આધુનિક મૂડીવાદ : સૈદ્ધાંતિક ધારણાઓ અને વાસ્તવ
——————————————————————————
અર્થશાસ્ત્ર મૂડીવાદ અને બજાર બાબતે કેટલીક ધારણાઓ ધરાવે છે. આ ધારણાઓ પરસ્પર ગુંથાયેલી છે અને તેથી એક ‘મોડલ’નું સ્વરૂપ ધારણ કરે છે. ટૂંકમાં આ મોડલ આ પ્રમાણે છે :
તમામ વ્યક્તિ સ્વાર્થ પ્રેરિત હોય છે. આથી કોઈ કોઈને છેતરી શકતું નથી. ગ્રાહક વધુ ભાવ આપશે નહીં અને વેચનાર ખોટ ખાશે નહીં. વેચનાર અસામાન્ય નફો મેળવવાનો પ્રયાસ કરશે તો ગ્રાહકો તેને છોડીને અન્ય પાસે જતા રહેશે.
આ પ્રક્રિયા બરાબર ચાલે તે વાસ્તે વેચનારા વચ્ચે હરીફાઈ હોવી જોઈએ અને વેચનારા ઓછામાં ઓછી કિંમતે વેચાણ કરી શકે એ વાસ્તે તેમણે અત્યંત કાર્યક્ષમ બની રહેવું પડશે. મૂડીને ઓછામાં ઓછું વ્યાજ, શ્રમને ઓછામાં ઓછું વેતન તથા જમીનને ઓછામાં ઓછું ભાડું આપે ત્યારે જ ઉત્પાદક પણ – ઓછામાં ઓછો -નફો રળી શકશે.
આ બંને બાબતો; બજારમાં ગ્રાહક અને વેચનારનું મિલન તથા ઉત્પાદનમાં સાધન સંયોજન ઇષ્ટતમ રહે, તે વાસ્તે લોકશાહી વ્યવસ્થા જોઈશે. સરકારે આર્થિક ક્ષેત્રે દખલબાજી કરવાની નથી. જો બધાં જ પરિબળો યોગ્ય રીતે કામ કરે તો બધાને આપોઆપ જ; જાણે કે કોઈક ‘અદૃશ્ય હાથ’ વડે, સુખ મળી રહેશે.
અર્થશાસ્ત્રે છેલ્લાં અઢીસો વર્ષથી આ રટ લગાવે રાખી છે. પણ તે પછી વોલ્ગાથી ગંગા અને મિસિસિપીથી સાબરમતીમાંથી પાર વગરનાં પાણી વહી ગયાં છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ, ગરીબી નિવારણ કે માનવ વિકાસ અને લોકશાહી જેવી તમામ રચનાઓ વાસ્તે પોતે જ સક્ષમ છે એમ કહેનારો મૂડીવાદ ખરેખર તો નાયક નહીં પણ ખલનાયક છે.
મૂડીવાદી રચનાઓના ઉપર કથિત મોડલમાં વાસ્તવિક જગતનો સહેજ જ અર્ક ઉમેરીએ તો ખબર પડશે કે ખરેખર તો આ વૈશ્વિક મૂડીવાદ માત્ર બે-ચાર દેશોને જ નહીં પણ સમગ્ર વિશ્વને તબાહ કરવાના કાવત્રાંબાજીના પેંતરા ભરી રહ્યો છે. આથી જ નવા મૂડીવાદને ‘ક્રોની કેપીટાલીઝમ’ – ‘ગઠિયો મૂડીવાદ’ કહેવામાં આવે છે. આ ગઠિયો મૂડીવાદ રાજસત્તા, ધર્મસત્તા અને ન્યાયસત્તા સાથે જાતભાતના ખેલ રચે છે. તેનો ઇરાદો માત્ર નફો મેળવવાનો હોય છે અને આ માટે તે કોઈ પણ હદે જઈ શકે છે.
આ વિચારણાને સમજવાનું પ્રારંભબિંદુ એ છે કે આ ગઠિયા મૂડીવાદમાં નફો, સંબંધો, લાગવગ, ભ્રષ્ટાચાર વગેરેનાં પરિણામે અને નહીં કે બજારના મુક્ત હોવાના કારણે નીપજે છે. પેલા સૈદ્ધાંતિક અને પુસ્તકિયા અર્થશાસ્ત્રમાં નફો ‘જોખમ ખેડવાનો’ બદલો ગણાય છે. પણ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં નફો મેળવવા માટે જોખમ ઉઠાવવાનું પરવડે તેમ હોતું નથી.
અમેરિકામાં વીસમી સદીમાં થયેલા ઉદ્યોગીકરણની તરાહનો ઉલ્લેખ પણ અહીં પ્રાસંગિક બને છે. અમેરિકન ઉદ્યોગોએ પરસ્પર હરીફાઈ કરવાને બદલે ઈજારો સ્થાપવાના અનેક પ્રકારના પેંતરા ચલાવ્યા. આ પ્રક્રિયા સામે ઝૂકી જવાને બદલે અમેરિકન સરકારે લોકહિતનું રક્ષણ કરવા સંખ્યાબંધ કાનૂનો ઘડ્યાં. આ કાયદાઓ એન્ટી ટ્રસ્ટ એક્ટ્રસ તરીકે ઓળખાયા.
આ બાબત સ્પષ્ટ થાય તે વાસ્તે વાસ્તવિક જગતની એક ‘કેસ સ્ટડી’નો સહારો લઈએ. આ કેસ સ્ટડી પોલેન્ડમાં સ્થપાયેલી દાએવુ નામની કોરિયાની મોટરકાર કંપનીનો છે. આ કંપનીએ પોલેન્ડમાં પોતાની ફેક્ટરી નાંખી અને લગભગ બે અબજ ડૉલર(લગભગ સવાસો અબજ રૂપિયા)નું રોકાણ કર્યું. જોખમના વાતાવરણમાં આવી વિશાળકાય કંપની પ્રવેશી જ ન શકે. જો અન્ય કંપનીઓ સાથે તીવ્ર હરીફાઈ થાય તો આટલું બધું મૂડીરોકાણ ધોવાઈ જાય. તેને કરજ આપનારી બૅંકો કે શૅર ખરીદનારા રોકાણકારોએ રોવાનો વારો આવે. કંપનીની શાખ ડૂબે અને ભવિષ્યમાં પણ તેને મુશ્કેલી પડે.
આ લેખના પ્રારંભે ગ્રાહકની જે ‘સ્વાર્થબુદ્ધિ’(રેશનલ બિહેવિયર)ની વાત કરી તે ઉત્પાદક કંપની કે વેચાણકાર પેઢીને પણ લાગુ પડે છે. આ દાએવુ કંપની પણ રેશનલ બિહેવિયર ધરાવે છે અને તેથી નફો કમાવા વાસ્તે જોખમ ઉઠાવવાને બદલે રાજકારણીઓ અને સત્તાધીશોને રાજી રાખવામાં તેમને સહેલો, સારો અને ભરોસાપાત્ર માર્ગ મળી આવે છે.
આથી આ દાએવુ કંપનીએ જાતજાતના કીમિયા અજમાવ્યા. આપણે ત્યાં પણ એક શબ્દપ્રયોગ ઘણો ફેશનેબલ છે, અને તે છે ‘લાએઝાં’. આને સહેજ બદલીને પી.આર. (પ્યાર ?) કહેવાય છે. લગભગ દરેક મોટા કોર્પોરેટ હાઉસમાં આ પી.આર. અને લાઍઝાં ચાલતા હોય છે. (રાજદ્વારી ક્ષેત્રમાં લાએઝાં વધુ પ્રચલિત છે) આપણે ત્યાં તાતા નેનોના પ્રારંભકાળમાં એક નામ-નીરા રાડીઅા-ખાસ્સું જાણીતું બનેલું.)
દાએવુ કંપનીના આવા લાએઝાં વિભાગના માણસો સરકારી તંત્ર સાથે ખાસ્સો ઘરોબો ધરાવતા હતા. આ માટે કંપની પોલેન્ડના અધિકારીઓ તથા રાજકારણીઓ સાથે એટલી નિકટ સરકી આવી હતી કે સરકારી નિર્ણયો ઉપર પણ તેમનો પ્રભાવ હતો. દા.ત. મોટરકારમાં વપરાતી સામગ્રી પૈકી એકેયની ઉપર જો બજેટ દ્વારા કરબોજ વધારાય તો કંપનીની નફાકારકતા ઉપર અસર પડે. આથી લાએઝાં, દ્વારા સરકારી બજેટ જાતિ ઉપર માફકસરનો પ્રભાવ પડતો રહેતો.
વળી, આ કંપનીએ પૉલેન્ડને ‘હબ’ બનાવી યુરોપના અન્ય દેશોમાં પણ પોતાનો નિકાસ વેપાર વધારવાનો હતો. સવાસો અબજ રૂપિયા ખર્ચીને જે જથ્થાબંધ ઉત્પાદન થાય તે વેચાઈ તો જવું જોઈએ ને ! આથી આ કંપની સરકારના નીતિનિયમોમાં થતા ફેરફારોની કોઈ અવળી અસર પોતાની ઉપર ન પડે તે વાસ્તે સાવધ હતી.
ઉત્પાદનનો પ્લાન્ટ નાંખવો (જમીન સંપાદન !) ઉપરાંત પાણી, વીજળી, રસ્તા વગેરે જેવી આંતર માળખાકીય સુવિધા તો રાજ્ય પેલા મેળાપીપણાના કારણે ગોઠવી આપે. આ પ્રકારના સંબંધોને કારણે ઉત્પાદન ખર્ચ નીચું રહે. ઉપરાંત, સરકારી નીતિઓને કારણે ઉદ્દભવવાપાત્ર જોખમોની સામે આ કંપનીને રક્ષણ પણ મળે. જો કંપની, સરકાર અને તેના તંત્રની વધુ નજીક હોય તો અન્ય કંપનીઓનો પ્રવેશને પણ તે અવરોધી શકે. જરૂર પડે ત્યારે હરીફ કંપનીઓને નુકસાન થાય તેવી નીતિઓ ઘડવાનું સરકારને ‘સમજાવી’ શકાય.
આ બધું કરવા છતાં બીજા બે પાસાં એવાં છે કે જેને વિશે કંપનીએ અલગ પ્રકારના પ્રયાસો કરવાના રહે છે. પહેલું તો એ કે નૂતન ટેક્નોલૉજીમાં શ્રમનો ઉપયોગ ગમે તેટલો ઘટે પણ તેને સાવ બંધ કરી શકાતો નથી. વળી પૉલેન્ડ તો અગાઉનો સામ્યવાદી દેશ હતો. આથી ત્યાં મજૂર મંડળોનું ‘જોર’ હોય તે સ્વાભાવિક જ ગણાય. આપણે ત્યાં પણ પાનેસરમાં કામદાર મંડળોની માંગણીઓથી ભાગી છૂટીને મારુતિ-સુઝુકીએ પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં બહેચરાજી નજીક ખસેડ્યો છે. આ બાબતે આપણા દેશબંધુઓ એવા કામદારોના હિતને લક્ષમાં લઈને તેની તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે સરકાર જુદી જ વાત કરે છે. આ બાબતને રાજ્યના ‘ગૌરવ’માં ખપાવી દેવાય છે; આપણે કોઈ મહાન સિદ્ધિ હાંસલ કરી છે અને આપણા ધનભાગ્ય કે મારુતિ જેવા મહેમાન આપણા જેવાના આંગણે પધાર્યા; હવે આપણે વિકાસની હરણફાળ ભરી છે અને હવે રાજ્ય ઓટો હબ બન્યું છે તેવી વાતોને આગળ કરવામાં આવે છે. આમાં મલ્ટીનેશનલ કોર્પોરેશનની ગઠિયાગીરી છે તે આપણી નજરે પણ ચઢતું નથી.
પણ દાએવુ કંપનીએ આ મુશ્કેલીનો એક આગવો રસ્તો શોધી કાઢ્યો છે. કંપની પોતાના કર્મચારીઓની ગતિવિધિ, પ્રભાવકતા વગેરેનો ખ્યાલ રાખે છે. ખાસ પ્રકારના કર્મચારીઓને પસંદ કરીને કોરીઅામાં ‘વધુ તાલીમ અર્થે’ મોકલીને ખુશ રખાય છે. કામદારોને પૂરતા વેતન આપવા કે તેમનો ગુસ્સો વહોરી લેવો તેના કરતાં આ ચાલાકી સસ્તી અને વધુ કારગત નીવડે છે.
પોતાના સંપૂર્ણ કાબૂમાં ન હોય તેવો બીજો મુદ્દો ગ્રાહકો દ્વારા થતી માંગનો છે. કંપની એક ઉત્પાદક તરીકે પોતાની પ્રોડક્ટ રજૂ કરે અને ઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમોને મેનેજ કરી લે તે સમગ્ર વ્યવહારનું એક પાસું થયું. સામે છેડે, બીજું પાસું ગ્રાહકોના હાથમાં રહે છે. યાદ રાખવાનું છે કે એક અતિ વિશાળ કંપની દર વર્ષે પુષ્કળ ઉત્પાદન કરે તો જ ટકી શકે તેમ હોય છે. આથી તેનું માર્કેટિંગ પણ જબરદસ્ત રહેવું જોઈએ.
આપણે ત્યાં જેમ થાય છે તેમ પોલેન્ડમાં પણ કાર લોન, સરળ હપતા વગેરેના પેંતરા તો રચાય જ છે. પણ આ કંપની તો તેથી પણ સવિશેષ સક્રિય છે.
પોલૅન્ડમાં ખ્રિસ્તી ધર્મ પળાય છે. આથી ત્યાં દેવળોમાં લગ્ન થાય છે. આ લગ્ન વાસ્તે વર-વધૂ પોતપોતાના નિવાસસ્થાનેથી નીકળીને ચર્ચ સુધી કોઈ પગપાળા જવાના નથી. તેમને મોટરગાડીઓ તો જોઈશે જ ને ! કંપનીના ડીલરો પોતપોતાના વિસ્તારોમાં થનારા લગ્નોની માહિતી મેળવી વર-વધૂનો સંપર્ક કરી તેમને ગાડીની સગવડ ઓફર કરે છે. આ માટે પહેલાં તેમને પોતાના શો-રૂમમાં બોલાવી ગાડીઓની ખૂબીઓ અને વિશેષતાઓ સમજાવે છે. આમ કરીને નવાં પરણેલાંના મગજમાં એટલાં સ્વપ્નાં ભરી દેવાય છે કે તે પૈકી ઘણાં, નવા લગ્નના નશામાં, ગાડી ખરીદી જ લે છે. તેમાં પેલા કાર લોનવાળા પણ એટલા જ ઉત્કટ રીતે ભળેલા હોય છે તે ઉમેરવાની જરૂર પણ નથી.
હવે આપણી વાત :
આ કિસ્સો બતાવે છે કે વિશાળ કોર્પોરેટ હસ્તીઓ ઉત્પાદન કે વેચાણ અંગેના નિર્ણયો કરે ત્યારે શિષ્ટ અર્થશાસ્ત્રીની પોથી ખોલીને બેસતા હોતા નથી. ઉત્પાદન શરૂ કરવામાં કે તે પછી સરકારી નીતિઓ, અન્ય ઉત્પાદકોની હરીફાઈ, મજૂરોનાં આંદોલનો કે ગ્રાહકોની પસંદ કે નાપસંદ જેવા કાબૂ બહારના બનાવો તેમને નડે તેમ હોતા નથી.
આપણા વડા પ્રધાન વિદેશોમાં ‘મેક ઈન ઇન્ડિયા’ વિશે પ્રચાર કરે છે પરંતુ વિદેશી રોકાણકારો જોખમો ઉઠાવીને રોકાણ કરવા તૈયાર ન જ થાય. આથી ક્રોની કેપિટાલિઝમ, મેળાપીપણાવાળો – ગઠિયાગીરીનો મૂડીવાદ અનિવાર્ય બને છે.
વિકાસના નવા મોડલની તથા ગઠિયાગીરીવાળા મૂડીવાદની ચાવી આ બાબતમાં છુપાયેલી છે :
• સરકાર જો મફતના ભાવે જમીન ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?
• સરકાર જો મફતના ભાવે પાણી ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?
• સરકાર જો તેમને માટેના કરવેરા નીચા (કે શૂન્ય ?) ન રાખે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?
જંગલ, શ્રમ, વ્યાજના દર વગેરે અનેક મુદ્દાઓની બાબતે પણ આ જ પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. જો આટલી બાબતોની તાર્કિકતા સમજી લઈએ તો સાથોસાથ એ પણ સ્પષ્ટ થશે કે :
સામંતશાહીના જમાનાના દરબારો ભરવાથી મૂડીરોકાણ સંભવી ન શકે.
ઠાઠમાઠ કે દબદબા ઊભા કરવાથી અબજો રૂપિયા લઈને કોઈ દોડી ન આવે.
આ અર્થમાં (ક્યારેક ભારતમાં પણ રહેતા !) આપણા વડાપ્રધાનશ્રીના વિદેશ પ્રવાસોના કારણે કશું વિશેષ નીપજી ન શકે.
છતાં, જો વિદેશ પ્રવાસ દરમિયામ, કોર્પોરેટ હાઉસિઝને જોખમ સામે રક્ષણ પૂરું પડાય અને કુદરતી સંસાધનો તેમ જ માનવશ્રમ સસ્તા ભાવે પૂરો પાડવાની, પ્રત્યક્ષ કે પરોક્ષ આશા / ખાતરી અપાય તો આ મૂડીરોરાણ આવી શકે. અલબત્ત, આવી ખાતરી અન્ય દેશોની સગવડો કરતાં વિશિષ્ટ હોવી ઘટે.
આ સમગ્ર તર્કનો એક નવો ફાંટો પણ ફૂટવા માંડ્યો છે અને તે છે જાસૂસીનો. કોર્પોરેટ જગત એકબીજા ઉપર તેમ જ સરકારી તંત્ર અને વજનદાર વ્યક્તિઓની જાસૂસી કરે છે. તેના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જુલિયન અસાંજેનું ‘વિકીલિક્સ’, એડવર્ડ સ્નૉડનનો પર્દાફાસ તથા અનેક પ્રકારના સ્ટિંગ ઓપરેશનો આનાં ઉદાહરણો છે. એડવર્ડ સ્નોડને જે પર્દાફાસ કર્યો તેનાથી અમેરિકન સરકારનો પણ ગઠિયાગીરીનો ચહેરો ખુલ્લો થયો. અમેરિકન સરકાર, જર્મનીના ચાન્સેલરના મોબાઇલ ફોનની વાતચીત ઉપર જાસૂસી કરતી હતી. તથ્ય એવું બહાર આવ્યું કે અમેરિકન સરકારે, જર્મની દ્વારા થનારા વિદેશી મૂડીરોકાણની માહિતી મેળવી પોતાના ઉદ્યોગપતિઓ માટે જે તે દેશમાં મૂડીરોકાણની તકો ખોલી આપી હતી. જર્મન ઉદ્યોગપતિના સોદાની વિગતો જાણી અમેરિકન ઉદ્યોપગતિને અપાય તો પેલાને સોદા કરવામાં અનુકૂળતા ઊભી થાય. એડવર્ડ સ્નોડનના આ પર્દાફાસમાં દક્ષિણ અમેરિકાના એક દેશના પ્રમુખ એવા એક બહેનના પણ મોબાઈલ ફોનની જાસૂસી અમેરિકા કરતું એવું બહાર આવ્યું. તે અરસામાં તે બહેન અમેરિકા રાષ્ટ્રપતિ સાથે ડીનર લેવાના હતાં. આ પ્રોગ્રામ તે બહેને તાત્કાલિક રદ કર્યો.
આધુનિક મૂડીવાદ, લોકશાહી, હરીફાઈ, કાર્યક્ષમતા, બજાર, ગ્રાહક વગેરે અંગે અલગ પ્રકારનાં સમીકરણો ધરાવે છે. આથી, આર્થિક વૃદ્ધિ થવાથી વિકાસ થશે કે અદૃશ્ય હાથ બધું બરાબર કરી દેશે તેવી ભ્રમણામાંથી સવેળા બહાર આવવું રહ્યું.
લેખમાં ઉલ્લેખિત કેસસ્ટડીની વિગત : “The Socio-Political Behaviour of Multi-National Corporations in the Context of Business Networks – The case study of the Korean MNC in a European country”. Amjad Hadjikhani Pervez Ghauri and Joongwoo Lee. Department of Business Studies, Upsala University, School of Business Administration, Manchester University and Inje University, Korea.
‘નયા માર્ગ’, ૧૬-૬-૨૦૧૫