ગર્વ કરવા જેવી વાત : આ દેશમાં એક વેદમિત્ર ચૌધરીનું હોવું …
સ્ત્રીઓ અને બાળકીઓની નિર્મમ હત્યાઓ સમાજને કોઠે પડી ગઈ છે એ વાસ્તવિક્તાથી કેટલુંક ભાગીશું ?
ખબર છે કે આ ઘટના નથી પહેલી, કે નથી છેલ્લી. આવું પહેલાં બન્યું છે, આજે બને છે, અને આગળ ઉપર કદાચ બનશે. છતાં અહીં સલામી આપવી છે આ દેશના એક નરબંકાને, જેનું નામ છે વેદમિત્ર ચૌધરી. દુષ્કૃત્યોમાં સંડોવાયેલાં અનેક વ્યક્તિત્વો આપણાં સમૂહ માધ્યમોની મોટી જગ્યા હડપ કરી જાય છે. એમનાં કુકર્મોના પથારા એટલા લાંબા-પહોળા હોય છે કે સામાન્ય માનવીઓનાં અસાધારણ સત્કૃત્યોને બિરદાવવા માટે ક્યારેક સમૂહ માધ્યમોનો પનો ટૂંકો પડે છે. પણ આજે, આ સ્થળે, જો વેદમિત્રને યાદ ન કરીએ તો શરમ અનુભવવાનો વારો આપણો.
વિલાપમાં ગરકાવ 31 વર્ષીય લાન્સ નાયક વેદમિત્ર ચૌધરીનું શેષ પરિવાર
ઘટના સ્થળ છે મેરઠનું શામલી ગામ. તારીખ તેર ઓગસ્ટ, ગુરુવાર (બે દિવસ પછી) દેશ સ્વતંત્રતા-દિવસ ઉજવવાનો). બાવીસ વર્ષની યુવતી હરકેશનગર વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી એને મવાલીઓની એક ટોળકી સતાવી રહી છે. તે આ યુવતીને આંતરે છે. એક બે નથી, છે તો પૂરા પાંચ છ. મદદ માટે બૂમો પાડ્યા વિના બીજો રસ્તો નથી. બૂમાબૂમથી યુવતીનો સત્તરેક વર્ષનો ભાઈ (જે આ ઘટનાનો સાક્ષી છે) અને અન્ય દોડી આવે છે. ભૂંરાટી ટોળકીને સમજાવવા મથે છે, પેલાઓ અટકતા નથી. વેદમિત્ર ચૌધરી – લશ્કરી જવાન વેદમિત્ર ચૌધરી – ખરીદી માટે આ વિસ્તારમાં આવ્યો છે. ઘટનાને પારખી જઈ એ તત્ક્ષણ વચ્ચે પડે છે. વાત હવે સામસામા પ્રહાર પર આવી જાય છે. વેદમિત્ર પૂરી તાકાતથી બનાવમાં સંડોવાય છે. જોનારા ઘણા છે, પણ વચ્ચે પડવાની તૈયારી કોઈની નથી. કદાચ કોઈ પડ્યું હોય તો યે છેવટ લગી ઝઝૂમી શકે એવું નથી. આડેધડ થતા પ્રહારોથી વેદમિત્ર ઘાયલ થાય છે અને અંતે મૃત્યુ પામે છે.
અહીં ‘જો અને તો’ની કથા કહેવી નથી. એકઠા થયેલા લોકોમાંથી કોઈ પાંચ-દસ વેદમિત્ર સાથે થયા હોત તો કદાચ એ બચી ગયા હોત એમ કહેવાનો હવે અર્થ નથી. યુવતીને સહાયભૂત થવાનું કોઈને સૂઝ્યું નહીં કે પછી વેદમિત્રને મદદ કરવાનું કોઈને આવડ્યું નહીં – જે હોય એ, એક બહાદુરે જીવ ગુમાવ્યો એટલું નક્કી. એના પરિવારે લાખેણો યુવાન ખોયો એ પછી શહીદીની કરોડો ફૂલપત્તીઓ ચડે તો યે શું! એ આખા પરિવારને અને પેલી યુવતીના કુટુંબને જીવનભર એક શૂળ ભોંકાયા કરવાની.
એ શૂળ તે પેલા નિષ્ક્રિય ઊભેલા ટોળાની આંખો, લાપરવાહ અને બેશરમ. માનો કે જાતને સુરક્ષિત રાખવાની માનવ સહજ વૃત્તિ એટલી પ્રબળ બની ગઈ હોય કે આવી જીવ સટોસટની મારામારીમાં કૂદી પડવાનું સાહસ કોઈ ન કરી શક્યું હોય. વેદમિત્રની વાત જુદી, કારણ કે એને તો આ પ્રકારની તાલીમ મળી છે, લશ્કરી જવાન તો હિંમતવાન હોય જ. પરંતુ ટોળું બીજુંયે ઘણું કરી શકે, પોલીસને બોલાવવાથી માંડીને રાહદારીઓને એકઠા કરવા જેવું. જ્યાં જીવનમરણના સોદા હોય ત્યારે પૂતળાંની પેઠે ઊભાં ન રહેવાય એવા સાદા પાઠો આપણે ક્યારે શીખી શકીશું એની ખબર નથી. કટોકટીની ક્ષણોમાં જાતને કાચની બરણી પેઠે સાચવ્યા કરવાની ડરપોક મનોદશા પર જેમણે વિજય મેળવ્યો છે એમની રગોમાં લોહી વધુ વેગથી દોડે છે એ તો સો ટકા સાચું જ, પણ એ લોહી જ છે, અને પાણી નથી, એની સાબિતીયે એ જ ઘડીએ મળી જવાની.
પડકાર બનેલી ઊભેલી ક્ષણે પોતાની ઉપર આધાર રાખતું કુટુંબ, અને એ કુટુંબનું સ્નેહબંધન, ગુંડાઓની ટોળકી સાથે સંઘર્ષમાં પડવાનું જોખમ, અને જીવ ગુમાવવાની શક્યતા, વેદમિત્રના ધ્યાનમાં હશે જ. જાતને સાચવી-બચાવીને દૂર ખસી જવાની સ્વાભાવિક વૃત્તિને દૂર હડસેલી ઝડપભેર બળતામાં ઝંપલાવવા માટે જે હૃદયસંપત્તિ જોઈએ તે વેદમિત્રમાં હતી, અને આજે એ હૃદયસંપત્તિની પ્રશસ્તિમાં આ શબ્દો અર્ધ્ય રૂપે.
આ હૃદયદ્રવ્ય જો આઠ ઓગસ્ટને દિવસે, ઝારખંડમાં બનેલી એક ભયાનક ઘટના વખતે, ત્યાં હાજર જો કોઈનામાં હોત તો પાંચ આદિવાસી સ્ત્રીઓને પથ્થર અને લાકડીઓના મારથી જીવ ગુમાવવાનો વખત ન આવત. એકવીસમી સદી, અને ડિજિટલ ઇન્ડિયા, અને એવું બીજું જે હોય તે, હજી તો દેશના કેટલાયે ભાગોમાં અંધારયુગ જ ચાલે છે. કોઈ એક ભૂવો ઈતવારિયા નામની એક મહિલાને ગામમાં થતાં પશુમોત કે માનવમોત માટે કસૂરવાર ઠેરવે તો થોડા લોકો એ સ્ત્રીને ‘ડાકણ’ ગણીને પતાવી દેવાના. પાંચ પાંચ સ્ત્રીઓને લાકડીના ફટકા અને મોટા પથ્થરોના પ્રહારોથી પતાવી દેવામાં આ ગામના કોલેજમાં ભણવા જતા યુવાનો પણ હતા. જેની ખબર ફરિયાદ નોંધાઈ ત્યારે પડી!
માહિતી મળે છે કે માત્ર ઝારખંડમાં જ મેલીવિદ્યા સાથે કોઈક રીતે સંકળાયેલી ઓગણપચાસ વ્યક્તિઓને આ રીતે મારી નાખવામાં આવી છે. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આમાં મોટા ભાગની સ્ત્રીઓ છે. આશ્ચર્યની બાબત એ ગણાય કે મરનાર સ્ત્રીઓનાં પાછા પરિવારોયે છે. ચીસો પાડી પાડીને મરણને શરણ થતી આ સ્ત્રીઓના ઘરમાં ભરાઈ બેઠેલાં અને એમને બચાવવામાં સદંતર નિષ્ફળ નીવડેલાં કુટુંબોને હવે વચગાળાની રાહત લેખે વીસ હજાર મળશે, છે ને બલિહારી! સંબંધ દાવે જે સ્ત્રીઓ અનેક વ્યક્તિઓ સાથે જોડાયેલી છે એમને કટોકટીની ક્ષણોમાં એકેય આધાર મળતો નથી.
તેથી જ વેદમિત્રને બે હાથે સલામ. એ પેલી યુવતીને કે એના કુટુંબને જાણતો નથી, એને પેલા ગુંડાઓ સામે કશું વેર નથી છતાં ઊંચી માનવતા અને કર્તવ્યનિષ્ઠાથી પ્રેરાઈને એ સંઘર્ષમાં ખાબકે છે અને વીરગતિ પામે છે. મૂલ્યો માટે મરી ફીટવાનું અઘરું છે, અને વિરલ પણ-માત્ર પોતાની કે સ્વજનોની ચિંતામાં ડૂબેલા, ભયત્રસ્ત અને સતત સલામતી ખોળતા કંગાળ સમૂહમાં, એક વેદમિત્રનું હોવું કેટલું અદ્દભુત હોઈ શકે, પોતાનાં સુખસગવડને અગ્રક્રમે રાખી પ્રવર્તતા આત્મરત, ઊંઘરેટા સમુદાયમાં એક વેદમિત્રનું હોવું કેટલું શાતાદાયક હોઈ શકે, એ તો આપત્તિજનક પરિસ્થિતિની ભીંસમાં જ સમજાય. વેદમિત્રને મરતો જોનારું પેલું નિર્માલ્ય ટોળુંયે આપણા સમાજ માટે નવું નથી. થોડાંકને આ હકીકતથી અકળામણ થાય એ ખરું, પરંતુ એ અજંપો ત્યાં આવીને અટકી જવાનો. આ લખાય છે ત્યારે બીજી બે ભયંકર ઘટનાઓ ઉત્તર પ્રદેશમાં બની ચૂકી છે. બંનેમાં સ્ત્રીઓ પર અત્યાચાર થયો છે, અને એમાં પ્રતિષ્ઠા-હત્યા-ઓનર કિલિંગની એક ઘટનામાં તો સગા ભાઈઓએ બેનનું ડોકું વાઢી નાખ્યું છે. સ્ત્રીઓ અને બાળકીઓની નિર્મમ હત્યાઓ સમાજને કોઠે પડી ગઈ છે એ વાસ્તવિકતાથી કેટલુંક ભાગીશું? આંખો આવા સમાચાર પર સાવ અમસ્તો આંટો મારીને બીજી દિશા ભણી પહોંચી જાય છે. દેશ અને કાળ – જે છે, તે આ છે, અને એને પલટી નાખવાના પ્રચંડ પ્રયાસો ક્યાંયે દેખાતા નથી. એમાં વેદમિત્ર ચૌધરીનું હોવું, અથવા એના જેવી કોઈ પણ વ્યક્તિનું હોવું, ચમત્કારથી ઓછું નથી.
આપણી પાસે ઉત્તમ સૂત્રો છે, ‘બેટી બચાવો’ અને ‘બેટી પઢાવો’ની વચ્ચે પેલી પાંચ સ્ત્રીઓ ડાકણની ઓળખ સાથે મરી જાય, કે ભાઈઓ સગી બહેનનું ડોકું કાપે, કાયદો મંથર ગતિએ એનું જે કામ કરશે, તે અને ત્યારે, વેદમિત્ર ચૌધરીએ તો જે ક્ષણે કરવા જેવું જે હતું, એ કરી બતાવ્યું. સ્ત્રીઓ પરના અત્યાચાર સંદર્ભે આપણે ‘ઝીરો ટોલરન્સ’ જેવું કશુંક સાંભળેલું, યાદ છે?
સૌજન્ય : ‘છે કોઈ જવાબ ?’, “દિવ્ય ભાસ્કર”, 28 અૉગસ્ટ 2015