આ દેશમાં હવે બે માગણી સાથે આંદોલન ચલાવવાની જરૂર છે.
પહેલી માગણી એ કે આ દેશમાં કોઈને પણ મોતની સજા કરવામાં ન આવે. આપણે ત્યાં ફોજદારી ગુનામાં અપરાધીને દંડવાની પ્રક્રિયા (ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) એવી છે કે આપણે કોઈને મોતની સજા કરવાનો નૈતિક અધિકાર નથી ધરાવતા. શું ખબર કદાચ નિર્દોષ પણ ફાંસીએ ચડતા હશે. બીજી માગણી એ કે મતદાન માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન(EVM)નો ઉપયોગ બંધ કરવામાં આવે. ઝડપ અને સુલભતા કરતાં લોકતંત્ર મહાન છે. આમ કરવાની શા માટે જરૂર છે એની દલીલ અહીં તમારા વિચારવા માટે પ્રસ્તુત છે.
ગઈ કાલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ખબર છે કે અલાહાબાદની વડી અદાલતમાં ચાર દાયકાથી અપીલો ચુકાદાની રાહ જોતી પડી છે. અલાહાબાદની વડી અદાલતે સર્વોચ્ચ અદાલતને આપેલી માહિતી મુજબ ૧૪ અપીલો – ૧૯૭૬ (બે), ૧૯૭૭ (ચાર) અને ૧૯૭૮ (આઠ) – ચુકાદાની રાહ જોતી પડી છે. યાદ રહે કે આ બધી અપીલો છે અને એ પણ ફોજદારી ખટલાની છે. જગત આખામાં દીવાની કરતાં ફોજદારી ખટલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, કારણ કે જેની સાથે જઘન્ય ગુનો આચરવામાં આવ્યો હોય તેને બને એટલો જલદી અને જો મોટી ઉંમર હોય તો તેને તેની હયાતીમાં ન્યાય મળવો જોઈએ. જો ગુનો ખૂનનો હોય તો તેના પરિવારજનોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. બીજું એટલું જ મહત્ત્વનું કારણ એ છે કે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ. જો તે ખરેખર ગુનેગાર હોય તો તેને તેણે કરેલા ગુનાની યોગ્ય અને પ્રમાણસર સજા મળવી જોઈએ અને જો તે ગુનેગાર ન હોય તો વહેલાસર નિર્દોષ છૂટવો જોઈએ. ગુનાના આરોપ સાથે માત્ર યાતના જ નહીં, કલંક પણ જોડાયેલું હોય છે એટલે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ.
આ તો પહેલું પગથિયું થયું. જગત આખામાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એવી એક પ્રથા છે કે બને ત્યાં સુધી ફોજદારી ખટલામાં ન્યાય બે ત્રાજવે તોળવામાં આવે છે. એક નીચલી અદાલતમાં અને એક અપીલમાં. બન્નેમાંથી કોઈ એક પક્ષકાર, ક્યારેક બન્ને પક્ષકાર અને નહીં તો સરકાર વડી અદાલતમાં અપીલમાં જાય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈને ય ખોટી સજા, પ્રમાણ બહારની સજા, ખોટો છુટકારો, ખોટું કલંક અને ખોટો વિલંબ ન થવો જોઈએ. એટલે ફોજદારી ખટલાઓ જ્યારે ઉપલી અદાલતોમાં અપીલ તરીકે દાખલ કરવામાં આવે ત્યારે એને ઉપલી અદાલતો પ્રાથમિકતા આપે છે. પહેલાં તો ફોજદારી ખટલાને જ પ્રાથમિકતા આપવામાં આવે છે અને ઉપલી અદાલતોમાં અપીલમાં હજી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. જગત આખામાં આવી એક પ્રથા છે અને ભારતે પણ એક સભ્ય દેશ તરીકે આ પ્રકારની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સ્વીકારી છે, પણ પરિણામ?
પરિણામ આપણી સામે છે. અલાહાબાદની વડી અદાલતમાં / ચાર દાયકાથી / ૧૪ ખટલા / ફોજદારી ગુનાના / અપીલમાં પડ્યા છે. આ વાક્યમાં રહેલા દરેક મુદ્દાની ગંભીરતા એકસરખી છે. આરુષી તલવારની બાબતમાં શું બન્યું એ નજીકનો ભૂતકાળ છે. હરિયાણામાં રાયન સ્કૂલમાં જે બન્યું એ તો હજી વધુ તાજી ઘટના છે. ૧૯૮૪માં દિલ્હીમાં સિખો સાથે કરવામાં આવેલા નરસંહારના, ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવાની ઘટનાના, ૧૯૯૩માં મુંબઈમાં અને ૨૦૦૨માં ગુજરાતમાં કરવામાં આવેલા મુસલમાનોના નરસંહારના આરોપીઓ છૂટા ફરે છે અને તેમનો વાળ પણ વાંકો નથી થયો.
દાયકાઓનો વિલંબ, ખોટા અને અધૂરા ચુકાદા, ખોટી દિશાની તેમ જ અધૂરી તપાસ કરીને કેસનું કાસળ કાઢી નાખવું, સાક્ષીઓ ફોડવા અને ધમકાવવા, જજોને ખરીદવા, વકીલ માગે એટલી તારીખો માગવાની સવલત, દિવસોના દિવસ સુધી ઓરલ સબમિશનના નામે અદાલતમાં લવારા કરીને જજને ગૂંચવણમાં નાખવાની તરકીબ, લેખિત રજૂઆતના ફરજિયાતપણાનો અભાવ, મૅનેજ ન થઈ શકે એ રીતે હજારો પાનાંમાં વિસ્તરેલો કેસ અને મોંઘા વકીલો એ ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની જાણીતી બીમારીઓ છે. આના વિશે ઘણો ઊહાપોહ થયો છે અને હજી પણ થાય છે, પરંતુ સ્થાપિત હિતો એમાં સુધારા થવા દેતાં નથી.
આપણા જેવા સામાન્ય નાગરિકો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સુધારવાનો અધિકાર નથી ધરાવતા, પણ એક માગણી કરવાનો અધિકાર જરૂર ધરાવીએ છીએ. આપણે શાસકોને કહેવું જોઈએ કે જ્યાં સુધી તમે સમયસર અને પ્રમાણસર સજા કરવાની આવડત હાંસલ ન કરો ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને મોતની સજા આપવાનું બંધ કરો. જીવન છીનવી લીધા પછી એ પાછું મળતું નથી અને ફૂવડ શાસનને કોઈનું જીવન છીનવી લેવાનો અધિકાર નથી. કાયદાનું રાજ હોવા માટે માથું ઊંચકીને જીવવા જેટલી લાયકાત મેળવી લો ત્યારે જો જરૂરી લાગતી હોય તો મોતની સજા ફરી દાખલ કરજો.
આમ પણ જગતમાં મોટા ભાગના દેશોએ મોતની સજા કરવાનું બંધ કરી દીધું છે. બે મુખ્ય કારણ છે : એક તો માનવીને તેનું જીવન રાજ્યે આપ્યું નથી એટલે રાજ્યને એ છીનવી લેવાનો હક નથી. બીજું કારણ એ છે કે ગુનાની ઘટના સ્વભાવત: જટિલ હોય છે અને એમાં મોતની સજા કરવી પડે એવી ગંભીર ગુનાની ઘટના વધારે જટિલ હોય છે. જજે સગી આંખે ગુનો થતો જોયો હોતો નથી અને સંજોગોના આધારે ન્યાય તોળવામાં અન્યાય થવાની પૂરી સંભાવના રહે છે. આ સ્થિતિમાં કોઈનું અમૂલ્ય જીવન આંચકી લેવું એ પાપ છે. આવી માન્યતા એવા દેશો ધરાવે છે જ્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સક્ષમ છે, જ્યારે આપણે તો નાદારીની ચરમસીમાએ છીએ એ જોતાં મહેરબાની કરીને મોતની સજા કરવાનું બંધ કરવામાં આવે.
મતદાન માટે વપરાતાં EVMનો ઉપયોગ બંધ કરવો જોઈએ. બે મુખ્ય કારણ છે. એક તો આ જગતમાં આજ સુધી એવું મશીન નથી બન્યું જેમાં ખરાબી પેદા ન થાય અથવા એની સાથે ચેડાં ન થાય. બીજું, ભારતમાં લોકતાંત્રિક સંસ્થાઓ એટલી નિર્બળ છે કે ક્યારે કોણ વેચાઈ જશે કે દબાણમાં આવશે એની કોઈ ખાતરી નથી. જે દેશો ટેક્નૉલૉજિકલી ભારત કરતાં ક્યાં ય આગળ છે અને જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓ સ્વાયત્ત અને સક્ષમ છે, અદાલતો ઝડપી ચુકાદાઓ આપે છે, કુલ મળીને શાસનવ્યવસ્થા છીંડા વિનાની છે એવા દેશો પણ EVMનો ઉપયોગ કરતા નથી એની પાછળનાં આ જ કારણો છે : ૧. કોઈ પણ મશીન બગડી શકે છે, ૨. કોઈ પણ મશીન સાથે ચેડાં કરી શકાય છે અને ૩. કોઈ પણ માણસ ડરી જઈ શકે છે અથવા વેચાઈ શકે છે. ટૂંકમાં, ઝડપ અને સુવિધા કરતાં લોકતંત્ર મહાન છે.
તો નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની જરૂર છે : નો ફાંસી, નો EVM.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2018