ગ્રીસની બેહાલી : આર્થિક-રાજકીય સંમિશ્રણોનું દુઃસ્વપ્ન
——————————————————————————
પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, સિકંદર વગેરે જેવાં કેટકેટલાં ભવ્ય નામો, વિચારો અને કર્મો ગ્રીસ સાથે સંકળાયેલા છે! ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષના કાળથી એથેન્સ, જગતના પ્રવાહોને ઓળખી અને નાણી રહ્યું છે. આ દેશના પાટનગર એથેન્સમાં ઈ.સ. પૂર્વે પાંચમા સૈકાનાં સ્થાપત્યો આજે પણ ઊભાં છે. ભારતની જેમ ગ્રીસમાં પણ અનેક દેવી-દેવતાને પૂજવામાં આવતા અને તેમનાં ચમત્કારોથી ભરપૂર અનેક કહાનીઓ છે. પરંતુ આ ગ્રીસ અકલ્પ્ય એવી આર્થિક તાણમાંથી ગુજરી રહ્યું છે. જ્યાં આર્થિક તાણ હોય ત્યાં રાજકીય અને સામાજિક પ્રતિભાવો જન્મે એ સાવ સ્વાભાવિક જ ગણાય.
૧૯૭૪માં ગ્રીસ લશ્કરી શાસનમાંથી મુક્ત બન્યું તે પછી તેનો આર્થિક વૃદ્ધિનો દર સારો એવો ઊંચો રહ્યો. ૧૯૯૯માં તે યુરોપિય સંઘનું સભ્ય બન્યું. તે પછી લગભગ એક દાયકા સુધી તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો. છેક ૨૦૦૯ સુધી તે લગભગ ૪.૨ ટકાના દરે વધતું રહ્યું. યુરોઝોનના અન્ય સાથી દેશોની વૃદ્ધિ આટલી ઊંચી ન હતી.
આવા ગ્રીસમાં આજે અકલ્પ્ય હાલાકી પ્રવર્તે છે. તેના યુવાધનના લગભગ ૬૦ ટકા લોકો બેકાર છે. એથેન્સ જેવા ભવ્ય અને પૌરાણિક શહેરમાં દર અગિયારે એક વ્યક્તિ સદાવ્રત ઉપર નભે છે. બે લાખ લોકોના માથે છાપરું નથી. ૨૦૦૯થી ૨૦૧૫ સુધીમાં એઈડ્ઝના દરદીઓની સંખ્યામાં બસો ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડી છે. ગ્રીસ જેવા યુરોપના એક વિકસિત દેશની આવી હાલત કેમ થઈ ? ૨૦૦૯ સુધી ઝડપથી વધતું અર્થતંત્ર આટલું બધું અને આટલી ઝડપથી કેમ કથળી ગયું તે પ્રશ્ન વિચારવાનો થાય છે.
છેક ૧૯૮૯માં મિલ્ટન ફ્રીડમેન અને પોલ ક્રુગમાન જેવા અર્થશાસ્ત્રીઓએ યુરોઝોનની રચના સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિવિધતા ધરાવતા યુરોપીય દેશોને યુરો જેવા એક જ ચલણમાં, સાંકળવાની નીતિ ભૂલભરેલી છે. મિલ્ટન ફ્રિડમેન તો તેમની શિકાગો સ્કૂલ દ્વારા નવ્ય મૂડીવાદના મુખ્ય મઠાધીશ તરીકે જાણીતા હતા. આમ છતાં, યુરોપમાં ઉભરેલા નવ્ય મૂડીવાદમાં પણ એક જ ચલણના વિચારનો તેમણે વિરોધ કર્યો હતો.
તાજેતરનાં કેટલાક બનાવો અંગે ઉપર ટપકે વિચાર કરવા જઈએ તો ગ્રીસની આ કમનસીબી નવ્યમૂડીવાદ – ખાસ કરીને વૈશ્વિકીકરણ સંદર્ભમાં એક જ ચલણ લાગુ કરવાના સંમિશ્રણનો એક બનાવ જણાય છે. આ બનાવને કારણે મૂડીવાદની ભવ્યતા ઝાંખી પડતી નથી એમ દલીલ થઈ શકે. પરંતુ આ તાત્ત્વિક ચર્ચા ઉપર આવતા પહેલા ગ્રીસમાં કટોકટી ઊભી કરનારા કેટલાક બનાવો ભણી નજર નાંખીએ :
ગોલ્ડનમેન સાખ્સ અમેરિકાના નાણાં વર્તુળોનું એક પ્રચંડ નામ છે. ૨૦૦૮ની અમેરિકન મંદીમાં આ કંપની તો ડૂબી જ પણ તેણે અન્ય અનેકને ડૂબાડ્યા પણ ખરા. પણ ગ્રીસ અને યુરોપના અન્ય કેટલાક દેશો જેવા કે સ્પેન, ઈટાલી, લેટીવિયા વગેરેમાં આ નામ એક જુદા જ કારણસર કુખ્યાત બન્યું છે. ગ્રીસને તેણે ખોટા હિસાબો કેવી રીતે રજૂ કરાય તે શીખવ્યું. (અન્ય કેટલા દેશોને આવું શીખવ્યું છે તે હજુ બહાર આવ્યું નથી.) આવા ખોટા હિસાબોને કારણે નાણાવર્તુળોમાં શરૂઆતમાં ગ્રીસની શાખ જળવાયેલી રહી. આ શાખને કારણે તે ઓછા વ્યાજે ધિરાણ પણ મેળવતું રહ્યું. યુરોપના અન્ય દેશોની તુલનાએ ગ્રીસમાં વ્યાજ વધારે હોવાથી યુરોપની અનેક નાણાં સંસ્થાઓએ ગ્રીસમાં પૈસા રોક્યા.
બીજી તરફ ગ્રીસમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક છે, જેને કારણે સરકારને કરવેરા દ્વારા જે આવક થવી જોઈતી હતી તે થતી નથી. ગ્રીસના ધનવાનોના સ્વીસ બૅંકોના ખાતાઓમાં કદાચ ૮૦ અબજ યુરો કે તેથી વધુ રકમ ધરબાયેલી પડી છે. (જો આ રકમ પાછી આવે તો દરેકના ખાતામાં પંદર લાખ યુરો જમા થાય કે નહીં તેની કોઈ ચર્ચા ત્યાં, ચૂંટણીઓમાં પણ થતી નથી. ગ્રીસની ‘બ્લેક ઇકોનામી’ – કાળાંનાણાંનું સમાંતર અર્થકારણ તેની જી.ડી.પી.ના ૨૪.૩ ટકા હોવાનો અંદાજ છે.) સરકારને કરવેરા દ્વારા પૂરતી આવક થતી ન હોવાથી બજેટમાં ખાધ રહે છે. આ ખાધનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. ૧૯૯૯માં ગ્રીસની બજેટ ખાધ તેની જી.ડી.પી.ના પાંચ ટકા હતી તે ૨૦૦૮-૦૯માં વધીને પંદર ટકા થઈ.
ત્રીજી બાબત એ બની કે યુરો જર્મની કે ફ્રાંસ જેવા દેશો માટે કદાચ ઉચિત આંતરરાષ્ટ્રીય મૂલ્ય ધરાવનારું ચલણ હશે પણ ગ્રીસ માટે તે અધિમૂલ્યિત છે. અર્થશાસ્ત્રના નિયમાનુસાર જ્યારે ચલણનું અવમૂલ્યન થાય ત્યારે નિકાસો વધતી હોય છે અને આયાતો ઘટતી હોય છે. ચીન જાણી જોઈને પોતાના ચલણનું મૂલ્ય નીચું રાખે છે જેથી તે વિદેશોમાં સસ્તા ભાવે વધુ નિકાસ કરી શકે. પણ ગ્રીસ માટે યુરો અધિમૂલ્યિત હોવાથી તેની નિકાસો ઓછી અને આયાતો વધુ રહેતી. આ વેપાર ખાધને પહોંચી વળવા વાસ્તે પણ ગ્રીસે દેવું કરવું પડ્યું. વિદેશી બૅંકોએ શરૂમાં આ નાણાં ધીર્યા.
ચોથું, ૨૦૦૭-૦૯ દરમિયાન અમેરિકામાં અને તેને પગલે યુરોપમાં પણ મંદી પ્રસરી. આ સંજોગોમાં ગ્રીસની નિકાસો વધે નહીં અને વેપારના ચાલુ ખાતાની ખાધ વધે તેવી સ્થિતિ સર્જાઈ. જો ગ્રીસ યુરો ચલણ સાથે સંકળાયેલું ન હોત તો તેની પાસે પોતાના ચલણના અવમૂલ્યનનો રસ્તો હતો. ગ્રીસે અવમૂલ્યન કર્યું હોય તો તેની નિકાસો વધી હોત અને એટલા પ્રમાણમાં દેવું ઘટ્યું હોત.
૨૦૦૯માં ગ્રીસના હિસાબોના ગોટાળા બહાર પડ્યા તેની સાથે જ તેની શાખ ઘટી ગઈ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ગ્રીસના બોન્ડના રેટીંગનું ‘જન્ક’ – કચરો નામ પાડ્યું. આની સાથે જ લોકો બોન્ડ વેચવા દોડ્યા. ૨૦૦૭માં બોન્ડ ઉપરનું વ્યાજ ૪.૫૩ ટકા હતું તે ૨૦૦૯ સુધીમાં ૧.૭૮ ટકા થયું હતું. પરંતુ તે પછી શાખ ગુમાવવાને કારણે જાન્યુઆરી ૨૦૧૨માં ૧૨૯.૯૭ ટકા અને જુલાઈ, ૨૦૧૨માં ૧૭૭.૩૭ ટકાએ પહોંચ્યું. બોન્ડની કિંમત જેમ ઘટે તેમ વ્યાજનો દર વધારે થતો જાય છે. બોન્ડ એક કાગળ છે. દા.ત. ભારતમાં સો રૂપિયાનો બોન્ડ વર્ષે છ રૂપિયા વ્યાજ આપે તો તે છ ટકા વ્યાજ થયું. હવે જો આ જ કાગળિયું રૂ. ૧૦૦ને બદલે માત્ર રૂ. ૧૦માં મળતું થાય તો હવે દસ રૂપિયા ઉપર છ રૂપિયા એટલે કે સાઠ ટકા વ્યાજ બેસશે.
યુરોઝોનના આર્થિક ક્ષેમકુશળની ચિંતા કરનારી ત્રણ ત્રણ સંસ્થાઓ છે. તે છે યુરોપિયન સહિયારી બૅંક (ઈ.સી.બી.), યુરોપિયન કમિશન (ઈ.સી.) અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈ.એમ.એફ.). આ ત્રણે – ટ્રોઈકા કે ત્રેખડ – ગ્રીસની વહારે દોડી આવ્યા. તેમણે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યા. મે, ૨૦૧૦માં આ ત્રેખડે ૧૧૦ અબજ યુરોની લોન આપી. જો કે આ માટેનો વ્યાજનો દર, યુરોપના પ્રવર્તમાન દરોના પ્રમાણમાં ઘણો ઊંચો-સાડા પાંચ ટકા-રખાયો. આ ધિરાણની સાથે આ ત્રેખડે શરત મૂકી કે ગ્રીસે હવે કસર કરવી. આ કસરનો અર્થ પેન્શનમાં કાપ, વેતનમાં કાપ, સરકારી ખર્ચામાં કાપ ઉપરાંત જાહેર સંપત્તિનું ખાનગીકરણ કરવું એવો થતો હતો. આ તમામ પગલાં લોકવિરોધ હતા અને તેની સામે સમગ્ર દેશમાં વ્યાપક અને સજ્જડ હડતાળો પડી.
આ કરકસરના સખત પગલાંને લીધે વેતનોમાં ૨૦ ટકા સુધીનો કાપ આવ્યો. બજેટ ખાધ, જે ૨૦૦૯માં જી.ડી.પી.ના ૧૧ ટકાએ પહોંચી હતી તે ૨૦૧૧માં ઘટીને માત્ર ૨.૪ ટકાએ આવી ગઈ. પણ આટલી ઝડપથી આટલાં કડક પગલાં ભરાયાં તેથી મંદી ફરી વળી. ૨૦૧૧માં જી.ડી.પી. ૭.૧ ટકા ઘટી ગઈ. બે લાખ કારખાના બંધ થઈ ગયા. ૨૦૦૫ની તુલનાએ ઔદ્યોગિક ઉત્પાદન ૨૮.૪ ટકા ઘટી ગયું. ૧,૧૧,૦૦૦ કંપનીઓ નાદાર થઈ ગઈ. જે ૨૦૧૦ની તુલનાએ ૨૭ ટકા વધુ હતી.
આ મંદીમાં બેકારી પણ વધે જ. ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.૫ ટકા હતો; તે મે, ૨૦૧૨માં ૨૩.૧ ટકા થયો. યુવા બેકારીનો દર ૫૪.૯ ટકા થયો. ૨૦૧૫માં એકંદર બેકારીનો દર ૨૫ ટકાથી વધુ છે. અમેરિકામાં ૧૯૨૯માં શરૂ થયેલી વિશ્વમંદી વખતે પણ આવી જ બેકારી હતી. આજે એથેન્સ જેવાં શહેરોમાં ૨૦ ટકા દુકાનો ખાલી છે. બૅંકો બંધ છે અને એ.ટી.એમ.માંથી પણ માત્ર પેન્શનધારકોને દૈનિક ૬૦ યુરો જેટલી જ રકમ ઉપાડવાની છૂટ છે.
આ સ્થિતિમાં લોકજુવાળ ફાટી ન નીકળે તો જ નવાઈ કહેવાય. પરિણામે ૨૦૧૪ની આખરે ફરીથી ચૂંટણીઓ થઈ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ત્યાં સીરીઝા નામનો સામ્યવાદી પક્ષ સારી એવી બેઠકો મેળવી ગયો. તેના નેજા હેઠળની સંવિદ સરકાર હાલ ત્યાં સત્તા ઉપર છે.
આ ગાળા દરમિયાન પેલા ત્રેખડે ગ્રીસને બીજી ત્રણ વાર મોટી મોટી રકમોની લોનો આપી. આનું પરિણામ એ આવ્યું કે ગ્રીસની કથળતી હાલત જોઈ ચૂકેલી યુરોપિયન બૅંકોએ પોતાનાં ધિરાણો પાછાં મેળવી લીધાં. આમ ત્રેખડની લોન જાણે કે આ બૅંકો તથા અન્ય માલેતુજારોને બચાવી લેવા વાસ્તે અપાઈ હોય તેવું બન્યું. ત્યાંના સામાન્ય માણસના ભાગે તો બેકારી, વેતનકાપ, ભૂખમરો અને એઈડ્ઝ જ આવ્યા. બે લાખ લોકો ઘરવિહોણાં બન્યા અને માત્ર એથેન્સ શહેરમાં જ દસ ટકા વસતી અન્નક્ષેત્રો ઉપર ગુજારો કરનારી બની. આર્થિક નીતિની અસરો કોઈક યુદ્ધ કરતાં ઓછી ભયાનક નથી. આ પગલાંને લીધે ગ્રીસની જી.ડી.પી. ૨૫ ટકા ઘટી ગઈ છે.
૨૫મી જૂને જે હપતો પાકતો હતો તે ગ્રીસ ભરી શક્યું નહીં. પણ સામે તેણે એક રાજકીય પગલું ભર્યું. તેણે લોકો સમક્ષ આ મુદ્દો એક જનમત – રેફરન્ડમ – તરીકે રજૂ કર્યો. ગ્રીસની ૨૦૧૪ની આખરની ચૂંટણી પછી વડા પ્રધાન બનેલા સામ્યવાદી પક્ષના સિપ્રાઝ કહે છે કે યુરોપીય સંઘ અમને વારેવારે હલકા પાડે છે અને બ્લેકમેલ કરે છે. તે અમને વારેવારે ‘હજુ કસર કરો – હજુ કસર કરો’ એમ કહ્યા કરે છે. અમે જાણે કે યુરોપનું કોઈ ગુલામ રાજ્ય હોઈએ તેવો વર્તાવ કરે છે. આ યુરોપિય સંઘ કહે છે, હજુ વધુ કસર કરો તો વધુ ધિરાણ આપીએ. જનમત સંગ્રહમાં ૬૧ ટકા લોકોએ યુરોપિયન સંઘની આ માંગણીઓ વિરુદ્ધ મત આપ્યો. આટલા મોટા પ્રમાણમાં જનમત વિરુદ્ધમાં જશે તેવું યુરોપે ધાર્યું ન હતું.
સવાલ એ છે કે હવે શું ? ૩૦મી જૂન ૨૦૧૫ સુધીમાં ગ્રીસનું દેવું ૩૨૩ અબજ યુરોએ પહોંચ્યું છે. ૨૦૦૮માં દેવા : જી.ડી.પી. ગુણોત્તર ૧૦૯ હતો તે ૨૦૧૦માં ૧૪૬ થયો છે. અત્યાર સુધી લીધેલા ધિરાણના વ્યાજ સહિતના હપતા પણ નજીકના ભવિષ્યમાં ભરતા જવાનું છે.
સમસ્યા એ પણ છે કે ગ્રીસના ભારે જનમતે વધુ કરકસરને જાકારો તો આપ્યો પણ હવે બધો વ્યવહાર ચાલશે કઈ રીતે? ભારત સહિતના અનેક દેશો નવું દેવું કરીને જૂનું ચૂકવતા હોય છે. પણ ગ્રીસ માટે આ માર્ગ હવે બંધ થાય છે. હપતા ભરી ન શકવાને કારણે તે નાદાર પણ જાહેર થશે. સંભવ છે કે તેને યુરોપીય સંઘમાંથી હાંકી પણ કઢાય. આમે ય તે નવ્ય મૂડીવાદના ગઢ સમાન યુરોપમાં ઉગ્ર ડાબેરી એવા સીરીઝા પક્ષનો ઉદય વેઠાતો નથી. આમ છતાં ગ્રીસે ત્રેખડની શરતો સ્વીકારી હજુ વધુ કરકસર કરવાનું કબુલ્યું છે. સિપ્રાઝને પોતાના સામ્યવાદી સાંસદોનો પણ પૂરતો ટેકો ન મળતા વિપક્ષોનો ટેકો મેળવ્યો. ગ્રીસને લગભગ ૯૮ અબજ ડોલરની સહાય ત્રણ હપ્તામાં આપવાનું નક્કી થયું. આ રકમનો પ્રથમ હપ્તો ૧૩ બિલિયન યુરોનો આપવામાં આવ્યો છે. તેમાંથી ૩.૨ અબજ યુરો તો ઈ.સી.બી.એ દેવા પેટે મેળવી લીધા છે. બાકીની રકમો પણ લેણદારો લઈ જશે અને નવા રોકાણ વાસ્તે કશું જ બચશે નહીં!
સિપ્રોઝે નવેસરથી ચૂંટણીની માગ કરી છે. એક મૂડીવાદી રચનાએ દેશના આમ આદમીનું જીવન તોફાનોથી ભરી દીધું છે.
• ગ્રીસની આ ટ્રેજડીમાંથી જગત માટે કોઈ બોધપાઠ ખરા ?
• ગ્રીસના જ્યારે ‘અચ્છે દિન’ હતા ત્યારે આ જ ફ્રાંસે તેને લલચાવીને શસ્ત્રો વેચ્યાં. (ભારતના વડાપ્રધાનશ્રીએ પણ તાજેતરના ફ્રાંસ પ્રવાસ દરમિયાન લડાકુ વિમાનોની ફોજ ખરીદીને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.) જર્મનીએ બિનજરૂરી સબમરિનો પધરાવી ગ્રીસ પાસેથી નાણાં ખંખેરી લીધા.
• નવ્ય મૂડીવાદને દેશોની અંદરના ‘નાના’ ભ્રષ્ટાચાર નહીં પણ ગોલ્ડમેન શાખ્સ જેવા દેશાંતરી ભ્રષ્ટાચારો ચાલે તેની ખબર રહેતી નથી.
• ગ્રીસને જો પોતાનું અલગ ચલણ મળે તો તે અવમૂલ્યન કરીને નિકાસો વધારવા પ્રયાસ કરશે.
• ગ્રીસની યુરોપીય સંઘમાંથી હાંકી કઢાયા બાદ અન્ય નબળાં અને દેવાદાર દેશો, જેવા કે ઇટલી, આયર્લૅન્ડ, પોર્તુગાલ, લેતવિયા વગેરે પણ ભાગ્યે જ ટકી શકે.
• ગ્રીસ આખરે અસ્થિર બનશે અને તેનું ભાવિ ધૂંધળું છે તેવો મત ઈકોનોમિસ્ટે વ્યક્ત કર્યો છે.
ભારતે આ ટ્રેજડીમાંથી ઘણું શીખવાનું છે. ફ્રાંસ, જર્મની વગેરે દેશો શસ્ત્ર સરંજામ, વિમાનો વગેરેની નિકાસ કરીને આપણા જેવા ગરીબ દેશોમાંથી અબજો ડૉલર પડાવી જવા આતુર છે. ફ્રાંસ પાસેથી લેવાયેલા વિમાનો તેનું તાજું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતના એન્જિનિયરિંગ સામાન અને સોફ્ટવેરની નિકાસો ઉપર અસર પડશે. અલબત્ત ગ્રીસનું પતન અન્યત્ર કેટલું ફેલાય છે તેની ઉપર તેનો આધાર છે.
નવ્ય મૂડીવાદના વિમર્શમાં ઊતરીએ તો જણાય છે કે આ વિચાર કોઈક સૈદ્ધાંતિક અને પાઠ્યપુસ્તકો પ્રમાણે ચાલનારો નથી. મુક્ત વેપાર અને બજારવાદ કે હરીફાઈ અને કાર્યક્ષમતા જેવા શબ્દોને પૂરી શંકા સાથે એને ગ્રીસ જેવા દેશોના અનુભવોના સંદર્ભે જોવા જોઈએ. નવ્ય મૂડીવાદના પાઠ્ય પુસ્તકોમાં વર્ણવાએલી આ સ્પર્ધાત્મકતામાં તમામ દેશો એક સમાન શક્તિથી ભાગ ન લઈ શકે. રમતના બધા ખેલાડીઓને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ મળતું નથી. આથી દરેક દેશે પોતાના હિત સમજીને મેદાનમાં ઉતરવું રહ્યું. આ મુદ્દો જ બતાવે છે કે ‘બજાર’ની કામગીરી નિર્દોષ હોતી નથી. તેની અસરો કેવી વિઘાતક હોઈ શકે તેનો એક નમૂનો ગ્રીસે રજૂ કર્યો છે.
ગ્રીસના આ અનુભવથી વૈચારિક જગતમાં ખાસ કરીને નવ્ય મૂડીવાદની આગેકૂચ ઉપર કેવી અસરો પડશે તે વિચારવું રહ્યું :
• યુરોપિયન સંઘ વિવિધ દેશોમાં વડા પ્રધાનો અને ચૂંટાયેલી સરકારોના મતોને લક્ષમાં લીધા વગર સૈદ્ધાંતિક મૂડીવાદમાં શ્રદ્ધા ધરાવતા બાબુઓ દ્વારા ચાલે છે તે સાબિત થયું છે. મૂડીવાદ લોકશાહીથી વિખૂટો પડી ચૂક્યો છે.
• ગ્રીસના બનાવમાં જગતના માલેતુજારો, જેમ કે ગોલ્ડમેન સાખ્સ, લેહમાન બ્રધર્સ વગેરેના પણ મોટા કારસા ચાલ્યા છે. આ ગઠિયા મૂડીવાદને કારણે અતિ ધનિકો તથા ભ્રષ્ટાચારીઓ સિવાયનો સમગ્ર સમાજ ભારે હાલાકીમાં મુકાઈ ગયો છે.
• વૈશ્વિકીકરણને બદલે દેશના આંતરિક અર્થકારણનું અને તેમાં ય નાના અને લઘુ ઉદ્યોગો તથા ખેતીનું મહત્ત્વ વિશેષ છે. નિકાસો પાછળ દોડનારા દેશો પાયમાલી નોંતરી રહ્યાં છે.
નયા માર્ગ’, ૧૬-૭-૨૦૧૫