વિશેષ ચર્ચાગુચછ : મે-2014 પછી
નેહરુ અને તેઓ
• ભીખુ પારેખ
કૉંગ્રેસમુક્ત ભારત એટલે શું ? કૉંગ્રેસ એટલે ફક્ત સોનિયા, ઇન્દિરા ગાંધી કે પંડિત નેહરુ નહીં. કૉંગ્રેસને તેનું બંધારણ છે, તેનો સ્વતંત્રતાના સંઘર્ષનો ભવ્ય વારસો છે. કૉંગ્રેસ ફક્ત નેહરુની ન હતી. કૉંગ્રેસમાં ગાંધી અને સરદાર પણ હતા. ચાલો, સોનિયા ગાંધીથી મુક્ત કૉંગ્રેસની વાત સમજ્યાં ! પણ કૉંગ્રેસમુકત દેશ એટલે શું ? તમારે દેશને નેહરુમુક્ત દેશ બનાવવો છે ? પણ એટલે શું ? નેહરુ તો ફક્ત વડાપ્રધાન ન હતા, તે સાથે એક વિચારધારા હતા. નેહરુએ સને ૧૯૪૭માં દેશને એક રાષ્ટ્રીય ફિલોસૉફી હોવી જોઈએ અને તે કેવી હોવી જોઈએ, તેના પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા.
નેહરુનો સમાજવાદ તમારે નથી જોઈતો. સારું તો તમે દેશને ટાટા, બિરલા, અંબાણી અને અદાણીને સોંપી દેવા માંગો છો ? નેહરુની બિનજોડાણવાદ (નોન-એલાઇનમેન્ટ) નીતિ તમને નથી ગમતી, તો શું તમે પશ્ચિમી જગતના મૂડીવાદી દેશોના પલ્લામાં બેસવા માંગો છો ? નેહરુ ઝડપી ઔદ્યોગિકીકરણમાં માનતા હતા; વડાપ્રધાન મોદી પણ ઝડપી ઔદ્યોગિકીકરણ તો ઇચ્છે છે ને ? માટે તો જપાન અને ચીનના ઉદ્યોગ બેરોન સાથે ઘણા બધા એમ.ઓ.યુ. લાલજાજમ પાથરીને કરે છે. નેહરુ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે (સાયન્ટિફિક ટેમ્પર) તે માટે સતત આગ્રહી હતા. તમારે શું દેશના લોકોની અંધશ્રદ્ધા, ધર્માંધતા અને સામાજિક રૂઢિચુસ્તતાના ટેકેદાર બનવું છે ? મોદીજીના અમેરિકાનાં પ્રવચનોમાં તેવું ક્યાં ય દેખાતું નથી. તેઓને તો ભારત એક સાપ-મદારીઓનો દેશ છે તેવી વિશ્વના દેશોની છાપ બદલવી છે. પેલા બત્રાની ચોપડી જે ગુજરાત રાજ્યમાં તમે શાળામાં (પૂરક વાચન તરીકે) દાખલ કરી છે તે મેં વાંચી છે. તેમાંથી તો એવું ફલિત થાય છે કે તમારે તમારી નવી ઑર્થોડૉક્સીમાં નેહરુના વૈજ્ઞાનિક મિજાજ કે ટેમ્પરને ફગાવી લોકોને અંધશ્રદ્ધાળુ પૌરાણિક ગૌરવના નામે ઘેનમાં રમાડવા છે.
ક્યાં લઈ જવો છે તમારે આ દેશને ? નેહરુને દૂર કરવા માંગો છો, તેનો અર્થ નેહરુના વૈજ્ઞાનિક વિચારના ખ્યાલને પણ તમે દૂર કરવા માંગો છો ? પશ્ચિમનો વિકાસ તો વૈજ્ઞાનિક મિજાજ અને ટેમ્પર પર જ આધારિત છે. પશ્ચિમના દેશો અને પશ્ચિમી જગત જેવું છે તેવું, તે અંગે તમે શું કહેવા માંગો છો ? શું તમે પશ્ચિમની વૈજ્ઞાનિક, ઔદ્યોગિક અને ઇલેક્ટ્રૉનિક ને ટેક્નોલૉજી મીડિયાની અસરોમાંથી દેશને બાકાત રાખવા માંગો છો ? તે શક્ય છે ખરું ? તે વાત ખોટી છે, કારણ કે તે બધાં પશ્ચિમી સંદેશા-વીજાણુ ઉપકરણો અને સાધનોનો ભરપેટ ઉપયોગ કરીને તો મોદીજી સત્તા પર આવ્યા છે. તમારો વિકાસ કે ડેવલપમેન્ટનો એજન્ડા પશ્ચિમી દેશો અને તેની વેલએડવાન્સ ટેક્નોલૉજી સિવાય શક્ય છે ખરો ? મને એવું બેસે છે કે તેઓને બધાને નેહરુના તત્ત્વચિંતન અને સાંસ્કૃિતક (ફિલોસૉફિકલ ઍન્ડ કલ્ચર થોટ્સ) વિચારો માટે જબરજસ્ત પૂર્વગ્રહો છે, જેને આર.એસ.એસ. અને બી.જે.પી. વારાફરતી દેશના મુખ્યપ્રવાહમાંથી દૂર કરવા માંગે છે.
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૪ની વિચારગોષ્ઠિમાં પ્રોફેસર ભીખુ પારેખે વ્યક્ત કરેલા વિચારોમાંથી.
**********
વિચારગોષ્ઠિ આ માટે / બિપિન શ્રોફ
અમે થોડાક મિત્રો, ભાઈ ઇન્દુકુમાર જાની, પ્રકાશભાઈ શાહ, ઉત્તમ પરમાર, મનીષી જાની અને હું, એકબીજા સાથે બૌદ્ધિક વેવલૅંથ પર એક પ્રકારની મથામણ અનુભવતા હતા. ૧૬મી મે, ૨૦૧૪ની ચૂંટણીના પરિણામ પછી મોદી સરકારના કાર્યકાળના એકસો દિવસ પૂરા થઈ ગયા છે. સરકારે ન્યાયતંત્ર, શિક્ષણ અને સામાન્ય વહીવટી ક્ષેત્રે જે નિર્ણયો લીધા છે અને સાથે આર.એસ.એસ. એક સંસ્થા તરીકે અને તેના વડા મોહન ભાગવત દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવે છે અને વર્તન બતાડવામાં આવે છે, તેના પરથી આ સ્પષ્ટ બહુમતીને આધારે લોકસભામાં ચૂંટાઈ આવેલો પક્ષ, દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે તે જાણવા માંગતા હતા. તટસ્થભાવે તે પ્રવાહોનો અભ્યાસ કરવા માંગતા હતા. આ ઉપરાંત ગુજરાતભરમાં ચારે ય ખૂણામાં ફેલાયેલી જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓનું વિકેન્દ્રિત નેતૃત્વ છે, તેના મિત્રો સાથે આ સંદર્ભમાં કોઈ પણ સંસ્થાના લેબલ કે મથાળા સિવાય એક કે બે દિવસ માટે વિચારવિમર્શની તક ઊભી થાય, તેવા ચિંતનમાં અમે બધા હતા. તે માટે અમે બે કામ હાથ પર લીધાં.
એક, આપણી પાસે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા રાજકીય ચિંતક અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્ઝના લેબર પાર્ટીના સક્રિય સભ્ય પ્રો. ભીખુભાઈ પારેખ છે, તેઓને આપણી સામૂહિક કે સહિયારી નિસબતની વાત કરવા સમય માંગી મુલાકાત ગોઠવવી અને તેના આધારે શક્ય હોય, તો એક પરિસંવાદનું આયોજન કરવું. તે પ્રમાણે અમે ભીખુભાઈનો સમય લઈને તેઓના નિવાસસ્થાને ૧૭મી ઑગસ્ટે સાંજના વડોદરામાં લગભગ બેથી અઢી કલાક માટે મળ્યા અને બે દિવસના પરિસંવાદનું આયોજન કરવા સમય માંગ્યો. તેઓની અન્ય અગાઉથી નક્કી કરેલી જવાબદારીઓને કારણે તે ફક્ત એક આખો દિવસ સવારથી સાંજ સુધી ફાળવવા સંમત થયા. તારીખ ૧૩મી સપ્ટેમ્બર ને શનિવાર અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સ્થળ પર નક્કી થઈ ગયું.
બીજું કામ હતું, ગુજરાતભરમાં ફેલાયેલા સ્વૈચ્છિક સંસ્થાના મિત્રોની યાદી બનાવી, તે બધાને આમંત્રણ પાઠવી હાજર રાખવાનું આયોજન કરવું. બધા આયોજક મિત્રો એ વાત સાથે સંમત હતા કે આમંત્રિતોની યાદીમાં સંખ્યાબળને બદલે તેમના દ્વારા સંચાલિત સંસ્થા અને તેમના નેતૃત્વની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને પસંદગીની યાદી બનાવવી. આ કપરું કામ ફરી ત્રણેક કલાક બેસી પૂરું કર્યું. આ ચૂંટણીના પરિણામે દેશની આઝાદીનાં આશરે પાંસઠ વર્ષ પછી રાજકીય તત્ત્વચિંતનની ભાષામાં એક ધર્મ આધારિત જમણેરી ઝોકવાળી સરકાર સત્તા પર આવી છે. દેશે તેનું લેખિત બંધારણ અને સરકારનાં અંગોની સત્તા અને ફરજો બજાવતી રાજ્યવ્યવસ્થા છેલ્લા છ દાયકા કરતાં વધારે સમયથી વિકસાવેલી છે. આવા લોકશાહી બંધારણીય માળખાવાળા દેશમાં નવી સરકારનાં વલણો અને પ્રવાહો કેવાં છે, તે જાણવાં છે, સમજવાં છે.
રાજકારણ, સમાજકારણ વગેરે એક અભ્યાસની દૃષ્ટિએ માનવવિદ્યાઓ અને સમાજવિદ્યાઓ તરીકે ઓળખાય છે. ભૌતિક વિજ્ઞાનોની માફક તેનાં તારણો કે અનુમાનો સો ટકા ચોક્કસ કે બરાબર ન હોઈ શકે. પણ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદે પ્રયોગશાળાની બહાર, નમૂનાઓ એકત્ર કરીને, નિરીક્ષણો કરીને જે તારણો કાઢ્યાં, જે સત્યો તારવ્યાં તેણે માનવવિદ્યાઓ માટે પણ સંભવિત સત્યો શોધવાની પદ્ધતિઓ વિકસાવી છે. આવી પદ્ધતિથી સામાજિક કે રાજકીય સમસ્યાઓનું પૃથક્કરણ કરી અને સંભવિત સત્યો શોધી શકાય છે તથા તેને આધારે માર્ગદર્શક નીતિવિષયક નિર્ણયો પણ લઈ શકાય છે. ઉપરની ચર્ચાને આધારે આપણે તારણ કાઢી શકીએ તેમ છીએ કે દેશની પ્રજા ભૌતિક રીતે ૨૧મી સદીમાં જીવે છે, પરંતુ તેનું બૌદ્ધિક સ્તર અને નિર્ણય કરવાની પદ્ધતિ યુરોપની પ્રજાની ૧૬મી કે ૧૭મી સદીની ધર્મ આધારિત વિચાર કરવાની પદ્ધતિ (રિલિજિયસ મોડ ઑફ થોટ) હતી તેવી છે. દેશની પ્રજા રાજકારણ, સમાજકારણ, શિક્ષણ, આરોગ્ય જેવી સમસ્યાઓના ઉકેલ માટે જૂનુપુરાણું રૂઢિચુસ્ત માનસ ધરાવે છે.
એક બાજુએ નવા વડાપ્રધાન મોદીના ભારતના વિકાસ મૉડેલમાં બુલેટ ટ્રેન અને ૧૦૦ સ્માર્ટ સિટીના પ્રસ્તાવો છે. ઇન્ટરનેટ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ‘સેવી’ દેશનું આંતરિક માળખું ઝડપભેર વિકસાવી દેશને આધુનિક બનાવવાનાં સમણાં સેવે છે, જ્યારે, બીજી બાજુએ તેમની માતૃસંસ્થા આર.એસ.એસ.ના વડા મોહન ભાગવત એમ છડેચોક બોલે છે કે જો જર્મનીની પ્રજાની જર્મન તરીકે વિશ્વ સમક્ષ ઓળખ હોય, ઇંગ્લૅન્ડની પ્રજાની ઇંગ્લિશ પીપલ તરીકેની ઓળખ હોય, અમેરિકાની પ્રજા અમેરિકન તરીકે ઓળખાતી હોય, તો ‘આપણા દેશની પ્રજાને હિંદુ તરીકે કેમ ન ઓળખવી જોઈએ ?’ કારણ કે દેશની બહુમતી વસ્તીનો ધર્મ ને ઇતિહાસ તો હિન્દુ છે. જો આપણે દેશને એક પ્રયોગશાળામાં રાસાયણિક પ્રયોગ કરવાના સાધન તરીકે વપરાતા ‘ક્રુસિબલ’ (મૂસ) કે બાઉલ ગણીએ અને તેમાં એક બાજુએ શૂન્ય રોજગારીવાળા ઉચ્ચ કક્ષાના મૂડીવાદી વિકાસવાળા આર્થિક મૉડેલ પ્રમાણેનું દેશમાંથી ટાટા, બિરલા, અદાણી અને અંબાણી જેવાઓનું મૂડીરોકાણ હોય; આ ઉપરાંત વિદેશોમાંથી ‘એમ.ઓ.યુ.’ કરીને આયાત કરેલી ‘મેક ઇન ઇન્ડિયા’ માટેની મૂડી હોય અને બીજી બાજુએ હિંદુધર્મવાળું રાષ્ટ્રવાદી આર.એસ.એસ. પ્રેરિત ‘લવજેહાદ’વાળું માનસ હોય, જેને પેલી ૧૬મી ૧૭મી સદીવાળા ધાર્મિક માનસિકતા ધરાવતા બહુમતી હિન્દુ પ્રજાનો દેશની અંદરથી અને વિદેશમાં વસેલા હિન્દુઓનો તન, મન અને ધનનો ટેકો હોય : આ બંનેનાં સંયોજનોમાંથી ‘પેલા પ્રયોગશાળાના ક્રુસિબલ’માં ભવિષ્યમાં કેવા રાજકીય ને સામાજિક પ્રવાહો કે પરિબળો પેદા થશે, તે આપણે ભીખુભાઈ અને અન્ય મિત્રો પાસેથી આજે જાણવાનું અને સમજવાનું છે. તે માટે આપણે એકત્ર થયા છીએ.
ભીખુભાઈ એક ‘પબ્લિક ઇન્ટેલેક્ચુઅલ’ છે. તે સત્તાવાંછું રાજકારણી નથી, પણ રાજનીતિજ્ઞ કે રાજ્યશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચિંતક છે, જે આપણા દેશ માટે તત્કાલીન નહીં પણ લાંબા ગાળાનું વિચારવા ટેવાયેલા છે. ‘આ દેશ નવી લોકસભાની રચના પછી કઈ દિશામાં જઈ રહ્યો છે ?’ તેની તેમને ચિંતા કે નિસબત છે. આવા સહૃદય, નિખાલસ અને દેશના રાજકીય જાહેરજીવન અંગે નિસબત ધરાવતા બૌદ્ધિક ગુજરાતમાં અને વડોદરામાં હોય, તો તેમના વિશ્વવ્યાપી વિશાળ જ્ઞાન અને અનુભવથી આપણા સૌની જાગૃતતા આ મુદ્દે વધુ જ્ઞાન આધારિત અને વ્યક્તિલક્ષીને બદલે તટસ્થ બને એ દૃષ્ટિએ અમે સૌ ઉપર જણાવેલ મિત્રોએ આજે આ ‘વિચારગોષ્ઠિ’માં ભીખુભાઈને એક અનુભવી વડીલ મિત્ર, માર્ગદર્શક અને વિચારક તરીકે આમંત્રણ આપી બોલાવ્યા છે અને હવે હું સૌ વતી તેઓને પોતાના વિચારો રજૂ કરવા વિનંતી કરું છું.
********
ક્યાં જઈ રહ્યા છીએ આપણે / પ્રોફેસર ભીખુ પારેખ
આજની આ વિચારગોષ્ઠિમાં મારા વિચારો રજૂ કરું તે પહેલાં આશરે પાંચ કે છ દાયકા પહેલાં અમે વડોદરા મુકામે પ્રો. રાવજીભાઈ પટેલ(મોટા)ને ત્યાં લગભગ નિયમિત રીતે દર પંદર દિવસે મળતા હતા તે દિવસો યાદ આવ્યા. ત્યાં આવી જ વિચારગોષ્ઠિ આધારિત ચર્ચા કરતા હતા. અમે કોઈ વિચાર કે ઘટનાની તરફેણ કે વિરુદ્ધનો પક્ષ લેવાને બદલે તટસ્થ રીતે ઝીણી તપાસ વાસ્તવિક સત્ય અને તત્ત્વજ્ઞાનને આધારે કરતા હતા. ત્યાં સમગ્ર ચર્ચાનો અભિગમ વાદવિવાદ(પોલેમિક્સ)નો ન હતો પણ બૌદ્ધિક હતો. આવી વિચારગોષ્ઠિમાંથી રાવજી મોટાની એક ચોપડી (કલેક્ટેડ વર્ક્સ ઑફ આર. સી. પટેલ) બહાર કાઉન્ટર પર પ્રદર્શિત કરવામાં આવેલી છે. આજની વિચારગોષ્ઠિ પાછળ પણ બિપિનભાઈ શ્રોફ અને મારો અભિગમ એ જ છે અને રહેશે.
આ સંદર્ભમાં બ્રિટન, યુરોપ અને અમેરિકા માટે આપણા દેશની નવી ચૂંટણીનાં પરિણામોએ પેદા કરેલ પ્રવાહોને સમજવા નવાં બૌદ્ધિક સાધનો વિકસાવવાની જરૂર પેદા થઈ છે. આ સંદર્ભમાં અમે ઇંગ્લૅન્ડમાં ‘હાઉસ ઑફ લૉર્ડ્ઝ’માં ‘ઇન્ડિયા ડિબેટ્સ’ નામનું ગ્રૂપ ઊભું કર્યું છે જેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના ઍકૅડૅમિશિયન પ્રો. ફાઇઝર દેવજી અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ઇતિહાસનાં પ્રો. શ્રુતિ કપિલાને સંચાલનનું કામ સોંપ્યું છે. બ્રિટનના જુદા-જુદા દેશોમાંથી સિનિયર ઍકૅડૅમિશિયન, પ્રોફેસર, જર્નાલિસ્ટ, એડિટર્સ જેવા સમાજ માટે જેને ‘ઓપિનિયન મેકર્સ અને બિલ્ડર્સ’ કહેવાય તેવી આશરે ૬૦ વ્યક્તિઓને આમંત્રણ આપી આ ડિબેટમાં બોલાવી છે. સાથે-સાથે ભારતમાંથી આર.એસ.એસ.ના વ્યૂહાત્મક બૌદ્ધિકો(થિયોરિસ્ટ)ને પણ તેમના વિચારોને સમજવા માટે આમંત્રણ આપી બોલાવવાના છીએ. અમે બી.જે.પી.ના સ્વપ્ન દાસગુપ્તા જેવા માણસ પાસેથી જાણવા માંગીએ છીએ કે તમારે આ દેશને તમારી દૃષ્ટિ (વિઝન) પ્રમાણે ક્યાં લઈ જવો છે ? દેશના નવા પ્રવાહો શોધી કાઢીને તરફેણ અને વિરુદ્ધ ઉપરાંત આ સંદર્ભમાં તાત્ત્વિક ચર્ચા કરી શકે તેવા બૌદ્ધિકોને અમે બોલાવીશું. આ બધા વિષય નિષ્ણાતોએ રજૂ કરેલા વિચારોની ટૂંકી નોંધ (સમરી) યુરોપ-અમેરિકા અને ભારતમાં પણ નવા પ્રવાહોને સમજવા જાહેરમાં તેના પર ચર્ચા થાય તે માટે મોકલવાના છીએ.
મારે બિપિનભાઈ સાથે આવી વાત લંબાણથી થઈ, ત્યારે તેઓએ સૂચન કર્યું કે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં આપણે આવા તટસ્થ, લાગણી, આવેગ કે માનસિક પૂર્વગ્રહ વિનાની (ડિસ્પૅશનેટ) ડિબેટ ન કરી શકીએ? આજની વિચારગોષ્ઠિ તેનું પરિણામ છે. આગળ જેનો મેં ઉલ્લેખ કર્યો છે, તે પ્રમાણે બ્રિટનની ‘ઇન્ડિયા ડિબેટ્સ’માં મુખ્ય મુદ્દો “ભારત ક્યાં જઈ રહ્યું છે?” તે પસંદ કર્યો છે.
સને ૨૦૧૪ની ચૂંટણીનાં પરિણામો આપણને શું બતાવે છે ? મારી દૃષ્ટિએ તેમાં ય બી.જે.પી.ની આ માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આપણને આર.એસ.એસ.ની ઓળખ ‘ગાંધીના હત્યારા’ કે ‘મુસ્લિમવિરોધી’ કે ‘હિંદુ તરફી’ એનાથી વિશેષ નથી. ખરેખર આ સંસ્થાની અંદર વૈચારિક કોઈ મતભેદો કે વિરોધાભાસ છે કે કેમ તે સમજવાની ખૂબ જરૂર છે. મારે આ સંસ્થાનો વૈચારિક સિદ્ધાંતવિશેષજ્ઞ (થિયોરિસ્ટ) કોણ છે, તે જાણવું છે. તેને સમજવો છે. તેની સાથે અગાઉ જણાવ્યું તે પ્રમાણે માનસિક પૂર્વગ્રહ સિવાય શાંત ચિત્તે તટસ્થતાથી ચર્ચા કરવી છે. તેને સમજાવવું છે કે ભાઈ, તારું વિકાસનું મૉડેલ યોગ્ય નથી. આર.એસ.એસ. બી.જે.પી.નું મૉડેલ મારી સમજ પ્રમાણે ઇઝરાયેલનું મૉડેલ છે. તેઓ ભવિષ્યના ભારતને ઇઝરાયેલ જેવું બનાવવા માંગે છે. જો ઇઝરાયેલ એ યહૂદીઓનો દેશ હોય, તો ભારત અમે માનીએ છીએ તે પ્રમાણે હિંદુઓનો દેશ કેમ ન હોય? વિશ્વભરમાં જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશ તરફથી યહૂદીને રંજાડવામાં આવે છે કે પરેશાન કરવામાં આવે તો તેને ઇઝરાયેલમાં સ્થાયી થવાનો અધિકાર છે, તેવી રીતે કોઈ પણ હિંદુને વિશ્વમાં કોઈ દેશ પરેશાન કરે, રંજાડે (પર્સિક્યુટ) કરે તો તેને ભારતમાં સ્થાયી થવાનો અધિકાર હોવો જોઈએ, કારણકે ભારત હિંદુઓનો દેશ છે. જેમ ઇઝરાયેલમાં ૧૮ ટકા આરબ વસ્તીને સમાન અધિકારો આપ્યા છે, તેવી રીતે ભારતના બંધારણમાં મુસ્લિમ સહિત લઘુમતીઓને સમાન અધિકારો તો આપ્યા જ છેને? વિશ્વમાં દરેક દેશમાં રાષ્ટ્રીય પ્રતીક અને ચારિત્ર્યનિર્માણ એ જ રીતે દેશની બહુમતી ધર્મ પાળતી પ્રજા ઉપરથી બને તેમાં ખોટું શું છે?
આજે આપણે વર્તમાન ચૂંટણીનાં પરિણામોએ જે પ્રવાહો કે વમળો પેદા કર્યાં છે તેને ઊંડાણથી કે ગહેરાઈથી સમજવા અત્રે ભેગા થયા છીએ. સામાન્ય રીતે લોકશાહી દેશમાં ચૂંટણીઓ આવે ને જાય. પણ મારા જેવા રાજકીય ચિંતકની દૃષ્ટિએ ચૂંટણી એ દેશનું બૅરોમિટર છે. દેશના પ્રજામતનું પ્રતિબિંબ (મિરર) છે. આ ચૂંટણીમાં શું નવું બન્યું છે? મને ચૂંટણીમાં આ ઉમેદવાર જીતે કે પેલો ઉમેદવાર જીતે તેમાં કોઈ રસ નથી કે તેમાં કોઈ નવાઈ પામવા જેવું ન હોય. મારા મત મુજબ આ ચૂંટણીમાં છ થી સાત મુદ્દાઓ નવા છે :
૧. દેશમાં આ ચૂંટણીમાં મતદાન કરેલ મતદારોમાંથી કુલ ૬૦ લાખ મતદારોએ એવો સ્પષ્ટ મત આપ્યો છે કે અમારા મતવિસ્તારમાં ચૂંટણી લડતા બધા જ ઉમેદવારોમાંથી કોઈને પણ મારો મત આપવા યોગ્ય ગણતો નથી. (નન ફ્રૉમ અબોવ). આટલા મતદારોએ રાજકીય પક્ષોને મતદારની દૃષ્ટિએ યોગ્ય લાગે તેવા ઉમેદવારોને પસંદ કરવા પોતાની નિર્ણયથી ચીમકી આપી છે.
૨. દેશમાં પહેલી વાર ઓ.બી.સી. વડાપ્રધાન સીધી ચૂંટણી લડીને વડાપ્રધાન બને છે. જો કે ચૌધરી ચરણસિંહ અને દેવગૌડા ઓ.બી.સી.ના સામાજિક સ્તરમાંથી આવતા હતા, પણ પોતાના પક્ષની બહુમતીના આધારે વડાપ્રધાન બન્યા ન હતા. બાબુ જગજીવનરામ દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા હતા તેમ છતાં તેમને એક યા બીજાં કારણોસર વડાપ્રધાન બનવાની રેસમાંથી સતત બાકાત રાખવામાં આવતા હતા. દેશમાં પહેલી વાર વાણિયા, બ્રાહ્મણ, કાયસ્થ વગેરે ઉપલી જ્ઞાતિઓને બાજુ પર મૂકીને એક ઓ.બી.સી. વડાપ્રધાન બન્યા છે. મારી દૃષ્ટિએ આ હકીકતની ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે. ‘ચાવાલા’ શબ્દની મજાક ઉડાવવાની જરૂર નથી. આજે દેશનો સામાન્ય લારીગલ્લાવાળો માણસ બોલે છે કે “સા’બ ! હમારા આદમી વડાપ્રધાન બન ગયા.” આ ઘટનાએ દેશમાં સામાન્યમાં સામાન્ય માણસમાં એક જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા કર્યો છે કે આપણા લોકશાહી દેશમાં એક ‘ચાવાળો’ વડાપ્રધાન બની શકે તેમ છે. આનો યશ મોદીને અને ભારતની પ્રજાને જાય છે.
૩. આ બાબતમાં અમેરિકાનો ઇતિહાસ જુઓ. આખી દુનિયા, અમેરિકાને એક દેશ તરીકે ‘લૅન્ડ ઑફ ઇક્વલ ઑપોર્ચ્યુનિટી’ તરીકે કેમ ઓળખે છે ? તેમનો ઇતિહાસ ‘લૉગ કૅબિન ટુ વ્હાઇટહાઉસ’નો છે. લાકડાની કૅબિનમાં જન્મેલો કે મોટો થયેલો દેશનો નાગરિક અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બનીને વ્હાઇટહાઉસમાં બેસી શકે છે. અમારા દેશમાં દરેક નાગરિકને જ્ઞાતિ, રંગ, જાતિ, ધર્મ કે પૈસાને આધારે બિલકુલ અસમાન ગણવામાં આવતો નથી. દરેક માનવ જન્મથી જ સમાન છે. આવતી કાલની, પચાસ વર્ષ પછીની આવનારી આપણા દેશની પેઢી (જનરેશન) ગૌરવ લેશે કે અમારા દેશમાં પણ એક ચાવાળો દેશનો વડાપ્રધાન બની શકે છે. ‘ફ્રોમ ચાઇવાલા ટુ સેવન રેસકોર્સ રોડ (દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન)’. દેશમાં આ સૂત્રથી પ્રજામાં જબરદસ્ત આત્મવિશ્વાસ કાયમી ધોરણે ઊભો (ક્રિસ્ટલાઇઝ) થાય છે કે પેદા થાય છે.
આની સામે ઉચ્ચ જ્ઞાતિના લોકોનો પ્રત્યાઘાત કૉંગ્રેસના મણિશંકર ઐયરના શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે. તેઓએ કહ્યું કે ‘કોઈ ચાયવાલા આપણા દેશનો વડાપ્રધાન ન બની શકે. તેને તો અમારા કૉંગ્રેસ અધિવેશનમાં બધાને ચાય આપવા એક ચા બનાવવાના સ્ટોલની ફાળવણી કરીશું.’ મારી પાસે અત્યારે સમય નથી, નહીં તો સમજાવવું હતું કે કેવી રીતે આ ચૂંટણીમાં જ્ઞાતિ આધારિત સભાનતા, ચેતના કે જાગૃતતા (કાસ્ટ કૉન્શિયસનેસ) સપાટી પર આવે છે, વિરોધ પક્ષની છાવણીવાળા અને બીજા કેવી રીતે પોતાના ઉચ્ચ જ્ઞાતિના પૂર્વગ્રહને કારણે નીચલી જ્ઞાતિના લોકોની મજાક ઉડાવે છે અને પછી કયાં પરિબળોને આધારે આ જ્ઞાતિ આધારિત ગુમાન ધોવાઈ જાય છે. તેને સમજાવવાનો મારી પાસે સમય નથી. પરંતુ આ એક ખૂબ જ નક્કર લાંબા ગાળાની અસરકારક ઘટના બની છે. (પોલિટિકલી ઇટ ઇઝ એ મૅસિવ સ્ટેપ). મોદી સામેના પૂર્વગ્રહમાં જ્ઞાતિવાદનો ફાળો ઓછો નથી.
૪. ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર દેશના વડાપ્રધાન ‘હોમગ્રોન પીએમ’ છે જેને અંગ્રેજીમાં સાહજિક રીતે બોલવાની ટેવ નથી. વધારામાં આ વડાપ્રધાનનું માનસ સંપૂર્ણ રીતે સ્વતંત્રતા પહેલાં સંસ્થાનવાદે પેદા કરેલા રાજકીય માનસથી મુક્ત (ડિકોલનાઇઝ્ડ) છે. તે આ ઉપનિવેશવાદી સમયમાં જન્મ્યા નથી, ઊછર્યા પણ નથી. તે ભાષામાં કે સંસ્કૃિતમાં મોટા થયા નથી. (ટોટલી એ હોમગ્રોન નેટિવ બૉય બીકેમ ધી પીએમ.)
૫. દેશમાંની આ ચૂંટણી ક્યારે ય ન હતી તે રીતે જાણે પ્રમુખશાહી સ્વરૂપની લોકશાહી રાજ્યવ્યવસ્થા હોય તે રીતે લડાઈ છે. દેશમાં વડાપ્રધાન પંડિતજી સમગ્ર દેશમાં છવાઈ ગયેલા નેતા હતા તો પણ તેમના જમાનામાં આ રીતે તેઓએ ચૂંટણી લડી ન હતી. આખા દેશમાં મોદી એક રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવ્યા છે. પણ જે રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ પૂરેપૂરા સક્ષમ હતા, ત્યાં મોદી પોતાનું કાઠું કાઢી શક્યા નથી. દા.ત. મમતા બેનરજીના પશ્ચિમ બંગાળામાં અને જયલલિતાના તામિલનાડુમાં.
૬. આ ચૂંટણીમાં બિનનિવાસી ભારતીયો(એન.આર.આઇ.)નો અને ખાસ કરીને ઓવરસીઝ ફ્રૅન્ડ્ઝ ઑફ બી.જે.પી. જેવી સંસ્થાઓનો ફાળો ઘણો સક્રિય રહ્યો હતો. તે બધાંના નાણાકીય સહકાર ઉપરાંત મેનપાવર, ઇલેક્ટ્રૉનિક મીડિયા અને અત્યંત આધુનિક ઇન્ફર્મેશન ટેક્નોલૉજીનો ભરપેટ ઉપયોગ કર્યો હતો, જે ઘટના ભારતીય ચૂંટણી પ્રથામાં પ્રથમ વાર બની છે.
૭. ૧૨૯ વર્ષ પહેલાં સ્થપાયેલા કૉંગ્રેસ પક્ષનો આ ચૂંટણીમાં લોકસભાની બેઠક મેળવવામાં એટલો સફાયો થઈ ગયો કે તે લોકસભામાં માન્ય વિરોધપક્ષ તરીકે જે બેઠકો મેળવવી જોઈએ, તેટલી બેઠકો પણ મેળવી શક્યો નથી. પરંતુ મારી દૃષ્ટિએ આ કૉંગ્રેસ પક્ષનો સ્વતંત્રતાની લડતમાં જે સંસ્થાનવાદની સામેનો ઐતિહાસિક ફાળો હતો, તેને નજરઅંદાજ (અન્ડરઍસ્ટિમેટ) કરવાની જરૂર નથી.
૮. છેલ્લે, આ ચૂંટણીમાં જ્ઞાતિપ્રથા ચૂંટણી જીતવાના એક પરિબળ તરીકે પ્રમાણમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. લોકોએ ‘વિકાસ’ના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો મતદારો પર હાવી થયો. તેમ છતાં ય ઉમેદવારની પસંદગી માંડીને ચૂંટણી જીતવા સુધી એક પરિબળ તરીકે જ્ઞાતિ આધારિત પસંદ કરાયેલો ઉમેદવાર એક નિર્ણાયક પરિબળ તો બની જ રહ્યો હતો. મારી પાસે ઉપર જણાવ્યા તેવા દસથી બાર નવા મુદ્દાઓ જે આ ચૂંટણીમાં હતા, તેમાંના મોટા ભાગના મેં તમારી પાસે મૂક્યા છે.
હવે હું બિપિનભાઈએ આ વિચારગોષ્ઠિનો જે મુખ્ય મુદ્દો ગણાવ્યો છે તે ‘મોદીના શાસનકાળના ૧૦૦ દિવસોમાં પેદા થયેલાં પરિબળો’ (ન્યુ ઇમરજિંગ ટ્રેન્ડ્સ) અંગે મારા વિચારો જણાવીશ. આ પ્રવાહો કયા-કયા છે ? (વોટ આર ધી ડિપર ટ્રેન્ડ્સ ?) મારે આ પ્રવાહોના આર્થિક, કે રાજકીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી નથી. તેમાં મારે ઊંડા ઊતરવું નથી. પણ જે મારા વિષયને લગતા બે પ્રવાહો છે, તેની વાત મારે કરવી છે.
(૧) રાજકીય સત્તા અને નિર્ણય લેવાની પદ્ધતિનું કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ (સેન્ટ્રલાઇઝેશન ઍન્ડ પર્સનલાઇઝેશન ઑફ પાવર ઍન્ડ ડિસિઝન મેકિંગ) – આપણે ત્યાં રાજકીય સત્તા આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા હંમેશાં આ પ્રકારની જ રહી છે. પંડિતજીના જમાનામાં ખુદ તેઓએ મહારાષ્ટ્ર રાજ્યની બાબતે પોતાની કૅબિનેટના પ્રધાન સી.ડી. દેશમુખને વિશ્વાસમાં લીધા ન હતા. અંતે આ મુદ્દે તેઓએ રાજીનામું આપી દીધું હતું. પંડિતજી નિર્ણય લેવાની બાબતે ફક્ત સરદાર સિવાય કોઈની સાથે પરામર્શ કરતા જ નહીં. તે પ્રથા ઇન્દિરાજી અને નરસિંહરાવના સમયમાં પણ ચાલુ રહી. જ્યારે-જ્યારે રાજકીય સત્તાનું એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ થાય છે, ત્યારે- ત્યારે રાજકીય સંસ્કૃિતનું (કલ્ચર) પણ કેન્દ્રીકરણ થાય છે. વડાપ્રધાનને ટીમ સ્પિરિટથી કામ કરતાં ફાવતું જ નથી. વધારામાં સત્તામાં સાથે રહીને સમકક્ષ (ઇકવલ્સ ઍન્ડ ટીમ-બિલ્ડિંગ કરીને) સાથે કામ કરવાની સંસ્કૃિત આપણે ત્યાં વિકસી નથી. ટીમની સાથે ગુણવત્તાને આધારે મતભેદને (ડિસેન્ટ ઑન મેરિટ્સ) આવકારવાનું અને વિકસાવવાનું આપણને આવડતું નથી એવો આભાસ થાય છે. તેમાંથી સત્તાના વિકેન્દ્રીકરણ અને લોકશાહીકરણને બદલે રાજકીય સત્તાનું વ્યક્તિગત અધિકારશાહી કે મુખત્યારશાહીમાં (ઑથોરિટેરિયનાઇઝેશન ઑફ ડેમોક્રસી ઍન્ડ પર્સનલાઇઝેશન ઑફ ડેમોક્રસી) રૂપાંતર થઈ જાય છે. આપણે ત્યાં આ રીતે રાજકીય સત્તાનું એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રીકરણ સને ૧૯૪૭થી ચાલતું આવ્યું છે, ચાલુ રહ્યું છે અને મારા ધારવા પ્રમાણે મોદી વડાપ્રધાન બન્યા પછી આગામી વર્ષોમાં વધારે વેગથી ચાલુ રહેશે. આ અંગે આપણે વધારે ગંભીરતાથી વિચાર કરવાનો છે. તેનો ઉપાય શું હોઈ શકે ? મારી દૃષ્ટિએ આ સમસ્યા સાંસ્કૃિતક અને દર્શનની (કલ્ચરલ ઍન્ડ ફિલોસૉફિકલ) છે.
(૨) વડાપ્રધાન મોદીએ લઘુમતીના મુદ્દે પોતાના વિચારો હજુ સુધી ખૂબ જ સાવચેતીપૂર્વક બહાર આવવા દીધા નથી. (પીએમ ઇઝ વેરી કેરફૂલ રિગાર્ડિંગ હીઝ માઇનોરિટી સેન્ટિમેન્ટ્સ) મારી નજરે વડાપ્રધાન મોદીએ પંદરમી ઑગસ્ટે કરેલ પ્રવચનમાં વિકાસની વાત કરી છે, લઘુમતીને આર્થિક સહયોગ આપવાની વાત કરી છે. ખરેખર પીએમ દ્વારા દેશમાં જે ‘સેક્યુલર ક્લાઇમેટ’ પેદા થવું જોઈએ, તે પેદા થતું નથી. વિપરીત સ્થિતિ એવી પેદા થઈ છે કે ચોમાસામાં પહેલા વરસાદ સમયે જમીનમાંથી જીવ બચાવવા જેમ જીવડાં ફૂટી નીકળે છે, તેવી રીતે દેશના રાષ્ટ્રીય પ્રવાહમાં જે પ્રવાહોને ક્યારે ય માન કે ગૌરવ (રિસ્પેક્ટેબિલિટી) અપાતું ન હતું તે પ્રવાહો આ ચૂંટણી-પરિણામોને કારણે મુખ્યપ્રવાહ તરીકે ઊભરી આવવા માંડ્યા છે. જ્યારે જે પ્રવાહોનો ગૌરવશાળી ઐતિહાસિક વારસો હતો અને એક સમયે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહને માર્ગદર્શન આપતા હતા, તેને ગૌરવહીન બનાવીને હાંસિયામાં વ્યવસ્થિત રીતે ધકેલી દેવામાં આવ્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં વડાપ્રધાને આપેલ મુલાકાતમાં કહે છે કે ‘ભારતમાં જે રહે બધા હિંદુ’. તેમાં એમનું લૉજિક પેલું કે જર્મનીમાં રહે તે જર્મન અને અમેરિકામાં રહે તે અમેરિકન. તે તર્ક અહીંયાં, એટલા માટે બેસતો નથી કે ‘હિન્દુ’ શબ્દ સાથે ૧૨૦૦ વર્ષની ભારત પરની વિદેશીઓની ચઢાઈ સાથે જે ગુલામીની માનસિકતા (મેન્ટલ સર્વિટ્યૂડ) જોડાઈ છે, તે સંકીર્ણ રીતે સંલગ્ન છે, જ્યારે ‘હિંદી’ શબ્દ સાથે તેવું નથી. આ મુદ્દે મારે દાખલા આપવાની જરૂર નથી. શંકરાચાર્યનો શીરડીના સાંઈબાબાની પૂજા કે ભક્તિ ન થાય, કારણ કે તે મુસ્લિમ હતા, તે મુદ્દો આ બધી દલીલો પાછળની અક્કલહીનતા બતાવવા પૂરતો છે. એથી આગળ જઈને મને કહેવા દો કે બી.જે.પી.નો સંસદસભ્ય તેની ચર્ચામાં મુસલમાનોને ‘કટુઆ’ કહી સંબોધે અને તેની સામે કોઈ પગલાં ન લેવાય એ સાબિત કરે છે કે આપણી રાજકીય ચર્ચા કે ડિબેટ કેટલી હદ સુધી નીચે ઊતરી છે. ભાષાનું અસંસ્કારીપણું કે હલકટપણું (વલ્ગરાઇઝેશન ઑફ લૅંગ્વેજ) તેવી જ સાંસ્કૃિતકતાને પોષે અને વિકસાવે છે. આ સાંસદ સંસદીય વિશેષ અધિકારનું આરક્ષણ લઈને આવી ભાષાનો ઉપયોગ કરે તો તે તેના પક્ષ માટે શરમજનક નથી? તમે દેશને આ બધું બોલીને ક્યાં લઈ જવા માંગો છો?
મારા મત મુજબ દેશમાં ખૂબ જ ઝડપથી એક બદલાવ (શિફ્ટ) અને તે પણ વડાપ્રધાનના નેજા નીચે આવી રહ્યો હોય તેમ દેખાય છે. આ બદલાવ સીધી રીતે નજરે ન પડે. આ બધા મુદ્દે દેશના વડાપ્રધાન સમજપૂર્વક મૌન પાળે છે. અને તેમના પક્ષ કે સાથીદારોને અટકાવતા નથી. આવું ઘણું બધું મેં પણ બ્રિટનની સંસદમાં સત્તાપક્ષ તરફથી થતું જોયું છે. પરિણામસ્વરૂપે પેલા લોકોને દેશને જે દિશામાં ખેંચી જવો હશે, તે દિશામાં ખેંચી લઈ જઈ શકશે. વડાપ્રધાન ‘વિકાસ’ના એજન્ડાની વાત કરે અને બીજા લોકોને જે કરવું હોય તે કરવા દે. એને કારણે જે રાજકીય વાતાવરણ પેદા થઈ રહ્યું છે, તે જોખમકારક છે. દેશમાં ભવિષ્ય માટે તે બિલકુલ સારું નથી. વડાપ્રધાને આ અંગે કંઈ કરવાની જરૂર છે.
કોઈ પણ દેશમાં ફાસીઝમ કે નાઝીઝમ આકાશમાંથી ટપકી પડતો નથી. દેશના ઇતિહાસનો બદલાવ કરનાર પક્ષ, મૂલ્યો અને વ્યક્તિઓનું એક પછી એક અમાનવીયકરણ (ડિહ્યુમેનાઇઝેશન) કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ સત્તાનું કેન્દ્ર બદલાય છે. ભા.જ.પ. એકલો જ નહીં પણ કૉંગ્રેસ સહિત બધા પક્ષોનાં મૂલ્યો બદલાય છે. પેલો જે મૂલ્યોથી ચૂંટણી જીતતો જાય છે તે મૂલ્યો પછી બધા રાજકીય પક્ષોના બની જાય છે. આપણા દેશમાં ‘સેક્યુલરિઝમ’ના મૂલ્ય પર ચાલી રહેલી ડિબેટ કે ચર્ચા પરથી તેનો અંદાજ આવશે. આવાં અમાનવીય અને અમાનુષી પ્રવાહો, પરિબળોને અને તેના સૂત્રધારોને જો આવતાં બે વર્ષોમાં અટકાવવામાં નહીં આવે, તેની સામે પ્રજામત સંઘર્ષ સ્વરૂપે તૈયાર કરવામાં નહીં આવે તો દેશ તેનું મૂળભૂત ચારિત્ર્ય જે સ્વતંત્રતાના સંઘર્ષથી વિકસાવેલું છે, તેને જ ખતમ કરી નાંખશે. મેં આગળ કહ્યું તે પ્રમાણે ઇઝરાયેલે આ પ્રકારની નવી સાંસ્કૃિતક ચળવળ શરૂ કરી દીધી છે જે ભારતના બી.જે.પી.-આર.એસ.એસ. મૉડેલને સમજવામાં મદદરૂપ થાય તેમ છે.
છેલ્લે, આ લોકો જે દેશનો સ્વતંત્રતાના સંઘર્ષનો ઉપનિવેશવાદ સામેનો રાષ્ટ્રીય સવિસ્તાર લખાયેલો અને વિકસેલો ઇતિહાસ (નેશનલ નૅરટિવ્સ) છે, જેના આધારે દેશનું તે મૂલ્યો આધારિત ઘડતર થયેલું છે, જેનું રાષ્ટ્રીય પોત (ઇથૉસ) બનેલું છે, તેને વ્યવસ્થિત રીતે રાજકીય સત્તાની મદદથી ક્રમશઃ તોડી નાંખવા માંગે છે. આ બધાને પોતાના સાંસ્કૃિતક અને ઐતિહાસિક ખ્યાલો પ્રમાણેનું દેશની ‘રાષ્ટ્રીય પુનઃરચના કે પુનર્નિર્માણની પ્રસ્તુતતા’ (રિકન્સ્ટ્રક્શન ઑફ નેશનલ આઈડેન્ટિસ ઓર રિયાલિટી) પેદા કરવી છે. નહેરુજીના જમાનામાં બંધારણસભામાં જે ચર્ચાઓ થઈ અને દેશનું એક રાષ્ટ્રીય સ્તરનું આધુનિક મૂલ્યો આધારિત જે દૂરંદેશીપણું કે ભવિષ્યનું સ્વપ્ન ઊભુ થયું તે કેવું હતું? બંધારણના ઘડવૈયાને આધારે ભારતદેશ એક ધર્મનિરપેક્ષ (સેક્યુલર), કાયદાના શાસનને વરેલો, પ્રજાસત્તાક અને વિદેશો સાથે બિનજોડાણવાદી (નોન-એલાઇન) દેશ બનશે, તેવા તેમના આદર્શો હતા. આઝાદીની લડતમાં જે પોતાના વિચારો કે મૂલ્યો અને તેથી કાર્યોને આધારે જે રાષ્ટ્રીય ઘડતરના પ્રવાહમાંથી હાંસિયામાં (માર્જિન) ધકેલાઈ ગયા હતા, તે હવે આગળ આવી રહ્યા છે, જે સમજી શકાય તેવી વાત છે. તેમાં હું કશું ખોટું જોતો નથી. પણ આ નવા સત્તાધીશો અને તેમનાં વિચારો અને કાર્યોના પોષક એક નવા જ પ્રકારનો રાષ્ટ્રીય પુનર્ઘડતરનો એજન્ડા લઈને મેદાને પડ્યા છે, જે મારા માટે સ્વીકારવો અશક્ય છે.
મારા વિરોધનાં બે કારણો છે.
૧. એક, સ્વતંત્રતાના સંઘર્ષમાં જે મૂલ્યો અને કાર્યક્રમોની સર્વસંમતિ (કન્સેન્સસ) આધારિત એક રાષ્ટ્રીય પોત ઊભું થયેલું હતું તેણે સમય જતાં પરિવર્તન કે બદલાવની ક્ષમતા ગુમાવી, પછી તે રૂઢિગત આસ્થા કે સિદ્ધાંત (ઑર્થોડૉક્સી) બની જાય છે. આપણે બૌદ્ધિક (ઇન્ટિલેક્યુઅલ) તરીકે આવી રૂઢિગત આસ્થાઓ કે સિદ્ધાંતોનો ચોક્કસ વિરોધ કરવો જોઈએ. આવી રૂઢિગત આસ્થાને પડકારવી જોઈએ. રાજકીય વૈચારિક રૂઢિગત આસ્થા આપણને ભલે ગમતી હોય કે સારી લાગતી હોય પણ તે વૈચારિક યથાવત્ સ્થિતિને ચાલુ રાખનારી હોવાથી આપણે તેને ચલાવી લેવી ન જોઈએ. તેને પડકારવી જ જોઈએ. જૂના ઐતિહાસિક પોત (ઇથૉસ) સામે બૌદ્ધિક પ્રશ્નો પેદા થતા હોય તો તે ચોક્કસ કરવા જોઈએ તેને હું આવકારું છું. પણ જૂની વૈચારિક રૂઢિગત આસ્થાને નવી વૈચારિક આસ્થાની સામે મૂકી દેવી કે ઊભી કરવામાં આવે તે ન ચાલે. નવા સંજોગો કે જ્ઞાન આધારિત નવા વિચારો પેદા થતા હોય, તો તે બધાને આવકારવા જોઈએ. પણ અહીંયાં તો ૧૬મી મે પછી આવેલા સત્તાપરિવર્તને તો વ્યવસ્થિત રીતે બિલકુલ જુદું જ અને અમાન્ય રાષ્ટ્રીય પોત ઊભું કરવાનું શરૂ કરી દીધું છે. મારી દૃષ્ટિએ તે નવી સુઆયોજિત રૂઢિચુસ્ત આસ્થા જ છે. દેશની સમસ્યાઓને ઉકેલવા એક જૂની આસ્થાને – જડતાને ફગાવી દઈને, તેને સ્થાને બીજી જડતાને મૂકી દેવાથી કોઈ જ દળદર ફીટવાનું નથી. ઊલટું, લાંબા ગાળે તેમાંથી અંધાધૂંધી (કેઓસ) ફેલાશે. નવી વૈચારિક જડતાને મારીમચડીને (મેનિપ્યુલેટ) અથવા ચાલાકી કે હોશિયારી વાપરી રજૂ કરવામાં આવે તે ન ચાલે, ન ચલાવી લેવાય, તેનો વિરોધ કરવો જ જોઈએ. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજ્યસત્તાની મહોર તો ખાસ ન ચાલે. આ નવાં સત્તાધીશ પરિબળોને તેમની વૈચારિક જડતા અંગે જ્ઞાન આધારિત ચર્ચા કે ડિબેટમાં કોઈ રસ નથી, સિવાય કે તમે તેમની આ જડતા (ઑર્થોડૉક્સી) સ્વીકારો. આવી બૌદ્ધિક જડતા (ઇન્ટેલેકચ્યુલ ઑર્થોડૉક્સી) તે દેશ પર ઠોકી બેસાડવા માંગતા હોય, તો તેને ન લાદવા દેવી જોઈએ.
૨. કૉંગ્રેસમુક્ત ભારત એટલે શું ? કૉંગ્રેસ એટલે ફક્ત સોનિયા, ઇન્દિરા ગાંધી કે પંડિત નેહરુ નહીં. કૉંગ્રેસને તેનું બંધારણ છે, તેનો સ્વતંત્રતાના સંઘર્ષનો ભવ્ય વારસો છે. કૉંગ્રેસ ફક્ત નેહરુની ન હતી. કૉંગ્રેસમાં ગાંધી અને સરદાર પણ હતા. ચાલો ! સોનિયા ગાંધી મુક્તકૉંગ્રેસની વાત સમજ્યાં. પણ કૉંગ્રેસમુકત દેશ એટલે શું ? તમારે દેશને નેહરુમુક્ત દેશ બનાવવો છે ? પણ એટલે શું ? નેહરુ તો ફક્ત વડાપ્રધાન ન હતા, તે સાથે એક વિચારધારા હતા. નેહરુએ સને ૧૯૪૭માં દેશને એક રાષ્ટ્રીય ફિલોસૉફી હોવી જોઈએ અને તે કેવી હોવી જોઈએ, તેના પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા.
નેહરુનો સમાજવાદ તમારે નથી જોઈતો. તો તમે દેશને ટાટા, બિરલા, અંબાણી અને અદાણીને સોંપી દેવા માંગો છો? નેહરુની બિનજોડાણવાદ નીતિ (નોન-એલાઇનમેન્ટ) તમને નથી ગમતી, તો શું તમે પશ્ચિમી જગતના મૂડીવાદી દેશોના પલ્લામાં બેસવા માંગો છો ? નેહરુ ઝડપી ઔદ્યોગિકીકરણમાં માનતા હતા; વડાપ્રધાન મોદી પણ ઝડપી ઔદ્યોગિકીકરણ તો ઇચ્છે છે ને ? માટે તો જપાન અને ચીનના ઉદ્યોગ બેરોન સાથે ઘણા બધા એમ.ઓ.યુ. લાલજાજમ પાથરીને કરે છે. નેહરુ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે (સાયન્ટિફિક ટેમ્પર) તે માટે સતત આગ્રહી હતા. તમારે શું દેશના લોકોની અંધશ્રદ્ધા, ધર્માંધતા અને સામાજિક રૂઢિચુસ્તતાના ટેકેદાર બનવું છે ? તેવું મોદીજીના અમેરિકાનાં પ્રવચનોમાં ક્યાં ય દેખાતું નથી. તેઓને તો ભારત એક સાપ-મદારીઓનો દેશ છે તેવી વિશ્વના દેશોની છાપ બદલવી છે. પેલા બત્રાની ચોપડી જે ગુજરાત રાજ્યમાં તમે શાળામાં (પૂરક વાચન તરીકે) દાખલ કરી છે તે મેં વાંચી છે. તેમાંથી તો એવું ફલિત થાય છે કે તમારે તમારી નવી ઑર્થોડૉક્સીમાં નેહરુના વૈજ્ઞાનિક મિજાજ કે ટેમ્પરને ફગાવી લોકોને અંધશ્રદ્ધાળુ પૌરાણિક ગૌરવના નામે ઘેનમાં રમાડવા છે.
ક્યાં લઈ જવો છે તમારે આ દેશને ? નેહરુને દૂર કરવા માંગો છો, તેનો અર્થ નેહરુના વૈજ્ઞાનિક વિચારના ખ્યાલને પણ તમે દૂર કરવા માંગો છો? પશ્ચિમનો વિકાસ તો વૈજ્ઞાનિક મિજાજ અને ટેમ્પર પર જ આધારિત છે. પશ્ચિમના દેશો અને પશ્ચિમી જગત જેવું છે તેવું, તે અંગે તમે શું કહેવા માંગો છો? શું તમે પશ્ચિમની વૈજ્ઞાનિક, ઔદ્યોગિક અને ઇલેક્ટ્રૉનિક ને ટેક્નોલૉજી મીડિયાની અસરોમાંથી દેશને બાકાત રાખવા માંગો છો ? તે શક્ય છે ખરું? તે વાત ખોટી છે, કારણ કે તે બધાં પશ્ચિમી સંદેશા-વીજાણુ ઉપકરણો અને સાધનોનો ભરપેટ ઉપયોગ કરીને મોદીજી સત્તા પર આવ્યા છે. તમારો વિકાસ કે ડેવલપમેન્ટનો એજન્ડા પશ્ચિમી દેશો અને તેની વેલએડવાન્સ ટેક્નોલૉજી સિવાય શક્ય છે ખરો? મને એવું બેસે છે કે તેઓને બધાને નેહરુના તત્ત્વચિંતન અને સાંસ્કૃિતક (ફિલોસૉફિકલ ઍન્ડ કલ્ચર થોટ્સ) વિચારો માટે જબરજસ્ત પૂર્વગ્રહો છે, જેને આર.એસ.એસ. અને બી.જે.પી. વારાફરતી દેશના મુખ્યપ્રવાહમાંથી દૂર કરવા માંગે છે.
નેહરુ સાથે ગાંધીજી પણ હતા. તમે ગાંધીને શું કરવા માંગો છો ? મને આ બધા લોકોનો સ્પષ્ટ વરતારો દેખાય છે કે તેમના તરફથી આવતાં બેત્રણ વર્ષોમાં ગાંધી ઉપર જે લખાશે, તે તદ્દન નવું હશે, જે મારી દૃષ્ટિએ બિલકુલ અસ્વીકાર્ય (ટોટલી અનએક્સેપ્ટેબલ) હશે. તેમની પોતાની રીતે ગાંધીનું મૂલ્યાંકન થઈ રહ્યું છે.
શું તમને દેશ પ્રત્યે પ્રેમ તો છે ને ? હા, તો તમારા મુસ્લિમ વિરોધી અભિગમનું શું ? જો તમે નાનકડી શીખ કોમને સાથે ન રાખી શક્યા, તો આટલી મોટી મુસ્લિમ લઘુમતીને કેવી રીતે સાથે રાખીને ચાલશો ? જો ખરેખર દેશ પ્રત્યે પ્રેમ હોય કે આસક્તિ હોય તો તમે આવું કદાપિ ન કરી શકો. આખરે આ બધામાં આર.એસ.એસ.ના આંતરિક વિરોધાભાસી (ઇન્ટરનલ કૉટ્રડિક્શન) વિચારોની વાતો આવે છે. તો આર.એસ.એસ.ના આંતરિક વિરોધાભાસો શું છે, તે મારે સમજવા છે. મારી આર.એસ.એસ.ના એક હિંદીભાષી નેતા સાથે મુલાકાત થઈ. તેઓએ મને પ્રશ્ન પૂછ્યો કે ગાંધીજીને રાષ્ટ્રપિતા (ફાધર ઑફ ધી નેશન) કોણે બનાવ્યા ? તેઓને રાષ્ટ્રપિતાનું બિરુદ (ટાઇટલ) કોણે આપ્યું ? આવું બિરુદ કોઈ એક વ્યક્તિને અપાય તે કેટલું વાજબી ? આ બધા પ્રશ્નો સાંભળીને હું તો વિચારમાં પડી ગયો ! ગાંધીજીને રાષ્ટ્રપિતાનું ટાઇટલ કોણે આપ્યું, કેવી રીતે આપ્યું, કેવા સંજોગોમાં આપ્યું, આ બધા પ્રશ્નો મારા માટે પણ જાણે તપાસના વિષયો બની ગયા. કારણ કે મેં પણ અંગ્રેજીમાં ગાંધીજી ઉપર ત્રણ પુસ્તકો લખ્યાં છે. દેશને માટે મરી ફીટનારા શહીદ ભગતસિંહ અને ખુદીરામ બોઝથી માંડીને ઘણા બધા હતા. હજારો માણસોએ દેશ માટે ફનાગીરી વેઠી છે, ઘણી સ્ત્રીઓ વિધવા બની છે અને ઘણાં કુટુંબો અને તેનાં બાળકો નિરાધાર બન્યાં છે. લાખો માણસોની શહાદતને એક જ માનવીમાં એકત્રિત કરીને કેવી રીતે મૂકી દેવાય ? અમેરિકામાં જ્યૉર્જ વૉશિંગ્ટનને દેશના ઘડવૈયા તરીકે ઓળખાવામાં આવે છે, પણ તેને ફાધર ઑફ ધી નેશન તરીકે સંબોધવામાં આવતો નથી. આવી દલીલો કરનાર માણસ અને શરૂઆતને તબક્કે મૂર્ખ લાગ્યો; પણ પછી વિચાર્યું તો લાગ્યું કે તે મૂર્ખ નહીં લુચ્ચો હતો. આમાં દલીલ શું થઈ શકે ? હા, ગાંધીજીએ પોતે આ ટાઇટલ સ્વીકાર્યું હોય, તો તે અજુગતું કહેવાય ! ટાઇટલ સ્વીકારવાનો અભિગમ તો મૂડીવાદી અભિગમ કહેવાય.
આર.એસ.એસ. બી.જે.પી.ના એક-બે માણસો ઇતિહાસમાંથી તપાસ કરીને એવું સાબિત કરવા કોશિશ કરે છે કે ગાંધીજીની જાતીય વૃત્તિઓ કે પ્રયોગોને કારણે તેમની સાથીદાર સ્ત્રીઓ માનસિક રોગોનો ભોગ બની હતી. બીજું તેઓનું જ ગ્રૂપ એવી વાત બહાર લાવવા માંગે છે કે ગાંધીજીની આઝાદીની ચળવળમાં શું ભાગીદારી હતી : સને ૧૯૨૩માં દેશની અસહકારની લડતનો જુસ્સો જોઈને બ્રિટિશરોને સ્વતંત્રતા આપવી પડશે, તેવું લાગતું હતું. ‘ભારત છોડો ચળવળ’(‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’)ની જરૂરત ન હતી. કારણ કે એને લઈને તો મુસ્લિમ લીગ ઘણી જ ફાવી ગઈ. આવા ગાંધીજી ઉપરના મેં જણાવ્યા તેવા એક બે મુદ્દાઓ શોધી કાઢી તેમના ચારિત્ર્યહનનના સંગઠિત પ્રયાસો આવતા એક-બે વર્ષમાં થઈ શકે.
આ લોકો કૉંગ્રેસમુક્ત દેશ, નેહરુમુક્ત દેશ, ગાંધીમુક્ત દેશ આવી વ્યૂહાત્મક ઝુંબેશ (સ્ટ્રટિજીક કેમ્પેન) એક પછી એક શરૂ કરીને દેશના સ્વતંત્રતાસંગ્રામમાંથી પેદા થયેલાં વારસા, મૂલ્યો અને બૌદ્ધિકતાને ખતમ કરીને દેશવ્યાપી શૂન્યાવકાશ પેદા કરવા માંગે છે. બૌદ્ધિક ચર્ચાઓમાં કઢંગા (ઓકવર્ડ) પ્રશ્નો ડિબેટમાં પૂછી શકાય, જેથી ચર્ચા કરવાની કે વિચાર કરવાની તક મળે. પણ આ તો ફરી પાછી એક જબરદસ્ત બૌદ્ધિક અચોક્કસતા ઊભી કરવા એકાદ-બે વર્ષમાં નવી સંકીર્ણ રૂઢિચુસ્તતા (ઑર્થોડૉક્સી) ઊભી કરશે. આ દેશને બાંધી રાખતો એક સુગ્રથિત ઐતિહાસિક પ્રવાહ (યુનિફાઇંગ ઇન્ટલેક્ટચ્યુઅલ ટ્રેન્ડ) હતો, તેને આ લોકો વ્યવસ્થિત રીતે તોડી નાંખવા માંગે છે, ખલાસ કરી નાંખવામાં આવી રહ્યો છે. આપણા રાષ્ટ્રના ઐતિહાસિક વારસા(લીગસી)ને આ બધા પડકારવા મેદાને પડ્યા છે. તેમના સહિયારા પ્રયત્નોથી આ સાહસમાં તે સફળ થાય અને રાષ્ટ્રવ્યાપી બૌદ્ધિક શૂન્યાવકાશ પેદા થાય, તો દેશના ભવિષ્યનું શું ?
*******
બે પ્રકારના વિમર્શપ્રવાહો / થોમસ પેંથમ
(રિટાયર્ડ હેડ ઑફ પૉલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ, એમ.એસ.યુ., વડોદરા)
મારી ભીખુભાઈ સાથે આ મુદ્દા પર સંમતિ છે કે નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ બી.જે.પી.એ જે સ્પષ્ટ બહુમતી લોકસભામાં મેળવી છે, તેમાંથી ભવિષ્યમાં ઘણા પ્રવાહો પેદા થવાના છે. એક બૌદ્ધિક તરીકે મને રસ છે, તેના કરતાં વધારે જવાબદારી છે કે આ ચૂંટણીનાં પરિણામોએ કેવા ગતિશીલ પ્રવાહો પેદા કર્યા છે અને તે ગતિશીલ પ્રવાહો દેશને કઈ તરફ લઈ જશે, તેનું પૃથક્કરણ કરવાની ખાસ જરૂર છે.
આ પ્રવાહોને સમજવા માટે સરળ ઉપાય એ છે કે જૂની સરકાર અને નવી સરકારનાં પગલાં કે નીતિવિષયક નિર્ણયોને આધારે આપણે સતત મૂલ્યાંકન કરતા કહીએ. જૂના અને નવા વડાપ્રધાન વચ્ચે મારી દૃષ્ટિએ તફાવત એ છે કે પ્રજા સમક્ષ ઊભા થયેલા પ્રશ્નોને ઉકેલવાનો બંનેનો અભિગમ જુદો હતો. જૂના અને નવા પીએમ વચ્ચે આંખે ઊડીને દેખાય તેવો તફાવત એ છે કે જૂના વડાપ્રધાન પ્રજાના પ્રશ્નો માટે સીધા સ્થળ પર પહોંચી જતા કે મીડિયા દ્વારા લોકોમાં છવાઈ જતા ન હતા (નૉન ટૉકિંગ ઍન્ડ નૉન વિઝિબલ પીએમ.) દા.ત., જમ્મુ- કાશ્મીરમાં પૂર આવ્યું, ત્યારે મોદી સ્થળ પર હતા, સરકારી તંત્રને સૂચના અને માર્ગદર્શન આપી કામ લેતા લોકોએ જોયા અને સાંભળ્યા છે. (ટૉકિંગ ઍન્ડ વિઝિબલ પીએમ) આ મુદ્દાની ચર્ચા કરીને હું છટકી જવા માંગતો નથી કે દેશમાં મોદી સરકાર બન્યા પછી જે ધર્મ આધારિત રાજકીય ધ્રુવીકરણના પ્રવાહો ઝડપથી પેદા થયા છે, તેને આપણે નજર-અંદાજ કરવા જોઈએ. રાજકારણમાં બે વડાપ્રધાનો વચ્ચેનો આ તફાવત કદાચ કોઈને રાજકીય રીતે ઉપરછલ્લો અને પ્રતીકાત્મક લાગે પણ તેનું મહત્ત્વ સત્તાના રાજકારણમાં હોય છે. જૂના વડાપ્રધાને આ પ્રસંગે શું કર્યું હોત તે આપણને સૌને ખબર છે. બે સરકારો વચ્ચેના સામ્યમાં અગત્યની હકીકત એ છે કે મોદી સરકારે જૂની સરકારનું મૂળભૂત વહીવટી માળખું ટકાવી રાખીને પોતાનું કામ શરૂ કર્યું છે.
નવી ચૂંટણીનાં પરિણામો પછી બે પ્રકારના વિમર્શ પ્રવાહો (ડિસ્કોર્સ) પેદા થયા છે. આ પ્રવાહો એકબીજાના પૂરક નથી પણ બંને પ્રવાહો એકબીજાની સામસામી દિશામાં (અન્ડરકટિંગ ઇચ-અધર્સ) જાય છે. મોદીએ વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું તે દિવસ પહેલાંનો મોદીનો ભૂતકાળ અને વર્તમાન એમ બે પ્રકારનું તેઓનું વ્યક્તિત્વ બની ગયું છે. એક પ્રવાહ વડાપ્રધાનપદ દ્વારા સંચાલિત રાજ્યવ્યવસ્થા તરફથી શરૂ થાય છે. વડાપ્રધાનનો હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં તેમણે રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને પોતાનાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. તદ્દ ઉપરાંત સંસદભવનના પગથિયે તેઓએ નીચા પડી (બો ડાઉન) નમન કરી અને સંસદના ગૌરવની સર્વોપરિતાને સ્વીકારી હતી. અને પોતાની વડાપ્રધાનની ઑફિસમાં જઈને સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યાં હતાં. મોદીના વડાપ્રધાન બન્યા પછી તેઓનો વૈચારિક ઝુકાવ સતત ગાંધી તરફી થતો જાય છે. મોદીનાં આ લક્ષણોમાં રાજકારણીની સાથે સાથે રાજનીતિજ્ઞ(સ્ટેટ્સમેન)ના ગુણો પણ દેખાય છે, જેને આપણે આવકારવા જોઈએ. મને તેમાં આશા દેખાય છે.
મોદીની આર્થિક નીતિ ઉદારમતવાદી છે, જેમાં ‘બુલેટ ટ્રૅન’ અને એકસો ‘સ્માર્ટ સિટી’ બનાવવાનો પ્લાન છે, પણ સાથે-સાથે દરેક ચૂંટાયેલા સાંસદે પોતાના વિસ્તારમાં ‘સાંસદ વિકાસ ફંડ’માંથી પાંચ વર્ષમાં ૨૫ ગામડાંઓનો વિકાસ કરવાનો છે, તેની નીતિ મોદી સરકારે અમલમાં મૂકી છે. એક રાજનીતિજ્ઞ તરીકે તેઓએ પડોશી દેશો અને સાર્ક દેશો સાથે સારા સંબંધો વિકસાવવા માંડ્યા છે. બ્રાઝિલ, રશિયા, ચાઇના અને ઇન્ડિયા જે ‘બ્રીક દેશો’ તરીકે ઓળખાય છે, તેનો આંતરરાષ્ટ્રીય અર્થકારણમાં એક અસરકારક બ્લૉક બનાવી આપણા દેશનો આર્થિક વિકાસ કરવાની કોશિશ કરે છે. આ સંદર્ભમાં તેમની જપાની વિદેશયાત્રાને મૂલવવી જોઈએ. ભારત સાથે આપણા ઘણા બધા પડોશી દેશો ઉપનિવેશવાદ(કલોનિયલાઇઝેશન)ના શોષણનો ભોગ બનેલા હતા. આ શોષણ ફક્ત આર્થિક ન હતું પણ બૌદ્ધિક, રાજકીય અને સામાજિક હતું. સમગ્ર પડોશી દેશોનો એક સંયુક્ત બ્લૉક બનાવીને ઉપનિવેશવાદી માનસિકતામાંથી કેવી રીતે બહાર નીકળી આત્મનિર્ભર બની શકાય તેની અગ્રેસરતા ભારત મોદીના નેતૃત્વમાં લઈ રહ્યું છે. યુરોપના દેશો સદીઓથી અંદર-અંદર એકબીજા સાથે લડતા હતા અને હવે તે બધાએ ભેગા થઈને ‘યુરોપિયન કૉમન યુનિયન’ બનાવ્યું છે, તેવું ગણતરીપૂર્વકનું મૉડેલ ભારતના પડોશી દેશોનો સહકાર લઈને નજીકના ભવિષ્યમાં બનાવવાની યોજના હોય તેમ લાગે છે.
મોદી સરકારનું સંસદમાં વિરોધપક્ષનું કાયદેસરનું અસ્તિત્વ જૂના કાયદાઓનો લાભ લઈને દૂર કરી દેવું તે બિલકુલ યોગ્ય નથી. લોકશાહી એટલે બહુમતી પક્ષનું રાજ્ય તેવું સમીકરણ મૂકવું યોગ્ય નથી. લોકશાહી રાજ્યવ્યવસ્થામાં કોઈ પણ હિસાબે વિરોધપક્ષનું અસ્તિત્વ અનિવાર્ય રીતે હોવું જ જોઈએ. જો તમે જ્યુડિશિયલ ઍપોઇન્ટમેન્ટ કમિશન માટે બંધારણીય સુધારો લાવી શકતા હોય, તો વિરોધપક્ષની કાયદેસરતા માટે કેમ બંધારણમાં સુધારો ન લાવી શકો ? અરે ! સંસદમાં ફક્ત એક જ વિરોધપક્ષનો સભ્ય ચૂંટાઈને આવ્યો હોય તોપણ તેને વિરોધપક્ષ તરીકેનો દરજ્જો મળવો જોઈએ. કારણ કે સંસદ સંચાલિત લગભગ દરેક કમિશન જેવાં કે વિજિલન્સ, હ્યુમન રાઇટ કે લોકપાલ કમિશન દરેકમાં વિરોધપક્ષના સભ્યનું હોવું અનિવાર્ય છે. જો વાસ્તવિક સ્થિતિ ચૂંટણીનાં પરિણામોને લીધે એવી પેદા થઈ હોય કે વિરોધપક્ષના સંખ્યાબળને કારણે વિરોધપક્ષના અસ્તિત્વને સંસદમાં કાયદેસરતા ન મળતી હોય, તો કાયદો સુધારીને પણ ઊભી કરવી જોઈએ એમ હું માનું છું. લોકશાહી એટલે બહુમતી સાથે બંધારણીય રીતે બધા જ મૂળભૂત હક્કો ભોગવતી ફક્ત ધાર્મિક લઘુમતીઓ નહીં પણ તેમાં રાજકીય લઘુમતીઓનો સમાવેશ થવો જોઈએ. આવો ફેરફાર જો નહીં કરવામાં આવે તો પ્રો. પારેખે કહ્યું તે પ્રમાણે રાજકીય સત્તાનું વ્યક્તિકરણ અને કેન્દ્રીકરણ થઈ જશે, જે દેશ માટે ભયજનક છે.
મને પહેલી ચિંતા એ છે કે મોદીના નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં જે ધાર્મિક પ્રવાહોનું ધ્રુવીકરણ પેદા થવા માંડ્યું છે તે ખૂબ જ ખતરનાક પરિણામો (મોસ્ટ ડેન્જરસ કૉન્સિક્વન્સિસ) લાવી શકે તેમ છે. રાષ્ટ્રીય કક્ષાએ મોહન ભાગવત અને નિત્યાનંદની પ્રવૃત્તિઓ દેશની એકતા માટે જોખમકારક બનતી જાય છે. ગાંધીજી સમજપૂર્વક આઝાદીની ચળવળમાં બધી જ ધાર્મિક કોમોના વડાઓને અને તેમની પ્રજાને સાથે લઈને એટલા માટે ચાલ્યા હતા કે બ્રિટિશરોની નીતિ દેશની કોમોમાં ભાગલા પાડીને રાજ્ય કરવાની હતી. સ્વતંત્રતાના સંઘર્ષની સફળતા માટે દેશના દરેક ધર્મની પ્રજાનો સહકાર અનિવાર્ય હતો, તે ગાંધીજી જેવા મુત્સદ્દી રાજકીય નેતા સમજી ગયા હતા. મોદીની બધાને સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ અને તેઓના પક્ષ અને આર.એસ.એસ.ના કાર્યકરોની મુસ્લિમ વિરોધી નીતિ એકબીજાની તદ્દન વિરોધી નીતિઓ છે જે લાંબે ગાળે દેશની એકતા અને અખંડતા માટે જોખમકારક બની રહેવાની છે.
********
ગુલામી માનસિકતા ચાલુ રાખવાનું કામ / ધવલ મહેતા
(રિટાયર્ડ ડાયરેક્ટર, બી કે સ્કૂલ ઑફ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ)
આપણા દેશમાં લોકશાહી એટલે જાણે ચૂંટણી અને તેનાં પરિણામો, પણ લોકશાહીનું હાર્દ તો બિલકુલ જુદું જ છે. લોકશાહી એટલે બૌદ્ધિક રીતે વિવેકપૂર્ણ માનવીય સમસ્યાની ચર્ચા. (ડૅમોક્રસી મીન્સ રેશનલ ડૅલિબરેશન ઍન્ડ ડિસ્કોર્સ) મોદી સામેનો મારો વિરોધ એ છે કે તે સમાજમાં અને તેઓના સાથીઓમાં સ્વતંત્રતા પહેલાંની જે ગુલામી માનસિકતા હતી (કલોનિયલાઇઝેશન ઑફ માઇન્ડ) તેને ચાલુ રાખવાનું કામ કરે છે. આ માનસિકતા દ્વારા દેશમાં તે ઉગ્ર હિંદુવાદી વિચારસરણીને ઉત્તેજન આપે છે, એ જ પ્રકારનાં ઐતિહાસિક પરિબળોને ટેકો આપે છે અને તેઓના વ્યક્તિત્વના સુંવાળા આંચલ નીચે ધર્માંધ પરિબળોને પ્રસારવા માટેનું મોકળું મેદાન દેશમાં પૂરું પાડે છે. આ બધાં પરિબળો દેશના બૌદ્ધિક માનસપટ પર છવાઈ જાય માટે તેઓ પોતાની રાજકીય સત્તાનું સતત વ્યક્તિગતકરણ અને કેન્દ્રીકરણ કર્યા કરે છે.
ધાર્મિક પરિબળોનો (રાઇટિસ્ટ ફૉર્સીઝ) રાજકીય સત્તાપ્રવાહ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે જે લોકશાહીજગત માટે ખૂબ જ ચિંતાજનક ઘટના છે. નવા વડાપ્રધાન મોદીની વ્યૂહરચના એવી છે કે તે પોતે હોદ્દાની રૂએ લોકોને સારુ લાગે તે માટે એક બાજુ મહાત્મા ગાંધીની સમાધિ ઉપર જઈને ફૂલો ચઢાવે અને બીજી બાજુએ તેમના પક્ષના અને તેઓની માતૃસંસ્થા આર.એસ.એસ.ની રાષ્ટ્રવ્યાપી શાખાઓ અને કાર્યકરો મોટા પાયા પર ઉગ્ર ધર્માંધતા ફેલાવવાનું કામ ચાલુ રાખે છે. આપણે તો જેમ ઇસ્લામિક રાષ્ટ્રવાદનો વિરોધ કરીએ છીએ, તેવી જ રીતે હિંદુ રાષ્ટ્રવાદનો પણ વિરોધ કરીએ છીએ. આ સંદર્ભમાં પડદા પાછળ (બિહાઇન્ડ ધી સીન) રહીને ગાંધીજીની માનહાનિ કરવાની જે વાત ચાલી છે, તે તો ખૂબ દુઃખદ છે. ગાંધીજીની બાદબાકી કરીને સરદાર પટેલને આગળ કરવા તે તેઓની વિકસી રહેલી ગણતરીબાજ ધાર્મિકતાનું પરિણામ છે. જો કે મારું માનવું છે કે આવાં જુઠ્ઠાણાં પર રચાયેલી વ્યૂહરચના લાંબો સમય ચાલતી નથી. બત્રાની ચોપડીઓમાં પૌરાણિક દંતકથાઓ સિવાય કાંઈ નથી. બત્રાની ચોપડીઓનો આધાર કોઈ પુરાવા આધારિત સત્ય (એવિડન્સ બેઝ્ડ ટ્રૂથ) પર નથી. તેનું કોઈ મહત્ત્વ એટલા માટે નથી કે તેમાં ‘રેશનાલિટી’ ક્યાં ય નથી.
મોદીની એક વ્યૂહરચના માટે તેઓને અભિનંદન આપવા પડે તેમ છે. તે છે તેમનો પશ્ચિમ જગત સામે પૂર્વના દેશો સાથેનો સર્વ પ્રકારનો ઘરોબો કેળવવાનો પ્રયાસ. ભલે મોદીને પશ્ચિમી મૂડીવાદ અને ટેક્નૉલોજી દેશના વિકાસ માટે અનિવાર્ય લાગતી હોય પણ તેઓનું માનસ અને વિચારપ્રક્રિયાનો આધારસ્તંભ પૌર્વિક (ઇસ્ટર્ન) છે. વૈશ્વિક સત્તાનું કેન્દ્ર અત્યાર સુધી પશ્ચિમી જગત પાસે હતું. તેને મોદી પૂર્વ તરફ લઈ જવાની કોશિશ કરે છે. મોદી અને મોહન ભાગવત ભલે વાતો કરતા હોય કે અમે દલિતો અને સ્ત્રીઓના ઉત્થાનમાં માનીએ છીએ. માત્ર વાતો ન ચાલે. આ મુદ્દે પારદર્શક નીતિ અને કાર્યક્રમો હોવા જોઈએ. શબ્દોની ભરમાળથી દેશની કાયાપલટ ન થઈ શકે. મોદીના ચુંબકીય નેતૃત્વનો આધાર તથા તેમની વ્યાપક પણ ટૂંકા ગાળાની સફળતાનો આધાર તેમનાં ભાષણો કે વક્તવ્યો છે જે લોકોને લાગણીસભર બનાવી મજબૂત વોટબૅંકમાં બદલી નાંખે છે.
પ્લાનિંગ કમિશનને રદ્દ બાતલ કરી નાંખવું તે મારા મત મુજબ શાણપણ ભરેલો નિર્ણય એટલા માટે છે કે તે સંસ્થા બાબુશાહી અને નોકરશાહીનો અડ્ડો બની ગઈ હતી. મોદીએ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ જે વર્ષે દિવસે ૨૪૨ કરોડ રૂપિયાની ખોટ કરતું હતું, તે જાહેર સરકારી સાહસ બંધ કરી દીધું, જે યોગ્ય નિર્ણય હતો.
સ્વતંત્રતાના બે ખ્યાલ છે : નકારાત્મક અને હકારાત્મક. તેમાં નકારાત્મક સ્વતંત્રતાનો ખ્યાલ મારી દૃષ્ટિએ વધારે મહત્ત્વનો છે. તે મારી વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલગીરીનો અસ્વીકાર કરે છે. મારે શું ખાવું, પીવું કે કોની સાથે લગ્ન કરવાં એ મારો અંગત વ્યવહાર છે. તેમાં કોઈની પણ દરમિયાનગીરી અસ્વીકાર્ય છે. “લવ જેહાદ ઇઝ ઍક્ઝેટલી ઑન ધી ઇનવેઝન ઑફ વન્સ પ્રાઇવેટ એફેર્સ વીચ કેન નોટ બી ટોલરેટેડ.” આઇ.સી.એચ.આર., રાષ્ટ્રીય કક્ષાએ ઇતિહાસનું સંશોધન કરતી સંસ્થાના વડા તરીકે મોદી સરકારે પોતાની સંસ્થા આર.એસ.એસ.ના માણસને બેસાડી દીધા છે, જે અયોગ્ય છે. કારણકે આર.એસ.એસ. સંસ્થાની વિચારસરણી સાંપ્રદાયિક, સંકુચિત અને પૂર્વગ્રહવાળી છે. જે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરતી સંસ્થામાં હોય તેમાં આવી સંસ્થાના માણસ ન ચાલે. આ મોદી સરકારનો પ્રથમ નિર્ણય નથી. ગુજરાતમાં તો તેઓના મુખ્યમંત્રીપદ નીચે આવા ઘણા ગુણવત્તા સિવાયના માણસોને મૂકવાના નિર્ણયો કરીને શિક્ષણથી માંડીને ઘણી સંસ્થાઓની સ્વાયત્તતા અને ગુણવત્તા ખલાસ કરી નાંખી છે. હવે દેશના ખૂણે-ખૂણે આર.એસ.એસ.નો એજન્ડા મોદી હકૂમત નીચે દરેક સંસ્થાનું ભગવાકરણ કરવાનો છે, જે દેશના ભાવિને માટે ભયજનક સંકેત છે. રાજકીય તંત્રનું બિનઉદારીકરણ અને ગુનાઈતકરણ મોટા પાયે શરૂ થઈ ગયું છે. સંસદમાં ચૂંટાયેલા કુલ સાંસદોમાંથી આશરે ત્રીજા ભાગના સાંસદો બળાત્કાર, ખૂન અને ખૂની હુમલો કરવાના આરોપોમાં સંડોવાયેલા છે. આ બધા પ્રવાહો ભારતીય લોકશાહીના પોતને (ઇથોસ) કાયમ માટે લૂણો લગાડનારા છે, જે ચિંતાજનક છે.
*******
સત્તાના કેન્દ્રીકરણની નવાઈ નથી / કે. સી. મહેતા
(ભૂતપૂર્વ પ્રો-વાઇસ-ચાન્સેલર, વડોદરા યુનિવર્સિટી)
મોદી સરકાર સામે રાજકીય સત્તાના કેન્દ્રીકરણ અંગે ઘણા આક્ષેપો થયા છે. કોઈને પણ સામાન્ય રીતે આંખે ઊડીને દેખાય તેવી ઘટના હોય, તો તે ચૂંટણી પછીની બી.જે.પી. સરકારમાં એક જ વ્યક્તિના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ કે હસ્તાંતરણ. હું કયાં કારણોસર એક જ વ્યક્તિના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, તેની વિગતોમાં જવા માંગતો નથી. દા.ત. બી.જે.પી.ના સિનિયર મોસ્ટ નેતાઓને બાજુ પર મૂકીને (સાઇડટ્રેકિંગ ધી ઑલ્ડ ગાડ્ર્સ) રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરવો. બી.જે.પી.નું પક્ષ તરીકે ચૂંટણી-સંચાલન એક જ વ્યક્તિએ હાથમાં લઈ લેવું. સત્તાના કેન્દ્રીકરણના મુદ્દે ફક્ત દલીલ કરીને બેસી રહેવાને બદલે આપણે આ મુદ્દાના મૂળમાં જવાની જરૂર છે. ૧૬મી લોકસભાની ચૂંટણી બી.જે.પી. દ્વારા જો ખરેખર એક વ્યક્તિથી જ લડાઈ હોય, તો તેના પરિણામ (કરૉલરી) સ્વરૂપે ચૂંટણી જીત્યા પછી તે જ નેતામાં સત્તાનું કેન્દ્રીકરણ થાય એ સ્વાભાવિક બનવાનું હતું. આપણી ચૂંટણીપ્રથાનું મૉડેલ તો સંસદીય પ્રતિનિધિત્વપ્રથાનું છે, પણ આ ચૂંટણી જાણે દેશે પ્રમુખશાહી સ્વરૂપની સરકાર ચૂંટવાની હોય તેવી રીતે લડાઈ.
મારો પ્રશ્ન એ છે કે એક જ વ્યક્તિના હાથમાં બી.જે.પી.એ સત્તાનું કેન્દ્રીકરણ થવા દેવાની પાછળનો હેતુ શું છે ? આપણા દેશના લોકશાહી માળખાની ચૂંટણીપ્રથામાં તમે ચૂંટણી સમયે જુદાં જુદાં ખૂબ જ વચનો આપ્યાં હોય ને હવે તમારી પાસે લોકોએ આપેલા જનચુકાદા મુજબ સરકારની જવાબદારી આવી, તો તમે આ સંસદીય માળખાની નિર્ણયપ્રથામાં તમારા ચૂંટણીઢંઢેરામાં ‘ગૂડ ગવર્નન્સ’નાં વચનો આપ્યાં હોય, તો તેને પૂરાં કરવા રાજકીય સત્તાનો કેવી રીતે ઉપયોગ કરશો ?કારણ કે દેશમાં ચૂંટણી તો ખરેખર એ જ માણસથી લડાઈ હતી. તેઓને મળેલા લોકચુકાદામાં સામાન્ય માણસની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છે જે મોદી સરકાર પૂરી કરશે તેવી અપેક્ષા છે. આ બધી અપેક્ષાઓને સંતોષવા મોદીએ પોતે જ પ્રાપ્ત કરેલી સત્તાને આધારે દેખરેખ અને નિયંત્રણ (મૉનિટરિંગ) કરવું પડે. સંજોગોએ ઊભી કરેલી આ એક વાસ્તવિકતા છે. મોદીએ એક નેતા તરીકે જે ‘વિઝન’ આપ્યું છે, તે સામાન્ય માણસની અપેક્ષાનું પ્રતિબિંબ છે, તેવું જુદા જુદા સર્વે કહે છે.
‘ઇન્ડિયા ટુ ડે’ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ૭૦ ટકા લોકો કહે છે કે મોદીને ‘વિકાસ’ના એજન્ડા માટે મત મળ્યા છે. ૬૫ ટકા લોકોને વિશ્વાસ છે કે મોદી અર્થતંત્રને ઝડપથી વિકાસના માર્ગે (લિફ્ટ ધી ઇકોનૉમી) આવતા છ માસમાં લઈ જશે. ૬૮ ટકા મુસ્લિમ પણ ઉપર મુજબની લાગણી (સેન્ટિમેન્ટ્સ) ધરાવે છે.
રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ દેશમાં મોદીના નેતૃત્વમાં પહેલી વાર થયું નથી, પણ મારે તે ઇતિહાસમાં જવું નથી. રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ પંડિતજીથી માંડીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનમાં થયું હતું. મોદીના નેતૃત્વમાં જે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, તેનાથી દેશની જનતાની પાયાની જરૂરિયાતો પૂરી થઈ કે કેમ તે તો સમય જ બતાવશે.
બીજો મુદ્દો આ વિચારગોષ્ઠિમાં ચર્ચાય છે તે આર.એસ.એસ. અને તેની સાથે મોદીના સંબંધોનો છે. હું તે બે વચ્ચેની ‘ટગ ઑફ વૉર’ હોય તેમ સમજું છું. મોદી આર.એસ.એસ. નથી. મોદી પાસે આધુનિક ભારત બનાવવાનું વિઝન કે સ્વપ્ન છે. મોદીને દેશમાં ખૂબ જ મજબૂત આંતરિક માળખું (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને અર્થતંત્ર બનાવવું છે. બીજી બાજુએ આર.એસ.એસ.ને તેના હિંદુત્વના એજન્ડાને આગળ લઈ જવા માટે મોદી અને તેની રાજકીય સત્તાની જરૂર છે. જ્યારે મોદીને આ સંસ્થાની જરૂર તેની સત્તા ટકાવી રાખવામાં અને મજબૂત કરવાના લાભમાં (ટ્રેડ ઑન) છે, જેથી તે પોતાના વિકાસનું વિઝન મેળવી શકે. આપણને સૌને ખબર છે કે મોદી પોતાના જે મંત્રીઓ આર.એસ.એસ. સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા છે, તે બધા ઉપર બારીકાઈથી નિરીક્ષણ (વૉચ) રાખે છે. ૪૭ ટકા લોકોનો મત છે કે તે આર.એસ.એસ.નો મુકાબલો કરી શકશે (હી વીલ રેઝિસ્ટ આર.એસ.એસ.).
મોદી અર્થતંત્રને ઝડપથી સુધારવા (ક્વિક સ્ટાર્ટ) માંગે છે. પશ્ચિમી જગત સામે પૂર્વની ધરી બનાવવી તે મારા મત મુજબ મોદીનો એજન્ડા નથી. તેઓનો એજન્ડા હોય તો તે દેશનો ‘આર્થિક વિકાસ’ છે, જેના માટે જુદા જુદા દેશો ખાસ કરીને જપાન, ચીન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો તથા દેશનું આંતરિક ઉદ્યોગજગત ભારતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ કરે, જેથી દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વધે તેમ જ નવી રોજગારીની તકો પેદા થાય તે છે. તેઓની પરદેશનીતિ આ પ્રમાણે મૂડીરોકાણલક્ષી છે અને રહેશે. આંતરિક રીતે પણ મોદીની ઔદ્યોગિક નીતિ ‘બિઝનેસ ફ્રૅન્ડલી’ છે. કારણ કે જમીન પ્રાપ્ત કરવાથી માંડીને જુદાં જુદાં સરકારી તંત્રો પાસેથી એન.ઓ.સી. લેતાં મહિનાઓ ને કેટલાકમાં વર્ષો નીકળી જતાં હોય, તો તમારે ત્યાં નવો ઉદ્યોગ સ્થાપવા કોણ આવશે ? મોદીની બિઝનેસ ફ્રૅન્ડલી નીતિને કારણે નવું મૂડીરોકાણ થશે, જે નવી રોજગારીની તકો કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી પેદા કરશે, તો જ દેશનું યુવાધન ખોટા માર્ગે નહીં જતું રહે.
તેઓનો બીજો અગત્યનો એજંડા છે દેશના ગરીબમાં ગરીબ અને સામાન્ય માણસનું બૅંકમાં ખાતું ખોલાવવું. લાંબે ગાળે આ તો દેશના સામાન્ય માણસને રાષ્ટ્રની નાણાકીય સિસ્ટમ સાથે જોડવાની વાત છે. તેથી દેશના સામાન્ય જનને રાષ્ટ્ર તરફથી મળતી મદદો જે આજ સુધી વચેટિયા (મિડલ મેન) મોટા ભાગની લઈ જતા હતા, તે સીધી તેના લાભાર્થીને મળે તેવો ઉમદા હેતુ તેની પાછળ છે. શિક્ષણના ક્ષેત્રે તેઓનો એજન્ડા કુશળ વિશિષ્ટ તાલીમ પામેલા કારીગરો તૈયાર કરવા અને બેરોજગારી દૂર થાય તેવા પ્રકારના વ્યવસાયી શિક્ષણને પ્રાધાન્ય આપવું. તે માટે ખાસ મંત્રાલયની રચના કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે વિજ્ઞાન અને ટેક્નોલૉજી સંલગ્ન વિષયોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર ને રાજ્ય સરકારો વચ્ચે જે સંબંધો સમવાયતંત્રના (ફેડરલ) આજ સુધી એકતરફી અને કેન્દ્રતરફી રહ્યા હતા, તે હવે વધારે દેશનાં રાજ્યો તરફી રહેશે અને વિકસશે. છેલ્લે મારે કહેવું છે કે દેશમાં વિરોધપક્ષનું સ્થાન લોકશાહી રાજ્યવ્યવસ્થા છે માટે ચોક્કસ હોવું જોઈએ, પણ તે વિરોધ રચનાત્મક હોવો જોઈએ. વિરોધ ફક્ત વિરોધ ખાતર ન હોવો જોઈએ. છેલ્લા ઘણા સમયથી આપણે મૂક પ્રેક્ષક બનીને દેશની સંસદ અને વિધાનસભામાં જે તમાશો જુદા-જુદા વિરોધપક્ષોનો જોતા હતા તે જોતાં આપણને તેમની ગુણાત્મક ઉપયોગિતા માટે શંકા થતી હતી.
*********
એક સમાજશાસ્ત્રીની દૃષ્ટિએ / પ્રવીણ પટેલ
(ભૂતપૂર્વ વાઇસ-ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી)
નવી લોકસભાની ચૂંટણીના સૂચિતાર્થો અથવા તેનાં પરિણામોથી જે પ્રવાહો પેદા થયા છે, તે આંખોએ ઊડીને વળગે તેવા છે. એક, દેશમાં એક રાષ્ટ્રીય પક્ષ સ્વપ્રયત્ને છેલ્લાં પચીસ વર્ષ પછી લોકસભામાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યો છે. અત્યાર સુધી જે રાજકીય પક્ષો વચ્ચે કામચલાઉ સત્તાનાં સમીકરણોનું ગઠબંધન ચાલતું હતું, તેનો અત્યારે અંત આવ્યો હોય તેમ લાગે છે. બીજું, આઝાદી પછી પહેલી વાર સૌથી ઊંચું મતદાન દેશના ૬૬ ટકા મતદારોએ કર્યું છે, જે મતદાનના ઇતિહાસમાં સૌથી વધારે છે. ત્રીજી બાબત ડાબેરી પરિબળોનું ધોવાણ થયું છે અને જમણેરી પરિબળો મજબૂત થયાં છે. મળેલા મતોના આધારે પૃથક્કરણ કરવામાં આવે, તો ભા.જ.પ.ને ફક્ત ૩૧ ટકા મતો મળ્યા છે. ભલે તે બહુમતી પક્ષ તરીકે ઊભર્યો હોય. આ ચૂંટણીમાં ભા.જ.પ.ના પોતાના ગઢ સિવાય અન્ય વિસ્તારોમાં પ્રભાવ વધ્યો છે.
આમાંથી બે બાબતો સ્પષ્ટીકરણ માંગી લે છે : એક, ભા.જ.પ. સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો તે, બીજું, દેશના બીજા વિસ્તારોમાં તેનો પ્રભાવ વધ્યો તે. તેના માટે મીડિયા વગેરેએ જે કારણો બતાવ્યાં છે, તે આ પ્રમાણે છે : (૧) મુખ્ય હરીફ પક્ષ કૉંગ્રેસની નબળાઈઓ. (૨) ભૂતપૂર્વ યુ.પી.એ. સરકારના શાસનકાળમાં જોવા મળેલ અભૂતપૂર્વ ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રને લાગેલો લૂણો. તેને કારણે યુ.પી.એ. સરકારની લોકપ્રિયતામાં થયેલો ધરખમ ઘટાડો. (૩) કૉર્પોરેટ સેક્ટરનો ભા.જ.પ.ને ટેકો. (૪) ઇલેક્ટ્રૉનિક મીડિયા દ્વારા બી.જે.પી.નો થયેલો અભૂતપૂર્વ ચૂંટણીપ્રચાર. (૫) બી.જે.પી. તરફી ધર્મ અને જ્ઞાતિના ધ્રુવીકરણે ખાસ કરીને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં ખાસ ભાગ ભજવ્યો છે. આ બધાં જ કારણો બી.જે.પી.ના વિજય માટે ઓછાવત્તે અંશે જવાબદાર છે, તે હકીકતને નકારી શકાય નહીં.
એક સમાજશાસ્ત્રીની દૃષ્ટિએ આ ચૂંટણીને જોતાં. મારું માનવું છે કે ચૂંટણીનાં પરિણામો ભારતીય સમાજમાં આવેલાં સામાજિક પરિવર્તનોને આભારી છે. આ સામાજિક પરિવર્તનો ઘણાં ક્રાંતિકારી છે. એક રીતે જોઈએ તો ભારતની સામાજિક રચનામાં આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે. તેના પ્રવાહો આપણે આ ચૂંટણીનાં પરિણામોમાં જોઈ શકીએ છીએ. તેનાં ઘટકો કયાં-કયાં છે ? મારી દૃષ્ટિએ જે નૂતન ભારત ઉભરી રહ્યું છે તેનો એક અગત્યનો ઘટક છે યુવાન અને ફર્સ્ટટાઇમ વોટર્સ. આવા મતદારોનું પ્રમાણ ૨૦ ટકા છે. આ જૂથના લગભગ ૫૪ ટકા મતદારોએ બી.જે.પી.ને મત આપ્યો છે. આવા મતદારોના જૂથને આપણે અવગણી શકીએ નહીં. આપણો સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે આવા યુવાન અને પ્રથમ વાર મતદાન કરનારા મતદાતાઓ બી.જે.પી. તરફ કેમ આકર્ષાયા. આનો જવાબ આપણને મતદારોની સામાજિક રચના કે બંધારણ (કૉમ્પોઝિશન)માંથી મળે છે. તેમનું સામાજિક બંધારણ કેવું છે ? આ વર્ગ ભણેલો છે અને દેશમાં એક મોટા વર્ક ફૉર્સ તરીકે ઊભરી રહ્યો છે. તે બધા બેકારો છે પણ તે બધા નોકરી-ઇચ્છુક (જૉબ સીકર્સ) છે. તેમને માટે રોજગારી તે મુખ્ય પ્રશ્ન છે. તેથી મોદીના વિકાસ-એજન્ડામાં આ વર્ગ સમર્પિત થયો છે. આવા રોજગારી ઇચ્છુક મતદારોનું પ્રમાણ ખાસ કરીને લઘુમતી કે મુસ્લિમ મતદારોમાં પણ વધ્યું છે. સને ૨૦૦૯ની ચૂંટણી કરતાં બમણા મુસ્લિમ મતદારોએ આ ચૂંટણીમાં બી.જે.પી.ને મત આપ્યા છે. લોકસભાના ૮૭ મતવિભાગો એવા છે કે જે મતવિસ્તારોમાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ વધારે છે. આવા મતવિસ્તારોમાંથી ૪૫ બેઠકો બી.જે.પી.ને મળી છે. યુપીમાં ૨૭ મુસ્લિમ પ્રભાવિત બેઠકોમાંથી ૨૬ બેઠકો બી.જે.પી.ને મળી છે.
દેશના આ યુવાન મતદારોએ સામાજિક વીજાણુતંત્રની મદદથી પોતાનો અસરકારક બ્લૉગ ઊભો કર્યો છે, જેનાં જોડાણોએ મુખ્ય નિર્ણાયક પરિબળ તરીકે ચૂંટણીમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો છે. ફેસબુક, વેબસાઇટ, ટ્વીટર, ઇ-મેઇલ વગેરે દ્વારા એક સીધી નજરે કે નરી આંખે ન દેખાય (ઇનવિઝિબલ કૉમ્યુનિટી) તેવો સમાજ ઊભો કર્યો છે. આવા મતદારોની સંખ્યા દેશમાં ૮ કરોડ જેટલી છે. લોકસભા મતવિસ્તારના ૧૫૦ મતવિસ્તારોને વીજાણુ માધ્યમોએ પેદા કરેલ અદૃશ્ય સમાજે અસર કરી છે. આ સમાજ ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે ય દિવસ કાર્યરત રહી શકે છે. ખર્ચ નજીવો થાય છે. નાનાં-નાનાં શહેરો સુધી તેનો પ્રચાર પહોંચેલો છે. વધતા જતા શહેરીકરણને કારણે આ સમાજનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમાજ સરકારી કે માહિતી અધિકાર દ્વારા મેળવેલ માહિતીને અસરકારક રીતે બહુ જ ઝડપથી પસાર કરી શકે છે. જૂના જમાનાની ચૂંટણીપ્રચાર વ્યવસ્થાને ચૂંટણીકમિશનર અંકુશમાં રાખી શકે છે. તેને નિયમનમાં રાખી શકે છે. પણ વીજાણુયંત્રોના ઉપયોગથી ચૂંટણીનો પ્રસાર કરતા અદૃશ્ય સમાજને નિયમનમાં રાખવો ચૂંટણી કમિશન માટે બિલકુલ સંભવ નથી. અરે, ચૂંટણીના દિવસે પણ આ વીજાણુ માધ્યમ આધારિત વર્ગ ચૂંટણીપ્રચાર માટે એટલો બધો સજ્જ હોય છે કે તે દિવસે ગમે તે ક્ષણે બનેલા બનાવને પોતાના માધ્યમ દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાવી દે છે, અને તે દ્વારા ઇચ્છા મુજબનો સંદેશો ફેલાવી દે છે. આ મેં નવા ભારતીય સમાજમાં ઊભરી રહેલા પરિબળની વાત કરી છે.
બીજો ઘટક છે સ્ત્રી-મતદાર. ભણેલી સ્ત્રી-મતદાતા બી.જે.પી. તરફી મતદાન કરે છે, તેવું રાજકીય સંશોધકોનું તારણ છે. લોકસભાના ૨૯ મતવિભાગોમાંથી ૧૬ મતવિભાગોમાં પુરુષ-મતદારોની સરખામણીમાં સ્ત્રીમતદારોનું મતદાન વધારે હતું. ત્રીજો ઘટક છે શહેરી મધ્યમવર્ગ. આ મધ્યમવર્ગની શહેર તરફી રહેઠાણની સંખ્યા સતત અને ખૂબ જ ઝડપથી વધી રહી છે. સદર શહેરી મધ્યમવર્ગ વધુ સંગઠિત, મોટા પ્રમાણમાં શિક્ષિત, બોલકો ને વીજાણુ માધ્યમોનો બહોળો ઉપયોગ કરનારો મતદાર વર્ગ હતો અને છે જેણે ચૂંટણીમાં મોટે પાયે બી.જે.પી. તરફી મતદાન કરેલ છે. ચોથો ઘટક છે વિદેશમાં વસેલા યુવાન ભારતીયો, જે બધા બી.જે.પી.ની તરફેણમાં ઝનૂનપૂર્વક ઊતર્યા. આ એન.આર.આઇ. જૂથો ભારતમાં વીજાણુ માધ્યમ પ્રેરિત સમાજને મોટો ટેકો આપી રહ્યા છે. ચૂંટણીનાં પરિણામોને બી.જે.પી. તરફી લાવવામાં આ પરિબળોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે.
આ બધાં પૃથક્કરણને આધારે સૂચિતાર્થો શું છે ? મારું સ્પષ્ટ તારણ છે કે આ નવા ઊભરતા ભારતને જે પક્ષ સમજશે તથા તેને પોતાની તરફેણમાં સંગઠિત કરી શકશે તેને મતદાનમાં ફાયદો થશે. આનો અર્થ એ પણ છે કે ભારતીય જનતા પક્ષનો વિજય કાયમી છે એમ માનવાને કોઈ કારણ નથી. બિહારના ચૂંટણીના પરિણામો એ સાબિત કરે છે કે તે રાજકીય સમીકરણો ને ગણતરીઓ પર આધાર રાખે છે. જે પક્ષ આવાં સમીકરણોના તર્કનો ઉપયોગ પોતાની તરફેણમાં કરી શકશે, તે પક્ષ ચૂંટણી જીતી શકશે. બીજો દાખલો – ‘આરબ સ્પ્રિંગ’નો જે ઊભરો આવ્યો અને ઝડપથી શમી ગયો, તે એમ સાબિત કરે છે કે આપણા દેશમાં જે જમણેરી પરિબળો ઊભરી આવ્યાં છે તે કાયમ રહેશે તેમ માનવાને કોઈ કારણ નથી. કારણ કે ભારતીય સમાજમાં ખૂબ જ ટૂંકા સમયમાં કેટલાક વિરોધાભાસો ઊભા થઈ શકે છે. એક, વિરોધાભાસ ભા.જ.પ.ના ધર્મપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચે છે. ભા.જ.પ.ની વિચારધારા અને તેના એજન્ડા વચ્ચે પણ વિરોધાભાસ છે. રોજગારીની તકો અને વિકાસની ઝડપ ટૂંક સમયમાં વધે તેમ દેખાતું નથી. આજની આપણી ગોષ્ઠિમાં અર્થશાસ્ત્રીઓએ જે વિચારો વ્યક્ત કર્યા છે, તેમાં પણ જણાવ્યું છે કે રોજગારીની તકો પશ્ચિમી ઉદ્યોગજગતમાં પણ ઘટતી રહી છે. આપણા દેશનું મેન્યુફૅક્ચરિંગ સેક્ટર તૂટી ગયું છે, જ્યારે ખેતીક્ષેત્ર સતત નબળું પડતું જાય છે. બાકી રહ્યું ફક્ત સર્વિસ સેક્ટર એની અંદર પણ રોજગારીની તકો ઘટતી જાય છે. જે રોજગારી મળે છે તે હાઇલી નિષ્ણાત અને યોગ્ય તાલીમ પામેલા સંપન્ન યુવાનોને મળે છે. આની સામે સામાન્ય જે યુવા વર્ગ છે, જે મોદી ને તેથી બી.જે.પી.થી અભિભૂત થયો છે તે મારી દૃષ્ટિએ નાદાન અને લાલચુ વર્ગ છે. તેની માંગણીઓને કોઈ પણ પક્ષે સંતોષવી સરળ નથી. રાજકીય પક્ષોમાં મોટા પાયે વિચારસરણીનું ધોવાણ થયું છે. આ ચૂંટણીનાં પરિણામો પછી ભા.જ.પ. અને કૉંગ્રેસ(અન્ય પક્ષો સહિત)માં કોઈ તફાવત સત્તાના રાજકારણ બાબતે દેખાતો નથી. આ બધાં વિરોધાભાસી પરિબળો સામે જો નાટકીય ફેરફાર ન થાય, તો જે પરિસ્થિતિ પેદા થાય તેમાંથી મોટા પાયે અજંપો પેદા થવાની શક્યતા છે, જે દેશને અરાજકતા અને અંધાધૂંધી તરફ લઈ જાય. આપણે આ ચૂંટણીનાં પરિણામોનું આપણી વિચારધારા કે રાજકીય રીતે મૂલ્યાંકન કરીએ પણ સાથે-સાથે સમાજમાં આવેલ પરિવર્તનને ધ્યાનમાં લેવું જોઈએ. સામાજિક પરિવર્તનોને આપણે ધ્યાનમાં લઈશું, તો તેના સૂચિતાર્થોની અસરો આપણને ખ્યાલમાં આવશે. બી.જે.પી.ના ધર્મપ્રેમને કારણે કોઈ મુસીબત આવી પડશે, તેમ મને લાગતું નથી.
********
ન બી.જે.પી., ન આર.એસ.એસ., માત્ર મોદીત્વ / ઇન્દુકુમાર જાની
(તંત્રી, “નયા માર્ગ”)
મારા મત મુજબ હવે આ દેશમાં નથી બી.જે.પી. કે નથી આર.એસ.એસ.. જો કંઈ હોય તો તે મોદીત્વ છે. આ મોદીત્વ એવું છે કે તે આર.એસ.એસ.ના મોદી કરતાં સિનિયર પ્રચારક સંજય જોષીની પાછળ પડી ગયા, સંઘમાં જોષીને ઝીરો કરી નાંખ્યા, અને એટલી હદે કે જોષીને મુંબઈથી દિલ્હી જવું હતું, તો આ મોદીએ તે ગુજરાતમાં અમદાવાદ થઈને દિલ્હી ન જઈ શકે તેટલી દાદાગીરી કરેલી. બીજી વાત હું કરવા માંગું છું કે બીજી સપ્ટેમ્બરે મોદીને વડાપ્રધાનની ખુરશીમાં બેઠે એક સો દિવસ પૂરા થયા. આમ તો હું બીજા કોઈ સંજોગો હોય, તો આ એક સો દિવસોની ચર્ચા જ ન કરું. પણ બાબા રામદેવ હોય કે નરેન્દ્ર મોદી હોય તેઓએ સો દિવસની મર્યાદા બાંધી હતી કે અમારી સત્તા આવે એટલે દેશનું કાળું નાણું જે વિદેશની બૅંકોમાં જમા છે, તે સો દિવસમાં અમે પરત લઈ આવીશું. અમે સો દિવસમાં મોંઘવારી અને ભાવ-વધારો ઘટાડી દઈશું. આ બધું એ લોકોએ ગાઈ-વગાડીને કહેલું. માટે આપણને થયું કે આપણે આ સમયગાળાનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આ એક સો દિવસોમાં શું શું થયું ?
મારા પાક્ષિક(“નયા માર્ગ”)ના વાંચકો જાણે છે કે મારો એક પણ અંક એવો નહીં જતો હોય કે જેમાં મોદીના મુદ્દાઓ પર કે નીતિઓ પર ટીકા ન કરી હોય. પણ હવેના અંકમાં મેં મોદીની પ્રશંસા એ રીતે કરી છે કે ભલે ૧૯૭૭માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બૅંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ગરીબ માણસ બૅંકનું પગથિયું ચઢતો થયો. પણ ત્યાર પછી ગરીબોલક્ષી અભિગમ કેળવી યોજનાઓનું અમલીકરણ આ રાષ્ટ્રીયકૃત બૅંકોએ કરવું જોઈએ, તે કર્યું જ નહીં. દેશનો ગરીબ તો ઠેરનો ઠેર રહ્યો. મોદીના સો દિવસના શાસનકાળમાં દોઢ કરોડ ગરીબોનાં ખાતાંઓ દેશની બૅંકોમાં ખોલાયાં છે. મોદીના ગુજરાતમાંથી શરૂ કરીને તેના રાજકીય સત્તાકાળનાં ૧૪ વર્ષોના ગાળામાં જેને આપણે ગરીબ કહીએ, વંચિત કહીએ, તેવા માણસો તેના એજન્ડામાં આવ્યા. આનું શું પરિણામ આવશે, તે તો ભવિષ્ય જ કહેશે.
ત્રીજી વાત હું એ કહેવા માંગુ છું કે મોદીના એજન્ડાના માહોલમાં ચીન છે, જપાન છે, અમેરિકા છે અને તેમના જેવા અનેક દેશો છે. ભૂતકાળમાં થઈ ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીઓમાં એક સીએમ માધવસિંહ સોલંકીએ કહેલું કે હું ‘ગુજરાતને મીની જપાન બનાવીશ.’ જુદા-જુદા મુખ્યમંત્રીઓએ જુદાં-જુદાં સ્વપ્નો ગુજરાતની પ્રજાને બતાવ્યા હતાં, પણ આર્થિક વિષમતાનો પ્રશ્ન દિવસે-દિવસે વધારે ને વધારે ગંભીર બનતો જાય છે. નાણાકીય મૂડીરોકાણ કરવાથી બેકારી કે બેરોજગારીનો પ્રશ્ન હલ થશે તે વાત ખોટી છે. ગુજરાતમાં મૂડીરોકાણ કરી ઉદ્યોગો સ્થાપતા ઉદ્યોગપતિઓને સરકારે જી.આર. બહાર પાડી કહ્યું છે કે તમારા ઉદ્યોગમાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક લોકોને આપવી પણ તેનો કોઈ જગ્યાએ અમલ થતો નથી. રતન ટાટાએ એવું કહેલું કે દેશનો જે ઉદ્યોગપતિ ગુજરાતમાં ઉદ્યોગ ન સ્થાપે તે મૂર્ખ છે. દેશના ઉદ્યોગપતિઓ માટે ગુજરાત સ્વર્ગ છે.
આપણે મોદીત્વ અને સંઘપરિવારથી છુટકારો મેળવવો હશે તો બિનભા.જ.પી. કે ભા.જ.પ.સંઘમુક્ત દેશનો કાર્યક્રમ આપવો પડશે.
********
નાદાનિયતથી બચીએ / ઉત્તમ પરમાર
આ દેશના હિંદુધર્મ આધારિત ગ્રંથો વાંચી, સમજીને મારી માન્યતા બંધાઈ છે કે અમારા પૂર્વજો, જેમાં દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને સર્વ પ્રકારના વંચિતોની જો કોઈ ઓળખ હતી, તો તે ઉપલા વર્ગનાં હિતો સાચવવા માટેની પ્રજા કે રૈયતથી વધારે ન હતી. દેશના સમાજ-જીવનમાં આઝાદીની ચળવળ દરમિયાન માર્ક્સ, ગાંધી અને આંબેડકરના વિચારોને કારણે અમારી માનવીય ગૌરવવાળી ઓળખ ઊભી થઈ હતી. તે પહેલાં અમારી ઓળખ ભગવદ્દગીતાના શબ્દોમાં કહીએ, તો ઉપલા વર્ગ કે વર્ણોનાં હિતો સાચવવા ‘નિષ્કામ કર્મ’ એટલે કે ‘વેઠ’ કરનારી પ્રજા તરીકેની હતી. ગાંધીના નેતૃત્વમાં આઝાદીના આંદોલને અમને નવું જીવન આપ્યું છે. જો આઝાદીનું આંદોલન સંઘ પરિવારના હાથમાં ગયું હોત તો આજે હું અને તમે અહીંયાં ન હોત. ગાંધી આવ્યા પછી મારા પૂર્વજો અને મારો ઇતિહાસ શરૂ થાય છે. આઝાદી પછી નેહરુકાળમાં સમગ્ર દેશમાં અને એકેએક રાજ્યમાં સામાજિક, આર્થિક અને રાજકીય રીતે જે બધા સર્વહારા હતા, તેમની ઓળખ ઊભી થઈ અને તે બધાના સ્વપ્રયત્નો અને રાજ્યના હકારાત્મક સહકારથી પોતાનું ભાવિ બદલી શકાશે, તેવી નક્કર આશા બંધાઈ.
આ દેશના સામાજિક માળખાનું પોત કેટલાક દાયકાઓના સંઘર્ષ પછી વિકસ્યું હતું, કાંઈક સ્થિર થઈ પોતાનાં મૂળિયાં આ બ્રાહ્મણવાદી ધાર્મિક વ્યવસ્થા સામે નાંખી રહ્યું હતું. તેની સામે નવી ચૂંટણીના પરિણામે ‘જૈસે થે અને રુક જાવ’ની સ્થિતિ પેદા કરી છે, જે લાંબે ગાળે જોખમકારક પરિસ્થિતિ પેદા કરી શકે તેવી તાકાત ધરાવે છે. ગાંધી સિવાય મને એક પણ રાષ્ટ્રીય ચળવળનો નેતા બતાવો, જેણે દેશની પચાસ ટકા સ્ત્રીઓના સશક્તીકરણ માટે ચિંતા કરી હોય. જે પટેલો, સ્ત્રીઓ, દલિતો અને આદિવાસી વગેરે વર્ગોએ આ ચૂંટણીમાં ભા.જ.પ. અને મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખી મત આપ્યા છે તે બધાને વિનંતી કરું છું કે હવે તે બધાએ સંગઠિત થઈને નાગપુર સ્થિત બ્રાહ્મણવાદી આર.એસ.એસ.નો કબજો લઈ લેવો જોઈએ
મને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિટલર, ગોબેલ્સ અને નીરો ત્રણનાં પૂરેપૂરાં લક્ષણો કે અંશો દેખાય છે. તેઓના વ્યક્તિત્વનો આદર કરવા જેવો નથી. રાષ્ટ્ર માટે જોખમકારક માણસ છે, તેનાથી ચેતવાની જરૂર છે. તેની તાકાતને નજરઅંદાજ કરવાની જરૂર નથી. જે દિવસે તેઓને એમ લાગશે કે હવે મારી સત્તા જોખમમાં છે કે તે પહેલાં તે દેશને યુદ્ધમાં પણ સત્તા બચાવવા હોમી દેવા જરીક પણ વિચાર કરે તેમ નથી. તેના નેતૃત્વ નીચે દેશની રાજકીય સત્તાનું પૂરેપૂરુ કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ થઈ ગયું છે, જે ગમે ત્યારે આ સત્તાનું આપખુદશાહીમાં રૂપાંતર થઈ શકે તેમ છે.
પ્રવીણભાઈ પટેલે પોતાનું વિષયને અનુકૂળ પૃથક્કરણ કરતાં કહ્યું હતું કે આ ચૂંટણીમાં દેશના યુવાનોએ મોટા પાયે બી.જે.પી. તરફી મતદાન કર્યું છે. તે વાત ખોટી નથી. પણ કેમ ? કારણકે આ દેશના યુવાધનને આઝાદીની ચળવળે સમાજના પોતને ટકાવી રાખવા જે અમૂલ્ય વારસો બનાવ્યો હતો, તે અંગે આપણે કશું જ જણાવ્યું નથી, સમજાવ્યું નથી. વાંક દેશના યુવાધનનો નથી પણ આપણો છે. દેશના યુવાધનને આપણે નવાં માનવલક્ષી મૂલ્યો સમજાવ્યાં નથી. હવે તે પ્રશિક્ષણ શરૂ થયું છે. બીજું નહેરુ ઘરાનાનાં મારી દૃષ્ટિએ ચાર અણમોલ રત્નો છે, તેમાં ગરીબો પ્રત્યે નિષ્ઠા, પ્રતિબદ્ધતા, અણીશુદ્ધ ધર્મનિરપેક્ષતા (સેક્યુલરિઝમ), વૈજ્ઞાનિક અભિગમ કે મિજાજ અને દેશ માટે પ્રગતિશીલ વિચારસરણીનો સમાવેશ થયો છે. આર.એસ.એસે. પેદા કરેલ નેતૃત્વ એટલું બધું અપરિવર્તનશીલ અને અસહિષ્ણુ (ઇનટોલરન્ટ) છે કે મને લાગે છે કે આખી દુનિયા સુધરશે પણ તે બધા સહેજ પણ ટસના મસ થાય તેમ જ નથી.
ગાંધીજીએ જનવાદી ચળવળ ઊભી કરી, તેની સામે આ સંપૂર્ણ પ્રત્યાઘાતીઓનો શંભુમેળો છે. બધા પાસે કોઈ વૈશ્વિક મૂલ્યો કે સંસ્કૃિત નથી, તે જે રાષ્ટ્રવાદની વાતો કરે છે અને હિંદુ સંસ્કૃિતનાં ગુણગાન ગાય છે, તે અંગેની તેઓની પ્રતિબદ્ધતામાં પણ શંકા છે. યેનકેન પ્રકારે આ દેશનો કબજો પોતાના હાથમાં રાખવો છે. આવા લોકોની અંદર આપણે વિકલ્પ શોધવો તે આપણી નાદાનિયત છે. હું તેમની સામે સંપૂર્ણ આશાવાદી છું; કારણ કે માનવજાત સર્જિત આ વિશ્વમાં ક્યારે ય કોઈ પણ દેશમાં લાંબે ગાળે આવા આર.એસ.એસ. બી.જે.પી. અને મોદીત્વ; જેવા પ્રત્યાઘાતી અને ધિક્કારનું રાજકારણ ખેલનારાનું કોઈ ભવિષ્ય નથી. સામ્યવાદી સોવિયેત રશિયા, હિટલરનું જર્મની અને મુસોલિનીનું ઇટલી તે બધા આધુનિક ઇતિહાસની કચરાપેટીની ટોપલીમાં ફેંકાઈ ગયેલા તાજેતરના દાખલાઓ છે.
*******
ચિંતા એકંદરમતીની / પ્રકાશ ન. શાહ
(તંત્રી, “નિરીક્ષક”)
ચૂંટણીનાં પરિણામો સાથે ભારતના ઐતિહાસિક લાંબા સ્વાતંત્ર્યસંગ્રામે પેદા કરેલાં રાષ્ટ્રીય મૂલ્યો આધારિત રાજ્ય સંચાલન માટેના પેદા થયેલા સર્વસંમતિના (કન્સેન્સસ) ખ્યાલને ભુલાય તેમ નથી. આ ઐતિહાસિક ફાળામાં કૉંગ્રેસનો એક પક્ષ કરતાં ચળવળ તરીકે જે ફાળો હતો, તે આજની રાજકીય સત્તાલક્ષી કૉંગ્રેસથી ભુલાઈ ગયો છે. વિસ્મૃત થઈ ગયો છે. બીજી બાજુએ આ ઐતિહાસિક સર્વસંમતિને બાજુ પર મૂકીને મોદી સરકાર આકાશમાં વિકાસની ખેતી અને ધરતી પર કોમવાદની ફસલ લણે છે. આખા ઉત્તરપ્રદેશમાં અમિત શાહ અને આદિત્યનાથ શું કરી રહ્યા છે ? આની સામે પેલી આઝાદીની ચળવળે પેદા કરેલ સર્વસંમતિવાળાં મૂલ્યોના આધારે વર્તમાન પ્રવાહોને તપાસ્યા કરવા જોઈએ. આટલા મોટા ઐતિહાસિક પ્રવાહોનો કોઈ એક છેડો પકડવાથી દેશનું દળદર ફીટે નહીં. ભાગ (પાર્ટ) એ પૂર્ણ (ફુલ) બની શકે નહીં, પૂર્ણ હોય તે ભાગ બની શકે નહીં. સ્વરાજ્ય સંગ્રામની જે વિરાસતમાં ગાંધી સાથે નેહરુ અને સરદારના સહિયારા પ્રયત્નોથી જે મૂલ્યો આધારિત સર્વસ્વીકૃતિ ઊભી થઈ હતી તે લક્ષમાં રાખીએ. હા, જરૂર પડે તેમાં સુધારાવધારા અવશ્ય કરીએ.
આજે આપણે ભા.જ.પ. આર.એસ.એસ. ધર્મ વિરુદ્ધ રાજ્યના મુદ્દે એકબીજાની સામસામે આવશે તેવી ચિંતા કરીએ છીએ પણ આજ સુધી ભા.જ.પ. જે સત્તાસ્થાને પહોંચ્યું છે, તેમાં રાજકીય સ્વરૂપની ધાર્મિકતાનો ફાળો ઓછો નથી … તેનું કારણ આ લોકોએ ધર્મનું રાજકીય વિચારધારાકરણ કરી નાંખ્યું છે. મોદીત્વ, ભા.જ.પ. અને સંઘપરિવાર વગેરેએ સંયુક્ત રીતે ધર્મનું રાજકીય વિચારધારાકરણ, વિકાસનો વેશ અને વ્યક્તિગત સત્તાકેન્દ્રી માહોલ ઊભો કર્યો છે. જવાહરલાલ નેહરુ પાસે સત્તાનું કેન્દ્રીકરણ થાય અને મોદી પાસે થાય તે બે વચ્ચે આસમાન – જમીનનો ફેર છે.
*******
થોડા મુદ્દાઓ / ઉર્વીશ કોઠારી
ગુજરાતમાં વ્યાપક સ્તરે ઇન્ટલેક્ચુઅલ-બૌદ્ધિક ને સેક્યુલર જેવા શબ્દોને ગાળ બનાવી દેવામાં આવ્યા છે, ત્યારે પ્રોફેસર પારેખ જેવાની બૌદ્ધિક દરમિયાનગીરીનું વિશેષ મહત્ત્વ છે. તેમણે જે રીતે મુદ્દા ઊભા કરી આપ્યા છે એ રીતે, મુદ્દાસર અને ઊંડાણથી ચર્ચા આગળ ધપાવવાની જરૂર છે. બાકી, અત્યાર લગી ઘણા વિદ્વાનો-ઍકૅડૅમિશિયનો ચંદ્રગુપ્તની ફરતા ચાણક્ય જેવા લાગ્યા છે. જે શાસક તેમની થિયરી સાકાર કરી બતાવે એવો લાગે, તેના બીજા મૂલ્યાંકનમાં આ ‘ચાણક્યો’ તટસ્થતા કે ધોરણ જાળવી શકતા નથી. તે સગવડે એવું માની લે છે કે બાકીની બાબતોમાં તો એ ‘સુધરી જશે’.
– કોમવાદ, રાષ્ટ્રવાદ અને વિકાસવાદના ઘાતક મિશ્રણથી મોદી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી શક્યા છે. તેમણે વોટિંગ મશીનમાં ગોટાળા કરાવ્યા, એવી કૉન્સ્પિરસી થિયરીમાં જવા જેવું નથી. આપણે વિચારવાનું એ છે કે કટોકટી પહેલાંના અરસામાં જે સંઘ પરિવારના લોકોને ઘણી જગ્યાએ બેસવા માટે ખાટલો મળતો ન હતો, એમાંનો એક માણસ સ્પષ્ટ બહુમતી શી રીતે મેળવી શકે છે. આ જીત પોતે રોગ નથી. એ રોગચિહ્ન છે. પ્રોફેસર પારેખ જેવા વિદ્વાનો પાસેથી આપણે એ જાણવું પડે કે તેની સાથે કેવી રીતે કામ પાડવું? અને અત્યાર લગી જે નિષ્ફળતા મળી છે, તેમાંથી શી રીતે બહાર આવવું – આગળ વધવું.
પ્રોફેસર પારેખે મોદીની ‘ચાવાળા’ તરીકેની ઓળખની વાત કરીને કહ્યું કે હવે સામાન્ય ચાવાળાને લાગે છે કે એ પણ વડાપ્રધાન બની શકે એમ છે. આ બહુ મોટી વાત છે.
સામાન્ય માણસના મનમાં આકાંક્ષાઓ જાગે એ મોટી વાત જ છે. પરંતુ વડાપ્રધાન મોદી સાથે ચાવાળાનું તાદાત્મ્ય ભ્રમ આધારિત અને પ્રચારમાંથી પેદા થયેલું છે. વડાપ્રધાનની ભાષણબાજી સિવાય, તેમની રહેણીકરણી અને ભપકાબાજીમાં ક્યાં ય ચાવાળા તો ઠીક, કોઈ સામાન્ય ભારતીયને પોતાનું પ્રતિબિંબ દેખાય કે તેમની સાથે એકરૂપતા અનુભવી શકે એવું લાગતું નથી. એક સમયે ગાંધીજી સાથે ભારતના ઘણા ગરીબો તાદાત્મ્ય અનુભવતા હતા તેના કરતાં આ સાવ જુદું જ છે.
– પ્રોફેસર પારેખે ચૂંટણીના પરિણામ પછી ભવિષ્યની સંભાવનાઓ તરીકે જે બાબતો રજૂ કરી છે, તેમાંની ઘણી ગુજરાતમાં વર્તમાન કે ભૂતકાળ બની ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે વડાપ્રધાન બન્યા પછી, ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાય એ માટે, નરેન્દ્ર મોદી પોતાની પ્રકૃતિ અને કાર્યપદ્ધતિથી ઉપર ઊઠી શકે છે કે પછી ઇતિહાસ જાતે જ લખી નાખવાનો (અત્યાર લગીનો) સહેલો રસ્તો લે છે?
સંઘ અને મોદી વચ્ચેના સંબંધ પણ એક અગત્યનો મુદ્દો છે. જાણીતી રમૂજ પ્રમાણે, સુખી દામ્પત્યનું રહસ્ય પુછાતાં પતિએ કહ્યું હતું, ‘નાના મુદ્દા મારી પત્ની નક્કી કરે છે. એમાં હું માથું મારતો નથી. જેમ કે, ઘર કેમ ચલાવવું, છોકરાં ક્યાં ભણાવવાં, કોને કેટલી ખિસ્સાખર્ચી આપવી અને મોટા મુદ્દા હું નક્કી કરું છું. એમાં મારી પત્ની દખલ દેતી નથી. જેમ કે, ઇરાન સાથે અમેરિકાએ કેવા સંબંધ રાખવા, પુતિને યુક્રેન પર આક્રમણ કરવું કે નહીં.
સંઘ અને મોદીના સંબંધમાં અત્યાર લગી ‘નાની-નાની’ વાતો વડાપ્રધાન નક્કી કરતા હોય એવું લાગે છે. સંઘના માણસો ધડાધડ મુખ્ય મંત્રી બનવા લાગ્યા છે. એટલે સંઘનું સાવ ઊપજતું નથી એમ નહીં, પણ અસલી સત્તા વડાપ્રધાને પોતાની પાસે રાખી છે અને પોતાનું હિત ન જોખમાય ત્યાં સુધી એ સંઘને ‘અચ્છે દિન’ આવી ગયા હોવાનો અહેસાસ માણવા દે એવી પૂરી શક્યતા છે.
– ગુજરાતમાં ન્યાયતંત્ર, શિક્ષણ, પર્યાવરણથી માંડીને સરકારી રાહે થતી જાસૂસી જેવી બાબતોમાં ગંભીર પ્રશ્નો વિશે અનેક વાર લખાઈ ચૂક્યું છે. એટલે વડાપ્રધાન કેન્દ્રમાં ‘ગુજરાત મૉડેલ’ લાગુ પાડવાની વાત કરે ત્યારે ફાળ પડે છે. અમિત શાહનો સાવ નજીકનો ભૂતકાળ તપાસતાં, તેમની અભૂતપૂર્વ બઢતી ચિંતાનું કારણ બને એવી છે.
– ગાંધીજીને વ્યક્તિગત રીતે બદનામ કરવાના પ્રયાસ થશે, એવી સંભાવના પ્રોફેસર પારેખે ઉચ્ચારી છે. પરંતુ બીજી ઘણી બાબતોની જેમ આ પણ બની ચૂક્યું છે. ‘ઇન્ડિયા ટુડે’ જેવા રાષ્ટૃીય સાપ્તાહિકમાં જે રીતે મનુબહેનની ડાયરીની કેટલીક સામગ્રીને ચગાવવામાં આવી, તેમાં ઇતિહાસરસ કે સંશોધકરસ નહીં, કેવળ અપરસ અથવા ‘સોપારી’ કારણભૂત હોય એવું લાગતું હતું.
*******
હાલ પૂરતી ચર્ચા સમેટતાં / ભીખુ પારેખ
આ વિચારગોષ્ઠિમાં આપણે ૧૬મીએ પેદા કરેલા પ્રવાહોનું પૃથક્કરણ કરીએ છીએ ત્યારે મને શ્રીમતી થેચરની રૂઢિચુસ્ત પાર્ટી સતત એક પછી એક ચૂંટણી જીતતી હતી અને અમારી લેબર કે મજૂરપાર્ટી સતત ચૂંટણી હારતી જતી હતી તે દિવસો યાદ આવ્યા. તે સમયની ડિબેટ મને યાદ આવી. બ્રિટનના સર્વોચ્ચ (ટોપ મોસ્ટ) સમાજવાદી અને માર્ક્સવાદી બૌદ્ધિકોએ તારણ કાઢ્યું કે જો તમારી અંગત કે સામાજિક સમસ્યાનું નિદાન (ડાયગ્નોસીસ) ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. મને એમ લાગે છે કે આપણા રોગના નિદાન ઉપર આપણી પકડ આવતી નથી. અમે ઇંગ્લૅન્ડમાં થેચરની આર્થિક નીતિઓ સમજવામાં નિષ્ફળ ગયા. સને ૧૯૭૯માં થેચર સત્તા પર આવ્યાં ત્યારે તેમણે ખરેખર પોતાની આર્થિક નીતિ પહેલેથી ઘડી જ ન હતી. ‘થેચરોનૉમિક્સ’ જેવો તેમનો એજન્ડા જ નહોતો. અમારી લેબર પાર્ટીનો જે અર્થતંત્રનાં જુદાં – જુદાં ક્ષેત્રોનો રાષ્ટ્રીયકરણનો એજન્ડા હતો, તેને બદલે તેમણે ડીનેશનાલાઇઝેન કે તે ક્ષેત્રોનું ખાનગીકરણ શરૂ કર્યું. આ બની ગયું ‘થૅચરોનૉમિક્સ’. અમે લેબર પાર્ટીવાળાએ ધારી લીધું કે તેઓ મૂડીવાદી વિચારસરણીનું મૂર્ત સ્વરૂપ (ઍમ્બૉડીમેન્ટ) છે. અમે વડાંપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે પ્રાધાન્ય આપ્યું હતું.
આવું જ આપણા ‘મોદીત્વ’ માટે છે. હું મોદીત્વ શબ્દનો ઉપયોગ ન કરું. મારી દૃષ્ટિએ ‘મોદીત્વ’ જેવું કાંઈ છે નહીં. રાજકારણમાં સત્તા મેળવ્યા પછી તે ‘રાજકીય સત્તા’ જ પ્રમાણમાં તમને શીખવે છે કે કેવા નિર્ણયો કરવા. જેમ થેચરિઝમ ખોટું હતું, તેવું પૂરેપુરું ‘મોદીત્વ’ બાબતમાં છે. આ મુદ્દે આપણે અમારી લેબર પાર્ટી જેવી જ ભૂલ કરી રહ્યા છીએ.
દા.ત., આ ચૂંટણીમાં ઘણા બધા માને છે કે બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી છે, તે ફક્ત હિંદુત્વ કે બહુમતી હિન્દુધર્મના મતદારોને કારણે છે. હું આ વાત બિલકુલ સ્વીકારતો નથી. બી.જે.પી. અને ખાસ તો આર.એસ.એસ. પાસે કયો ધર્મ છે ? આ પક્ષની જે રાષ્ટ્રીય પ્રાદેશિક કે જિલ્લા કક્ષાની નેતાગીરી છે, તેને કયો ધર્મ છે, જે રોજબરોજ તેઓના જીવનમાં પાળે છે ? ટોચની કક્ષાના બી.જે.પી.-આર.એસ.એસ.ના એક સમયના સર્વોચ્ચ નેતાઓ નાસ્તિક (એથીસ્ટ) હતા. સાવરકર, હેડગેવાર અને અટલબિહારી વાજપેયી આ બધા જ નાસ્તિક હતા. અટલજી ઇંગ્લૅન્ડમાં આવ્યા હતા, ત્યારે તેઓને હું એક કૉન્ફરન્સમાં મળ્યો હતો, ત્યારે મને સાથે રહીને તેઓને વૈચારિક રીતે સમજવાની પૂરેપૂરી તક મળી હતી. આ ચૂંટણીમાં બી.જે.પી.ની તરફેણમાં અમે હિંદુ છીએ, અમારે હિન્દુ સંસ્કૃિત જાળવવી છે, તેવા પ્રવાહોએ ચોક્કસ ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રવાદનો મુદ્દો પણ મહત્ત્વનો હતો. આ સોનિયા અને મનમોહનસિંહ દેશને ક્યાં લઈ જશે ? ચીન અને ભારત લગભગ એકીસાથે સ્વતંત્ર થયા તો આ છ, સાડા છ દાયકામાં ચીન આપણાથી કેમ આઠથી દસ ગણું આગળ ‘વિકાસની દોડ’માં નીકળી ગયું ? આપણું વિકાસનું મૉડેલ કેવું હોવું જોઈએ ? દિલ્હીની એક રાજકીય ચૂંટણીનો સર્વે કરતી પ્રતિષ્ઠિત સંસ્થા ‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’એ પોતાના તારણમાં જણાવ્યું હતું કે દેશના ૨૬ ટકા મુસ્લિમ મતદારોએ મોદીમાં વિશ્વાસ મૂકીને મત આપ્યા હતા. મોદી જો વડાપ્રધાનપદના ઉમેદવાર અને પક્ષના વડા ન હોત, તો બી.જે.પી.ને પોતાના મત ન આપ્યા હોત ! અહીંયાં, હું ભાઈ ઉર્વીશની એ વાત સાથે સંમત થાઉં છું કે બી.જે.પી. અને ખાસ કરીને આ ચૂંટણીમાં મોદીની જીત માટે હિન્દુવાદી પરિબળોની તરફેણ ઉપરાંતનાં પણ બીજાં પરિબળો સહભાગીદાર અને નિર્ણાયક હતાં જે બી.જે.પી.માં માનતાં ન હતાં તેમ છતાં જેણે ખેંચાઈને મોદી તરફી મત આપ્યા હતા. નેતાઓ અંગેની આવી લોકલાગણી કે સમજ(પબ્લિક પ્રોફાઇલ)ને નજરઅંદાજ કરી શકાય નહીં. બી.જે.પી. પાસે હિંદુત્વ તો ખરું જ. પણ સાથે તેના નેતૃત્વમાં ઉગ્ર દેશદાઝ છે, અમુક પ્રકારની આર્થિક નીતિ છે. બી.જે.પી.માં કોમવાદ (કમ્યુનાલિઝમ) છે. પણ તેની સાથે ઉપર જણાવેલ મુદ્દાઓ પણ જીત માટેનાં અગત્યનાં પરિબળો હતાં. મોદીનો વ્યક્તિગત ભાવ અને પ્રજાની ઊંડી ભાવના વ્યક્ત કરવાની શક્તિને પણ યશ જાય.
બી.જે.પી.ના વડા અને હવે રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે મોદીજી પોતે એક વ્યક્તિ તરીકે ખૂબ જ મર્યાદિત કક્ષાએ જે ઐતિહાસિક પરિબળો અને પ્રવાહો છે, તેને નબળાં કે ધીમાં પાડી શકે. પણ તે પ્રવાહો તો વ્યક્તિગત માનવીય અસરોથી ઘણા વિમુખ અને વ્યાપક કે સર્વગ્રાહી હોય છે. આ સંદર્ભમાં મોદી ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં દબાણો આવતાં હશે, છાશવારે ને છાશવારે તેઓને સમાધાન પણ કરવાં પડતાં હશે. તેઓ એક સમયના આર.એસ.એસ.ના પ્રચારક હતા, પણ તે અને તેમનું દેશનું વડાપ્રધાન પદ કેટલું વર્તમાન આર.એસ.એસ.ની નેતાગીરી અને તેની સંસ્થાથી પ્રભાવિત બનશે, એ તો ભવિષ્ય જ નક્કી કરશે.
છેલ્લાં એક સો વર્ષમાં ભારતમાં મુસલમાનોનું શું સ્થાન, આનો જવાબ હજુ સુધી મને મળ્યો નથી. પંડિત નેહરુ જેવા માણસ ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ જેવું પુસ્તક લખતા હોય, ત્યારે મુસ્લિમ સમયની વાત આવે છે ત્યારે તે પણ સ્પષ્ટતાથી લખી શકતા નથી. ગાંધીજી જેવા પણ કહે છે કે આ મુદ્દે આપણે ઇતિહાસ ભૂલી જવાનો. બંધારણસભાની ચર્ચાઓમાં પણ આનો જવાબ નથી. ભારતની બંધારણ સભામાં બહુમતી સભ્યો કૉંગ્રેસના, તે પણ હિંદુ ઉચ્ચ જ્ઞાતિઓના (અપરકાસ્ટ હિંદુઝ). તેમાં બાબાસાહેબ આંબેડકર પણ ન હતા. બાબાસાહેબ તો મુસ્લિમ લીગના ટેકાથી આસામમાંથી આવ્યા હતા, બંધારણસભામાં એક ચર્ચા એવી પણ થઈ કે દેશનું નામ શું રાખવું. અંગ્રેજીમાં આપણે ‘ઇન્ડિયા’ કહીએ છીએ તેનું ખરેખર નામ શું રાખવું. હિન્દુસ્તાન ચાલુ રાખવું, બંધારણ સભાએ બંને નામો રાખ્યાં. બંધારણની અંગ્રેજી કૉપીમાં ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એવું લખાયું છે, પણ તેની હિંદી કૉપીમાં ‘ભારત’ પહેલું આવે છે, અને ‘ઇન્ડિયા’ પછી. હજુ પંદરમી ઑગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીને દિવસે લાલ કિલ્લા પરથી નારો તો જયહિન્દનો જ બોલવામાં આવતો હતો. પહેલી વાર મોદી તરફથી જયભારત અને ભારતમાતા કી જય જેવા નારા બોલવામાં આવ્યા હતા. બીજો એક મહત્ત્વનો મુદ્દો ચર્ચા પર આવ્યો કે દેશનો મુદ્રાલેખ (મોટો) કયો રાખવો ? બંધારણસભાએ આ કામ નક્કી કરવાની જવાબદારી પંડિત જવાહરલાલજીને સોંપી. તેઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને બીજા ત્રણ-ચાર તજ્જ્ઞોને મળીને ‘સત્યમેવ જયતે’ મુદ્રાલેખ પસંદ કર્યો હતો. એ મને ખૂબ ગમે છે, પણ આશ્ચર્ય થાય છે કે તે સંસ્કૃતમાં કેમ. આપણા દેશની ઓળખ માટેના નક્કી કરેલાં જે સાત કે આઠ રાષ્ટ્રીય પ્રતીકો (નેશનલ સિમ્બોલ્સ) છે, તેમાં એક પણ પ્રતીકમાં ઇસ્લામ નથી. દેશનું નામ, રાષ્ટ્રગીત, મુદ્રાલેખ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય પ્રતીક (ક્રેસ્ટ) વગેરેમાં ક્યાં ય ઇસ્લામ નથી. તે સમયના નેતાઓ તો સંપૂર્ણપણે સેક્યુલર હતા, છતાં આવું કેમ બન્યું ? આશરે એક હજાર વર્ષથી દેશમાં મુસલમાનો રહે છે. તેઓએ રાજ્ય કર્યું. બંધારણની ભાષા, વ્યાકરણનો તર્ક (લૉજિકલ ગ્રામર ઓફ ધી કૉન્સ્ટિટ્યૂશન) વગેરેનો અભ્યાસ કરવામાં આવે, તો એવો નિષ્કર્ષ નીકળે છે કે ‘આ દેશ અમારો છે, હિન્દુઓનો છે. તેમાં અમે જ પ્રભુત્વમાં (ડોમિનન્ટ) રહીશું. પણ મુસ્લિમોનાં હિતોને નુક્સાન ન થાય તે માટે અમે નીચે મુજબની ગૅરંટી આપીએ છીએ. હિન્દુઓની સંસ્થાઓ સાથે રાજ્ય દખલ કરી શકે પણ મુસ્લિમ સંસ્થાઓ જોડે નહીં. કારણ કે તે સમયે એવું માનવામાં આવ્યું હતું કે ભારતનું રાજ્ય હિન્દુઓના હાથમાં જ રહેશે. આ દેશ હિન્દુઓનો છે અને રહેવાનો છે, તેવું બ્રિટિશરોએ કહ્યું અને આપણે માની લીધું. આવાં સંસ્થાનવાદી ધોરણો(કોલોનિયલ એઝમ્પ્શન્સ)માંથી બહાર નીકળવું સરળ કે સહેલું નથી. પણ તે સંદર્ભે પુનઃવિચાર અનિવાર્ય છે. આપણે બિનઉપનિવેશવાદી (ડિ-કોલોનિયલાઇઝ્ડ) રીતે વિચારવાની ટેવ વિકસાવવાની છે. એક બી.જે.પી.-આર.એસ.એસ. સંચાલિત રાજ્યસત્તાવાળા દેશમાં મુસ્લિમોનું યોગ્ય, નિયમ મુજબનું કે કાયદેસર(લેજિટિમેટ)નું સ્થાન શું ? સમાન હકો તો આપ્યા છે ને ! હા, બરાબર. પછી આગળ ચાલો. ભાષા કઈ ? સિમ્બોલ કર્યાં ? તે બધાં તો હિન્દુઓનાં જ રહેવાનાં ? કેમ ? દેશમાં એક ધર્મની પ્રજા સતત બધા જ પ્રકારનું પ્રભુત્વ રાજ્યમાં ચલાવતી હોય તે કેવી રીતે ચાલે ? લોકશાહી શાસન છે. બ્રિટનમાં અને અમેરિકામાં પણ આ ચર્ચા ચાલી રહી છે. રાજ્ય છે, સાથે-સાથે નાગરિક છે અને તેમની સાથે તે બધાના જુદા-જુદા સામાજિક સમૂહો (સોશિયલ કૉમ્યુનિટીઝ) છે. તે બધાનાં હિતોનું શું ? રાજ્ય છે પણ સાથે નેશનાલિટીઝ પણ છે ને ? રાજ્યને તેના જુદા-જુદા સામાજિક સમૂહો સાથે કેવા સંબંધો છે અને હોઈ શકે ? આ પ્રશ્ને આપણને સને ૧૯૪૭માં પજવ્યો છે, પંડિતજીના જમાનામાં તેમને પજવ્યા હતા અને મોદીના શાસનમાં વધારે તીવ્રતાથી તેઓને પણ પજવશે. દા.ત. બ્રિટનમાં ક્રિશ્ચિયન સાથે એશિયન, આફ્રિકન અને વિશ્વભરના દેશોની પ્રજા રહે છે. દરેકને સમાન હક્કો છે, પણ દરેકને પોતાની સામાજિક ઓળખ છે. પણ અહીંયાં પણ જ્યારે અન્ય સામાજિક જૂથોની રાષ્ટ્રીય ઓળખો માટે કે પ્રતીકોની વાત થાય છે, ત્યારે માર્ક્સવાદીઓ પણ કહે છે કે ઇંગ્લૅન્ડ દેશ તો ક્રિશ્ચિયન ધર્મવાળી બહુમતીનો હોય તો પ્રતીકો પણ તે પ્રમાણે જ હોય ને ! અમેરિકામાં પણ મેક્સિકન કે હિસ્પેનીક નાગરિકોની સંખ્યા વધવાથી સેકન્ડ લૅંગ્વેજ તરીકે ‘સ્પેનીશ’ ભાષાને કાયદેસરની માન્યતા આપવાની વાત ચાલે છે.
મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આર.એસ.એસ.ને ચોક્કસ પડકારવો જ જોઈએ, કારણ કે તે ભારતના ભાવિ માટે ખતરારૂપ છે (ધી સોલ ઑફ ઇન્ડિયા ઇઝ એટ સ્ટેક). આર.એસ.એસ. અને હિન્દુ મહાસભા અલગ-અલગ સંસ્થાઓ ખરી; સાવરકર હિંદુ મહાસભાના પણ આર.એસ.એસ.ના નેતા નહીં. તેમ છતાં ય આ બંને સંસ્થાઓની વિચારસરણીઓમાં ઘણું સામ્ય છે. જે દેશ માટે આપણને પ્રેમ છે, જેનું સ્પષ્ટ વિઝન આપણી પાસે છે, તેની સામે આ પડકાર છે. આર.એસ.એસ.ની વિચારસરણી બૌદ્ધિક રીતે ભ્રષ્ટ અને વિકૃત (કરપ્ટ ઍન્ડ પર્વર્સ) વિચારસરણી છે. તેનો સામનો કરવો પડશે. તેને અર્થહીન કે અવાસ્તવિક (રબીશ) ગણી ફેંકી દેવાશે નહીં. વિચારોનો સામનો વિચારોથી જ થઈ શકે. (આઇડિયાઝ કેન બી ફોટ ઓનલી વીથ આઈડિયાઝ) કાર્લ માર્ક્સે કહ્યું હતું કે વિચારોનાં શસ્ત્રો વિચારો જ હોઈ શકે (વેપન્સ ઓફ આઇડિયાઝ આર આઇડિયા ધેમ સેલ્વેઝ). આવી ચર્ચા આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કરવાની ખાસ જરૂર એટલા માટે છે તે લોકોએ ગુજરાતને પોતાની વિચારસરણીના આધારે રાજ્ય સત્તા પ્રાપ્ત કરવાની પ્રયોગશાળા ગણી હતી. તે પ્રમાણે પરિણામ પણ લાવી બતાવ્યું છે. આ આર.એસ.એસ.વાળા લોકો દેશને હિંદુ ધર્મ આધારિત રાષ્ટ્ર બનાવવાની પેરવીમાં પડી ગયા છે, તેને આપણે શું કહીશું ? તેની સામે આપણો શો વિકલ્પ છે ?
તેનો ઉપાય આવા ઍકૅડૅમિક સેમિનારમાં છે. આ બાબતે સવાલ જવાબ થવા જોઈએ, તો જ આપણામાં બૌદ્ધિક સ્પષ્ટતા પેદા થશે. જો આપણે આ બધા મુદ્દે સ્પષ્ટ નહીં હોઈએ, તો આપણાં લખાણોમાં પણ સ્પષ્ટતા નહીં આવે.
આ પ્રશ્ને આપણે આર.એસ.એસ.ના કોઈ બૌદ્ધિક માણસને ચર્ચા માટે બોલાવવો જોઈએ. જિદ્દી કે અસહિષ્ણુ માણસ સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. આવા માણસને પૂછો કે ભાઈ ! તને બૌદ્ધિક રીતે સત્ય આધારિત, શાંત અને સ્વસ્થ રીતે ચર્ચા કરવામાં રસ છે ? હા, તો તેવા માણસને આપણે પક્ષે પાંચ-પંદર માણસો ભેગા થઈને પૂરા ગૌરવ સાથે ચર્ચા માટે બોલાવો. એક પછી એક પ્રશ્નો પૂછો. બોલો ભાઈ ! આ દેશને તમારે ક્યાં લઈ જવો છે ? તમારા રાષ્ટ્રમાં દેશની મુસ્લિમ વસ્તીનું શું સ્થાન છે ? દેશના મુસલમાનોને તમારે ક્યાં લઈ જવા છે ? નાગરિક તરીકે તેઓને સરખા અધિકારો અને વિકાસની સરખી તકો મળવી જોઈએ, તે અંગે તમારે શું કહેવું છે ? તદ્દ ઉપરાંત દેશની અસ્મિતાના ઘડતરમાં મુસ્લિમોનું યોગદાન હિન્દુ અને બ્રિટિશરો જેટલું જ છે. એક પછી એક આર્ગ્યુમૅન્ટ બાય આર્ગ્યુમૅન્ટ કરીને તેનાં ખ્યાલો અને ધારણાઓને શાંતિથી પડકારો. કદાચ તે સંમત થાય કે ન થાય પણ તેની નિષ્ફળતામાં તમારો આત્મવિશ્વાસ (સેલ્ફ-કૉન્ફિડન્સ) વધશે. નઇપાલે એક જગ્યાએ કહ્યું હતું કે તમે શાંત પાણીમાં પથ્થર નાખશો, તો એક પછી એક વમળો પેદા થશે અને આ વમળોએ પેદા કરેલાં વર્તુળો એક પછી એક પછી એટલાં મોટાં થતાં જશે કે તમને દેખાશે પણ નહીં. કોઈકે કહ્યું છે કે કોઈ પણ હિંદુને બૌદ્ધિક રીતે ફંફોળશો, તો તેનું વલણ બી.જે.પી. તરફી હશે.’ દેશના બહુમતી માનસ ઉપરનું આ ઝેર (ટૉક્સિન) કાઢવું હશે, તો સતત એક પછી એક બૌદ્ધિક જ્ઞાન અને તર્ક આધારિત દલીલો ચાલુ રાખવાથી જ બનશે. સતત બૌદ્ધિક સંઘર્ષ જરૂરી છે.
ભારતીય વ્યક્તિલક્ષી રાજકારણમાં એક સામાન્ય પ્રવાહ કે વૃત્તિ હોય છે કે લોકોને મોદીની તરફેણ વાળા (પ્રો-મોદી) અને મોદીના વિરોધ વાળા (ઍન્ટિ-મોદી) તે રીતે વહેંચી નાંખવામાં આવે છે. આ તો રાજકારણનું સરલીકરણ બતાવે છે કે જાણે એક જ વ્યક્તિ દેશનો ભાગ્યવિધાતા હોય ! મોદીમાં મૂળભૂત રીતે દેશને બદલવાની સંભવિત શક્તિઓ છે. સાથે-સાથે તેને થીજવી દેનારી વૃત્તિઓ પણ છે. ખરેખર તો આપણે નવી રાજ્યવ્યવસ્થા પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તે દેશમાં રાજકીય સ્થિરતા, સંવાદિતા, સમૃદ્ધિ બની રહે, તેવા વાતાવરણનું સર્જન કરે અને બૌદ્ધિક રીતે આવાં પરિબળોને ગુંજતા કે (વાઇબ્રન્સી), ધબકતાં રાખે, આપણે મોદીનાં કાર્યો અને નીતિઓનું તે રીતે મૂલ્યાંકન કરવું જોઈએ.
આજ સુધીનાં મોદીનાં કાર્યોનું મૂલ્યાંકન કરીએ, તો તેમાં શાણપણ અને રાજકીય સર્જનશીલતા દેખાય છે. આવાં કાર્યોમાં પડોશી દેશો સાથે સારા સંબંધો, આર્થિક વિકાસ પર સતત મહત્ત્વ, એન.આર.આઈ. સાથે ઘનિષ્ઠ સંબંધો, વહીવટીતંત્રને કાર્યક્ષમ બનાવવું, મધ્યમવર્ગની એષણાઓને સંતોષવી અને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અને ટૉઇલેટ માટેનું અભિયાન શરૂ કરવું, જે આજ દિન સુધીના કોઈ વડાપ્રધાનોએ કર્યું નથી.
સાથે-સાથે મને ઘણી અંગત ચિંતાઓ છે. તેમાં સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યક્તિગતકરણ, પ્રધાનમંડળમાં ટીમ સ્પિરીટનો અભાવ, ઘણા બધા મેળાવડા ‘ફનફેર’ કરીને જાહેર કરેલી યોજનાઓના અમલીકરણમાં ઘોર નિષ્ફળતા, કૉર્પોરેટ જગતનાં હિતોને રાષ્ટ્રનાં હિતોના ભોગે લાડ લડાવવાં (પેમ્પરિંગ કૉર્પોરેટ ઇન્ટરેસ્ટ) અને પોતાના પક્ષની અંદરનાં અને માતૃસંસ્થાનાં અંતિમવાદી તત્ત્વો સામે સમજપૂર્વકની વિમુખતા બતાવવી તે છે.
મોદીમાં એકીસાથે બે શક્તિઓ છે ઃ એક અસરકારક રાષ્ટ્રનિર્માણ કરનારા(ઇફેક્ટિવ નેશનબિલ્ડર)ની અને બીજી પક્ષની અંદર ભાગલા પાડનારા કે વિભાજન કરનાર (ડિવિઝિવ પાર્ટી લીડર) નેતા તરીકેની. સમય જ કહેશે કે તે કઈ દિશામાં જશે. તેઓની પાસે સારું વ્યૂહાત્મક નિર્ણય કરનારું મગજ છે. કામ કરવાની અખૂટ શક્તિ છે, સારા સલાહકારો છે, દેશને માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે. આ બધી શક્તિઓનો તેઓ કેવો ઉપયોગ કરે છે, તેના પર સફળતાનો આધાર છે.
બિપિનભાઈએ ખૂબ જ મહેનત કરીને આ સેમિનારને સફળ બનાવ્યો છે. આશા રાખું કે હાજર રહેલા સૌના સહકારથી નિયમિત રીતે દર બે કે ત્રણ માસે આવી વિચારગોષ્ઠિનું આયોજન થાય. કાયમ માટે મારો સહકાર છે તેમ જ માનજો. આભાર.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2014. ગોષ્ઠિના સંપૂર્ણ પાઠ માટે જુઓ પૃ. ૨-૧૦, ૧૩-૧૮