મુરલી મનોહર જોશીની ગણતરી એવી હતી કે લાલ કૃષ્ણ અડવાણી કરતાં નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વવાદી છે એટલે તેઓ તેમના આઇડિયોલૉગ અને સલાહકાર બની રહેશે. તેમની ધારણાથી ઊલટું હવે તેમને ખાતરી થઈ ગઈ છે કે તેમણે જે સપનાં જોયાં હતાં એ ઠગારાં સાબિત થવાનાં છે. ડૉ. જોશીના બળાપાનું ખરું કારણ આ છે.
ડૉ. મુરલી મનોહર જોશીએ BJPના સિનિયર નેતાઓના મનમાં ધૂંધવાઈ રહેલો બળાપો વ્યક્ત કર્યો છે. નરેન્દ્ર મોદીએ BJPના સિનિયર નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા છે એ વાત પચાવવી તેમને માટે મુશ્કેલ બની રહી છે. ડૉ. મુરલી મનોહર જોશીએ કહ્યું છે કે દેશમાં નરેદ્ર મોદીના નામનો કોઈ જુવાળ નથી. જે જુવાળ નજરે પડી રહ્યો છે એ BJPનો છે અને એ વાસ્તવમાં કૉન્ગ્રેસવિરોધી જુવાળ છે. આ વખતે BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રચારનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને તેમણે એવો આભાસ પેદા કર્યો છે કે જેકોઈ જુવાળ છે એ નરેન્દ્ર મોદીના નામનો છે.
તેમણે બીજી વાત એ કહી છે કે નરેન્દ્ર મોદીનું કહેવાતું ગુજરાત મૉડલ દેશનાં બીજાં રાજ્યોને અને દેશ સમગ્રને એકસરખું લાગુ પડે એવું સાર્વત્રિક નથી. દરેક રાજ્યોની સ્થિતિ અલગ-અલગ છે એટલે એક રાજ્યનું મૉડલ બીજા રાજ્યને લાગુ ન પડી શકે. એ ઉપરાંત તેમણે BJPના સિનિયર નેતા જશવંત સિંહને રાજસ્થાનના બારમેર મતદારક્ષેત્રમાંથી ટિકિટ આપવામાં નથી આવી એની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારોનાં નામ નક્કી કરવા માટે મળેલી પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં બારમેરની બેઠક વિશે કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો. રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ અને પક્ષના પ્રમુખ રાજનાથ સિંહે પછીથી પક્ષને વિશ્વાસમાં લીધા વિના બારોબાર બારમેર વિશે નિર્ણય લીધો હતો અને તેમણે જશવંત સિંહની ઉમેદવારી નકારી હતી.
મુરલી મનોહર જોશી પક્ષના બીજા સિનિયર નેતાઓની જેમ નરેન્દ્ર મોદીના ઉદયને કારણે દુખી છે, પણ તેમનો દુખાવો પછીથી પેદા થયેલો છે. ગયા વર્ષે જ્યારે નરેન્દ્ર મોદીએ પક્ષની અંદર નીચેથી દબાણ પેદા કરીને પોતાને માટે રસ્તો કરી આપવા પહેલાં ગોવાની બેઠકમાં અને પછી દિલ્હીની બેઠકમાં પક્ષના સિનિયર નેતાઓને મજબૂર કર્યા ત્યારે એકલા લાલ કૃષ્ણ અડવાણીએ એનો વિરોધ કર્યો હતો અને ત્યારે ડૉ. જોશી ચૂપ રહ્યા હતા. એ સમયે સુષમા સ્વરાજે પણ લાલ કૃષ્ણ અડવાણીને ખૂલીને ટેકો નહોતો આપ્યો અને અડવાણી એકલા પડી ગયા હતા. વાસ્તવમાં પક્ષની અંદર ડૉ. જોશીને લાલ કૃષ્ણ અડવાણી માટે અસૂયા છે અને એ દાયકાઓ જૂની છે. ૧૯૮૯માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા પછી અડવાણી પક્ષના સર્વોચ્ચ નેતા બની ગયા હતા જે ડૉ. જોશી અને સુંદર સિંહ ભંડારી જેવા જનસંઘના વારાના સિનિયર નેતાઓ સહન કરી શક્યા નહોતા. અડવાણી પછી મુરલી મનોહર જોશી પક્ષના અધ્યક્ષ બન્યા હતા અને તેમણે પણ અડવાણીની સમકક્ષ પોતાનું કદ વિસ્તારવા કન્યાકુમારીથી કાશ્મીરની રથયાત્રા કાઢી હતી. એ રથયાત્રા ફ્લૉપ-શો જેવી રહી હતી અને એ સમયના વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે ડૉ. જોશીને વિમાનમાં બેસાડીને શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવાની વ્યવસ્થા કરી આપીને તેમનું નાક બચાવ્યું હતું. ડૉ. જોશીને સુષમા સ્વરાજ અને જશવંત સિંહ માટે પણ કોઈ ઊંચો આદર નથી, કારણ કે એ નેતાઓ બહારથી આવ્યા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી નથી આવ્યા.
ડૉ. જોશી વિદ્વાન છે અને તેઓ એમ માને કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિન્દુત્વની આઇડિયોલૉજી તેમનાથી વધારે કોઈ જાણતું નથી. ૧૯૯૬માં ૧૩ દિવસ માટે અને ૧૯૯૮થી ૨૦૦૪નાં વર્ષોમાં છ વર્ષ માટે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર રચાઈ ત્યારે તેઓ સિનિયર નેતા હોવા છતાં ધરાર તેમણે પ્રમાણમાં નીચેનું માનવ સંસાધન ખાતું માગ્યું હતું અને સંઘે જીદ કરીને તેમને એ ખાતું અપાવ્યું હતું. તેમનો ઇરાદો પાઠ્યપુસ્તકો દ્વારા પાછલે બારણેથી આવનારી પેઢીને હિન્દુ રાષ્ટ્રવાદી બનાવવાનો હતો અને એ કામ તેમણે સાતત્યપૂવર્ક કર્યું હતું. આ વખતે મુરલી મનોહર જોશીની ગણતરી એવી હતી કે વાજપેયી તો ઠીક, લાલ કૃષ્ણ અડવાણી કરતાં નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વવાદી છે એટલે તેઓ નરેન્દ્ર મોદીના આઇડિયોલૉગ અને સલાહકાર બની રહેશે. જે સ્થાન તેમને આટલાં વર્ષોમાં ક્યારેય નથી મળ્યું અને અડવાણી કરતાં હંમેશાં તેમને નીચા દેખાડવામાં આવ્યા છે એ સ્થાન કદાચ નવી સ્થિતિમાં તેમને મળી શકે એમ છે. એટલા માટે તો તેઓ લાલ કૃષ્ણ અડવાણીએ માગેલી ભોપાલની બેઠક નકારવામાં આવી ત્યારે પણ ચૂપ રહ્યા હતા. તેમની ધારણાથી ઊલટું હવે તેમને ખાતરી થઈ ગઈ છે કે તેમણે જે સપનાં જોયાં હતાં એ ઠગારાં સાબિત થવાનાં છે. ડૉ. જોશીના બળાપાનું ખરું કારણ આ છે.
મુરલી મનોહર જોશીનું ભ્રમનિરસન થવાનાં બે કારણો છે. નરેન્દ્ર મોદીએ પહેલાં ડૉ. જોશીની વારાણસીની બેઠક પોતાને માટે છીનવી લીધી હતી અને તેમને કાનપુર ખસેડ્યા હતા. ડૉ. જોશી અલાહાબાદના વતની છે અને અલાહાબાદમાં રાજકીય સંજોગો પ્રતિકૂળ બનતાં તેઓ ૨૦૦૯માં વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે તેમને કાનપુર જવું પડ્યું છે. મુરલી મનોહર જોશીએ એ અપમાન પચાવી લીધું હતું ત્યાં BJPના મૅનિફેસ્ટોના પ્રશ્ને વિવાદ થયો હતો. નરેન્દ્ર મોદીએ ડૉ. જોશીએ તૈયાર કરેલો ચૂંટણીનો મૅનિફેસ્ટો અક્ષરશ: ફગાવી દીધો હતો અને તેમણે વિઝન ગુજરાતનો તેમનો મુસદ્દો આપીને આદેશ આપ્યો હતો કે એના આધારે નવો મૅનિફેસ્ટો તૈયાર કરવામાં આવે. પોતાને વિદ્વાન આઇડિયોલૉગ સમજનારા અને પક્ષની નવી પેઢીના સલાહકાર બનવાનાં સપનાં જોનારા ડૉ. જોશીના મનોરથ રોળાઈ ગયા હતા. જ્યાં તેમના વિઝનનો કોઈ ખપ નથી ત્યાં તેમનો ખપ કઈ રીતે હોઈ શકે એ ન સમજાય એટલા ડૉ. જોશી મૂર્ખ નથી. તેમણે ગુજરાત મૉડલની સાર્વત્રિક ઉપયોગિતા વિશે સવાલ કર્યો છે એનું કારણ આ છે.
બીજી બાજુ લાલ કૃષ્ણ અડવાણીએ નવી સ્થિતિમાં જાત સાથે સમાધાન કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે નવી સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રચાશે અને તેઓ એમાં પક્ષ કહેશે એ ભૂમિકા ભજવશે. રાજકારણમાં દરેક પોતાની પ્રાસંગિકતા જળવાઈ રહે એ માટે પ્રયત્ન કરતા હોય છે. ડૉ. મુરલી મનોહર જોશીએ આવો પ્રયાસ કર્યો હતો અને હવે અડવાણી મન મનાવીને આવો પ્રયત્ન કરી રહ્યા છે.
સૌજન્ય : લેખકની 'કારણ-તારણ' કટાર, “મિડ-ડે” ગુજરાતી, 15 અૅપ્રિલ 2014