(તારીખ 27 ફેબ્રુઆરી 2002ને દિવસે ગોધરા એક્સપ્રેસના ડબ્બામાં અયોધ્યાથી ગુજરાત આવતા પ્રવાસીઓને આગ લગાડીને તેમની હત્યા કરવામાં આવેલી. એ દુષ્કૃત્ય મુસ્લિમોને હાથે થયેલું. એ ગોઝારી ઘટનાનો બદલો લેવા હિન્દુઓએ અનેક મુસ્લિમ લોકોનાં ઘર લૂંટયાં, સ્ત્રીઓ પ્રત્યે અત્યાચાર આચર્યો અને અનેક સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા પણ કરી. આ હકીકત સારા ય ભારતના અને વિદેશી સમાચાર માધ્યમોએ નોંધી છે. લોક સભાના ભૂતપૂર્વ સભ્ય એહસાન જાફરીની હત્યા બાદ થોડા જ સમયમાં સ્વર્ગસ્થની પુત્રી નિશરીન જાફરી દ્વારા લખાયેલ આ પત્ર ફરીને હાલમાં વાંચવામાં આવ્યો. આ મૂળ અંગ્રેજી પત્રને ગુજરાતી અનુવાદ રૂપે વાચકો સમક્ષ પ્રસ્તુત કરું છું. − આશા બૂચ)
નિશરીન જા઼ફરી, એહસાન જાફરી અને ઝાકિયા જાફરી
લોક સભાના ભૂતપૂર્વ સભ્ય એહસાન જાફરીની હું પુત્રી છું. ગોધરા હત્યાકાંડના અનુસંધાને 28મી ફેબ્રુઆરીને દિવસે પોતાના જ ઘરમાં તેમના પર ક્રુરતા આચરવામાં આવેલી અને ત્યાં જ તેમને સળગાવીને તેમની હત્યા કરવામાં આવેલી. મારે માટે તેઓ હવે હયાત નથી, તેઓને અમારી વચ્ચેથી આમ અકાળે ઝુંટવી લેવામાં આવ્યા અને તે પણ આટલી ક્રુરતાથી એ સ્વીકારવું અત્યન્ત કઠિન હતું. તેમના શરીરને સળગાવી દેવામાં આવ્યું હતું અને અમને તેઓનો દેહ મળ્યો નહોતો, તેથી મારે માટે તેમના મૃત્યુની ઘટનાનો બંધ વાળવો મુશ્કેલ છે. છેલ્લા પાંચ મહિનાથી મારું ચિત્ત અનેક વિરોધી લાગણીઓ વચ્ચે ઝોલાં ખાતું રહ્યું છે. ઘડીભર દિલ શ્રદ્ધાથી ઉભરાય છે, તો ક્યારેક નિરાશા ઘેરી વળે છે. ક્યાંક બંધુત્વનો અહેસાસ થાય છે, તો વળી ક્યારેક માનવતા પરથી વિશ્વાસ ઊઠી જાય છે. એક બાજુથી આપણાં પુરાણાં મૂલ્યો નજર સામે ખડાં થાય છે, તો તેની સામે અનૈતિકતા અને હિંસાનું તાંડવ ગુજરાતમાં ખેલાઈ રહ્યું છે તે દેખાય છે. આ સમય દરમ્યાન મેં મારાં મૂળિયાં અને ધર્મ સામે પણ પડકાર ફેંક્યો. પરંતુ આભાર મારા પિતાની કેળવણીની શક્તિના પ્રતાપનો અને મારા પરિવારે આપેલ સહારાનો કે ભલે આંશિક રીતે, પણ મેં મારા મનનું સમતુલન પાછું મેળવ્યું અને દુઃખની ગર્તામાંથી બહાર નીકળી શકી છું. ખરેખર તો હજુ આજે પણ જ્યારે એ તલવારે તેમને કઈ રીતે ચીરી નાખ્યા હશે, એ આગ કે જેણે તેમને સળગાવીને ભડથું કરી મુક્યા હશે તે વિષે હું વિચારું ત્યારે મારા દિલના આવેગોને રોકી નથી શકતી. પરંતુ આજે હું મારા પિતાજીની સ્મૃિત, મારે મન તેમનું શું મૂલ્ય હતું, અમારા પરિવાર અને દેશની સેવા કરવા તેમણે શી શી આપત્તિઓ વેઠી અને તેમણે અમને સહુને કેટલું ગૌરવ અપાવ્યું છે તે વાત તમારી સાથે વહેંચી શકીશ.
તેઓ મારા આદર્શ હતા. હું મારી આંખો બંધ કરું કે તરત મારા બાળપણના દિવસોથી માંડીને લગ્ન કરીને મારા કુટુંબને ભારતમાં છોડીને સાસરે ગઈ, ત્યાં સુધીના તમામ દિવસો નજર સામે ખડા થાય છે. મારા પિતા તે વખતે હંમેશ દરેક પળે મારી સાથે હતા અને આજે પણ જ્યારે હું આ લખું છું ત્યારે તેમનો આત્મા મારી સાથે જ છે.
મારા પ્રિય અબ્બા, હું તમને પ્યાર કરું છું. અમે બધા તમને પ્યાર કરી છીએ. અમને તમારી ખોટ સાલે છે. તમારાં લગન, શ્રદ્ધા, હિંમત, મૂલ્યો અને બલિદાન માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પોતાની જાતનો પહેલાં વિચાર ન કરીને નિસ્વાર્થ બનતાં શીખવ્યું. તમારા જૂના ઘરમાં તમે રાતે સૂતા હતા ત્યારે પથારી પાસે એક નાનો કેરોસિનનો દીવો બળતો હતો તે પડ્યો અને પડદાઓને આગ લાગી એ ઘટના વિષે વાત કરતાં અમ્મી ક્યારે ય થાકતી નથી. જે બાજુ આગ લાગી તે તરફ તમે સૂતેલા અને અમ્મી તમારી પડખે સૂતેલી. આગની ગરમીને કારણે તમે જાગી ગયા, આગ લાગેલી જોઈ, અને પથારીમાંથી કૂદી પડવાને બદલે પહેલાં તમે અમ્મીને ઊઠાડી અને તેને સલામત જગ્યાએ દોડી જવા કહ્યું. પણ એ માને છે કે જ્યારે એ જાગી અને આગ જોઈ કે તરત પથારીમાંથી કૂદીને બારણા તરફ દોડી અને તમે ક્યાં હતા કે તેને શું કહી રહ્યા હતા તેની તેને કોઈ ગમ નહોતી. આજે એ વાતને 40 વરસ વીતી ચૂક્યા છે છતાં એ ઘટના તેને બરાબર યાદ છે અને પોતાની જાતનો વિચાર પહેલાં કર્યો અને તમારો હાથ પકડીને મદદ ન કરવા બદલ પોતાને દોષિત માને છે.
સો કરતાં વધુ સ્ત્રી, પુરુષો અને બાળકો તમારા ઘરમાં હિંસક ટોળાથી પોતાનો જાન બચાવવા તમારા ઘરમાં આશ્રય લેવા આવેલા, તેમની જિંદગી અને આબરૂ બચાવવા તમે પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે 28મી ફેબ્રુઆરી 2002ને દિવસે તમારા પર જુલમ ગુજારવામાં આવ્યા. અને તમને જીવતા સળગાવી દેવામાં આવ્યા તે વખતે, પણ મારી અમ્મી ઘરના ઉપલા મજલા પર હતી. તેના મનમાં ગુનાહિત હોવાનો ભાવ અસહ્ય હતો. 40 વર્ષ પહેલાની પેલી ઘટના ભલે જુદા સંયોગોમાં, પણ જાણે ફરી વખત તેની નજર સામે ખડી થઇ અને તેનાં પરિણામો જીરવી ન શકાય તેવા છે.
તમારાં પુસ્તકાલયમાં કાયદા વિષયક પુસ્તકો, સાહિત્ય, તત્ત્વજ્ઞાનને લાગતાં પુસ્તકો, માનવતા અને ધર્મનું સાહિત્ય, રાષ્ટ્રીય એકતા વિશેનાં પુસ્તકો અને આ બધા વિષયો વિષે તમારી સમજને ઉજાગર કરતી તમારી પોતાની કાવ્ય રચનાઓ મળીને હજારો પુસ્તકો ભસ્મીભૂત થઇ ગયાં – એક ખજાનો જે તમે તમારાં સંતાનો અને તેમના પછીની પેઢી માટે સુરક્ષિત રાખેલ તે નાશ કરવામાં આવ્યો. તમારી ઓફિસમાં રહેતી ચકલીઓ હવે નથી, તેમના માળા બળી ગયા. મને યાદ છે તમે કેવી રીતે ચકલીઓને તમારી ઓફિસમાં માળો બાંધવા, ઈંડા મુકવા અને બચ્ચાંને ઉછેરવા પ્રોત્સાહન આપતા અને તેમને ઊડતા શીખવતા. આપણે બહાર જતી વખતે આખું ઘર બંધ કરતાં ત્યારે પણ તમે ઓફિસની એક બારી હંમેશ ઉઘાડી રાખતા. જેથી કરીને ચકલીઓ છૂટથી ગમે ત્યારે ઘરની અંદર બહાર આવ-જા કરી શકે. ચકલીઓ માળો બાંધતા જે કચરો કરે તે તમે ખુશીથી દિવસમાં અનેક વાર સાફ કરતા. ચકલીને નાનાં બચ્ચાં આવે ત્યારે તમે પંખાની સ્વીચ પર ટેઈપ મારી દેતા જેથી એ ભૂલથી પણ ચાલુ ન થઇ જાય. એમ કરતાં તમે ગરમીમાં કામ કરવાનું પસંદ કરતા, પણ બચ્ચાંને પંખાથી ઇજા થાય તે જોખમ ટાળતા. અમને પણ એ ચકલાં વિના નથી ગમતું.
પેલા નાના છોકરા કાળિયાને પગે ચેપ લાગેલો તે રડે છે અને તમે કેવા તેને ડોક્ટર પાસે લઇ ગયેલા અને જાતે મલમ પટ્ટા લગાવીને જખ્મ પર પાટો બાંધી આપેલો તે યાદ કરે છે. એને એ પણ યાદ આવે છે કે જેને કોઈ અડકે પણ નહીં તેવા છોકરાને ખુરશી પર બેસાડી તમે પોતે જમીન પર બેસીને પગની સારવાર કરેલી. તેનાથી તેને કેવો ક્ષોભ થતો. આટલાં વર્ષો દરમ્યાન જેને જેને તમે મદદ કરી હોય, તેવાં અનેક લોકો આવીને તમારા દયાળુ સ્વભાવ અને ઉદારતાની વાતો યાદ કરે છે. તેમાંના ઘણાં લોકો એ પણ જાણે છે કે તમે તેમને તમારું ઘર ધોળવાનું કહેતા, બારી બારણાંને રંગ રોગાન કરવાનું સોંપતા કે જાજરૂ-બાથરૂમ, રસોડા કે ગરાજમાં ફેરફાર કરવાનું કહેતા તે એટલા માટે નહીં કે ઘરમાં સમારકામની જરૂર હતી, પણ એ લોકો જાત મહેનતથી કમાઈ કરે તેમ તમે ઇચ્છતા હતા. એ બધા લોકોને તમારી ખોટ સાલે છે.
અબ્બા, હું જાણું છું કે તમે જો ઇચ્છ્યું હોત તો તમારી વકીલાત અને રાજકીય કારકિર્દીમાંથી અઢળક ધન કમાયા હોત. પરંતુ તેને બદલે આપણા્ં – ભારતીય મૂલ્યોને અનુસરીને તમે સાદું જીવન અને ઉચ્ચ વિચારવાળી જિંદગી જીવ્યા. તમે ધાર્યું હોત તો ખૂબ સત્તાશાળી અને વ્યવહારુ રાજકારણી બની શક્યા હોત. પરંતુ તેને બદલે તમારા માર્ગદર્શક અને આદર્શ એવા મહાત્મા ગાંધીનાં મૂલ્યોને વળગી રહીને દેશના લોકોની સેવા કરવાનું પસંદ કર્યું. કોમી એખલાસ, રાષ્ટ્રીય એકતા અને માનવ સન્માન વિશેની તમારી કવિતાઓ પેઢી દર પેઢી માર્ગદર્શન આપતી રહેશે.
ભારતમાં મેં પ્રેમ, ભ્રાતૃભાવ, શાંતિ અને કોમી એખલાસ જોવાનું પસંદ કર્યું એ તમારો આશાવાદ અને મારા ઉછેરમાં રોપેલ હકારાત્મક દ્રષ્ટિને આભારી છે. હું એમ માનવાનું પસંદ કરીશ કે ગુજરાતમાં આચરાયેલ હિંસા અને કોમી અસહિષ્ણુતા એ માત્ર વિચલન હતું જે જલદી પસાર થઇ જશે.
તમે ઘણાનાં હૃદયને સ્પર્શ્યા છો. મોટા ભાગના હિન્દુ અને મુસ્લિમ લોકો તમારો શોક મનાવવા એકઠા મળ્યા. તમે શાન્તિના અઠંગ રક્ષક અને માનવતા તેમ જ માનવ સન્માનના જબરા હિમાયતી હતા. આપણા મોટા ભાગના હિન્દુ મિત્રોએ જે થોડા ગેરમાર્ગે દોરવાયેલા ઉદ્દામ મત ધરાવનારાઓ કે જેઓ માને છે કે તેઓ હિન્દુ છે એમણે તમારા પર અને ગુલબર્ગ સોસાયટી અને ગુજરાતના હજારો નિર્દોષ માણસો પર જે વિતાવ્યું છે, એ માટે પસ્તાવા અને શરમની લાગણી પ્રદર્શિત કરી છે. પોતે ગુનેગાર હોવાની લાગણી અનુભવતા આપણા આ મિત્રો વારંવાર આવીને ગુજરાતમાં વ્યાપેલ હિંસા બદલ માફી માગે છે. પણ તમે કહ્યું હોત તેમ જ અમે કહીએ છીએ કે ગુનાહિત હોવાની લાગણી તેમણે અનુભવવાની જરૂર નથી.
હિન્દુ ધર્મ આ સંહાર માટે જવાબદાર નથી, અને તેને દોષ ન અપાવો જોઈએ. ગેરમાર્ગે દોરવાયેલા ઉદ્દામ વિચાર ધરાવનારાઓ અંતિમવાદી છે, અંતિમવાદના અનુયાયીઓ છે કે જે પોતે જ એક જુદો ધર્મ છે. ગુજરાતમાં જે મુસ્લિમોને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા તેના જેવા જ હિન્દુ લોકો પણ નિર્દોષ, દયાળુ, કરુણાસભર, ભગવાનથી ડરીને ચાલનારા અને કાયદો પાળનારા નાગરિકો છે. અમે અહીં અને અન્યત્ર વસતા અમારા બધા મિત્રોને આ વાત કહીએ છીએ. અમે હિંદુઓને પ્રેમ કરી છીએ, તેમનો આદર કરીએ છીએ અને મુસ્લિમ લોકો કરે છે તેવો જ આદર તેઓ આપણાં ધર્મ અને મૂલ્યો માટે જાળવે છે. અમને પણ તેમના જેવી જ ચિંતા સતાવે છે અને આ ફાસીવાદનો દૈત્ય જે આપણા સમાજ અને દેશમાં ધિક્કારનું ઝેર ફેલાવી રહ્યો છે, તેને દૂર કરવા તેમની સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છીએ.
અબ્બા, એક એવો સમય હતો જ્યારે હું મને પડેલ ખોટથી અત્યન્ત વ્યથિત થઇ ગયેલી, જ્યારે હું વારંવાર મારી જાતને પૂછતી, શા માટે મારા પિતાને માર્યા? શા માટે એમને જ? પરંતુ તમે આપેલ શિક્ષણ કે જે મને હંમેશ કોઈ ઘટના અને આપણા જીવનને સમગ્રતયા જોવાની તાલીમ આપી શક્યું છે, તેને કારણે મને ખ્યાલ આવ્યો કે મારા જેવાં હજારો સ્ત્રીઓ, પુરુષો અને બાળકો છે જેમણે પોતાના નિકટના સ્નેહીજનને ગુમાવ્યાં છે અને એ લોકો પણ પૂછી રહ્યાં છે: શા માટે તેઓ? હજારો બાળકો અનાથ બન્યાં અને હજારો માતા-પિતા સંતાન વિહોણાં બન્યાં. મને એ પણ ખ્યાલ આવ્યો કે મારા જેવાં કેટલાક લોકો ગોધરામાં છે તો કેટલાક કાશ્મીરમાં છે. એ લોકોનું દુઃખ મારા કરતાં લેશ પણ ઓછું નથી. એ લોકોને પડેલ ખોટ મારી ખોટ કરતાં જરા પણ ઓછી નથી. એ લોકોની નિર્દોષતા મારા કરતાં લગીરે ઓછી નથી. એટલે હું આવો સંહાર આચર્યો અને જેઓ અવારનવાર માનવતા વિરુદ્ધ આવા ગુનાઓ કર્યા કરે છે તેવા એ સત્તા પર બેઠેલાઓને પૂછું છું, શા માટે અમે? અને પૂરેપૂરી નરમાશ, વિવેક અને શુદ્ધ હૃદયથી ઈશ્વરને પૂછું છું, શા માટે જે લોકો ધિક્કારની લાગણી પ્રસરાવે છે તેમને દંડ નથી થતો? શા માટે જેઓ કોમી અસહિષ્ણુતા ફેલાવે છે તેમને સજા નથી થતી? શા માટે જેઓ ભગવાનની રચેલ સૃષ્ટિ સામે હિંસાનો પ્રચાર કરે છે તેમને સહન નથી કરવું પડતું?
મારા પ્રિય અબ્બા, મને યાદ છે કે તમે કહેતા કે જગતમાં દુશ્મનાવટ ભરી પડી છે, પણ સાથે સાથે શાંતિ, સંવાદિતા અને પ્રેમ પણ છે. આ દુનિયામાં દુઃખ અને પીડા છે, પણ ખુશી, પ્રગતિ અને સમૃદ્ધિ પણ છે. વિશ્વમાં લડાઈ અને ક્રૂરતા છે, પણ હારોહાર ભાઈચારો, શાંતિ અને સુલેહ પણ છે. તમે દુનિયાને કઈ જગ્યાએથી અને કેવી રીતે જુઓ છો તેના પર તમને શું દેખાય તેનો આધાર છે. મેં ભારતમાં પ્રેમ, ભ્રાતૃભાવ, શાંતિ અને કોમી સંવાદિતા જોવાનો નિર્ણય કર્યો એ તમારા આશાવાદી વલણ અને મારા ઉછેરમાં હકારાત્મક દ્રષ્ટિકોણને આભારી છે. ગુજરાતમાં હિંસા અને કોમી અસહિષ્ણુતાના આપણે સાક્ષી બન્યા, તે માત્ર એક વિચલન હતું જે થોડા સમયમાં પસાર થઇ જશે એમ માનવાનું મેં પસંદ કર્યું. પ્રજાને વિભાજીત કરવાના હેતુથી નફરત ફેલાવનારા લોકોની હાર થશે, અને ભારતના લોકો એક થશે, પછી ભલેને તેઓ જુદા ધર્મના હોય કે અલગ અલગ જાતિના હોય, એમના રંગ કે જ્ઞાતિ ભલે ભિન્ન હોય, એમની રાજકીય માન્યતાઓ અને આદર્શો ભલે જુદી દિશામાં ફંટાયેલા હોય. તેઓ ફરીને તમારા અને તમારા જેવા લાખો લોકોના સંગઠિત, પ્રગતિશીલ, સમૃદ્ધ, ધર્મ નિરપેક્ષ અને ગૌરવવંત ભારતના સ્વપ્નને સાકાર કરવા એક થશે.
મારા પ્રિય અબ્બા, તમારા વિષે અને તમે આપેલ કેળવણી વિષે વિચાર કરું છું ત્યારે ગુજરાતના હત્યાકાંડના પગલે સહન ન કરી શકાય તેવી યાતનાઓ, જીરવી ન શકાય તેવા ઘા જેમને ભાગે આવ્યા છે તેવા હજારો ઘરબાર વિનાનાં સ્ત્રી, પુરુષ અને બાળકોને મદદ કરવા માટેનો મારો સંકલ્પ દ્રઢ બને છે. મારા મનમાં કોઈ એક વ્યક્તિ કે કોમ પ્રત્યે કડવાશ નથી. તમારે પગલે ચાલીને હું અને તમારા જમાઈ નાજિદ હુસેઇન આ વિસ્થાપિત થયેલાં લોકોને મદદ કરવા અમારી શક્તિ અને સત્તા મુજબ બનતી બધી કોશિષ કરશું. અમને ઘણી વ્યક્તિઓ, સંગઠનો અને સંસ્થાઓએ મદદ કરી છે. અમે હત્યાકાંડનો ભોગ બનેલા લોકોને પુન:સ્થાપિત કરવાનું, તેમને સુરક્ષા અને સલામતીની ખાતરી આપવાનું અને તેમને ગુજરાતમાં ન્યાય મળે તે માટે કામ કરીએ છીએ.
અબ્બા, અમને આશિષ આપો. અને જે દેશની તમે આખી જિંદગી ઉચ્ચતમ માન અને નિ:સ્વાર્થ ભાવના તથા નિષ્ઠાથી સેવા કરી છે, એ દેશને આશિષ આપો. અમને આશિષ આપો અને માર્ગદર્શન આપો જેથી તમે બતાવેલ દયા અને કરુણા, એકતા અને અખંડિતતા, પ્રેમ અને સંવાદિતાનો માર્ગ અમે સ્પષ્ટપણે જોઈ શકીએ અને તેને અનુસરી શકીએ. જેથી કરીને અમે ‘ગુજરાત’ ફરી કદી પુનરાવર્તિત થતું ન જોઈએ. અમે તમારો આભાર માનીએ. અમે તમને ખૂબ ચાહીએ છીએ, હંમેશ ચાહતા રહેશું. અમને તમારી ખોટ બહુ સાલે છે.
અનુવાદ: આશા બૂચ
e.mail : 71abuch@gmail.com
મૂ ળ અંગ્રેજી પત્રનો સૌજન્ય સંદર્ભ : https://www.thequint.com/blogs/2016/06/02/bless-us-abba-2002-gulbarg-victim-ehsan-jafris-daughter-writes