આધુનિક ટેકનોલોજીની કૃપાથી દેશ-વિદેશમાં બનતી સુખદ અને દુ:ખદ ઘટનાઓની વિગતો તે જ સમયે જોવા મળે, માનવીની સિદ્ધિઓના નમૂનાઓની ઝાંખી થાય અને સમાચારોની જાણ ક્ષણાર્ધમાં થઈ શકે, એ કાંઈ જેવું તેવું સૌભાગ્ય નથી. ‘યુ ટ્યુબ’ની કમાલનો લાભ લઈને, તાજેતરમાં, એક દૃશ્ય-શ્રાવક અનુભવ થયો તેની આ વાત છે.
બી.બી.સી.ના સંવાદદાતા Ben Anderson દુનિયાના સંઘર્ષગ્રસ્ત વિસ્તારો અને શોષણથી પીડિત પ્રજાઓની કથાઓનું ફિલ્મીકરણ કરવાની ફરજ બજાવે છે, અને આ કામ કરવાને માટે એમણે ઘણાં જીવના જોખમ ઉઠાવેલા છે. તેમાંનું એક તે એમની દુબઈની મુલાકાત છે. દુબઈમાં ખનીજ તેલનું ઉત્પાદન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, અને એ ચીકણું કાળું નાણું ત્યાંની ગગનચુંબી ઇમારતોમાં સમૃદ્ધિની બાંગ પોકારતું જોવા-સાંભળવા મળે છે. બ્રિટનના નાગરિકોને ત્યાં એકાદ ફ્લેટ ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. પંચ કે સપ્ત તારક હોટેલો, બહુમાળી ઓફિસો અને અત્યાધુનિક આવાસો બાંધવા માટે કુશળ મજૂરો અને કારીગરોની જરૂર પડે જે તેમને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૂરા પાડે છે. તમે કહેશો એમાં શું ખોટું છે ? કાંઈ નહીં, માત્ર જરા નીચેની વિગતો વાંચીને અભિપ્રાય આપશોજી.
ઉપરોક્ત દેશોમાં કેટલીક એજન્સીઓ છે જે મજૂરોને દુબઈમાં બાંધકામના ધંધામાં નોકરી અપાવવાનું વચન આપે છે એટલું જ નહીં, સાથે સાથે પૂરતી સગવડવાળાં રહેઠાણ, કેન્ટીનમાં ભોજન, કામના સ્થળ સુધી પહોંચવા માટેના વાહનની વ્યવસ્થા અને તે પણ બધું નિ:શુલ્ક તથા સ્વદેશ પુષ્કળ પૈસા મોકલી શકવાની શક્યતાની મધલાળ પણ આપે છે. હવે નોકરી-ધંધાથી વંચિત અને દેવામાં ગળાડૂબ એ મજૂરો કાં તો નાણાં ધીરનાર પાસેથી પૈસા ઉછીના લઈને કે પોતાની જમીન-વાડી અથવા ઘર સુધ્ધાં વેંચીને, ૨૦૦૦ પાઉન્ડ જેવી માતબર રકમ એ એજન્ટોને ચૂકવીને, સુંદર ભાવિની આશાએ દુબઈમાં નસીબ અજમાવવા જાય છે. દુબઈમાં પગ મૂકતાં જ એજન્ટ્સ મજૂરોના પાસપોર્ટ જપ્ત કરી લે છે જેથી તેમને સંકટ સમયે પાછા જવાનું શક્ય ન બને.
બેન આન્ડર્સન છુપા કેમેરામાં ખરી હકીકત મઢીને, આપણને એક અમાનવીય દશાનું દર્શન કરાવે છે. એ મજૂરોને રહેવા માટે ગામથી ખૂબ દૂર એક ખોલીમાં, આઠથી નવ જણા રહે તેવી ચાલ છે, જ્યાં ૪૫ જેટલા મજૂરો વચ્ચે બે જાજરૂ અને એક બાથરૂમ છે. રસોઈ કરવા માટે ચૂલા છે, પણ ગેસ કે ઈલેક્ટ્રીસિટીનો અભાવ છે તેથી બહાર ચોગાનમાં તાપણું કરીને તેના પર ભાત રાંધીને પેટ ભરવું એ જ એક વિકલ્પ છે. મચ્છી કે માંસ તો અઠવાડિયે માંડ એક વાર ખાઈ શકે, અને વચન આપેલું તેનાથી અર્ધા ભાગનો ય પગાર નથી અપાતો. એ ચાલી એક ગંદા નાળાને છેવાડે આવેલી છે એટલે ત્યાં સુધી પહોંચવા માટે મળ-મૂત્રના ઢગલા પસાર કરીને જવું પડે. સ્વાસ્થ્ય અને ચોખ્ખાઈનું નામ નિશાન ન જોવા મળ્યું જેને માટે દુબઈની બાંધકામ કંપનીના હોદ્દેદારો જે તે દેશના રહેવાસીઓની ગંદી આદતોને જવાબદાર ઠેરવીને પોતાના કર્તવ્યમાંથી છૂટી જાય છે. આવી દયાજનક સ્થિતિમાં રહેવા કરતાં મજૂરોના કુટુંબીઓ તેમને સ્વદેશ પાછા જવા વિનવે છે, પરંતુ પાસપોર્ટ જપ્ત થયા હોવાને કારણે એ અસહાય લોકોને આ ભયાનક યાતના સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આ ટૂંકી ફિલ્મ જોયા પછી સહેજે વિચાર આવ્યો કે મજબૂત અને કલાત્મક ઇમારતો બાંધનાર મજૂરો અને કારીગરોની આવી બૂરી હાલત કાં થઈ ? દુનિયાની અજાયબીઓ બધી મોટાં મોટાં શહેરોમાં જ જોવા મળે છે. એવે વખતે ગાંધીજીનું વિધાન સ્મરણમાં આવે છે : ‘મારી દૃષ્ટિએ શહેરો વધ્યાં તે બૂરું થયું છે. એ માનવ જાતની અને દુનિયાની કમનસીબી છે … એનું કારણ એ છે કે ઇંગ્લેન્ડે હિન્દુસ્તાનને તેના શહેરો વડે જ ચૂસ્યું છે, અને શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાના લોહીની સેન્ટ વડે જ શહેરોની મોટીમોટી મહેલાતો બંધાઈ છે ….’ વીસમી અને એકવીસમી સદીમાં આપણે આ હકીકતને વધુ વરવી બનાવી દીધી.
આ દસ્તાવેજી ફિલ્મના અનુસંધાનમાં એક બીજી વિગત જાણવા જેવી છે. ૧૮૩૪થી ૧૯૨૦ દરમ્યાન ભારતથી અર્ધો મીલિયન લોકો પોતાની માલ મિલકત અને આશાઓના પોટલાં લઈને મહિનાઓની તોફાની દરિયાની સફર ખેડીને મોરિશિયસ ટાપુના કિનારે આપ્રવાસી ઘાટ પર શેરડીના ખેતરોમાં કામ કરવા માટે ઉતર્યા હતા. જમીન ખેડીને પેટિયું રળવા આવેલ એ પ્રજા કરાર પર કામ કરતા ગુલામો જ હતા. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડ, અને આંધ્ર પ્રદેશથી ગયેલા મજૂરોને પાંચ વર્ષ સુધી મહિને પાંચ રૂપિયાના પગારે નોકરી આપે અને મુદ્દતને અંતે પાછા મોકલી આપે એવા કરારો થતા. અહીં એ વાત નોંધવા યોગ્ય છે કે ઉપર જણાવ્યા તે પ્રાંતોમાં ગરીબી પારાવાર હતી અને આજે પણ તેમાં ખાસ સુધારો નથી થયો જે ભારત માટે દુ:ખદ, શરમજનક હકીકત છે. એ ટાપુ ઉપર બ્રિટીશ સરકાર ગુલામી પ્રથાને બદલે મુક્ત મજૂરોને કામ આપવાનો પ્રયોગ કરવા માગતા હતા. એ સ્થળ ગરીબી, શોષણ અને યાતાનાનું ધામ બની રહ્યું. એ લોકોને આપ્રવાસી ઘાટ પર ઉતરે ત્યારે પહેલાં ૬૦૦-૧૦૦૦ મજૂરો ડામરની ફર્શ પર સૂઈ શકે એવા છ શેડ્સમાં રખાતા, પછી શેરડીના ખેતરોમાં મોકલાતા, જ્યાં એમને એક રસોડું અને જાજરૂ-બાથરૂમની સુવિધા હતી. દુબઈમાં તો એટલી જોગવાઈ કરવાની પણ ફરજ નથી બજાવાતી. મોરિશિયસ ગયેલા એ મજૂરોને પણ પગાર નિયમિત ન અપાતો એટલું જ નહીં પણ શિક્ષા રૂપે કોન્ટ્રેકની મુદત લંબાવાતી અને પાછા મોકલવાની રીત બહુ દયાહીન હતી, જયારે પેટિયું રળવા દુબઈ ગયેલા મજૂરોને તો સ્વદેશ જવાનો પરવાનો પણ ઝૂંટવી લેવાય છે તે માનવ અધિકારની હત્યા છે. ૧૯૨૦ના દાયકામાં એગ્રીમેન્ટમાંથી મુક્ત થયેલા મજૂરો નાનો વેપાર-ધંધો કરી શકતા અને ત્યાં જન્મેલાને ફ્રેંચ નાગરિકત્વ પણ મળ્યું. એકવીસમી સદીમાં દુબઈ જેવા અતિ ધનાઢ્ય દેશમાં કામ કરવા જઈ રહેલા મજૂરો ભલે વખાના માર્યા છે પણ છે તો આખર મનુષ્યને ? એમને પેલા મોરિશિયસ ગયેલા નિર્ધનો જેટલી પણ સ્વતંત્રતા નહીં ?
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મશીનોની અતિરિક્તતા અને સંપત્તિની અસમાન વહેંચણીને પરિણામે આવા કડિયા, સુથાર, લુહાર, મોચી, દરજી, પ્લમર, ઈલેક્ટ્રીશિયનો અને શિલ્પકારો, ચિત્રકારો જેવા કળા-કારીગરો બેકાર બન્યા છે, ભૂખે મરે છે અને પોતાનો દેશ પોતાના પ્રજાજનોની ભીડ ભાંગવાની પરવા નથી કરતો માટે વિદેશ જવાની આવી લાલચમાં ફસાય છે. હવે જયારે આ કૌભાંડ બહાર આવ્યું જ છે તો એમાં સંડોવાયેલ ઉપરોક્ત ત્રણ દેશોની એજન્સીઓ અને દુબઈમાંની બાંધકામ ઉદ્યોગને લગતી મહાકાય કંપનીઓને આવા અમાનવીય કૃત્ય માટે જવાબદાર ઠેરવી, તેમના પર માનવ અધિકારના ભંગ બદલ કાયદેસર કામ ચલાવી, આ મજૂરોને મુક્ત કરી, વળતર અપાવવું એ પહેલું પગલું ભરવું રહે અને ભવિષ્યમાં આવું શોષણ ન થાય તે માટે મજૂરો-કારીગરોની નિમણુક અને તેમના કામ તથા રહેવાસની સગવડો અને પગાર ધોરણનું નિયંત્રણ કાયદા મુજબ થાય તેની ખાતરી થવી જોઇશે. ત્યાં સુધી માનવતાવાદી સજ્જનો-સન્નારીઓ દુબઈની માનવ સર્જિત ભવ્ય ઇમારતોની મુલાકાત સમયે આ શોષણયુક્ત યાતનાઓને યાદ કરીને પોતાનો તે વિશેનો વિરોધ જોવાલાયક સ્થળોની મુલાકાત પોથીમાં જરૂર નોંધે તેવી પ્રાર્થના છે.
e.mail : 71abuch@gmail.com