– 1 –
દરિયાને થાય
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચિંધીને કે તારો ખજાનો છે ભરિયો ..
મર્કટ આ મનડું તો આમતેમ ભટકે,
સઘળું હો પાસ પણ ક્યાંક્યાં જઈ અટકે.
ઊંચેરાં વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.
છે મઝધારે રહેવાનું આકરુંઅકારું,
ને કિનારે પહોંચવાને હામ હું ન હારું.
જો સમંદર, અંદરથી ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’ તે પામવાની ઝંખનાએ એને તળિયેથી ઊંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો
– 2 –
શબ્દોની નાવ
‘શબ્દોની નાવ’ લઈ ચાલી સવારી, સંવેદનાના સાગરમાં તરતી,
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે, આ ‘અક્ષર હલેસે’થી સરતી,
મારા, તારા ને કદી આપણાયે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, સમયની ધારે વિહરતી … શબ્દોની નાવ લઈ ચાલી સવારી
ધાર્યું’તું, ઊંડે જઈ, ડૂબકી મારીને પછી, ભીતરનાં મોતી લઈ ધરશું,,
ફૂલ સમી કોમળ ખૂબ માળાઓ ગૂંથી, આ હૈયાના હારને પહેરાવશું.
પણ ખેવનાના હાથમાં અક્ષરનું જ હલેસું, ધસમસતાં ભાવ-પૂર નાથતી,
લો, કવિતા સિવાય કંઈ બીજું ના ધરતી…શબ્દોની નાવ લઈ ચાલી સવારી
કહે છે કે પાંખ હોય તો ઉડાય ને દૂર ઊંચે વાદળને ય અડાય,
ને પંખીની જેમ મન ફાવે ત્યાં જવાય ને ફૂલ જેવાં હળવા રહેવાય
કલમ સહેલી આ વાત પાડે ખોટી ને ખેંચે આંગળીઓને ઝાલતી,
એ તો દોડે, ઊડે, અરે! સૂરજ ને ચાંદ લગી પહોંચે, નીતરતી …. શબ્દોની નાવ લઈ ચાલી સવારી ..
– 3 –
સોનેરી રજકણ
વાદળદળની ધારે ફરતી, સોનેરી કોર સળવળસળવળ,
નાની શી એક રજકણ ખોલે, આભલું આખું ઝળહળઝળહળ.
કોઈ આવી પીંછી લઈને, ચીતરે સુંદર રંગ અનોખા,
દિવ્ય મનોહર દૃશ્ય અનુપમ, નિખરે સઘળા વિશ્વે હરપળ.
શાંત પડેલી લાગણીઓના, ધુમ્મસ-છાયા પડળો ઘેરા,
કંકર પડતાં વલયો રચતા, જળનાં તળ તો ખળભળખળભળ..
ખોલે અચાનક મનના દ્વારે, દૂરથી પ્રેમે હાથ પસારી,
સમજણ કેરી રજકણ ખોલે, નયને અશ્રુ ઝળઝળઝળઝળ.
પાંપણના પલકારા સરખી, પળની અહીં છે આવન-જાવન,
આદિ-અંત છે નોખા–અનોખા, જડ-ચેતનના નિશ્ચય પ્રતિપળ.
– 4 –
અલ્લડ આ મેઘ
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!
છેડ્યો હશે મલ્હાર કોઈ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે!
પાગલ પવનનાં અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલાં પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!
પંખીના કલરવને મબલખ આ ધાર,
ગગનની ગરજનને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!
રોમરોમ જાગે ને વાગે શરણાઈઓ,
ભીતરના જીવ મહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘુમ્મટ લઈ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!
– 5 –
મેળો
મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા.
સગપણનાં ચક્ડોળ તો હારે ને હારે,
બચપણથી ફરતાં રોજ રેશમને તારે.
વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,
ને ગણગણતા ઊમટે જેમ સાગરકિનારે.
લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ ઉમટ્યા છે મેળા.
ક્યાંક ઇચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,
ને બર્ફીલા ઠંડાગાર ગોળાઓ છૂટે.
આ ફૂટવા, છૂટવાની વચ્ચે એક હાલતો,
લોલક શો હીંચકો તો હૈયું હલાવતો,
ટકરાતા ટોળાંથી, અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા..
વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
ગોળ ગોળ ચકરાવો વિરમાતો થાય,
પલમાં તો લોક સૌ અલોપ થતાં જાય,
બાંધેલી ધમણો પણ ઓસરતી થાય,
ત્યાં હળવા મૂકેલા મારગ અલબેલા, ત્યાગી જે માણે માયાના આ મેળા….
– 6 –
પલના પલકારે
રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું,
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.
કાલ તો કરતી’તી રેતીની નાની શી ઢગલી,
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
યુગ તણાં વહેણમાં આ ક્ષણ મહીં સરતી,
એકાએક જાત તો યુવાન થઈ ઊછળતી.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવાયે તારથી જાદુઈ ખેલ બધા રચતું…..સાવ કાચી
પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી,
ચડતી જવાનીનાં પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીનાં જાળાં,
ને અંગો સહુ માંગતાં સમારકામ આળાં.
ત્યારે દેહમાં પુરાયેલ નાનકડું હંસલું ભીતર ને ભીતર ફફડતું,
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પીંજરમાં જઈ વસતું.
આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું ક્યારે કાયાને પલટતું.
– 7 –
કૃષ્ણ-રાધા પ્રેમસંવાદ
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી ?
પૂછે કાં રાધા, આમ, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને હા, ખેલત હું હોળી !
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છીદ્ર આ વાંસળીમાં,
વિંધ્યા વીણ સૂર, શું રેલત તું વાંસળીના?
પૂછે કાં રાધા, આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છીદ્ર આ વાંસળીમાં,
વિંધ્યા વીણ સૂર, શું પામત તું વાંસળીના?
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શીર પર?
અગર જો મોરપીંછ, હોત આ પીત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શીર પર!
પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર!
– 8 –
અતિ સ્નેહ
બન્ને હાથની નાજુક હથેળીમાં મૃદુતાથી મુજને પકડે છે તું,
ને સાચવી સાચવીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.
પાંદડી સમ પલભર સહેજ જ જો સરકું,
તો ગભરાય છે મન તારું પારેવા સરખું,
પછી ફૂલ જેવી હળવાશે અડકે,
અતિ કોમળતાથી ઝટ દઈ પકડે,
સાચવી સાચવીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.
આપે છે ધ્યાન અવિરત દિવસ–રાત
મુજમાં જુએ છે વળી ખુદની તું જાત,
હું ના હોઉં સાથ, તો સૌ સાથ ઝઘડે,
રાતોચોળ ચહેરો લઈ સૌની પર બગડે.
સાચવી સાચવીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.
પ્રેમમાં પાગલ દીઠાં ઘણાંયે રોઈ, ધોઈને,
આવો તે સ્નેહ કદી કોઈએ, કીધો છે કોઈને?
ચેતન હરાતું જ્યાં લાગે ને સાદ જરા રગડે,
ક્ષણના વિલંબ વગર પ્રાણ પૂરી ખુશ થાય મનડે
સાચવી, સંભાળીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.
િલ. તારો પ્રિય મોબાઇલ …
– 9 –
કુદરત
ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,
કોમળ કુણો તડકો વીંટે અંગઅંગ મનભાવન.
નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,
વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.
ઊંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,
તળિયે ખળખળ વ્હેતાં ઝરણાં લાગે પગનાં ઝાંઝર.
નીર નદીનાં નિર્મલ રાખે અંતરતલને પાવન,
પંખી મધૂરાં ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.
તેજ સમેટી સૂર્ય સુવાડે દઈને શ્યામલ ચાદર,
પરમ શાન્તિ શીર પર જ્યારે ટમકે ટમટમ તારક.
ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,
આભ ઝળુંબી ચૂમે ધરાને, દર્પણ જાણે સાગર.
મૌન કુદરત કહે શબદને મને હવે તું સાંભળ,
રૌદ્ર-રમ્ય, કરાલ–કોમલ, જીરવ યુગયુગ માનવ.
– 10 –
જાગ્યા ત્યાંથી સવારે
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે,
જરા ડોલતી નાવની ધારે, જોઈ સામે કિનારે, અમે ચઢી ગયા વિચારે.
પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે હાંકી;
બન્ને હલેસાં હવે ગયાં છે હાંફી,
ને પહેલાં કરતાં ચાલે થોડી વાંકી.
સમય આવ્યો સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઈશારે,
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે.
તારું–મારું, મારું–તારું, કરતાં કરતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ દોડ્યાં;
ખાડા-ટેકરા, તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારાં-તૂરાં, કડવાં-મીઠાં પીણાં સઘળાં ચાખ્યાં.
રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
એક સમી સાંજને ટાણે, જાગ્યા ત્યાંથી સવારે, અમે ચઢી ગયા વિચારે.
*****
સર્જક–સમ્પર્ક: 11047, North Auden Circle, Poet’s Corner, Missouri City, TX 77459-USA
eMail – ddhruva1948@yahoo.com
પ્રકાશિત કાવ્યસંગ્રહ : (1) ‘શબ્દોને પાલવડે’ (પ્રાપ્તિસ્થાન: કવયત્રીને એમની ઉપરોક્ત આઈ.ડી. પર ઈ.મેલ લખવી. મૂલ્ય ભારતમાં રૂપિયા 250 + પોસ્ટેજ, ભારત બહાર ડૉલર 10 + પોસ્ટેજ.)
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : તેરમું – અંક : 391 – 07 January, 2018