રાજપથ-જનપથ ભૂલેલા ‘રોકસ્ટાર’
એમને એ ઠીક કોઠે પડી ગયું છે. બલકે, સદી ગયું છે એમ જ કહોને … એ ય એક આંટો ઓર મારી આવ્યા! ધ્વજ ફરકાવ્યો ન ફરકાવ્યો, તકરીર ફટકારી ન ફટકારી, અને સંયુક્ત અરબ અમીરાતે સંચર્યા. વળી પાછી એક મેડીસન (કે મોદી‘સન’) મોમેન્ટ અંકે કર્યાનો બિલ્લો ટિંગાડી આવ્યા. અને હવે, સપ્ટેમ્બર ઊતરતે સાન હોઝે (કેલિફોર્નિયા), નવેમ્બરમાં વહેલું આવજો લંડન. ઈવેન્ટ મેનેજમેન્ટ તો કોઈ એમની કને શીખે. હશે ભાઈ, પ્રવાસી ભારતીયો સાથે દેશદેશનાં રમણીહૃદયો જીતતા ફરતા કોઈ પ્રાચીનકાળના વીર જેવો નમોનો એક વિશેષ નાતો છે તો છે. કદી કદી ભારતની મુલાકાતે આવતા રહો તો હાઉં, એ મતલબની કોઈ એક પંક્તિકા રાહુલ ગાંધીની તરજ પર ફટકારીએ તો પણ ઠીક, ન ફટકારીએ તો પણ ઠીક.
રહો, હમણાં મેં કહ્યું કે તકરીર ફટકારી, પણ 15 ઓગસ્ટ 2014 અને 15 ઓગસ્ટ 2015 વચ્ચે ફરક ખસૂસ હતો : ત્યારે માથે લાલચટક પાઘ હતી. આ વખતે એને ઠેકાણે પાઘના રંગમાં નારંગી નરમાશ વરતાતી હતી. ત્યારે કોરી પાટ હતી અને વૈખરીવશ એને મેજિક સ્લેટમાં ફેરવી શકાઈ હતી. એક આખું આભ હાથવગું (અને મોંવગું) હતું. ચાહે તે ચાંદતારા ટિંગાડવાની સહજ સોઈ હતી. વરસ વીત્યે? છતી વૈખરીએ અસ્ખલિત ધારાપ્રવાહે પણ કશીક હાંફ હતી, કેમ કે પેલા આકાશે અને ચાંદતારાએ હવે વર્ચ્યુઅલ અને રિયલ વચ્ચેનું અંતર અંશત: પણ કાપવાનું હતું. વક્તૃત્વકળા વાસ્તવનો અવેજ તો નથી હોઈ શકતી. પરિણામે, સાધારણપણે નમોનાં ભાષણો જેને માટે જાણીતાં નથી એવાં ટીકાવચનો આ વખતે ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યા -ડિસઅપોઈન્ટિંગ, લાંબુલચક, ઘોર બોરિંગ.
નહીં કે એ નેવું મિનિટમાં મુદ્દા કે વિગતો ન હતી. હતું, ભાઈ હતું. બિહાર વાસ્તે ખાસંખાસ પેકેજ પણ હતું, કેમ કે સપ્ટેમ્બરમાં અમેરિકા અને નવેમ્બરમાં ઇંગ્લંડ બેઉ વચ્ચે ઓક્ટોબરમાં પટણાક્ષેત્રે કુરુક્ષેત્રે ઓ.બી.સી. ઓળખ અને વિકાસવેશનો કોઠો જે ભેદવાનો છે. એક વાત સોજ્જી કીધી નીતીશકુમારે કે તમે ચાલુ ફાળવણીઓનો ઘટાટોપ કરી એક-બે નવી (ખરું જોતાં નવા જેવી) જાહેરાતોથી એને ફુગાવીને ‘પેકેજ’, ‘પેકેજ’નો ચીપિયો ખખડાવો મા. જો કે નીતીશને પક્ષે માર્કાની વાત તો એ હતી કે અમને ‘બિમારુ’ ચીતરો મા. (સુજ્ઞ વાચકને ખયાલ હોવો કે ગુજરાતની પોતાની લાંબી પરંપરા સામે એવા કોઈ પરંપરાદાવા વિના નીતીશે વિકાસનો રસ્તો પકડી બતાવ્યો. તેને પરિણામે આજથી ત્રણ-ચાર વરસ પર એન.ડી.એ.ના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદી સિવાય એક નામ તરીકે એમનો ય સિક્કો પડવા માંડ્યો હતો.)
અલબત્ત, વચનેષુ કિં દરિદ્રતા. તમે જુઓ કે બિહાર પેકેજમાં ગ્રામીણ રસ્તાઓ માટે ખાસા 13,820 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરાઈ છે. દેશ આખાના ગ્રામીણ રસ્તાઓ માટેની બજેટ જોગવાઈ રૂપિયા 14,291 કરોડ છે. એન.ડી.ટીવી. હિંદી ખ્યાત રવીશકુમાર તો બચાડા પ્રમાણિક જીવ રહ્યા. એટલે પોતાને આ બે આંકડાનો (અને એવા જ બીજા આંકડાઓનો) મેળ પડતો નથી એવું એમણે બોલીયે બતાવ્યું. પણ લોકો તો વીરનાયકને સાંભળીને મોહમૂર્છાને વર્યા જ ને. પણ અમીરાતમાં પણ જુઓ. 2013માં અક્ષરધામ, અબુધાબી માટે જમીન ફાળવાયેલી હશે તો હશે, પણ ‘ચમત્કાર’ કે ‘લબ્ધિ’, એ તો નવે નામે જ જમે થાય ને. ભલા ભાઈ, ત્યાં શ્રીનાથજીની હવેલી, શિવાલય અને ગુરુદ્વારા પણ કે’દીના છે. ત્યાંના પ્રવાસી ભારતીયોનું દુબાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં એકત્ર થવું અને ‘મોદી’ ‘મોદી’એ ગામ ગજવવું, એ મારા વડાપ્રધાન માટે એક ભારતીય તરીકે મને કેમ ન ગમે? જરૂર ગમે. પણ એક ભારતીય તરીકે હું એમની રાજકીય મૃગયાની આરપાર જોવાની કોશિશ કરું ત્યારે મને એમ પણ થાય કે પ્રવાસી ભારતીયો આ સહજ ગૌરવક્ષણને ગૌરવમૂર્છામાં ન ફેરવવા દે અને ભારતની વાસ્તવિકતાને પણ સમજવાની કોશિશ કરે. વસ્તુત: આ વૈખરીચર્ચાને એક અલગ છેડેથી જોવાની જરૂર છે. વીતેલા ગાળામાં મોદી મૌનમોહનસિંહને ટપી જતા ‘ચૂપેન્દ્ર’નો ઉપાલંભ રળી ચૂક્યા છે. ચૂંટણીમાં ‘હા’, ‘ના’ એમ શ્રોતાઓ પાસેથી બોલાવવાનો નહીં જેવો અપવાદ બાદ કરો તો મોદીની વક્તૃત્વમોહિની એકમાર્ગી અને એ અર્થમાં બિનલોકશાહી છે. એ છવાઈ જઈ શકે ભૂરકી છાંટી શકે, રંગ રંગ અફીણિયાં ઘોળી શકે, પણ સાર્થક સંવાદ? એ ક્યાંથી પ્રેરી શકે.
આ સંદર્ભમાં એક ચર્ચા તરફ આપણે ત્યાં ખાસ ધ્યાન કદાચ નથી ગયું. આ ચર્ચા, જયપુર લિટરરી ફેસ્ટિવલની શૃંખલામાં ત્રણેક મહિના પર લંડનમાં યોજાયેલ સંગોષ્ઠીમાં લેન્સ પ્રાઈસે કરી હતી. પ્રાઇસ, એ મોદીની ચહેતી પસંદગી છે. એક કાળના બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના આ સલાહકારને મોદીએ ખાસ બરકી એમની પાસે પોતાની ચૂંટણીઝુંબેશ પરની કિતાબ લખાવી છે – ‘મોદી ઈફ્કેટ : ઈનસાઇડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટૂ ટ્રાન્સફોર્મ ઈન્ડિયા.’ અલબત્ત વાત આપણે મોદીની વાગ્મિતા સબબ કરીએ છીએ. લંડન સંગોષ્ઠીમાં ‘ઈન્ડિપેન્ડન્ટ’ના જોન એલિયટે લેન્સ પ્રાઈસને પૂછ્યું હતું કે ધારો કે 2019ના સંસદીય જંગ માટે મોદી તમારી સલાહ લે તો તમે શું કહો. પ્રાઈસે એ મતલબનો પ્રતિભાવ આપ્યો હતો કે અત્યારની એકમાર્ગી પદ્ધતિએ મોદીનું ભાવિ 2014 જેવું ઊજળું નયે હોય. આ ગાળામાં એમણે એક પણ ધોરણસરની, પૂરા કદની પ્રેસ કોન્ફરન્સ કરી નથી, જે ખરેખર તો વખતો વખત કરવી જોઈએ. ‘હું માનું છું કે લોકશાહીનો એ એક મૂળભૂત સિદ્ધાંત છે કે તમે ચુંટાયેલ વડા પ્રધાનને મીડિયા થકી પહોંચી શકો, મળી શકો.
બીજા શબ્દોમાં, પત્રકારો તરફથી મુક્તપણે પૂછાતા વાજબી પ્રશ્નોના ઉત્તર મળતા રહે એવી એક નિયમિત પ્રણાલિ સ્થપાવી જોઈએ.’ ‘મોદી ઇફેક્ટ’ના અભ્યાસી પ્રાઈસે તો માનો કે પ્રેસ કોન્ફરન્સ રૂપે એક ઇંગિત આપ્યું. મુદ્દાની વાત એ છે કે દેશ બહાર રોકસ્ટાર તરીકે ઓળખાવું કે એવી સરખામણીના ધણી થવું અગર સ્ટાર પરફોર્મર તરીકે મંચ પર છવાઈ જવું એની એક ભૂમિકા હોઈ શકે છે. એક હદ સુધી લોકોને તમે ખેંચી રાખી શકો છો. પણ લોકશાહી નેતૃત્વ આમ એકમાર્ગી રાહે યશસ્વી ન થઈ શકે. (‘મનકી બાત’ પણ, એમ તો, નિતાન્ત એકમાર્ગી જેવો જ ઉપક્રમ છે ને?) આરંભે 2014 અને 2015ની 15મી ઓગસ્ટો વચ્ચે આંશિક સરખામણી કરી 2015માં કંઈક ઊતરતી કળા માલૂમ પડી હોય તો એનો અર્થ એ નથી કે હવેનાં બાકી વરસોમાં એમ જ થશે. સરખો દાવ લઈ પણ શકે. પણ એકમાર્ગી વાકવિહાર એ લોકશાહીમાં ન તો રાજપથ છે, ન તો જનપથ છે.
સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 22 અૉગસ્ટ 2015
કાર્ટૂન સૌજન્ય : "ધ હિન્દુ", 15 અૉગસ્ટ 2015