કુસુમ વિલાયતસ્થિત, ગુજરાતી સાહિત્ય અકાદમીની આઠમી ભાષા – સાહિત્ય પરિષદ, ગયે મહિને, ત્રીજી અને ચોથીએ, દક્ષિણ ઇંગ્લૅન્ડના ક્રૉયડન મુકામે, ‘પોપટલાલ જરીવાળા નગર’માં બેઠી હતી. તે અવસરે રજૂ થયેલું, ચારમાંની છેલ્લી, ચોથી બેઠકનું આ મુખ્ય વ્યાખ્યાન અહીં સદ્દભાવે લઈએ છીએ. :
પોપટલાલ જરીવાળા નગરમાં વક્તવ્ય રજૂ કરવાનું આમંત્રણ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ભદ્રાબહેન વડગામા દ્વારા મળ્યું. મને આ તક આપવા માટે અકાદમીના પ્રમુખશ્રી તથા સમિતિના સૌ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચંદ્રકાન્ત બક્ષીસાહેબનો શબ્દ લઈને કહું તો ગુજરાતી ભાષા પ્રત્યે મને “દાઝ” છે એટલે ગુજરાતી ભાષા શિક્ષણ અને તેના પ્રશ્નો જેવા વિષય પર બોલવું મને તો ગમે જ ગમે. પણ તમને સૌને સાંભળવું ગમશે? કમસે કમ આશા તો રાખી શકું ને?
પચીસેકથી વધારે વર્ષો પહેલાંની વાતથી આરંભ કરું. લગભગ પોણા નવ વાગે હું ત્યાં પહોંચી. વેમ્બલીના ઈલીંગ રોડ પરના બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશનના આંગણમાં મારા જેવડી ઉંમરના અને મારાથી મોટાં કેટલાંક ભાઈ બહેનો વાતચીત કરી રહ્યાં હતાં, ચા પી રહ્યાં હતાં. ચા પીતાં પીતાં કેટલીક પરિચીત વ્યક્તિઓને નમસ્કાર કરતી અને તેમનાં નમસ્કાર ઝીલતી, આંગણ પસાર કરીને વર્ગમાં પહોંચી. ખંડ મોટો હતો પણ બેસવાની જગ્યાઓ ખાસ રહી ન હતી. મેં એક પાછલી બેઠક લીધી અને ઉત્સુકતાના એ માહોલને માણી રહી. ઉત્સાહની લહેરખીએ આખા વાતાવરણમાં જાણે જાદુઈ લાકડી ફેરવી દીધી હતી. અને પછી તો સાત સાત દિવસો સુધી જાદુના ખેલ ખેલાતા રહ્યા અને હું ધ્યાનથી, કંઈક આતુરતાથી જોતી રહી અને સાંભળતી રહી.
ખેલના કિમિયાગર હતા વિપુલભાઈ કલ્યાણી અને જગદીશભાઈ દવે. અને તે જાદુનો ખેલ એટલે અકાદમીનો પૂરા સાત દિવસનો શિક્ષક તાલીમવર્ગ. બ્રિટનની આ ધરતી પર ભાષા શિક્ષણનો આવો કાર્યક્રમ કદાચ પહેલવહેલો જ હશે. અને એ સાત દિવસો દરમિયાન ભાષા શિક્ષણની તાલીમની સાથે સાથે બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી કાવ્યલેખન જેવી દિલચશ્પ રજૂઆતો થઈ. વિપુલભાઈની જુસ્સાથી ભરપૂર વાણીએ ભાષા માટે સૌનો પ્રેમ બઢાવ્યો તો જગદીશભાઈની શિક્ષણની પદ્ધતિઓ શીખીને બ્રિટનમાં, અહીં દક્ષિણ લંડનમાં ગુજરાતી ભાષા શિક્ષણ શરૂ કરવાની અભિલાશા જોમ પામી. જાણો છો? એ સાતેય દિવસના તાલીમવર્ગમાં મેં રોજ ક્રોયડનથી વેમ્બ્લી સુધીની મુસાફરી કરી હતી અને સપ્તાહને અંતે મને એ બધી મહેનત સાર્થક થઈ લાગી હતી.
અને ત્યાં તાલીમ પણ કેવી મળી! એવી કે તે વખતે શીખેલી બાબતો આજ દિવસ સુધી સ્મરણમાં છે. કેટલાયે ચૂનંદા શિક્ષકો તૈયાર થયા હશે તે એક અઠવાડિયામાં. અને હું જાણું જ છું કે એમાંના ઘણા તાલીમાર્થીઓએ વર્ષો સુધી બ્રિટનના બાળકોમાં ફક્ત ગુજરાતી ભાષા જ નહિ, ગુજરાતી સંસ્કાર પણ રેડ્યા છે. ત્યારે પણ બ્રિટનમાં કેટલીક સંસ્થાઓ ગુજરાતીના વર્ગો ચલાવતી હતી. એ વર્ગોની સંખ્યામાં ઉમેરો પણ થતો રહ્યો. માતાપિતાઓને જોઈતું હતું કે તેમના બાળકો ઘરમાં બોલાતી ભાષા શીખે, શિક્ષકોને જ્ઞાન પીરસવું હતું અને બાળકોને માતૃભાષા તરીકે અથવા તો બીજી ભાષા તરીકે ગુજરાતી શીખવું હતું.
પણ એ સમય એવો હતો કે ઘરઘરમાં આ માદરી જબાન બોલાતી હતી. માતાપિતા ગુજરાતી વાંચી લખી શકતા અને બાળકોને કંઈક અંશે ભણાવી પણ શકતા. શિક્ષકો માટે પણ કાર્ય થોડું સહેલું હતું. બાળક સમાજની નિશાળમાં ભાષા શીખવા માટે આવતું ત્યારે તેને ભાષા બોલવાનો મહાવરો તો પહેલેથી જ હતો. એટલે શિક્ષકે તો બાળકનો શબ્દભંડોળ વધારવાનો હતો અને તેને વાંચતાં લખતાં શીખવવાનું હતું. બાળકોને ગૃહકાર્ય આપવામાં આવતું તેમાં પણ વાલીઓની મદદ મળી રહેતી. આવાં જ બધાં કારણોને લીધે બાળક માટે પણ ગુજરાતી ભાષા શીખવી થોડી સહેલી હતી.
આ દેશમાં રહેતા ગુજરાતીઓમાંના ઘણા પૂર્વ આફ્રિકા થઈને આ દેશમાં આવ્યા છે. ૧૯૬૦ના વર્ષોમાં આફ્રિકાના દેશો સ્વતંત્ર થયા. આફ્રિકાના દેશોમાં બ્રિટિશ રાજ્ય હતું ત્યાર સુધી ત્યાંની ઘણી બધી નિશાળોમાં ગુજરાતી ભાષા એક વિષય તરીકે શીખવવામાં આવતી. પણ જેમ જેમ દેશો સ્વતંત્ર થતા ગયા તેમ તેમ સરકારી નિશાળોમાં બીજી ભાષાનું સ્થાન ત્યાંની સ્વાહિલી ભાષાએ લીધું. ગુજરાતી ભાષાનો વિષય ફક્ત ગણીગાંઠી ખાનગી નિશાળોમાં જ રહ્યો. બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા અને પૂર્વ આફ્રિકાના દેશોનું નાગરિકત્વ સ્વીકારવાની ઈચ્છા ન ધરાવતા ઘણાં ગુજરાતીઓએ ૧૯૭૦ની શરૂઆતની આસપાસના વર્ષોમાં બ્રિટનમાં સ્થળાંતર કર્યું. સ્થળાંતર કરનારા કુટુંબોમાં જે આઠ – દસ – બાર વર્ષના કિશોરો હતા તેમાંના ઘણાં ગુજરાતી બોલી શકતા પણ લખીવાંચી ન શકતા. એ સમયે બ્રિટનમાં આપણો સમાજ માંડ ઠરીઠામ થતો હતો, બે પૈસા કમાવા મહેનત કરતો હતો ત્યાં ગુજરાતી શીખવવાની ફુરસદ ક્યાંથી હોય? અને એ કારણે એ કિશોરોના જૂથને ન તો આફ્રિકામાં ભાષા શીખવા મળી કે ન અહીં બ્રિટનમાં.
ગુજરાતીઓ બ્રિટનમાં સ્થાયી થવા લાગી, નોકરી – ધંધે લાગ્યા, અને પોતાની માલિકીના મકાનોમાં રહેવા લાગ્યા. સ્થિર થયા એટલે પોતાની સંસ્કૃિત જાળવી રાખવાની પ્રવૃત્તિઓ યોજવા લાગ્યા. સમાજના આગેવાનો, સાહિત્યકારો અને ઘણાં વડીલોને લાગ્યું કે ભાષા તો સંસ્કૃિતનું મહત્ત્વનું અંગ. ભાષા જાળવ્યા વગર સંસ્કૃિત કેમ જળવાશે? અને કોઈ કોઈ વિસ્તારમાં કોઈ કોઈ સંસ્થાઓએ શનિ-રવિની નિશાળો શરૂ કરી. વળી કેટલાક યુવાનો પણ માતૃભાષા શીખવા – શીખવવા બાબતે જાગૃત થયા હતા.
૧૯૭૪માં હું નવી જ પરણીને આ દેશમાં આવી હતી. ઘરમાં અમારાં બા અને અમે બે એમ ત્રણ જણ. બીજા બે કુટુંબ સાથે સહિયારા મકાનમાં અમે રહેતા હતા. હું આવી અને થોડા જ દિવસો બાદ એક સાંજે મારાથી પણ નાની વયના ત્રણ યુવાનો અમને મળવા આવ્યા. હું મોમ્બાસામાં શિક્ષિકા હતી અને ગુજરાતી ભાષાનો વિષય લેતી એ વાતની કદાચ તેઓને જાણ હતી. અહીં દક્ષિણ લંડનના બાળકોને હું આપણી ભાષા શીખવું એવો પ્રસ્તાવ તેમણે મારી અને મારા કુટુંબ સમક્ષ મૂક્યો. હું તો થનગની ઊઠી. જાણતી હતી કે હવે હું સાસરે હતી અને હજુ તો બ્રિટનના હાડમારીથી ભરેલા જીવનમાં મારું સ્થાન શોધવાની શરૂઆત જ મેં કરી હતી. સમય પણ એવો હતો કે ગુજરાતી નિશાળમાં અવેતન ત્રણ કલાક આપવા કરતાં એટલા કલાક વધારાની કમાણી કરવાનું વધારે વ્યવહારિક ગણાતું. તેમ છતાં પરિવારની હા હોય તો આ કામ કરવાની ઉત્સુક્તા હતી. બાએ લીલી ઝંડી ફરકાવી એટલે તે ઘડી અને આજનો દી કે પછી તે દી અને આજની ઘડી. ભાષા શિક્ષણના કામમાં ગુથાઈ રહેવું હંમેશાં ગમ્યું છે અને તે એટલે સુધી કે હવે તો મારા પાવલિયા ફરિયાદ કરતા રહે છે પણ એ કાર્ય મૂકવાનું મન થતું નથી.
શરૂઆતમાં ન તો આપણી પાસે આપણે માટે યોગ્ય એવો કોઈ અભ્યાસક્રમ હતો કે નહોતું કોઈ માર્ગદર્શન. શિક્ષણ માટેના સાધનો પણ સાવ અપૂરતાં. ઘરની સાફસૂફી કરવાના દિવસે સમય કાઢીને આ કામ કરવાનું હતું. એટલે મુશ્કેલી તો હતી જ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સૌમાં ધીરજ હતી અને ધગશ પણ હતી. અને આગળ કહ્યું તેમ શિક્ષકોનું કામ થોડું સરળ હતું કેમ કે નવ્વાણું ટકા વિદ્યાર્થીઓ આપણી ભાષા સમજી શકતા, બોલી શકતા. તેમના અધર – કર્ણપટમાં ગુજરાતી ગીતો અને ગરબા રમતાં હતાં. અને ગુજરાતી કહી શકાય તેવું બીજું પણ ઘણું બધું તેમના ઘરોમાં હતું. જે ખૂટતું તે ગુજરાતી નિશાળોના શિક્ષણમાંથી કે ત્યાંની અન્ય પ્રવૃત્તિઓમાંથી મળી રહેતું. ત્યારે બ્રિટનમાં લંડન બૉર્ડની ગુજરાતીની ઓ લેવલની પ્રમાણમાં અઘરી કહી શકાય તેવી પરીક્ષાઓ લેવાતી હતી. તે વખતના ઘણા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી અને સારા ગ્રેડ પણ મેળવ્યા.
કોઈ પણ સમાજ જ્યારે બીજા દેશમાં જઈને વસે છે ત્યારે તે નવા સમાજ સાથે ભળવાના પ્રયત્નો કરે છે. પોતાનું છે તેને સાચવવા તે પ્રયત્ન કરે છે, પોતાનું થોડું તે સ્થાનિક સમાજને આપે છે, અને સ્થાનિક સમાજનું ઘણું બધું પોતે અપનાવી લે છે. પહેરવેશ, ખોરાક, રહેણીકરણી અને ભાષા પણ. બાળપણમાં જ અહીં આવેલા અને અહીં જ જન્મેલા બાળકો પર અહીંના બ્રિટિશ સમાજની અસર પડવા લાગી. આ બાળકો ઘરમાં હજુ ગુજરાતી બોલતા પણ ઘર બહારના તેમના સઘળા વ્યવહારમાં અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ દેખાવા માંડ્યું. તેમ છતાં પોતાની મુખ્ય નિશાળમાં નહિ પણ સમાજની નિશાળોમાં શનિ-રવિના સમયમાં તેઓ માતૃભાષા શીખવા લાગ્યા. સમાજના ઘણા બધાં બાળકો આમ થોડું તો થોડું પણ ભાષા જ્ઞાન મેળવતા રહ્યા. જોકે દિન-પ્રતિ-દિન તેમાં પલટો આવતો ગયો.
કેટલાક યુવાન માતા-પિતાને પોતાને જ ગુજરાતી લખતાં વાંચતાં તો નહોતું જ આવડતું, પણ તે ઉપરાંત તેમને આ મધુરી ભાષા બોલવાની ફાવટ ન હતી. હા, તેઓ થોડુંઘણું સમજી જરૂર શકતા. બહાર તો સઘળે અંગ્રેજી ભાષાનું ચલણ હતું જ. હવે ઘરમાં પણ એ ભાષાનો પ્રભાવ વધ્યો હતો. તેમને કદાચ થયું હશે કે તેમના બાળકને ગુજરાતી શીખવાની શી જરૂર છે? તેના કરતાં તો તે કેમ ફ્રેંચ કે જર્મન જેવી યરપની ભાષા ન શીખે? કિંમત તો એની જ થવાની છે ને? નહિ કે ગુજરાતીની.
વળી, જે માતા – પિતા ગુજરાતી સારી રીતે બોલી શકતા તેઓમાંના ઘણાને પણ એવી ભ્રાંતિ હતી કે જો મારું બાળક અંગ્રેજી સારું નહિ બોલે તો તે તેના મુખ્ય અભ્યાસમાં પાછળ રહી જશે. અને એ કારણે તેમણે ગુજરાતી કરતાં અંગ્રેજીને વધારે મહત્ત્વ આપ્યું. કેવી ભૂલભરેલી હતી આ માન્યતા. તમે કદાચ જાણતા જ હશો કે શિક્ષણશાસ્ત્રીઓએ, ભાષાવિદ્દોએ પણ કહ્યું છે કે જે બાળક બાળપણથી એકથી વધુ ભાષા જાણે છે તે અન્ય ક્ષેત્રોમાં પણ ખીલી ઊઠે છે. તેમાંની એક ભાષા બાળકના વારસાની ભાષા હોય તો બાળક તેના વિચારો સહેલાઈથી, સ્પષ્ટતાથી રજૂ કરી શકે છે તેનો આત્મવિશ્વાસ વધે છે. આવાં કારણોને લીધે એક ભંડોળ ઊભું થયું જેમાંથી માતૃભાષાની નિશાળોને સ્થાનિક નગરપાલિકા પાસેથી થોડીઘણી આર્થિક સહાય પણ મળતી થઈ. આ વર્ષથી ઘણી નિશાળોને મળતી grant ઓછી થઈ છે અથવા તો સમૂળગી બંધ થઈ છે. આને માટે આપણે જોરદાર અપીલ કરવાની જરૂર છે. અને કદાચ આ grant ન જ મળે તો શું બ્રિટનનો ગુજરાતી સમાજ આર્થિક રીતે એટલો સમૃદ્ધ, સબળ નથી થયો કે તેના સભ્યો ચાહે તો ભાર ઉપાડી ન શકે?
તો બીજાં કેટલાક વિદ્યાર્થીઓને આપણી ગુજરાતી નિશાળોનું શિક્ષણ કંટાળાજનક લાગ્યું. એ વિષે હું આગળ થોડી વાત કરીશ. આની સાથે ઘરઘરમાં અપાતાં અંગત ટયૂશનો ઠેકઠેકાણે ફૂટી નીકળ્યાં. ત્યાં ફક્ત બે કે ત્રણ વર્ષ ભણીને વિદ્યાર્થી GCSEની પરીક્ષા આપી શકતો. હા, જરૂર તે GCSEની પરીક્ષામાં સારી સફળતા પામી શકતો. પણ ક્યાં બીજાં બાળકોના સહવાસમાં રહીને ગુજરાતી ભાષા અને તેને લગતું ઘણું બધું શીખવાનું અને ક્યાં ફક્ત પ્રમાણપત્રના કાગળ માટે એક જ શિક્ષક પાસે ભણવાનું?
આમ ગુજરાતી ભાષા શીખનારાઓની સંખ્યા અને તે પણ ગુજરાતી નિશાળોમાં ઘટતી જ રહી. કેમ્બ્રિજ યુનિવર્સિટિનું પરીક્ષા તંત્ર OCR પણ કહેશે કે થોડાક જ વર્ષ પહેલાંની આપણા પરીક્ષાર્થીઓની મોટી સંખ્યા ઘટીને ફક્ત ૧૦૦૦ ની થઈ ગઈ છે. અને A levelમાં તો As અને A2 બન્નેની મળીને ૧૦૦ણિ પણ અંદર? બ્રિટનમાં આટલો મોટો ગુજરાતી સમાજ અને આપણા પરીક્ષાર્થીઓની સંખ્યા બસ આટલી જ? અને મારી જાણ પ્રમાણે દર વર્ષે આ સંખ્યામાં લગભગ ૧૦૦નો ઘટાડો થતો રહે છે? તો શું દસ પંદર વર્ષમાં આપણા બાળકો આ પરીક્ષા આપશે જ નહિ? પરીક્ષાતંત્ર કંઈ પોતાના ગજવાના નાણા વાપરીને આ પરીક્ષા ચાલુ નહિ રાખે. મહામુશ્કેલીએ શરૂ કરવામાં આવેલી A level પરીક્ષાનું ભાવિ તો અત્યારથી જ ધૂંધળું લાગે છે. આપણે ચેતી જઈએ અને કંઈક નક્કર કરીએ. આપણી સમક્ષ લાલ બત્તી ઝબૂકી રહી છે!
એ તો સનાતન સત્ય છે કે બાળકને સૌથી વધારેમાં વધારે જ્ઞાન મળતું હોય તો તે તેના પોતાના ઘરમાંથી. આપણે કોઈ પણ ઉર્દૂભાષી, હિન્દીભાષી કે પંજાબીભાષી ઘરમાં જઈએ તો આપણને સુંદર ઉર્દૂ, હિન્દી કે પંજાબી ભાષા સાંભળવા મળશે. બાળકોને પણ વડીલો સાથે કે એકબીજા સાથે ખૂબ સહજતાથી, મધુરતાથી પોતાની માદરી જબાનમાં વાતો કરતાં સાંભળીશું. મારી એક મુસલમાન સહેલી છે. મને તાજેતરમાં કહેતી હતી કે મારી દીકરી યુનિવર્સિટીમાંથી ઘેર આવે છે અને ઉર્દૂમાં વાત કરે છે ત્યારે ‘મેરે પતિ ભી મૂડકે ઉસે દેખતેં હેં ક્યોં કે વહ ઈતની સિફત સે બહોત દિલચશ્પ ઉર્દૂ બોલતી હે.’ ઘરમાં તો આ ભાષા બોલાતી પણ તે જ્યારે કોલેજના ઈસ્લામિક વિદ્યાર્થીઓના જૂથમાં જોડાઈ ત્યાર પછી તેની ભાષા અનેકગણી સુધરી ગઈ. બોલો, આવું જોવા મળશે ગુજરાતીઓના જૂથોમાં? કદાચ આપણે ગુજરાતીઓ આપણા બાળકની ગળથૂથીમાં ગોળને બદલે બીટ શુગર નાખીએ છીએ કે ?
તેમ છતાં સાવ નિરાશ થઈ જવાની જરૂર નથી. આપણા સમાજમાં પણ એવા કિશોર – કિશોરીઓ, યુવાનો છે જે આપણને ખૂબ પ્યારું લાગે એવું ગુજરાતી બોલે છે. મહિના પહેલાં અમારા બાળકોએ અઢી કલાકનું એક નાટક કર્યું હતું અને તેમણે એવા જોરદાર સંવાદો રજૂ કર્યા હતા કે પ્રેક્ષકો તેમની વાણી પર વારી ગયા હતા. પ્રેક્ષકોમાં એવા સવાલો થતા હતા કે આ યુવાનો ભારતથી આવ્યા છે કે શું? અમારી નિશાળના પહેલા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ મીઠું મીઠું ગુજરાતી બોલે છે. કદાચ આ બાળકો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે, જ્યાં દાદા – દાદીના સહવાસમાં તેઓ ગુજરાતી બોલવાનું શીખી જાય છે, અગર તો બાળકની માતાને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય છે, સ્વભાષાનું ગૌરવ હોય છે અને પોતાના શિશુમાં તે ગુજરાતી સંસ્કારનું રોપણ કરતી રહે છે. અને આ બાળકો જ્યારે ગુજરાતી નિશાળમાં આવે છે ત્યારે આરામથી તેમાં ગોઠવાઈ જાય છે અને તેની મજા પણ માણે છે. આ માતાઓ પોતાનું બાળક ગુજરાતી નિશાળમાં ગેરહાજર ન રહે તે માટે પ્રયત્નશીલ રહેતી હોય છે.
તો એ જ વર્ગમાં એવા પણ વિદ્યાર્થીઓ જોડાય છે કે જેઓ ગુજરાતી ભાષા સમજતા પણ નથી. વળી ઘેર તેમને શીખવનાર કે ગૃહકાર્યમાં મદદ કરનાર પણ કોઈ હોતું નથી. માતા – પિતા અને બાળક બન્નેને મુશકેલી પડે છે તેમ છતાં કેટલાક વળગી રહે છે અને ઘણું શીખી જાય છે, તો થોડાં અધવચ્ચે જ નિશાળ છોડી દે છે. એવું પણ બને છે કે બાળક મુખ્ય નિશાળની બીજી પ્રવૃત્તિઓમાં ક્રિયાશીલ હોવાને કારણે વારંવાર ગુજરાતી નિશાળમાં ગેરહાજર રહે છે અને પરિણામે ભાષાના અભ્યાસમાં પાછો પડી જાય છે અને શિક્ષકને પણ અગવડ વેઠવી પડે છે. કાં તો તેને ગેરહાજર રહેતા વિદ્યાર્થી માટે જુદો સમય આપવો પડે છે અથવા બીજા વિદ્યાર્થીઓના સમયને ભોગે એનું એ કામ ફરીને કરાવવું પડે છે.
તેની સામે આ શનિ-રવિની નિશાળોમાં સગવડો કે સાધનો પૂરતાં હોતાં નથી. અહીંની મુખ્ય નિશાળોના મકાનમાં ચલાવવામાં આવતી ગુજરાતી નિશાળોમાં કદાચ વર્ગ, ડેસ્ક, વગેરેની સગવડ મળી રહે છે. પણ ત્યાં ઘણુંખરું આપણને કાયમનો ખંડ મળતો નથી કે આપણાં ચિત્રો, લેખો વગેરે ટાંગવા જગ્યા મળતી નથી, એટલે શિક્ષકોને દર અઠવાડિયે પોતાનાં સાધનો ઘેર લઈ જવાં પડે છે અને બીજા શનિવારે પાછાં લાવવાં પડે છે. બીજી જગ્યાઓમાં એક જ મોટા સભાખંડમાં એકથી વધારે વર્ગો લેવા પડે છે. જુદા ખંડ મળ્યા હોય ત્યાં ઘણી વાર ખૂબ સંકડાશ અનુભવાય છે. પ્રમાણમાં ઘણી સારી કહી શકાય એવી જગ્યાની સગવડ મેં સ્વામીનારાયણ ગુજરાતી નિશાળ, વિલ્સડનમાં જોઈ હતી. નાણાંની તંગીને કારણે સંસ્થાઓ પુસ્તકો અને બીજાં શિક્ષણના સાધનો વસાવવાની કે બદલવાની બાબતે ઉદાસીનતા સેવતી હોય છે. મુખ્ય નિશાળના અદ્યતન સાધનો વાપરતા વિદ્યાર્થીને આ કેમ કરીને ગમે?
ગુજરાતી નિશાળોમાં શિક્ષકોને નિયમિત તાલીમ મળતી રહે તેની જોગવાઈ થઈ શકતી નથી. અભ્યાસક્રમો બદલાઈ જાય છે, શિક્ષણની નવી નવી રીતો અજમાવવાની ચર્ચાઓ થતી રહે છે અને આપણે, ગુજરાતી નિશાળોના શિક્ષકો, હતા ત્યાંના ત્યાં રહી જઈએ છીએ. ગુજરાતી સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ સમગ્ર શિક્ષક સમુદાય માટે તાલીમ વર્ગોની યોજના કરે છે અને આપણે તેનો લાભ પણ લઈએ છીએ. ઘણીવાર સંસ્થાની નિશાળોમાં સંસ્થા દ્વારા તાલીમ યોજવામાં આવે છે પણ આ દેશમાં પણ આપણે જ્ઞાતિજન્ય વાડાઓના ચક્કરમાં એટલા અટવાઈ ગયા છીએ કે ફક્ત જે તે સંસ્થાના શિક્ષકો જ સંસ્થાના તાલીમવર્ગોમાં જઈ શકે છે.
OCR જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ તાલીમવર્ગ યોજતી રહે છે પણ તેની માહિતી તેમના પરીક્ષા કેન્દ્રોમાં જ મોકલવામાં આવે છે. જો કે એકબીજાના કહેવાથી આપણામાંના ઘણાં તેનો લાભ લઈએ છીએ. વળી ઘણી વખત એક કે બે જ તાલીમાર્થી જોડાય છે કેમ કે તાલીમ વર્ગની સો – દોઢસો પાઉન્ડની ફી આપવા આપણે તૈયાર થતા નથી. હમણાંનો એક દાખલો જોઈએ : GCSEની તાલીમ માટે આવેલા શિક્ષકોએ GCEના તાલીમ વર્ગમાં આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી અને ૨૪ એપ્રિલના કોર્સની તૈયારી પણ થઈ ગઈ હતી. બે દિવસ પહેલાં આ તાલીમ રદ કરવામાં આવી કારણ કે ફે ફક્ત ૧ ડેલીગેટે નામ નોંધાવ્યું હતું. કદાચ આપણા શિક્ષકો સુધી માહિતી નહોતી પહોંચી અને કદાચ ૧૩૦.૦૦ પાઉન્ડ આપવાની કોઈની તૈયારી ન હતી. આમાં દોષ કોનો કાઢવો? શું ભાષા જળવાઈ રહે તે માટે પોતાનો સમય આપતા અને તે માટે ઝઝૂમતા પેલા નાનકડા શિક્ષક પર આ ફીનો ભાર પણ મૂકી દેવો કે પછી સંસ્થાએ પોતે સમજીને કમ સે કમ શિક્ષકનો આર્થિક બોજ હળવો કરવો? અમારી નિશાળનું એટલું કહીશ કે અમારા શિક્ષકોની GCSE training fee હંમેશાં SL OAUK ભરી આપે છે.
ઘણી વાર આપણે શિક્ષકો કોઈ પણ જાતની પૂર્વતૈયારી કર્યા વગર વર્ગમાં જઈને યેન કેન પ્રકારેણ ભણાવી આવીએ છીએ. નથી આપણે આખા વર્ષના શિક્ષણનું કોઈ માળખું બનાવતા કે નથી આપણે દિવસના વર્ગકામ માટેની કોઈ યોજના કરતા. અભ્યાસક્રમનો ક્યો વિષય શીખવવામાં કેટલો સમય લાગશે એ આપણે પહેલેથી વિચારવું જોઈએ નહિ તો વાર્ષિક પરીક્ષાઓ નજીક આવતાં અગત્યના વિષયો ઉતાવળથી શીખવી દેવાનો સમય આવશે અથવા તો પછી તે શીખવવાના જ રહી જશે. પરીક્ષા પહેલાં બેથી ત્રણ અઠવાડિયાં આપણે અભ્યાસક્રમ પૂરો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કોઈ અડચણ આવે [દા.ત. શિયાળામાં હવામાન કે હિટિંગને કારણે નિશાળ બંધ રાખવી પડી હોય] તો પણ આપણી પાસે કામ પૂરું કરવા સમય હોય છે. અને નહિ તો એ બે / ત્રણ અઠવાડિયાં વધારે મહાવરો આપવામાં કે પુનરાવર્તન કરવામાં ક્યાં નથી વાપરી શકતા? શિક્ષકને સંતોષનો સંતોષ અને વિદ્યાર્થીના વિશ્વાસમાં વધારો જ વધારો.
અને દરેક વર્ગ પહેલાં વર્ગકામની યોજના તૈયાર કરવી જરૂરી છે, ખરેખર જરૂરી છે. ઉદાહરણ આપું તો, મેં જોયું છે કે વર્ગમાં જોડણીની ચકાસણી કરવાની હોય તો શિક્ષક તે સમયે મનમાં આવે તે શબ્દો લખાવી લે છે. એમાં પછી આપણને ચકાસણી કરવી હતી તે અક્ષરો કે વિદ્યાર્થીને મુશ્કેલ લાગતા હોય તે શબ્દોના સમાવેશ થયો છે કે નહિ તેની તકેદારી રખાતી નથી. વાંચન માટે પણ પાઠ્યપુસ્તક ખોલીને વ્યાકરણના મુદ્દા, શબ્દભંડોળ વગેરે પહેલેથી જોઈ જવા, નોંધવાની જરૂર છે જ. બે કલાકના વર્ગમાં આખો સમય લેખનકાર્ય જ કરાવ્યે રાખીએ તે કેમ ચાલે? વર્ગમાં આપણે શું શીખવવું છે તેની વિગતવાર નોંધ શિક્ષણને સમયે આપણા ડેસ્ક પર ખુલ્લી રાખવી જ જોઈએ. વળી એક એક વર્ગમાં સંભાષણ, શ્રવણ, વાંચન અને લેખન એમ ચારે કૌશલ્યોનું શિક્ષણ અપાય એ મહત્ત્વનું છે. વિદ્યાર્થી સપ્તાહમાં ફક્ત એક જ વાર તો આવે છે આપણી પાસે !
વિદ્યાર્થીને અપાતા ગૃહકાર્યમાં વિવેક જાળવવો જરૂરી છે. નહીં આપીએ તો ઘેર જઈને વિદ્યાર્થી ચોપડી ખોલવાનો જ નથી. વધુ પડતું આપીશું તો કદાચ કરશે જ નહિ અથવા એ કામ તેનું પોતાનું નહિ પણ માતા કે દાદા – દાદીનું હશે. વિદ્યાર્થીની ઉંમરને ધ્યાનમાં રાખીને પા-અડધા કલાકનું ગૃહકાર્ય હશે તો કમ સે કમ તે ચોપડી ખોલશે તો ખરો ને? આ ગૃહકાર્યમાં નિબંધ કે એવું કંઈ હોય તો જરૂરી છે કે શિક્ષક તે વર્ગના સમયે ન તપાસે.
શરમની વાત છે કે ક્વચિત આપણે શિક્ષકો આપણા અહમને પોષીએ છીએ તેને પંપાળતા રહીએ છીએ. આપણું સારું કામ આપણે કોઈ સાથે વહેંચવા માંગતા નથી. ગુજરાતી નિશાળમાંથી મળતા એલાઉન્સ માટે જ ફક્ત આપણે નિશાળે જતા નથી ને?
ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રારંભિક, પ્રવેશ અને પરિચય પરીક્ષાઓ આપણી નિશાળોના વિદ્યાર્થીઓ આપતા. એ પરીક્ષાઓ બંધ થઈ એ ખરેખર દુ:ખની વાત હતી અને છે. આજે પણ ઘણા લોકો એ પરીક્ષાઓને યાદ કરે છે. ખૂબ સારી વાત છે કે અકાદમીનાં જગદીશ દવેએ સંપાદન કરેલાં ગુજરાતી ભાષા પ્રવેશ પુસ્તકો આપણે હજુ વાપરીએ છીએ.
OCRના અભ્યાસક્રમમાં ગુજરતી ભાષાને એક MFL તરીકે ચકાસણી કરવાની વાત છે. પણ આપણે બાળકને ફક્ત એટલા જ ધોરણની ભાષા ન શીખવીએ. ભલે એ પરીક્ષા આપે પણ આપણે બાળકની ભાષાને બની શકે સમૃદ્ધ બનાવીએ.
OCRની Asset languageના અભ્યાસક્રમો અને તેની પરીક્ષાઓ રોમાંચક છે. બાળકને એ ભણવાનું ગમે છે તે અમારી નિશાળનો અનુભવ છે. કદાચ દરેક સંસ્થાએ આ પરીક્ષા અપાવવી જરૂરી છે.
આપણી સામે સમસ્યાઓ ઘણી છે પણ જો માતા-પિતા, વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા સમજપૂર્વક ભાષા શિક્ષણ માટે ઝઝૂમશે તો આગે આગે પ્રકાશ છે, જરૂર છે.
e.mail : kusum@w3systems.net