છેલ્લાં આશરે દસેક વર્ષથી અમદાવાદ શહેરની સિકલ બદલવા માટે શહેરના મ્યુિનસિપલ કોર્પોરેશને જે પગલાં લીધાં છે તેમાં કેટલાંક એવાં છે જે પ્રજાહિત કરતાં વધારે તો ટાપટીપ કરીને સુંદર દેખાવના પ્રયત્ન કરવા સમાન છે. એક ઉદાહરણ કાંકરિયા તળાવ. ઇ.સ. ૧૪૫૧માં બંધાયેલા આ તળાવની ફરતી જે પથ્થરોની પાળી હતી તે બંધાયું ત્યારથી લગભગ એવી ને એવી ટકી રહી હતી. એમાં કદાચ સમારકામ થયું હશે તો પણ, સીદી સૈયદની મસ્જિદમાં કે હઠીસિંહનાં દહેરાંમાં કે જૂના કાળની અન્ય ઈમારતોમાં છે તેવા જ પીળા, સહેજ છિદ્રાળુ પથ્થરોથી થયું હશે. હવે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશને કાંકરિયા “સુંદર”(?) બનાવવા આધુનિક જમાનાના પથ્થરો જડી દીધા. વળી ચારે દિશાએથી તળાવે પહોંચવાના જે પાંચ-છ માર્ગ છે તે દરેકને લોખંડના દરવાજા લગાવી દીધા જેથી કરીને પૈસા આપીને ટિકિટ ખરીદ્યા સિવાય કોઈ તળાવે પહોંચી ન શકે. જે તળાવ લોકોપયોગ માટે છે, જ્યાં સામાન્ય કમાણી કરતો, માંડ માંડ રોટલો રળી શકતો માણસ પણ ક્યારેક બૈરી-છોકરાં સાથે આ તળાવે આવીને નાનીશી “સહેલ” લીધાનો સંતોષ લઈ શકતો તેને માટે હવે ૨૦-૨૫ રૂપિયા ખરચીને ટિકિટ વિના પ્રવેશ લેવાની પણ બંધી થઈ ! કાંકરિયા આમ બંધ થયું ત્યારે કેટલાક જાગૃત પ્રજાજનોએ તે સામે વિરોધ કરેલો, શાંત દેખાવો કરેલા, પરંતુ તેનું કશું પરિણામ આવે તે પહેલાં કોઈકે કોર્ટમાં વિરોધ નોંધાવી દીધો જેને લીધે “મેટર સબજ્યુડીસ” થઈ, મતલબ કે હવે કોઈ દેખાવો તો શું, કશું લખવું-બોલવું-કહેવું પણ કદાચ “કોર્ટના તિરસ્કાર”માં ખપે.
છેલ્લાં પાંચેક વર્ષ દરમ્યાન સાબરમતી નદીના પટને રૂપાળો બનાવીને સહેલગાહ માટે એક નવતર જગ્યા વિકસાવવાનું થયું છે. શાહીબાગમાં ભીમનાથ મંદિરવાળા ઓવારાની સહેજ ઉપરવાસથી લઈને વાસણા બેરેજ સુધી નદીના બેઉ કાંઠે સહેલગાહ માટેના પહોળા માર્ગ બનાવાયા છે. નદીકાંઠે નાની નાની ઓરડીઓ બનાવી તેમાં રહી મજૂરી કરતાં, નદીમાં ધોબીઘાટ ન હોવા છતાં ત્યાં કાપડ અને લૂગડાં ધોતાં કુટુંબોને ત્યાંથી ખસેડી નખાયાં છે. કહેવાય છે કે તેઓને વૈકલ્પિક વસવાટો અપાયા છે. પણ તે શું બરાબર છે? નાના છોડવા ઉખેડીને બીજે લઈ જઈ રોપાય, મોટાં થયેલાં ઝાડવાં એમ ઉખાડો તે શું બીજે ચોટી શકે ખરાં? અને વનસ્પતિ માટે જે કાળજી લેવાતી હોય છે તેનાથી પા ભાગની કાળજી પણ માણસો ખસેડતાં લેવાતી હોય છે ખરી? નર્મદા નદી આડે બંધ બાંધ્યો ત્યારે આવો પ્રશ્ન મોટા પાયે હતો, દુનિયાભરનું ધ્યાન ખેંચાયું તેટલો મોટો હતો; સાબરમતી નદીકાંઠે વસતાં કુટુંબોની સંખ્યા પ્રમાણમાં નાની; પણ તેથી શું એમની વેદના પણ નાની?
આ નદીને ઓવારે ઓવારે પ્રજાજનો જઈ શકતા, વારતહેવારે સ્નાન કરતા, શાળાઓ ઉજાણી કરવા આવતી ત્યારે બાળકો નદીમાં છબછબિયાં કરવા જઈ શકતાં; અરે, કદાચ ગાંધીજી પણ સાથીઓ સાથે સત્યાગ્રહ આશ્રમને ઓવારે ઊતરીને સ્નાન કરવા ગયા હશે – આ બધી સામાન્ય પ્રજાજનોની જગ્યાઓ તે કોઈ પણ સત્તામંડળ પોતાને હથ્થુ કરી જ કેવી રીતે શકે? કયા અધિકારથી? નર્મદા નદીનાં પાણી સાબરમતીના પટમાં વહેવડાવી દીધાં એટલે શું નદી સરકારની માલિકીની થઈ ગઈ?
અને આ ખેલ માત્ર અમદાવાદ પૂરતો સીમિત ક્યાં છે? “વિકાસ” નામનું ગાજર લટકાવીને જૂજ ઉદ્યોગપતિઓ સાથે મળીને પ્રજાને વગર ડફણે હાંકવાની રસમ ગુજરાતમાં એકાધિક ઠેકાણે ચાલી રહી છે. આને શું કહીશું? “શહેરની સિકલ બદલી નાખી” કે “પ્રજાની પથારી ફેરવી નાખી”?
***
આજે એમ થાય છે કે શું માણેક બાવો સાચો હતો? સાંભળ્યું છે કે આશા ભીલનું અને બીજાં એવાં ગામો બહાર રાખીને અમદાવાદ નગર ફરતો કિલ્લો બંધાતો હતો તે રોકવા માણેકનાથ બાવાએ પોતાની કરામત વાપરી હતી. કિલ્લો દિવસે ચણાતો હોય ત્યારે બાવો સાદડી ગૂંથે અને રાતે ચણતર કામ બંધ હોય ત્યારે બાવો સાદડી ઉકેલી નાખે અને તેની સાથોસાથ દિવસભારનું ચણતર તૂટી પડે. દંતકથા કહે છે કે બાવાને પોતાની વિદ્યાનો ચમત્કાર બતાવવા પાદશાહે બોલાવીને પરીક્ષા લીધી; બાવાએ ગર્વથી સિદ્ધિ વાપરીને નાની માખીનું સ્વરૂપ લીધું અને નાનકડી ટબૂડીમાં પેસી ગયો. પાદશાહે ટબૂડી બંધ કરાવી દીધી અને માણેકનાથ બાવો કાયમ માટે – કે કદાચ કિલ્લો ચણાઈ રહે ત્યાં સુધી? – ટબૂડીમાં જ પુરાઈ રહ્યો.
આજે પ્રશ્ન થાય છે કે માણેકનાથ બાવાએ કેમ એવું કર્યું હશે? કદાચ એ કિલ્લો કરવા માટે તે ભૂમિના નિવાસીઓને પરાણે સ્થળાંતર કરવાનું હકૂમત તરફથી દબાણ હોય અને માણેકનાથે એના વિરોધમાં પોતાને જે સૂઝી તે હિકમત વાપરી હોય? એ વિષે કોઈ પાઠ્યપુસ્તકમાં કે દંતકથામાં કહેવાયું હોય તો મારી જાણમાં નથી. કદાચ એ વાત ઇતિહાસના અભ્યાસી વિદ્વાનો જાણે – સમજે; પણ મને થાય છે કે બાવો કદાચ સાચો હોઈ શકે.
ખેર. અહમદાબાદ તો વસ્યું જ. એ વાતને સાડીપાંચસો ઉપર વર્ષ વીત્યાં. કાળ પ્રમાણે પલટાતું અહમદાબાદ આજ અમદાવાદ બનીને ચોગરદમ પથરાયું છે. આ પલટતા નગરમાં અનેક ઈમારતો ઊભી થઈ છે – કાંકરિયા તળાવથી માંડીને શાહીબાગના મહેલો અને મહેલ જેવા બંગલા; અને હવે થવા લાગ્યા તે ફ્લાય-ઓવર પૂલવાળા રસ્તા તથા ધીમે ધીમે અજગર ગળતો હોય તેમ ગળાતાં જતાં અસારવા, મીઠાખળી, ભુદરપરા, વાસણાથી માંડી બોપલ, ઘુમા જેવાં ગામ અને ખેતરો – તે પર નજર નાખતાં એમ થાય કે જેને ‘પ્રગતિ’ કહીએ છીએ તે શું પ્રજાના અમુક હિસ્સાને ભોગે જ થતી હશે? “આથી હશે અન્ય ન કોઈ રસ્તો?”1 અમદાવાદમાં રિલીફ રોડ બન્યો ત્યાર પછી કોમી રમખાણો થયેલાં અને તે બેને સીધો સંબંધ હતો તેવું તે દિવસોમાં ચર્ચાતું સાંભળેલું.
પણ જેમ નિશાળમાં માણેકનાથ બાવા વિષે ભણેલા તેમ એક રાણી મીનળ દેવી વિષે પણ ભણેલા. ધોળકા ગામમાં મીનળ દેવી તળાવ ખોદાવતાં હતાં ત્યારે તે સૂચિત તળાવની ધાર પર જે ડોશીનું ઘર હતું તે તેણે ખાલી કરવા ના પાડતાં મીનળ દેવીએ એ ડોશીની જમીન જેટલો ભાગ જતો કરીને તળાવ બાંધવાની કામગીરી આગળ વધારેલી. સરવાળે, તળાવની ગોળાઈમાં મીનળ દેવીના અનુકંપાભર્યા કારભારના દાખલારૂપ એક વળાંક રહી ગયો. એટલું ન હોત તો આપણે તો એમ જ માનત ને – કે જે મનાવવા અનેક બધા “નગર-વિકાસ”ના સ્થપતિઓ, સત્તાપતિઓ, અને ધનપતિઓ, લખાણો, ભાષણો અને ભભકભર્યા ને આંજી નાખે તેવા અખબારી જાહેરખબરના દીવા કરી કરીને મથે છે – કે “સહુના વિકાસ માટે થોડાકે તો ત્યાગ કરવો જ પડતો હોય છે.” મનુષ્ય સમાજનો સાવ સાધારણ અભ્યાસી પણ આ વાત જાણે છે, જોઈ શકે છે કે હા, એવું બને છે. પ્રસ્તુત વાક્ય તે આવા નિરીક્ષણનું વિધાન છે. પરંતુ એ કોઈ ગુરુત્વાકર્ષણ જેવો વૈજ્ઞાનિક, વૈશ્વિક નિયમ નથી કે બધાના વિકાસ કરવા માટે થોડા જણે ત્યાગ કરવો જ પડે. અને વળી ધારો કે કોઈ સંજોગોમાં હોય તો પણ, તેવું કહેનાર અને માનનારાએ એ પહેલો કરવાનો હોય. આ તો, પોતે “ત્યાગ” કરવાને બદલે બીજાનો “ભોગ” લેવાની વૃત્તિ થઈ.
બળબળતે હૈયે અને કંપતી આંગળીઓએ આ લખાય છે તે આ વૃત્તિ જોઈને. આથી વધારે આજ કશું કહેવાનું નથી. હા, ક્યાંક મારી જાણકારીની મર્યાદા હશે; ક્યાંક હકીકતમાં થોડો ફેર હશે; કબૂલ; તે મારા ધ્યાન પર જરૂર લાવશો; પણ મહેરબાની કરીને મને દુનિયાદારીના દાખલા આપીને સાંત્વના ધરવાની કોશિશ મ કરજો.
***
સાબરમતી “રીવર ફ્રન્ટ”ના રાત્રિ સમયે લેવાયેલા ફોટા જોતાં.
• ‘ભભાઈ’ ભરત પાઠક
આટલા દીવા નીચે છે કેટલો અંધાર તે દેખાય છે?
કેટલી હૈયાવરાળોથી નદી ઊભરાય છે – દેખાય છે ?
બે દધીચી તપ તપ્યા’તા રેતના જે પટ ઉપર, ત્યાં તાપમાં
રોટલો રળતાં હતાં તે લોકને તગડી મૂક્યાં છે ક્યાં હવે? દેખાય છે?
“આપણું પેરીસ …! લંડન …!” એમ ખાતા વહેમ જે સહુ મ્હાલવા નીકળી પડ્યા છે,
એ બધાંનાં વસ્ત્ર ઉજળાં છે હજી જેના થકી તે લોક આમાં ક્યાંય તે દેખાય છે?
નર્મદાને આંતરી આ પટ ભીનો કરતાં વહાવ્યાં નીર છે કે લોહીભીનાં આંસુઓ?
જેમનાં ઘરબાર સત્તાધીશના હાથે વિંખાયાં તેમનાં રૂંવેરૂંવાં કકળાય છે – દેખાય છે?
ધૂળિયું જે ગામ કહેવાતું હતું તેની સૂરત આજે જુઓ કે પથ્થરોથી છે મઢાઈ,
સાહ્યબી ખાતર અહીંયાં કેટલી લાશો દટાઈ જીવતે જીવ પગતળે ચગદાય છે !- દેખાય છે?
“શાહ અહેમદ ! માફ કરજો, ભીલ આશાજી! અમોને (થઈ શકે તો),” એટલા બે બોલ આજે
કોઈના દિલમાં હજી ઊગે નહીં? ને હ્યાં ટબૂડીમા પુરાયો એકલો માણેક બાવો કેટલો હિજરાય છે !
દેખાય છે?
***
(c) ‘ભભાઈ’ ભરત પાઠક
ઓક્ટોબર ૨૫, ૨૦૧૪
e.mail : bhabhai@hotmail.com