રાષ્ટૃીય માનવ અધિકાર પંચે વાકેફ કર્યા છતાં સરકારે ઊંઘતા રહેવું પસંદ કર્યું હતું, કેમ કે તમે જાગતાને જગાડી શકતા નથી
કહેનારે ઠીક જ કહ્યું છે કે લોકોની યાદદાસ્ત ટૂંકી, ખાસી ટૂંકી હોય છે. જુઓ ને, તાજેતમાં ગીતા જોહરી ડિ.જી.પી.ની પાયરીએ બેઠાં ત્યારે ભાગ્યે જ કોઈને સર્વોચ્ચ અદાલતની પેલી ટિપ્પણી સાંભરી હશે કે એમણે નકલી એન્કાઉન્ટર કેસમાં પુરાવો છુપાવવાની કોશિશ કરી હતી. અલબત્ત, અહીં જોહરી પ્રકરણમાં ઊતરવાનો ખયાલ નથી. માત્ર, હમણાં બિલ્કિસ બાનો કેસમાં મુંબઈ હાઈકોર્ટે ગુજરાત પોલીસની જે રીતે ખબર લીધી તે વાંચતાં આ એક વિગત પણ ચચરી ગઈ, એટલું જ!
બિલ્કિસ બાનો ઘટના માર્ચ 2002માં એક પ્રજા તરીકે આપણે કેવું ન કરવાનું કરી બેસવાનું કરવાની હદે ગયા હતા – એની ગુજરાતના એક નાગરિક તરીકે નિર્મમ જાતતપાસ જગવતી અને આત્મદુરસ્તીની તાકીદ ચીંધતી બીના છે. બિલ્કિસ, આયુષ્યના ઓગણીસમે ઊભી, હજુ હમણે હમણે વાલમના બોલ સાંભળતી હોઈ શકતી, ત્રીજી માર્ચના રોજ ગેંગરેપનો ભોગ બની હતી અને એના પરિવારના એકાધિક લોકો રહેંસાઈ ગયા હતા. દાહોદ મેજિસ્ટ્રેટ ટાઢે કોઠે આખા કેસને ‘ક્લોઝર રિપોર્ટ’ને ધોરણે ન્યાયિક વીંટો વાળવા જેવું કર્યું હતું જેમાં અગ્ર જવાબદારી સ્વાભાવિક જ પોલીસની નકો નકો તપાસની હતી.
જલિયાંવાલા તપાસમાં સરકારી પંચ પરના સભ્ય ચીમનલાલ સેતલવાડે કશી બઢતીની તમામ વગર જનરલ ડાયરની જુલમી મનમાની અને એને અંગે શીર્ષ સત્તાસ્થાનેથી આંખ આડા કાનથી માંડીને અનુમોદના સહિતના મુદ્દા રિપોર્ટમાં દર્જ કર્યા હતા, તે આ ક્ષણે સાંભરવાનું કારણ એટલું જ કે સેતલવાડ કુલકન્યા તીસ્તાની નિર્ભીક નાગરિક-ન્યાયિક દમ્યાનગીરી સાથે આ કેસ ઊઘડ્યો અને ગુજરાત સરકારની ત્યારની તાસીર જોતાં એ ગુજરાત બહાર ચલાવવાનું ગોઠવાયું. ટ્રાયલ કોર્ટે ત્યારે (ઑગસ્ટ 2008માં) આપેલા ચુકાદામાં અગિયાર જણાને જનમટીપ ફરમાવી હતી. આ અગિયાર જેમ અપીલમાં ગયા હતા તેમ પોલીસની જવાબદારી નક્કી કરવાનો સવાલ પણ બાકી રહેતો હતો.
ટ્રાયલ કોર્ટ સમક્ષ તેમ હાઈકોર્ટના તબક્કે ધ્યાનમાં આવેલી એક વિગત અહીં નમૂના દાખલ નોધું તો પોલીસે ઠંડે કલેજે જેને અંગે ‘ક્લોઝર રિપોર્ટ’નો ખેલ પાડ્યો હતો તે બાબત શબોની સમૂહદટામણી ઉર્ફે ‘માસ ગ્રેવ’ની હતી. આ શબોને વિખરાવની સહુલિયત રહે એ માટે ખાસું સાઠ કિલો મીઠું પણ ભેળું ધરબાયું હતું. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તે વખતની રાજ્ય સરકારને ખાનગી હેવાલ વાટે એકંદર ઘટનાક્રમ બાબત વાકેફ કર્યા પછી અને છતાં સરકારે ઊંઘતા રહેવું પસંદ કર્યું હતું, કેમ કે તમે જાગતાને જગાડી શકતા નથી. ગમે તેમ પણ, ઠેકાણું ત્યારે પડ્યું જ્યારે કેસ ગુજરાત બહાર ખસેડાયો. ગુજરાતમાં તો, અદાલતી ટિપ્પણી મુજબ, પોલીસ કારવાઈ બિલ્કિસની ન્યાય માટેની આર્ત ચીસ ક્યાં ય સંભળાય નહીં તે માટેની હતી.
રાષ્ટ્રવાદી સરકાર હેઠળની ગુજરાત પોલીસની ચાલ, ચહેરા ને ચરિત્ર બાબતે કશું વિશેષ કહેતાં પહેલાં બિલ્કિસ અને યાકુબ એ દંપતીનાં તપ ને તિતિક્ષા બાબતે બે શબ્દો લાજિમ છે. આ ભેંકાર ઘટનાને વળતે દહાડે, હત્યાકાંડની હેબત અને સામૂહિક બળાત્કારથી હોઈ શકતો સોપો, સઘળુ છાંડીને બિલ્કિસે રૂ-બ-રૂ ફરિયાદ લખાવતાં ભય નહોતો અનુભવ્યો. અભયની એની વ્યાખ્યામાં હીન ને હિંસ્ત્ર કૃત્ય આચનરાઓનાં નામ નોંધવવાનો પણ સમાવેશ થતો હતો. માત્ર, આવે વખતે એફ.આઈ.આર. બાબતે પોલીસની સમજ ફરિયાદીની રજૂઆતને યથાસંભવ બોબડી બનાવવામાં સક્રિય હોય છે, અને એમ જ બન્યું. બિલ્કિસની આ યાતનાક્ષણોમાં, રાન રાન પાન પાન, અહીંથી તહીં આશરો શોધવામાં ને કંઈક કામધંધો શોધવામાં યાકુબ બરાબરનો સાથે રહ્યો. કથિત કલંકિતામાં એણે નિર્ભયાને ઓળખી અને અદબભેર એનો સાથ નિભાવ્યો.
હમણાં સરકાર આગળ ‘રાષ્ટ્રવાદી’ એવા વ્યંગ્યવિશેષણનો ઉપયોગ કીધો એમાં જો કે વ્યથા પણ નાગરિક છેડેથી અનુભવાય છે. પરંતુ, આ વિચારધારાકીય વિશેષણ વાપરવા પાછળનો ધક્કો હાઈકોર્ટની એ ટિપ્પણીનો છે કે જે લોકોએ આ ગુનાઈત કૃત્યો આચર્યાં તે કોઈ રીઢા ગુનાખોરો નહોતા. મતલબ, ક્ષણાવેશને વિચાર ધારાકીય આથો ચઢ્યાથી ન બનવાનું બન્યું હતું. જ્યાં સુધી તત્કાલીન સરકાર તાબેની પોલીસનો સવાલ છે, હાઈકોર્ટના નિરીક્ષણ પ્રમાણે એની તપાસમાં પાયાની ખામી ને મોટી ખોટ એ હતી કે એણે બલાત્કૃતા બિલ્કિસને મેડિકલ તપાસ માટે મોકલવાની જરૂર જોઈ નહોતી. જે પાંચ પોલીસમેનને ટ્રાયલ કોર્ટે છૂટા રાખ્યા હતા તેમને હાઈકોર્ટે સજા ફરમાવી છે, કેમ કે ‘એમણે ગુનેગારોને અણઓળખ્યા – અજાણ્યા રાખવાની (મેળાપીપણાની) ચેષ્ટા કરી હતી.’ અને પેલા બે દાક્તરસાહેબો? હાઈકોર્ટ કહે છે, ‘તેઓ પણ કસુરવાર છે, કેમ કે એમણે આરોપીઓને છાવરવા સારુ પુરાવા નાબૂદ કરવાની કોશિશ કીધી હતી.’
એકંદરે, હાઈકોર્ટના શબ્દોમાં, રાજ્ય સરકારની રજૂઆતમાં, પોલીસની વકાલતમાં ‘સાચ અને જૂઠની એવી તો ભેળસેળ માલૂમ પડે છે કે પુરાવાના હર તબક્કે ઇરાદાપૂર્વકની ઢીલ, વિગતકમી, પરસ્પરવિરોધી વિગતો તેમ જ અસત્યની ઉપરાછાપરી પરત અને પડળ હેઠેથી સત્યને આનાવૃત્ત કરવું પડે છે.’
અહીં બેત્રણ સર્વસામાન્ય નિરીક્ષણ અને નુક્તેચીની વાસ્તે અવકાશ છે. એક તો, રાજ્યસંસ્થા અને સરકાર પદારથનું પોતાનું મૂળગત વલણ; બીજું, સાંસ્થાનિક સરકારનો રાંકડી રૈયત પર રોફ અને રુવાબ જમાવવાનો વારસો; ત્રીજું, આ પ્રકારની મનમાની (જે કોઈ પણ પક્ષની સરકારમાં હોઈ શકે) સાથે રાષ્ટ્રભક્તિનો (કે હિંદુત્વવિચારનો) થપ્પો (આવું અન્ય કોઈ વિચારધારાકીય સૅન્ક્શન પણ અન્ય કિસ્સામાં હોઈ શકે): આ બધું મળીને જે માનસિકતા અને માહોલ બનાવે છે તે એક એવું મોડેલ બનાવે છે જે કદાપિ ન હજો.
પહેલી મે આવી અને ગઈ. ગુજરાત ગૌરવનો રસમી રાબેતો ગાંધીનગરે કેબીડી શૈલીએ શગ દીવડે નભાવ્યો. પુસ્તકમેળામાં આસારામનોયે સ્ટૉલ હતો અને એમાં મોડેલિંગનું નૈતિક દાયિત્વ નમોની કોઈક જૂની વીડિયોને હવાલે હતું – ગુજરાત મોડલ તે શું એનું આ જોણું કહો તો જોણું, ઉજવણું કહો તો ઉજવણું, કોઈએ ન દીઠું! હશે ભાઈ, ગુજરાત મોડલ અબખે પડ્યું, બીજું શું.
પણ પોલીસરાજનો જે દોર આપણે જોયો એણે આજે હાલત એ કરી નાખી છે કે જાહેર જીવનની કોઈ પણ પૃષ્ઠભૂ વગરના નિવૃત્ત પોલીસ અફસર પોતાને ગુજરાતની આવતી કાલની બલકે આજની આશા લેખે જુએ છે. ખરું જોતાં ગુજરાત દિવસનો કોઈ ચિંતન મુદ્દો હોય તો એ છે કે આસારામની ગુરુગાદી પરત્વે પ્રતિબદ્ધ અફસર પોતાને જીવરાજ મહેતાથી માંડીને બાબુભાઈ જશભાઈની ગાદીએ કલ્પી શકે છે, ક્યાંથી ક્યાં આવી ગયા આપણે.
સૌજન્ય : ‘ન્યાયની ચીસ’, “દિવ્ય ભાસ્કર”, 08 મે 2017