સનત મહેતા : ગુજરાતનું વેડફાયેલું ધન
સનત મહેતા જેટલા ગુજરાતને સામાજિક રીતે અને આર્થિક રીતે ઓળખતા હતા એટલા સમાજશાસ્ત્રીઓ પણ નહોતા ઓળખતા. જગતમાં શું ચાલી રહ્યું છે એની પણ તેમની પાસે જાણકારી રહેતી. આખા ભૂમંડલ પર નજરે પડતી વિકાસની તરાહો ને આંદોલનો પર તેમની નજર રહેતી. આ અર્થમાં ભારતમાં ગ્લોબલાઇઝેશનનો યુગ શરૂ થયો એ પહેલાંથી સનતભાઈ ગ્લોબલાઇઝ્ડ હતા
ગયા અઠવાડિયે ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામેલા સનત મહેતાને ગુજરાતી અખબારોએ ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. નેતાઓને તેમણે ભોગવેલા સર્વોચ્ચ હોદ્દા દ્વારા ઓળખાવવાનો રિવાજ છે એટલે સનતભાઈને ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન તરીકે ઓળખાવવામાં આવે છે. ગુજરાત બહારનાં મોટા ભાગનાં અંગ્રજી અખબારોએ અને ટીવી-ચૅનલોએ તો સનતભાઈના જવાની ખાસ નોંધ પણ નહોતી લીધી. વાસ્તવમાં સનતભાઈનો સાચો પરિચય આપવો હોય તો એમ કહેવું જોઈએ કે તેઓ ગુજરાતનું વેડફાયેલું ધન હતું. સનત મહેતા જેટલા ગુજરાતને સામાજિક રીતે અને આર્થિક રીતે ઓળખતા હતા એટલા તો સમાજશાસ્ત્રીઓ પણ નહોતા ઓળખતા. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝમાં આઇ.પી. દેસાઈ શું કામ કરી રહ્યા છે કે કરાવી રહ્યા છે એની સનતભાઈને જાણ રહેતી. જગતભરના કામના હોય એવા વિકાસને લગતા અહેવાલો તેઓ જોતા રહેતા. આવા અનોખા રાજકારણીનો ગુજરાત ખાસ લાભ લઈ શક્યું નહોતું.
સનતભાઈ શું, આમ જુઓ તો ભારતમાં તમામ સમાજવાદીઓ વેડફાયા છે. કેટલાક કૉન્ગ્રેસમાં જોડાઈને વેડફાયા છે તો બીજા કેટલાક કૉન્ગ્રેસની બહાર રહીને વેડફાયા છે. ૧૮૫૭ના વિદ્રોહમાં અંગ્રેજો સામે કારમો પરાજય થયા પછી ભારતના હિન્દુ અને મુસ્લિમ નેતાઓ વિચારવા લાગ્યા હતા કે હવે અંગ્રેજો જ્યારે તાત્કાલિક નહીં મટનારી વાસ્તવિકતા છે ત્યારે અંગ્રેજો સાથે સહયોગ કરવો જોઈએ કે અંગ્રેજો સામે આપસમાં હિન્દુ અને મુસલમાનોએ સહયોગ કરવો જોઈએ? બસ, આવો જ યક્ષ પ્રશ્ન સો વર્ષે ૧૯૫૧ની પહેલી લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયા પછી સમાજવાદીઓ સામે ઉપસ્થિત થયો હતો. ૧૯૫૩ના બૈતુલના અધિવેશનમાં કૉન્ગ્રેસ નામની જલદી નહીં મટનારી વાસ્તવિકતા બાબતે કેવો અભિગમ અપનાવવો એ વિશે મતભેદ થયા હતા. ડૉ. અશોક મહેતાએ અવિકસિત દેશની રાજકીય મજબૂરીઓ નામની એક થીસિસ રજૂ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘પશ્ચિમના દેશોની માફક બે ધ્રુવ જેવું સંઘર્ષનું કે અથડામણનું રાજકારણ ભારતમાં આવકાર્ય નથી. આ દેશ એવો છે જેણે ભૌગોલિક અખંડતા ક્યારે ય જોઈ નથી. આ દેશ એવો છે જેણે સદીઓની ગુલામી વેઠી છે અને આ દેશ એવો છે જેના લોહીના પ્રત્યેક ટીપાનું સંસ્થાનવાદી અર્થવ્યવસ્થાએ શોષણ કર્યું છે. આ દેશ જ્યારે આગળ વધવા માટે શક્તિ એકઠી કરી રહ્યો છે ત્યારે સમાજવાદી પક્ષે શાસક પક્ષને સહયોગ કરવો જોઈએ.’
સામે પક્ષે ડૉ. રામ મનોહર લોહિયાનું કહેવું એવું હતું કે ‘સંસદીય રાજકારણમાં બે ધ્રુવ અનિવાર્ય છે. બીજો ધ્રુવ એ ધ્રુવ નથી પરંતુ લોકતાંત્રિક વિકલ્પ છે અને દેશને વિકલ્પ આપવા રણભૂમિમાં ઊભા રહેવું જરૂરી છે. જ્યારે વિરોધ કરવા જેવું લાગે ત્યારે વિરોધ કરવો જોઈએ, જ્યારે સંઘર્ષ કરવા જેવું લાગે ત્યારે સંઘર્ષ કરવો જોઈએ અને જ્યારે સીધી અથડામણ જરૂરી લાગે ત્યારે અથડામણ માટે પણ તૈયારી રાખવી જોઈએ. સમાજવાદી કાર્યકર્તા કોઈ મુદ્દો લઈને લોકોની વચ્ચે હોવો જોઈએ અથવા કોઈ મુદ્દે જેલમાં હોવો જોઈએ. સમાજવાદી નેતાઓએ પરાજયની ચિંતા કર્યા વિના ચૂંટણી લડવી જોઈએ, કારણ કે આંદોલન અને ચૂંટણી નાગરિકની રાજકીય કેળવણીનાં માધ્યમ છે.’
વીસમી સદીના બે દિગ્ગજ વિદ્વાન સામસામે અથડાયા હતા. ભારતીય રાજકારણમાં આટલી ઊંડી અને વિસ્તૃત ચર્ચા બૈતુલ પહેલાં અને પછી ક્યારે ય થઈ નથી. ખેર, થોડાં વર્ષ પછી સનત મહેતા અને જશુભાઈ મહેતા સહિતના ગુજરાતના સમાજવાદીઓ ડૉ. અશોક મહેતાની સાથે અવિકસિત દેશની રાજકીય મજબૂરીઓ ધ્યાનમાં રાખીને શાસક પક્ષ સાથે સહયોગ કરવા સમાજવાદી પક્ષમાંથી બહાર પડ્યા હતા. સમાજવાદી પક્ષમાં વિભાજન થયું હતું અને છેવટે અશોક મહેતા તેમના સમાજવાદી મિત્રો સાથે કૉન્ગ્રેસમાં જોડાયા હતા.
સૌરાષ્ટ્રમાં એક જમાનામાં સમાજવાદીઓનો મોટો પ્રભાવ હતો. સનત મહેતા, જશુભાઈ મહેતા, છબીલદાસ મહેતા, નવીનચન્દ્ર રવાણી, રસિકચન્દ્ર આચાર્ય વગેરે સૌરાષ્ટ્રના લાડકા હતા. જમીનદારી અને સામંતશાહીગ્રસ્ત ભૂમિ સમાજવાદને વધારે માફક આવે છે. એટલે તળ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં સમાજવાદીઓને વધારે સફળતા મળી હતી. તેમનો પ્રભાવ અને કરિશ્મા એવો હતો કે એને ખાળવા માટે કે પછી તેમને આકર્ષવા માટે જવાહરલાલ નેહરુએ ૧૯૬૧ના કૉન્ગ્રેસ મહાસમિતના અધિવેશન માટે ભાવનગર પસંદ કર્યું હોવાનું કહેવાય છે. નેહરુએ પોતાના ભાષણમાં ગુજરાતના સમાજવાદીઓની સરાહના પણ કરી હતી.
શું તેમનો પ્રભાવ હતો! શું તેમની સજ્જતા હતી! કેવી તેમની નિસબત હતી! સનતભાઈ, જશુભાઈ અને બીજા સમાજવાદીઓ ડૉ. અશોક મહેતાની સાથે અવિકસિત સમાજમાં શાસક પક્ષને સહયોગ કરવા કૉન્ગ્રેસમાં જોડાયા તો હતા; પરંતુ તેઓ ત્યાં ફાવ્યા નહોતા. ખુદ ડૉ. અશોક મહેતાને કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસને અશોક મહેતા માફક નહોતા આવ્યા. રાષ્ટ્રીય સ્તરે ચન્દ્રશેખર, રામધન, કૃષ્ણકાંત, મોહન ધારિયા વગેરે અશોક મહેતાની સાથે કૉન્ગ્રેસમાં ગયા હતા અને તેમને પણ કોઈ સફળતા મળી નહોતી. કૉન્ગ્રેસ હવે જવાહરલાલ નેહરુની કૉન્ગ્રેસ નહોતી રહી, ચાપલૂસોની કૉન્ગ્રેસ બની ગઈ હતી. કૉન્ગ્રેસ હવે રાજકીય પક્ષ મટીને ચૂંટણી લડવાની, જીતવાની અને સત્તા સુધી પહોંચવાની એક યંત્રણા (મશીનરી) બની ગઈ હતી. આવી કૉન્ગ્રેસમાં સમાજવાદીઓની નિસબત અને સજ્જતાની કોઈ કદર નહોતી.
આવી કૉન્ગ્રેસમાં જશુભાઈ મહેતા અને સનત મહેતા મિસફિટ હતા. સનતભાઈ વધારે મિસફિટ હતા, કારણ કે તેમના સ્વભાવમાં એક પ્રકારનું બૌદ્ધિક અણિયાળાપણું હતું. આ ઉપરાંત તેમનો પિંડ રાજકારણી કરતાં કર્મશીલનો વધારે હતો. છેવાડાના માણસ માટે સાવ સાચી નિસબત હતી. ન્યાયયુક્ત સંતુલિત વિકાસની બાબતમાં તેઓ અહર્નિશ વિચારતા રહેતા હતા. જગતમાં શું ચાલી રહ્યું છે એની તેમની પાસે જાણકારી રહેતી. આખા ભૂમંડલ પર નજરે પડતી વિકાસની તરાહો અને આંદોલનો પર તેમની નજર રહેતી. આ અર્થમાં ભારતમાં ગ્લોબલાઇઝેશનનો યુગ બેઠો એ પહેલાં સનતભાઈ ગ્લોબલાઇઝ્ડ હતા.
ઘણા સમાજવાદીઓ કૉન્ગ્રેસમાં જોડાયા પછી કૉન્ગ્રેસના રંગે રંગાઈ ગયા હતા. જેમ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેન્કટરામન એક જમાનામાં સમાજવાદી હતા એમ કહેવામાં આવે તો મોઢામાંથી હેંનો ઉદ્દગાર નીકળી આવશે, પરંતુ જેઓ હૃદયથી સમાજવાદી હતા તેમને કૉન્ગ્રેસમાં ફાવ્યું નહોતું. પરિવારની ચાપલૂસી કરવી એ તેમના માટે અઘરું કામ હતું. અભણ ફૂવડની વાહ-વાહ કરવી એ તેમના માટે હિમાલય ચડવા જેવું અઘરું કામ હતું. ૧૯૭૨-’૭૪ એમ બે વર્ષ માટે સનતભાઈને શ્રમપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૦માં માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે સનતભાઈને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ સનતભાઈનો અને ગુજરાતના વિકાસનો શ્રેષ્ઠ કાળ હતો એમ કહી શકાય. જો કે એ દરમ્યાન મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન વચ્ચે મુષ્ટિયુદ્ધ સતત ચાલતું રહેતું હતું. સનતભાઈ ગુજરાતમાં વેડફાયા એમાં તેમના સ્વભાવનો દોષ હતો એ વાતનો પણ સ્વીકાર કરવો જોઈએ.
આજે ગુજરાતમાં પાટીદારોનું અનામતની માગણી માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઝીણાભાઈ દરજીએ આ લખનારને કહેલી વાત યાદ આવે છે. ઝીણાભાઈએ કહ્યું હતું કે ૧૯૮૦ના અનામતવિરોધી આંદોલન પછી ગુજરાતમાં ખામ(KHAM = ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ના ગઠબંધનની થિયરી સનત મહેતાએ વિકસાવી હતી. ૧૯૮૦ના અનામતવિરોધી આંદોલનમાં પાટીદારો અગ્રેસર હતા અને ગુજરાતના રાજકારણમાં તેમની મોટી વગ હતી. ઝીણાભાઈની આ વાત ગળે ઊતરે એવી નહોતી લાગતી તો બીજી બાજુ વધુ વિચારતાં એ ગળે ઊતરે એવી લાગતી પણ હતી. માધવસિંહ સોલંકી ક્ષત્રિય છે અને એ સમયે તેઓ મુખ્ય પ્રધાન હતા એટલે ખામની થિયરી તેમણે વિકસાવી હતી એમ માનવામાં આવે છે. સનત મહેતા ક્યારે ય મુખ્ય પ્રધાનપદના દાવેદાર નહોતા અને રાજકીય ચોકઠાં બેસાડવા માટે તેઓ જાણીતા નહોતા એટલે ખામ સાથે સનતભાઈનો સંબંધ હોય એ ગળે ઊતરે એવી વાત નથી. બીજી રીતે વિચારતા એ હોઈ પણ શકે છે, કારણ કે સનતભાઈની નિસબત સશક્તિકરણ માટેની હતી. સવર્ણો પછી પાટીદારો સત્તા પર કાબૂ જમાવે એ સનતભાઈને અસ્વસ્થ કરે એવી ઘટના છે. ૧૯૮૦ના અનામતવિરોધી આંદોલનમાં પાટીદારો અગ્રેસર હતા એટલે સનતભાઈને પાટીદારોની ઇજારાશાહી તોડવામાં અને સશક્તિકરણના રેંટને આગળ વધારવામાં રસ હોય એ શક્ય છે.
સનત મહેતાનું અમર યોગદાન નર્મદા યોજના છે. જાણીતા કૃષિ-અર્થશાસ્ત્રી યોગેન્દ્ર અલઘે તેમને સરદાર સરોવરના સરદાર તરીકે ઓળખાવ્યા છે. નર્મદા પર ડૅમ બાંધવામાં સૌથી મોટી અડચણ પૈસાની હતી. વિસ્થાપિતોના પુનર્વસન અને પર્યાવરણ વગેરે પ્રશ્નોના કારણે વિશ્વ બૅન્કની અને અન્ય વિદેશી સહાય મળી શકે એમ નહોતી. સનતભાઈએ સરદાર સરોવર નર્મદા નિગમ સ્થાપીને બૉન્ડ બહાર પાડ્યાં હતાં અને એ રીતે પ્રજા પાસેથી પૈસા એકઠા કર્યા હતા. આ ઉપરાંત ડૅમના વિરોધીઓની દલીલોને તોડી પાડવા માટે એટલો બૌદ્ધિક શ્રમ તેમણે લીધો હતો જેની કલ્પના ન થઈ શકે. આ બાબતમાં એકમાત્ર બાબુભાઈ જશભાઈ તેમની નજીક આવી શકે. છેવાડાના માણસની ચિંતા કરનારા અને જીવનભર કર્મશીલોના ભાઈબંધ રહેલા સનતભાઈ નર્મદાના પ્રશ્ને ડૅમની તરફેણમાં રહ્યા હતા. શા માટે નર્મદાનાં નીર ગુજરાતને જરૂરી છે એનો પહેલો સાર્વગ્રાહી અભ્યાસ તેમણે કર્યો હતો. આમ છતાં નર્મદાના વિસ્થાપિતોને ન્યાય મળે એ માટે આર્ચ-વહિનીના આંદોલનને તેમનો ટેકો હતો. વિકાસની કિંમત કોઈકે તો ચૂકવવી પડે એવી ભોંદુ ભૂમિકા સનતભાઈ લે એની તો કલ્પના જ ન થઈ શકે.
આ ઉપરાંત ભાવનગર નજીક અલંગ શિપબ્રેકિંગ યાર્ડ વિકસાવવાની કલ્પના સનતભાઈની હતી. મહુવામાં ડુંગળીનો અર્ક કાઢવાનો ઉદ્યોગ સનતભાઈની કલ્પનાનું પરિણામ છે. તેમણે અગરિયાઓની સહકારી મંડળી વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે તો પ્રારંભમાં કહ્યું છે એમ સનત મહેતા જેટલું ગુજરાતને જાણતા હતા એટલું ગુજરાતમાં બીજું કોઈ ગુજરાતને નહોતું જાણતું. છેલ્લે સુધી તેઓ અભ્યાસરત હતા. ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ને તેઓ વધારે સક્રિય હતા.
ગયા એપ્રિલ મહિનામાં નારાયણભાઈ દેસાઈ માટેની મુંબઈમાં યોજાયેલી સ્મૃિતસભામાં હાજર રહેવા માટે મેં તેમને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હવે ટ્રેન કે વિમાન પકડવા વ્હીલચૅરમાં બેસવું પડે છે અને વ્હીલચૅરમાં બેસતાં જીવ કપાય છે એટલે હવે પ્રવાસ કરવાનું ઓછુ કરી નાખ્યું છે. એ પછી અચાનક તેમણે આવેગપૂર્વક કહ્યું હતું કે અત્યારે સાચા ગુજરાતનો, ગુજરાતના સાચા વારસાનો, સાચા ગુજરાતીઓનો અને ગુજરાતની નરવી અસ્મિતાનો ગુજરાતીઓને જ પરિચય કરાવવો પડે એવી સ્થિતિ છે. તેમના છેલ્લા દિવસોની મન:સ્થિતિ આમાં પ્રગટ થાય છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 30 અૉગસ્ટ 2015
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-30082015-14