ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત ચૂંટણીઓ આવી ને પતી ગઈ. દેશ અને દુનિયાનું ધ્યાન જેના પર મંડાયું હતું એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સરવાળે શું નીકળ્યું ? કોણ હાર્યું, કોણ જીત્યું એનાં સૌએ પોતપોતાનાં તારણો તારવ્યાં ને એક ઘટના પૂરી થઈ, પરંતુ ગુજરાતવાસીઓ માટે આ ચૂંટણી ખરેખર ઘટના માત્ર હતી કે વરવા વિકાસની વાતો પછી સુગ્રથિત સામૂહિક ભવિષ્ય તરફની દિશા નક્કી કરવાની વેળા? નક્કર કશું નીકળ્યું ખરું?
ગુજરાત વિધાનસભાની બે ચૂંટણીઓ વચ્ચે ઘણા ચડાવ-ઉતાર આવ્યા. ખેડૂતોના મોરચે જોવા જઈએ તો ૨૦૧૩માં માંડલ-બહુચરાજી ‘સર’ આંદોલનથી લઈને ધોલેરા ‘સર’, કમાન્ડ વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની સતત માગણી-આંદોલન, જમીનસુધારણા કાયદાઓ અંતર્ગત મળેલી જમીનો ખેડૂતોને નામે કરવા માટેની પદયાત્રા હોય કે ખેડૂતોનાં દેવાં અને એવા અનેક સવાલો લઈને સોમનાથથી સચિવાલય સુધીની ૪૬૦ કિલોમીટરની પદયાત્રા, ગુજરાતવ્યાપી બાઇકયાત્રા, વાઇબ્રન્ટ સમિટના વિરોધ બદલ ધરપકડ અને કેસ સહિત આખો સમયગાળો અતિ સક્રિય રહ્યો. પરિણામ, આ ચૂંટણીમાં ખેડૂતોના મુદ્દા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય ક્ષેત્ર અને માધ્યમોના જગતમાં છવાયેલા રહ્યા. સરવાળે કેન્દ્રીય નાણામંત્રીએ કહેવું પડ્યું કે ગ્રામીણ અર્થતંત્રની સમસ્યાઓનો ઓળખ અને ઉકેલ પર ધ્યાન આપવું પડશે.
વચગાળામાં લોકસભાની ચૂંટણી દરમિયાન કપાસના ૧૫૦૦ રૂપિયા ટેકાના ભાવથી લઈને અનેક વાયદાઓ થયા. ખેડૂતોની સિંચાઈ, પાકવીમો, ટેકાના ભાવ ને વીજળીજોડાણની માગણીઓ વણસંતોષાયેલી રહી, એની સાથે સાથે બૅંકખાતામાં ૧૫ લાખની ઘટતી આશા, રોવડાવતો કપાસ ને ઉજાગરા કરાવતી વીજળી વચ્ચે ઉન્માદ ઓસરતો ગયો. સામાજિક આંદોલનોમાં મૂળે ખેતી અને લઘુઉદ્યોગોની એકધારી અવગણનામાંથી ઊપજેલું પાટીદાર અનામત-આંદોલન અને છે તે ટકાવી રાખવા માટે ઊભરેલું ઓ.બી.સી., આંદોલન જાહેર પ્રવાહોને ઘમરોળતાં રહ્યાં. એવી જ રીતે, એકધારા શાસનના ટેકે અણધારી ઊંચાઈએ પહોંચેલા હિંદુત્વના કેફમાં, ગૌરક્ષાના ધમંડમાં આચરાયેલા દલિતો પરના અત્યાચાર સામે ઘણા સમય પછી પહેલી વાર એક મજબૂત પ્રતિરોધ ઊભો થયો ઉના-આંદોલન દ્વારા.
આમ, આર્થિક ઉદારીકરણની આડપેદાશ સમા ખેતી અને લઘુઉદ્યોગોની અવગણના થકી ઊપસેલી આર્થિક સંકડામણોના ઘૂઘવાટમાંથી પ્રગટેલાં સામાજિક આંદોલનો અને સતત ચાલતાં ખેડૂત-આંદોલનોએ રાજકીય પ્રવાહોને પલટ્યા. ૨૦૧૪નાં પરિણામો પછી ‘હવે ૧૦ વરસ મોદીનાં’ માનીને ચાલતા વિવેચકો આસમાની ખ્યાલોમાંથી ધરતી પર ઊતરવા માંડ્યા. અશ્વમેઘના ઘોડાને રોકી શકાય છે, એવો આત્મવિશ્વાસ નિષ્પ્રાણ ગુજરાત કૉંગ્રેસમાં દેખાવા માંડ્યો. સંપૂર્ણ સ્વતંત્ર એવા સોશિયલ મીડિયા પર ‘વિકાસ ગાંડો થયો’થી લઈને ‘હવે તો પાડી દો’ ચાલ્યું. માહોલ બન્યો કે સત્તાપરિવર્તન થશે. એકધારી સત્તાએ સિંચેલો અહંકાર ધોવાશે ! પરિણામ ખરેખર અપેક્ષિત છે કે આંચકો આપનારાં ?
બંને પક્ષોને મળેલી બેઠકોને ધ્યાનમાં લઈને તો બે બાબતો ઊપસી આવે છે. ગુજરાતને ખેતી અને પાણીની ઉપલબ્ધતાની રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે, એ પ્રમાણે ચૂંટણીનાં પરિણામો પણ ઊપસ્યાં છે. સૌરાષ્ટ્ર, જ્યાં વરસાદ ઓછો, સિંચાઈની સગવડો લગભગ નહિવત્ અને ભૂગર્ભજળ અતિ મર્યાદિત છે, એવા વિસ્તારમાં ૨૨ વરસમાં ભા.જ.પે. સત્તા પર રહેવા છતાં ખાસ કંઈ નથી ઉકાળ્યું. ત્યાંના લોકોમાં સત્તાપક્ષ વિરુદ્ધ વધુમાં વધુ રોષ મતમાં રૂપાંતરિત થયો. સૌરાષ્ટ્રની ખેતી અત્યારે પણ વધારે વરસાદ આધારિત અને ખૂબ ઓછા પ્રમાણમાં પૂરક સિંચાઈ ધરાવે છે. એના બે મુખ્ય પાકો, કપાસ અને મગફળીમાં છેલ્લાં ત્રણ વરસમાં ટેકાના ભાવો બજારમાં માંડ-માંડ મળ્યા છે, મોટા-ભાગે ખેડૂતોએ ખોટ ખાઈને વેચવાનો વારો આવ્યો છે. પાકવીમાના પૈસા માટે ખેડૂતોને ટટળાવ્યા છે, ખોટ જતાં આપઘાતનું અંતિમ પગલું ભરનારા ખેડૂતો પરિવારોની ઉપેક્ષા થઈ છે. આમ, ખેતીમાં રોજ-બ-રોજ હાડમારીઓ વેઠવી પડી છે, એવા વિસ્તારમાં નાત-જાત-ધર્મનાં નશાએ કામ નથી કર્યું. સો મનામણાં ને દરેકના ખાતામાં ૧૫ લાખની લાલચે મતદારોને ઘેલા કર્યા એ પછી નોટબંધી ને જી.એસ.ટી. વચ્ચે ‘સૌની’ યોજનાના ગાજર છતાં, આટલાં વરસોના અનુભવે ઊભા થયેલા અવિશ્વાસે સત્તાપક્ષને સૌથી વધારે આકરો જાકારો આપ્યો છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં, લગભગ સૌરાષ્ટ્ર જેવો જ વરસાદ પરંતુ છેલ્લાં વરસોમાં થોડે ઘણે અંશે નર્મદાનાં પાણી સીધાં કે આડકતરાં પહોંચ્યાં છે. ભૂગર્ભજળને કારણે મોંઘી સિંચાઈ થકી વડે પાક બચાવી શકાય છે. ત્યાં સત્તાપક્ષને નુકસાન અવશ્ય થયું છે, પરંતુ સાવ સૌરાષ્ટ્ર જેવો જાકારો નથી મળ્યો, કારણ ઊંચી પડતર છતાં પાક બચાવી શકવાને કારણે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતો જેટલું વેઠવાનું નથી આવ્યું. આ બંને વિસ્તારો એવા છે જ્યાં કૉંગ્રેસને પ્રમાણમાં વધારે બેઠકો મળી છે, સત્તાપક્ષની ખેતીક્ષેત્રની સતત અવગણનાનું પરિણામ છે.
ત્રીજી તરફ, મધ્ય અને દક્ષિણ ગુજરાત, જ્યાં પાણીનો વિપુલ જથ્થો છે, વરસાદ પર આશ્રિત નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની જેમ કપાસ-મગફળીનું વાવેતર નથી, ત્યાં ભા.જ.પ.ને વધુ બેઠકો મળી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તમાકુ, કેળ, શેરડી, ડાંગર અને બીજા બાગાયતી-રોકડિયા-પાકો લેવાય છે. સહકારી માળખું સુદૃઢ હોવાથી ટેકાના ભાવ કે પાકવીમા માટે સરકાર, આશ્રિત નથી એવી જ રીતે વિપુલ જળભંડારને કારણે સિંચાઈ માટે પણ સરકારભરોસે નથી. આ વિસ્તાર ખેડૂતોને જમીનસંપાદન સિવાયના મામલે સરકાર સાથે ખાસ પનારો પડવાનો આવ્યો નથી, એટલે એમના ભાગે સરકારની અવગણના/અવહેલના વેઠવાની આવી નથી. સરકારની ખેડૂતવિરોધી નીતિઓનો ભોગ બનવું પડ્યું નથી, એટલે હજી એમનો સત્તાપક્ષથી મોહભંગ થયો નથી. ભા.જ.પ.ના અસલી રૂપને ઓળખવામાં આ વિસ્તારો કાચા પડ્યા છે.
છેલ્લે વાત શહેરી વિસ્તારોની
શહેરોમાં વસતો વર્ગ હજી સંકુચિતતા અને કાલ્પનિક ડરમાંથી બહાર આવ્યો નથી. એવું નથી કે વડાપ્રધાન ચૂંટણી ટાણે, વર્ષે બે કરોડ રોજગાર, ખાતાંમાં ૧૫ લાખ, પાકિસ્તાનને નાની યાદ કરાવી દેવાની ને ચીનને ઠેકાણે લાવી દેવાના વાયદા કર્યા હતા તે યાદ નથી. એ નોટબંધીમાં લાઇનોમાં ઊભો રહીરહીને અકળાયો હતો, મહિનાઓ સુધી હાડમારીઓ વેઠી તે કે, પછી નાનીમોટી દુકાન થકી રોટલો રળી લેતો બહુમતીવર્ગ જી.એસ.ટી.ના ચક્કરમાં પિસાયો એ ભૂલ્યો નથી. પરંતુ શહેરીવર્ગ માટે ભા.જ.પ પાસે એક અમોઘ હથિયાર છે, જે દર ચૂંટણીએ વપરાય છે ને અસરકારક નીવડે છે, તે ભયનું રાજકારણ. ચૂંટણીના મહિનાઓ અગાઉ, ભા.જ.પ. પહેલાં જાણે કે અમદાવાદ દોજખ હતું, અહીં બહુમતી સમાજના લોકો તો રહી શકતા જ નહોતા, શહેરમાં કામ-ધંધો-રોજગાર હતાં જ નહીં એવી વાર્તાઓ ભા.જ.પ. એની સાથી સંસ્થાઓ થકી વહેતી કરે છે, ઘેરઘેર પહોંચાડે છે. વડાપ્રધાન કક્ષાએથી જાહેરસભામાં પુછાય કે તમારે મંદિર કે મસ્જિદ ને છેલ્લે લાગણીવશ રોદણાં રોવાય કે તમે મત નહીં આપો તો હું ક્યાં જઈશ? આ બધું જૂનો ને જાણીતો ડર ફરી તાજો કરાવી જાય છે. ભણેલો પણ જરાય ગણેલો નહીં, કૂવામાં દેડકાથી વિશેષ કશું ય નહીં ને છતાં જગતગુરુનો ઘમંડ ભરેલો સાધારણ ડરપોક મધ્યમવર્ગ ઘોર સત્તાપક્ષની ચાલમાં ફસાઈ ગયો. એ … (૧) નોટબંધીની લાઇનો, (૨) મોંઘવારી, (૩) ભાંગી પડેલા વેપાર-ધંધા, (૪) મૃતપ્રાય આરોગ્યસેવાઓ, (૫) શિક્ષણનું વેપારીકરણ, (૬) રોડ-રસ્તાની બિસ્માર હાલત, (૭) મોંઘી વીજળીનાં બિલ, (૮) સંતાનોનાં રોજગાર, (૯) સરકારનું દમન, પોલીસનો માર, લોકશાહી-મૂલ્યોની હત્યા.
સઘળું માફ કરીને, માત્ર અને માત્ર મુસ્લિમો પ્રતિ ઊભા કરેલા ભા.જ.પ.ના કાલ્પિક ભયને વશ થઈને સત્તાપક્ષને મત આપી બેઠો છે. આ જ પોચકો વર્ગ કાલે પાછો ચાની લારીએ ને પાનને ગલ્લે રોદણાં રોતો હશે. ગૅસના ભાવ વધ્યા ને શિક્ષણ મોંઘું થયું. હવે તો ના ચલાવી લેવાયના તાકા ફાડશે. પણ, મૂળે તો કાલ્પનિક ડરનો માર્યો ભા.જ.પ.ને ખોળે ભરાયો છે એ કબૂલશે નહીં, ઓઠાં લેશે દેશભક્તિનાં !
ખરેખર તો, લોકશાહી ઢબે, સરકારના કામનું મૂલ્યાંકન કરીને મત આપતો સ્વસ્થ, સ્વતંત્ર નાગરિક હાર્યો છે, સમસ્યાઓ હારી છે ને કાલ્પનિક ડર, સંશય જીત્યો છે. આ હારજીત કૉંગ્રેસ-ભા.જ.પ.ની નથી, અહીં હાર રોજ-બ-રોજ વેઠવી પડતી સમસ્યાઓની થઈ છે ને જીત ડર (સંશય)ની થઈ છે. સમસ્યાઓ હારી સંશય જીત્યો એ જ ઉપલબ્ધિ!!
E-mail: sagar45rabari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 04-05