સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે પરંતુ માણસને ન બદલી શકે. વિચાર જ એ કામ કરી શકે. RSSની આ બહુ મોટી મર્યાદા છે
સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે
જે ઘટના બની એ નવી નથી, આ વખતે ઉઘાડી રીતે બની એટલું જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ કેન્દ્રના પ્રધાનોને અને અંતમાં વડા પ્રધાનને સુધ્ધાં સંઘના દરબારમાં ઊભા કર્યા અને સવા વરસમાં શું કામ કર્યા છે એનો હિસાબ માગ્યો. તેમને કેટલીક સલાહો આપવામાં આવી, કેટલીક ચેતવણીઓ આપવામાં આવી અને કેટલીક બાબતે સક્રિય સહયોગ કરવાની ખાતરી આપી. BJP અને સંઘના નેતાઓ આને સમન્વય બેઠક તરીકે ઓળખાવે છે, જ્યારે વિરોધ પક્ષો અને લોકતંત્રના ચાહકો આને બંધારણબાહ્ય સત્તાકેન્દ્રના વધતા પ્રભાવ તરીકે ઓળખાવે છે. જે લોકોની વચ્ચે શાસનનો એજન્ડા લઈને ગયા નથી અને જેને લોકોએ ચૂંટ્યા નથી એવા લોકો પાછલા બારણેથી ભારત પર શાસન કરી રહ્યા છે. ભારતની ચૂંટાયેલી સરકાર એક ફ્રન્ટ માત્ર છે.
પ્રારંભમાં જ કહ્યું એમ આમાં કોઈ નવી વાત નથી. કેન્દ્રમાં પહેલી વાર બાવીસ પક્ષોની ટેકણલાકડી સાથે અટલ બિહારી વાજપેયીએ સરકાર રચી ત્યારે અમેરિકા અને યુરોપના દેશોના રાજદૂતો મળીને BJPના એ સમયના પ્રવક્તા, આઇડિયોલોગ અને રણનીતિ ઘડનારા ગોવિંદાચાર્યને મળવા ગયા હતા. તેઓ સમજવા માગતા હતા કે ભારતમાં પહેલી વાર રચાયેલી જમણેરી અને હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર કેવી હશે? અટલ બિહારી વાજપેયી – અલબત્ત પોતાની ભાષામાં પણ ગયા વર્ષે નરેન્દ્ર મોદી જેમ કહેતા હતા એમ – સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે તો શું ખરેખર કેન્દ્ર સરકાર ધર્મના નામે ભેદભાવ કર્યા વિના બધાને બાથમાં લઈને ચાલશે? ગોવિંદાચાર્યે તેમને કહ્યું હતું કે ‘ભાઈ, સરકાર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. અટલ બિહારી વાજપેયી તો એક મહોરું છે. એજન્ડા સંઘનો હશે, પરંતુ અત્યારે સંપૂર્ણ બહુમતી BJP પાસે ન હોવાથી ઉદારમતવાદી ગણાતા વાજપેયીને મહોરા તરીકે આગળ કરવામાં આવ્યા છે.’
અક્ષરશ: આ તમામ શબ્દો એક સમયના BJPના અને સંઘના લાડકા ગોવિંદાચાર્યના છે. એ વાતચીત કોઈ એક રાજદૂતે ટૅપ કરી અને પછી બહાર આવી. ગોવિંદાચાર્ય પોતાને ખેલદિલ, સ્પષ્ટવક્તા અને સત્યપરાયણ માને છે અને એમાં તથ્ય પણ છે. ગોવિંદાચાર્યને માંડીને અને જાણે નર્સરીના વિદ્યાર્થીને ભણાવતા હોય એવી સરળ ભાષામાં વાત કરવાની ફાવટ છે. અસંદિગ્ધ ભાષામાં કહેવાયેલી આ અંદરની વાત બહાર આવી એ પછી વાજપેયી ગિન્નાયા હતા. ગોવિંદાચાર્યને રાજકીય વનવાસ આપવામાં આવ્યો હતો. એ સમયે સંઘને મહોરાની જરૂર હતી અને વાજપેયી જાણતા હતા કે મહોરા વિના ચહેરાનું કોઈ ભવિષ્ય નથી. ચહેરાને પણ ખબર હતી કે રામજન્મભૂમિ આંદોલન અને બાબરી મસ્જિદ તોડ્યા પછી તેમ જ સેંકડો કોમવાદી હુલ્લડો કર્યા પછી ચહેરો ખરડાયેલો છે અને એ ચહેરો ઢાંકવા માટે વાજપેયીની ઉદારમતવાદી ઇમેજની જરૂર છે જેને સંઘના પોતાના આઇડિયોલોગ ગોવિંદાચાર્યે મહોરા તરીકે ઓળખાવ્યા હતા.
વાત એમ હતી કે જ્યાં સુધી સંઘના અસલી ચહેરાને ભારતના બહુમતી હિન્દુઓ ન સ્વીકારે ત્યાં સુધી મહોરાંઓની, મોરચાઓની અને અનેક મોઢાંઓની જરૂર છે. અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને ગોવિંદાચાર્યનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. ૧૯૨૫માં સ્થપાયેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દશેરાના દિવસે ૯૦ વર્ષ પૂરાં કરશે. સંઘની સ્થાપના ગાંધીની કલ્પનાના ભારતને નકારવા માટે કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સાથે લઈને આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રની સ્થાપના કરવી અને સમય સાથે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું એ ગાંધીની કલ્પનાનું ભારત હતું જેને આજકાલ આઇડિયા ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ગાંધીજીએ ભારતના પહેલા વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુને પસંદ કર્યા એની પાછળનું મુખ્ય કારણ આ હતું. નેહરુ ગાંધીના આઇડિયા ઑફ ઇન્ડિયામાં ગાંધીજી કરતાં પણ વધુ શ્રદ્ધા ધરાવતા હતા. ભારતનું બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાને સ્વીકૃતિની મહોર મારી હતી અને એ રીતનું બંધારણીય રાજ્ય અસ્તિત્વમાં આણ્યું હતું. જવાહરલાલ નેહરુએ તેમના ૧૭ વર્ષ લાંબા વડા પ્રધાનપદ દરમ્યાન લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરાઓ વિકસાવી હતી.
સંઘના નેતાઓની તેમ જ કાર્યકરોની ધીરજ, સાતત્ય અને ખંતની કદર કરવી જોઈએ. સંઘની નવ દાયકાની યાત્રા દરમ્યાન છ દાયકા તો બહુ કપરા હતા અને સામે પૂરે તરવા જેવી સ્થિતિ હતી. સરેરાશ હિન્દુ જેની મજાક ઉડાડતો હતો અને બાળકોને જેનાથી સાવધાન રહેવાની સલાહ આપતા હતા તેમની વચ્ચે જગ્યા બનાવવાની હતી. આખું વિશ્વ જેને ધીરે-ધીરે સ્વીકાર કરતું થયું છે એ ગાંધીને, ગાંધીની જ ભૂમિમાં, ગાંધીના જ સહધર્મીઓ વચ્ચે અસ્વીકૃત કરાવવાના હતા.
બે વિકલ્પો હતા સંઘ પાસે. એક ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો અને બીજો વિકલ્પ મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબી માર્ગ અપનાવવાનો. પહેલો વિકલ્પ વધારે પ્રામાણિકતાપૂર્વકનો હતો, જ્યારે બીજામાં છેતરપિંડી મુખ્ય હતી. પહેલો વિકલ્પ વધારે ચિરંતન કે સ્થાયી છે, જ્યારે બીજા વિકલ્પમાં સમયે-સમયે સ્થિતિ બદલાય એમ પેંતરાબાજી બદલવી પડે. અનેક મોઢે વાત કરો તો સરવાળે પ્રતિષ્ઠા ઝાંખી તો પડે જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો પ્રયાસ કરી જોયો હતો જેમાં એને સફળતા મળી નહોતી. જો ઈમાનદારીપૂર્વકની સ્પષ્ટ વિચારધારા અપનાવે તો હિટલર અને મુસોલિનીની નજીક ધકેલાઈ જવાનો ડર હતો અને એ એને પરવડે એમ હતું નહીં. એક તો બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ અને એમાં વળી નાત-જાત અને પેટા-સંપ્રદાયોમાં વહેંચાયેલા હિન્દુઓ. વિખરાયેલા હિન્દુઓને ભેગા કરવા એ જ જ્યાં મોટો પડકાર છે ત્યાં તેમને હિટલરકાલીન જર્મનો જેવા કે સલ્ફી મુસલમાનો જેવા રેડિકલ બનાવવા એ તો બહુ દૂરની વાત છે. જો ભારતના હિન્દુઓને માફક આવે એવી હળવી વિચારધારા વિકસાવવામાં આવે તો ગાંધીની નજીક સરકી જવાનો ડર હતો. લોકો કહેશે કે ગાંધીની જ વાત કરો છો તો પછી ગાંધીનો વિરોધ શા માટે કરો છો? હિન્દુઓને એક કરવા માટે એક દર્શન તરીકે તમે સર્વસમાવેશકતાના અને ઉદારતાના તત્ત્વનો સ્વીકાર કરો તો પછી અન્ય ધર્મીઓને બાકાત રાખો એ કેવી રીતે બને? મહાન આદર્શ પસંદગીના ધોરણે તો લાગુ કરી શકાય નહીં.
આ કૂટપ્રશ્નનો સંઘને નવ દાયકાની યાત્રા પછી પણ કોઈ ઉપાય નથી જડ્યો. ત્રણ વાત નક્કી હતી. એક, ગાંધીજીની સર્વસમાવેશકતા કબૂલ નથી; બે, ભારતીય રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ અને ત્રણ, એને માટે ભારતના હિન્દુઓને સંગઠિત કરવા પડે એમ છે. જો વૈકલ્પિક વિચારધારા વિકસાવી શકાઈ હોત તો ત્રણેય કામ એકસાથે થઈ શક્યાં હોત, પરંતુ એમ બન્યું નહીં એટલે સંઘે હિન્દુઓને સંગઠિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લોકોને ગળે ઊતરે એવી, ચોક્કસ મંઝિલે પહોંચાડનારી અને સ્પષ્ટ વિકલ્પ સૂચવનારી વિચારધારાનું ભાથું સાથે હતું નહીં એ સ્થિતિમાં હિન્દુઓને સંગઠિત કરવાના હતા. કામ ભગીરથ હતું અને કરવું જરૂરી હતું એટલે સંઘે મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબ કરવો પડે છે.
સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને (હિન્દુને) બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે. કાર્લ માર્ક્સ અંગત જીવનમાં દરિદ્ર અને કાયર માણસ હતો, પરંતુ તેના વિચારે સમાજમાં પરિવર્તન આણ્યું હતું. ખિસ્સામાં દમડી નહોતી એવા માણસના વિચારે સંગઠિત સ્વરૂપ પકડ્યું હતું, પરંતુ સંગઠન ગમે એવું શક્તિશાળી હોય એ વિચારની જગ્યા ન લઈ શકે. સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે, પરંતુ સંગઠન માણસને ન બદલી શકે. એ કામ તો વિચાર જ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મોટી મર્યાદા છે. નવ દાયકાથી હિન્દુ રાષ્ટ્રનો જપ કરવામાં આવે છે, પરંતુ હિન્દુ રાષ્ટ્ર શું છે અને કેવું હોય એ સમજાવતું એક પણ પ્રકાશન આજે ઉપલબ્ધ નથી. ૯૦ વર્ષ એ કોઈ ટૂંકો સમય નથી. મારી વાત ગળે ન ઊતરતી હોય તો લૅમિંગ્ટન રોડ પર આવેલા નાઝ કમ્પાઉન્ડમાં સંઘની ઑફિસ છે ત્યાં આંટો મારી આવો. ત્યાં જે સંઘસાહિત્ય મળે છે એમાં તમને હિન્દુ રાષ્ટ્ર વિશેનાં કાલીઘેલી ભાષામાં લખાયેલાં ચોપાનિયાં મળશે, પરંતુ હિન્દુ રાષ્ટ્રની થીસિસ કહી શકાય એવું એક પણ પુસ્તક નહીં મળે. સંઘના ખુલ્લા અધિવેશનમાં માન્ય રખાયેલી થીસિસ તો બહુ દૂરની વાત છે. આજ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એના ખુલ્લા અધિવેશનમાં હિન્દુ રાષ્ટ્રની કલ્પના વિશે મુક્ત ચર્ચા કરી હોય અને એની રૂપરેખા વિકસાવી હોય એવું બન્યું નથી, કારણ કે ૯૦ વર્ષ દરમ્યાન એક પણ વાર સંઘનું ખુલ્લું અધિવેશન મળ્યું નથી જેમાં સ્વયંસેવકને પોતાની વાત કરવાની તક મળે. સંઘના સ્વયંસેવકો દશેરાના દિવસે ભેગા મળે છે, ડ્રિલ કરે છે, સંઘ-પ્રતિનિધિનું ભાષણ સાંભળે છે અને ગુરુદક્ષિણા ચૂકવીને ઘરે આવે છે.
આ બુદ્ધિદરિદ્રતાનું પરિણામ આપણી સામે છે. તાજેતરના મહિનાઓમાં કેન્દ્ર સરકારે શિક્ષણસંસ્થાઓમાં જે લોકોની નિમણૂકો કરી છે એના પર એક નજર કરી લો. જેણે જીવનમાં અભિનયમાં કોઈ સિદ્ધિ મેળવી નથી એ ગજેન્દ્ર સિંહ ચૌહાણને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જે માણસે જીવનમાં એક અભ્યાસપેપર (પુસ્તક નહીં, પેપર) લખ્યો નથી એ વાય. એસ. રાવ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચના અધ્યક્ષ છે. ખાતરી કરવી હોય તો કાઉન્સિલની ઑફિશ્યલ વેબસાઇટ પર અધ્યક્ષ મહાશયનો બાયોડેટા જોઈ જાઓ. કોઈ ચોપાનિયામાં ચાર લાઇન લખી હોવાનો પણ એમાં દાવો કરવામાં આવ્યો નથી. ચૌહાણ અને રાવ કરતાં વધુ તેજસ્વી અને બુદ્ધિશાળી માણસો સંઘ પાસે નથી. મુંબઈ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની એકમાત્ર લાયકાત સંઘના ડૉક્યુમેન્ટેશન સેન્ટરમાં કામ કર્યું હોવાની છે. આવી જ સ્થિતિ ગુજરાતની યુનિવર્સિટીઓની છે. આ દરિદ્રતાનું કારણ વિચારની ઉપાસનાનો અભાવ છે.
આજે હવે સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સંઘની સરકાર રચાઈ છે. નેવું વર્ષે અનુકૂળતા બની છે, પરંતુ આ અનુકૂળતા જેટલી ધારવામાં આવે છે એટલી અનુકૂળ નથી.
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-06092015-14
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કૉલમ, ‘સન્નડે સરતાજ‘ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2015