ફાર્બસ, તમારા જેવો ગુજરાત પ્રત્યેનો પ્રેમ ક્યાંથી લાવવો?
ગુજરાત આજકાલ બહું અશાંત અને ઉચાટભરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. જાતિવાદી આંદોલનોમાં આખું રાજ્ય ફસાઈ ગયું છે. હિંસક ઘટનાઓએ 'શાંતિપૂર્ણ રાજ્ય'ની ઇમેજને ખરડી નાખી છે. જનતા ધુંધવાઈ રહી છે. ગુજરાતીઓને આવી હિંસા નથી શોભતી એવું ભાન એક દાયકા કરતાં લાંબા સમય પછી લોકોને થઈ રહ્યું છે. આજકાલ બધાના મોઢે ગુજરાતના વિકાસની, દિમાગમાં ચોંટી ગયેલી રેકોર્ડ સાંભળવા મળી રહી છે. જો કે, લોકો હવે વધારે નિખાલસતાથી વિચારતા અને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરતા થયા છે, એ આનંદની વાત છે. સામાજિક-રાજકીય ઊથલપાથલના આ દોરમાં ફરી ગુજરાતની અસ્મિતા વિશે ચર્ચાઓના દોર શરૂ થયા છે, ફરી ગુજરાતી સંસ્કૃિતની દુહાઈઓ દેવાનું શરૂ થયું છે.
આ સમયે ગુજરાતને દિલોજાનથી ચાહનારા એક વિદેશી અને એમાં ય બ્રિટિશર એવા એક સજ્જનની યાદ આવી જાય છે. યાદ આવવાનું એક નિમિત્ત એ પણ છે કે આવતી કાલે ૩૧મી ઓગસ્ટે આ માનવરત્નની ૧૫૦મી પુણ્યતિથિ છે. આ સજ્જન એટલે એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ.
ફાર્બસસાહેબ એક બ્રિટિશર હતા, પરંતુ જરા જુદી માટીના એ માનવી હતા. હા, આ ફાર્બસસાહેબે જ ગુજરાતને દિલોજાનથી ચાહ્યું હતું. દીપક મહેતા લિખિત પુસ્તક 'ફાર્બસ સમ સાધન વિના ન ઉધ્ધરત ગુજરાત (એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ – જીવન અને કાર્ય)'માં ફાર્બસસાહેબના ગુજરાત પ્રત્યેના પ્રેમ અને પ્રતિબદ્ધતાના અનેક કિસ્સા નોંધાયેલા છે. માત્ર ૪૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવનારા ફાર્બસસાહેબે જિંદગીનાં લગભગ ૧૩ વર્ષો ગુજરાતની ભૂમિ પર ગાળ્યાં હતાં. આ ૧૩ વર્ષોમાં ફાર્બસસાહેબે બ્રિટિશ સરકારની સેવા કરતાં તો ગુજરાત અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃિતની સેવા વધારે કરી હતી, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. અમસ્તું કંઈ નર્મદ જેવો વીર સાહિત્યકાર તેમના પર ઓવારી ન જાય. ફાર્બસસાહેબનું નિધન પૂના ખાતે ૧૫મી ઓગસ્ટ, ૧૮૬૫ના રોજ થયા પછી નર્મદે પોતાના 'ડાંડિયો' સામયિકના ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૬૫ના અંકમાં તેમને અંજલિ આપતાં લખ્યું હતું, "ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી. એમણે તો ગુજરાત જ પોતાનું વતન જાણ્યું છે. ગુજરાતીઓને ઉત્તેજન આપવા પરિશ્રમ લેવામાં બાકી રાખી નથી … સ્વભાવે ઘણા મિલનસાર કહેવાતા હતા. મનમાં ફોંકિયત કે મોટાઈ નહોતી. બધ્ધા લોકોની પ્રીતિ સંપાદન કરવી એ જ એમનો પક્ષ હતો માટે એમનું નામ થાય જ એમાં નવાઈ નહીં. (દલપતરામને ટોણો મારતાં ઉમેરેલું) ગુજરાતી કેટલાએક ગ્રંથકારોને તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. (તે બિચાર અડવા થશે – તે પણ દિલગીરીની વાત છે.)"
ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેના પ્રેમનો એક બીજો દાખલો પણ છે. માર્ચ ૧૮૫૮માં ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઈ, પણ પોતાની પ્રિય કર્મભૂમિ ગુજરાતથી દૂર જવું તેમને પસંદ નહોતું. તેમને ગુજરાતમાં વધારે રહેવું હતું કારણ કે તેમને લાગતું હતું કે હજુ કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ઘણું જાણવાનું બાકી રહી ગયું છે. એટલે તેમણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવા માટે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો, છતાં ફાર્બસસાહેબે ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે પૈસાની પરવા નહોતી કરી. જો કે, સરકારે તરત એ અરજી નહોતી માની પણ પછી થોડા સમય બાદ તેમને કાઠિયાવાડમાં પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવામાં આવ્યા હતા.
ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ફાર્બસસાહેબે ઊંડા અભ્યાસ અને વર્ષોની મહેનત થકી 'રાસમાળા' નામના બે ગ્રંથો લખ્યાં હતાં. આ પુસ્તક દેશ-દુનિયામાં બહુ વખણાયું હતું. આ ગ્રંથના અંગ્રેજી અનુવાદના પુસ્તકમાં એ.કે. નારીને નોંધ્યું છે, "ફાર્બસે જે લોકો વિશે લખ્યું છે, તે લોકોને તેઓ ખરેખર ચાહતા હતા. એ લોકોના પરાક્રમની ગાથા ગાતા કોઈ રાસની વાત કરતી વખતે તેમના મોઢા પર જે આનંદ છવાઈ જતો તેવો ભાગ્યે જ બીજા કોઈ વખતે જોવા મળતો." તો આવો હતો ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ!
ફાર્બસસાહેબના સીમાચિહ્નરૂપ પુસ્તક 'રાસમાળા'એ એ સમયના ગુજરાતના સાહિત્યકારો પર ખાસ્સો પ્રભાવ પાડયો હતો. ફાર્બસસાહેબે 'રત્નમાળા' અને 'પ્રબુદ્ધ ચિંતામણિ' જેવા ગુજરાતી ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ કરવાનું મહાકાર્ય પણ કર્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતી સભા જેવી સાહિત્યની સંસ્થાઓની સ્થાપનાથી માંડીને ગુજરાતમાં જાહેર પુસ્તકાલય, શાળા, અખબાર અને સામયિક શરૂ કરીને તેમણે મધ્યકાલીન ગુજરાતને અર્વાચીન ગુજરાતમાં પલટાવવામાં મહામૂલો ફાળો આપ્યો હતો.
ફાર્બસસાહેબના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગુજરાતી ભાષાના ગાઈડ એવા દલપતરામે તેમના નિધન પછી કોઈ સગો મર્યો હોય એમ સ્નાન કરેલું અને બાર મહિના શોક પણ પાળ્યો હતો. દલપતરામે તેમને અંજલિ આપતી લેખમાળામાં એક કિસ્સો વર્ણવ્યો છે કે ફાર્બસસાહેબ પોતાના નવ વર્ષના દીકરાને ઇંગ્લેંડ માટે વળાવવા સ્ટિમર પર તેમને સાથે લઈને ગયેલા. પાછા ફરતી વખતે ફાર્બસસાહેબે કહેલું, મને પણ સ્વદેશ પાછા જવાનું બહુ મન થાય છે, પણ પછી તરત ઉમેર્યું કે આ દેશમાંનું મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું આવો વિચાર પણ નહીં કરું."
કેવી પ્રતિબદ્ધતા! ફાર્બસસાહેબ જેવો ગુજરાત પ્રત્યે પ્રેમ અને પ્રતિબદ્ધતા આપણા સૌમાં આવશે ત્યારે ગુજરાત સળગશે નહીં પણ ઝળહળશે!
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 અૉગસ્ટ 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3117533