નકરી શ્વેત કે નકરી શ્યામ એવી ખાનાપૂરણીમાં નહીં પુરાતાં સંકુલ, સંમિશ્ર સમગ્રતા સાથે કામ પાડવું પડે
ટપાલ ખાતાની રસમી થપ્પા અગર સિક્કાનું તો જાણે કે સમજ્યા મારા ભૈ, પણ નાનામોટા રાજકીય ને બીજા ફિરકાઓ પોતપોતાનાં ખાસંખાસ નામો ટપાલ ટિકિટે લહેરાય ને એમ પોતાનો સિક્કો પડે તે સારુ ખાસા લાલાયિત હોય છે, નહીં? એની પૂંઠે જો ઓળખ કહેતાં ‘આઇડેન્ટિટી’નું રાજકારણ હશે તો સાથે પોતીકી તરેહનો ઇતિહાસબોધ સ્થાપિત કરવાનીયે ગણતરી હશે. વસ્તુત: વિશેષ ટપાલ ટિકિટની પરંપરા કોઈ એક કૌટુંબિક ઈજારો ન હોય એવી લાગણી, અતિરેકની પ્રણાલિ જોતાં, વાજબી પણ છે. પરંતુ, આ મુદ્દે ભાજપ પ્રતિષ્ઠાનની ભૂમિકા પ્રીછ્યા પછી પણ એ એક વાનું તો જોવુંસમજવુંતપાસવું રહે જ છે કે કવચિત હકાર, કવચિત નકાર એવો તમારો જે હુંકાર પ્રગટ થવા કરે છે તેમાંથી કેવોક ઇતિહાસબોધ ફોરે છે અગર ઢેકો કાઢે છે.
દક્ષિણ ભારતના સુપરસ્ટાર કહેવાતા રજનીકાન્તે ટીપુ સુલતાન પરની ફિલ્મમાં ટીપુનો અભિનય કરવાની ઓફર ન સ્વીકારવી જોઈએ એવો ગોકીરો ભાજપ અને હિંદુ મનાની સહિતની સંઘ પરિવારની કે એની નજીકની સંસ્થાઓએ મચાવ્યો છે. તેમાંથી ઇતિહાસબોધ બાબતે જે વરવી એકાક્ષી તાસીર પ્રગટ થાય છે તે આ સંદર્ભે નોંધવા જેવી છે. ભાજપના એક રાષ્ટ્રીય મંત્રી એચ. રાજાએ કહ્યું છે કે રજનીકાન્ત કે જે કોઈ પણ અભિનેતા સૂચિત ફિલ્મ સાથે જોડાશે તે ‘ભારતવિરોધી’ લેખાશે. નાનીમોટી, ખરીખોટી કોઈપણ બાબતને પરબારી દેશભક્તિની કસોટી બનાવી મેલવી એ અભિગમની પોતાની મર્યાદા વિશે શું કહેવું.
ટીપુ સુલતાન સામસામાં અર્થઘટનોનો વિષય રહ્યો છે તે જાણીતું છે. એને હસ્તક હિંદુઓની હત્યા થવાની વાત છે, તો એણે જજિયાવેરો નહીં નાખ્યાની પણ વાત છે. રાજની કારવાઈ આડે આવેલા મુસ્લિમોને એણે નહીં બક્ષ્યાનું તેમ જ મરાઠા આક્રમણ સામે શંકરાચાર્યે ટીપુની સહાય મળવાનુંયે એટલું જ જાણીતું છે. જો આ બધું સાથે મૂકીને જોઈએ તો જે સમયમાં હિંસા મારફતે કામ લેવું જાયજ અને સહજ મનાતું તે સમયમાં ટીપુની ચાલનાઓ સ્થાપિત ધર્મસંપ્રદાયની નહીં એટલી રાજકીય ગણતરીસરની હતી તે હકીકત તરત સામે આવે છે. બલકે, જે સમય ભારતમાં બહુધા હિંદુ વિ. મુસ્લિમ અગર હિંદુ વિ. હિંદુ, મુસ્લિમ વિ. મુસ્લિમ એવી રજવાડી અથડામણો અને ખટપટોનો હતો તે સમયે અંગ્રેજો સામે લડવાની ટીપુની અગ્રતા એક નવું જ મૂલ્યાંકન માગે છે. અને આ રીતે જોઈએ તો અતિશયોક્તિનું આળ વહોરીને ય એને 1857ના ઉઠાવની પુરોગામી ઘટનાનું માન આપવાનો કેસ ન જ બને તેમ નથી. મુદ્દે, ઇતિહાસમાં ખાસું સંમિશ્ર અને સંકુલ ઘણુંબધું પડેલું હોય છે. એને સમગ્રતામાં નહીં જોતાં પોતાને અનુકૂળ પસંદગીચોસલામાં જોવું આપણને સૌને ફાવતું આવતું હોય છે. પસંદગીનાં ધોરણો જેમ વસ્તુગત તેમ વ્યક્તિગત પણ હોઈ શકે છે. પરંતુ, એથી સામી વ્યક્તિ – જેમ કે, કદાચ ટીપુની ભૂમિકા કરતો રજનીકાન્ત – જો આપણે મન પરબારો દેશદ્રોહી ઠરાવાનો હોય તો આપણી સમજ તળેઉપર તપાસ માગે છે એટલું ચોક્કસ.
દેશ કહો, રાષ્ટ્ર કહો, સમાજ કહો, આ બધાંની વ્યાખ્યામાં જે તે સમયની સ્થાપિત માન્યતાઓ અને પ્રભુતાસમ્પન્ન વર્ગો ખાસાં સમીકૃત થઈ જતાં હોય છે. ફરી રજનીકાન્ત-ટીપુ પ્રકરણનું દૃષ્ટાંત લઉં તો ટીપુ સુલતાન તમિલવિરોધી હતો, એટલે તેની ભૂમિકા ભજવતા રજનીકાન્તને પણ તમિલદ્રોહી શા માટે ન કહેવા એવોયે એક સવાલ દક્ષિણદેશમાં આ દિવસોમાં ઉછળાઈ રહ્યો છે.
અથવા પાટીદાર અનામતનો સવાલ લો. આવતે અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાયાત્રા વખતે યુનાઇટેડ નેશન્સના વડામથકથી ન્યૂયોર્ક ખાતેની ઇન્ડિયન કોન્સ્યુલેટ લગીના 3.5 કિલોમીટરની પાટીદાર રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમેરિકા સ્થિત વિહિંપ અને ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીએ આવી ‘દ્રોહી’ રેલી સામે વિરોધનો સૂર ઉચ્ચાર્યો છે. અલબત્ત, રેલીકારોને સરદારના પ્રપૌત્રનું સમર્થન છે, કેમ કે ‘સરદારે પાટીદારોને 1947માં અનામત લેવાનું કહ્યું હતું.’ ભાગ્યે જ ગ્રાહ્ય રહી શકે એવું આ વિધાન છે. પણ સરદારને જો ‘ગુજરાતને અન્યાય’ની કાગારોળમાં કેવળ ગુજરાતના નેતા બનાવી દઈ શકાતા હોય તો એમાંથી નકરા ‘પાટીદાર નેતા’ બનાવવાનું કેટલું સહેલું છે તે પાટીદાર રેલી રૂપે અમેરિકાની ધરતી પર થઈ રહેલી સમુત્ક્રાન્તિ પછી સમજાઈ રહેવું જોઈએ.
એક રીતે જોતાં, સંઘના કેન્દ્રીય અગ્રણી મનમોહન વૈદ્યની ભલે મોડી મોડી પણ એ ટિપ્પણી છે તો સાચી જ કે હાર્દિક પટેલનાં ઉચ્ચારણો સમાજમાં ભાગલા પડાવનારા અને સામાજિક તાણાવાણા ખેરવિખેર કરનારા છે. એમણે એમ પણ ઉમેર્યું છે કે ઓબીસી-એસસી-એસટી સહિતના સમાજને અપાઈ રહેલી અનામત સામાજિક-સમાનતાની દિશામાં યોગ્ય છે.
ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીમાંથી એકલા સરદારને (અને તે પણ ગાંધીજી કરતા ‘મોટા’ સરદારને) લઈને સંઘ પરિવારે કરેલી રાજનીતિ, હિંદુ ઓળખનું રાજકારણ કેટલી ઝડપથી પાટીદાર હુંકારનું રાજકારણ બની શકે છે તે જોયા પછી, કાશ, કશુંકે આત્મનિરીક્ષણ પ્રેરી શકે! જો કે, અત્યારે તો કેટલાંક ભાજપ વર્તુળો એ વાતે રાજી હશે કે સંઘમાં એક અધિકૃત પદેથી હાર્દિક પટેલની ટીકા થઈ છે તેનો અર્થ એ થયો કે હાલની રાજ્ય સરકાર સલામત છે. આવી છાપ, માનો કે, આ ક્ષણનું સત્ય હોય તો પણ કદીક હિંદુ, કદીક પટેલ, કદીક ગુજરાતી એવી ઓળખ અથડામણો તો ત્યાં સુધી એક સ્થાયી સત્ય જેવી રહેવાની જ્યાં સુધી તમે સમગ્ર વિમર્શને નાગરિકતાની નરવીનક્કુર ભોંયમાં ન રોપો. ક્યારે ય વ્યાપક રાષ્ટ્રીય ધરાના પ્લેટફોર્મરૂપે ઉભરેલી કોંગ્રેસે – પહેલી કેબિનેટમાં મુખર્જી અને આંબેડકરને સમાવી શકતી કોંગ્રેસે – આ રાષ્ટ્રીય કે નાગરિક વિમર્શ છાંડીને કુનબાપરસ્તીમાં નિજનું મોચન લહ્યું એટલે આગળ ચાલતાં જેમ ગુજરાત અને સરદાર તેમ બંગાળ અને સુભાષ એવું એક રાજકીય ઓળખ-સમીકરણ ઊભું થઈ રહ્યું છે. અધૂરામાં પૂરું નેતાજી વિષયક ફાઇલો વિવર્ગીકૃત (ડિક્લાસિફાય) કરવા બાબતે યુપીએ જેવી જ આડોડાઈ એનડીએએ પ્રગટ કર્યા પછી, પોતાની પાસેની ફાઇલો જાહેર કરવા સાથે પશ્ચિમ બંગાળ સરકાર અને મમતા બેનરજી સુભાષ ને બંગાળના સમીકરણ પર મહોર મારશે. બને કે તે સાથે મમતા બંગાળ પૂરતાં ડાબેરીઓ, કોંગ્રેસ, ભાજપ સૌ પર પોતાની મહારત સ્થાપવામાં અને સુભાષના રાજકીય ઉત્તરાધિકારી તરીકેનો દાવો આગળ કરવામાં કામયાબ પણ રહે.
ધારો કે સુભાષ વિષયક ફાઇલો સબબ યુપીએના અભિગમનું કોઈક તથ્ય (પોતે કરેલ સળંગ વિરોધ છતાં) વસ્યું હોય તો ભાજપે તે માટે સૌને વિશ્વાસમાં લેવાની રીતે મત કેળવવાનું સાહસ દાખવવું જોઈએ. નાગરિક વિમર્શનો અર્થ બધા નેતાનું બધ્ધેબધ્ધું જેમનું તેમ સ્વીકારવું એવો નથી થતો. નીરક્ષીરવિવેકને અવકાશ હતો, છે અને રહેશે. પણ આ વિવેક એક એવો ઇતિહાસબોધ માગે છે જે આવતીકાલને તાકતો અને તાગતો હોય. દેખીતી રીતે જ, પોતપોતાને છેડેથી નકરી શ્વેત કે નકરી શ્યામ એવી ખાનાપૂરણીમાં નહીં પુરાતાં એણે સંમિશ્ર અને સંકુલ એવી સમગ્રતા સાથે કામ પાડવું રહે છે.
સૌજન્ય : ‘ઇતિહાસબોધ’ નામક લેખ, “દિવ્ય ભાસ્કર”, 19 સપ્ટેમ્બર 2015