સરદાર સરોવર પ્રોજેક્ટના પાણીના લેવલની પરિસ્થિતિ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની વેબસાઈટ http://nca.gov.in/પર તપાસતાં ચોંકાવનારી વિગતો ઊપસી આવે છે. (૧) ડેમ પૂરેપૂરો ભરવાની ક્ષમતા અથવા ભયજનક સપાટી કહીએ તો ૧૩૮.૬૮ મીટર છે. (ર) પાણીની સપાટી ચોમાસા દરમ્યાન આ પ્રમાણે હતી.
આંકડા જોતાં સાફ દેખાય છે કે, ૧ ડિસેમ્બર ર૦૧૭ના રોજ ડેમમાં ૧૯૪૬ મીલિયન ક્યુબિક મીટર પાણી હતું અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. બહુ સારી રીતે જાણે છે કે એને ઉનાળા દરમ્યાન, બીજા ચોમાસા સુધી ગુજરાતના લોકો માટે પીવાનું કેટલું પાણી જોઈશે. છતાં, ડિસેમ્બરના એક જ મહિનામાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ૯૬૭ મીલિયન ક્યુબિક મીટર પાણી વાપરી નાખ્યું, જેથી ડિસેમ્બરના અંતે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. પાસે માત્ર ૯૭૯ મીલિયન ક્યુબિક મીટરનો લાઈવ સ્ટોરેજ બચ્યો હતો. જ્યારે મુખ્ય મંત્રીશ્રીએ, ચૂંટણી વીત્યા પછી પાણીની અછતની જાહેરાત કરી ત્યારે, ૧ર જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ હતું ૬૩૮ મીલિયન ક્યુબિક મીટર. છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર તા. રપ-૧-૨૦૧૮ના રોજ ડેમની સપાટી બચી છે ૧૧૩.૬૯ ફૂટ અને પાણીનો લાઈવ સ્ટોરેજ છે માત્ર ૩ર૮ મીલિયન ક્યુબિક મીટર. જો ચોમાસા દરમ્યાન ડેમમાં પાણીની આવક જોઈએ તો, વેબસાઈટ પરના આંકડાઓ અનુસાર, પહેલી જુલાઈ ર૦૧૭ના રોજ ડેમમાં ૧૧૪.૯૭ મીટર પાણીની સપાટી હતી. ચોમાસાની શરૂઆતમાં, ૩૧ જુલાઈના રોજ ડેમની સપાટી વધીને ૧ર૦.૬૯ મીટર થઈ, સપાટીમાં પ.૭ર મીટરનો વધારો થયો. ૩૧ ઓગસ્ટના રોજ ડેમની સપાટી વધીને ૧ર૪.૪૩ મીટર થઈ, ૩.૭૪ મીટરનો વધારો થયો. પહેલી ઑક્ટોબર, ર૦૧૭ના રોજ, ડેમમાં સપ્ટેમ્બર મહિનાના વરસાદનું પાણી ઉમેરાતાં સપાટી વધીને ૧૩૦.પ૯ મીટર થઈ. એ પછી પાણીની સપાટી ઘટવાની શરૂઆત થઈ. ૩૧ ઑક્ટોબરના રોજ ડેમની સપાટી હતી ૧ર૮.૬૯ મીટર. મહિના દરમ્યાન ૧.૯ મીટર ઓછી થઈ છતાં, અગાઉ કરતાં ૪.ર૬ મીટર વધારે હતી. તા. ૩૧ નવેમ્બર ર૦૧૭ના રોજ પાણીની સપાટી ઝડપથી ઘટીને ૧ર૪.રર મીટર થઈ, સીધો ૪.૪૭ મીટરનો ઘટાડો.
તા. ૩૧ ડિસેમ્બરના રોજ પાણીની સપાટી ઘટીને ૧૧૮.૩૩ મીટર થઈ, સીધો પ.૮૯ મીટરનો ઘટાડો થયો અને ૧ર ડિસેમ્બર, જ્યારે ચૂંટણીના છેલ્લા ચરણના મતદાનનો પ્રચાર બંધ થયો ત્યારે ડેમની સપાટી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ. બહુ સાદી ગણતરી દર્શાવે છે કે, ચૂંટણી દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ સત્તાધારી પક્ષની તરફેણમાં બહુ જ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે, સત્તાધારી પક્ષને રાજી રાખવા માટે ગુજરાત માટે અતિમૂલ્યવાન એવું પાણી વેડફ્યું. ચૂંટણીના અઢી મહિના દરમ્યાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ ખૂબ ઉદારતાપૂર્વક, બિનજરૂરી હોવા છતાં, ઉદ્ઘાટનો માટે ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રાખ્યું. એને કારણે આશ્ચર્યજનક રીતે, ડેમમાં પાણીની સપાટી ૧૩૦.પ૯ મીટરથી ઘટીને ૧૧પ.૯પ મીટર થઈ, સત્તાધારી પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.એ મળીને ૧૪.૬૪ મીટર પાણી ગુજરાતના લોકો પાસેથી બિનજરૂરી રીતે ઝૂંટવી લીધું.
આમાં મહત્ત્વની વાત એ છે કે, સપ્ટેમ્બર-ઑક્ટોબર ચોમાસાના અધિકૃત મહિના છે. ડેમના પાણીનો સૌથી વધુ હક અને વપરાશ જેનો છે એ ખેતીમાં આ મહિનાઓ દરમ્યાન પાણીની જરૂર પડતી નથી. એટલા માટે જ અમે વારંવાર પૂછીએ છીએ કે નર્મદાનું પાણી ક્યાં ગાયબ થઈ ગયું? સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમ આટલો સાદો હિસાબ કરીને લોકોને જવાબ આપવા તૈયાર નથી!
સત્તાપક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. સ્વેચ્છાએ લોકોની માગણી સ્વીકારીને એમણે ગેરઉપયોગ કરેલા પાણીનો વિગતવાર હિસાબ આપવા ભલે તૈયાર ના હોય, પરંતુ ખેડૂતો એમના ભાગના, મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પક્ષ અને સરદાર સરોવર નર્મદા નિગમે દુરુપયોગ કરેલા ટીપે ટીપાં પાણીનો હિસાબ આપવા ફરજ પાડવા મક્કમ છે.
E-mail : sagar45rabari@gmail.com
સૌજન્ય : નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 15