દર્શક : સંક્રાંતિ અને પરિવર્તનના રગપારખુ
દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું
બરાબર ચૌદ વરસ થયાં એને. બાર વરસને એક તપ કહેવાનો ચાલ છે એ હિસાબે તપ ઉપર બે વરસ કહો કે પછી ચૌદ ચૌદ વરસ અસાંગરાનાં કે વીસારાનાં : 2001ની 29મી ઓગસ્ટે દર્શક ગયા. આ લખું છું ત્યારે સાંભરે છે કે તિથિ પ્રમાણે એ દિવસ પરિવર્તિની એકાદશીનો હતો. દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું. સંક્રાન્તિ અને પરિવર્તનની રગ જેને પકડાતી હતી એવા એ એક સિપાહી હતા, સમાજનવરચનાના સિપાહી.
દર્શકને કેવી રીતે ઓળખીશું આપણે. વિદ્યારણ્યમાં અકુતોભય વિહરનારા એક મોટા શિક્ષક તરીકે તે હંમેશ એ વાતે નિ:સંશય હતા કે સ્વર્ગ જેવું કશુંકે હશે તો અમારા વિદ્યાર્થીઓના પહેરણની ચાળ પકડીને ય અમારો પ્રવેશ તો હોવાનો જ છે. અવિદ્યાથી મૃત્યુને જીતીને વિદ્યાથી અમૃત મેળવવાની ઉપનિષદ પરંપરા અને આપણા સમયની કોઈક જોડકડી એમને જડી હતી, જે અલાદીનના જાદુઈ ચિરાગ કરતાં કમ નહોતી. જો કે ઘણો મોટો વર્ગ એમને ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ એ મનહર અને મનભર નવલકથાના સર્જક તરીકે જ જાણતો હોવાનો. આ નવલકથા, એક રીતે એમણે ઈચ્છેલ નવરચના સારું એક નિરલસ સ્વતંત્રતા સૈનિકની ચહુદિશ મથામણનું કથારૂપ છે, આજમાં ઊભી આવતીકાલને તાકતું.
ગુજરાતી અક્ષરઆલમમાં, આ દિવસોમાં તરતમાં પસાર થયેલી શતાબ્દિઓ ઉપરાંત એક વિશેષ સંદર્ભમાં દર્શક અને ઉમાશંકરનાં નામો લેવાતાં રહ્યા છે. ઉમાશંકર, કર્મ લગોલગ પહોંચવા કરતા શબ્દના – કહો કે જાહેર જીવનના કવિ હતા. તો, દર્શક ગોવર્ધનરામના કલ્યાણગ્રામની જેમ ગોપાળબાપાની વાડીના સ્રષ્ટા અને દૃષ્ટા હતા. સમાજજીવનમાં ઓતપ્રોત થવાનું, જાહેર જીવનમાં સંડોવાવાનું આવ્યું એમાં ઉમાશંકર પોતાની કવિતાનું સંબલ જોતા. દર્શકે એક અર્પણપત્રિકામાં એવો હૃદયભાવ પ્રગટ કરેલો છે કે મને સેવાની લાહ્ય ન હોતે અને સંસ્થાવસ્તાર ન થતે તો કવિતારસઆસ્વાદ કરતે ઉમાશંકર કને. રચનાકર્મી દર્શકનું ખેંચાણ એક એવા રચનાધર્મી માટે છે જેને જાહેર બાબતોમાં સંડોવાયા વિના સોરવાતું નથી.
2015ના ઓગસ્ટમાં આ બધું લપસીંદર માંડવાનો શો અર્થ, કોઈ પૂછી તો શકે. ભાઈ, ગુજરાતમાં આજે જેમને સારુ આમ સોરવાવું અને સંડોવાવું એ ખુશીનો સોદો હોય એવા બૌદ્ધિકોની – બુદ્ધિજીવીઓની નહીં પણ બૌદ્ધિકોની – ખોટ અનુભવાય છે, એથી સ્તો. જાહેર જીવનમાં જરૂર જણાયે રંગેચંગે રજોટાવું એમને મન મુબારક જ મુબારક હતું. દેખીતી રીતે જ, તીવ્રપણે ચાલી આવતી આ સાંભરણની પૂંઠે તત્કાળ ધક્કો સાહિત્ય અકાદમી પ્રકરણનો છે. પણ એક બૌદ્ધિકની ભૂમિકા તે શું એ ચર્ચતી વેળાએ આ જ ફ્રિકવન્સી પરની એક બીજી ઘટના સાંભરે છે એની ય વાત કરી લઈએ. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદ માટે મગનભાઈ પ્ર. દેસાઈ ઉમેદવાર હતા.
(ઉપકુલપતિઓ જ્યારે ઉપકુલપતિ હોઈ શકતા હતા તે દિવસોની આ દાસ્તાં છે.) મગનભાઈની સજ્જતા અને સાધના બંને અસાધારણ હતાં. પણ એમની ઉમેદવારીને ગુજરાત કોંગ્રેસે પક્ષીય પાસ આપવા ચાહ્યું ત્યારે ઉમાશંકરે શિક્ષણસંસ્થામાં શીર્ષસ્થાને બિનપક્ષીય ભૂમિકાને ધોરણે એમને પડકારવાપણું જોયું હતું. સ્વતંત્રતા સંગ્રામના સહજ અનુસંધાનરૂપે, લોકશાહી સમાજવાદની ભૂમિકાએ દર્શક ત્યારે હજુ કોંગ્રેસમેન હશે. પણ એમણે આ મુદ્દે ઉમાશંકરની તરફેણમાં સક્રિય થવું પસંદ કર્યું હતું. સાંભરે છે કે કવિ-શિક્ષણકાર સ્નેહરશ્મિ (સ્વતંત્રતા સંગ્રામમાં ક્યારેક સુરત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેલા ઝીણાભાઈ ર. દેસાઈ) પણ ઉમાશંકરના એવા જ ઝુંબેશકાર તરીકે બહાર આવ્યા હતા. ગુજરાતમાં વાઈસ ચાન્સેલરો બાબતે પક્ષીય ગણતરીવશ હાલ જે મનમુરાદ નિમણૂક દોર ધોરણનિરપેક્ષપણે ચાલી રહ્યો છે એને અંગે આપણે ત્યાં વિદ્યાસમાજ અને બૌદ્ધિકોની સક્રિયતા જેવું કાંક પણ હોય તો, શું કરવાપણું છે એ કદાચ જુદેસર ચર્ચવાપણું રહેતું નથી.
યાદ આવે છે, નાગરિકજાગૃતિના એક ઉપક્રમમાં ઉમાશંકરે લગીરે-લાઉડ-લાગશે-ની દરકાર વગર, ભરીબંદૂક ને ચિત્રાત્મક, કંઈક દૃશ્ય ને કંઈક શ્રાવ્ય શૈલીએ કહેલું કે તેઓ (સત્તાકારણીઓ) આપણા ખેતરમાં ઘૂસી જઈ તબિયતથી હોંચી હોંચી કરતા મહાલે છે અને માળા પાછા એમ માને છે કે આપણે એમને ઓળખતા નથી! ખરું જોતાં, રવીન્દ્રનાથે ઉત્તરવર્ષોમાં જે ઉત્કટતાથી સિવિલ લિબર્ટિઝ યુનિયનનું દાયિત્ય સાહ્યું હતું એ જ તરજ પરની ચર્ચા અને ચર્યા ઉમાશંકર-દર્શક જેવાની જણાતી રહી છે. દર્શકનું કોઈક પ્રસંગે સન્માન થયું – નિધિ તો અલબત્ત જાહેર કામોમાં જ જવાનો હતો – ત્યારે પ્રતિભાવમાં એમણે કહેલું કે માગી માગીને હું કેટલું માગું, સિવાય કે હું ભૂખ્યો ન રહું અને સાધુ પણ ભૂખ્યો ન જાય. પણ પછી અંગત વાતચીતમાં એમણે જ્યારે કહ્યું કે આ તો સાધુ ભૂખ્યો ન જાય એની વાત છે, કોઈ ભળતોસળતો માણસ માંહ્ય ગરી જાય એવું તો શેનું ચાલવા દેવાય ત્યારે સમજાઈ રહ્યું હતું કે એક સતર્ક સન્નદ્ધ બૌદ્ધિક હોવું તે શી વસ છે.
કલ્યાણગ્રામથી ગોપાળબાપાની વાડી લગીની મનહર-મનભર સંક્રાન્તિમાં તમને આ પ્રકારની નવયુગી નાગરિક સભાનતા જોવા મળશે. પડતર જમીન નવસાધ્ય કરી એક તોલ્સતોયી ખેડુ જેવું જીવન જીવવા ઈચ્છતા (શાહુકાર તરીકે સુખે જીવ્યામર્યા હોત એવા) ગોપાળબાપાને સયાજીરાવ ગાયકવાડ જમીન આપતાં પૂછે છે કે અહીં જંગલી જનાવરનો ભો નહીં લાગે. ગોપાળબાપા ટાઢે કોઠે કહે છે : તમારી પડખેના દીપડા ન રંજાડે તો પણ બસ. (કોઈ પાટેશ્વર રાષ્ટ્રવાદીને માટે તો બાપાને રાજદ્રોહી ઠરાવવા વાસ્તે આટલાં વચનો પૂરતાં થઈ પડે.)
‘પડખેના દીપડા’ના પ્રતિકાર સારુ વાડ જોઈએ – ‘એન ઈંગ્લિશમેન્સ હોમ ઈઝ હિઝ કેસલ’ એવો સુવાંગ પોતીકો ઈલાકો જોઈએ. આવી જે ઈલાકેબંદી, એનું બંધારણીય નામ અને કાનૂની ઓળખ તે સ્વાયત્તતા. સરકારી અકાદમી, ઉમાશંકર-દર્શક પ્રતાપે સ્વાયત્ત બની શકી એ આપણી સ્વરાજસાધનાનું એક નાનું પણ નરવુંનક્કુર સોપાન. કમનસીબે, છેલ્લાં બાર વરસ એનાં ઉત્તરોત્તર ધોવાણ અને ખવાણનાં છે … એટલે સ્તો અસાંગરો!
સદ્દભાગ્યે, હમણાંના મહિનાઓમાં આ અનવસ્થા સામે એક અવાજ ઊઠ્યો છે, અને તે પણ એ હદે કે સ્વાયત્તતાને મુદ્દે તમે કઈ બાજુએ છો એ સવાલ ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખીય ચૂંટણીમાં પણ જળથાળ શો નિર્ણાયક બની ઉભર્યો છે. કાલચક્ર જાણે કે સાઠે વરસે પાછું પાપપુણ્યની બારી લઈને સામે આવ્યું છે. 1955ના ગોવર્ધન શતાબ્દી વરસમાં કનૈયાલાલ મુનશીની એકહથ્થુશાહી સામે અવાજ ઉઠાવવામાં ઉમાશંકર મોખરે હતા. હવે 2015માં ઉમાશંકર-દર્શકનાં શતાબ્દી વર્ષોની વાંસોવાંસ સરકારી મનમુરાદવાદ સામેનો અવાજ ગઠિત અને ઉદ્યુક્ત થઈ રહ્યો છે. બરાબર છ દાયકે આવી મળેલી આ સ્વાતિક્ષણ ગુજરાતના અક્ષરકર્મીઓ અને સાહિત્યસંસ્થાઓના વજૂદની રીતે, તેમ લોકશાહી સરકાર પાસે અપેક્ષિત સંસ્કારિતાની રીતે નિર્ણયકારી હોવાની છે.
તમે કઈ બાજુએ છો, પરિવર્તિની એકાદશી પૂછે છે.
e.mail : prakash.nirikshak@gmail.com
સૌજન્ય :‘નવરચનાના સિપાહી’, “દિવ્ય ભાસ્કર”, 29 અૉગસ્ટ 2015