આઠ સૈકા પુરાણા બૃહન્મઠે તેનું અતિપ્રતિષ્ઠિત બસવશ્રી સન્માન મરણોત્તર ધોરણે કલબુર્ગીને આપ્યું
હિતભાષી એટલાં જ સ્પષ્ટભાષી નયનતારા સહગલ અને યથાપ્રસંગ વાકચતુર એટલા જ મૌનમુખર નમો, કિયે છેડેથી વાત શરૂ કરીશું એ વિમાસણમાં જરી ઇદં તૃતીયમ જેવી મારી પસંદગી દેશની સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિશ્નાથ પ્રસાદ તિવારી ભણી ઢળતી હતી, કેમ કે નયનતારાએ એવોર્ડની રકમ ભલે પાછી વાળી પણ અમારે પ્રતાપે (મારા ને તમારાં નાણે ચાલતી અકાદમી થકી) એમને જે નફો (રિપીટ, નફો), વિશ્વસનીયતા અને શુભેચ્છાઓ મળી એનું શું એવું પ્રશ્નાસ્ર તિવારીજીએ ઉગામ્યું છે. એમ તો દાદરી ઘટના પછી ‘કેવળ શંકાથી થયેલી હત્યા’ ખરેખર જ ખોટી કહેવાય – એટલે કે ધારો કે આ વાત સાચી હોત તો તે હત્યા ખરેખર જ આતતાયીવધ રૂપે ધર્મ્ય લેખાત એવી સુફિયાણી સબબ ‘પાંચજન્ય’ના પૂર્વતંત્રી અને ભાજપ સાંસદ તરુણવિજયે પણ ઠીક ઉડ્ડાનબિન્દુ (‘ટેક ઑફ પોઇન્ટ’) પૂરું પાડ્યું હતું.-
– પણ આ લખવા બેસું છું ત્યાં ચિત્તનો કબજો ચિત્રદુર્ગનો આઠ સૈકા પુરાણો બૃહન્મઠ સહસા લઈ લે છે. એ સમાચાર પટ્ટી નજર સામે દોડતી જોઉં છું, કે આ મઠે એનું અતિપ્રતિષ્ઠિત બસવશ્રી સન્માન મરણોત્તર ધોરણે કલબુર્ગીને આપ્યું છે. આ એ કલબુર્ગી છે જેઓ એમની વિદ્વતા માટે અને રૂઢિદાસ્ય સામેની સક્રિયતા માટે કર્ણાટકમાં પોંખાયા અને એ જ ધારામાં ‘કદર’ રૂપે કથિત સામેવાળાઓ તરફથી આતતાયીરૂપે વધ પણ પામ્યા. પણ બૃહન્મઠનો સમ્યક, સુચિંતિત, સમુદાર મત જુઓ : બસવશ્રી પ્રશસ્તિમાં એણે કહ્યું છે કે કલબુર્ગી બસવેશ્વરની જેમ જ પોતાની સમજ પ્રમાણેના સમાજપરિવર્તન માટે સક્રિય જિંદગી જીવ્યા હોઈ સન્માનાર્હ છે.
વાચકને યાદ હોય જ કે દાભોલકર, પાનસરે અને કલબુર્ગી ‘સનાતન સંસ્થા’ પ્રકારના ધર્મઝનૂનીઓનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ બાબતમાં તપાસ તેમ જ ન્યાયને મુદ્દે જ્યારે નામકર ન હોય ત્યારે પણ આઘીપાછી તો અચૂક પેશ આવે જ છે. સરકારોનું વલણ આવાં સાંપ્રદાયિક તત્ત્વો બાબતે પનાહ આપવાથી માંડીને આંખ આડા કાન લગીની સાનુકૂળ ફ્રિકવન્સી પરનું રહેતું આવ્યું છે. અધૂરામાં પૂરું, હાલ જેઓ દિલ્હીમાં તખ્તનશીન છે એમની પાસે હિંદુત્વ વિચારધારા જેવા વાજબીપણાની એક સુવિધા પણ છે. આ સંજોગોમાં ચિત્રદુર્ગનો બૃહન્મઠ જ્યારે કલબુર્ગીને બસવશ્રી સન્માન આપે ત્યારે તે અવશ્ય જ એક વ્યાપકમતિ અર્થઘટનનો પથ પ્રશસ્ત કરે છે. બલકે, એમ પણ માનવાનું મન થાય કે, ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ (‘હિંદુ જીવનદર્શન’) પરનાં વિશ્વપ્રતિષ્ઠ વ્યાખ્યાનોમાં રાધાકૃષ્ણને હિંદુ ધર્મની જે વસંત કલ્પી હશે એનો એક હૃદ્ય સંકેત આ પણ છે.
આરંભે જ મૌનમુખર નેતૃત્વની જિકર કરી. આવતી કાલે (રવિવારે) આ નેતૃત્વ એકદમ જ મુખર અને સોળે કલાએ વાકચતુર પેશ આવશે. 11મી ઑક્ટોબરના જેપી જયંતી પર્વ નિમિત્તે કટોકટીકાળે પોતે અને પક્ષપરિવારે કરેલા સંઘર્ષને બઢાવીચઢાવીને રજૂ કરવાની, કૉંગ્રેસને ઝૂડવાની, અને બિહારમાં ‘ભટકી ગયેલા’ જેપી અનુયાયીઓને બદલે ‘અસલી માલ’ ખપાવવાની એ ચેષ્ટા હશે.
એક પક્ષપરિવાર તરીકે આ પક્ષ અને એના નેતાની જેપી આંદોલન તેમજ જેપી ચિંતન સંદર્ભે એવી તે શી હેસિયત છે વારુ, એમ કોઈ પણ પૂછી તો શકે. એટલું જ નહીં પણ ઈંતદરાઈ એકાધિકારવાદ બાબતે કરોડરજ્જુ વગરની પ્રજાતિ લેખે ઉભરેલી કૉંગ્રેસ જમાતને તે ચોક્કસ જ ઠમઠોરી પણ શકે. પણ સરસંઘચાલક દેવરસે જેલબેઠાં કરેલા વિષ્ટિપ્રયાસો (અને શરણાગતી ચેષ્ટા) વિશે મહારાષ્ટ્ર વિધાનસભાના રેકર્ડ પર પડેલ સામગ્રીનું શું કરીશું? જેલમાંથી જનસંઘની એક પછી એક હસ્તી સંદિગ્ધ સંજોગોમાં બહાર જવાવાળી ચાલી એ વિશે ભાજપસાથી સુરજિતસિંહ બરનાલાની સાહેદીનું શું કરીશું? દત્તોપંત ઠેંગડી અને માધવરાવ મૂળે જેવા અપવાદરૂપ પ્રચારકો બાદ કરતાં ઘણા બધા કોઈ જુદી જ પેરવીમાં હતા એવી તે વેળાના આર.એસ.એસ.ના કલૈયા કુંવર (બ્લુ આઇડ બૉય) સુબ્રમણ્યમ સ્વામીની સાફ વિશે શું કહીશું? (મૂળેએ સ્વામીને દર્દભરી અપીલ કરી કે તું દેશ છોડીને ભાગી જા – સંઘશ્રેષ્ઠીઓ લગભગ કાંડુ કાપી આપવાની અણી પર છે.) અને હા, કુમાર પ્રશાન્તે નોંધ્યું છે તેમ કોમવાદમાં ઘસડાવા સામે જેપીએ ચિંતા અને ચેતવણીનાં જે હિતવચનો (ખાસ જનસંઘને લક્ષમાં રાખીને) ટપકાવ્યાં હતાં તે હજારો પત્રિકા બિહારમાં પહોંચે એ પહેલાં જ જનસંઘની કડી મારફતે વચ્ચેથી વગે થઈ ગઈ હતી એ વિગતને કેવી રીતે જોશું?
આખી વાતને આ રીતે જોવીમૂલવવી ગમતું નથી, પણ સમ્યક ચિત્રની દૃષ્ટિએ એની રજૂઆત કદાચ અનિવાર્ય છે. જનસંઘના જનતા અવતાર પછી ભાજપરૂપે શરૂનાં વર્ષોમાં ઠીક ચાલ્યા બાદ અયોધ્યજવર સાથે પલટી મારીને આ પક્ષપરિવારે જે રીતે દેશની યથાસંભવ એકંદરમતી તોડી છે એ ઈતિહાસતપાસ માગી લે છે. કોંગ્રેસના વિકલ્પની રાજનીતિ, લોહિયા-જેપી અભિગમમાં રાષ્ટ્રીય ચળવળની ધારામાં હતી. અયોધ્યાજ્વર સાથે આ એકંદરમતી તૂટી. આ તૂટન…અને 1991થી શરૂ થયેલી નવી આર્થિક નીતિ! ભલા ભાઈ, જેપીનું નામ લેતાં જરી તો લાજો.
અહીં આટલી લાંબી ચર્ચામાં નહીં જતાં એક એટલો જ મુદ્દો કરીશું કે કટોકટી સામેની એક પ્રમુખ ફરિયાદ સેન્સરશિપ કહેતાં અભિવ્યક્તિ સ્વતંત્રતાને ધોરણે હતી. જાણે કે નિ:શેષ, નિ:શંક વિચારધારાકીય સંમતિ સાથે આજે ગુજરાત અને ભારતનો સત્તાપક્ષ જે રીતે ચાલી રહ્યો છે એમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા બિલકુલ સવાલિયા દાયરામાં છે. શિવસેના ગુલામઅલીને ગાવા ન દે અગર તો અમદાવાદમાં ‘ફના’ કે ‘પરઝાનિયા’ (સેન્સર બોર્ડની રજા છતાં) બતાવી ન શકાય તે શું સૂચવે છે? કટોકટી જેનું નામ તે ઘોષિત જ હોવી જરૂરી નથી.
ભાજપ અને સમાજવાદી પક્ષ પહેલાં મુઝફ્ફરપુરમાં વર્ત્યા હતા તેમ અત્યારે પણ દાદરીમાં વરતી રહ્યા છે. બિહારની ચૂંટણી હાલ તો ભાજપની પ્રત્યક્ષ હાજરી અને સામેવાળાની પ્રોક્સી પદ્ધતિએ કદાચ દાદરીમાં જ લડાઈ રહી છે… વિકાસના પેકેજિંગમાં એ જ કોમી ધ્રુવીકરણ, રાબેતા મુજબ! આ સંજોગોમાં એકાદ નયનતારા કે ઉદયપ્રકાશ અગર અશોક વાજપેયી જેવા નરવા અવાજો વચ્ચે સત્તા-પ્રતિષ્ઠાનની ભેર તાણતા અકાદેમી અધ્યક્ષ તિવારી વિશે શું કહેવું, સૂઝતું નથી.
તમને કોઈ આ કે તે પક્ષના પ્રચાર માટે તો કહેતું નથી, વીરા મોરા. પણ એક સાહિત્યસેવી વીરગતિ પામીને અક્ષરશ: અક્ષરવાસી બને ત્યારે એને સારુ જેની કને બે ઉરબોલ પણ ન બચ્યા હોય તે સાહિત્યસંસ્થાઓ અને સંસ્થાપુરુષોને શું કહેવું, કોઈક તો કહો.
સૌજન્ય : ‘હિંદુ ધર્મની વસંતનો સંકેત’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-good-brother-jp-name-being-necessary-to-the-ashamed-5137199-NOR.html