમીન મહેસૂલ ન ભરવાની તે વેળા પ્રતિજ્ઞા લીધી હતી. ચૌરીચૌરાના હત્યાકાંડથી ગાંધીજીએ એ લડત મોકૂફ રાખી, પણ પાંચા પટેલે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મહેસૂલ ન ભર્યું. લડત શરૂ થઈ ન હોવાથી કૉંગ્રેસ કાર્યકર્તાઅોએ તેમને મહેસૂલ ભરી દેવાની સલાહ અાપી. પણ એમની સલાહથી પાંચા પટેલના મનનું સમાધાન ન થયું. તેથી સાબરમતી અાશ્રમમાં ગાંધીજીની સલાહ લેવા ગયા. વાતચીત દરમિયાન ગાંધીજીએ તેમને પૂછ્યું, ‘તમે કોની સલાહથી પ્રતિજ્ઞા લીધી ?’
પાંચા પટેલ − ‘તમે જ “નવજીવન”માં લખ્યું હતું કે અન્યાય સામે જે કાયદાનો વ્યક્તિગત સવિનય ભંગ કરે છે, તેને જગતમાં કોઈ દબાવી શકે શકે નહીં. એ વાંચીને મેં મારી જાતે જ નિર્ણય કરી લીધો.’
ગાંધીજી – ‘તમારી સાથે કોઈ ન હોય તોયે તમે લડત ચાલુ રાખશો ?’
પાંચા પટેલ – ‘હા.’
ગાંધીજી – ‘પણ એકલા પડી જશો એવો ડર ન લાગે ?’
ટાગોરના ‘એકલો જાને’ ગીતનો ઉલ્લેખ કરી તે બોલ્યા કે, ‘હું એકલો લડીશ.’
ગાંધીજીએ હસીને તેમને શાબાશી અાપી અને બોલ્યા કે, ‘મારા તમને અાશીર્વાદ છે; તમે મહેસૂલ નહીં ભરતા.’
ઇ.સ. ૧૯૪૭ના અૉગસ્ટની ૧૫મી તારીખે હિંદને સ્વરાજ મળ્યું પછી પાંચા પટેલને જમીનનો કબજો લેવાની વિનંતી કરવામાં અાવી. જેમ હિંદના રાજકારણમાં સ્વરાજનો અર્થ ક્રમે ક્રમે વિકસતો ગયો, તેમ પાંચા પટેલની સ્વરાજની કલ્પના પણ વિકસતી ગઈ. તેમણે જણાવ્યું કે, ‘જ્યાં સુધી દેશમાં લશ્કરની મદદથી રાજ ચાલે છે ત્યાં સુધી તે સાચું સ્વરાજ નથી. મારું સ્વરાજ હજી અાવ્યું નથી. માટે હું મહેસૂલ નહીં ભરું અને એ જમીન પણ મારે ન જોઈએ.’ ગાંધીજીએ જ્યારે અા વાત જાણી ત્યારે તેમણે લખ્યું કે, ‘પાંચા પટેલની ટેક અદ્વિતીય જ રહેશે.’
•
અા લેખના પ્રત્યુત્તરમાં, કાંઠા વિસ્તારના એક મુઠ્ઠી ઊંચેરા કર્મશીલ દિવંગત દિલખુશ દિવાનજીએ, વિશેષ વિગત પૂરી, લખેલું :
૧૯૩૭-૩૮માં દેશભરમાં પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસૂલ પ્રધાન મોરારજીભાઈ (દેસાઈ) હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ સત્યાગ્રહી ખેડૂતોને પાછી અાપી. તલાટી અને ગામના અગ્રણી પાંચાકાકાના ઝૂંપડામાં પહોંચ્યા. પાંચાકાકાએ સ્પષ્ટ જણાવી દીધું. મારી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તલાટી ગામનેતાઅો મૂંઝાયા. છેવટે એમના ભત્રીજા વાલજીભાઈને નામે એ જમીન નોંધાઈ. ભત્રીજાએ પણ એ જમીનનું મહેસૂલ ન ભરવાનો િનર્ણય તલાટીને જણાવી દીધો. મામલો હરિપુરા કૉંગ્રેસમાં અાવેલા ગાંધીજી પાસે ગયો. પાંચાકાકા એ અધિવેશનમાં સફાઈ સેવક તરીકે પહોંચી ગયા હતા. બાપુએ એમને સમજ અાપી કે કૉંગ્રેસ સરકારને જમીન મહેસૂલ અાપવું જોઈએ.
અભણ ગણાતા પાંચાકાકાએ બાપુને સમજ અાપી કે એ પ્રાંતીય સ્વરાજ્ય તો રમકડા જેવું સ્વરાજ્ય છે. બાપુએ જણાવ્યું – ‘તમારી વાત સો ટકા સાચી.’
મોરારજીભાઈ તે વખતે હાજર હતા. બધા મૂંઝાયા. બાપુ કંઈ પ્રતિજ્ઞાભંગની સલાહ ન જ અાપે. પ્રતિજ્ઞા તો સંપૂર્ણ સ્વરાજ્યની હતી.
બાપુ તો સત્યના શોધક અને ઉપાસક. એમને સૂઝી ગયું. ‘દિલખુશભાઈ તમારે ત્યાં ખાદીનું કામ કરે છે. સંપૂર્ણ સ્વરાજ્ય મળે ત્યાં સુધી મહેસૂલ એ ભરશે. તમારી જમીન એમને ખાદીકાર્ય માટે અાપી દો.’
પાંચાકાકાની પણ મૂંઝવણ હતી. ગાંધીકુટિરને તે વાપરવા અાપી. અમે ત્યાં બાવળનાં ઝાડ કપાવી દઈ જમીન ચોખ્ખી કરી. પાંચાકાકાને કહ્યું કે લાકડા લઈ જાઅો. એમનો જવાબ હતો કે ‘સત્યાગ્રહીને જમીનનું તણખલું પણ ન ખપે.’
૧૯૪૨ની લડત અાવી. એમાં પણ પાંચાકાકાએ શિક્ષાત્મક દંડ ન ભર્યો. કોઈકે ભરી દીધો. સત્યાગ્રહી પાંચાકાકાને સરકારે કશી શિક્ષા કરવી ન હતી એટલે બીજા પાસે દંડ ભરાવી દીધો.
પાંચાકાકા ભલે અભણ ગામડિયા, પણ એમનામાં સ્વતંત્ર ભારતને શોભે એવું ખમીર હતું. જમીન ન જ લીધી.
મેં ફરી સમજ અાપી. ‘પાંચાકાકા, મારી કે તમારી હયાતીમાં એવું સ્વરાજ્ય નહીં મળે.’
‘તે હું જાણું છું, તેથી કંઈ મારી હયાતીમાં જમીન ખેડવી નથી.’
બાપુને મેં પત્ર લખી જણાવ્યું કે પાંચાકાકા હજી અણનમ છે. રામરાજ્ય સ્થપાય તો જ જમીન મહેસૂલ ભરે.
બાપુએ “હરિજનબંધુ”માં નોંધ લખી : ‘હિન્દુસ્તાનભરમાં પાંચાકાકાની ટેક અદ્વિતીય જ રહેશે.’
ચાર માસ પછી એમના ભત્રીજા વણાટ શીખવતાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા.
બાપુએ “હરિજનબંધુ”માં અંજલિ અાપી કે ‘પવિત્ર કામ કરતાં ચાલ્યા ગયા તો ધન્ય મૃત્યુ છે.’
માંડ માંડ સમજાવી શક્યા કે તમારી અાવી મુશ્કેલીમાં અમે તમારા મિત્રો અનાજ કપડાંની મદદ કરીએ તો સ્વીકારો.
‘તું શું કામ ચિંતા કરે છે ? વાલજી વર્ષો સુધી કાંતેલા સૂતરની ખાદી વણી ગયા છે તે ચાલશે. અનાજ માટે મારું ફોડી લઈશ.’
પરંતુ અાખરે એટલી સંમતિ અાપી કે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લઈ અાવશે. તેનું બિલ ખાદીકેન્દ્રે ચૂકવવું.
થોડાં વર્ષો બાદ (૧૫ ફેબ્રુઅારી ૧૯૫૧ના રોજ) પાંચાકાકા અવસાન પામ્યા.
અાવા હતા કરીડીના અણનમ સત્યાગ્રહી પાંચાકાકા.
•
એક વાર સરદાર વલ્લભભાઈ પટેલને પાંચાકાકાએ કહેલું, ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજ્ય સ્થાપજો.’ સ્વરાજ્યની તેમની કલ્પના કેટલી ઉદ્દાત ભાવનાથી રંગાયેલી હતી, તેનો ખ્યાલ તેમના અા વાક્ય પરથી અાવશે. ૧૯૪૬માં અારઝી હકૂમત સ્થપાઈ. જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ દિલ્હીના પ્રધાનમંડળમાં ગયા. એ પ્રસંગે ય જમીન પાછી લેવાની પાંચાકાકાને વિનંતી થઈ. ૧૯૪૭માં અાઝાદી અાવી. ફરી તે જ વિનંતી. એમણે ના પાડી અને સામે કહ્યું : ‘જ્યારે પોલીસ – લશ્કરની મદદ વિના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પૂરી થશે. બાપુ ક્યાં સાબરમતી પાછા ગયા છે ? બાપુ સાબરમતી જશે ત્યારે જમીન ખેડીશ અને મહેસૂલ ભરીશ.’
અાખરે બાપુ પણ ગયા. પાંચાકાકાએ પોતાની સંપૂર્ણ સ્વરાજ્યની જ્વલંત ટેક છેવટ સુધી – મરણ પર્યન્ત – જાળવી. જમીન ન જ ખેડી અને મહેસૂલ ન જ ભર્યું.
અાજે, અાટઅાટલાં વર્ષે, અા પાંચાકાકાવાળો તે મહાભારત સવાલ તેમનો તેમ ઊભો છે – નિરુત્તર. ક્યાં ય ‘સ્વરાજ્ય’ની ભાળ મળે છે ખરી કે ? − શું ભારતમાં, શું અમેરિકામાં કે શું વિલાયત સમેતના યુરોપમાં. સઘળે અામ અાદમીને કેન્દ્રમાં રખાયો હોય તેમ અનુભવવા મળતું નથી. હા, લોકશાહી છે, અને તેની રસમમાં મતવાળી કરવાની છે, માટે ‘લોક’ની વાત કરવી સહજ હોય છે. પરંતુ તે લોક, તે અામ અાદમી, તે છેવાડાનો માણસ, તે દરિદ્રનારાયણ, ભલા, છે ક્યાં ? બોલબાલા તો રાજકારણીઅોની, વેપારવણજના લોકોની, ધરમકરમના ધણીધોરીઅોની અને દાણચોરોની – રુશવતખોરોની – અાતંકવાદીઅોની જોવા મળે છે ! ક્યાં ય ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજય’ દેખવા મળે છે કે ?
માનવ ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે સમજાય છે કે સમય સમયે અનેક સ્વપ્નસેવીઅો અાવ્યા છે અને તે દરેકે ચેતનાનો સંચાર કર્યો છે. તે દરેકે બોલવાનું રાખ્યું છે, લખવાનું રાખ્યું છે અને કહેવાનું રાખ્યું છે. અને તેમ છતાં, પછી, તેની અસર કેમ અોસરતી ભાળીએ છીએ ?
સ્વરાજ્યની લડત વેળા, દાદાભાઈ નવરોજીના ગાળાથી, કે પછી તે પહેલાંના વારાથી પણ, એકમેકથી ચડિયાતા સ્વપ્નસેવીઅો હિંદે દીઠા છે. મહાત્મા ગાંધીના સમયગાળામાં, વળી, સમાજને દરેક સ્તરે અાવા અાગેવાનોની મોટીમસ્સ ફોજ કામ કરતી હતી. ગુજરાતમાં હમણાં હમણાં સુધી અાવા અનેક તપેશરીઅોનું તપ અાપણને ઉજાગર કરતું હતું. અને છતાં અાવું કેમ ?
નેવુંના દાયકાથી નવ્ય ધનવાનોનો એક વર્ગ અહીંતહીં ચોમેર ઊભો થયો છે. પશ્ચિમના દેશો સહિતના દુનિયાના સમૂળા પટમાં, તેમના ધંધાધાપાની સ્વાભાવિક બોલબાલા છે. દૂંદાળા કોરપોરેટ સેક્ટરની તાકાત વિસ્તરતી ચાલી જ છે. અાપણે અચરજે અા જોયા જ કરીએ છીએ. તેમાં ખેડૂતો, નાના વેપારીઅો, નાના અમથા કલકારખાનેદારો, અનેક પ્રકારના કામદારો ડૂબી રહ્યા છે. ગરીબો વધુ ગરીબ બનતા ચાલ્યા છે, ધનવાનો વિશેષ ધનવાન. અને અા બધું, મારા મહેરબાન, વિકાસને નામે પારાયણ ચાલે છે !
અાપણામાંનાં પાંચાકાકાને, હવે, પરિણામે, જગવવાની તાતી જરૂરત છે. અાપણે ય ખુદ સવાલ ઊભા કરવા છે અને જવાબ ખોળવા કર્મશીલ બનવાનું હવે ટાણું જગવવા જેવું છે.
પાનબીડું :
वन्दे मातरम् ।
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
यह झण्डा न इसका होगा न उसका कहलायेगा
जिसको भी है प्यार वतन से वही इसे उठायेगा
दुश्मन पर टूटेगा तो यह बिजली बनकर कड़केगा
अपनों पर छायेगा तो सुख का बादल बन जायेगा
आओ वक़्त गँवाओ ना आपस के रोने धोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
~ प्रेम धवन