નરેન્દ્ર મોદી માટે પાટીદારોની માગણી અણધાર્યો તમાચો છે
જોકે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી : વિકાસ વાતોનાં વડાં છે અને મંડલ એક વાસ્તવિકતા છે
૧૯૮૦ અને ૧૯૮૫ એમ ઉપરાઉપરી બે વખત અનામતની પ્રથાનો સમૂળગો વિરોધ કરીને આંદોલન કરનારાઓ હવે અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ૧૯૮૦ અને ૧૯૮૫માં તેઓ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે દલિતો અને આદિવાસીઓ પછાત છે અને તેમનો હાથ પકડવો જોઈએ, પરંતુ આજે પટેલોને લાગે છે કે તેઓ પોતે પછાત રહી ગયા છે અને સરકારે તેમનો હાથ પકડવો જોઈએ. આ સ્વાર્થનું તર્કશાસ્ત્ર છે અને સ્વાર્થનું આંદોલન છે. જો પટેલો પાછળ છે તો ભારતમાં આગળ કોણ છે એવો સવાલ પેદા થાય છે. જે માગતાં શરમ આવવી જોઈએ એની રસ્તા પર ઊતરી આવીને ધરાર માગણી કરવામાં આવી રહી છે અને એને માટે હિંસા પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૯ જણનાં મૃત્યુ થયાં છે અને અમદાવાદમાં લશ્કરને બોલાવવું પડ્યું છે.
પટેલોની માફક જ હરિયાણામાં અને પંજાબમાં જાટ કોમ સંપન્ન અને વગદાર છે, રાજસ્થાનમાં મીણાઓ અને ગુર્જરો સંપન્ન અને વગદાર છે અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ સંપન્ન અને વગદાર છે છતાં આ કોમ (સંપન્ન અને વગદાર કોમ) પછાત હોવાનો દાવો કરી રહી છે અને અનામતની વિશેષ જોગવાઈ માગી રહી છે. આ બીમારી હજી અન્ય રાજ્યોમાં પણ વિસ્તરવાની છે. બેશરમ બનીને માગવાની હિંમત ભારતમાં એક પછી એક વગદાર કોમ કેળવી રહી છે. પાટીદારોએ તો આમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમની ગુજરાતમાં કુલ ૧૪ ટકા વસ્તી છે અને વસ્તીના પ્રમાણમાં બેવડાં સ્થાનો અને વગ તેઓ ધરાવે છે. ગુજરાતમાં એક જમાનામાં ખામ (KHAM)નું ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું હતું. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ ગઠબંધન પટેલોના પ્રભાવને ખાળવા માટેનું હતું જે બતાવે છે કે ગુજરાતમાં પાટીદારો કેટલા શક્તિશાળી છે.
કોણ જવાબદાર છે આને માટે? તમે જો એમ વિચારતા હો કે હાર્દિક પટેલ કે કિરોરી સિંહ બૈસલા (ગુર્જર નેતા) જેવા જ્ઞાતિઓના નેતાઓ આને માટે જવાબદાર છે તો તમે ભૂલ કરો છો. આને માટે પછાતપણાનું રાજકારણ જવાબદાર છે. ૧૯૯૦-’૯૧માં ભારતીય રાજકારણમાં ત્રણ નવા ચહેરા વિકસ્યા હતા અથવા જો જૂના હતા તો વધારે ખીલ્યા હતા. એક ચહેરો હિન્દુ કોમવાદી રાજકારણનો હતો. બીજો વિકાસના રાજકારણનો હતો અને ત્રીજો પછાતપણાના રાજકારણનો હતો. ૧૯૯૦ પહેલાં પણ ભારતના સંસદીય રાજકારણમાં તુક્ટીકરણ(અપીઝમેન્ટ)નું રાજકારણ થતું હતું જેનું સ્વરૂપ ૧૯૯૦ પછી ભારતીય રાજકારણનો ચહેરો બદલાતાં બદલાયું હતું.
૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ લાગુ કરી એ પછીથી સામાજિક પછાતપણાના રાજકારણે નવો મંડલચહેરો ધારણ કર્યો છે. એ પહેલાં દલિતો અને આદિવાસીઓ સિવાયની અન્ય પછાત કોમ માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી એટલે અનામતનું રાજકારણ મર્યાદિત હતું. ૧૯૯૦ પછીથી ભારતની સેંકડો જ્ઞાતિઓ સંભવિત લાભાર્થીની લાઇનમાં ઊભી રહી ગઈ. આમાં ઉત્તર પ્રદેશના પટેલો(જે ખરેખર દલિતોની સમકક્ષ પછાત જ્ઞાતિ છે)થી લઈને ગુજરાતના પટેલો (જે દેશમાં સૌથી વધુ સંપન્ન પ્રજા છે) સુધીનો સમાવેશ હતો.
બને ત્યાં સુધી વિકાસના નામે મતદાતાના મત માગવા, કારણ કે વિકાસની અપીલ સાર્વત્રિક છે; પરંતુ જો વિકાસના નામે મંઝિલે પહોંચવામાં મુશ્કેલી દેખાય તો હિન્દુ કોમવાદનું અને પછાતપણાનું એમ જે કાર્ડ માફક આવે એ ઊતરવું. સાધારણપણે જે પક્ષ સત્તામાં હોય એ વિકાસની વાત કરે છે અને વિરોધ પક્ષ પછાતપણાની વાત કરે છે, પરંતુ આમાં ક્યારેક ઊલટું પણ બને છે. વિરોધ પક્ષને જ્યારે નક્કર આશા હોય કે આ વખતે એ સત્તામાં આવે એમ છે અને શાસક પક્ષને જ્યારે ભય હોય કે આ વખતે એ ચૂંટણી હારે એમ છે ત્યારે સત્તાનો દાવેદાર વિકાસનું રાજકારણ કરે છે અને શાસક પક્ષ પછાતપણાનું રાજકારણ કરે છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે B.J.P.એ વિકાસનું રાજકારણ કર્યું હતું અને કૉન્ગ્રેસે ૧૦ વર્ષથી સત્તામાં હોવા છતાં પછાતપણાનું રાજકારણ કર્યું હતું. આ એ જ કૉન્ગ્રેસ હતી જેણે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વિકાસનું રાજકારણ કર્યું હતું.
ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસે મરાઠાઓને અન્ય પછાત કોમ અંતર્ગત અનામતની જોગવાઈ આપી હતી. મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ રાજ કર્યા પછી અને પ્રજાને વિકાસનાં સપનાં બતાવ્યા પછી કૉન્ગ્રેસ-N.C.P.ની સરકારે અનામતના પછાતપણાના રાજકારણનો આશરો લેવો પડ્યો હતો. એ પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસ અને B.J.P.એ મીણાઓ અને ગુર્જરોને અનામતનું ગાજર બતાવ્યું હતું. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીએ લોકસભાની ચૂંટણી જીતવા જાટોને અન્ય પછાત કોમની પંક્તિમાં મૂક્યા હતા અને રાજસ્થાનના કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ ઉપરાંત પંજાબની અને હરિયાણાની સરકારે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ જુદી વાત છે કે ગયા જુલાઈ મહિનામાં સર્વોચ્ચ અદાલતે મરાઠાઓ અને જાટોના પછાતપણાના દાવાને નકારી કાઢ્યો હતો.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વનું અને વિકાસનું એવું એક મિશ્ર રસાયણ વિકસાવ્યું હતું. એ રસાયણ સફળ નીવડ્યું હતું અને એ જ રસાયણના આધારે તેઓ વડા પ્રધાન બનવા સુધી પહોંચી શક્યા છે. તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનું ગુજરાત અને એમાં પણ પાટીદારો મંડલનો આશરો લેશે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મોરલીએ ડોલનારા પાટીદારો, લોકસભાની ચૂંટણી માટે નાણાં આપનારા પાટીદારો, સાત સમુદ્રીય રાષ્ટ્રવાદ વિકસાવનારા પાટીદારો, પોતાનો આઇડિયા ઑફ ઇન્ડિયા ભારતમાં નિકાસ કરનારા પાટીદારો, અબજો રૂપિયા ખર્ચીને સ્વામિનારાયણનાં મંદિરો બંધાવનારા પાટીદારો, ગુજરાતમાં રાજ કરનારા પાટીદારો; ગુજરાતમાં અને એ પણ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં બીજા કોઈને નહીં ને મંડલને લઈ આવશે.
નરેન્દ્ર મોદી માટે આ અણધાર્યો તમાચો છે, પરંતુ એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. વિકાસ વાતોનાં વડાં છે જ્યારે મંડલ એક વાસ્તવિકતા છે. અમને વિકાસની વાતો ચટાડવામાં આવે અને અન્યત્ર જાટો, મરાઠાઓ, મીણાઓ, ગુર્જરો જેવી સામાજિક રીતે વિકસિત પ્રજાને પછાત ગણીને લાભ કરાવવામાં આવે તો અમે શું ગુનો કર્યો છે? નરેન્દ્ર મોદીની વિકાસની જાનમાં જાનૈયા બન્યા હતા એટલે શું અમારે આખી જિંદગી જાનૈયાનો સાફો બાંધી રાખવાનો? તમે જો હાર્દિક પટેલનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં આવો સૂર પ્રગટ થતો હતો.
તો આનો ઉપાય શું? જો આ રીતે બધા મંડલના મંડપમાં ઘૂસવા માંડશે તો અરાજકતા પેદા થશે. સમાજવિગ્રહ થઈ શકે છે. ખોટા માણસો લાભ ખાટી જશે અને જરૂરિયાતમંદ રહી જશે. આ રીતે તો અનામત આપવાનો ઉદ્દેશ જ માર્યો જશે.
તો પછી આનો ઉપાય શું? હા, એક ઉપાય છે, જેની વાત આવતી કાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2015