નવી સરકાર : નવા રાજકીય-આર્થિક પ્રવાહો
——————————————————————————
૨૬મી મે ૨૦૧૪ના દિવસે નવી સરકારે એક વર્ષ પૂરું કર્યું. દરેક બાબતને પોતાની ‘સિદ્ધિ’ ગણાવવા આતુર એવી આ સરકારે પોતાની દૃષ્ટિએ પોતે જે મહાન કાર્યો કર્યાં છે તેને વર્ણવતી અગિયાર કરોડ પુસ્તિકાઓ છપાવી છે. વળી ૨૬-૩૧ મે દરમિયાન સંખ્યાબંધ પ્રધાનો તથા અન્ય નેતાઓની ફોજ ઠેર ઠેર મોકલી પોતાની સિદ્ધિઓના વારંવાર વખાણ કરવા માટે ઘણી પત્રકાર પરિષદો પણ યોજી. પોતાના જ સમર્થકો એવા મીડિયા અને પ્રચારતંત્રના ભૂંગળ અને બુંગિયા વચ્ચે નાનકડા પણ મહત્ત્વના સત્યને પણ બહાર લાવવું એક કપરું અને પડકારરૂપ કામ છે. આ અંગે ૨૮-૨૯ મેનો, આઈ.આઈ.ટી. મદ્રાસનો બનાવ દાખલારૂપ છે.
દેશની આઈ.આઈ.ટી.માં પ્રવેશતા વિદ્યાર્થીઓ અત્યંત તેજસ્વી હોય છે. આ વિદ્યાર્થીઓ પૈકી દલિત વિદ્યાર્થીઓ એક મંડળ ચલાવે છે, જેનું નામ ‘આંબેડકર પેરીઆર સ્ટુડન્ટ્સ સર્કલ’ (એ.પી.એસ.સી.) છે. આ વિદ્યાર્થીઓ ચર્ચાઓ અને ગોષ્ઠિઓ દ્વારા દેશના પ્રવાહો વિશે જરૂરી ચિંતન કરતા રહે છે. તાજેતરની આવી એક ચર્ચામાં ગૌમાંસ બાબતની તથા દક્ષિણ ભારતમાં પણ હિંદી ભાષા ઉપર વધુ ભાર મૂકવાની નીતિઓની ટીકા કરાઈ. આ વિગતોનો આધાર લઈને કોઈકે એક નનામો પત્ર કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ વિભાગને લખ્યો. કહેવામાં આવ્યું કે આ મંડળ તિરસ્કાર ફેલાવી રહ્યું છે. પરિણામે આઈ.આઈ.ટી.ના ડીને આ પ્રવૃત્તિ જ બંધ કરાવી દીધી. દેખીતી રીતે વાણી સ્વાતંત્ર્યની આ ઘટનામાં સરકારને કાંઈક અજુગતું જણાયું હોય તો સામે તે મંડળનો ખુલાસો માંગી શકાયો હોત. આ સરકાર, વિરોધી મતને સહન કરી શકતી નથી તેનું આ એક ઑર ઉદાહરણ એ છે તેણે જાણીતા નાટ્યકાર ગિરીશ કર્નાર્ડનાં નાટકોનું મંચન પણ રોક્યું છે.
સરકાર ગૌમાંસના મુદ્દે ઘણી સંવેદનશીલ હોય તેમ જણાય છે. એક બાજુ ૨૦૧૪ની ચૂંટણીની પ્રચારવેળાએ યુ.પી.એ. સરકારના ‘પીન્ક ટ્રેડ’(ગૌમાંસના વેપાર)ની વાતો ચલાવીને હિન્દુત્વને આગળ કરાતું રહ્યું. હવે વર્ષાન્તે પણ આ વેપાર બંધ થયો નથી. સરકારની કામગીરીની વિચિત્રતા જુઓ : મુખ્તાર અબ્બાસ નકવીએ એટલે સુધી કહી નાંખ્યું કે જે ગૌમાંસ ખાય તે પાકિસ્તાન ચાલ્યા જાય ! અને વિદેશ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાને કહ્યું, ‘હા, હું ગૌમાંસ ખાઉં છું, મને કોણ રોકવા માગે છે ?’
ગૌમાંસનો મુદ્દો ભા.જ.પ. સાથેના હિંદુત્વવાદીઓ માટે મહત્ત્વનો ખરો પણ બંધારણ, માનવ અધિકારો, જીવન જીવવાની વિવિધતા વગેરે મુદ્દાઓ પણ છે જ. પેલા વિદ્યાર્થીઓની વિચાર અભિવ્યક્તિની, નકવીનું વિધાન અને સરકારી ઔપચારિક કક્ષાએ ચૂપકીદી – આ બધું આ સરકારની કાર્યશૈલી અને શાસનની તરેહ વિશે ઘણું કહી જાય છે. ઘર વાપસી, વધુ બાળકો પેદા કરવા, બહુ લાવો – બેટી બચાવો વગેરે પ્રકારનાં ઉચ્ચારણો ભા.જ.પ.ના નેતાઓ કે ભગિની સંસ્થાઓના નેતાઓ કરે જાય છે અને સરકાર તે પૈકી કોઈનીય સામે નમૂનારૂપ પગલાં ભરતી નથી.
સરકારના સરવૈયાનો હિસાબ વિદેશી પત્રોએ પણ મૂક્યો છે. ૨૩મી મેના (લંડન) ઇકોનોમિસ્ટના જેકેટ ઉપર વડા પ્રધાનનું એક કાર્ટૂન ચિતરવામાં આવ્યું છે. તેનું મથાળું છે ‘વન મેન બેન્ડ.’ એક જ માણસ – સીતાર, બેન્ગો, ડ્ર્મ, તબલાં, ફલ્યૂટ વગેરે તમામ વાજીંત્રો વગાડે છે. ઇકોનોમિસ્ટે બે લેખ દ્વારા આ ઢબની પણ ખાસી વિગતવાર ચર્ચા કરી છે. (પરદેશી સામયિકો જો વખાણ કરે તો પોરસાઈ જતા ભા.જ.પ.ના નેતાઓના કોઈ પ્રત્યાઘાત આ અંકના લેખો બાબતે સાંપડ્યા નથી.) તેના કેટલાક મુખ્ય મુદ્દા નોંધીએ :
(૧) ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના પ્રયાસોમાં મુખ્યત્વે ઇવેન્ટ મેનેજમેન્ટ હતું. આવા પ્રયાસો, નીતિઓ કે અભિગમ વડે આવડા મોટા દેશનું ટ્રાન્સફર્મેશન રૂપાંતરણ થઈ જ ન શકે. (સરકારે આયોજન પંચ બંધ કરીને ‘નીતિ આયોગ’ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ભારતના રૂપાંતરણનો છે તે નોંધીએ.)
(૨) સરકારે સત્તા લેતાની સાથે જ ગૃહ, નાણાં વગેરે જેવા મહત્ત્વના વિભાગોના અનુભવી અધિકારીઓને તાત્કાલિક બદલી કાઢ્યા. આ અધિકારીઓના હાથમાં દેશના અત્યંત મહત્ત્વના ખાતા હતા. તેમના કારણે દેશનો વહીવટા સારી રીતે ચાલતો હતો. આવી જ રીતે યુ.પી.એ. સરકાર દ્વારા નિયુક્ત સંખ્યાબંધ ગવર્નરોને પણ હટાવાયા. આ દાખલામાં કમલા બેનીવાલ જેવાને પાઠ ભણાવવાનો અને અન્યોને કાઢીને પોતાના માણસોને ગોઠવવાનો ઉપક્રમ હતો.
વિરોધી તો ઠીક પણ સાવચેતીના સુરને પણ કાને નહીં ધરવાની આ ઢબને કારણે ગુજરાતમાં ‘ગુજટીકોક’ જેવો ધારો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો છે.
(૩) લંડન ઇકોનોમિસ્ટના આ લેખોમાં તટસ્થભાવે કહેવાયું છે કે ભારતના વિકાસની ક્ષમતા છે પરંતુ તે માટે યોગ્ય વાતાવરણ અને ભૂમિકા ઊભા કરવા પડે. હાલની સરકારના આ એક વર્ષમાં આવા કોઈ પ્રયાસો થયા નથી.
શાસનની આ ઢબ અંગે તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સે એક આગવી ઢબે લેખ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ તા. ૨૬-૫-૧૫ના દિવસે મથુરાના ભાષણમાં જે કહ્યું તેમાંથી તથ્યો તારવવાનું કામ તેણે કર્યું છે. આ અંગેની વિગતો ટૂંકમાં આ પ્રકારે છે.
વિધાન (૧) : આ એક વર્ષના શાસનમાં મોટા ભ્રષ્ટાચારી કૌભાંડનો એક પણ બનાવ બન્યો નથી.
પ્રતિભાવ : સાચું. આમ છતાં એન.ડી.એ.ના કેટલાક પ્રધાનો સામે આપેક્ષો તો થયા જ છે. તાજેતરમાં નીતિન ગડકરીના ‘પૂર્તિ ગોટાળા’ બાબતે કેગે ટીકા કરી જ છે. વળી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને અચાનક કેમ હટાવાયા તે બાબતે પણ પૂરતી વિગતો બહાર આવી નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના ખર્ચા, ટોળા ભેગાં કરવા, તેમને જમાડવા, હેલિકોપ્ટરો અને વિમાનોનો ઉપયોગ કરવો વગેરે જેવી અનેક બાબતો વિષે હજુ દેશ પૂરતી સફાઈની રાહ જોઈ રહ્યો છે.
વિધાન (૨) : મનરેગાના મહેનતાણાનું ડાયરેક્ટ પેમેન્ટ અમે શરૂ કર્યું.
પ્રતિભાવ : આ વિધાન સાચું નથી. મનમોહનસિંગે તા. ૨૧મી ઑક્ટોબર, ૨૦૧૨ના દિવસે રાજસ્થાનના ડુડુ (DUDU)થી આ રીતના ચુકવણાનો પ્રારંભ કરેલો. મનરેગા ઉપરાંત પેન્શન અને સ્વાસ્થ્ય વીમા યોજનાના ચૂકવણાં પણ આ રીતે શરૂ કરાયેલા.
વિધાન (૩) : યુરિયા ખાતરમાં થતી કાળાબજારી રોકવા વાસ્તે તેની ઉપર લીમડાનો પુટ ચઢાવવાનું અમે શરૂ કર્યું.
પ્રતિભાવ : આ બાબત સાચી નથી. આગલી સરકારે ૨૦૧૧-૧૨થી આ કામ આરંભેલું અને ૩૬.૩૩ લાખ ટન ખાતર વેચેલું. તે પછીના વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૩.૪૧ લાખ ટન ખાતર આ રીતે વેચેલું.
વિધાન ૪ : આગલી સરકારના ગેરવહીવટના કારણે લોકોના રૂ. ૨૭,૦૦૦ કરોડ પી.એફ.ના ખાતાઓમાં પડી રહ્યા હતા, જેને અમે બહાર લાવ્યા.
પ્રતિભાવ : આ સાચું નથી. આગલી સરકારે યુનિક આઇડેન્ટરી નંબરની યોજના દાખલ કરી ત્યારથી આ વ્યવસ્થા સુધરવા લાગી હતી.
એક અલગ દૃષ્ટિકોણથી ઇન્ડિયન એક્સપ્રેસના તવલીન સિંઘ, ‘ફીફ્થ કોલમ’માં જણાવે છે કે આ સરકારની મોટામાં મોટી નિષ્ફળતા શિક્ષણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રોની છે. આપણે ગુજરાતના અનુભવ દ્વારા પણ જાણીએ છીએ કે શિક્ષણની એટલી બધી અવનતિ થઈ છે કે રાજ્યની એક આખી યુવા પેઢી નાસીપાસ થઈ ગઈ છે. શિક્ષક-અધ્યાપકોની ભરતી કરાતી નથી, તેમને પૂરતા પગાર અપાતાં નથી, ખાનગી નફાખોરો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી અને આ બધાને હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડલના નામે પહોંચાડાશે !
તવલીન સિંઘ જણાવે છે કે સરકાર હજુ નોકરશાહી ઉપર કાબૂ મેળવી શકી નથી અને તેથી વિદેશી રોકાણકારો અહીં આવતા ખચકાય છે. આ બાબતનો એક આધાર એ છે કે ડૉલર સામે ૫૮ રૂપિયાથી ગગડતો ગગડતો રૂપિયો હવે ૬૩ રૂપિયે પહોંચ્યો છે. યાદ કરીએ : ૨૦૧૪ની ચૂંટણીની ગરમીમાં વડા પ્રધાનપદના દાવેદાર તરફથી એક વિધાન થયેલું. ‘મનમોહનસિંઘ ડૉક્ટર છે પણ રૂપિયો બીમાર થઈ ગયો છે’. ઠીક, હવે ડૉક્ટરની ગેરહાજરીમાં પણ રૂપિયો બીમાર છે!
તવલીન સિંઘ તો સરકારના કાળા નાણાં અંગેના પગલાંની પણ ટીકા કરે છે. તે કહે છે આ કાયદાથી કરવેરાનું ખાતું, જે સૌથી ભ્રષ્ટ છે તેની પાસે વધારે સત્તાઓ પહોંચશે.
સરકારે આ વર્ષને ‘ઉજવવાનું’ ઠરાવ્યું તો છે પણ તેને ‘સંવાદ’ એવું નામ આપ્યું છે. આ સંવાદનો ખાસ અર્થ છે, તે કેટલાક અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરોમાંથી નીપજે છે. ‘સેલ્ફ એસેસમેન્ટ ઓફ મોદી ગવર્નમેન્ટ ઓન વેરિયસ ડિલિવરેબલ્સ’ – SAMVAD – દ્વારા આ શબ્દ રચાયો છે. પણ સરકાર ખરેખર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરવા જેટલી અગ્રતા અને ખુલ્લાપણું ધરાવે છે ખરી ? કેટલાક લોકો એટલા ‘સ્વાશ્રયી’ સ્વભાવના હોય છે કે પોતાના વખાણ જાતે જ કરી લેવાનું રાખતા હોય છે!
પેલી અગિયાર કરોડ પુસ્તિકાઓના વજન હેઠળ પિલાઈ જતી બાબતો ઘણી છે. જમીન સંપાદન, ખેડૂતોની આત્મહત્યા, વ્યાપક બેકારી, ક્રૂડ ઓઈલના ભાવઘટાડાનો પૂરતો લાભ ઉઠાવવાની અસમર્થતા વગેરેની એક ખૂબ લાંબી યાદી છે. હવે તેમાં આઈ.આઈ.ટી. મદ્રાસના કિસ્સામાં બન્યું તેમ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ, ગુજટીકોકમાં સૂચવાયું છે તેમ વ્યક્તિસ્વાતંત્ર્ય સામે જોખમ, લંડન ઇકોનોમિસ્ટ સૂચવે છે તેમ સત્તાનું કેન્દ્રીકરણ, જુદા જુદા નેતાઓના હિન્દુત્વવાદી વિધાનો અને કામગીરીઓ વગેરે જેવી અનેક બાબતો દેશ માટે એક વિમાસણ પેદા કરે છે.
એક વર્ષ દરમિયાન સાચી દિશાનું ખાસ કશું થયું નહીં અને ઉપરથી સમાજના વિવિધ ધર્મો-સંપ્રદાયો વચ્ચેના સૌહાર્દને હાનિ પણ પહોંચી.
આર્થિક ક્ષેત્રે પણ ૧લી જૂનથી અમલમાં આવેલા વેટના નવા દરોથી ‘अच्छे दिन’ તો ઠીક, ગઈકાલને આજ કરતાં વધુ સારી ગણવી પડશે. મોબાઈલ ફોનનો વપરાશ, રેસ્ટોરાનું જમણ, મુસાફરી સહિતની અનેક સેવાઓ મોંઘી થઈ છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સરકારે ધનવાનો ઉપરના સંપત્તિવેરાને નાબૂદ કરી ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરના વેરા વધાર્યા છે.
ચૂંટણી સમયના કાશ્મીર, ચીન, પાકિસ્તાન વગેરે અંગેનાં વિધાનો અને વલણોને, સત્તા પામ્યા પછીની કામગીરી સાથે પણ સરખાવવાં જોઈએ.
આમ એક વર્ષ તો સરકારની કામગીરીના મૂલ્યાંકન માટે ખૂબ નાનો ગાળો જ ગણાય પણ જ્યારે સરકાર પોતાની પીઠ જાતે જ થાબડવાનો સ્વાશ્રય કરવા માંગતી હોય ત્યારે તેને ધ્યાનથી નીરખવાનો મોકો પણ આપોઆપ જ ઊભો થાય છે.
“નયા માર્ગ” ૧-૭-૨૦૧૫