– આભને આંબવાની સ્પર્ધા – આમ કરીને ચારિત્ર, જ્ઞાન કે કર્તવ્ય ઊંચાઈ પ્રાપ્ત કરવાની નિષ્ફળતા ઉજાગર કરતા નથી ને?
ભારત વિશ્વના સૌથી ઊંચા પર્વત હિમાલયની ઓથે કુદરતના
કરિશ્માના કારણે વસ્યું છે. સૈકાઓથી હિમાલયનું શિખર અજીંક્ય રહ્યું હતું. જ્યારે હિલેરી અને તેન્સીંગે હિમાલય સર કર્યો ત્યારે ઘણા ભારતીયોને એક પ્રકારનો આંચકો લાગ્યો હતો, ત્યારથી આ બંને વિજેતાઓ વિશ્વભરના મીડિયામાં હિમાલયનાં શિખરોની વાત આવે તો અવશ્ય પ્રચારનું માધ્યમ બની જતા હતા. હિમાલયને કવિઓએ તો 'સંતરી હમારા પાસવાં હમારા' ગણાવ્યો છે.
અલબત્ત ચીનના લાલ શાસને જ્યારે ભારત-ચીન યુદ્ધમાં ભારતને પરાજિત કર્યું ત્યારે ભારતના સ્વાતંત્ર્ય યુદ્ધમાં જાહેર જીવનની ઘણી ઊંચાઈ પ્રાપ્ત કરી શકનાર જવાહરલાલ નેહરુએ અકલ્પ્ય ઘાવ અનુભવ્યો હતો, ઘણા માને છે કે એટલે જ એ આ આઘાત પછી તેઓ લાંબું ન જીવી શક્યા. પણ મનુષ્ય જ્યારે જ્ઞાન, ચારિત્ર્ય કે કર્તવ્યમાં આવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે એ ભૌતિક ઊંચાઈ સર્જી પોતાનું મન સંતોષે છે.
ભારતની જનતાનાં દિલોદિમાગમાં હિમાલય જે ભાવ અને વિચાર પ્રગટાવે છે, એવો ભાવ અન્ય રાષ્ટ્રવાસીઓનાં દિલમાં જન્માવતો નથી. પણ એ બધાને ભૌતિક ઊંચાઈ પ્રાપ્ત કરવી ગમે છે. એમાંથી જ મંદિર અને એના શિખરની. મિનારાની કે ઊંચા ભવ્ય મહેલાતો કે વિવિધ ઉપયોગવાળા વસવાટોવાળા ટાવર કે ઊંચી પ્રતિમાને હાંસલ કરવાની ઇચ્છા જાગૃત થાય છે. ખાસ કરીને જ્યારે મનુષ્ય ચારિત્ર્ય કે કર્તવ્યમાં ભવ્ય ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે ભૌતિક ઊંચાઈ કરવામાં લાગી જાય છે. કારણ એમ કરીને એનું મન સંતોષ મેળવી લે છે.
આજના વિશ્વમાં ચીનને ઊંચા ટાવર કે ગગનચૂંબી ઈમારતનો લગાવ લાગ્યો છે. પરિણામે વિશ્વની દસ ગગનચૂંબી ઈમારતોમાંથી પાંચ ગગનચૂંબી ઈમારતો ચીનમાં અત્યારે બંધાઈ રહી છે. આ પાંચમાંથી બેનું બાંધકામ ૨૦૧૪માં પૂરું થનાર છે. આમાંની એક 'શાંધાઈ ટાવર' બંધાઈ જશે ત્યારે ચીનની સૌથી ઊંચી ઈમારત બનશે. એની પાછળ પાછળ બંધાઈ રહેલ 'સ્કાય સિટી' પૂરી થશે ત્યારે એ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બનશે. પર્યાવરણની જાળવણી માટે શાંઘાઈ ટાવરમાં પુન:પ્રાપ્ય ઊર્જા અને ગગન બગીચા બનશે.
જ્યારે 'સ્કાય સિટી' ચીનના ઈજનેરી કૌશલ્યને વિશ્વભરમાં ઉજાગર કરશે. સ્કાય સિટીની ઇમારત ૮૩૮ મિટર ઊંચી હશે. આમ થશે તો વિશ્વની હાલની સંયુક્ત આરબ અમિરાતની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલિફા' કરતાં દસ મીટર ઊંચી ઈમારત બનશે. ટૂંકમાં વિશ્વની ઊંચી ઈમારતોનો ક્રમ કંઈક આવો રહેશે: સ્કાય સિટી (૮૩૮ મિટર) – ચીન, બુર્જ ખલિફા (૮૨૮ મિટર) – અબુધાબી, શાંઘાઈ ટાવર (૬૩૨ મિટર) – ચીન, ક્લોક રોયલ ટાવર (૬૦૧ મિટર) સાઉદી અરેબિયા – મક્કા, વન વર્લ્ડ ટાવર (પ૪૧ મિટર) અમેરિકા.
'સ્કાય સિટી સફળ થશે?' એવા સવાલના જવાબમાં ગેન્સ્લેરે જણાવ્યું કે, 'ના, એ નિષ્ફળ નહીં થાય કારણ એ ઊંચી ઈમારત નથી, પણ પિરામિડ ઢબે બંધાવાનું છે.' એક તરફ ઊંચી ગગનચુંબી ઈમારતની સ્પર્ધા છે તો બીજી તરફ ભારતમાં ઊંચી પ્રતિમાની સ્પર્ધા છે. ભા.જ.પ.ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નર્મદાના બંધ પાસે નદીનાં વહેણ વચ્ચે આવતા સાધુબેટ પર ૧૮૨ મિટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભારતની એકતાના પ્રતીક તરીકે ઊભી કરી રહ્યા છે અને એમણે આ કાર્ય પાર પાડવા 'બુર્જ ખલિફા' બાંધનાર ઈજનેરી પેઢીની સહાય લેવાનું ઠરાવ્યું છે.
૨૦૦૨માં ગુજરાતમાંના ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં વિકૃત વિભાજન કર્યા પછી હવે એકતા માટે સરદારની પ્રતિમા બાંધવાની ઘોષણા ઠેરઠેર કરી રહ્યા છે. સાથોસાથ રાહુલના 'નાના' જવાહરલાલ નેહરુને ઉતારી પાડવા માગે છે. કેવી છે ઇતિહાસની વિટંબણા વાજપેયી પ્રથમ વખત ભારતના મંત્રી બન્યા ત્યારે એમણે વિદેશી વિભાગ સંભાળ્યો ત્યારે આ જ જવાહરલાલ નેહરુની તસવીર પોતે પાછી મુકાવી હતી. ખેર માનવ સ્વભાવ જ એવો છે બીજી તરફ મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજીની ૧૯૦ મિટર ઊંચી (સરદાર કરતાં પાંચ મિટર વધુ) પ્રતિમા નરીમાન પોઈન્ટથી અઢી કિલોમિટર દૂર આવેલ ટાપુ પર બાંધી રહ્યું છે. પ્રથમ જૂની જગાએ પ્રતિમા મુકાવાની હતી ત્યારે એનો ખર્ચ રૂપિયા સો કરોડ અંદાજ્યો હતો.
પછી રૂપિયા પાંચસો કરોડ થયો અને હવે એક હજાર કરોડથી વધી જશે. આ પ્રતિમાનો ખ્યાલ ખ્યાતનામ સંસ્થા જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેકચરે તૈયાર કર્યો છે. શિવાજીની પ્રતિમાનું પેડસ્ટેલ અષ્ટકોણી શિવાજી મહારાજના રાજ્યના શાહી પ્રતીક જેવું બનશે. આ માટે પર્યાવરણીય મંજૂરીની વિવિધ પ્રક્રિયા શરૂ કરાઈ છે. અગાઉની ૯૮ મિટર (૩૨૧ ફિટ) પ્રતિમાનું આ નવું સ્વરૂપ છે. નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં કોઈ સમારંભમાં ગયા ત્યારે શિવાજીએ સૂરત લૂંટયું નહોતું એવું વિવાદિત વિધાન રાજકીય હેતુસર કરેલું. આ સિવાય પ્રતિમા અંગે કોઈ વિવાદ મહારાષ્ટ્રમાં નથી. ઈમારત અને પ્રતિમાની ઊંચાઈને બદલે ભારત ફરી જૂની બુદ્ધિ, ચારિત્ર્ય અને શાસન ક્ષેત્રે ઊંચાઈ પ્રાપ્ત કરે એવું કરીએ તો કેવું સારું?
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, જાન્યુઅારી 23, 2014)
http://www.divyabhaskar.co.in/article/ABH-article-of-sanat-mehta-in-editorial-4500682-NOR.html