પૃથ્વીના ઉત્તર-દક્ષિણ ગોળાર્ધો વિશેની સૂર્યની પુનરાવૃત્ત ગતિ સાથે વિષુવવૃત્તીય રેખાને સીધેસીધી નિસબત હોતી નથી. સૂર્યના દક્ષિણાયન કે ઉત્તરાયનથી ત્યાં ઋતુઓ બેસતી-ઊતરતી નથી. નથી હોતો ત્યાં ઉનાળો કે નથી હોતો શિયાળો. રોજ ઊના તાપનો બફારો ને રોજેરોજ વરસાદ.
ઉત્તરમાં કે દક્ષિણમાં, રાજ ઠંડીનું હોય કે ગરમીનું, એ કેન્દ્રસ્થ અગનરેખા ધરતીના સંપૂર્ણ ગોળા સાથેનું એનું થર્મોડાયનેમિક અનુસંધાન અલિપ્ત ભાવે, સહજ જ મહેસૂસ કરે છે, પણ કયારે ય એનો કશો ય દેખાડો નથી કરતી.
પરંતુ તેથી એ હકીકત બદલાતી નથી કે એ નિઃસ્પૃહ વિષુવવૃત્તીય વરસાદી જંગલોના ભેજ વિના ઉત્તર-દક્ષિણના ગોળાર્ધો કદી પોતપોતાનું ઉષ્ણતા-સંતૂલન જાળવી શકે નહીં.
આ જ્વલંત મધ્યરેખાનું કેન્દ્રસ્થ હોવું માત્ર જ સમસ્ત પૃથ્વીના સૂક્ષ્મતમ ધબકારોનો એને સતત એહસાસ કરાવી રહે છે. બરોબર એ રીતે, જે રીતે એક સંવેદનશીલ લેખક પોતાના સ્થળકાળના નિઃશ્વાસોને સતત પારખી-મૂલવી શકતો હોય છે. બરોબર એ રીતે, જે રીતે ડોકટરનું સ્ટેથોસ્કોપ માનવશરીરના ધબકારાને સાંભળી-સંભળાવી શકે છે.
વિષુવવૃત્તીય રેખાની પેઠે જ, લેખકને પણ પોતાના સમાજની પલ્સ જાણવા સારુ કે એ જાણ્યા બાદ, ઉત્તર કે દક્ષિણમાં કોઈ સત્તાસ્થાને કે ન્યાયાસને બેસવાની કે પોતાની શકિતનો દેખાડો કરવાની જરૂર પડતી નથી. એની સામાજિક નિસબત એની સર્જનાત્મક અને વૈચારિક અભિવ્યક્તિથી સમાજમાં સતત પ્રતિધ્વનિત થતી રહે છે, વિષુવવૃત્તના રેઈન ફોરેસ્ટના સતત વરસતા પાણીની પેઠે.
ને તેથી, ન્યાય અને સત્તાના આસને વીરાજનારાઓને જ લેખકના એ વૈચારિક રેઇન ફોરેસ્ટની નૈતિક ઊર્જાનો સામો ખપ પડે છે. બૌદ્ધિકોની આ પ્રચ્છન્ન સામાજિક ભૂમિકા, એ કોઈ પણ સભ્ય, સ્વસ્થ સમાજની સર્વકાલીન, સર્વસ્વીકૃત પરંપરા ગણાઈ છે.
પરંતુ આજે આપણા દેશમાં આ નૈસર્ગિક પરંપરાને તોડવા-વખોડવાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂકયો છે. લેખકને લખવું હોય તો લખે (સમાજને એનો ખપ નથી) એમ કહી એને સમાજના અંત્યજનો દરજ્જો અધિકૃત રીતે અપાઈ ચૂકયો છે. જાણે કે, કોઈ આકાશી આપખુદ સત્તાએ પૃથ્વીની વિષુવવૃત્તીય રેખાને ભૂંસી નાખવાના અબૂધ આદેશો આપ્યા છે.
વૈચારિક સ્વાતંત્ર્ય વિશેની આ નૈતિક કટોકટીની છાયામાં, સત્તા, સ્વાયત્તતા અને સર્જકતાને ત્રિભેટે ઊભેલા આપણા દેશના અનેક બૌદ્ધિકો, સાંસ્કૃિતક-સામાજિક કર્મશીલો, તથા કલાકારો અને સાહિત્યકારો ચિંતા, ભય અને ઘેરા અજંપાનો અનુભવ કરી રહ્યા છે.
એમને જે અનુભવાય છે તે ઉત્તર છેડાના મથાળે બેઠેલાઓ નથી તો અનુભવી શકતા, નથી સમજી શકતા કે નથી સમજવા ઇચ્છતા. તો દક્ષિણ કાંઠાની મહારાણીને પણ લોકગાયકના ગીતોના ફરિયાદી સૂરો કકર્શ લાગે છે.
સરવાળે, જેમને સત્તા, ધન, કે કીર્તિ સારુ ઉત્તર-દક્ષિણ કે ડાબે-જમણે વિહરવાનો શોખ નથી તેમને માટે આજના વિષમ કાળમાં મનોમન બળવા ને એકમેકને દિલાસા દેવા સિવાય જાણે બીજો ઉપાય બચ્યો નથી.
નવા વરસના પરોઢિયે આ દેશના પોલિટિકલ ડિસકોર્સની આ દશા સાચે જ દયનીય નથી?
મારા જેવા, વિષવવૃત્તીય રેખાના આ પ્રતીકથી પોતાના હૈયાઉકાળાની વાત માંડનારાઓ(કદાચ અતિસંવેદનશીલો)ને આજે લાગે છે કે અમારી જ ભાષાથી, અમારી જ કલમ વડે, અમારા જ કમ્યુિનકેશનનાં માધ્યમોની રાહેે, જાણે કે અમારી જ વાણીને અવળ પડઘાવીને અમને કેવળ ડિસેન્ટના દોષ બદલ સતત કોસવા-તરછોડવામાં આવી રહ્યા છે.
સાથોસાથ એવા પણ સ્પષ્ટ સંકેતો ચોરે ને ચૌટે છાનામાના આવજા કરતા ભળાય-સંભળાય છે કે ભાઈ, તમારા વિચારને તમે સમાધાનની કળ વડે ’પોલિટિકલી કરેકટ’ છંદોલયમાં વાળી-વણી નથી લીધો જો, તો તમારા જ ભાઈઓ તમારા મુશાયરાના સમાપનનું કાવતરું ઘડવાના છે એટલું યાદ રાખજો. સમજદાર વાચકોને ’જીવન એક મુશાયરો છે’ એવો આ સંકેતનો ભાવાર્થ કરવાની પણ છૂટ છે.
વિષુવવૃત્તના પ્રતીક તરફ પાછા ફરીએ તો કહી શકીએ કે કથિત ’ઇન્ટોલરન્સ ડિસકોર્સ’ને અવળે પાટે ચડાવવા આજે ’ટ્રોપિકલ જંગલોમાં દુષ્કાળ પડ્યા’ જેવી કે ’વિષુવવૃત્ત પર બરફ જમા થયા’ની કપોલકલ્પિત અફવાઓ ફેલાવવામાં આવી રહી છે! ઊંડાને છીછરા તરીકે ને છીછરાને ઊંડા રૂપે સર્ટિફાય કરવામાં આવી રહ્યા છે. બૌદ્ધિકોની બોલી લગાવાઈ રહી છે! અવોર્ડ-વાપસીની ઠેકડી કરવા ’પરત નહીં કરવાની શરતે’ એવોર્ડ-લ્હાણી કરાઈ રહી છે. પાંચપચાસ છદ્મબૌદ્ધિકોના વેચાયાની વાતના વજનિયા વડે સ્વસ્થ ડિસકોર્સના ત્રાજવા ત્રાંસા કરવામાં આવી રહ્યા છે!
પણ એમ કાંઈ રાજકારણની સોયથી સૂર્યની ઘડિયાળ બદલી બદલાઈ નથી કે બદલાશે નહીં. વિષુવવૃત્તીય સ્થળો પરથી જ જેમ સમગ્ર બ્રહ્માંડનું સૌથી સચોટ નિરીક્ષણ થઈ શકે છે, તે જ રીતે દેશદુનિયાના સુજ્ઞ, વિનમ્ર, ઓછાબોલા બોદ્ધિકો પાસે જ આજના અને આવતીકાલના રાજકીય આકાશને જોવાનું ટેલીસ્કોપ હોય છે, અને લેખકો-કલાકારોની વાણી જ નાગરિકોના ઘડતરની પાઠશાળા રચે છે એ સત્ય સત્તાના સાગરિતોએ વીસરવું ન જોઈએ.
ડૉ. ગણેશ દેવીની વખતસરની પહેલને પગલે અમે થોડાક મિત્રો નવેમ્બરમાં પૂના, કોલ્હાપુર અને ધારવાડના ટૂંકા પ્રવાસે ગયા હતા.
નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને પ્રોફેસર કલબૂર્ગીની હત્યાની ભોંય ઉપર જઈ, તેમના સ્વજનોને મળી, અઢાર મહિનાના ટૂંકા ગાળામાં બનેલી આ સિરિયલ વારદાતો વિશે જાતતપાસ કરવી એવો ખ્યાલ હતો.
પાંચ દિવસનો આ પ્રવાસ મનને અત્યંત વિચલિત કરી ગયો. સહિષ્ણુતા શબ્દની છૂટે મોંએ વેરવિખેર વ્યાખ્યાઓ કર્યા કરતા રાજ અને મીડિયા સાથે જોડાયેલા દેશના કથિત પ્રવકતાઓ પ્રત્યેની ચિંતા બેવડાઈ. તેથી દેશ વિશેની ફિકર પણ વધી. અને નાગરિક તરીકેનાં વ્યકિતગત લાચારી અને અસહાયતાના નાનામોટા અનુભવો વધુ ઘેરા બની રહ્યા. લેખક-કલાકાર તરીકેની મારી આંતરચેતના ઉપર આ તમામ થપાટોના તીવ્ર આઘાતો વર્તાયા.
દક્ષિણાયન પ્રવાસના આરંભે તો હજી મનમાં પરિષદ પ્રમુખની ચૂંટણી અને પ્રમુખની ભૂમિકા વિશેના વૈધાનિક વિચારો મનમાં ઘોળાતા હતા. મુંબઈથી મદ્રાસ વચ્ચેના દક્ષિણ ભારતનાં અનેક ગામો, નગરોના અગાઉ ખેડેલા પ્રવાસોનાં સ્મૃિતચિત્રો સાથે આ વિચારો અફળાઈ રહ્યા હતા.
તો ઓગસ્ટ ૨૦૧૩થી ૨૦૧૫ વચ્ચેના અઢાર મહિનાઓ દરમિયાન પૂણેથી ધારવાડ સુધીના દખ્ખણી લોકજીવનને હચમચાવી દેનાર એક જ બંદૂકના ત્રણ ધડાકાઓ પણ દિમાગના ખૂણાઓમાં ફરીફરી પ્લેબૅક થઈ રહ્યા હતા.
પૂણે-કોલ્હાપુર-ધારવાડ-પૂણે એ ક્રમમાં યોજેલી ચાર જાહેર સભાઓ દરમિયાન અમે વિચલિત દેશવાસીઓના જિજ્ઞાસુ ઉત્સાહને અનુભવી શક્યા. આ સભાઓનાં ચર્ચા-પ્રશ્નોત્તરી દરમ્યાન તથા લેખકો, કલાકારો, કર્મશીલો, વૈજ્ઞાનિકોના અલગ જૂથો સાથેની વિચારણામાં જે મુદ્દાઓ વારંવાર પડઘાતા રહ્યા તે પૈકી ગુજરાત મોડેલનો મુદ્દો પ્રમુખ હતો.
ગુજરાત મોડેલ લાંબા સમયથી દેશવિદેશમાં એક યુટોપિયન આશાવાદના પ્રતીકરૂપે ચીતરાતું રહ્યું છે. પરંતુ ’દક્ષિણાયન’ દરમિયાન અમે આ આશાવાદને આશંકાવાદમાં પલટાવો શરૂ થઈ ચૂકેલો જોયો.
આ પરિવર્તનના મૂળમાં ત્યાંના ત્રણ બૌદ્ધિક શહીદોના જીવંત વિચારો અને શબ્દોનું બળ હતું તે પણ સમજાયું.
દાભોલકરના વ્યકિતત્વનો પાનસરેના વ્યકિતત્વ સાથે તો પાનસરેના વિચારોનો કલબૂર્ગીના વિચારો સાથે ને કલબૂર્ગીના વલણોનો સુમેળ દાભોલકરના વ્યાખ્યાનોમાં પડઘાતો આ ત્રણેય પ્રાંતોના વિચારશીલ નાગરિકો સ્પષ્ટ વર્તી ચૂકયા હતા. અને મહાત્મા ગાંધીને વીંધીને નીકળી હતી તે જ આ બૂલેટો હતી એ કળવું કોઈને માટે હવે અઘરું રહ્યું નહોતું.
પાંચ દિવસના વૈચારિક આદાનપ્રદાન દરમ્યાન મારા મનમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સ્વાયત્તતા આંદોલન તથા પરિષદપ્રમુખની ચૂંટણીના લોકલ ચિત્રો દક્ષિણાયનને આ રાષ્ટ્રીય દ્રશ્યો સાથે સહજ સંકળાતાં રહ્યાં.
એટલું સ્પષ્ટ થયું જ કે દક્ષિણ હો કે ઉત્તર, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની, દેશ આજે સમાન માનસિકતાવાળા સંવેદનહીન શાસકોના સકંજામાં છે.
લેખક-કલાકારની સ્વાયત્તતા આજે ભયમાં છે. ભય ફેલાવવાના તરીકા સમાન છે. શબ્દોના અર્થો, વિચારોનાં અર્થઘટનો અને પરિભાષાઓની વ્યાખ્યાઓ બદલી નાંખો. અસહમતીને ડામી દઈને સર્વાનુમતિ સિદ્ધ કરો. અવાજ કરે તેને ઈનામ આપો. ઈનામ ન સ્વીકારે તેને બદનામ કરો.
પણ જે લોહીમાં લેખક છે, જે હાડમાં કલાકાર છે તે અનર્થના ઉખાણાં રચવામાં કયારે ય જોડાશે નહીં. જયોર્જ ઓરવેલિયન એનિમલ ફાર્મમાં પલટાતા આ દેશને મનુષ્યોના સભ્ય સમાજમાં પુનઃ પરિવર્તિત કરવાની જવાબદારી આ લેખકોની છે, આ કલાકારોની છે.
* * *
મકર તરફ સરતા સૂર્યની ગતિને લલકારતા અમે સુપરફાસ્ટ રેલમાર્ગે ઘેર પાછા આવ્યા ત્યારે ફરી સહેજ ઠંડીનો ચમકારો અનુભવાયો. પરિષદના ભૂજ સંમેલનમાં દક્ષિણાયનની વાતો લઈને જવાનું મનમાં હતું પણ નલિયા ત્રણ ડિગ્રીએ ઠરતું વાંચીને અમદાવાદમાં જ ઠરવાનું ઠેરવ્યું.
મિત્રોએ ભૂજ સંમેલનના સમાચાર આપ્યા. સ્વાયત્તતા આંદોલનના વડોદરા સંમેલન દરમ્યાન જે બિલ્લા-બેનર સાથે ઓરમાયો વર્તાવ થયેલો તે જ સ્વાયત્તતા આંદોલનનો બિલ્લો દિલે ધરી કવિશ્રી સિતાંશુ યશશ્ચંદ્રે પરિષદના ભૂજ સંમેલનમાં હાજરીના ખબરથી મનને રમૂજી ગરમાવો મળ્યો.
એક જ વિચાર સાથેનો આવો દ્વિવિધ વ્યવહાર જેમ પેલા સ્વાયત્તતાના પ્રતીકવાહક બિલ્લાને તેમ મારા જેવા સ્વાયત્તતાના આશિક લેખકને પણ દિગ્મૂઢ કરી રહે છે. વૈચારિક આંદોલનો દરમિયાન હંમેશાં જ કેમ એના ભાવનાત્મક પ્રતીકોનું બીજાત્રીજા ચહેરાઓમાં કલોનિંગ થવા માંડે છે? પણ પ્રતીકોનાં ત્રણ કે તેત્રીસ કલોનિંગ ભલે થાય, જે લેખકો, કલાકારો સ્વાયત્તતા આંદોલનનાં મૂળમાં રહેલા અજેય સત્યને પીછાણે છે તેમણે પીછેહઠ કરવાને સ્હેજેય કારણ નથી. વિષુવવૃત્તના રેઇન ફોરેસ્ટની પેઠે, સચ્ચાઈની ઊર્જામાંથી જ સત્તાનો હિમાલય ઓગાળવાની પ્રેરણા એમને સતત મળતી રહેશે.
પછી ભલે ને એમની સામે સત્તાની શાહીથી સાહિત્યલેખન કરવા નીકળેલાઓનો ભાગ્યેશ ગમે એટલો બળવાન હોય, કે કાગળના ઇન્દ્રરાજના દિલમાં ભલે એવો ભ્રમ હોય કે એમને પરિષદ અને અકાદમી નામની બબ્બે પટરાણીઓ સેવવાનો પરવાનો મળી ગયો છે તેથી હવે તેઓ વસંતોત્સવ ઉજવીને જ રાજીનામું આપવાના હશે તો આપશે!
* * *
ભૂજ સંમેલનના ભણકારા શમ્યા ન શમ્યા, ને સૂર્યનું દક્ષિણાયન એના અંતિમ તબકકામાં પહોંચી ચૂકયું ત્યાં તો વળી નવા પતંગોના દૃશ્યોની સાથોસાથ મારું બે વરસ પુરાણું એક સપનું સાચું પડ્યાના ખબર મળ્યા.
દિલ્હીના રાજપરિવર્તનના અરસામાં મને જાગતાં સપનું આવેલું કે હવેનો જ્ઞાનપીઠ ગુજરાતને મળશે. સપનામાં જે બે નામો આવેલાં તેમાંનું એક રઘુવીર ચૌધરીનું હતું, બીજું સિતાંશુ યશશ્ચંદ્રનુંં. મારા આ નવીનવાઈના સપનાને મેં બે વરસ દરમ્યાન મિત્રો સાથે આગાહીરૂપે અનેક વાર વહેંચ્યું છે. એટલે એમને સમાચાર મળતાવેંત બપોરે રમણ સોનીએ ફોન ઉપર વધામણી આપી કે સ્પર્ધાનો અંત આવ્યો. રમણભાઈએ ઉમેર્યું કે એમણે તરત રઘુવીરને અભિનંદનનો ફોન પણ કર્યો. મેં ફોન ન કરીને મારા સપનાને જશનું અધિકારી ગણ્યું.
નિરીક્ષકે સ્ટોપ-પ્રેસે એના લઘુકાલીન સંપાદક રઘુવીરને અભિનંદન આપ્યા એમ રમણભાઈએ કયા રઘુવીરને અભિનંદન આપ્યા એ મારે પૂછવાનું બાકી છે. જો કે પ્રત્યક્ષીયમાં એનો ખુલાસો થશે એની મને ખાતરી છે.
જો કે મને એે વાતની ય પાકી ખાતરી છે કે ગુજરાતી ભાષા-સાહિત્યના ખરા ચાહકો તથા એના જાણતલ અભ્યાસીઓનાં સ્વપ્નો સાથે મારા આ સાચા પડેલા સપનાનો તાલમેળ બેસતો નથી.
જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતી લેખકોની યાદીમાં ઉમાશંકર- પન્નાલાલ- રાજેન્દ્ર પછી રઘુવીરનું નામ એ દેખીતો વ્યુત્ક્રમ છે. ઉચ્ચ માનદંડોની આમ નાની થતી લીટીઓ એ મોટી ચિંતાનું કારણ છે એવું સહદેવસૂઝથી હું કહીશ. આજે નહીં તો કયારે કહીશ? જેમને એમાં વિવેક ખોવાતો જણાય તેમને પણ કહીશ કે ભાન ગુમાવવા કરતાં ટાંકણે વિવેકને કોરાણે મૂકવામાં ખરાઈ છે, દોસ્તો.
પરિસંવાદોના ટેબલ ઉપર કે સામયિકોની બ્લેક-એન્ડ-વ્હાઇટ ચર્ચાને માર્ગે આ હકીકત સિદ્ધ કરવી સ્હેજે અઘરી નથી એવો ગુજરાતનાં નાનામોટા તમામ લેખકોને મારો ખુલ્લો પડકાર છે.
જ્ઞાનપીઠ વિજેતા રઘુવીરને હું મારા ફોર્મલ અભિનંદન માત્રને પાત્ર પણ ત્યાં સુધી ગણી શકવાનો નથી જ્યાં સુધી એ મગનું નામ મરી પાડ્યા વિના સ્વાયત્તતા અને પારદર્શકતા જેવા સાહિત્યિક સંસ્થાઓ વિશેનાં પાયાનાં મૂલ્યોને મુત્સદ્દી ખલ વડે પીસતા રહીને ગુજરાતના લેખક અને વાચક સમુદાયને સમાવેશી સત્તાના રોચક ઓસડિયા પીવા-પીવડાવવાનું ઊંટવૈદું બંધ નહીં કરે.
* * *
છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન ભારતીય સમાજ પરના આંતર્દેશીય અને આંતરરાષ્ટ્રીય બજારોનાં આક્રમણોને પગલે દેશની બધી જ ભાષાઓનાં મૌલિક સાહિત્યને સહન કરવાનું આવ્યું છે. કથિત ગુજરાત મોડેલના આક્રમક વિકાસનો સૌથી મોટો ફટકો ગુજરાતી ભાષા-સાહિત્યને પડયો છે.
ભાષા-સાહિત્યનું વર્તમાન ગુજરાતી મોડેલ ઉમાશંકર, મુનશી, મેઘાણી કે સુરેશ જોષી ચારમાંથી એકેયના ગુજરાતી મોડેલ સાથે મેળ ધરાવતું નથી એ વાત ગુજરાતી સાહિત્યના તમામ પ્રવાહો સાથે છેલ્લાં ત્રીસ વર્ષોથી સઘન રીતે જોડાયેલા એક સક્રિય લેખક હોવાના દાવે હું અચૂક કહીશ. રઘુવીર આવા એક કંતાઈ ચૂકેલા સાહિત્યિક મોડેલના ઉદ્દગાતા છે.
આ એ જ ત્રીસ વર્ષો છે જે દરમ્યાન સાહિત્યકાર રઘુવીરનું સ્થાન મુત્સદ્દી રઘુવીરે ઝૂંટવી પાડ્યું. સાહિત્યકાર તરીકેના રઘુવીરના બાયોડેટામાં આ ત્રણ દાયકા દરમ્યાન એમની જ અગાઉની કૃતિઓની તોલે ઊભી રહી શકે એવી કૃતિઓ જવલ્લે જ મળી છે.
* * *
આ લેખ પ્રગટ થશે ત્યારે મકરસંક્રાંત સૂર્ય ઉત્તર ભણી ગતિમાન થઈ ચૂકયો હશે. ઉત્તરનો આખો ય પ્રદેશ મકરના સૂર્યની ઊર્જાને અને એના ઉજ્જવળ પ્રકાશને ત્યાંની સમસ્ત પ્રજાના લોકશાહી અધિકારો પરત્વે કેવી જાગૃતિ બક્ષે છે તે તો આવનારો કાળ દેખાડશે.
પણ પેલી મનોમન બળતી ને અનરાધાર વરસતી વિષુવવૃત્તીય રેખા એના વરસાદી જંગલોમાં સતત પ્રાણ પૂરતી રહેશે. એ શ્રદ્ધાનું બળ ગુજરાતના અને દેશના લેખકો તથા કલાકારોને લખવાનું, ગાવાનું, ચીતરવાનુું ને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું બળ પૂરું પાડશે એ વિશે આશ્વસ્ત છું.
e.mail : naikparesh@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 13-15