મોદી સરકારનું અંદાજપત્ર : આને આયોજન કહેવાય ખરું ?
નોંધ :- લેખ મોકલવામાં વિલંબ કે ચૂક ન થાય, તેની ભારે ચીવટ રાખતા સનતભાઈએ તેમની વિદાય પહેલાળ આ લેખ તૈયાર કરી રાખ્યો હતો, જે તેમના અવસાન પછી તેમના છેલ્લા લેખ તરીકે પ્રગટ થઈ રહ્યો છે. સનતભાઈની નિસબતને-ચીવટને આખરી સલામ.
શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો જાહેર સેવાઓને બદલે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તરફ વળી રહ્યા છે
ભારતના અંદાજપત્રનો પ્રથમ ત્રિમાસિક ગાળો પૂરો થઈ ગયો છે. એટલે હવે એનાં પરિણામો આવવાં શરૂ થશે. મોદી સરકારનાં પ્રથમ બે અંદાજપત્રનું પૃથક્કરણ બતાવે છે કે તેમાં સામાજિક વિકાસનાં પાસાંને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. ભારત, આમ પણ સામાજિક વિકાસ માટે વિશ્વના પ્રગતિશીલ રાષ્ટ્રોની તુલનામાં ઓછો ખર્ચ કરતું આવ્યું છે. વર્ષ 2012માં ભારતે શિક્ષણ અને આરોગ્ય પાછળ એના જી.ડી.પી.ના માત્ર 7.4 ટકા ખર્ચ કર્યો હતો. અફઘાનિસ્તાન આરોગ્ય અને શિક્ષણ પાછળ 8 ટકા ખર્ચ કરે છે અને નેપાળનો જાહેર આરોગ્ય અને શિક્ષણ માટે માટેનો ખર્ચ 10 ટકા છે.
આવા વૈશ્વિક સંદર્ભમાં, આ વરસના અંદાજપત્રકમાં પાછલાં વરસોની તુલનામાં સમાજકલ્યાણના વિવિધ પાસામાં મૂકાયેલા કાપ ન સમજાય તેવા અને ભારતના વિકાસના ઘડિયાળના કાંટાને પાછા મૂકવાની પ્રક્રિયા સમાન છે. આરોગ્યનો દાખલો લઈએ. 2011-12 માં આરોગ્ય માટેની ભારતની બજેટ જોગવાઈ રૂ.17,840 કરોડ હતી, જે ગયે વરસે રૂ.22,000 કરોડ કરાઈ હતી. આને ઘટાડી આ વરસે આ રૂ.18,000 કરોડ કરાઈ છે. ટકાવારીની દૃષ્ટિએ સૌથી મોટો કાપ આ વરસના બજેટમાં સર્વશિક્ષા અભિયાનની જોગવાઈમાં કરાયો છે. આ માટે રૂ.22,000 કરોડની કરાયેલી જોગવાઈ 22 ટકાનો કાપ બતાવે છે. મધ્યાહ્ન ભોજન માટેની આ વરસની જોગવાઈ 2009-10ના વરસ જેટલી છે. બજેટમાં થયેલ ખર્ચની જોગવાઈ સાથે કરવેરાના ફેરફારોનો કયાસ કાઢીએ તો ચાલુ વરસે બજેટની 98 દરખાસ્તો એવી છે કે જેમાં કસ્ટમ ડયુટીમાં એના વપરાશકારોને લાભ અપાયો છે. આમાં કેટલીક રાહત ઉદ્યોગ અને ખનિજને લગતી છે. ધારો કે આવી રાહત રોજગારી વધારવા અપાઈ હોય. આ સિવાય કેટલાંક પ્રાણીઓ, વૃક્ષો, છત્રી, કૃત્રિમ ફૂલો, તમાકુને અપાયેલી છૂટછાટ ન સમજાય તેવી છે.
સૌથી વધુ આશ્ચર્ય અને આઘાત પહોંચાડે તેટલી રાહત સોનું અને હીરા-ઝવેરાત ઉદ્યોગને રૂ.75,000 કરોડની અપાઈ છે. આ રાહત સર્વશિક્ષા અભિયાન, મધ્યાહ્ન ભોજન અને આરોગ્ય માટે કરાયેલ કુલ ખર્ચની જોગવાઈ કરતાં વધુ છે. કદાચ આની પાછળનું રોકાણ આ ક્ષેત્રમાં મળતી રોજગારી અને નિકાસ કરાણભૂત હોય. પણ, સવાલ એ થાય છે કે રોજગારી અને નિકાસમાં આના જેવું જ યોગદાન આપનાર બીજા આવા ઉદ્યોગધંધાને આવો કરલાભ કેમ નથી મળ્યો? દાખલા તરીકે કાપડઉદ્યોગ ૪૫૦ થી ૬૦૦ લાખને રોજગારી આપે છે અને નિકાસમાં એવો જ હિસ્સો આપે છે. એને માત્ર રૂ 16,000 કરોડની રાહત મળી. રોજગારીમાં હીરા ઝવેરાત ઉદ્યોગ ૩૦ લાખને રોજગારી આપે છે એ નોંધવુ રહ્યું. સાક્ષરતા, આરોગ્ય, શિક્ષણ વગેરે સામાજિક વિકાસની જોગવાઈ બજેટમાં કમી કરવા પાછળ એક કારણ નાણાંમંત્રીએ એ આપેલું કે આ વખતે કેન્દ્ર સરકારે નાણાં પંચની ભલામણોનો સ્વીકાર કરી મોટી રકમની ગ્રાન્ટ રાજય સરકારોને ફાળવી છે. ઉપરાંત નાણાંમંત્રી માને છે કે આમાંની કેટલીક યોજનાઓમાં કરાયેલ કાપ, રાજય સરકારો નાણાંપંચની ભલામણોના કારણે મળેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી સરભર કરશે.
આમાં એવું બન્યું છે કે, વડાપ્રધાને આયોજનપંચને વિખેરી નીતિ આયોગની રચના કરી છે. નીતિ આયોગે કેન્દ્રિય યોજનાઓ ઘટાડી રાજયને એ યોજના સોંપવા માટે, કઈ યોજના કેન્દ્રિય અને રાજયહસ્તક રાખવી એનો નિર્ણય કરવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષપદે રાજયોના મુખ્યમંત્રીઓની સમિતિ બનાવી છે. સમિતિની એકાદ બેઠક થઈ છે. પણ આખરી નિર્ણય થયો નથી. એટલે નાણાંમંત્રીને પૂરક માગણીઓ મૂકી વધારાના રૂ.19,000 કરોડ ફાળવવા પડયા છે. આ પૂરક માગણીમાં ‘મનરેગા’ને વધારાના રૂા.7 હજાર કરોડ; સ્વચ્છ ભારત મિશનને રૂ.1,500 કરોડ, પીવાના પાણી માટે વધારાના રૂ.1,000 કરોડ, યુનિસેફની આઈ.સી.ડી.એસ.-બાળવિકાસ યોજના માટે રૂ.3,600 કરોડ અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના માટે રૂ.4,495 કરોડ મુખ્ય છે. ત્રણ વાત આમાંથી સમજવા જેવી છે. એક. મનરેગા યોજના, જેને વિશ્વબેંકે દુનિયાની સૌથી મોટી રોજગાર યોજના ગણાવી, પણ જેને વડાપ્રધાને કોંગ્રેસ શાસનની નિષ્ફળતાની પ્રતીક ગણાવી હસી કાઢી તે જ યોજનાની બજેટ મંજૂર થયાના ત્રણ માસમાં જ જોગવાઈ વધારવી પડી. બે. જેને વડાપ્રધાને પોતાની નવી યોજના ગણાવી છે તે સ્વચ્છ ભારતમાં જોગવાઈ વધારવી પડી છે. સ્વચ્છ ભારત માટે ભા.જ.પ.ના પહેલાં અંદાજપત્રમાં રૂ.2,850 કરોડ ફાળવાયેલા. પછી 2015-16ના બીજા બજેટમાં નજીવો વધારો કરી રૂ.3625 કરોડ કરાયા અને બજેટ પછી હમણાં વધારો કરી સ્વચ્છ ભારત માટે રૂ.5,125 કરાયા. આને આયોજન કહેવાય ખરું ?
ત્રણ. ’બેટી બચાવ, બેટી ભણાવ’ એ માટે 2014-15 ના બજેટમાં રૂ.628 કરોડ ફાળવાયા હતાઃ પણ, 2015-16 ના બજેટમાં કોઈ ફાળવણી જ નહોતી કરાઈ. હવે, પૂરક માગણીમાં માત્ર રૂ.400 કરોડ ફાળવાયા છે. બાકીનું કામ મોદીજીની ઘોષણામાંથી થઈ જશે? આ બધી કરરાહત, ખર્ચની જોગવાઈ જેવી સવાલ જન્માવે છે કે, નાણાંમંત્રીએ રજૂ કરેલ અંદાજપત્રક કોને માટે ઘડાયું છે અને કયાં લક્ષ્યાંકો પાર પાડવા માગે છે? તાજેતરનાં રાષ્ટૃીય સર્વેક્ષણ સંસ્થાનાં સર્વેક્ષણ બતાવે છે કે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો જાહેર સેવાઓને બદલે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તરફ વળી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે આવું વલણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ સરખું છે. આરોગ્યસેવામાં લગભગ 70 ટકા લોકો ખાનગી ક્ષેત્ર તરફ ઝૂકી રહ્યાં છે. આ પસંદગીના કારણે હોસ્પિટલની આંતરિક સેવાનો લાભ લેનાર સરકારી સેવાની તુલનામાં ચાર ગણાં વધુ નાણાં ખર્ચે છે. આ નાણાં લાભ લેનારને પોતાના ગજવામાંથી ખર્ચવા પડે છે. કારણ માંડ 13 ટકા લોકો આરોગ્ય વીમા યોજના નીચે આવરી લેવાયા છે. આવો વધારાના ખર્ચનો બોજ ધીમે ધીમે સામાન્ય માનવીના ભરણપોષણના કાપમાં પડી રહ્યો છે.
પરિણામે વિશ્વના આફ્રિકા સહિતનાં કેટલાંક રાષ્ટ્રો કરતાં ભારતમાં પાંચ વરસની ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું વધતુ જાય છે. એનું સીધું પરિણામ એ આવે છે કે, આર્થિક સમૃદ્ધિ વધવાને કારણે ગરીબીની રેખાથી ઉપર ઊઠનારાં કુટુંબો અચાનક આવેલી માંદગીના ખર્ચના બોજના કારણે ફરી ગરીબીની રેખા નીચે ધકેલાઈ જઈ રહ્યાં છે. અંદાજપત્રકમાં સામાજિક સેવાઓ માટેના નાણાંની ફાળવણીમાં કાપ મૂકવાની નીતિ અંતે રાષ્ટ્રમાં ગરીબીનું પ્રમાણ વધારવામાં પરિણમી રહી છે. આરોગ્યની સેવાઓ ખાનગીક્ષેત્રને સોંપવાની નીતિના વિશ્વમાં કે ભારતમાં જયાં જયાં પ્રયાસો થયા એ બધા નિષ્ફળ નીવડયા છે. ખાનગીક્ષેત્રને કોઈ પણ ક્ષેત્રે દાખલ થવાનું મૂળભૂત આકર્ષણ નફો હોય છે.
આખરે આપણે જ સમજવાનું રહ્યું કે બજેટ કોના કલ્યાણ માટે ઘડાયું છે?
સૌજન્ય : ‘સર્વેક્ષણનું તારણ’, “દિવ્ય ભાસ્કર”, 27 અૉગસ્ટ 2015