જનતાની પ્રાઇવસીમાં DNAની દરાર
જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે.
આધાર યોજના હેઠળ દેશના તમામ નાગરિકોનો જે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવામાં આવશે તેમાં સંવૈધાનિક નિજતા અધિકાર(ફંડામેન્ટલ રાઇટ ટુુ પ્રાઇવસી)નો ભંગ થાય છે કે નહીં તે અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા કેસમાં બાયોમેટ્રિક્સ યોજનાનો બચાવ કરતા નરેન્દ્ર મોદીની સરકારે તાજેતરમાં અદાલતને એવું કહ્યું હતું કે સંવિધાનના મૂળભૂત અધિકારોમાં પ્રાઇવસીના અધિકારનો સમાવેશ થતો નથી.
આધાર બાયોમેટ્રિક્સ યોજનાની કાનૂની યોગ્યતાને પડકારતી અરજીઓની સામૂહિક સુનાવણી દરમિયાન દેશના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ 1950માં સર્વોચ્ચ અદાલતનો એક આદેશ ટાંક્યો હતો જેમાં નિજતાનો અધિકાર એ સંવૈધાનિક મૂળભૂત અધિકાર નથી એવું ઠરાવવામાં આવ્યું હતું.
સંવિધાનમાં નિજતાના અધિકાર(રાઇટ ટુ પ્રાઇવસી)નો કોઇ ઉલ્લેખ નથી તે વાત સાચી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, જીવન, દેશની અંદર સ્થળાંતર, ધાર્મિક માન્યતા વગેરે જેવા મૂળભૂત અધિકારો જેમ અમુક મર્યાદાઓને અધીન હોય છે તેવી જ રીતે રાઇટ ટુ પ્રાઇવસી પણ અમુક દાયરાઓને અધીન છે એવી સરકારની દલીલ છે. સર્વોચ્ચ અદાલતના છેલ્લા બે દાયકાના (1950ના પેલા ચુકાદા પછીના) અનેક ચુકાદાઓ કે તારણોમાં રાઇટ ટુ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે. સરકારે આ તમામ નિષ્કર્ષ પર પુન:વિચારણા કરવાની પણ માગણી કરી છે.
કર્ણાટકની ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ. તુદ્રાસ્વામી અને સિટિઝન્સ ફોરમ ફોર સિવિલ લિબર્ટીસ જેવા અરજદારોએ આધાર યોજનાની કાનૂની વૈધતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારીને કહ્યું કે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવાનું કામ નાગરિકોની પ્રાઇવસીમાં દખલઅંદાજી કરવા સમાન છે. બાયોમેટ્રિક્સ યોજના સામે એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે કે લોકોનો વ્યક્તિગત ડેટા સરકારના અમુક વિભાગો અને પ્રાઇવેટ સેક્ટર પાસે જઈ રહ્યો છે. આ ડેટા પર કોઈ નિગરાની નથી અને એના ગેરઉપયોગની સંભાવના છે.
આધાર યોજના આમ તો સ્વૈચ્છિક છે પરંતુ સરકારની ઘણી યોજનાઓમાં આધાર નંબર ફરજિયાત છે જેથી આધાર કાર્ડ મેળવવું એક રીતે ફરજિયાત બની ગયું છે. આ કાર્ડ માટે માહિતી એકઠી કરવા એન.જી.ઓ., પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ રોકવામાં આવી છે. આ ડેટા કોઈના પણ હાથમાં જઈ શકે છે. ટેક્નોલોજીના વિકાસ અને વહીવટી અડચણોને લઈને સરકાર એની યોજનાઓ અને કાર્યક્રમો માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. નાગરિકોનો અંગત કહી શકાય એવો વિશાળ ડેટા આવા પ્લેટફોર્મ પર પડેલો હોય છે. જન્મતિથિથી લઈને બ્લડ ગ્રૂપ જેવી અંગત માહિતીની પ્રાઇવસીનો નાગરિકને અધિકાર નથી એવી મોદી સરકારની દલીલ જોખમી એટલા માટે છે કે સરકાર હ્યુમન ડી.એન.એ. પ્રોફાઇલિંગ બિલ પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. અદાલતી અને પોલીસની કાર્યવાહીમાં ઓળખ સાબિત કરવા માટે આ હ્યુમન પ્રોફાઇલિંગ એક સશસ્ત્ર ટેક્નોલોજી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગત રસ લઈને આ બિલને કાનૂની સ્વરૂપ આપવા પ્રયાસ કરી રહ્યા છે.
ક્રિમિનલ ફોરેન્સિક અને બિન ફોરેન્સિક કાર્યવાહીમાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓનો ડેટા સરકારી એજન્સીઓ માટે ખાસ્સો હાથવગો સાબિત થાય તેમ છે. સરકાર આ બિલ મારફતે નેશનલ ડી.એન.એ. ડેટાબેંક ઊભી કરવા માગે છે. અકસ્માત કે દુર્ઘટનાનો શિકાર થયેલા કે ખોવાઈ ગયેલા લોકોની ઓળખાણ, અદાલતમાં ચાલતા વિવિધ દાવાઓ, વાલી-વારસદાર વિવાદ, સ્થળાંતરને લગતા મુદ્દાઓ, વસ્તીના આંકડા કે આઇડેન્ટિફિકેશન રિસર્ચ જેવી બાબતોમાં આ ડેટાબેંકની મદદ લેવાનો સરકારનો હેતુ છે. આ ડેટાબેંકના સેમ્પલમાં વ્યક્તિનાં જનનાંગોના ટિસ્યુથી લઈને વિડિયોફોટોગ્રાફી જેવા ડેટા પણ હશે.
આધાર કાર્ડ, ડી.એન.એ. પ્રોફાઇલિંગ અને સરકારની ત્રીજી એક મહત્ત્વાકાંક્ષી યોજના નેશનલ ઇન્ટેિલજેન્સી ગ્રીડને તમે જો સરકારની દલીલ ‘રાઇટ ટુ પ્રાઇવસી એ સંવૈધાનિક અધિકાર નથી’ સાથે જોડો તો દાખલો એવો બેસે કે તમારી આંખના રંગથી લઈને તમારા શરીરમાં કેવા પ્રકારના જીન્સ છે તે તમામ માહિતી સરકારની 11 જેટલી એજન્સીઓ, જેવી કે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ, ઇન્ટેિલજન્સ બ્યુરો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી, સી.બી.આઇ., ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેિલજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પાસે હશે.
એટલે તમે રેલ કે હવાઈ મુસાફરી કરો, ઇન્કમટેક્સ ભરો, ફોન કોલ્સ કરો, બેંક ટ્રાન્ઝેક્શન કરો, ક્રેડિટ કાર્ડ વાપરો, સંપત્તિની આપ-લે કરો, ઇમિગ્રેશન પેપર્સ ભરો કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો તે તમામ ગતિવિધિ આમાંની કોઈપણ એજન્સીની નજરમાં હશે. નાગરિકોની તમામ ગતિવિધિઓ પર નિગરાની રાખતી આ એજન્સીઓ કોને અને કેવી રીતે જવાબદેહ હશે એની કોઈ સ્પષ્ટતા નથી. 2010માં નેશનલ ગ્રીડની યોજના માટે કેબિનેટની સિક્યુરિટી કમિટીની બેઠક મળી ત્યારે તેમાં આ માહિતીઓનો રાજકીય હેતુસર ગેરઉપયોગ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે ત્યારે નાગરિકોની પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પૂરતો બંદોબસ્ત કરવાનું સૂચન કર્યું હતું.
ત્યારથી લઈને આજ સુધી લોકોના સંવેદનશીલ ડેટાની ગુપ્તતા અને સુરક્ષા અંગેના સવાલો અનુત્તર રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ પર પડેલી માહિતી ક્યારે ય નાબૂદ થતી નથી એટલે તમે 25 વર્ષની ઉંમરે કોઈક ખોડ ખાંપણથી પીડાયેલા હો (અને તમે 50 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે ફિટ હો) તો એ વાત ‘મેરા બાપ ચોર હૈ’ની જેમ કાયમ માટે જડાયેલી રહે. તમે ભૂતકાળમાં સાઇક્યિાટ્રિક સારવાર લીધી હોય કે એક્સ્ટ્રા મેરિટલ સંબંધ માટે કોર્ટનાં ચક્કર કાપી આવ્યા હો તો એ માહિતી પણ એજન્સીઓના ખિસ્સામાં હશે.
તમારી અને સરકાર વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય, જ્યાં તમારી તમામ ગોપનીય માહિતી એજન્સી પાસે હોય અને તમને એના ઉપયોગ (કે ગેરઉપયોગ) અંગે કશી જ ખબર ન હોય, એ હકીકત જ અકળાવનારી છે. આ યોજના પર સરખી ચર્ચા થાય તે પહેલાં સરકારે આ ડી.એન.એ. ડેટા વિશ્લેષણ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેિસ્ટગેશન પાસેથી એક વિશેષ પ્રકારનું સોફ્ટવેર ખરીદવાની સમજૂતી પણ કરી લીધી છે.
ડી.એન.એ. ટેક્નોલોજીના વિશેષજ્ઞ, વૈજ્ઞાનિક અને કાનૂની નિષ્ણાતો ડી.એન.એ. સેમ્પલની સચ્ચાઈ વિશે પણ સંદેહ વ્યક્ત કરી રહ્યા છે. આમાં સૌથી મોટું ઉદાહરણ દિલ્હીનો આરુષિ હત્યાકાંડ છે જેમાં ડી.એન.એ. સેમ્પલ લેતી વખતે થયેલી ગરબડના કારણે પૂરી તપાસ અધ્ધર લટકી ગઈ હતી. અમેરિકા અને બ્રિટનમાં ડી.એન.એ. પ્રોફાઇલિંગની ગોપનીયતા અને સચ્ચાઈને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. ભારતમાં એને લઇને ઢંગની ચર્ચા પણ થઈ નથી.
આમાં ગોપનીયતા ઉપરાંત પૂરી યોજનાનું બજેટ કેટલું છે અને એમાં કેટલી અને કેવી ટેક્નોલોજીનો ઉપયોગ થશે તે પણ સ્પષ્ટ નથી. આધાર કાર્ડની યોજનાના ચાર વર્ષ પછી પણ એના બજેટથી લઈને એની વ્યવસ્થા સંબંધી કેટલા ય સવાલો અનુત્તર છે. દુનિયાભરમાં આવી યોજનાઓ પર બહુ વિરોધ અને વિવાદ થયા છે. માનવાધિકાર સંગઠનો આને લોકતંત્ર માટે જોખમી માને છે. અમેરિકાએ સુરક્ષા માટે થઈને આવી સખત યોજનાઓ બનાવી તે પછી પણ આતંકવાદ પર નિયંત્રણ આવી શક્યું નથી. સુરક્ષાનાં કારણોને આગળ ધરીને સરકાર પોતાના જ લોકોની જાસૂસી કરે એવી વ્યવસ્થા જ લોકોમાં અસુરક્ષા અને ભય પેદા કરવા પૂરતી છે. ભારતમાં રાજનૈતિક હેતુઓ માટે વિરોધીઓના ફોન ટેપ કરવાની ‘ગૌરવશાળી’ પરંપરા બહુ જૂની છે. તેવા સંજોગોમાં સત્તાધારી સરકાર ડી.એન.એ. પ્રોફાઇલિંગ હેઠળના વિશાળ ડેટાબેંકનો રાજકીય આશયથી ઉપયોગ કરે તેવી સંભાવના અસ્થાને નથી.
ભારતમાં આઇ.ટી. એક્ટ, 2008 હેઠળ શંકાના આધારે કોઈ પણ વ્યક્તિના ફોનને સીમિત સમય સુધી ટેપ કરી શકાય છે. મઝાની વાત એ છે કે બ્રિટિશ શાસનના સમયમાં બનાવાયેલા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટમાં આમ લોકોની પ્રાઇવસીની પૂરતી તકેદારી રખાઈ હતી. એ કાનૂન પ્રમાણે સુરક્ષા અથવા તો કટોકટી જેવી સ્થિતિમાં જ ફોનથી જાસૂસી કરી શકાતી હતી. 2008માં સુધારિત એક્ટ પ્રમાણે સરકાર હવે કોઈ પણ બાબતની તપાસમાં શંકા પડે તો ફોન ટેપ કરાવી શકે છે.
મશહૂર અમેરિકન લેખક એન રેન્ડે કહ્યું હતું કે સમાજ જ્યારે પ્રાઇવસી તરફ પ્રગતિ કરે ત્યારે એની સભ્યતા વધુ ઘનિષ્ઠ થતી જાય. સંગઠિત સમાજ અને જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે. સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, હંમેશાં પોલીસ સ્ટેટના પક્ષમાં હોય છે જેમાં આમ લોકોની તમામ બાબતો પર સરકારની નજર કે નિયંત્રણ હોય. પ્રાઇવસીનો મતલબ એ કે વ્યક્તિ ખુદ નક્કી કરે કે કેટલી હદ સુધી એ પોતાને બીજી વ્યક્તિ સાથે વહેંચે અથવા શેર કરે. સરકારને જે રીતે લોકોના ડી.એન.એ.થી લઈને પરિવાર સુધીની માહિતી પોતાના નિયંત્રણમાં લેવા માગે છે તેમાં આપણે સાર્વજનિક, જંગલ જીવન તરફ આગળ વધતા હોઈએ તેવું લાગે છે.
e.mail : rj.goswami007@gmail.com
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5092262-NOR.html