ગુજરાતના અને દેશના મોટા ગજાના અભિનેતા-દિગ્દર્શક-વિચારક જસવંત ઠાકરની સ્મૃિતને ગૌરવ અપાવે એવું કામ રંગભૂમિ પર એમનાં પુત્રી અદિતિ દેસાઈ, તેમની દીકરી દેવકીને સાથે રાખી કરી રહ્યાં છે. અગાઉ ત્રણ નાટકો એમણે આપ્યાં, જે ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ, ને વળી લોકચાહના પામ્યાં : ’કસ્તૂરબા’, ’અકૂપાર’ અને ’સમુદ્રમંથન’. એ ત્રણે નાટકો મૌલિક અને ગુજરાતની ધરતીમાંથી પ્રગટેલાં. વળી, દરેકમાં આપદ્ધર્મ બજાવતી નારીના પ્રકૃતિસહજ ખમીરનો મહિમા. સહજ રીતે ગુજરાતની સાચી ખુશ્બૂ પ્રસરાવનારાં, નવા કૌવત સાથે ઊભી થઈ રહેલી આપણી રંગભૂમિનું પ્રતિનિધિત્વ કરતાં નાટકો.
અદિતિનું નવું નાટક ’ધાડ’ કચ્છની ભૂમિનું નાટક છે. મૂળ જયંત ખત્રીની ટૂંકી વાર્તા. વિનેશ અંતાણીએ એ પરથી નવલકથા લખેલી. હવે તેમણે આ દિગ્દર્શિકાના દૃષ્ટિબિંદુને સમજી-આવકારીને ક્યાંક બાદબાકી અને ક્યાંક ઉમેરણ કરી. તેનું યોગ્ય સંવાદો અને પાત્રાલેખન તથા દૃશ્યરચના સાથે નાટ્યરૂપાંતર કર્યું. ’ધાડ’ના સાહિત્યતત્ત્વમાં સમાજસંદર્ભે સમકાલીનતાનું મૂલ્ય ઉમેરાયું. સંશોધન સાથે ઉત્તેજના ભળી છે અને સમાજસંદર્ભ સાથે નાટ્યકલાનું સૌંદર્ય નીખરતું જોવા મળે છે. માથાભારે ઘેલા અને બળજબરીપૂર્વક ઉઠાવી લાવીને ’ઘરવાળી’ તરીકે રખાયેલી તેજનીતરતી મોંઘી વચ્ચેનો, વાસ્તવિક તેટલો જ નાટ્યાત્મક, તણાવ નાટકના કેન્દ્રમાં છે.
મોંઘીને સમાંતર બીજી બે યુવાન નિઃસહાય સ્ત્રીઓ છે, પરંતુ તેમણે પડ્યું પાનું સ્વીકારી લીધું છે. વખતોવખત તેમની વેદના વ્યક્ત થયા કરે છે. ચારમાંના એક ભુંગામાંથી ડોક લંબાવી ધનબાઈ (હેતલ) રાતની નીરવ શાંતિમાં ગાય છે ત્યારે, તેના હૃદયસ્પર્શી ગીતમાં, ’… મારા વહાલાને વઢીને કે’જો રે.’ લોકનૃત્યના શબ્દોમાં પણ સામૂહિક સંકેત છે : ’જોતાં-જોતાં રે થાકી તારી વાટડી …’ રત્ની (જાહ્નવી) સૌથી નાની, તેને કઠોર વાસ્તવિકતા મોડી સમજાઈ. મોંઘી જુદી માટીની બનેલી, સંવેદનશીલ. વાસના અને ઘર-ઉપયોગ માટે અહીં ઢોરની જેમ ખેંચીને લવાયેલી તે માનહાનિ, વારંવાર થતી રહેતી અવમાનના અને નિરંતરના શોષણથી ગૂંગળાતી મોંઘી દેખીતી રીતે આક્રમક ઘેલા સાથેના તણાવના બીજા છેડે છે. એકંદરે નિઃશબ્દ રહીને ચહેરાના હાવભાવ, આંખોની અભિવ્યક્તિ, પાદચલનના લય તથા દિશા અને ઊભા રહેવાની શૈલીને પણ પ્રયોજીને તે અંદરનો ધૂંધવાટ અને તે સાથે મક્કમતા, વ્યક્ત કરતાં રહી આવનારા તોફાનનો અણસાર આપે છે. ડારવામાં આવે કે હડસેલી દેવામાં આવે, ત્યારે પણ અભિનેત્રી તેની દેહ્યષ્ટિ કઢંગી થવા દેતી નથી. અવાજનો આરોહ-અવરોહ ભાવવાહી હોવા છતાં નાટકના પ્રથમ પ્રયોગ વખતે તે અસ્વાભાવિક રીતે ભારે લાગ્યો ખરો. તણાવ અને સંઘર્ષ પ્રભાવક રીતે વ્યક્ત થવા સાથે ધસમસતા કથાપ્રવાહમાં રસપ્રદ નાટ્યતત્ત્વ ભળે છે.
પ્રવાહમાં વળાંક અને એકતરફી આક્રમકતામાં પલટો આવે છે, તે કામુક આક્રમકતાના દૃશ્યમાં. દિગ્દર્શિકા અદિતિ એ દૃશ્ય કલ્પનાશીલતાપૂર્વક સંયમિત રહી અને સંકેત સર્જીને તખ્તાની વચ્ચોવચ્ચ છડેચોક રજૂ કરે છે! અહીં વિગતો અપાય, તો હવે પછી નાટક જોનારા પ્રેક્ષકોના ચમત્કારનો આનંદ ચાલ્યો જાય. નાટ્યપ્રયોગોમાં જવલ્લે જોવા મળતી આ કલાત્મકતા પ્રતીકાત્મક બની, ફરી નાટકના અંતિમ દૃશ્યમાં આવે છે. પિંજરા જેવા આ ઘરમાં અગાઉ સહન કરતી રહેલી ત્રણ શોષિત સ્ત્રીઓ મોંઘી (દેવકી), સોનબાઈ (હેતલ) અને રત્ની (જાહ્નવી) પ્રેક્ષકો સમક્ષ ફાનસ ધરીને તખ્તાની ડાબી બાજુએ ઊભી રહી જાય છે. છેવટે જાગી ગઈ તેની અને આ પ્રકારની પરિસ્થિતિ આવી પડે, તો સમાજની અન્ય સ્ત્રીઓને સાવધ રહેવા અને તેને પડકારવાની હિંમત દાખવવાની શીખ આપવાની દરેકના ચહેરા પર ચમક. અર્થસમૃદ્ધ આ દૃશ્ય સામાજિક મહત્ત્વ ધરાવે છે. નવા નાટકની આવકાર્ય દિશા પણ તે દર્શાવે છે. કલાત્મકતા સાથે નાટક સામાજિક સંદર્ભ દાખવે, તો તે કહેવાતા મનોરંજનનું અરુચિકર સાધન ન રહે.
ગૌરાંગ આનંદ પાસે સાદ્યંત હાજરી માગતી સાતત્યવાળી ઘેલા તરીકેની ભૂમિકા છે. આ ધાડપાડુનું જ્યાં પણ નામ પડે, ત્યાં અને ઘરમાં એની હાજરીમાત્રથી ધાક બેસે. તે જે છે તેવો બનવા પાછળ લેખકે મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ આપી છે. તેનું બાળપણ સુક્કાભટ્ઠ ઉજ્જડ કચ્છવિસ્તારમાં વીત્યું છે, જ્યાં એક પછી એક ચોમાસાં નિષ્ફળ ગયાં છે. કુટુંબમાં ખાવાપીવાના એવા સાંસા કે મૂલ્યો ને સર્જન વેંતછેટાં રહે. નાટકમાં રાત્રિશ્યામ, કદાવર અને માથાફરેલ દેખાતો ગૌરાંગ બોલવે-ચાલવે, યોગ્ય રીતે, કઠોર અને ઉગ્ર સ્વભાવનો લાગે છે. ડરામણો દેખાતો તેનો ઘેલો દેખાવ હજુ જો કે ધાડનો પર્યાય બની જતો નથી. એ માટેની ક્ષમતા અભિનેતામાં જરૂર છે, અને આ પ્રથમ પ્રયોગ હતો, એટલે માત્ર ગળાને બદલે નાભિમાંથી નીકળતા ડારક અવાજ અને સંયમિત ગતિના આંગિક સાથે પાત્રને તે વધુ પ્રતીતિજનક બનાવશે, એવી અપેક્ષા રહે છે. એમ થાય તો અન્ય પાત્રો સાથેની, વિશેષે મોંઘી સાથેની, તેની આંતરક્રિયાનો સંઘર્ષ નવી ઊંચાઈ ધારણ કરે એવું લાગે છે.
અંકિત ગોરનો શિક્ષિત આધુનિક સરળ યુવાન પ્રાણજીવન ત્રણ સ્ત્રીઓની સુષુપ્તશક્તિ ઢંઢોળવા અને તેમનું વલણ બદલવા માટે ઉદ્દીપક બને છે. મોંઘીના મનમાં તો આયોજન ચાલી જ રહ્યું હતું, તે દર્શાવવાનો યશ લેખકને, દિગ્દર્શિકાને અને તેટલો જ અભિનેત્રીને. પ્રાણજીવન તેઓને સમજાવીને મુક્ત નવજીવન માટે પ્રેરિત કરે છે. તે ત્રણેને યાતનાનો પ્રતિકાર કરવા આહ્વાન કરે છે, નહીં તો ’તેની આદત પડી જશે,’ તે કહે છે. તેમને સાદ દેતાં બહારના વિશ્વ તરફની બારી તે ખોલી નાંખે છે. રંગભૂમિ જીવનનો અભિન્ન અંશ છે, એ પ્રતીતિ સાથે રંગકર્મ કરવાથી સફળતા તો સામે ચાલતી આવે છે, એવું અદિતિ દેસાઈએ તેનાં અગાઉનાં નાટકોની જેમ આ નાટકમાં પણ કેન્દ્રમાં રહેલ વિષય અને સશક્ત ઊંચી નાયિકા પ્રગટ કરી સિદ્ધ કર્યું છે. મૂળ જયંત ખત્રીની ટૂંકી વાર્તા અને પોતાની નવલકથાને આધારે વિનેશ અંતાણીએ દિગ્દર્શિકાનાં સૂચનોને ધ્યાનમાં લઈ નાટ્યરૂપાંતરમાં મૂળની સાહિત્યિક ગુણવત્તામાં સાંપ્રત સમાજની નિસબતને અસરકારક વાચા આપી.
કચ્છ પંથકની બળકટ બોલીમાં ગૂંથાયેલાં કલ્પનોમાં, સભ્યતાનો છોછ ન રાખો, તો તાજગી અનુભવાય. જબાને છુટ્ટો ઘેલો કહે છે કે તેને એવી છોરી જોઈએ, જેનામાંથી સાંઢણીની ગંધ આવતી હોય. પશુની જેમ તે મોંઘીને કહે છે, ’હું સવારી કરતો હઉં તિયારે ઉંહકારો પણ નૈ કરવાનો’! જીવનમાં વણાઈ ગયેલી આ પ્રદેશની લોકબોલીમાં બીકના માર્યા ’ચોયણો’ ભીનો થઈ જવાની વાત હિચકિચાટ વિના કરી શકાય. સાદી કલાત્મકતાથી નયનરમ્ય બનેલાં ચાર ભુંગા, લીંપેલી અને કલાત્મક બનાવેલી ઘરની દીવાલો, ઘરોનાં ઘાસ-ડાંખળીથી છાયાં છાપરાં, રંગબેરંગી ગોદડી અને અન્ય ઘરસામગ્રી લઈ બેસતી-ઘૂમતી રંગીન ચણિયાચોળીમાં શોભતી સ્ત્રીઓ, ફાળિયાં બાંધી ઘૂમતા પુરુષો, પશ્ચાદ્ભૂમાં ગાંગરતાં ઊંટો અને (જરા વધુ પડતાં ધીમા) વાગતાં વાજિંત્રો, વગેરે કચ્છના જીવનનો અનુભવ આપે છે. જિવાતા જીવનનો અભ્યાસ કરી, તેનો સ્પર્શ મેળવવા કલાકારો ત્યાં રહી આવેલા.
sureshmrudula@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 17