મહત્ત્વના મરાઠી અખબાર ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના પૂર્વસંપાદક, અભિજાત ગુણવત્તા ધરાવતા તંત્રીલેખોના લેખક અને અસાધારણ વ્યાપ ધરાવતા વાચક ગોવિંદ તળવલકરનું એકાણું વર્ષની વયે વૃદ્ધાવસ્થાને કારણે બાવીસમી માર્ચે અમેરિકાના હ્યુસ્ટનમાં તેમની દીકરીના ઘરે અવસાન થયું. ગોવિંદ તળવલકર ‘મ.ટા.’ના સત્ત્યાવીસ વર્ષ સુધી સંપાદક હતા. તે પહેલાં તેમણે આ જ દૈનિકમાં સાતેક વર્ષ માટે સહસંપાદક તરીકે કામ કર્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રૂપનાં પ્રકાશનોમાંથી સહુથી દીર્ઘકાલીન મુખ્ય સંપાદક રહેનાર તળવલકર મુંબઈ પાસેના હોલીવલીમાં સાધારણ પરિવારમાં જન્મેલા હતા. નાનીમોટી નોકરીઓ કરતાં કરતાં તે ૧૯૪૭માં બી.એ. થયા. તે પછી તરત જ તેમણે શંકરરાવ દેવના વિચારપત્ર ‘નવભારત’થી પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત કરી. ઇન્ડિયન ઍક્સપ્રેસ ગ્રૂપના ‘લોકસત્તા’માં બારેક વર્ષ સબએડિટર તરીકેની કામગીરી બાદ તે પાંચ વર્ષ ‘મ.ટા.’ના સહસંપાદક રહ્યા. ત્યાર બાદ ૧૯૬૮થી ૧૯૯૬ની તેમની નિવૃત્તિ સુધી મુખ્ય સંપાદક તરીકે તેમણે વર્તમાનપત્રને વિશિષ્ટ ઊંચાઈએ પહોંચાડ્યું. નિવૃત્તિ પછી છેક હમણાં સુધી તળવલકર વાચન-લેખનમાં સક્રિય હતા. તેમણે બિલકુલ નવાં અંગ્રેજી પુસ્તકો પર લખેલા લેખો સમાજવાદી વિચારપત્ર ‘સાપ્તાહિક સાધના’ અને સાહિત્યિક માસિક ‘લલિત’ના ગયા છએક મહિનાના અંકોમાં પણ વાંચવા મળે છે.
સંપાદક તરીકેની તીવ્ર વૈચારિક સભાનતા અને વિદ્યાકીય સજ્જતા છેક સુધી જાળવી રાખનારા તળવલકરે પા સદીથી વધુ સમય દર વર્ષે ત્રણસો લેખે લખાયેલા અગ્રલેખોનો બહુ મોટો વાચકવર્ગ હતો. તદુપરાંત તેમણે આધુનિક અને સમકાલીન ઇતિહાસ પર ગ્રંથો લખ્યા છે. સ્વાતંત્ર્યકાલીન ‘સત્તાંતર’ કુલ નવસો એક પાનાંના ત્રણ ખંડોમાં છે. એવા જ ચાર ખંડો ‘સોવિયેટ સામ્રાજ્યાચા ઉદયાસ્ત’ નામે છે. ‘નવરોજી તે નેહરુ’, ‘વિરાટ જ્ઞાની ન્યાયમૂર્તિ રાનડે’, ‘નેક નામદાર ગોખલે’, ‘ટિળકદર્શન’ અને ‘યશવંતરાવ ચવ્હાણ : વ્યક્તિત્વ આણિ કર્તૃત્વ’ ઠીક જાણીતા છે. ‘ઇરાકદહન’ ઉપરાંત અફઘાનિસ્તાન વિશે તેમણે ‘અગ્નિકાંડ’પુસ્તક આપ્યું છે. ‘ભારત આણિ જગ’માં આઝાદી પછીના ભારતની વિદેશ નીતિ અને સામાજિક-રાજકીય સ્થિતિનું વિશ્લેષણ છે. ‘બદલતા યુરોપ’ એ વીતેલી સદીના ઉત્તરાર્ધનો અભ્યાસ છે. ‘પુષ્પાંજલિ’ અને ‘વ્યક્તિ આણિ વાંઙમય’ શ્રદ્ધાંજલિ-લેખો અને વ્યક્તિચિત્રોના સંચય છે.
લોકરંજની કે અતિસરળ બન્યા વિના એકંદર સુશિક્ષિત વાચકવર્ગને સારી રીતે સમજાય તેવી રજૂઆત તળવલકરના અગ્રલેખો અને ગ્રંથોની ખાસિયત હતી. તેમાં વિદ્વત્તા, વક્રોક્તિ અને વિષદતાનો, પ્રાસાદિકતા અને પ્રતીતિજનકતાનો દુર્લભ સંયોગ હતો. વૈચારિક રીતે એમનો ઝુકાવ એમ.એન. રૉય તરફ હતો. પણ યુરોપના લિબરલ હ્યુમૅનિઝમની અને અમેરિકાની જ્ઞાનસાધનાના તેઓ ચાહક હતા. જ્ઞાનના વિશ્વના નિવાસી એવા ગોવિંદરાવ ઉન્નતભ્રૂ, અતડા, અકોણા, ઓછાબોલા હોવાની છાપ ઉપજાવતા. સાહિત્યસંગીતકલાની મંડળીમાં તે ખીલી શકે એટલા ખીલતા.
નિખિલ ચક્રવર્તી અને પ્રભાષ જોષીના એક રીતે સમકાલીન તળવલકરે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કર્યો ન હતો. તે માટે તેમણે કટોકટી બાદ લેખિત દિલગીરી જાહેર કરી હતી. એટલું જ નહીં, તે સમય દરમિયાન લખેલા લેખોને તેમણે પુસ્તકોમાં સમાવ્યા ન હતા. પાંચ મહિના પહેલાં ગયેલા ‘ટાઇમ્સ’ના દિલીપ પાડગાવકર મહારાષ્ટ્રના હતા. અલબત્ત, ટાઇમ્સ ગ્રૂપના તળવલકરનું કૂળ એ એક્સપ્રેસ ગ્રૂપના, સવા વર્ષ પહેલાં અવસાન પામેલા અરુણ ટિકેકરને મળતું આવતું. પુસ્તકો, મરાઠી ભાષા, બ્રિટિશરોના ગુણ અને લિબરલ ડેમૉક્રસી માટેનો પ્રેમ એ તળવલકર-ગડકરી કુળનો ધર્મ હતો.
ગોવિંદરાવ તળવલકર એ શામલાલ, ઇન્દર મલહોત્રા, એ.જી. નૂરાની કે પ્રકાશ ન. શાહની જેમ આ લખનારના રીડિંગહિરો હતા. તેમણે કંઈક સો પુસ્તકો વાંચ્યાં હશે, થોડાંક હજાર વસાવ્યાં હશે, ઘણાં હજાર પુસ્તકો નજર હેઠળથી સારી રીતે પસાર કર્યાં હશે અને દુનિયાભરનાં ગ્રંથભંડારો તેમ જ ગ્રંથાલયોમાં હજ્જારો જોયાં હશે. આ લખનારે સાતથી સત્તર વર્ષની ઉંમર સુધી ‘મ.ટા.’ એ વખતની સમજ મુજબ વાંચ્યું હતું. અગ્રલેખ સંપાદક લખે, મ.ટા.ના સંપાદક તળવલકર છે અને દરેક અગ્રલેખ તેમનો હોય છે, એટલી જાણકારી પિતા પાસેથી મળતી રહેતી. વાચસ્પતિ નામે લખાયેલી ‘વાચતાં વાચતાં’ નામની જે કટાર હતી, એ પણ તળવલકરની એવી પણ માહિતી બહુ વહેલી હાથ લાગી હતી. એનાં કેટલાંક કતરણો પાંત્રીસેક વર્ષ પછી પણ સચવાયાં છે. એની બસોએક નોંધોનાં બે પુસ્તકો હાથમાં આવ્યાં ત્યારે રોમાંચ થયો હતો. ‘નિયતિશી કરાર’ માં ભારતમાંના સત્તાંતર પરનાં સુડતાળીસ પુસ્તકો વિશેના લેખ છે. ‘સૌરભ’ના બે ભાગમાં દેશવિદેશનાં પુસ્તકો ઉપરાંત પ્રબુદ્ધજનો પર પૂરા કદના લેખો છે. થૉમસ પેન, ગર્ટ્રુડ બેલ, માર્ક ટ્વેન, ઍલન બુલક, ટ્રેવર રોપર, જૉન કેનેથ ગાલબ્રેથ, જ્યૉર્જ ઑરવેલ, ઍલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિન તેમાંના કેટલાંક નામ. ‘બહર’માં પ્રવાસ અને લલિત લેખો ઉપરાંત પુસ્તકો અને વાચનસંસ્કૃિત વિશેના પ્રથમ વ્યક્તિ એકવચની લેખો છે. ‘વૈચારિક વ્યાસપીઠે’ વિશ્વસ્તરનાં સોળ અંગ્રેજી સામયિકો પરના પૂરા કદના લેખો છે. તેમાં ‘ઇકોનૉમિક ઍન્ડ પૉલિટિકલ વિકલી’, ‘ધ હિન્દુ’, ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’, ‘સેમિનાર’ છે, તો સાથે ‘ન્યુયૉર્ક રિવ્યૂ ઑફ બુક્સ’ અને ‘એકોનૉમિસ્ટ’ પણ છે. મારી પાસે ‘લૉર્ડ ગોવિંદરાવ’નાં જે સાત પુસ્તકો છે, તેમાં એક પ્રકાંડ વાચક અને ગ્રંથસંસ્કૃિતનો વિદ્વાન સંવેદનશીલ પ્રતિનિધિ જાગતો બેઠો હોય છે. જેમણે લખેલાં ગીત મહારાષ્ટ્રના ઘરઘરમાં ગવાય છે, તેવા મરાઠી કવિ ગ.દિ. માડગુળકરે ‘જ્ઞાનેશ્વરી’ના કાળની ઉકારાન્ત શબ્દપ્રણાલીનો ઉપયોગ કરીને તળવલકરને ‘ઐસા જ્ઞાનસાગરુ’ કહ્યા છે.
૨૭ માર્ચ, ૨૦૧૭
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 20