અંક છપાવા જઈ રહ્યો છે ત્યારે પત્રકાર મિત્ર કમલ ઠાકરના નિધનના સમાચાર મળે છે. આંતરડાના, સંભવતઃ અસાધ્ય જેવા કૅન્સરવશ એમણે આત્મહત્યા વહાલી કર્યાનું સમજાય છે.
‘જન્મભૂમિ’ના અમદાવાદ દફતરમાં, કાળક્રમે બ્યુરો ચીફ લગીની એમની કામગીરી રહી. જેપી આંદોલન અને કટોકટી સામે લોકસંઘર્ષમાં પ્રજાસૂય પ્રવૃત્તિઓમાં અખબારી મોરચે જે યુવા મિત્રોની કુમક રહી તે પૈકી તેઓ હતા. તે સિવાય પણ છાપાંમાં દેખીતા બિનરાજકીય પણ રચનાત્મક-સાંસ્કૃિતક-સામાજિક વૃત્તાંતનિવેદનની એમની હોંશ આ લખતા સાંભરે છે.
પત્ની દક્ષાબહેન સમાજશાસ્ત્રનાં અધ્યાપિકા – એમણે શરદસાહિત્ય પર તે સંદર્ભમાં કામ કરી ડૉક્ટરેટ મેળવેલી – એની વાત કરતાં કે સંઘવી કુટુંબનાં એ પંડિત સુખલાલજીની સ્મૃિત જાળવવામાં ક્યાંક નિમિત્ત બનેલાં તેની વાત કરતાં એમનો રાજીપો છાનો રહેતો નહોતો.
કુંજ કલ્યાણીના સ્વાતંત્ર્ય સૈનિક પિતા કાંતિલાલ પારેખ અને દક્ષા ઠાકરના પિતા જેશીંગભાઈ સંઘવી એ બંને નિકટના મિત્ર હતા એ રીતે ‘નિરીક્ષક’ને સારુ આ એક પારિવારિક આઘાત પણ છે.
સદ્ગતને વિદાયવંદના અને પરિવારને સાંત્વના.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 05