‘રઇસ’ ફિલ્મ સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ ત્યાર બાદ તેની અનેક સમીક્ષાઓમાં ખાસ કરીને એફ.એમ. રેડિયો પર ફિલ્મના શાહરૂખખાન સહિત કલાકારો અને સંવાદોની બોલબાલા રહી. ફિલ્મનું પ્રમોશન સંપૂર્ણ ધંધાદારી રીતે જ થયું છે એ સ્વાભાવિક છે. આ સૌની વચ્ચે એક ટીવી ઇન્ટરવ્યૂમાં શાહરૂ ખાને ટિ્વટ કર્યું કે ફિલ્મ વાસ્તવિકતાની નજીક બનવા પાછળનું કારણ તેની કથા અને સંવાદો ગુજરાતી પત્રકારોના પ્રદાનથી પ્રભાવી છે. ફિલ્મનો એક સંવાદ લોકપ્રિય બન્યો છે : “બનિયા કા દિમાગ ઔર મિયાંભાઈ કી ડેરિંગ” આ સંવાદના બે હિસ્સા છે. મારી દૃષ્ટિએ ‘બનિયા કા દિમાગ’ અને ‘મિયાંભાઈ કી ડેરિંગ’ બંનેેને ફિલ્મમાં બખૂબી દર્શાવવામાં આવી છે. પરંતુ તે સંબંધિત ભ્રમણાઓ કે માન્યતાઓ કરતાં હકીકતભર્યા ઇતિહાસની ચર્ચા ફિલ્મ જોયા પછી નથી થતી. માત્ર પત્રકાર પ્રશાંત દયાળે તેઓના બ્લોગ પર લગભગ રોજ ‘રઈસ’ના હીરો ‘લતીફ’ને કંડારવાનો પ્રયત્ન કર્યો છે.
રઈસ’ જોયા બાદ પ્રશ્ન થયો કે શા માટે આપણે નજીકના ભૂતકાળને કૉલેજ કે યુનિવર્સિટીઓમાં એક ઇતિહાસ તરીકે નથી ભણાવતા? વિદ્યાર્થીઓ સાથે છેલ્લા ત્રણ દાયકાઓની મારી ચર્ચાઓ દરમિયાન જ્યારે પણ ગુજરાતનાં કોમી રમખાણો, અનામતવિરોધી આંદોલનો, નવનિર્માણ આંદોલન અને રાજકીય ઉથલપાથલોનો વિષય આવે ત્યારે વિદ્યાર્થીઓ પાસે વિશેષ માહિતી હોતી નથી. તેનું કારણ એ છે કે ગુજરાતનો અને ભારતનો નજીકનો સામાજિક-આર્થિક-રાજકીય ભૂતકાળ ઇતિહાસરૂપે ભણાવાતો નથી. સામાજિક વિજ્ઞાનોમાં તો તેના માટે પૂરતો અવકાશ છે. પરંતુ અન્ય વિજ્ઞાનો કે ભાષાઓ કે પછી એન્જિનિયરિંગ અને મેડિકલ વિદ્યાશાખાઓમાં તેનો છેદ જ ઊડી જાય છે. અહીં એક વસ્તીવિષયક વાસ્તવિકતા જણાવું કે વર્તમાન ગુજરાતની વસ્તીના ૫૦ ટકા લોકો વર્ષ ૧૯૯૦ પછી જન્મ્યા છે. જેઓ આજે ૨૫ વર્ષના છે તેઓનો મોટો હિસ્સો ફિલ્મોથી પ્રભાવિત છે પરંતુ ઇતિહાસથી નથી.
‘રઈસ’ જોતાં અને ત્યારબાદના દિવસોમાં ગુજરાતનો સિત્તેરનો અને એંસીનો દાયકો નજર સમક્ષ ખડો થઈ ગયો. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનને ૧૬ વર્ષની ઉંમરે નજીકથી જોવાનો અને સમજવાનો મોકો મળ્યો. એ પૂર્વે સમજણ આવી ત્યારે ૧૯૬૯નાં હિંદુ-મુસ્લિમ રમખાણોની નિર્દયતા અને કરુણતા પણ નિહાળ્યાં. ગાંધીના ગુજરાતને સ્વતંત્રતા બાદ મહાગુજરાતની હિંસા અને પછી સમયાંતરે વર્ષ ૨૦૦૨ સુધી સામાજિક સંઘર્ષોની પ્રયોગશાળા બનેલા ગાંધીવિરોધી ગુજરાતને પણ અનુભવ્યું. ‘રઈસ’ ફિલ્મમાં કાપડની બંધ પડેલી મિલોએ સર્જેલી યુવા બેકારી અને તેમાંથી સર્જાતી ગેરકાનૂની રોજગારીએ હિંદુ-મુસ્લિમ તણાવોને છતાં કર્યા. સાથે સર્વધર્મસમભાવના વિખરાતા જતા તાણાવાણાને સપાટી પર લાવી રાજકારણની ગુનાખોરીનું એક પ્રકરણ પણ ખોલી આપ્યું.
લતીફ અંડરવર્લ્ડનો બેતાજ બાદશાહ હતો એ તો સૌ જાણે છે. પરંતુ તેને કેન્દ્રમાં રાખી બનેલી ધંધાદારી ફિલ્મને એ સમયના તૂટતા જતા અને માંદા અમદાવાદને રજૂ કરવામાં શો રસ હોય? ગુજરાતી શબ્દોની છાંટવાંળું અને પોળોનું પતંગ ચગાવતું અમદાવાદ પડદા પર નિહાળી મારા જેવા અમદાવાદી અધ્યાપકને મિલોની ખાલી ચીમનીઓવાળું અમદાવાદ કેવું હતું એમાં રસ પડ્યો. ૧૯૮૫ સુધીનાં કોમી રમખાણોમાં અખબારો અને હિંદુઓ એવું જ માનતા કે ‘મિયાંભાઈની ડેરિંગ’ જ તોફાનો કરાવે છે. ‘બનિયા કા દિમાગ’ તો શાંતિપૂર્ણ ધંધો જ ઇચ્છે છે. પરંતુ ૧૯૬૯નાં કોમી હુલ્લડોની તપાસ કરતાં જસ્ટીસ રેડ્ડી પંચના અહેવાલને વાંચીએ કે ૧૯૮૫ના દવે કમિશનના અહેવાલનાં પાનાંઓ પર નજર નાંખીએ તો સમજાશે કે પથ્થરમારો, ગોળીબાર, ખૂનના અનેક બનાવોમાં અંતે તો અહમદશાહનું શહેર હિંદુ અને મુસ્લિમોમાં વિભાજિત થતું જ ગયું. પાડોશની ભૂગોળ બદલાઈ પરંતુ ઇતિહાસ ના બદલાયો.
મારી શાળાના અનેક વિદ્યાર્થીમિત્રો પોળ વિસ્તારના અમદાવાદમાં રહેતાં તેથી એ સમયની પોળોના સમાજ જીવનને માણવાનો મોકો મળતો રહ્યો. પરંતુ હિંદુઓની વસ્તીવાળા સોસાયટીઓના રહેણાંક વિસ્તારમાં ભારે મુસ્લિમવિરોધ દેખાતો. આ વિરોધે મારા જેવા કિશોરોને હિંસા શું છે તેનાં દર્શન કરાવ્યાં. એક સત્ય ઘટના અહીં ટાંકું કાંકરિયા વિસ્તારમાં અમારી સોસાયટીને અડીને નમાજ પઢવા માટે ઇદગાહ આવેલી હતી. ત્યાં વર્ષે બે-ત્રણ વાર મુસ્લિમો નમાજ પઢવા આવતા. એ સિવાય એ ખુલ્લા મેદાનમાં અમેે ક્રિકેટ રમતા. ઇદગાહની સાચવણી માટે એક મુસ્લિમ પરિવાર ત્યાં જ ઝૂંપડી બાંધી રહેતો. ૧૯૬૯નાં કોમી હુલ્લડો દરમિયાન અમે ત્યાં ક્રિકેટ રમતા હતા ત્યારે અમારી સોસાયટીમાં રહેતા એક મિલમાલિકે તેના બંગલાની અગાશી પરથી દિવાસળીનું એક પેકેટ અમારી તરફ ફેંક્યું. તેણે કહ્યું : સળગાવી દો આ મિયાંનુ ઝૂંપડું. કશું પણ સમજ્યા વિના વડીલનું સૂચન માની કિશોરોએ ઝૂંપડું સળગાવી દીધું. અહીં નોંધપાત્ર એ છે કે એ મિલમાલિકને અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશને JP(જસ્ટીસ ઓફ પીસ)નો’ માનદ દરજ્જો આપી વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો રાખવાની જવાબદારી સોંપી હતી.
આ વાતાવરણમાં એ સમયે શાળાઓમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓમાં દોસ્તી યથાવત અને લાગણીસભર હતી. ’૮૦ના દાયકા સુધી અમદાવાદની અનેક શાળાઓમાં વિવિધ ધર્મના અને વિશેેષરૂપે હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે ભણતા અને પરસ્પરની સંસ્કૃિતને ઓળખતા અને અનુભવતા. આ સંદર્ભનો મારો એક અનુભવ રસપ્રદ અને સમાજશિક્ષણ આપે એવો રહ્યો. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી દીવાન બલ્લુભાઈ શાળાના નવમા ધોરણમાં ભણતો ત્યારે એક મુસ્લિમ વિદ્યાર્થી મારા વર્ગમાં મારી બૅંચ પર સાથે બેસી ભણતો. એ ઘણીવાર બપોરે નાસ્તામાં બાફેલાં ઈંડાં લાવતો અને મને આપતો. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના પારિવારિક વાતાવરણમાં ઉછરેલો હું ડુંગળી-લસણ પણ ના ખાતો. પછી ઈંડાંનો તો પ્રશ્ન જ ન હતો. જો કે એકવાર કુતુહલવશ મેં તેણે આપેલું ઇંડું ખાધું અને મને તો ભાવી ગયું. પછી એ રોજ મારા માટે ઈંડું લાવતો અને અમે સાથે નાસ્તો કરતા. આ મિત્રતા વધતાં હું તેના ઘરે ઇદ અન રમજાનમાં પણ જતો અને એ દ્વારા મુસ્લિમ સમાજનો સીધો પરિચય મને કિશોરાવસ્થામાં થયો. આવા સ્વાભાવિક અને પ્રભાવક સંપર્કો એ સમયે અમદાવાદમાં શાળાના વિદ્યાર્થીઓને થઈ શકતા. પરંતુ સમય જતાં હિંદુમુસ્લિમોનું પાડોશ પણ તૂટ્યું અને શાળામાં સાથે ભણવાનું નામમાત્રનું રહ્યું.
‘રઈસ’ એક નિમિત્ત બની તેને કારણે ત્રણ દાયકા પૂર્વેના અમદાવાદ અને એ દ્વારા ગુજરાતમાં આવેલાં સામાજિક રાજકીય પરિવર્તનને પુનઃ તપાસવાની તાલાવેલી જાગી છે. પ્રગતિ અને ધર્મના સંઘર્ષો ગુજરાતે અનુભવ્યા અને તેમાંથી સમાજ વિભાજિત થયો અને સત્તાનાં નવાં સમીકરણો રચાયાં.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 06