તાજેતરમાં જર્મનીમાં સળંગ ત્રીજી વખત પોતાના પક્ષને ફાંકડી જીત અપાવીને એન્જેલા મર્કેલે ચાન્સેલર બનવાની હેટ્રીક સર્જી છે. એન્જેલા મર્કેલે ભારતનો સાથે હંમેશાં નિભાવ્યો છે
જર્મનીમાં ઇ.સ. ૨૦૦૫થી શાસન સંભાળનારાં ૫૯ વર્ષનાં એન્જેલા મર્કેલે વધુ એક વાર દુનિયાને દેખાડી દીધું કે લોકો તેને 'આયર્ન લેડી' કે 'આયર્ન ચાન્સેલર' અથવા કહો કે લોખંડી નેતા શા માટે કહે છે! જર્મનીમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં એન્જેલા મર્કેલે પોતાના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયને સળંગ ત્રીજી વખત બહુમતી અપાવીને સત્તાનો જંગ જીતી લીધો છે. એન્જેલા મર્કેલ સતત ત્રીજી વાર જર્મનીના ચાન્સેલર પર બિરાજમાન થશે. એન્જેલા મર્કેલના નેતૃત્વમાં તેમના પક્ષે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધારે મતો મેળવ્યા છે. આ વખતની ચૂંટણીના વિજયનો સંપૂર્ણ શ્રેય એન્જેલાને જ જાય છે, કારણ કે ચૂંટણી દરમિયાન તેમની લોકપ્રિયતા પર જ સૌથી મોટો મદાર હતો અને જનતાએ પોતાની લાડકી લીડર 'એન્જી' વધુ એક વાર સત્તા સોંપીને હાશકારો અનુભવ્યો છે.
એન્જેલા મર્કેલના પક્ષને ૪૨.૨ ટકા મતો મળ્યા છે અને ૧૯૯૦ પછીનું સૌથી સારું પરફોર્મન્સ છે, પણ તેમના સાથી પક્ષ ફ્રી ડેમોક્રેટ્સને માત્ર ૪.૮ ટકા જ મત મળતાં પૂર્ણ બહુમતીથી તેમને માત્ર પાંચ બેઠકોનું છેટું રહી ગયું છે. હવે આ પાંચ બેઠકનો ખાડો પૂરવા તેમણે અન્ય પક્ષનો સાથ મેળવવો પડશે, જે આસાનીથી મળી પણ જશે. જર્મનીમાં ૧૯૫૭ પછી એકેય પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી અને ત્યારથી આજ સુધી આપણી જેમ જ ત્યાં પણ ગઠબંધન સરકારનો જ દોર ચાલુ છે. અલબત્ત, આ વખતે આશા હતી કે એન્જેલા પૂર્ણ બહુમતી હાંસલ કરવામાં સફળ રહેશે, પણ માત્ર પાંચ બેઠકનું છેટું રહી ગયું!
જર્મનીના 'ધ ડિક્ટેટર' હિટલરથી આખી દુનિયા તોબા પોકારી ચૂકી હતી, પણ એન્જેલા મર્કેલ નામના 'ધ ડિસાઇડર'થી આખી દુનિયા પ્રભાવિત છે. ફોર્બ્સ મેગેઝિને પ્રસિદ્ધ કરેલી વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં એન્જેલા મર્કેલનું નામ બીજા ક્રમે છે. દુનિયાની કોઈ પણ મહિલાએ હાંસલ કરેલો આ સર્વોચ્ચ રેન્ક છે. ભાગ્યે જ પોતાના મનોભાવો ચહેરા પર પ્રગટ કરનાર આ મહિલા નેતાએ 'ટ્રીટી ઓફ લિસ્બન' અને 'બર્લિન ડિક્લેરેશન'માં મોટું યોગદાન આપેલું છે. એન્જેલા જી-૮નું ચેરમેન પદ પણ ભોગવી ચૂક્યાં છે અને આ પદે પહોંચાનારાં તેઓ માર્ગારેટ થેચર પછીની બીજી મહિલા નેતા છે. સમગ્ર યુરોપમાં આજે એન્જેલા જેટલું મોટું રાજકીય વ્યક્તિત્વ કોઈ ધરાવતું નથી ત્યારે તમામ યુરોપીયન પ્રોજેક્ટ કે નિર્ણયોમાં તેમની અવગણના થઈ શકે એમ નથી.
સૌથી લાંબા સયમ સુધી શાસન કરવાના માર્ગારેટ થેચરના રેકોર્ડને તોડવા તરફ ગતિ કરી રહેલાં એન્જેલા મર્કેલની જર્મનીમાં અકબંધ લોકપ્રિયતા પાછળનું મૂખ્ય કારણ એ છે કે ૨૦૧૦માં સર્જાયેલી યુરોઝોન ક્રાઇસીસમાં તેમણે પોતાના દેશના અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખી હતી અને દેશની પ્રગતિને ઉની આંચ આવવા નહોતી દીધી. યુરોઝોન ક્રાઇસીસ બાદ તેઓ યુરોપના એક માત્ર લીડર છે, જેમણે પોતાની ગાદી સાચવી રાખી છે. બાકી, યુરોપના ૧૭ દેશોમાંથી ૧૨ દેશની તત્કાલિન સરકારોએ સત્તાથી હાથ ધોવા પડયા છે. એકમાત્ર મહાસત્તા અમેરિકા પણ બેરોજગારી સામે લાચાર છે ત્યારે છેલ્લા બે દાયકામાં જર્મનીમાં બેરોજગારીનો દર સૌથી નીચે ગયેલો છે, જેનો શ્રેય પણ એન્જેલા અને તેની સરકારને જાય છે.
એન્જેલા અને ભારત
એન્જેલા મર્કેલે ભારત સાથે હંમેશાં સકારાત્મક અભિગમ ધરાવ્યો છે. ૨૦૦૫માં સત્તા પર આવ્યા પછી તેમણે ૨૦૦૬માં ઇન્ડો-જર્મન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્થાપી હતી. ડો. મનમોહનસિંહ સાથે તેમણે સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરેલું અને બન્ને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બનાવ્યા હતા. વર્ષ ૨૦૦૭માં એન્જેલા મર્કેલ ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમની મુલાકાતને કારણે સંબંધો ગાઢ બન્યા હતા. તેઓ ફરી ૨૦૧૧માં ભારત આવેલાં અને આપણે ત્યાં ઇન્ડો-જર્મન સંયુક્ત કેબિનેટનું આયોજન કરવામાં આવેલું. ભારત એશિયાનો એવો પહેલો દેશ બનેલો, જેણે જર્મની સાથે સંયુક્ત કેબિનેટ યોજી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જેલા મર્કેલના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર તરફથી જવાહરલાલ નેહરુ એવોર્ડ ફોર ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ એનાયત કરાયો હતો.
એન્જેલાએ ભારત સાથે સંબંધો નિભાવ્યા છે તો સામે છેડે ચીનને તેની ઓકાત પણ બતાવેલી છે. ૨૦૦૭માં તેમણે દલાઈ લામા સાથે મુલાકાત યોજી ત્યારે ચીને બહુ વિરોધ કર્યો હતો, પણ તેમણે ગણકાર્યો નહોતો અને દલાઈ લામાને પ્રેમપૂર્વક મળ્યા હતાં. અલબત્ત, આ મુલાકાત અનઔપચારિક હતી છતાં પણ તેમણે ચીનની સાડીબારી રાખ્યા વિના દલાઈ લામાને મળ્યા હતાં.
લોખંડી નેતાને સો સો સલામ !
divyeshvyas.amd@gmail.com
(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 29 સપ્ટેમ્બર 2013)